તમારા માટે, તમારી સાથે, સતત…

વસુંધરાની બરબાદીના સુધાર માટે સિંહાવલોકનની ક્ષણ

માનવી માટે હાલમાં સૌથી મોટી સમસ્યા માનવી દ્વારા પેદા કરવામાં આવતો કચરો છે

0 420
  • કોરોના ઇફેક્ટ – વિનોદ પંડ્યા

માનવી માટે હાલમાં સૌથી મોટી સમસ્યા માનવી દ્વારા પેદા કરવામાં આવતો કચરો છે. અગાઉ કચરાનું સર્જન કરે તેવા આયામો ખાસ ન હતા. પચાસ વરસ અગાઉ પૃથ્વી પરની તમામ પ્રવૃત્તિઓની વ્યવસ્થિત સાઇકલ (ચક્ર) ચાલતી હતી. આજે પુષ્કળ અને નાશ ના કરી શકાય તેવો કચરો મબલખ પેદા થાય છે. માનવીએ આજે પ્લાસ્ટિકની વ્યવસ્થા એટલી હદે આત્મસાત કરી છે કે તેનો ઉપાય અશક્ય જણાવા માંડ્યો છે, પરંતુ આજે અમુક લોકો વર્તુળાકાર અર્થશાસ્ત્રનું જૂનું મૉડેલ નવેસરથી રજૂ કરી રહ્યા છે, જેમાં સાધનો અને સંસાધનોનો ફરી ફરીથી સદાને માટે ઉપયોગ કરવામાં આવે છે, જેને તેઓ વર્તુળાકાર (સરક્યુલર) ઇકોનોમી (અર્થતંત્ર) કહે છે.

દરેક જણ સ્વીકારે છે કે કોરોના સંકટે જીવન પ્રત્યેના તેઓના વિચાર બદલાવી નાખ્યા છે. લોકો પૃથ્વી અને પ્રકૃતિને તબાહ કરવા નીકળી પડ્યા હતા. વસુંધરાનું સમતોલન જે હદે બગાડ્યું હતું તેનું સિંહાવલોકન કરવાની માનવીને ફરજ પડી છે. જે નવા વિચારો જન્મ્યા છે તેને આચારમાં મૂકે તો સારું અને આ માત્ર સ્મશાન-વૈરાગ્ય બનીને ના અટકી જાય.

જે પશુ પક્ષીઓએ શહેરો અને ગામડાંને પણ જાકારો આપી દીધો હતો તે હવે ફરીથી દેખાઈ રહ્યાં છે. મુંબઈમાં હેંગિગ ગાર્ડન અને તેની નજીક પારસીઓની ખારેઘાટ કોલોનીમાં હરણો સડક પર આવીને બેસી ગયાં. આસામ અને કેરળમાં હરણો સડક પર આવીને બેસી ગયાં. આસામ અને કેરળમાં નગરો વચ્ચેથી હાથીઓ પસાર થવા લાગ્યા. કેરળના કોઝીકોડે શહેરમાં ઝરખના કદનું અને લાંબી નીચી ડોક ધરાવતું સિવેટ નામનું બિલાડી વંશનું પ્રાણી રાજમાર્ગો પર આવી ગયું. લોકોએ તેના વિષે વાતો સાંભળી હતી. હમણા પ્રથમ વખત જોયું. ગંગા, જમુના અને વિશ્વની નદીઓનાં જળ સ્વચ્છ બની ગયાં છે. સમુદ્રમાં સપાટી નીચે તરતી વિરાટ માછલીઓની ડ્રોન દ્વારા તસવીર લઈ શકાય છે. વેનિસની નહેરો સ્વચ્છ સ્વચ્છ બની. સમજાય કે રોજના ધોરણે માણસ કેટકેટલો વિનાશ વેરે છે. કાગડા, બુલબુલ, હરિયાળ, ચકલી, કાબરો, ગીધ જેવાં પક્ષીઓ ગાયબ થઈ ગયાં છે. માણસ જેટલો ચાલાક, સ્વાર્થી અને પૃથ્વીનો દુશ્મન બીજો કોઈ જીવ નથી. ગાયો, સમુદ્રના કાચબા, માછલીઓ વગેરેને પ્લાસ્ટિક ખાતાં કરી દીધાં. પ્લાસ્ટિકથી તેને ખૂબ આર્થિક ફાયદો થાય છે, પણ મૂરખ બદલામાં શું શું ગુમાવે છે તેનું તેને ભાન નથી. જળાશયો, નદીઓને રિચાર્જ કર્યા વગર આડેધડ વેડફાટ કરે. ખોરાક અને તમામ સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ અને તેનાં સતત પુનર્જીવનની વ્યવસ્થા માનવી નહીં કરે તો કોરોનાથી પણ ભયંકર સંકટો નજીકના દાયકાઓમાં જ આવવાના છે. કોરોના તેની ચેતવણીરૃપે આવ્યો છે. માણસે શું કરવું જોઈએ અને વાસ્તવમાં શું કરી રહ્યો છે તે વિગતપૂર્વક તપાસવા જેવું છે.

માનવી માટે હાલમાં સૌથી મોટી સમસ્યા માનવી દ્વારા પેદા કરવામાં આવતો કચરો છે. અગાઉ કચરાનું સર્જન કરે તેવા આયામો ખાસ ન હતા. પચાસ વરસ અગાઉ પૃથ્વી પરની તમામ પ્રવૃત્તિઓની વ્યવસ્થિત સાઇકલ (ચક્ર) ચાલતી હતી. આજે પુષ્કળ અને નાશ ના કરી શકાય તેવો કચરો મબલખ પેદા થાય છે. વેફરો, નાસ્તા, ઠંડા પીણા, પેકિંગ દરેકમાં પ્લાસ્ટિકનો વપરાશ. પ્લાસ્ટિકે પૃથ્વીની સમતુલાનું ચક્ર તોડી નાખ્યું છે. કપાસ, શણની થેલીઓ, વાંસ અને ઝાડનાં પાનની ટોપલીઓ, સૂંડલા, માટલાં, સાંબેલા તમામ ખાતર બનીને પૃથ્વી સાથે ભળી જતાં હતાં. ફરીવાર પૃથ્વી નવઅંકુરિત થતી. આજે પ્લાસ્ટિક ખાડામાં, ખેતરમાં કે કચરાના પહાડોમાં ગયું પછી તેનું કશું જ થતું નથી. સેંકડો વરસ સુધી તે પ્લાસ્ટિક જ રહે છે. જૈવિક અને નૈસર્ગિક ચક્ર અહીં તૂટી પડે છે.

માનવીએ આજે પ્લાસ્ટિકની વ્યવસ્થા એટલી હદે આત્મસાત કરી છે કે તેનો ઉપાય અશક્ય જણાવા માંડ્યો છે. માણસ ભૂલી ગયો છે કે ૫૦ વરસ અગાઉ આપણે પ્લાસ્ટિક વગર જ જીવતા હતા. ખૂબ સસ્તું છે તેથી ઉપયોગ પણ બેફામ થાય છે, પરંતુ આજે અમુક લોકો વર્તુળાકાર અર્થશાસ્ત્રનું જૂનું મૉડેલ નવેસરથી રજૂ કરી રહ્યા છે, જેમાં સાધનો અને સંસાધનોનો ફરી ફરીથી સદાને માટે ઉપયોગ કરવામાં આવે છે, જેને તેઓ વર્તુળાકાર (સરક્યુલર) ઇકોનોમી (અર્થતંત્ર) કહે છે. નજીકના ભવિષ્યમાં આવનારી પ્રચંડ દુર્ઘટનાઓને ટાળવા માણસે તેને અપનાવવી જ પડશે, જે રીતે તાળાબંધી અર્થાત લૉકડાઉનને અપનાવવું પડ્યું છે. અન્યથા વિનાશ નક્કી છે.

પ્રથમ અન્ન અથવા ખોરાકની વાત કરીએ. અનાજ, ખોરાકના વપરાશ અને વેડફાટ વિશે લોકોને સંયમમાં રાખવાનું મુશ્કેલ છે. માર પડે છે તો પણ લૉકબંદીમાં ફરવા નીકળી પડે છે, તો જમવાની બાબતમાં તો આખી વ્યવસ્થા જ ધરમૂળથી બદલવી પડે.

ખોરાકની બાબતમાં સંયમ જાળવવાની ખૂબ જરૃર છે. લિઝ ગોડવીન નામનાં પંડિતા ‘વર્લ્ડ રિસોર્સિઝ ઇન્સ્ટિટ્યૂટ’ સંસ્થા ચલાવે છે. દસેક વરસ અગાઉ એમણે ‘વેસ્ટ (કચરો) એન્ડ રિસોર્સિઝ (સંસાધનો) એક્શન પ્રોગ્રામ હાથ ધર્યો હતો. ખોરાકના બગાડ વિશે તેમણે પ્રથમ વખત મહત્ત્વનું અને મોટું સંશોધન હાથ ધર્યું હતું. સંસ્થાએ બ્રિટનનાં ૨૨૦૦ જેટલાં કુટુંબોનો સરવે કર્યો હતો જેમાં આ કુટુંબોએ સંશોધકોને છૂટ આપી હતી કે તેઓ કુટુંબના કચરાની તપાસ કરી શકે અને વપરાયા વગરના કે અધૂરા વપરાયેલાં ખોરાક કે તેના પેકેટોનું વજન કરી શકે. સંશોધનનાં જે પરિણામો આવ્યાં તે ચોંકાવનારાં હતાં.

ઘણા ભાગના કુટુંબોએ રેપરમાં વીંટાળેલાં આખેને આખા ચિકન ફેંકી દીધાં હતાં. તેઓ જે સલાડ ખરીદતાં કે તૈયાર કરતાં તેમાંનું અરધું અને ફળોમાંના ચોથા ભાગનાં કચરાપેટીમાં પધરાવી દેતાં હતાં. માત્ર બ્રિટનમાં વરસના ચાર લાખ ટન બટાટા ફેંકી દેવાતા હતા. આજે તે પ્રમાણ વધ્યું હશે. બ્રિટનની વસતિ છ કરોડથી વધુ છે. આ સિવાય કરિયાણાની થેલીઓ ખરીદતાં હતાં તેમાંની ૩૩ ટકા, પ્રત્યેક ત્રણમાંથી એક, કચરો માનીને ફેંકી દેતાં હતાં.

અભ્યાસોમાં એ પણ ક્રમશઃ જાણવા મળ્યું કે આવો વૈભવી વેડફાટ માત્ર બ્રિટનની જ પ્રજા કરતી નથી. જગતભરમાં ત્રીજા ભાગનો ખોરાક વેડફવામાં આવે છે. તેમાંય અમેરિકનો અને યુરોપિયનોને તો વિચાર્યા વગર જ અનાજ-ખોરાક ફેંકી દેવાની આદત પડી છે. દુનિયામાં વરસે ૭૫ લાખ કરોડ (રિપીટ ૭૫ લાખ કરોડ) રૃપિયાનો ખોરાક જગતમાં ફેંકી દેવાય છે. ભારતનું કુલ અર્થતંત્ર આ રકમથી માત્ર અઢી ગણાથી થોડું મોટું છે. એક ગોરું દંપતી વરસોથી પૃથ્વીનો પ્રવાસ કરે છે. તે રેસ્ટોરાંમાં જમવાને બદલે લોકોની કચરાપેટી ફેંદીને પોતાને માટે ખોરાક મેળવી લે છે. ખૂબ ઓછા પૈસામાં પ્રવાસ થાય, પણ દરેકને આ રીત પસંદ ના પડે. કહેવાનો મતલબ એ કે કચરાપેટીમાં એટલો ખોરાક હોય છે કે પતિ-પત્નીનું ગુજરાન ચાલી જાય. તેઓના પર એક ડોક્યુમેન્ટરી પણ બની છે. તેઓ કહે છે કે, ઘણા લોકોએ તંદુરસ્ત ફળોનાં બોક્સ ફેંકી દીધાં હોય તે તેઓને મળે.

સંશોધનોનાં પરિણામો બાદ સંસ્થાએ ‘લવ ફૂડ હેઈટ વેસ્ટ’ (ખોરાકને પ્રેમ કરો. બગાડ પ્રત્યે નફરત રાખો) નામનું એક અભિયાન શરૃ કર્યું. સ્ત્રીઓને ખોરાકની જાળવણી અને બચાવની ટિપ્સ આપવામાં આવી. બ્રેડ વાસી ના થાય તે માટે તેને ટોસ્ટમાં ફેરવવી, વાસી બ્રેડને પણ ટોસ્ટમાં ફેરવી શકાય વગેરે. ગ્રોસરીના દુકાનદારો અને પેકેજ્ડ ફૂડની નિર્માતા કંપનીઓને સમજાવવામાં આવ્યું કે આ ચીજ કેટલા સમયની અંદર (મહિનો, બે મહિના) આરોગી જવી તે સૂચના બોલ્ડ અક્ષરોમાં, સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે લખવી. આપણે ત્યાં અને અનેક મૂડીવાદી દેશોમાં આવી વિગતો ફરજિયાતપણે લખવી પડે તેથી નરી આંખે વાંચી ના શકાય તેવડા ઝીણા અક્ષરોમાં અનેક સૂચનાઓ અને વિગતોનાં ઝૂમખાંમાં ક્યાંક ખૂણે ગોઠવી દેવામાં આવે છે. આથી અમુક સમય વીતી ગયા બાદ ઉપભોક્તા એ ચીજ વાપરે ત્યાં એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય અને ગ્રાહક તે ફેંકી દે. ભારતમાં અશિક્ષિત લોકોને વાંચતા ના આવડે. આવડે તો પાસે દૂરબીન કે ચશ્મા ન હોય તેથી ચાલી જાય. ગ્રોસરી સ્ટોર્સના માલિકોને તે વાત શિખવાડવામાં આવી કે ‘એક પર બીજી ચીજ ફ્રી’ની વેચાણ વ્યવસ્થા ખાદ્ય સામગ્રીની બાબતમાં ના અપનાવે, કારણ કે તેનાથી ઘરમાં મફત આવે, પણ બિનજરૃરીપણે આવે, જે અંતે ગાર્બેજમાં ફેંકવામાં આવે. આ બધી પ્રવૃત્તિઓનું સુંદર પરિણામ આવ્યું. ચાર વરસ બાદ બ્રિટનના ખોરાક-વેડફાટના પ્રમાણમાં વીસ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો.

ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાએ જર્મનીમાં પોતાને અને પોતાની કંપનીની ટીમને જે અનુભવ થયો હતો તે લખ્યું છે. તેઓએ એક રેસ્ટોરાંમાં જરૃર કરતાં વધુ ઓર્ડર આપ્યો હતો. ખોરાક પડી રહ્યો તો બિલની સાથે વધારાના દંડની રકમ પણ ભરવી પડી. જર્મનીમાં ખોરાકનો બગાડ કરવો તે ગુનો છે.

ભારતમાં લગ્નપ્રસંગે ખૂબ બગાડ થાય.  અગાઉના સમયમાં લોકો ખૂબ આગ્રહ કરીને પીરસતાં તેથી બગાડ થતો અને હવે બુફેમાં પૂરતાં કાઉન્ટરો ના રાખ્યા હોય તેથી બગાડ વધે છે, કારણ કે પહેલી વખત ડિશ ભરવા લાંબી લાઈન લાગે. ફરીવાર લાંબી કતારમાં, ધક્કામુક્કીમાં ચાલવું ના પડે. (ઘણી વખત આપણી આગળવાળો રિવર્સ ગિયરમાં પાછી મારે. આપણી ડિશ સાથે અફળાય. બુફેમાં જમતાં જમતાં ડિશને બાળક કરતાં વધુ કાળજીથી સંભાળવી પડે) આવાં કારણોથી લોકો જરૃર કરતાં વધુ ડિશમાં ભરી લે. પછી ફેંકે.

પશ્ચિમના દેશોની હોટેલમાં, રેસ્ટોરાંમાં આધુનિક કચરાપેટીઓ ગોઠવવામાં આવે છે. તેમાં ચીજ વસ્તુ સાથે ડિશ ફેંકવામાં આવે તો તેમાંની મહત્ત્વની વસ્તુઓ કઈ છે તે પોતાના ઇલેક્ટ્રોનિક્સ સેન્સરથી જાણી લે. તેનું વજન પણ કરી નાખે અને તે કેટલા રૃપિયામાં પડે તેની ગણતરી કરે. પછી બોલીને સંભળાવે કે તમે આટલા રૃપિયા ગાર્બેજમાં ફેંકી દીધા. ખાસ કરીને હોટેલના રસોઇયાઓ પણ ગાર્બેજમાં વધુ ખૂબ ફેંકતા હોય. શેફને આ રીતે જાણ કરાય તો તેનું મૂલ્ય સમજાય. ઘરવખરીના સામાન અને ફર્નિચર માટે જગપ્રસિદ્ધ આઈકિયા (ઈકિયા) કંપનીએ આવી ટ્રેશ પેટીઓ વિકસાવી છે. જો નુકસાનીનું માપ જાણવા મળે તો તેનો ઉકેલ આણવાની ઇચ્છા થશે. આવી ટ્રેશ બીન વસાવ્યા બાદ કોન્શસ બનેલા શેફ (રસોઇયા) અને ગ્રાહકો બંને વેટફાટ કરતા ઓછા થયા છે.

ભારતમાં ઘણા શહેરોમાં જાહેરમાં રૅફ્રિજરેટરો ગોઠવાયાં છે. સેવાભાવી સંસ્થાઓ આવી પ્રવૃત્તિઓ કરે છે. જેની પાસે રાંધેલું અનાજ વધ્યું હોય તે આવીને ફ્રીઝમાં મુકી જાય અને જેને ખાવું હોય તે લઈ જાય. બોલવામાં આ વ્યવસ્થા સરળ છે, પણ અમલમાં મૂક્યા બાદ ચલાવવી અઘરી છે. ત્યાં આસપાસ પડી રહેતા ભિખારીઓ ત્યાંથી ખસે નહીં. માનસિક રીતે વ્યવસ્થાનો હેતુ સમજી શકવાની સ્થિતિમાં ના હોય, રસ્તાને કાંઠે હોય તો ટ્રાફિક જામ કરી નાખે. છતાં નિષ્ઠાવાન વ્યક્તિ સંચાલન કરે તો વ્યવસ્થા ચાલે પણ ખરી. આવી જ રીતે ઘણા શહેરોમાં વધારાનાં કપડાંની પણ વ્યવસ્થા થઈ છે. જેની પાસે વધારે હોય તે ત્યાં ટાંગી જાય અને જરૃરતમંદ આવીને લઈ જાય. આવી વ્યવસ્થાનો દુરુપયોગ થવાની સંભાવના મોટી રહે છે, પણ યોગ્ય વ્યક્તિની દેખરેખમાં ચલાવવામાં આવે તો રોટી અને કપડાંનો વેડફાટ મોટા પ્રમાણમાં ટાળી શકાય છે.

ઍરપોટ્ર્સની આસપાસ ઊડતાં મોટાં કદનાં પક્ષીઓને દૂર હટાવવા જરૃરી હોય છે અન્યથા તેઓ વિમાન સાથે અફળાય તો પોતે મરી જાય અને વિમાનને મોટું નુકસાન પહોંચાડે. વિમાન માટે જોખમી બને. મુંબઈ ઍરપોર્ટ પરથી સમડી, ગીધ, ફ્લેમિંગો જેવાં પક્ષી દૂર રહે તે માટે ધારાવી અને ઝરીમરી, કુરલા, બેલબઝારના ગેરકાયદે ચાલતાં નાનાં-નાનાં કતલખાનાં સરકારે ફરજિયાત બંધ કરાવવા પડ્યાં હતાં જેથી પક્ષીઓ ત્યાં મંડરાયા ન રહે. પક્ષીઓને બંદૂકોના અવાજથી દૂર રાખવા માટે પણ ખાસ માણસો રખાય છે. દુનિયાના અન્ય ઍરપોટ્ર્સ પર બંદૂકની ગોળીઓ છોડીને ઊડતાં પક્ષીઓને મારી પાડતા લોકો રખાય છે. અગાઉ આ રીતે મારી નખાયેલાં પક્ષીઓનો ઇન્સિનરેટરમાં નાખી નિકાલ લવાતો હતો, પરંતુ હવે તે રેસ્ટોરાંઓને પહોંચાડાય છે. નેધરલેન્ડ્સમાં એક ગ્રોસરી શોપની મોટી ચેઇન, અર્થાત અનેક સ્ટોર્સ ધરાવતી કંપનીની દુકાનોમાં અમુક ખોરાક વેચાયા વગર પડી રહેતો હતો. લગભગ બધા દેશોમાં દુકાનોમાં આવો, વેચાઈ ના જાય તો બગડી જાય તેવો ખોરાક વધતો હોય છે. ઘણા દેશોમાં ફૂડ બેન્ક્સ હોય છે તે અમુક ખોરાક લઈ જાય. ભારતમાં અમુક સેવાભાાવી સંસ્થાઓ શરૃ થઈ છે જે રેસ્ટોરાં, હોટેલમાંથી બચેલો ખોરાક એકઠો કરી જરૃરતમંદ લોકોમાં જઈ મફતમાં વહેંચે છે. વિદેશોમાં આ કામ ફૂડ બેન્કો કરે છે, પણ તેઓ દુકાનોમાંથી બધો જ માલ ના ઉઠાવે. આથી એક પ્રસિદ્ધ ગ્રોસરી ચેઇન દ્વારા પોતાની રેસ્ટોરાં પ્રયોગ ખાતર શરૃ કરવામાં આવી. કંપનીનો માલસામાનમાંથી ખોરાક રાંધી, સુંદર નવા મેન્યુમાં રજૂ કરી સેવા આપવા લાગ્યા. તેમાં કંપનીને એટલી સફળતા મળી કે લગભગ હવે દરેક ચેઇન સ્ટોર સાથે રેસ્ટોરાં ખોલવામાં આવશે. કંપનીનો ઇરાદો ધંધો કરવાનો નથી, પણ બગડી જતાં ખોરાકને યોગ્ય લોકો સુધી પહોંચાડવાનો છે. નેધરલેન્ડ્સમાં આ અને બીજી રીતો વડે ખોરાકનો વેડફાટ આજથી દસ વરસ અગાઉ ૩૦ ટકા ઘટાડવામાં આવ્યો હતો.

દુનિયામાં અનેક સ્થળોએ જૈવિક કચરો અને બીજો કચરો બાળીને વીજળી ઉત્પન્ન થાય છે. ડેનમાર્કના કોપનહેગન શહેરમાં પાલિકાએ તમામ સિઝનમાં કામ આવે તો સ્કીઇંગ માટેનો ઢાળ પોતાના વડામથકની પહોળી ઇમારતની છત પર બાંધ્યો છે. આ સ્કી-સ્લોપ માટે ઇન્સિનરેટરોમાં કચરો બાળીને વીજળી મેળવાય છે. બાજુના એક શહેરમાં અલગ-અલગ માલિકીની ડઝનેક કંપનીઓના વડાઓએ મળીને એક મંડળ રહ્યું છે. તે તમામ કંપનીઓનાં કારખાનાં આ કાલુન્દબોર્ગ શહેરમાં છે. આ કંપનીઓ એક બીજાના કચરાનો ઉપયોગ કરે છે. દવા કંપનીઓ દવા બનાવવા માટે યીસ્ટનો ઉપયોગ કરે ત્યાર બાદ સવા ત્રણ લાખથી વધુ ટનનો યીસ્ટનો કદડો બચે છે. આ કદડાને એક જૈવિક-ઊર્જા ((બાયોએનર્જી) પ્લાન્ટમાં પહોંચાડવામાં આવે છે. આ પ્લાન્ટમાં સૂક્ષ્મ જીવજંતુ આ કદડાને બાયોગેસમાં ફેરવી નાખે છે જે ગેસ આસપાસનાં છ હજાર ઘરોમાં પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત પચાસ હજાર એકર જમીન માટે કુદરતી ખાતર પણ મળે છે. આ શહેરમાં કચરાની અદલાબદલી માટે ૨૨ કેન્દ્રો શરૃ કરાયાં છે. જ્યાં જેઓને જે કચરાની જરૃરત હોય તે લઈ જાય છે અને બદલામાં પોતાને જેની જરૃર ના હોય તેવો કચરો આપી જાય છે. ઓઇલ રિફાઇનરી વધેલો ગેસ આપે અને કોલસામાંથી વીજળી બનાવતા પાવર-પ્લાન્ટ પાસેથી બદલામાં જીપ્સમ મેળવે. પાવર પ્લાન્ટ ધુમાડામાંથી જીપ્સમ મેળવે. આ રીતે આ કંપનીઓ મળીને વરસે રૃપિયા ૨૨૦૦ કરોડની વરસે બચત કરે અને સવા છ લાખથી વધુ મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતો અટકે છે. આ મૉડેલ દુનિયાનાં અન્ય શહેરોમાં અમલમાં મુકાઈ રહ્યું છે.

Related Posts
1 of 262

ગુજરાતના વાપી, અંકલેશ્વર જેવાં શહેરોમાં રાસાયણિક અને બીજા ઉદ્યોગોને કારણે જમીન અને પાણીના સોર્સ ભયજનક હદે પ્રદૂષિત થયા છે. જર્મનીમાં ડુક્કરોના વિશાળ ફાર્મમાં લાખો ડુક્કરો ઉછેરવામાં આવે છે, પરંતુ આ ડુક્કરોને જે રાસાયણિક ખોરાક અપાય છે તે મળમૂત્ર વાટે જમીનમાં અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. હવે ત્યાંની ધરતી વધુ કચરો સહન કરી શકે તેમ નથી. હાલમાં જ તેનો નિકાલ ખૂબ દૂર લઈ જઈને કરવો પડે છે. તેમાં પુષ્કળ ખર્ચ થાય. હવે તેઓએ ઉપાય શોધ્યો છે. તેઓએ એક પ્લાન્ટ બાંધ્યો છે જેમાં સુવ્વરોના ખાતરમાંથી શરીર માટે પોષક ઘટકો, જેવાં કે ફોસ્ફરસ, નાઇટ્રોજન, પોટેશિયમ વગેરે ખેંચી કાઢવામાં આવે છે. આ તત્ત્વો દવાઓ બનાવવાના કામમાં આવે. બાકી જે કચરો વધે તે સૂક્ષ્મ જીવાણુઓ ખાઈ જાય. પરિણામે ઊર્જા માટેનો બાયોગેસ મળે જે પાવર-પ્લાન્ટને વીજળી ઉત્પાદનમાં મદદરૃપ થાય. ભારતમાં શ્રી નીતિન ગડકરી આવી કેટલીક યોજનાઓ લઈ આવ્યા છે, પણ તેને વ્યાપક સ્વીકૃતિઓ મળી હોય તેમ જણાતું નથી. જર્મનીના ખેડૂતો આ રીતે વીજળી પેદા કરીને, પોતાના વપરાશ બાદ વધે તે વીજળી કંપનીઓને વેચે છે.

અગાઉના સમયમાં, મતલબ કે આ માત્ર ચાલીસ-પચાસ વરસો અગાઉ ખેડૂતો પોતાના ખેતર કે જમીન પર નભી શકે એટલાં જ પશુઓ પાળતાં હતાં. આ પ્રાણીઓ મળ-મૂત્ર રૃપે એટલો મોટા જથ્થામાં કચરો બહાર કાઢતા ન હતા જે જમીનો સહન ના કરી શકે, પરંતુ આજે ઔદ્યોગિક ઢબે પ્રાણીઓનું ફાર્મિંગ થવા માંડ્યું તેથી પર્યાવરણનું ચક્ર તૂટી ગયું. જમીનને જરૃર કરતાં વધુ છાણ-પેશાબ મળે તો પણ નુકસાનકારક બને છે.

અમેરિકામાં મકાઈના પાકથી ભરેલી લાંબી લસ ગૂડ્સ ટ્રેનો એક રાજ્યમાંથી બીજામાં જાય, પરંતુ બીજા રાજ્યમાંથી મકાઈ પકવતાં આયોવા જેવાં રાજ્યોમાં એટલું ખાતર જતું નથી. બીજા રાજ્યોમાં ખાતરના ડુંગરો ખડકેલાં હોય, પણ તે સ્થાનિક વપરાશ માટે હોય. એટલે પાસે પુષ્કળ ખાતર હોય અને મકાઈ બહારથી આવે. સરક્યુલર ઇકોનોમીનું ચક્ર અહીં પણ તૂટી જાય, પરંતુ બીજા રાજ્યોમાંથી ગાડીઓ ભરીને ખાતર આયોવા વગેરે રાજ્યોમાં મોકલવાનું આર્થિક રીતે પોસાય નહીં. જો એ ખાતર મોકલાતું થાય તો સરક્યુલર ઇકોનોમીનું ચક્ર ફરીથી ફરતું થાય.

આજે પાર્ટિકલ બોર્ડ અને ફાઇબર ગ્લાસમાંથી ફર્નિચરો અને પેકેજિંગ માટેની બોર્ડ જેવી ચીજવસ્તુ બને, પરંતુ તેમાં લાકડાંના કણો એકમેકને ચીટકી જાય તે માટે એડેસિવ પદાર્થો વપરાય છે. તે ગુંદર જેવું કામ કરે, પણ આ રસાયણો પર્યાવરણ માટે ખૂબ જોખમી છે. હવે હવે મશરૃમના મૂળિયામાંથી ફેવિકોલ જેવો પદાર્થ તૈયાર કરી શકાય છે, પણ તે પ્રાકૃતિક હોવાને કારણે પર્યાવરણ માટે નુકસાનકારક નથી. મશરૃમના મૂળ ગાઢ રીતે એકબીજા સાથે જોડાઈને પકડી રાખે તેવી ગાઢ જાળી રચે છે તે માયસેલિયમ તરીકે ઓળખાય છે. ઈબેન બેયર નામના એક સંશોધક વિજ્ઞાનીએ માયસેલિયમમાંથી એક ગ્લુ અથવા ગુંદર જેવો પદાર્થ રચ્યો છે. બે પાટિયા વચ્ચે મૂળ ઊગાડીને તે પાટિયાને મજબૂતીથી જોડી શકાય. આ પદાર્થ કોઈ પણ પૂર્વ નિર્ધારિત આકાર કે આકૃતિમાં ઉગાડી શકાય. હવે તેમાં વધુ સંશોધનો થઈ રહ્યાં છે. બાયોલોજિકલ થ્રી-ડી પ્રિન્ટરમાં તમે કોઈ પણ ચીજ વસ્તુની અદલોઅદલ નકલ બનાવી શકો છો તેમ આ માયસેલિયમનાં મૂળ થકી બૂટ, ચપ્પલનાં તળિયાં, શાકાહારી ચામડું, કોઈ પણ આકારની ખાદ્યચીજ ઉગાડી શકાશે. બીજા અર્થમાં કહીએ તો બૂટ, ચપ્પલ, હેન્ડબેગ વગેરે ખેતરમાં ઉગાડાશે. આ રીતે તૈયાર કરાયેલાં ચામડાંની એક હેન્ડબેગ ઇંગ્લેન્ડના એક મહત્ત્વના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાઈ હતી. ભવિષ્યમાં મોટા ભાગની ચીજો જૈવિક પદ્ધતિથી તૈયાર કરેલી હશે. તે ખેતરમાં કે લેબોરેટરીમાં ઉગાડેલી હશે. અસલ માંસ જેવંુ માંસ પ્રયોગશાળામાં તૈયાર થઈ ચૂક્યું છે અને તેથી પૃથ્વી પરનાં એનિમલ ફાર્મ્સ ઓછાં થશે. આ માંસ શાકાહારી પદ્ધતિએ લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યું છે. પ્રાણી હિંસા અટકશે તે પણ શાકાહારીઓ માટે મહત્ત્વની બાબત હશે. જોકે આ સ્થિતિ પેદા થતાં હજી સમય લાગશે. તો પણ જૈવિક પદ્ધતિથી તૈયાર થતી ચીજવસ્તુઓ આ પૃથ્વીને માફક આવે છે તેથી કુદરતી પદ્ધતિથી તૈયાર થતી ચીજોને ભવિષ્યમાં અનિવાર્યપણે અપનાવવી પડશે.

એડ્રીઅન અને માર્ટે નામના બે કિસાન યુવાનોને નામે હમણા એક વીડિયો ફરતો થયો છે. આ યુવાનો વિગાન એટલે કે શાકાહારી (અર્થાત અહિંસક) ચામડું ઉગાડે છે. વીડિયોના એન્કર કહે છે કે ફેશન ઉદ્યોગ દુનિયાને સૌથી વધુ પ્રદૂષિત કરનારો બીજા ક્રમનો ઉદ્યોગ છે, અને ચામડું તેમાં મહત્ત્વનું ઘટક છે. ગંગા-જમુનાને ચામડાંનાં કારખાનાંનો પ્રવાહી કચરો જ ખૂબ ગંદી બનાવે છે. કાનપુરનો ટેનરી ઉદ્યોગ મોટા પાયે જવાબદાર. દુનિયામાં અને ફેશન ઉદ્યોગમાં સૌથી વધુ ચર્મ ગાયોનું વપરાય છે. એ ગાયોએ ખૂબ ચારો ચરવો પડે છે, પાણી પીવું પડે છે. ચામડાને ટેન કરવામાં આવે. તેમાં પુષ્કળ પાણી વપરાય. ટેન કરવા માટે પુષ્કળ ઝેરી કેમિકલો વપરાય છે, જે વપરાયાં પછી નદીઓમાં છોડવામાં આવે. જળસૃષ્ટિને મારી નાખે, પાણી પીવાલાયક ના બચે. કેમિકલોને કારણે ચામડું પોતાની રીતે ખતમ થઈને સૃષ્ટિમાં ભળી જાય તેવું બાયો- ડિગ્રેડેબલ રહેતું નથી. બંને યુવાનો ફેશન ઇન્ડસ્ટ્રીમાં હતા. પશુનાં ચામડાંના ઉત્પાદનની જોખમી પ્રક્રિયાઓ જાણતા હતા. તેઓએ વિકલ્પ શોધી કાઢવાનું નક્કી કર્યું. બે વરસના સતત ખંત અને સખત મહેનત બાદ કેકટસ એટલે કે થોરમાંથી તેઓએ વિકલ્પ શોધ્યો. થોરનાં ઝાડ ઓછા પાણીથી વરસોનાં વરસ જીવે. ઓછા વરસાદના પ્રદેશમાં પણ ઊગાડી શકાય. વળી એકવાર ઊગાડ્યા પછી તેના એક બે હાથ (અથવા પાંદ) કાપવામાં આવે. આખા છોડને કાપવાની અને નવેસરથી ઊગાડવાની ઝંઝટ રહેતી નથી. પાણીનો બગાડ થતો નથી. વળી, આ યુવાનો મૂળ મેક્સિકોના. ત્યાં થોર ખૂબ ઊગે. તેઓએ પ્રક્રિયા તૈયાર કરી છે જેમાં થોરના હાથ એકઠા કરી તેની ચટણી જેવી પેસ્ટ તૈયાર કરવામાં આવે. તેની સાથે પર્યાવરણ માટે બિલકુલ જોખમી ના હોય તેવાં રસાયણો ઉમેરવામાં આવે અને તેમાંથી જોઈએ તેવા ટેક્ષ્ચરમાં ચામડું મેળવી શકાય છે. એડ્રીઅન અને માર્ટેના દાવા પ્રમાણે આ નવા પ્રકારનું ચામડું પશુનાં ચામડાં જેવું જ હોય છે. કોટનનાં કપડાંની માફક તેમાંથી હવાની આવન-જાવન (બ્રિધેબલ) થાય છે. તે ઓર્ગેનિક, અહિંસક અને બાયોડિગ્રેડેબલ હોય છે. દસ વરસ ટકે છે. સ્થિતિ સ્થાપક હોય છે તેથી વસ્તુનો મૂળ આકાર બદલાતો નથી. તેને કોઈ દાગ લાગતા નથી. શૂઝ, ફર્નિચર, લેધર, લગેજ, પર્સ વગેરેના નિર્માણ માટે તે વાપરી શકાય. આની ખેતી શરૃ થશે ત્યારે સૂકા વિસ્તારોમાં લાખો લોકોને રોજગારી મળશે. વળી, થોરનાં ઝાડ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષતાં હોવાથી હવા શુદ્ધ બને છે. બે વરસ અગાઉ, સ્ટેલા મેકાર્તી નામની યુવતીએ લંડનના એક ફેશન-શૉમાં ખેતીવાડીથી તૈયાર થયેલા ચામડામાંથી બનાવેલી એક હેન્ડ બેગ એક ફેશન શૉમાં રજૂ કરી હતી. સ્ટેલા મેકાર્તીએ પ્રસિદ્ધ અને હવે અસ્તિત્વ નહીં ધરાવતાં સંગીત બેન્ડ ‘બિટલ્સ’ના સોંગ રાઇટર, મ્યુઝિશિયન અને કમ્પોઝર પૌલ મેકાર્ની (લખવામાં મેકાર્તિની)ના પુત્રી છે અને ફેશન ઇન્ડસ્ટ્રીમાં સ્ટેલા મોટું નામ ગણાય છે. આ હેન્ડબેગ લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં રજૂ કરાઈ હતી. ઘણી વખત અમુક શોધો માટે એડવાન્સમાં દાવા ખૂબ થાય છે, પણ આર્થિક કે બીજા કારણોસર તે નવી ચીજ પરવડતી નથી. વાયેબલ બનતી નથી અને નિષ્ફળ જાય છે. જો આ કૃષિ લેધર સફળ નિવડશે તો ચર્મ ઉદ્યોગની શિકલ બદલાઈ જશે. હાલના ઉદ્યોગમાં ઊથલપાથલ મચશે. જેઓ હિંસાના વિરોધીઓ છે તેઓને ખૂબ આનંદ થશે. ભારતના ગૌ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. તેમાં પણ વિગાન બીફ ઉદ્યોગ સફળ થશે તો નિર્દોષ જીવોનો યાતના અને પીડામાંથી છુટકારો થશે. હવે આપણે કપડાં ઉદ્યોગ અને કપાસની વાત કરીએ.

વરસ ૨૦૦૦થી ૨૦૧૫ દરમિયાન વિશ્વની વસતિમાં વીસ ટકાનો વધારો થયો જ્યારે કપડાંના ઉત્પાદનમાં બમણો વધારો થયો. મતલબ કે કપડાંના ઉત્પાદનમાં ૧૦૦ ટકાનો વધારો. આ આંકડા એલન મેકઆર્થર ફાઉન્ડેશનના છે. ફેશન ઝડપથી બદલાતી થઈ તેમ કપડાંનું ઉત્પાદન ઝડપી બન્યું. કપડાંની સરેરાશ કિંમતો પણ પ્રમાણમાં સસ્તી રહી છે, પરિણામે ૨૦૧૫માં લોકો ઝડપથી જૂના કપડાંને ફેંકી દેવા માંડ્યા અથવા નિકાલ કરવા માંડ્યા. અગાઉ જે કપડું સરેરાશ જેટલા મહિના માટે પહેરાતું હતું તેમાં વરસ ૨૦૧૫ સુધીમાં ૩૩ ટકાનો ઘટાડો થયો. દાખલા તરીકે જો એક શર્ટ નવ મહિના પહેરાતું હતું (આ આંકડા સમજાવવા માટે કાલ્પનિક છે) તો લોકો તે છ મહિના પહેરીને ફેંકી દેવા માંડ્યા. સાચા આંકડા જોઈએ તો ૨૦૧૫માં દુનિયાએ મળીને ૪૫૦ અબજ ડૉલર (રૃપિયા ૩૩,૭૫૦ અબજ)ના કપડાં ફેંકી દીધા હતા.

એક ડચ કંપની બોએર ગ્રૂપ જૂનાં કપડાંનો કારભાર ચલાવે છે. જોરીક બોએર આ ત્યજી દેવાયેલાં કપડાંને બચાવી લઈ વાપરવાલાયક કપડાંને ફરી વેચે છે. રોટરડેમમાં એમના દાદાના પિતા સો વરસ અગાઉ જૂના રદ્દી, કપડાં, ધાતુ, કાગળ ફર્નિચર વગેરેનો ધંધો કરતા હતા અને આજે એમણે સ્થાપેલો ધંધો એક આંતરરાષ્ટ્રીય કંપનીના રૃપમાં ફેરવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભાનુશાળી જ્ઞાતિના લોકો આ ધંધામાં ખાસ પડેલા છે. આજે બોએર કંપનીનાં નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમમાં મળીને પાંચ પ્લાન્ટ છે. કંપની આ પ્લાન્ટમાં જૂનાં કપડાં એકઠાં કરવાનું, તેને વર્ગીકૃત કરવાનું અને ફરીથી વેચવાની પ્રવૃત્તિઓ કરે છે. કંપની દિવસના ૪૬૦ ટન જૂનાં કપડાં રિસાઇકલ કરે છે.

અમેરિકા, યુરોપમાં લોકો પહેરવાલાયક કપડાં પણ બિનમાં ફેંકી દેતાં હોય છે. ઘણા લોકો અમુક સંસ્થાઓને નામે ડૉનેટ કરી દે છે. એ સંસ્થાનું વાહન આવીને તે કપડાં કલેક્ટ કરે છે. જેમ કે અમેરિકામાં લોકો જૂના સૈનિકો (વેટેરાન્સ)ની સંસ્થાઓ અથવા કોઈ ખાસ કામમાં રોકાયેલી સંસ્થાઓને કપડાં ડૉનેટ કરે છે. તેઓ આ કપડાં વેચીને આર્થિક મદદ મેળવે. આપનારને કોઈક મોટી રકમ જતી કરવી પડી તેવું ના લાગે અને સંસ્થાને નાની-નાની મદદો મળીને કુલ મોટી મદદ મળે. અમેરિકા-યુરોપનાં ઘરોમાં વૉર્ડરોબમાં નવાં કપડાં માટે જગ્યા કરવા માટે પણ જૂના તજવામાં આવે અને લોકો રાહત અનુભવે. જૈનોની સંસ્થાઓ લોકોની પસ્તી ઊઘરાવીને ગાયો માટે મોટી રકમો ઊભી કરતી હોય છે. આવા કાર્ય માટે સ્વયંસેવકો મદદ કરે છે.

પરંતુ લોકો જૂનાં કપડાં ડૉનેટ કરે ત્યારે તેનું શું થાય છે તેનો ડૉનરોને ખ્યાલ આવતો નથી. ઘણા એમ માને છે કે એ કપડાં સીધે સીધા જ ગરીબોને દાનમાં આપી દેવાય છે, પણ હકીકતમાં તેવું થતું નથી. ખાસ કરીને સંપન્ન દેશોમાં. તેને બદલે બોેએર જેવી કંપનીઓ એ જૂનાં કપડાં વજનના ભાવે ખરીદી લે. તેને ક્વૉલિટી અને પ્રકાર પ્રમાણે જુદાં જુદાં પાડે. પછી તેનું દુનિયાભરમાં વેચાણ કરે. તમને મહાનગરોના રસ્તાઓ પર આવાં કપડાં વેચતા લોકો જોવા મળે. ઘણાને શંકા જાય કે વિદેશના સુખી લોકોએ દાનમાં આપેલાં કપડાં રસ્તાઓ પર શા માટે કિંમતો લઈને વેચવામાં આવે છે? તેનો જવાબ (અગાઉ કહ્યું તેમ) એ જ છે કે દાન મેળવનારી સંસ્થાએ તે વેચી નાખ્યા હોય છે. દાનનાં કપડાં એકઠાં કરીને સંસ્થા તેનંુ શું કરે? ઘરે-ઘરે જઈ જરૃરતમંદોને સીધા સોંપવાના હોય તો કેટકેટલા માણસો જોઈએ? વળી, સુખી દેશોમાં આવાં કપડાં ખરીદીને પહેરે તેવા લોકો ખૂબ ઓછા હોય છે. આ કપડાં ગરીબ દેશોના વેપારીઓને વેચી દેવામાં આવે. પરિણામે ગરીબ લોકોને સસ્તામાં કપડાં મળે અને સુખી દેશની સંસ્થાને ડૉનેશન મળે. આમાં સારો ફાયદો એ કે કપડાં રિસાઇક્લિંગ થાય. ફેરિયાઓને ધંધો મળે, પરંતુ હંમેશાં એવું નથી બનતું કે આ કપડાં ગરીબોના હાથમાં જાય! ઘણી વખત સુખી દેશોના લોકો લગભગ નવાં જેવાં જ કપડાં, સાઈઝ વધઘટ થવાથી કે રંગ પસંદ પડ્યો ન હોવાથી બિનમાં પધરાવી દે. અમુક ગરીબ દેશોના મધ્યમ વર્ગના કે તેથી સુખી વર્ગના લોકો પણ આવાં કપડાં ગમી જાય તો ખરીદી લે છે. જેમ કે રશિયા અને પૂર્વ યુરોપના દેશોમાં સ્ત્રીઓના અંડરવીઅર ચારસો રૃપિયે કિલોના ભાવે વેચાય. સાવ નબળી ગુણવત્તાનાં કપડાં પંચાવન પંચાવન કિલોગ્રામની ગાંસડીઓમાં બાંધીને આફ્રિકાના દેશો તરફ રવાના કરવામાં આવે છે, જ્યાં તે લગભગ ચાલીસ રૃપિયે કિલોના ભાવે વેચાય છે. આફ્રિકામાં ગરીબી ઘણી છે ત્યારે લોકોને સસ્તામાં તન ઢાંકવા માટે કપડાં મળી રહે. ભારતમાં મોટાં કે નાનાં શહેરોમાં આવાં વસ્ત્રો વેચાતા જોવા મળે છે. ગરીબ દેશોના ફેરિયા કે જથ્થાબંધના વેપારીઓ એ કપડાંને દરજી અને ધોબી પાસે વધુ સરખાં કરાવી થોડી ઊંચી કિંમતે પણ વેચે.

બોએરની ફેક્ટરીઓમાં કન્વેયર બેલ્ટ પરથી કપડાં પસાર થાય. ત્યાં ઊભેલ સોર્ટર (વર્ગીકરણ કરનાર) લગભગ ૬૦ જેટલા પ્રકારોમાં તેનું વર્ગીકરણ કરે. તે માટે ૬૦ કોથળા હોય. બેલ્ટ ઉપરથી કપડું ઉપાડી થોડી તપાસ કરી જે-તે કોથળામાં નાખે. કોથળાનાં મોં ખુલ્લાં હોય. આ વર્ગીકરણ માટે સોર્ટરને ફેશનનું, વસ્ત્રનું અને બજારભાવનું જ્ઞાન હોવું જોઈએ. સોર્ટરોમાં મુખ્યત્વે સ્ત્રીઓ જ હોય છે. પ્રત્યેક સ્ત્રી દિવસમાં લગભગ ત્રણ ટન કપડાંનું સોર્ટિંગ કરે. આમાં શ્રેષ્ઠ ક્વૉલિટીનો માલ માત્ર પાંચથી દસ ટકા જેટલો જ હોય. જે અંડરવીઅરો ફેંકવામાં આવ્યાં હોય તે લગભગ ક્લીન જ હોય. કપડાં પર બીજા રંગના દાગ લાગેલા હોય, શર્ટના ખિસ્સાને પેનની શાહીનો રંગ લાગ્યો હોય તો દુનિયામાં એવાં કપડાં લગભગ કોઈ ખરીદતું નથી. આવાં કપડાં ઉપાડી જવા માટે અમુક લોકોને કારખાનેદારે સામેથી પૈસા આપવા પડે. આજકાલ ફેશન ઝડપથી બદલાય છે તેથી એ જે કપડાં એકઠા કરે છે તેમાંના માત્ર ૬૦ ટકા જ વેચાય છે. બોએરનું કહેવું છે કે કપડાંનું જેમ-જેમ વધુ રિસાઇક્લિંગ થાય તે પૃથ્વી અને પ્રકૃત્તિ માટે સારી વાત છે, કારણ કે કપાસ, યાર્ન વગેરે પેદા કરવા, વસ્ત્રોનું નિર્માણ કરવામાં પૃથ્વીના સાધનસ્ત્રોત પુષ્કળ માત્રામાં વપરાય છે. કપાસના પાકને ત્રણ મહિનાથી વધુ સમયમાં અનેક વખત પાણી પાવું પડે. ખાતર, દવા વાપરવા પડે. આ બધું ખર્ચાળ છે. પાણીની ખાસ કિંમત ચૂકવવી પડતી નથી તેથી તે સમજાતું નથી. આપણે વિદેશમાં ચાલીસથી પચાસ રૃપિયે સાકર ખાંડ વેચીએ ત્યારે પ્રત્યેક એક કિલોના ઉત્પાદનમાં વપરાયેલું સેંકડો લિટર પાણી પણ પાણી કરતાં ઓછા મૂલ્યે વેચી નાખતા હોઈએ છીએ. શેરડીના પાકને ખૂબ પાણી જોઈએ. આ રીતે રિસોર્સિઝ વેડફાઈ જાય તે આપણે ધ્યાનમાં લેતાં નથી.

જે ચાલીસ ટકા જેટલાં કપડાં બચે છે તે ખરીદવા કોઈ તૈયાર થતું નથી. આ કપડાં પોતાં મારવાનાં કપડાં તરીકે રિસાઇકલ કરવામાં આવે અથવા તો મશીનમાં નાખી તેના બારીક લીરા બનાવી તે લીરાને ઇન્સ્યુલેશન માટે વાપરવામાં આવે. અમેરિકા, કેનેડા, યુરોપમાં લાકડાંનાં મકાનો હોય છે. તેની દીવાલોમાં વચ્ચેના ભાગમાં પોલાણ હોય છે. તે પોલાણમાં આવા બારીક લીરા ભરી દેવાથી બહારની ઠંડી ગરમીની અંદરની ઠંડી ગરમી પર વધુ અસર પડતી નથી. તેથી વીજળી ઓછી બાળવી પડે છે. આ પ્રકારના ઇન્સ્યુલેશનની બીજી પ્રવૃત્તિઓમાં પણ જરૃર પડે. જોકે હવે ઇન્સ્યુલેશન માટેના ખાસ ઇન્ડસ્ટ્રિયલ રેસા અથવા કૃત્રિમ કપાસ મળે છે. તે હોઝપાઈપ વડે દીવાલોની વચ્ચે મોટર વડે ભરી દેવાય છે. શ્રેડ અથવા લીરા બનાવેલાં કપડાંનો ઉપયોગ ગાદલાં ભરવા માટે પણ થાય છે. ચાલીસ ટકામાં એવાં કપડાં હોય જે સસ્તી ગુણવત્તાના અને ઘસાઈ પહેરાઈ ગયેલાં હોય. આ પ્રકારનાં કપડાંનું કંપનીને કંઈ ઊપજે નહીં. નુકસાન જાય, પણ ઊનનાં સ્વેટરોમાં ફાયદો થાય. કંપની પાસે એક એવો પ્લાન્ટ છે જે સ્વેટરોમાંથી ઊનને વિખેરીને ધાગાના રૃપમાં પાછી મેળવે છે. એ ધાગાનો ઉપયોગ ફરીથી સ્વેટર બનાવવામાં થાય જે બિલકુલ નવા જેવું જ બની જાય, પરંતુ કપાસ કે પોલિસ્ટરના ધાગાને આ રીતે અલગ પાડીને રિસાઇકલ ના કરી શકાય. તેમાંથી જે ધાગા મળે તે ખૂબ ટૂંકા હોય. જોકે આ ધાગાને રાસાયણિક પ્રક્રિયાથી પાછો મેળવવાનું તંત્રજ્ઞાન વિકસાવવા કેટલીક સ્ટાર્ટ-અપ કંપનીઓ શરૃ થઈ છે. બોએર કહે છે કે, રિસાઇક્લિંગને પ્રોત્સાહન આપવા દુનિયાની સરકારોએ એવો કાનૂન ઘડવો જોઈએ જેમાં નવું કપડું તૈયાર થાય તેમાં વીસ ટકા ધાગા (ફાઇબર) જૂનાં કપડાંમાંથી તૈયાર થયેલા હોવા જોઈએ. આજે અમુક કંપનીઓ વસ્તુઓના પેકેજિંગ માટેનાં પૂંઠા, તેમ જ લખવા માટેના કાગળો જૂના કાગળમાંથી તૈયાર થયેલા હોય તે વાપરે છે. પોતાની પ્રોડક્ટ પર તે ગર્વથી લખે પણ છે અને રિસાઇક્લિંગને પ્રોત્સાહન આપે છે. વસ્ત્રોની બાબતમાં પણ એક દિવસ આ માર્ગે ફરજિયાત જવું પડશે.

માણસજાત દર વરસે ૧૦૦ અબજ ટનના કાચા માલમાંથી કંઈક નવું બનાવે છે. આમાંના ૨૨થી ૨૩ અબજ ટન કાચો માલ ઇમારતો, મોટર ગાડીઓ, વાહનો અને લાંબા સમય સુધી ટકી રહેતી વસ્તુઓ બનાવવા પાછળ વપરાય છે. માત્ર દસ ટકાથી ઓછો માલ અર્થતંત્રમાં પાછો ફરે છે. આ પ્રમાણ દસ ટકાથી વધે તો સરક્યુલર ઇકોનોમીમાં વધુ જાન આવે. તે માટે બગાડ અટકાવવાની જરૃર છે. જે માલ ઇકોનોમીમાં પાછો આવતો નથી તે ૬૫થી ૭૦ ટકા જેટલો છે અને તે ફેંકી દેવાય છે. ૨૦૧૫માં ૬૭ ટકા જેટલો માલસામાન અર્થતંત્રમાંથી પસાર તો થયો, પરંતુ આખરે તે પ્રદૂષણમાં ફેરવાઈ જાય છે. જેમ કે ખનીજ તેલમાંથી નીકળતો કાર્બન. પ્લાસ્ટિક જેવો કચરો દુનિયાભરમાં વિખેરાઈ જાય છે. તેમાંથી કેટલાકનો કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તે નિકાલ પણ ઢંગથી થતો નથી.

પ્રાકૃતિક ઇકોસિસ્ટમમાં એક દાખલો લઈએ તો જમીન પર પાક ઊગે છે. પ્રાણીઓ અને માનવીઓ તે પાક આરોગે છે. તેમાંથી જે કચરો નીકળે તે જમીનને ખાતરના રૃપમાં, સૂકાં પાંદના રૃપમાં પાછું મળે છે. માનવી વરસે જે ૧૦૦ અબજ ટન કાચો માલ વાપરે છે તેમાં ૨૨ અબજ આપણા ખોરાક માટેની બાયોમાસ ચીજો હોય છે, પરંતુ જ્યારથી અર્થતંત્રમાં ખનીજ તેલ આવ્યું ત્યારથી સમતુલા મોટા પાયે ખોરવાઈ ગઈ. ખનીજ તેલ અથવા ફોસિલ ફ્યુઅલને કારણે વાહનો વધી ગયાં. ફોસિલ ફ્યુઅલમાંથી પ્લાસ્ટિક મળ્યું અને પ્લાસ્ટિકે લગભગ તમામ ચીજોનું સ્થાન લઈ લીધું. કપાસનાં ગાદલાં, કપડાંની જગ્યાએ ફોર્મ, પોલિસ્ટર આવ્યું. માટલાંની જગ્યાએ પ્લાસ્ટિકની બોટલો આવી. કાચ વજનદાર લાગવા માંડ્યો. પ્લાસ્ટિક આધારિત કચરો જમીન, મહાસાગરો, નદીઓ, પર્વતો તમામ પર વિખેરાઈ ગયો. ફોસિલ ફ્યુઅલ કચરો અને બગાડને કારણે હવામાનમાં પરિવર્તન આવ્યું, કારણ કે આપણે ફોસિલ ફ્યુઅલ બાળીએ છીએ અને કાર્બન ડાયોક્સાઈડ તરીકે નીકળતો કચરો હવામાં છોડી દઈએ છીએ. તેનો પ્રાકૃતિક નિકાલ થતો નથી. ૨૦૧૫માં માત્ર ૯ ટકા કચરો રિસાઇકલ થયો હતો.

અગાઉના સમયમાં તમામ કામો માનવી અને પ્રાણીઓની શારીરિક તાકાત વડે થતાં હતાં. અલબત્ત, તેમાં માનવી ગરીબ રહ્યો અને પ્રાણીઓ પર જુલમો થતાં. પાક ઊગાડવામાં, ભાર વહન કરવામાં, ચીજોના નિર્માણમાં માનવીઓ અને પ્રાણીઓના સ્નાયુઓની તાકાતનો ઉપયોગ થતો, પરંતુ ખનીજ કોલસા, ખનીજ તેલ આવ્યાં. યંત્રો, ગાડીઓ, રેલવે અને વિમાનો આવ્યાં. માણસની શારીરિક મહેનત વગર મોટાં મોટાં કામો ઝડપથી થવા લાગ્યાં. અમેરિકા તો મશીનો વડે જ મહાન બન્યું છે. અર્થતંત્રમાં ૨૦૦ વરસમાં ધમધમાટ આવ્યો, પરંતુ કચરાનું પ્રમાણ ખૂબ વધ્યું. અમેરિકાનંુ આખું અર્થતંત્ર ડિસ્પોઝેબલ ચીજોને કારણે ખીલતું જણાયું. આજે દરેક દાઢીની બ્લેડ સાથે પ્લાસ્ટિકનાં હેન્ડલ ફેંકી દેવાય છે, દરેક રિફિલ સાથે પેન ફેંકી દેવાય છે. એક લોટા જેટલા પાણી માટે આખી બોટલ ફેંકી દેવાય છે. ગળે ઊતરે એટલા જ્યૂસ માટે કાર્ટૂન બોક્સ ફેંકી દેવાય છે. બિનજરૃરી, અનાવશ્યક ચીજોનું ઉત્પાદન પણ ખૂબ વધ્યું. આ બધંુ બગાડ અને કચરાના રૃપમાં સામે આવ્યું. છેલ્લાં ૫૦ વરસમાં દુનિયાની વસતિ બમણાથી થોડી વધુ વધી, પણ અર્થતંત્રમાં માલસામાનનું જે પ્રમાણ હતું તેમાં ત્રણ ગણો વધારો થયો અને તે પણ ખતમ ના થાય તેવા પ્લાસ્ટિકનો. હવે હદ આવી ગઈ છે.

આ સમસ્યાના ઉપાય તરીકે સરક્યુલર ઇકોનોમીની વિચારધારા દુનિયા સમક્ષ રજૂ થઈ છે. તેને અમલમાં મૂકવાનાં નાનાં નાનાં અભિયાનો અને ઝુંબેશો શરૃ થયાં છે. અમેરિકન આર્કિટેક્ટ વિલિયમ મેકડોનોએ, જર્મન કેમિસ્ટ માઇકલ બ્રોનગાર્ટ સાથે મળીને એક પુસ્તક લખ્યું છે, તેનું ટાઇટલ છે; ‘ક્રેડલ ટુ ક્રેડલ’. તેમાં દર્શાવાયું છે કે ચીજવસ્તુઓ અને આર્થિક પ્રક્રિયાઓનું નિર્માણ અને આયોજન એવી રીતે થવું જોઈએ કે તમામ કચરો પેદા થાય તે કોઈ બીજી પ્રક્રિયા માટેનો ખોરાક બને. આ વિચારધારાને કેન્દ્રમાં રાખી સરક્યુલર ઇકોનોમીના ખ્યાલને આગળ ધપાવવામાં આવ્યો છે. તેમાં એવું નથી કે જે જૂનંુ હતું તે બધું સારું હતું. જૂની રીત હોય કે નવી રીત, પૃથ્વી માટે, આબોહવા માટે જે ગુણકારી હોય તેને સમન્વય કરવાની વાત છે. મૂળ હેતુ દુનિયામાંથી કચરાનું, બગાડનું પ્રમાણ ઘટાડવાનો છે. તે માટે એકને એક ચીજનો વારંવાર ઉપયોગ કરવો, તેને રિસાઇકલ કરવી અને જરૃર પડે તો કેટલીક નવી બનાવવી તે ખ્યાલ મહત્ત્વનો છે. ટૂંકમાં, પૃથ્વીના અર્થતંત્રને એવા ઢાંચામાં ઢાળવું જેમાં બગાડ અને કચરો ઘટે. બધો જ કચરો પૃથ્વી માટે નુકસાનકારક હોય છે તેવું નથી. જેમ કે ફેંકી દેવાયેલો ખોરાક, ફળો, શાકભાજી વગેરે ખાતરમાં ફેરવાઈ જાય છે, પરંતુ તેના ઉત્પાદન માટે પાણી, ખાતર, દવાઓનો વપરાશ થયો હોય છે. જો તેને ફેંકવાને બદલે વપરાશમાં લેવાયા હોત તો એટલો બગાડ અટક્યો હોત જે પૃથ્વી માટે સારી બાબત છે. અર્થ એ છે કે ઉપરથી હાનિરહિત દેખાતો બગાડ પૃથ્વી માટે હાનિકારક તો છે જ!

આ ક્રેડલ ટુ ક્રેડલ અભિયાન હેઠળ વિશ્વમાં નાના-નાના પ્રયોગો થઈ રહ્યા છે. જેમ કે આધુનિક જિન્સના નિર્માણમાં ખૂબ કૃત્રિમ રસાયણો વપરાય, પરંતુ હવે ફેંકી દેવાયા બાદ ગુણકારી ખાતરમાં ફેરવાય જાય તેવા જિન્સ તૈયાર કરાયા છે. લોકોમાં કે સરકારમાં તે માટેની જાગૃતિ આણવાનું મુશ્કેલ છે. ૫૦ વરસ અગાઉ દુનિયા પ્લાસ્ટિક વગર જીવતી હતી અને આજે તેની વિના જીવી શકતી નથી. આવી ભાવનાને કારણે સરકારો કે રાજકીય પક્ષો એક બનીને કઠોર નિર્ણય લઈ શકતા નથી. વચ્ચે વડાપ્રધાન શ્રી મોદી આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદમાં હાજરી આપીને જીભ કચડી આવ્યા હતા કે ભારતમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાશે, પણ જનતા (વેપારી જનતા) અને પોલિટિશિયનોના દબાણને કારણે વડાપ્રધાન તેને અમલમાં મુકી શક્યા નથી.

પ્લાસ્ટિક બાદ હવે ઇલેક્ટ્રોનિક્સ સાધનોનો કચરો એક જોખમના રૃપમાં ઝળૂંબી રહ્યો છે. લેપટોપ, સેલફોન, પૅડ, મધર બોર્ડ, બેટરીના સેલ વગેરે જોખમી પુરવાર થઈ રહ્યાં છે. તેને આધુનિક યંત્રો અને રૉબો વડે અલગ પાડીને કામની ચીજોના ફરી ઉપયોગને મહત્ત્વ અપાઈ રહ્યું છે. છતાં આજે માત્ર વીસ ટકા ઇલેક્ટ્રોનિક્સ કચરાનું રિસાઇક્લિંગ થાય છે. એપલ જેવી કંપનીઓ એવી સ્કીમો સાથે આવી છે જેમાં જૂનો ફોન કંપનીને આપવાથી નવી વસ્તુની કિંમત ઓછી કરવામાં આવે છે. ટેક્સાસ, અમેરિકા ખાતેના એપલના એક પ્લાન્ટમાં બુદ્ધિશાળી રૉબોટ યંત્રો તેના ભાગો છૂટા પાડે છે અને કામની ચીજો પાછી મેળવે છે, પરંતુ જે સમસ્યા છે તેમાં આવા પ્રયત્નો ખૂબ નાના જણાય. જ્યારે જોખમ સામે આવીને મોં ફાડશે ત્યારે જ તેનું મહત્ત્વ સમજાશે. દુનિયાના લોકોનો આ દસ્તૂર છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »