તમારા માટે, તમારી સાથે, સતત…

લૉકડાઉનમાંથી મુક્તિનો માર્ગ લંબાય છે ત્યારે…

દેશના દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સ્થિતિ ઝડપભેર વણસવા લાગી

0 122
  • કવર સ્ટોરી – તરુણ દત્તાણી

લૉકડાઉન ભલે લંબાવવામાં આવે, પણ તેને અમર્યાદ સમય સુધી ચાલુ રાખી શકાશે નહીં… લૉકડાઉન લંબાવવાની જાહેરાત થાય ત્યારે તેની સાથે જ લૉકડાઉનમાંથી તબક્કાવાર મુક્તિની રૃપરેખા પણ જાહેર કરવામાં આવે… એટલું જ નહીં તો મુક્તિના સમયે બહાર નીકળતા લોકોએ ફરજિયાત પાળવાની આચારસંહિતા પણ તૈયાર કરી તેને અગાઉથી જ જાહેર કરવામાં આવે.

ત્રીજી એપ્રિલ શુક્રવાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત રાષ્ટ્રજોગ સંબોધન દ્વારા દેશના લોકોને પાંચમી એપ્રિલ રવિવારે રાત્રે નવ વાગે નવ મિનિટ સુધી દીપ, કેન્ડલ – ટોર્ચ દ્વારા પ્રકાશ રેલાવવાની અપીલ કરી એ જ દિવસે એટલે કે ત્રીજી એપ્રિલે સરકારે અધિકારીઓને લૉકડાઉનના ત્રણ સપ્તાહ પૂર્ણ થયા પછી લૉકડાઉન ઉઠાવી લેવાની રણનીતિ તૈયાર કરવાના નિર્દેશ આપ્યા હતા. ચોવીસ માર્ચની મધ્યરાત્રીથી શરૃડ કરાયેલા લૉકડાઉનના પ્રથમ દસ દિવસના અનુભવ અને તારણો ઉત્સાહ પ્રેરક હતા. સરકાર બહુ ગંભીરતાથી લૉકડાઉન પછીની વ્યૂહરચના વિચારી રહી હતી. કેટલીક ગાઈડલાઈન્સ નક્કી કરાઈ રહી હતી. અગ્રતાક્રમો વિચારાઈ રહ્યા હતા. લૉકડાઉન પછીની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યપ્રધાનો પાસેથી સૂચનો માગવામાં આવ્યા હતા. લૉકડાઉન નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઈ જવાની આશાએ લોકો પણ ઉત્સાહિત હતા.

– પરંતુ રવિવાર (પાંચ એપ્રિલ) આવતા સુધીમાં દેશના દિલ્હી સહિત અનેક રાજ્યોમાં સ્થિતિ ઝડપભેર વણસવા લાગી. કોવિડ-૧૯ના સંક્રમિત અને શકમંદ લોકોની સંખ્યામાં ઝડપભેર વધારો થવા લાગ્યો. આસામ જેવા જે રાજ્યો અત્યાર સુધી શૂન્ય કેસ ધરાવતા હતા ત્યાં પણ એકાએક કોરોના પોઝિટિવ કેસ વધવા લાગ્યા. પાંચમી એપ્રિલના પ્રકાશોત્સવ પછી સ્થિતિ ગંભીર થતી ચાલી. કેટલાંક રાજ્યોના મુખ્યપ્રધાનોએ બહુ સ્પષ્ટ શબ્દોમાં લૉકડાઉનની મુદત લંબાવવાની માગણી કરી. જે નવા કોરોના સંક્રામક દર્દીઓ સતત બહાર આવી રહ્યા હતા અથવા શોધી કાઢવામાં આવ્યા હતા તેની પેટર્ન, તાસીર અને વ્યવહાર આવનારા દિવસોની ભયાવહ સ્થિતિના સંકેત આપી રહ્યા હતા. પાંચમી એપ્રિલ પછીનો પ્રત્યેક દિવસ ખતરાની નવી પરાકાષ્ટા સિદ્ધ કરી રહ્યો છે. બુધવાર (૮ એપ્રિલ) આવતાં સુધીમાં તો સરકાર લૉકડાઉન લંબાવવાની દિશામાં આગળ વધી રહી હોવાનું સ્પષ્ટ થઈ ગયું. જે લોકો ઇરાદાપૂર્વક કોરોના સંક્રમણ ફેલાવવા ઇચ્છતા હતા એ કદાચ સફળ થઈ રહ્યા હતા, પરંતુ તેનો શિકાર તેમના ખુદના પરિવારજનો, મિત્રો, સંબંધીઓ, હમરાહ અને હમસફર લોકો બન્યાં. કોરોના સામેના જંગમાં આજે જે લોકો યોદ્ધાની ભૂમિકામાં છે એવા તબીબો, નર્સો, આરોગ્યકર્મીઓ, પોલીસ અને સુરક્ષા એજન્સીના જવાનો સાથેના દુર્વ્યવહારની ઘટનાઓ છતાં તેઓ જે હિંમત અને ધૈર્યથી કામ કરી રહ્યા છે, તે ધન્યવાદને પાત્ર છે. નિઝામુદ્દીન મરકજના લગભગ સાતેક હજાર લોકો દેશભરમાં ફરી વળ્યા અને સરકારની તમામ જહેમતને અને લોકોના સહયોગને નિરર્થક બનાવવામાં મોટી ભૂમિકા ભજવી, પરંતુ આ સાતેક હજાર લોકોના દુઃસાહસને નજરઅંદાજ કરવામાં સરકાર ખુદ અને સરકારી તંત્રની નાકામીનો જવાબ પણ આજે નહીં તો કાલે માગવામાં આવશે. દિલ્હીની અને કેન્દ્ર સરકારની નજર અને નાક નીચે જે કાંઈ બન્યું અને બની રહ્યું હતું તેનાથી તદ્દન અજ્ઞાત હોવાનો દંભ નહીં કરી શકાય. જ્યાં વચ્ચે માત્ર એક જ દીવાલના અંતરાલે પોલીસ ચોકી હોય ત્યાં પોલીસ અને તેમના બાતમીદારોનું તંત્ર ધરાર નિષ્ફળતાની કથા તૈયાર કરીને બેઠું હતંુ?

આ સાત હજાર લોકોની બદતમીઝી અને સરકારની નાકામીની સજા દેશના ૧૩૦ કરોડથી વધુ નાગરિકોએ ભોગવવાની છે, તેનો પણ હરખ-શોક નથી, પરંતુ હવે શું? દુર્બુદ્ધિ, દુરાચારી સંક્રામક દર્દીઓ અને તેના જેવા કોરોના શકમંદોની આળપંપાળ કરવાની મનોવૃત્તિનો ત્યાગ કરીને તેમના અત્યાચારમાંથી તબીબો અને નર્સોને મુક્ત કરવાના કોઈ ઉપાય, કોઈ વિકલ્પ, કોઈ માર્ગ વિચારવામાં આવ્યા છે? ખરેખર તો આ કામ અત્યાર સુધીમાં થઈ જવું જોઈતું હતું. કેમ કે આવા લોકો દર્દી કરતાં દેશ અને સમાજના અપરાધી વધુ જણાય છે.

આપણો મુખ્ય મુદ્દો તો લૉકડાઉનના અંતનો છે. ત્રણ સપ્તાહનું લૉકડાઉન એકથી બે સપ્તાહ સુધી લંબાવવામાં આવશે એ લગભગ સુનિશ્ચિત છે. લોકોને એ માટે માનસિક રીતે તૈયાર કરાઈ રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં જે રીતે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે એ જોતાં ડરના માર્યા લૉકડાઉનનો વિસ્તાર લોકો સ્વીકારી પણ લેશે. અમેરિકા, બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ, જેવા દેશોએ પણ કોરોના સંક્રમણના નિયંત્રણ માટે આખરે આ જ માર્ગ પર આવવું પડ્યું છે ત્યારે ભારતના લોકોને વિશેષ સમજાવવાની જરૃર નહીં રહે. આટલા સમય પછી હવે દેશના શિક્ષિત, અશિક્ષિત, અર્ધશિક્ષિત – બધા લોકો આ નવા રોગની વિશેષતા અને તેના નિરૃપાય પણાને બરાબર સમજી ચૂક્યા છે. અમેરિકા, યુરોપ તો મોડા જાગ્યા છે અને તેનાં પરિણામ ભોગવી રહ્યાં છે. ભારતમાં પરિસ્થિતિ ઘણી નિયંત્રિત અને અંકુશ હેઠળ હતી, પરંતુ આપણે તો હવે જાણે ફરીથી એકડો ઘૂંટવાનો આવ્યો હોય એવી સ્થિતિ છે.

Related Posts
1 of 262

– તો પણ એક વાત કહેવી પડશે અને સરકારે સમજવી પડશે.  – લૉકડાઉનને અમર્યાદ સમય સુધી ચાલુ રાખી શકાશે નહીં. દુનિયાના દેશો કરતાં ભારતની સ્થિતિ અલગ છે અને ભારતના લોકોની તાસીર પણ અલગ છે. અત્યારના લૉકડાઉનને એક સપ્તાહ માટે લંબાવવામાં આવશે તો લોકો સહર્ષ સ્વીકારી લેશે, પરંતુ એથી વધુ સમય માટે લંબાવવામાં માત્ર લોકો માટે જ નહીં તો સરકાર માટે પણ અનેક સમસ્યાઓ સર્જાવાની છે. એટલે સારો રસ્તો તો એ હોઈ શકે કે જ્યારે લૉકડાઉન લંબાવવાની જાહેરાત થાય ત્યારે લૉકડાઉનમાંથી તબક્કાવાર મુક્તિની રૃપરેખા પણ જાહેર કરવામાં આવે. એટલું જ નહીં તો લૉકડાઉનમાંથી મુક્તિના સમયે પણ બહાર નીકળતા લોકોએ ફરજિયાત પાળવવાની આચારસંહિતા પણ તૈયાર કરીને તેને અગાઉથી જ જાહેર કરવામાં આવે. આવાં પગલાંની સીધી અસર એ થશે કે લૉકડાઉનનો વધારેલો સમયગાળો લોકો ઉત્સાહભેર પસાર કરશે અને આચારસંહિતાના પાલન માટે માનસિક રીતે સજ્જ બનશે.

કોરોના સંક્રમણમાંથી મુક્તિ પછીની દુનિયા થોડી બદલાયેલી હશે તેનો અનુભવ લોકોને અત્યારથી થવા લાગશે. આબાલ-વૃદ્ધ સૌને માટે આ આરોગ્ય -કટોકટીના બોધપાઠ રહેલા છે અને એ બોધપાઠ એવા છે કે જેને ગ્રહણ કરવાથી આ પ્રકારના રોગચાળા વખતે ભવિષ્યે પણ જીવન વધુ સુરક્ષિત રહેવાનું, પરંતુ એ લાંબા ગાળાની વાત છે.

સરકાર અત્યારે લૉકડાઉન માટે જે દિશામાં આગળ વધી રહી છે તેને જોતાં એકાદ સપ્તાહ માટે હાલની સ્થિતિને લંબાવ્યા પછીના સમય માટે નિર્ણયની જવાબદારી રાજ્ય સરકારોને માથે નાખી દેવામાં આવે. રાજ્ય સરકારો સ્વયં જ્યારે લૉકડાઉન લંબાવવાની માગણી કરે છે ત્યારે ભવિષ્યમાં રાજ્યની સ્થાનિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને નિર્ણય લેવા માટે રાજ્ય સરકારોએ પણ તૈયાર રહેવું જોઈએ. લોકોને ઘરમાં પુરાઈ રહેવા ફરજ પાડવા માટે અત્યારે પણ સરકારી તંત્રને ભારે મહેનત કરવી પડે છે. લૉકડાઉનને વધુ સમય સુધી લંબાવવાની સ્થિતિમાં તેના ભંગની ફરિયાદો અને ઘટનાઓ વધી પડશે. શક્ય છે કે તેને કારણે નવા પ્રશ્નો ખડા થાય. કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે ત્યારે હવે જે વિસ્તારોને જડબેસલાક સીલ કરાઈ રહ્યા છે ત્યાં પોલીસ બંદોબસ્તની વધારે જરૃર પડવાની છે. કાયદો – વ્યવસ્થાનું તંત્ર આવા સ્થળોએ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે પણ જ્યાં જોખમ નથી એવા વિસ્તારોમાં નિયમનો હળવા કરીને પોલીસની જવાબદારી હળવી કરવાની જરૃર છે.

વડાપ્રધાન ૧૧ એપ્રિલે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે લૉકડાઉનના મુદ્દે વિમર્શ કરવાના છે. એ પછી ૧૨મી અથવા ૧૩મી એપ્રિલે લૉકડાઉન લંબાશે કે કેમ તેનો આખરી નિર્ણય લેવાશે. અત્યારે પણ એવાં સૂચન થઈ જ રહ્યાં છે કે જ્યાં બહુ જોખમ નથી એવા શહેરો અને વિસ્તારોમાં નિયંત્રણો હળવા કરવા. એટલે આમ કરવું હોય તો એ નિર્ણય રાજ્યોના મુખ્યપ્રધાનોના વિવેકને આધીન રહે એ સ્વાભાવિક છે, પરંતુ કેન્દ્રની ચિંતા એથી આગળની છે. લૉકડાઉનના સમયગાળાને વધારવા જતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોનો જે ઉનાળુ પાક છે તેને હવે બજારમાં લાવવાનો સમય ક્યારનો પાકી ગયો છે. લૉકડાઉનને કારણે તેમાં વિલંબ થઈ ચૂક્યો છે. વધુ વિલંબ વ્યક્તિગત રીતે ખેડૂતોને અને આર્થિક રીતે દેશને માટે પણ નુકસાનકારક બને તેમ છે. આ તો માત્ર કૃષિ ક્ષેત્રની વાત થઈ. આવા બીજા પણ અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં માનવશક્તિ અને પરિવહન સુવિધાની આવશ્યકતા રહેશે. નિયંત્રણો હળવા કર્યા વિના એ શક્ય બનવાનું નથી.

–  અને એટલે જ તબક્કાવાર લૉકડાઉનનાં નિયંત્રણો હળવા કરવાનો માર્ગ અપનાવ્યા વિના છૂટકો નથી. અનેક સ્થળોએ ગ્રામ્ય વિસ્તારોમાં પાછા ફરેલા શ્રમજીવીઓને કારણે સમસ્યા સર્જાઈ છે. જોકે સરકાર માટે પરિવહન સેવા પણ એકદમ શરૃ કરવાનું મુશ્કેલ બનવાનું છે. આચારસંહિતા અને રૃપરેખા તૈયાર કરવાનું એ માટે જ અનિવાર્ય છે. નાગરિકોને સ્વયં જવાબદાર બનીને વર્તવા માટે પણ ફરજ પાડવી પડશે.

દેશના હિતચિંતકોને બેરોજગારી અને આર્થિક મંદીની મોટી ચિંતા છે. એ ખોટી પણ નથી, પરંતુ એક વખત તબક્કાવાર નિયંત્રણો હળવા બનવા લાગશે તેમાં પણ તેજી આવશે. અત્યારે આરોગ્ય ક્ષેત્ર રોજગાર માટે વ્યાપક બન્યું છે. સરકાર પણ હંગામી ધોરણે ભરતી કરીને થોડી તાલીમ આપીને નવા લોકોને કામે લગાડી શકે છે. કોરોનાનું સંકટ આગામી ત્રણથી છ મહિના સુધીનો સમય તો લેશે તેમાંથી સંપૂર્ણ મુક્તિ માટે.

સૌથી વધુ મહત્ત્વની વાત સરકાર દ્વારા નાગરિકો માટે આચારસંહિતા અને તેના કડક પાલનના આગ્રહ સાથે છૂટછાટ આપવાની છે. સરકારી કે ખાનગી કચેરીઓમાં કામ કરતા લોકોને તેમના વ્યાવસાયિક સંસ્થાનો પણ આચારસંહિતાના પાલન માટે ફરજ પાડી શકે. લોકોએ પણ એક વાત યાદ રાખવી પડશે કે જ્યારે પણ અને જે રીતે લૉકડાઉનમાંથી મુક્તિ મળે ત્યારે એ મુક્તિને કોરોના સંક્રમણની શક્યતામાંથી મુક્તિ સમજવાની ભૂલ ન કરે. અત્યારે જે કાળજી લેવામાં આવી રહી છે તેને આગામી અનેક મહિનાઓ સુધી વળગી રહેવાની તૈયારી રાખવી પડશે.
————————

Leave A Reply

Your email address will not be published.

Translate »