તમારા માટે, તમારી સાથે, સતત…

સમાજનો એક એવો ભાગ, જેની પાસે અવાજ છે, પણ કોઈ સાંભળનારું નથી

દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિએ એક કાર્યક્રમનું આયોજન

0 416
  • મુકામ મુંબઈ – લતિકા સુમન

સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકર દર વર્ષે પોતાના પિતાજી માસ્ટર દીનાનાથ મંગેશકરની પુણ્યતિથિએ એક કાર્યક્રમનું આયોજન કરે છે, જેમાં તે વિવિધ કલાકારોને સન્માનિત કરવાનું કામ કરે છે. આ વર્ષે લૉકડાઉનની સ્થિતિને કારણે આ કાર્યક્રમનું આયોજન ન થઈ શક્યું, પરંતુ તેમણે એ કાર્યક્રમના આયોજનની ધનરાશિ સોશિયલ વર્કર અને તેમનાં બાળકો માટે કામ કરતી સંસ્થા પ્રેરણા ટ્રસ્ટને આપી.

૨૪ એપ્રિલ, ૧૯૪૨નો દિવસ. સમય હતો સવારના  ૧૧ વાગ્યાને ૨૦ મિનિટનો. એ દિવસે માસ્ટર દીનાનાથ મંગેશકરે પુણેમાં છેલ્લો શ્વાસ લીધો હતો. સમગ્ર વિશ્વમાં આઝાદીની ચળવળ ચરમસીમા પર હતી. દેશના જનજીવનમાં ઊથલપાથલ સર્જનારો વિપરીત સમય હતો. કેટલાય પરિવારો વિખૂટા પડ્યા હતા. ભાવનાઓ અને લાગણીઓને કોઈ સ્થાન નહોતું. કોઈ નજીક આવી રહ્યું હતું તો કોઈ દૂર જઈ રહ્યું હતું. એવા સમયમાં સૂરોના બાદશાહ તેમના છેલ્લા શ્વાસો લઈ રહ્યા હતા. તેમણે પહેલા જ ભવિષ્ય વાણી કરી હતી કે ૨૪ એપ્રિલ,૧૧ઃ૨૦નો સમય જો ચૂકી ગયો તો લાંબી જિંદગી જીવીશ. પત્ની શેવંતી પોતાના પાંચ બાળકોને નિહારતી ઈશ્વરને અરજ કરી રહી હતી કે આજનો સમય ચૂકી જાય અથવા ભવિષ્ય જ ખોટું સાબિત થાય, પણ આવું થવું ક્યાં સંભવ હતું. સ્વરોના આ બાદશાહના કંઠમાંથી નીકળેલા શબ્દો ક્યારે ખોટા નથી ઠર્યા તો પછી એમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી તો કેવી રીતે ખોટી સાબિત થવાની હતી.

માસ્ટર દીનાનાથ મંગેશકરે પોતાની દીકરી લતાના ગાયનથી પ્રભાવિત થઈને તેને આશીર્વાદ આપ્યા હતા કે તારા ગળામાં ગંધાર છે. જેનો ગંધાર પરફેક્ટ લાગે છે તેની પાસે ક્યારેય લક્ષ્મીનો અભાવ નથી જોવા મળતો. એ સમયે લતા નવ વર્ષની હતી. શું નવ વર્ષની એ દીકરીને અંદાજો હતો કે તેના પિતાએ આપેલા આશીર્વાદ એક દિવસ સાચા પડશે. આજે એ જ લતા નેવુંની ઉંમર વટાવી ચૂકી છે. દેશ અને વિદેશમાં તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે. લતા મંગેશકર દર વર્ષે પોતાના પિતાની પુણ્યતિથિ ઊજવે છે. આ વર્ષે પણ માસ્ટર દીનાનાથની ૭૮મી પુણ્યતિથિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં નામી કલાકારોને સન્માનિત કરવાનું આયોજન હતું, પણ આ વર્ષે ૨૪ એપ્રિલે પુણ્યતિથિ મનાવવાનું શક્ય ન બન્યું કારણ કે આજનો માહોલ કોઈ અદૃશ્ય યુદ્ધથી ઓછો નથી. દરેક નાગરિક એક યોદ્ધાની પેઠે પોતાના જીવન સાથે લડી રહ્યો છે. કોરોના વાઇરસને કારણે દેશની સ્થિતિ પણ યુદ્ધજનક દેખાઈ રહી છે. આ સ્થિતિમાં લતા મંગેશકરે માનવીય અભિગમ અપનાવ્યો. તેમણે સેક્સવર્કર સાથે કામ કરનારી પ્રીતિ પૈ-પાટકરની પ્રેરણા સંસ્થાને પોતાના તરફથી દસ લાખ અને દીનાનાથ મંગેશકર પ્રતિષ્ઠાન તરફથી પાંચ લાખની મદદ કરી છે. પોતાની મહેનતથી કમાયેલી લક્ષ્મીનો હંમેશાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો છે અને પોતાના પિતાએ આપેલા આશીર્વાદનું એક રીતે માન રાખ્યું છે. ‘અભિયાન’ સાથે ફોન પર વાત કરતા લતા મંગેશકરે કહ્યું કે, દેશની સ્થિતિ ચિંતાજનક છે. દરેક વ્યક્તિ પોતાના ઘરે રહે અને આ પરિસ્થિતિનો સામનો કરે તે જરૃરી છે. મને દુઃખ તો છે કે અમે આ વર્ષે પિતાજીની પુણ્યતિથિ હંમેશાં જે રીતે ઉજવીએ છીએ એ રીતે ન ઉજવી શક્યા, પરંતુ હું આશા રાખું છું કે સ્થિતિ જલદી જ પૂર્વવત બનશે અને અમે બાબાની પુણ્યતિથિ ઉજવીશું. લતાજીએ આગળ ઉમેર્યું કે, મેં પ્રેરણા સંસ્થાના કામ વિશે સાંભળ્યું તો હતું, પણ હું ક્યારેય પ્રીતિને મળી નહોતી. આવા સમયે આપણે એકબીજા સાથે માનવીય અભિગમ બતાવીએ એ આપણી જવાબદારી છે.

પ્રીતિ પૈ-પાટકરે લતાદીદીનો આભાર વ્યક્ત કરતાં ‘અભિયાન’ને કહ્યું કે, આજની સ્થિતિ ખૂબ ભયાનક છે, પણ લતાદીદી જેવી કેટલીક હસ્તીઓ છે જે અમારા કામને જોઈને અમારી સંસ્થાને મદદ કરે છે. આપણા સમાજમાં બહુ મોટો બદલાવ આવ્યો છે.

પ્રેરણા સંસ્થાની સ્થાપના વર્ષ ૧૯૮૬માં મુંબઈના કમાઠીપુરા રેડલાઇટ વિસ્તારમાં થઈ હતી. અહીં જ્યારે સેક્સવર્કર સાથે પ્રેરણા સંસ્થાએ કામ કર્યું ત્યારે સેક્સ વર્કરો માટે સૌથી મોટી સમસ્યા હતી કે રાત્રે ધંધાના સમયે બાળકોને ક્યાં રાખવામાં આવે. ત્યારે પ્રેરણા સંસ્થાએ અહીં બાળકો માટે પારણાઘર શરૃ કર્યું. અહીંનાં બાળકો માટે કૅરટેકર રાખવામાં આવે છે, જે આખી રાત બાળકોને સંભાળે છે. સવારે બાળકોની માતા તેમને લઈ જાય છે. ધીરે-ધીરે બાળકો માટે શાળાકીય અભ્યાસ કરાવવાની અને કૉલેજમાં મોકલવાની શરૃઆત કરવામાં આવી. આજે અહીંના બાળકો મોટા થઈને નોકરી કરવા લાગ્યા છે. કેટલાંકનાં લગ્ન થઈ ગયાં છે. કોઈએ પોતાની માતાને આ દેહવિક્રયના વ્યવસાયમાંથી બહાર કાઢી છે. આ બાળકો હવે પોતાની વ્યક્તિગત જિંદગી પોતાની રીતે જીવી રહ્યા છે. તેઓ હવે એ જગ્યાએથી બહાર છે જ્યાં તેમની માતાઓને જબરદસ્તી ધકેલવામાં આવી હતી.

Related Posts
1 of 319

પ્રીતિએ જણાવ્યું કે, જ્યારે અમે કામ શરૃ કર્યું ત્યારે એ કામ ન થવું જોઈએ એવો કેટલાંક લોકોનો મત હતો. તેમનું કહેવું હતું કે એ લોકોની જિંદગી છે અને તેમના માટે આવું કોઈ કામ ન થઈ શકે એવું કહીને કેટલાક લોકોએ આ સેક્સવર્કરોને અલગ પાડી દીધા હતા, પણ આજે સમાજમાં તેમના કામને સ્વીકૃતિ મળી છે. મોટી-મોટી હસ્તીઓ તેમનાં બાળકો તરફ ધ્યાન આપી રહી છે. સેક્સવર્કરને પણ સમાજનો જ એક ભાગ માનવામાં આવી રહ્યા છે. આજે હવે તેમને અલગ દૃષ્ટિકોણથી નથી જોવામાં આવતા. આજે કોવિડ ૧૯એ દેશ અને વિશ્વને બાનમાં લીધું છે એવા સમયે લતાદીદી જેવી કેટલીક વ્યક્તિઓએ અમને સામેથી ફોન કરીને અમારા કામની નોંધ લીધી છે અને મદદ કરી છે. તેમની આ મદદનું મૂલ્ય રૃપિયામાં આંકી શકાય એમ નથી. તેમની આ ભાવના રૃપિયાથી અનેકગણી અમૂલ્ય છે. તેમની મદદથી સમાજમાં એક સંદેશો જાય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાની મદદ કરવી કેટલી જરૃરી છે. ખાસ કરીને એવા લોકોની મદદ કરવી જરૃરી છે, જેમની પાસે અવાજ તો છે, પણ તેને સાંભળનારું કોઈ નથી. આપણે તેમને સમાજથી અલગ પાડી દીધા છે, તેમની જરૃર હોય ત્યારે આપણે તેમનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે જરૃર ન હોય ત્યારે આપણે તેમને ઇગ્નોર કરીએ છીએ. તેથી જ જ્યારે મને પંડિત હૃદયનાથ મંગેશકરનો ફોન આવ્યો ત્યારે મને મારી જાતને સંભાળવામાં થોડી ક્ષણો લાગી. મને લાગ્યું કે તેઓ મને કેવી રીતે ફોન કરી શકે. તેમણે કહ્યું કે હું હૃદયનાથ વાત કરી રહ્યો છું ત્યારે મેં તેમની સાથે વાતો કરી, પણ જ્યારે તેમણે માસ્ટર દીનાનાથ મંગેશકરનું નામ લીધું તો થોડી ક્ષણો માટે હું વિસ્મય પામી ગઈ. મને ખ્યાલ જ નહોતો કે હું જેમની સાથે વાત કરી રહી છું તે હૃદયનાથ મંગેશકર છે. ફરીથી તેમનો ફોન આવ્યો ત્યારે તેમણે કહ્યું કે લતાદીદી તમારી સાથે વાત કરવા માગે છે, શું તમે વાત કરશો. મને એક ક્ષણ માટે તો લાગ્યું કે કેટલી નમ્રતા છે તેમની વાતોમાં અને દીદી સાથે વાત કરવા માટે કોણ ના પાડી શકે. જ્યારે હું લતાદીદીને તેમણે કરેલી મદદ માટે ધન્યવાદ આપી રહી હતી ત્યારે તેમણે મને કહ્યું કે આ તેમની જવાબદારી છે. તેમણે મારા કામને લઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો ન કર્યા. તેમણે એટલું જ કહ્યું કે અમે તમારા કામને સમજીએ છીએ અને પ્રશંસા કરીએ છીએ. એ સમયે લતાદીદીની વાતો પરથી એવું લાગી રહ્યું હતું કે એ ના તો દાતાના રૃપે વાત કરી રહ્યા હતા કે ના તો હું એ દાન લેનારી વ્યક્તિની ભૂમિકામાં હતી. અમે એકબીજા સાથે અમારી જવાબદારીઓથી જોડાયેલા હોઈએ એવું લાગતું હતું.

આ જ રીતે અચાનક કોઈ ફોન આવ્યો હોય અને તમને આશ્ચર્ય થયું હોય કે થોડી ક્ષણો માટે ભાન ભૂલી ગયા હો એવો કોઈ અનુભવ થયો છે એવો પ્રશ્ન જ્યારે પ્રીતિને કર્યો તે તેમણે કહ્યું કે એકવાર મારે ઉતાવળ હતી. નાસ્તો કરીને મારે ડબ્બો ભરીને સેન્ટર પર પહોંચવાનું હતું. એ સમયે એક ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ કહ્યું કે હું સુધા વાત કરી રહી છું. મેં એમને કહ્યું કે બોલો, હું તમારી શું મદદ કરી શકું. તેઓ મને મારા કામ વિશે પૂછી રહ્યા હતા. હું તેમને જવાબ આપી રહી હતી. જ્યારે થોડીવાર પછી મને જાણ થઈ કે તેઓ ઇન્ફોસિસ ફાઉન્ડેશનમાંથી સુધા મૂર્તિ વાત કરી રહ્યા છે ત્યારે થોડા સમય માટે તો હું અવાચક જ બની ગઈ. અમારું કામ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા સાથે જોડાયેલું નથી. તેથી અમે આ કામને સામાજિકરણ નામ આપ્યું છે. આ જવાબદારી સમગ્ર સમાજની જવાબદારી છે, કારણ કે આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ. જ્યારે એક વ્યક્તિ સામેથી ફોન કરે ત્યારે આ જવાબદારી સાર્થક ઠરતી લાગે છે.

‘અભિયાને’ પૂછ્યું કે જે બાળકો પ્રેરણા સાથે જોડાયેલા હતા, તેઓ હવે નોકરી કરી રહ્યા છે, હાલમાં તેમની શું સ્થિતિ છે? ત્યારે પ્રીતિએ જણાવ્યું કે અમે કમાઠીપુરા, ફોકલૅન્ડ રોડ અને વાશીમાં જે સેક્સવર્કર મહિલાઓ કામ કરી રહી છે તેમની સાથે કામ કરી રહ્યા છે. જ્યારે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે આ મહિલાઓ પાસે આઠ-દસ દિવસ ચાલે તેટલા રૃપિયા હતા. તેમણે અલગથી મૂકી રાખ્યા હતા અથવા જમા કરી રાખ્યા હતા, પણ ૧ એપ્રિલથી તેમના માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની ગયું. અમે તેમને અનાજની કિટ આપી છે. આ કિટમાં લોટ, ચોખા, દાળ, બટાકા, ડુંગળી વગેરેનો સમાવેશ થાય છે. આ મહિલાઓ સ્ટવ પર ભોજન બનાવે છે તેથી ઘાસલેટ લેવા માટે તેમની પાસે પૈસા નથી અથવા ઘાસલેટ બ્લેકમાં મળતું હશે તેથી સમયસર નહીં મળતું હોય. એ મહિલાઓ કહે છે, સામાન તો મળી રહે છે, પણ બીજી બધી વસ્તુઓનું શું. કોઈ ને કોઈ તો એવી ચીજ હોય છે જેના માટે પૈસાની જરૃર પડે જે તેમની પાસે નથી. પછી સેન્ટરમાં જે બાળકો છે તેમની સાથે વાત કરવા માટે મોબાઇલ રિચાર્જ નથી. કોઈને તો ફોન કરવાની જરૃર પડતી હશે, કારણ કે મોબાઇલ હવે લક્ઝરી નથી રહી. જરૃરિયાત બની ગઈ છે. તેથી અમે એવી ચાર મહિલાઓ રાખી છે, જેમના મોબાઇલથી એ લોકો વાત કરી શકે, પણ આ ચાર મહિલાઓ બધા સુધી નથી પહોંચી શકતી. અમે આ કામમાં એટલા વ્યસ્ત હતા કે જેના કારણે યુવાઓનું જે ગ્રૂપ છે, જેમાં અઢાર વર્ષ કે તેનાથી ઉપરના બાળકો છે, તેમને અમે અમારી સાથે નથી રાખી શકતા, આ નિયમ છે. તેઓ અમારી સંસ્થામાં નથી. જ્યારે મેં તેમને મેસેજ કર્યો કે તેમને કોઈ વસ્તુની જરૃર છે તો એ બાળકોએ જણાવ્યું કે અમે એકબીજાને સંભાળી રહ્યા છીએ. તમે અમારી ચિંતા ન કરશો. આ મેસેજ વાંચીને મને આનંદ થયો. આ બાળકોને એકબીજાને પોતાની જવાબદારી માની રહ્યા છે અને એકબીજાની ચિંતા કરી રહ્યા છે. બાળકોમાં આ બદલાવ કેવી રીતે આવ્યો છે એવો પ્રશ્ન જ્યારે પ્રીતિને કર્યો તો તેમણે જવાબ આપ્યો કે તેની પાછળ પ્રોગ્રામ્સ એક્ટિંગ જવાબદાર છે. અમે આ પ્રોગ્રામ પર ખૂબ ભાર મૂક્યો છે. અમે હંમેશાં શાળા, કૉલેજ અને પ્રોપર એજ્યુકેશન સાથે વર્કશોપ પર પણ ભાર મૂકીએ છીએ. આ વર્કશોપને કારણે તેમનામાં બદલાવ આવતો ગયો છે. પહેલાં તેઓ પોતાને કે પોતાની માતાને દોષી માનતા. હવે તેમનામાં આ ભાવના નથી જોવા મળતી. અમે હંમેશાં પારદર્શક રહ્યા છીએ. ક્યારેય કોઈ પણ પ્રકારની વાતો છુપાવવામાં નથી આવી. જો કોઈ મળવા આવે તો ચાઇલ્ડ પ્રોટેક્શન પૉલિસીને ધ્યાનમાં રાખીને સેક્સ વર્કર મહિલા અને બાળકોનો આદર કરીને બાળકોને મળવા દેવામાં આવ્યા. બાળકોને તેમની સુરક્ષા કેટલી મહત્ત્વની છે તે સમજાવવામાં આવી.  સાથે જ તેમના રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેન્ક એકાઉન્ટ વગેરે વાતોનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. આપણે સૌ એક જ સમાજ સાથે જોડાયેલા છીએ એ વાતનો અહેસાસ કરવામાં આવ્યો. અમે ક્યારેય કોઈ વાતે પાછા ન પડ્યા. કોઈ ને કોઈ વિષય કે માધ્યમથી બાળકો સાથે જોડાયેલા રહ્યા. તેમને રેડલાઇટ એરિયા વિશે વાત કરવાનું પસંદ નહોતું તો અમે તેમની સાથે એ વિશે વાત નહોતા કરતા. તેઓ જ્યારે સામેથી એ અંગે વાત કરતા ત્યારે અમે તેમની સાથે એ અંગે વાત કરતા. તેમની ભાવનાઓનો આદર કર્યો. આ રીતે તેમનામાં બદલાવ આવ્યો. આજે તેઓ એટલા સક્ષમ છે કે તેઓ એકબીજાને સંભાળી રહ્યા છે.

આ ૩૪ વર્ષમાં કેટલાં બાળકો સંસ્થા સાથે જોડાયેલા રહ્યા એ વાતનો જવાબ આપતા પ્રીતિ કહે છે કે જો તમારી અપેક્ષા લાખોમાં આંકડો સાંભળવાની હોય તો અમે એટલું મોટું કામ નથી કર્યું. બાળકોને અમે નાનામાં નાની મદદ કરી છે. તેમના કૅરટેકરથી લઈને સૌએ ધ્યાન રાખ્યું છે. પચાસ હજાર બાળકોને મદદ કરવામાં કોઈ ને કોઈ કમી રહી હશે, પણ અમારી પાસે એટલું ભંડોળ નહોતું. કેટલીકવાર અન્ય સંસ્થાઓની મદદ લેવી પડી. પછી પોલીસ જે મહિલાઓને રેસ્ક્યુ કરે તેમની બાળકીઓની સાથે કામ કર્યું તેઓ જ્યારે વસતીગૃહમાં રહે છે ત્યારે તેમની જરૃરતોને પૂરી કરી. નવી મુંબઈ વાશીમાં અમારું એક વસતીગૃહ છે, જ્યાં રેસ્ક્યુ કરેલા બાળકોને રાખવામાં આવે છે.

આ બાળકોને શાળાકીય દિવસોમાં કે યુવાવસ્થામાં પ્રવેશ કરતી વખતે કોઈ માનસિક પ્રોબ્લેમ થાય છે ખરો એવો પ્રશ્ન જ્યારે પૂછ્યો તો પ્રીતિએ જણાવ્યું કે, હા, થાય છે. તેમની માતાના જીવનમાં જે વ્યક્તિ હોય છે તેનાથી એ બાળકોને નફરત થઈ જાય છે. મારી માતા અન્ય વ્યક્તિ સાથે કેમ સમય વીતાવે છે, શું અમારું મહત્ત્વ નથી વગેરે જેવા પ્રશ્નો તેમના દિમાગમાં ચાલતા રહે છે. તેમની માતા લાલ બત્તી એરિયામાં રહે છે, પરંતુ તેઓ સેક્સવર્કર છે એવું આ બાળકો સ્વીકારી નથી શકતા. તેઓ સ્વીકારવા માગતા નથી. પછી તેમને થયેલા લૈંગિક અનુભવો, જેને આપણે બળાત્કાર ન કહી શકીએ, પણ એવી ઉંમરમાં કોઈએ એમના કોઈ અંગો પર હાથ લગાવ્યો હોય અથવા અપમાનજનક શબ્દો કહ્યા હોય આવા બધા પ્રશ્નો તેમને સતાવતા રહે છે. સૌથી ગંભીર સમસ્યા એ છે કે જ્યારે તેઓ જ્યારે વસતીગૃહમાં હોય છે ત્યારે શરૃઆતના દિવસોમાં તેમને તેમની માતા મળવા આવે છે પછી અચાનક આવવાનું બંધ કરી દે છે. બાળકો ચાર-પાંચ વર્ષ તેમની માતાની રાહ જુએ છે, પણ તેમની માતા પાછી નથી ફરતી. અમે તેમની માતાને શોધી પણ નથી શકતા. માતા અચાનક મળવા આવવાનું બંધ કરી દે છે, પોતાના બાળકને કશું કહ્યા વિના જતી રહે છે એ આઘાત બાળક માટે સૌથી મોટો હોય છે. બાળક સતત એમ વિચારે છે કે તેમની માતા જીવે છે કે નહીં અને જો જીવતી છે તો તે મળવા કેમ નથી આવતી.

આ બાળકોનું લગ્ન પછીનું જીવન કેવું હોય છે એ પ્રશ્ન જ્યારે કરાયો ત્યારે પ્રીતિએ કહે છે, અમે બાળકોને પહેલેથી જ કહી દઈએ છીએ કે તમારે તમારા પાર્ટનરને તમારા વિશે બધું જ જણાવી દેવાનું. કાલ ઊઠીને જો તેમને ખબર પડશે કે તમારી માતા સેક્સવર્કર હતી તો આગળ જઈને તમને પરેશાની થશે. તેથી કેટલાક બાળકો સાચું જણાવી દે છે, પણ તેમનું જીવન સુખમય વીતે છે એવું ન કહી શકાય, કેમ કે નોર્મલ જીવનમાં પતિપત્ની વચ્ચે જે સમસ્યા ઊભી થાય એ જ સમસ્યાઓ તેમની વચ્ચે પણ ઉદ્ભવે છે. જોકે તેઓ પોતાની સમસ્યા પોતાની રીતે જ ઉકેલી દે છે. તેઓ અમારી પાસે નથી આવતા. આ ઉપરાંત જ્યારે જરૃર પડે ત્યારે પ્રેરણા સંસ્થાના કાર્યકર્તાઓ પરિવાર સાથે વાત કરે છે ત્યારે તેમનામાં એક પ્રકારનો ડર પણ રહે છે કે આ બાળકો અનાથ નથી. પ્રેરણા સંસ્થા તેમનો પરિવાર છે. પ્રીતિએ જણાવ્યું કે પ્રેરણા સંસ્થામાં નવાં નવાં બાળકો આવતાં રહે છે, કારણ કે આ વ્યવસાયમાં નવી નવી મહિલાઓ પણ આવતી રહે છે. આ સાંભળીને એવો વિચાર આવે કે આ બધું ક્યારે અટકશે.
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »