તમારા માટે, તમારી સાથે, સતત…

‘થપ્પડ’:  સમાજમાં સ્થાપિત થઈ ચૂકેલી કૌટુંબિક પ્રથા

'પુરુષપ્રધાન આપણા સમાજમાં સ્ત્રીને પહેલેથી એવું શીખવવામાં આવે છે કે સહન કરી લેવું.

0 631
  • સાંપ્રત – નરેશ મકવાણા

દરેક થપ્પડની પાછળ એક ચોક્કસ ઇતિહાસ હોય છે. એ માત્ર વર્તમાન નહીં, ભૂતકાળ પણ હોય છે. પોતાની પત્નીને થપ્પડ મારતી વખતે એક પુરુષના મનમાં જે ભાવ રહેલો હોય છે તે કંઈ રાતોરાત પેદા થયેલો નથી હોતો. એની પાછળ કોઈ નિશ્ચિત ઘટના ધરબાયેલી હોય છે. આવી જ કેટલીક બારીક બાબતોને ઉજાગર કરતી અનુભવ સિંહાની ફિલ્મ થપ્પડઆજકાલ ચર્ચામાં છે ત્યારે અહીં સમસ્યાનાં મૂળ તરફ ગતિ કરવા પ્રયત્ન કરાયો છે.

‘મુલ્ક’ અને ‘આર્ટિકલ ૧૫’ બાદ ડિરેક્ટર અનુભવ સિંહા ‘થપ્પડ’ લઈને આવ્યા છે. સરેરાશ દર્શક અને આલોચક બંનેએ ફિલ્મનાં વખાણ કર્યાં છે ત્યારે તેના વિષયને લઈને દેશભરમાં નવેસરથી ચર્ચા છેડાઈ છે. ડિરેક્ટરે ‘થપ્પડ’ શીર્ષક હેઠળ ઘરેલુ હિંસા અને સ્ત્રી સ્વમાનનો મુદ્દો ઉઠાવ્યો છે. અહીં એક તબક્કે ફિલ્મને સાઈડમાં રાખીને ભારતીય સમાજ પર નજર કરીશું તો સમજાશે કે પતિ જો પોતાની પત્નીને થપ્પડ મારી દે તો ન માત્ર તેનાં સાસુ-સસરા, પરંતુ છોકરીનાં માબાપ પણ એવું જ કહેતાં જોવા મળે છે કે પતિ-પત્ની વચ્ચે આવા નાનામોટા ઝઘડા તો ચાલતા રહે. એવી ‘સામાન્ય’ બાબતમાં કંઈ છૂટાછેડા લેવા થોડા બેસાય?

પણ ‘થપ્પડ’ ફિલ્મ તાર્કિક રીતે આ વાતને નકારી કાઢતા કહે છે કે, કોઈ પણ સંજોગોમાં પતિને પત્ની પર હાથ ઉપાડવાનો અધિકાર નથી. થપ્પડ મારવી ન માત્ર નૈતિક રીતે પરંતુ કાયદાકીય રીતે પણ યોગ્ય નથી. અનુભવ સિંહાએ ફિલ્મના માધ્યમથી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે આપણાથી ક્યાં ભૂલ થાય છે. આપણી અંદર બેઠેલો સદીઓ જૂનો પુરુષ સતત સ્ત્રીને પગની જૂતી સમજતો આવ્યો છે. આ ભૂલ તે સતત કરતો આવ્યો છે અને છતાં આપણે તેની ગંભીરતા સમજ્યા નથી. એ સ્થિતિમાં સવાલ એ થાય કે કોઈ સ્ત્રી માત્ર સામાજિક માન્યતાઓને જાળવી રાખવા માટે થઈને ક્યાં સુધી પોતાના પર થતા અત્યાચારો સહન કરતી રહે?

ઘરેલુ હિંસાની સમસ્યા સાથે સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને મજબૂત રીતે રજૂ કરતી પ્રથમ નેશનલ ઍવૉર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સમગ્ર મામલાના મૂળ તરફ ઇશારો કરતા કહે છે, ‘પુરુષપ્રધાન આપણા સમાજમાં સ્ત્રીને પહેલેથી એવું શીખવવામાં આવે છે કે સહન કરી લેવું. પછી ભલેને પુરુષ તેના પર હાથ સુદ્ધાં કેમ ન ઉપાડે. આપણે ઘરેલુ હિંસાને સિસ્ટમનો એક ભાગ બનાવી દીધી છે. એટલે ઘણાખરા કેસોમાં તો સ્ત્રી પોતાના પર અત્યાચાર થઈ રહ્યો છે તે બાબતે સભાન પણ નથી હોતી. તેણે સ્વીકારી લીધું હોય છે કે ‘પતિ છે તો મારેય ખરો’. હવે જોકે સ્ત્રી જેમ જેમ સ્વતંત્ર, શિક્ષિત અને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા લાગી છે તેમ તેમ આ માન્યતા બદલાવા માંડી છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા પુરુષોનું સ્ત્રી તરફનું વર્તન ઘરની યુવતીઓનાં માનસિક-સામાજિક ઘડતરમાં અગત્યનો ભાગ ભજવતું હોય છે. જે પરિવારમાં પિતા ઉગ્ર સ્વભાવના હોય, માતા સાથે કાયમ તોછડાઈથી વર્તતા હોય, મારઝૂડ કરતા હોય, તે પરિવારની યુવતીઓ લગ્ન બાદ સરળતાથી પતિના અત્યાચારને સ્વીકારી લેશે. એની સામે જો પિયરમાં પિતા પ્રેમાળ હોય, માતા સહિતની સ્ત્રીઓ સાથે હળીમળીને રહેતા હોય, તો એ ઘરની યુવતીઓ સાસરિયાંમાં થતા અત્યાચાર સામે અવાજ ઉઠાવવા સક્ષમ હોવાની. મને યાદ છે નાનપણમાં અમારા એક સગાની બાજુમાં રહેતા એક કાકા તેમની પત્નીને ઘર બંધ કરીને ફટકારતા. હું એ કાકીની આજીજી, કાકલૂદી સાંભળીને ડરી જતી. પછી મને સમજાયું કે કાકીએ કદી એ બાબતે વિરોધ જ નહોતો કર્યો એટલે કાકાને ફાવતું જડ્યું હતું. આજેય સ્ત્રીઓ ઘરેલુ હિંસાના કેસમાં ફરિયાદ કરવામાં પાછી પાની કરે છે તેની પાછળનું કારણ એ જ કે તે ઘર તોડવા નથી માગતી. જો તે ફરિયાદ કરે તો સમાધાનની શક્યતાઓ તો ઘટે જ, સાથે બીજા કેટલાક સવાલો પણ ઊભા થઈ જતા હોય છે. જેમ કે, બાળકો હોય તો તેમનું ભવિષ્ય શું, પતિ છોડી દેશે તો પોતે ક્યાં જશે, છોકરા લઈને પોતે માતાપિતાને ત્યાં જઈને ક્યાં સુધી રહે. ભાઈ-ભાભી તેને સ્વીકારશે કે નહીં. સમાજ શું કહેશે, આવા અનેક સવાલો ફરિયાદ ન કરવા પાછળ જવાબદાર હોય છે બાકી કોઈ સ્ત્રી ઘરેલુ હિંસા સહન ન કરે.’

Related Posts
1 of 319

રાજ્ય સરકાર દ્વારા ઘરેલુ હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતે ચાલતા ‘સખી વન સ્ટોપ સેન્ટર’નાં કોર્ડિનેટર મિત્તલબહેન પટેલ પીડિતાની મનોદશા અંગે વાત કરતાં કહે છે, ‘સામાન્ય રીતે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી સ્ત્રી થોડી ડરેલી હોવાની સાથે પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ નથી હોતી. તે ભારે અસમંજસમાં હોય છે. જો તે ફરિયાદ કરવા પહોંચી પણ જાય તો પરિવારના સભ્યો ભવિષ્યની બીક બતાવીને મામલો રફેદફે કરી દેતા હોય છે. એટલે જ અહીં આવતી દરેક પીડિતાને અમે તમામ પાસાંઓની જાણકારી આપીને શું નિર્ણય લેવો તે તેના પર છોડીએ છીએ. જો તે ફરિયાદ કરવા ઇચ્છતી હોય તો તમામ પ્રકારની મદદ કરીએ છીએ. જો ઘેર પરત ફરવા માગતી હોય તો અમે તે સાસરિયામાં ગયા પછી ફરી હિંસાનો ભોગ ન બને તે માટેનું બંધારણ નક્કી કરીએ છીએ. અમારે ત્યાં દસમાંથી ૬ કેસો એવા આવે છે જેમાં પીડિતા સ્થિતિ વણસી ગઈ હોવા છતાં પતિ કે સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ કરવા નથી માગતી હોતી. આ હદની સ્થિતિ ન આવે તે માટે જરૃરી છે કે બહેનો ઘરેલુ હિંસાની શરૃઆતમાં જ અવાજ ઉઠાવતી થાય. એ માટે અમે તેને ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ની સમજણ આપીએ છીએ.’

અમદાવાદ મહિલા પોલીસનાં એસીપી મીની જોસેફ ઘરેલુ હિંસા મામલે પોતાનાં અનુભવો શેઅર કરતાં કહે છે, ‘મહિલા પોલીસ સ્ટેશનમાં આવતા ઘરેલુ હિંસાના ૮૫ ટકા કેસોમાં સમાધાન થતાં હોય છે જેમાંથી મોટા ભાગનાં સ્ત્રી તરફથી હોય છે. મૂળ મુદ્દો એ કે આપણી સમાજ વ્યવસ્થામાં સ્ત્રીની ભૂલને જરાય ચલાવી લેવામાં નથી આવતી, પણ જો એ જ ભૂલ પુરુષ કરે તો સમાજ તેને સરળતાથી માફ કરીને સ્વીકારી લે છે. દા.ત. જો સ્ત્રી તેના કોઈ જૂના મિત્ર સાથે વૉટ્સઍપ પર ચેટિંગ અથવા ફોન પર વાતો કરતી જોવા મળે તો તેનો પતિ તરત શંકા કરીને તેને મારશે, પણ એ જ વસ્તુ જો પુરુષ કરતો જોવા મળે તો કોઈ તેને પૂછનાર નથી. તકલીફ તો એ છે કે બહુમતી સ્ત્રીઓ પણ એવું માનતી હોય છે. સામાન્ય રીતે ઘરેલુ હિંસાના કેસોમાં વિકલ્પોના અભાવે મોટા ભાગે સ્ત્રી તરફથી સમાધાન કરવામાં આવતું હોય છે, પણ જો તે આર્થિક રીતે સદ્ધર હોય, અન્યો પર આશ્રિત ન હોય તો ધાર્યું પરિણામ મેળવી શકે છે, પણ જો’સમાજ મારા વિશે શું વિચારશે’, ‘માબાપના ઘેર ક્યાં સુધી પડી રહીશ’ એમ વિચારવા લાગે છે ત્યારે પતિ ગમે તેવો ખરાબ હોય તોય નિભાવી લે છે. અહીં તેની પ્રાથમિકતા કઈ છે તે મહત્ત્વનું છે. મોટા ભાગની સ્ત્રીઓ બાળકો માટે સમાધાન કરતી હોય છે. તેને લાગતું હોય છે કે પિતાના ઘેર સંપત્તિમાં કશો ભાગ મળેલો નથી, ભાઈ-ભાભીના આશ્રિત થઈને બાળકોને સારી રીતે ઉછેરી શકાશે નહીં. એનાથી સારું છે કે પતિનો માર સહન કરીને પણ તેની સંપત્તિ પર બાળકોનો હક તો રહેશે. સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે નિમ્ન વર્ગમાં ઘરેલુ હિંસા વધારે હોય છે, પણ એવું છે નહીં. નિમ્ન વર્ગમાં જો પુરુષ સ્ત્રીને મારશે તો સ્ત્રી પણ સામે મારી લેશે. એ રીતે વાત ત્યાં જ ખતમ કરી લેશે. તેમની વચ્ચે ઈગો પ્રોબ્લેમ નથી હોતો. જ્યારે મધ્યમ અને ઉચ્ચ વર્ગમાં સામાજિક મોભાને કારણે અહમ ચરમસીમાએ હોય છે. એટલે માત્ર તેને પોષવા ખાતર બેમાંથી એકેય વર્ગ સમાધાનકારી વલણ અપનાવતો નથી અને કોર્ટમાં કેસ ચાલ્યા કરે છે. ફરિયાદ માત્ર એવી સ્ત્રીઓ કરતી હોય છે જેઓ માતાપિતા ઉપર અવલંબિત નથી, આર્થિક રીતે પગભર છે તથા બાળકો અને પોતાના ભરણપોષણની જવાબદારી સારી રીતે અદા કરી શકે છે. ઘણા લોકો એમ માનીને ઘરેલુ હિંસાનો બચાવ કરતા હોય છે કે, એકાદ  વારની મારઝૂડમાં પણ જો મહિલાઓ લગ્નસંબંધ તોડવા માંડશે તો પછી એકેય સંબંધ ટકશે નહીં. એનો જવાબ એ હોઈ શકે કે સ્ત્રી અત્યાર સામે વિરોધ જ નહીં નોંધાવે તો પુરુષ તેને નબળી સમજીને તેમાં વધારો કરતો રહેશે. રહી વાત ફિલ્મની, તો તેમાં બતાવવામાં આવેલી એક થપ્પડ તો પ્રતીક માત્ર છે. અસલમાં એ થપ્પડ પછી બીજી અનેક ન વાગેલી થપ્પડો સ્ત્રીની નજર સામે તરવરવા લાગતી હોય છે.’

ઘરેલુ હિંસાનું સ્વરૃપ અને તેનાં મૂળ ઘરેલુ હિંસા આપણા સમાજ માટે કોઈ અટપટી ચીજ નથી. આપણે સતત એવી દુહાઈ દેવાય છે કે જ્યાં બે વાસણ ભેગા હોય ત્યાં તે ખખડે પણ ખરાં. એમાંને એમાં ક્યારેક ખખડાટ હદ બહાર વધી જતો હોવા છતાં તેનો કાયમી ઉકેલ લાવવાને બદલે સમાધાનકારી વલણ અપનાવી લેવાય છે. જે છેવટે તો સ્ત્રીને ફરી પાછી એ જ પરિસ્થિતિમાં લાવીને મૂકી દે છે. સામે પુરુષ આ મામલે જરાય નમવાના મૂડમા નથી હોતો. એટલું જ નહીં, સ્ત્રીની સરખામણીએ તેને મામલાની ગંભીરતા પણ એટલી સ્પર્શતી નથી. એ સ્થિતિમાં હવે બદલાતા સમયની સાથે એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે કે પત્ની વિરુદ્ધ પતિની મૌખિક અને શારીરિક હિંસાને કેવી રીતે જોવામાં આવે?

ગુજરાત યુનિ.નાં પત્રકારત્વ વિભાગના અધ્યક્ષ અને મહિલાઓના હકો માટે સતત અવાજ ઉઠાવતાં રહેતાં ડૉ. સોનલ પંડ્યા ઘરેલુ હિંસાના સ્વરૃપ અને પુરુષપ્રધાન સમાજ વ્યવસ્થા સમજાવતાં કહે છે, ‘હિંસાનાં બહુ બધાં સ્વરૃપો પૈકીની એક થપ્પડ છે. આપણે ત્યાં તે મર્દાનગી સાથે જોડાયેલી છે. આપણી ફિલ્મોમાં પણ ‘થપ્પડ કી ગુંજ’ પર કેટલા બધા સંવાદો છે! સમાજ એવું માને છે કે સ્ત્રીને નિયંત્રિત કરવાની સત્તા પુરુષ પાસે હોવી જોઈએ અનેે થપ્પડ એ સત્તાનું પ્રતીક છે. મને લાગે છે બદલાતા સમાજની સાથે સ્ત્રીનું પિયર બદલાયું છે, પણ સાસરિયું હજુ નથી બદલાતું તેની આ સમસ્યા છે. આજેય આપણે ત્યાં વહુ અને પત્નીનો ખ્યાલ સ્ટીરીયો ટાઈપ છે. તેણે અમુક રીતે જ વર્તવું, અમુક પ્રકારનાં કામો ગમે તે પરિસ્થિતિમાં કરવાના જ. એક સમય હતો જ્યારે પત્ની પતિ સાથે અણબનાવ થતા છોકરાં લઈને પિયર જતી રહેતી અને સચવાઈ પણ જતી. આજે ન તો માબાપોની એવી સ્થિતિ છે, ન ભાઈ-ભાભાની એવી તૈયારી હોય છે. આપણી સામાજિક વ્યવસ્થા એવી રહી છે કે પતિની થપ્પડથી છૂટવા સ્ત્રી અલગ થાય છે તો બીજી અનેક થપ્પડો તેને ખાવી પડે છે, જે વર સિવાયનાં લોકો તેને મારી જાય છે. એ સ્થિતિમાં પતિની થપ્પડ ખાઈને પડ્યા રહેવા સિવાયનો કોઈ વિકલ્પ તેને દેખાતો નથી.’

જાણીતા સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની ઘરેલુ હિંસાને પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા સાથે જોડે છે. તેમના મતે સ્ત્રીના ગાલ પર પડતી દરેક થપ્પડનાં મૂળ આપણી પિતૃસત્તાક સમાજ વ્યવસ્થામાં પડેલાં છે. પોતાનો તર્ક સમજાવતા તેઓ કહે છે, ‘આપણી પિતૃસત્તાક વ્યવસ્થામાં પુરુષ કાયમ એક સત્તાધારી વ્યક્તિ રહી છે. સ્ત્રીએ પરણ્યાં પહેલાં પણ જોયું હોય છે કે પરિવારમાં તેના પિતા પાસે તમામ સત્તાઓ હોય છે. જે ઘરોમાં માત્ર પુરુષ જ કમાતો હોય અથવા તેના થકી જ ઘર ચાલતું હોય ત્યાં આ સત્તા વધારે કેન્દ્રિત થઈ જાય છે. એવા ઘરોમાં દીકરીએ નાનપણથી તેની માતા સાથે તેના પિતા કેવો વ્યવહાર કરે છે તે જોયું હોય છે જેમાં થપ્પડ પણ સામેલ હોય છે. હજુયે થપ્પડ માર્યા પછી કોઈ પુરુષ સ્ત્રીને સૉરી નથી કહેતો એટલે આપણે ત્યાં તે એક સ્થાપિત થયેલી કૌટુંબિક પ્રથા બની ગઈ છે. દરેક ધર્મમાં આ પિતૃસત્તા જોવા મળે છે અને હવે તેના મૂળ એટલાં જામી ચૂક્યાં છે કે આપણને તેમાં કશું અજુગતું નથી લાગતું. સમસ્યા એ છે કે આપણા શિક્ષણે કદી ઘરની પરંપરાઓથી વિરુદ્ધ પ્રગતિશીલ વિચારોને કદી સ્થાન જ નથી આપ્યું. એટલે ઘરનો સમાજ જેમનો તેમ રહે છે અને શિક્ષણ તેને કદી પડકારી નથી શકતું. ઉલટાની આપણા ઘરની જે પ્રથા છે તે જ આપણે શિક્ષણમાં પણ સ્વીકારી લીધી. જેમ કે જાહેર કાર્યક્રમોમાં મહેમાનોનું સ્વાગત પુરુષ કરે પણ ફૂલનો બુકે ટ્રેમાં લઈને છોકરી જ આવે છે. પુરુષોને જાણે ગાતા જ ન આવડતું હોય તેમ લગભગ દરેક કાર્યક્રમોમાં પ્રાર્થના છોકરીઓ જ ગાય છે. સ્કૂલમાં કશુંક ઢોળાય તો પોતું મારવું, કચરો સાફ કરવો વગેરે કામો પણ છોકરીઓ જ કરે છે. સવાલ એ થાય કે કેમ આપણા ઘરોની જે વ્યવસ્થા છે તે શાળાઓએ ન બદલી, આવો વિચાર કેમ તેને ન આવ્યો? બસ આ જ પિતૃસત્તા. આજે ઘરમાં જે સત્તા ચલાવે છે તે જ કામના સ્થળે, રાજકારણમાં, ધર્મમાં અને શિક્ષણમાં પણ ચલાવે છે. આપણે કદીયે પિતૃસત્તાને પડકારી જ નથી, સ્ત્રીએ પણ નહીં. આપણે ત્યાં પિતા-પુત્ર વચ્ચે એટલો સંવાદ નથી થતો જેટલો માતા-પુત્રી વચ્ચે થાય છે. પિતા કદી પુત્રને એક સ્ત્રી સાથે કેવી રીતે વર્તવું તે પણ શીખવતો નથી. આમ સંવાદ ન હોવાને કારણે પિતાથી પુત્ર તરફ પિતૃપ્રધાન વ્યવસ્થાની જડતા અને શોષણ યથાવત રહે છે.’

ટૂંકમાં, દરેક થપ્પડનો એક ઇતિહાસ હોય છે અને સ્ત્રી મૂળ થપ્પડ સિવાય શાબ્દિક, દ્રષ્ટિ, વર્તન, સત્તા, લાગણી જેવા અનેક સ્તરે થપ્પડો સહન કરી રહી છે. એ સ્થિતિમાં ગાલ પર પડેલી એક થપ્પડ તો સંબંધ તોડવાનું માત્ર નિમિત્ત બને છે, પરંતુ તેની પાછળ એકથી વધુ ઘટનાઓ રહેલી હોય છે. આજે નવી પેઢીનાં લોકો, જેમણે આ ફિલ્મ જોઈ છે તેમણે એ સમજવું રહ્યું કે કોઈ પણ સંબંધ પ્રેમથી ચાલે છે, નહીં કે થપ્પડથી.
—————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »