તમારા માટે, તમારી સાથે, સતત…

કચ્છની એકલનારીઓની શક્તિ ઃ દીકરીઓને બનાવી ગૌરવવંતી

તે પોતાની બી.એસ.એફ.ની પરીક્ષા અંગે વાત કરતાં કહે છે,

0 1,403

૨૧મી સદીના બે દાયકાઓ વીતી ગયા હોવા છતાં કચ્છનાં ગામડાંમાં રહેતી મહિલાઓને રૃઢિઓ અને પરંપરાઓને માન આપીને જીવવું પડે છે. તેમાં પણ જો મહિલા એકલી હોય તો સમાજ તેની દરેક હરકત પર બાજનજર રાખે છે. કન્યા કેળવણીનું પ્રમાણ પણ આવા જ કારણસર ઓછું છે. આવી સ્થિતિમાં કોઈ વિધવા કે છૂટાછેડા લીધેલી એકલનારી પોતાની દીકરીઓને સારામાં સારું ભણતર આપીને માત્ર પોતે જ નહીં, પણ આખો સમાજ તેના પર ગર્વ અનુભવી શકે તેવી કારકિર્દી ઘડવા પ્રોત્સાહિત કરે તે ખૂબ જ આશ્ચર્યજનક છતાં પ્રેરણાદાયી ઘટના છે. કચ્છનાં ગામડાંની અનેક યુવતીઓ ભણે છે, આગળ પણ વધે છે, પરંતુ એકલી, અભણ માતાના આધારે રહેતી કોઈ યુવતી પોલીસ કે બી.એસ.એફ.માં ભરતી પામે તેની નવાઈ સૌને લાગે છે. સરહદી અબડાસા તાલુકાના નાનકડા ગામ તેરામાં રહેતી સેજલ ગઢવી છૂટાછેડા લીધેલાં દંપતીનું સંતાન છે. માતા અને એક બહેન સાથે રહીને મોટી થયેલી સેજલ આજે બી.એસ.એફ.ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ છે. સેજલ વાત કરતાં કહે છે,

“મારી માતાએ ખૂબ જ મુશ્કેલી વેઠીને અમે બે બહેનોને મોટી કરી છે. હું નાની હતી ત્યારથી મારી માતા મને કહેતી, ‘મને દીકરો હોત તો હું ચોક્કસ દેશની રક્ષા કાજે ફોજમાં મોકલત.’ અને મારા નાના કહેતા, ‘આ ગામમાં કોઈ છોકરી ભણી નથી એટલું ભણજે. અમને તારા પર ગર્વ થાય તેવું કામ કરજે.’ માને અને નાનાને જવાબ આપતાં હું કહેતી, ‘હું તમે કહો છો તેટલું જરૃર ભણીશ. હું જ તમારો દીકરો છું. હું ફોજમાં જરૃર જઈશ. તમારા બંનેનાં સપનાં પૂરાં કરીશ.’ તેમની ઇચ્છા પૂરી કરવા માટે જ મેં બી.એસ.એફ. જોઇન કર્યું છે. અત્યારે તો હું તેની ટ્રેનિંગના કૉલની રાહ જોઉં છું, આ તો મારી મંજિલનો પહેલો મુકામ છે. મારે ખૂબ આગળ વધીને મારી માતાનાં સપનાંની પૂર્તિ કરવાની છે.”

તે પોતાની બી.એસ.એફ.ની પરીક્ષા અંગે વાત કરતાં કહે છે, ‘સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાતી આ પરીક્ષા આમ તો બહુ અઘરી હોય છે. અમને અમારા ગામના એક નિવૃૃત્ત ફોજી ભાઈએ મદદ કરી અને માર્ગદર્શન આપ્યું. ક્યા પુસ્તકો વાંચવા તેની સમજ આપી. હું તેમની સલાહ મુજબ ખૂબ વાંચવા લાગી. હું સવારે ૪ વાગે ઊઠીને વાંચતી, પછી ઘરનું કામ કરીને ફરી વાંચતી અને સાંજે સિલાઈ કામમાં મારી મમ્મીને મદદ કરતી. ત્યાર પછી ફિઝિકલ એક્ઝામ હતી. તેમાં ૧૬૦૦ મીટરનું અંતર દોડીને ૮ મિનિટમાં પૂરું કરવાનું હતું. આ માટે પ્રેક્ટિસની જરૃર હતી. હું અને મારા મમ્મી સવારના પાંચ વાગે મારા ગામ પાસેથી પસાર થતાં હાઈવે પર પહોંચી જતા. ત્યાં દોડવાનું શરૃ કરતી. લગભગ ૮ વાગ્યા સુધી દોડતી, તેવી જ રીતે સાંજના પણ હું પ્રેક્ટિસ કરતી. રોજના બધું મળીને ૧૬ કિ.મી. જેટલું દોડતી. ત્રણેક મહિનાની પ્રેક્ટિસના પરિણામે ૧૬૦૦ મીટરનું અંતર મેં માત્ર સાત મિનિટમાં જ કાપ્યું હતું. ત્યાર પછી મેડિકલની ટેસ્ટ પણ મેં સહેલાઈથી પાસ કરી હતી. આ ટેસ્ટ ગાંધીનગરમાં હતી. સળંગ ૪૮ કલાકની ટેસ્ટ હતી. મમ્મી મારી સાથે આવ્યાં હતાં, પરંતુ તેને તો ગેટની બહાર જ બેસવું પડ્યું હતું સતત બે દિવસ. હવે મારે ગ્વાલિયર, જમ્મુ કે સિલોન્ગમાં ટ્રેનિંગ માટે જવાનું થશે. હું જનરલ ડ્યૂટી ‘ને સબઇન્સ્પેક્ટર જનરલ ડ્યૂટીમાં સિલેક્ટ થઈ છું. મેં મારાં મમ્મી અને નાનાનું સપનું પૂરું કર્યું, તેનો મને ગર્વ છે. મારાં મમ્મીએ મારા માટે ખૂબ હાડમારી સહન કરી છે. તેથી તેનું સપનું હવે મારું બની ગયું છે.’

Related Posts
1 of 55

સેજલનાં માતા વર્ષાબહેન પોતાની વાત કરતાં કહે છે, ‘હું ૧૯ વર્ષની હતી અને મારા છૂટાછેડા થઈ ગયા હતા. જોકે ગઢવી સમાજની ઉજળી બાજુ એ પણ છે કે બાળઉછેરમાં દીકરા-દીકરીનો ભેદ જોવાતો નથી. દીકરી કે મહિલાને દેવી માનીને તેને આદર અપાય છે. આથી જ જ્યારે મારે એકલે હાથે, નાની ઉંમરે બે દીકરીઓનો ઉછેર કરવો પડ્યો ત્યારે મારા સગાઓએ અને સમાજે મને માનસિક સધિયારો આપ્યો હતો. જોકે ભણતરનું બહુ મહત્ત્વ નથી. હું માત્ર બે મહિનાની હતી ત્યારે મારી સગાઈ થઈ ગઈ અને ધો. ૧૦ની પરીક્ષાને માત્ર ૨૯ દિવસ બાકી હતા ત્યારે મારાં લગ્ન થઈ ગયાં અને ભણવાનું છૂટી ગયું. મેં મનમાં નક્કી કર્યું હતું કે મારે મારી દીકરીઓને દીકરાની જેમ જ ઉછેરવી, તેમને ભણાવવી અને સારી કારકિર્દી તેમને આપવી. આથી જ જ્યારે સેજલે એક દીકરાની જેમ રક્ષક દળમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે મને ખૂબ આનંદ થયો. દીકરી બી.એસ.એફ.માં નોકરી કરશે, તેથી તેનાં લગ્નમાં પણ વિઘ્ન આવશે. અત્યારે પણ તેના માંગા આવે છે, પરંતુ મારે લગ્ન માટે તેની કેરિયરથી તેને અલગ કરવી નથી. તેને તો હજુ ટ્રેનિંગ લેવાની પણ બાકી છે. આગળ ખૂબ લાંબો પંથ કાપવાનો બાકી છે. ‘

આવો જ કિસ્સો નખત્રાણા તાલુકાના નાના નખત્રાણા ગામનાં મગીબહેન બડિયાનો છે. આ મહિલા અનુસૂચિત જાતિની છે. માત્ર ૩૪ વર્ષની વયે ચાર દીકરીઓ અને પાંચમું બાળક ગર્ભમાં હતું ત્યારે તેના પતિનું ઓમાનમાં હાર્ટઍટેકથી મૃત્યુ થયું હતું. થોડું ભણેલી મહિલા પણ હિંમત હારી બેસે તેવી કપરી પરિસ્થિતિમાં આ અભણ મહિલાએ હિંમતભેર પોતાનાં પાંચેય સંતાનોને ઉછેર્યાં, ભણાવ્યાં, ગણાવ્યાં ‘ને બે દીકરીઓને પોલીસ કોન્સ્ટેબલ પણ બનાવી. પોતાની માતા અંગે વાત કરતાં પોલીસ કોન્સ્ટેબલ તરીકેની તાલીમ મેળવતી મગીબહેનની મોટી દીકરી જયશ્રી મારૃ જણાવે છે કે, ‘મારાં માતા નિરક્ષર છે. મારા પિતા ગુજરી ગયા ત્યારે હું ૧૪ વર્ષની હતી. મારી માતાએ આવી કપરી સ્થિતિમાં હિંમત હાર્યા વગર પોતે ખેત મજૂરી કરીને અમને ઉછેર્યાં છે. હું નખત્રાણા વધુ ભણવા માટે જવા લાગી ત્યારે અમારા સગાઓ અને ગામજનોએ ખૂબ વિરોધ કર્યો હતો, પરંતુ મારાં માતા પોતે જરા પણ ભણ્યા ન હોવા છતાં તેને ભણતરના મહત્ત્વનો ખ્યાલ હતો. હું બી.એ., પી.ટી.સી.નું ભણી છું. જ્યારે મારી બીજી બહેને આઇ.ટી.આઇ. કર્યું છે. ત્રીજી બહેન નિશા બી.એ. ભણીને પોલીસ કોન્સ્ટેબલની ટ્રેનિંગ લઈ રહી છે. ચોથી બહેન બી.એ. કરી રહી છે. તેને શિક્ષિકા બનવું છે. જ્યારે ભાઈ ધો. ૮માં ભણે છે.’ જયશ્રીનાં લગ્ન પણ થઈ ગયા છે. તેના પતિ નિખિલ મારૃ શિક્ષક છે. સાસરિયા તેને પોલીસની કપરી ટ્રેનિંગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે.

આ બે એકલનારીઓએ પોતાની દીકરીઓને ભણાવીને, પુરુષો પણ જે ક્ષેત્રમાં જવા માટે કચવાય તેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક આપીને એ સાબિત કર્યું છે કે હિંમત હાર્યા વગર કપરી પરિસ્થિતિનો સામનો કરીને પણ દીકરીઓને ભણાવીને તેમને ઉચ્ચ કારકિર્દી અપનાવવાની પ્રેરણા આપવાથી જે ફળ મળે તે ગૌરવવંતું હોય છે.

Leave A Reply

Your email address will not be published.

Translate »