તમારા માટે, તમારી સાથે, સતત…

સૈન્યમાં મહિલાઓને મળ્યો સમાન અધિકાર

સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો.

0 149
  • વુમન્સ ડે સ્પેશિયલ – ઋષિતા આચાર્ય

સેનામાં તેર વર્ષ સુધી સેવા આપનારા સેવાનિવૃત્ત લેફ્ટનન્ટ કર્નલ ઋષિતા આચાર્યએ સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશને વધાવ્યો છે. સેનામાં મહિલાઓની ફરજનિષ્ઠા, પુરુષ અધિકારીઓ અને જવાનો સાથે ખભેથી ખભો મિલાવીને જવાબદારી નિભાવવાની ક્ષમતા વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે.

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો. ઘણા લાંબા સમયથી આ આદેશની રાહ જોવાઈ રહી હતી. મહિલાઓને સ્થાયી કમિશન નહીં આપવાના સંદર્ભમાં એવો તર્ક રજૂ કરવામાં આવતો હતો કે પુરુષ જવાનોને મહિલા ઓફિસરોના આદેશ માનવામાં હિચકિચાટનો અનુભવ થાય છે. એવી દલીલો કરવામાં આવતી હતી કે આપણો ગ્રામીણ સમાજ આજે પણ પુરુષવાદી વિચારધારા ધરાવે છે અને પુરુષ માનસિકતા મહિલાને પોતાના ઓફિસર કે વડા તરીકે સ્વીકારી નથી શકતી. જોકે, વાસ્તવિકતા આ બધા તર્ક અને દલીલો કરતાં તદ્દન ભિન્ન છે. મેં સેનામાં તેર વર્ષ સુધી જોડાઈ રહીને દેશની સેવા કરી છે. આ તેર વર્ષ દરમિયાન મને ક્યારેય પણ એવું નથી લાગ્યું કે કોઈ જવાનને મારો આદેશ માનવામાં પરેશાની થઈ હોય કે તેમનો અહંકાર ઘવાયો હોય અને તેણે એ આદેશ માનવાનો ઇનકાર કરી દીધો હોય. આપણી સેના વિશ્વની સૌથી શ્રેષ્ઠ સેનાઓ પૈકીની એક છે. એટલે તેમાં આવા કોઈ મુદ્દા અસ્તિત્વ ધરાવતા હોય એવું તમે વિચારી પણ નહીં શકો. જો તમે એક સારા ઓફિસર હો તો કોઈ પણ જવાનને તમારો આદેશ માનવામાં કોઈ પણ પ્રકારની નાનમનો અનુભવ નથી થતો, ઉપરથી તેઓ સહકાર આપતા હોય છે. પુરુષવાદી માનસિકતા ક્યાંય પણ ફરજની આડે નથી આવતી અને મહિલાઓ ઓફિસર હોવાને નાતે ક્યારેય પણ તમારી શક્તિઓને અને હોદ્દાને ઓછો કે ઊતરતો નથી આંકવામાં આવતો. હવે રહી વાત જવાનોનો આદેશ નહીં માનવાની વાતની (હકીકતમાં એવું કશું હોતું જ નથી) તો એ શક્યતા તો કોઈની પણ સાથે રહેલી હોય છે – ચાહે તે પુરુષ ઓફિસર હોય કે મહિલા ઓફિસર.

હકીકતમાં, સ્થાયી કમિશન નહીં મળવા પાછળ અન્ય કેટલીક બાબતો જવાબદાર હતી. સૌથી મોટી અને પહેલી પરેશાની એ હતી કે મહિલા ઓફિસરોને એ વાતની ખબર જ નહોતી કે ચૌદ વર્ષ સુધી સેનામાં સેવા આપ્યા બાદ તેમને તેમના સમકક્ષ પુરુષ ઓફિસરોની માફક આગળ વધવાની તક મળશે કે નહીં. મહિલા ઓફિસરો એક પ્રકારની મૂંઝવણ અનુભવતી હતી. મેં પોતે પણ તેર વર્ષ સુધી સેનામાં સેવા આપી છે, પણ ત્યાર બાદ હું એક કોર્પોરેટ કંપની સાથે જોડાઈ ગઈ. તેનું એક કારણ એ હતું કે જો હું વધુ લાંબો સમય રાહ જોતી તો મને જે અવસર મળ્યો હતો તે આગળ જતા ન મળતો. મારા માટે તમામ દરવાજા બંધ થઈ જતાં જ્યાં હું વધુ સારું કામ કરી શકતી. આ જ સમસ્યા બીજી મહિલા ઓફિસરો પણ અનુભવતી. જો તમને ખબર જ ન હોય કે તમારી નોકરી સ્થાયી છે કે નથી તો તમારે ઘણી બધી મૂંઝવણોનો સામનો કરવો જ પડે છે. સુખદ વાત એ છે કે હવે સેનામાં કાર્યરત મહિલાઓને આ પ્રકારની મૂંઝવણનો સામનો નહીં કરવો પડે. હવે મહિલાઓ ભારતીય સેનાને નોકરી તરીકે જ નહીં પણ એક અને શ્રેષ્ઠ કારકિર્દી તરીકે પણ લેતી થશે અને પોતાનો કાર્યકાળ પૂરો કરશે.

Related Posts
1 of 319

સુપ્રીમ કોર્ટનો આદેશ ભલે મોડો આવ્યો છે પણ યોગ્ય આવ્યો છે. વાયુ સેના અને નૌ સેનાએ ઘણા સમય પહેલાંથી જ મહિલાઓને સ્થાયી કમિશન આપવાની પહેલ કરી દીધી હતી. ત્યાં મહિલાઓ એ તમામ કામ કરે છે, જે પુરુષ ઓફિસરો કરે છે. થળ સેનામાં કોમ્બેટ આર્મ્સમાં એવું નથી. હવે સેનામાં સ્થાયી કમિશન મળી શકવાને કારણ મહિલાઓ કાર્યકાળની વચ્ચેથી જ સેનામાં સેવા નહીં આપવાનો નિર્ણય નહીં લે. તે પોતાનો કાર્યકાળ પૂરો કરશે. તેમને તેમના પુરુષ સમકક્ષની સમાન અવસરો પ્રાપ્ત થશે. પેન્શન મળશે. એક રીતે જોવા જઈએ તો, મહિલાઓને સશક્ત બનાવવાની દિશામાં સર્વોચ્ચ અદાલતનો આ આદેશ ખૂબ અસરકારક પુરવાર થશે.

ચોક્કસ આ આદેશ મહિલાઓના સ્થાયી કમિશનના સંદર્ભમાં આવ્યો છે અને આ આદેશમાં યુદ્ધ ક્ષેત્રમાં કામ કરવાના અવસરને લઈને કોઈ નક્કર વાતો નથી કરવામાં આવી, પણ આ આદેશ એક પ્રકારનો વિશ્વાસ અપાવે છે કે હવે બધું બરાબર જ થશે. આશા રાખીએ કે મહિલાઓ પણ જલદી જ દુશ્મનો સામે મોરચો સંભાળનારાઓમાં સૌથી આગળની હરોળમાં ઊભી હશે. હકીકતમાં, સેનામાં બધા જ યુદ્ધક અંગ પોતપોતાની જરૃરિયાતો અનુસાર કોર્સ કરાવે છે. યુદ્ધક અંગો જેવા કે ઇન્ફાન્ટરી, આર્મ્ડ અને આર્ટિલરીમાં મહિલાઓની નિયુક્તિ નથી કરવામાં આવતી. તેથી મહિલાઓ તેમાં અભ્યાસ નથી કરી શકતી. બીજા બધા વિભાગોમાં તે કમિશન્ડ થતી રહી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ લેફ્ટનન્ટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવતી હતી. હવે સ્થાયી કમિશન થવાને કારણે પુરુષોની જેમ જ લેફ્ટનન્ટ કર્નલની ઉપરના પદાનુક્રમમાં પ્રમોશન મેળવવાનો મોકો તેમને મળશે. તેમનામાં નવા ઉત્સાહનો સંચાર થશે. જોશ અને ઝનૂન સાથે આગળ વધવા માટે તેઓ પ્રોત્સાહિત થશે.

થળ સેનામાં ઇન્ફાન્ટરી, આર્મ્ડ અને આર્ટિલરીને બાદ કરતાં અન્ય દરેક વિભાગોમાં સહયોગી સદસ્ય તરીકે મહિલાઓ અશાંત ક્ષેત્રોમાં પોતાની સેવા આપતી જ આવી છે. તેથી એવી માનસિકતા ધરાવવી કે મહિલાઓ યુદ્ધભૂમિમાં સફળ નહીં નિવડે, તે તદ્દન ખોટી છે. હું આવી માનસિકતા સાથે સહમત નથી. સેનામાં એક કહેવત ખૂબ જાણીતી છે કે શાંતિકાળ દરમિયાન સૈન્ય અભ્યાસની ખૂબ વધુ જરૃર પડે છે. આપણી ફોજ પણ એવું જ કરે છે. તપતો રણ પ્રદેશ હોય કે ઠંડા પ્રદેશો – મહિલાઓ આ સૈન્ય અભ્યાસોમાં સામેલ થતી જ આવી છે. આ અભ્યાસોમાં એવો જ માહોલ ઊભો કરવામાં આવે છે, જેવો યુદ્ધ દરમિયાન હોય છે. આ અભ્યાસમાં મહિલાઓ પુરુષોની સાથે ખભેથી ખભો મિલાવીને અભ્યાસ કરતી હોય છે. ભાગ લેતી હોય છે. કોઈ પણ જગ્યાએ મહિલાઓ શારીરિક રીતે દુર્બળ હોવાનો અહેસાસ પણ નથી થતો. તો પછી કોમ્બેટ આર્મ્સમાં તેમના પ્રવેશ પર શા માટે પ્રતિબંધ છે. મારા કાર્યકાળ દરમિયાન હું પણ તમામ પ્રકારના અભ્યાસોમાં સામેલ થઈ છું અને ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ મને કોઈ પણ રીતની પરેશાની નથી થઈ. હા, મહિલા હોવાને કારણે ક્યારેક કેટલીકવાર અમુક અલગ જરૃરિયાતો રહેતી હોય છે, પણ મહિલાઓ ક્યારેય તે જરૃરિયાતોને પોતાના પર હાવી નથી થવા દેતી. યાદ રાખો, બલિદાન આપવામાં મહિલાઓએ ક્યારેય પીછેહઠ નથી કરી.

ટૂંકમાં, સુપ્રીમ કોર્ટનો આદેશ મહિલાઓને ભવિષ્યની નવી રાહ ચીંધનારો છે. તેમાં સાચું જ કહેવામાં આવ્યું છે કે મહિલાઓને લઈને આપણે આપણી માનસિકતા બદલવાની જરૃર છે. સ્થાયી કમિશન આપીને જેવી રીતે મહિલાઓને પુરુષોને સમકક્ષ તક આપવાની વાત કરવામાં આવી છે, આશા રાખું છું કે એવી જ રીતે કોમ્બેટ આર્મ્સમાં પણ તેમને સામેલ કરવામાં આવશે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »