તમારા માટે, તમારી સાથે, સતત…

કોરોનાઃ વૈશ્વિક સ્તરે વિકરાળ બનતો વાઇરસ

મોદીનું એક ટ્વિટ અને પછીના વિચાર-વમળો

0 173
  • રાજકાજ – ચાણક્ય

કોરોના વાઇરસની અસર ભારત સુધી પહોંચી છે. સરકારે હવે તત્કાલ પગલાં લેવાનું શરૃ કર્યું છે. ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ઇટલીના વિઝા રદ કરવામાં આવ્યા છે અને અગિયાર દેશોને હાઈ રિસ્ક ઝોનમાં મુકીને આ દેશોની ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ભારતમાં સૌ પ્રથમ ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા હવે ભારત સાવચેતીનાં પગલાં માટે વધુ સજાગ બન્યું છે. કોરોના વાઇરસ એટલો ઘાતક અને ચેપી છે કે તેના પ્રસારને અટકાવવાનું બહુ મુશ્કેલ બની રહે છે. ચીનમાં તેના નિયંત્રણ માટે અત્યાચારની હદે જે પગલાં લેવાઈ રહ્યાં છે એ તેની ઘાતકતાને પુરવાર કરે છે. જ્યાં એકાદ-બે કેસો સામે આવ્યા છે ત્યાં આવા કેસોમાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. સ્વચ્છતા અને આરોગ્યની બાબતમાં પ્રમાણમાં બેદરકાર રહેનાર ભારતમાં આ વાઇરસના પ્રવેશ પછી તેને બેફામ બનતાં વાર નહીં લાગે. જેની સારવારની કોઈ દવા ઉપલબ્ધ નથી એવા વાઇરસના દર્દીને મોતના મુખમાંથી બચાવવાનું શક્ય કેટલું બનશે – એ સૌએ વિચારવાની જરૃર છે. વિશ્વના અન્ય દેશોમાં ઝડપભેર ફેલાઈ રહેલા કોરોના વાઇરસથી ભારત અત્યાર સુધી અલિપ્ત કેમ રહ્યું તેનું આશ્ચર્ય ચીનને પણ હતું. એ માટે ભારતની તરફેણમાં જે કેટલાંક પરિબળો કામ કરતા હતા તેમાં ભારતમાં શાકાહારી લોકોના વધુ પ્રમાણનું એક કારણ રહ્યું છે. તો બીજું ભારત પ્રમાણમાં ગરમ પ્રદેશ ગણાય છે અને કોરોના વાઇરસ ગરમીમાં લાંબો સમય અસ્તિત્વ ટકાવી શક્તો નથી. આ બધાં પરિબળો એક મર્યાદા સુધી જ તમારો બચાવ કરી શકે છે એક વખત કોરોનાના સપાટામાં સપડાયા પછી તેને નિયંત્રિત કરવામાં પ્રશાસનને નાકે દમ આવી જશે. ભારત હવે આ બાબતમાં સહેજ પણ બેદરકાર રહી શકે નહીં. ભારતે તેના ચીનમાં રહી ગયેલા નાગરિકોને તો હેમખેમ બહાર કાઢી ઉગારી લીધા, પરંતુ અન્ય દેશોમાંથી ભારત આવેલા ત્રણ નાગરિકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી ભારત માટે તાકીદની સ્થિતિ સર્જાઈ છે.

કોરોના વાઇરસ માનવ જાનહાનિની સાથે આર્થિક બરબાદીને પણ સાથે લાવે છે. ચીન આજે જે હાલતમાં સપડાયું છે તેમાંથી ફરી બેઠા થતાં તેને સમય લાગશે. એ દરમિયાન વિશ્વના દેશોમાં જે રીતે આ વાઇરસ ફેલાઈ રહ્યો છે એ જોતાં વિશ્વનું અર્થતંત્ર ફરી એક વાર ભારે મંદીના સપાટામાં આવી શકે છે. આ ચેતવણી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડિઝ દ્વારા અપાઈ છે. અગાઉ મૂડીઝે એવું કહ્યું હતું કે કોરોના વાઇરસની વૈશ્વિક નકારાત્મક અસર વીસ ટકા જેટલી થશે. આ અંદાજ સુધારીને હવે તેમણે ચાલીસ ટકા કર્યો છે. વિશ્વના દેશોના પ્રયાસ અત્યારે એવા છે કે પોતાના દરવાજા વિષાણુગ્રસ્ત દેશો માટે બંધ કરીને વાઇરસને અંદર આવતાં અટકાવવો, પરંતુ એ કેટલા અંશે શક્ય બને એ મોટો પ્રશ્ન છે. અમેરિકા પણ તેમાંથી બચી શક્યું નથી. આંતરરાષ્ટ્રીય મહારોગ બની ચૂકેલો કોરોના વાઇરસના નિયંત્રણ માટે અત્યારે બધા દેશ પોતપોતના સ્થાનિક સ્તરે પ્રયાસ કરે છે. કોઈ વૈશ્વિક વ્યૂહરચના નથી. દરવાજા બંધ કરવાની નીતિ નવી સમસ્યા જન્માવી રહી છે. જેમ રાષ્ટ્રીય સ્તરે તેમ વ્યક્તિગત સ્તરે પણ સૌએ તેનાથી બચવા જાતે જ તકેદારી રાખવી પડશે.
———.

Related Posts
1 of 37

મોદીનું એક ટ્વિટ અને પછીના વિચાર-વમળો
બીજી માર્ચની રાત્રે નવ વાગે વડાપ્રધાન નરેન્દ્ર માોદીના એક ટ્વિટે દેશ અને દુનિયામાં હલચલ મચાવી દીધી હતી. મોદીએ લખ્યું હતું કે તેઓ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છોડી દેવા વિચારે છે. આ ંઅંગે તેઓ વધુ વિગત આવતા રવિવારે એટલે કે આઠમી માર્ચે સ્પષ્ટ કરશે. એ વખતે કોઈને અંદાજ ન હતો કે વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તેમના તમામ વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ પ્રેરણાસ્પદ કામગીરી કરનારી મહિલાઓને સમર્પિત કરવા જઈ રહ્યા છે. ટીવીની સમાચાર ચેનલોની પ્રાઇમ ટાઇમ ડિબેટના વિષયો પણ અચાનક બદલાઈ ગયા હતા અને વડાપ્રધાનના વિચાર પાછળનાં અનુમાનો અને સંભાવનાઓની ચર્ચા થવા લાગી હતી. અનેક લોકોએ મોદીના વિચારને દિલ્હીની હિંસા સાથે જોડીને સોશિયલ મીડિયાની વરવી ભૂમિકાની ખૂબ આલોચના પણ કરી. સોશિયલ મીડિયા વિશે ચર્ચા કરવાનું એક સારું નિમિત્ત મળી ગયું હતું, પરંતુ બીજા દિવસે ત્રીજી માર્ચની બપોરે વડાપ્રધાનનું વધુ એક ટ્વિટ આવ્યું અને તેમણે સ્પષ્ટ કર્યું કે અન્ય લોકો માટે પ્રેરક કામ કરનાર મહિલાઓ તેમને તેમની સાફલ્ય ગાથા અને વીડિયો વગેરે હેસટેગ શી ઇન્સ્પાયર્સ અસ પર મોકલી આપે. તેમાંથી પસંદ કરીને આઠમી માર્ચે મહિલા દિને વડાપ્રધાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પ્રસ્તુતિ થશે. મતલબ એક દિવસ માટે વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કર્યા છે. વડાપ્રધાને બીજા જ દિવસે આ સ્પષ્ટતા કરી એ સારું થયું. અન્યથા દેશ અને દુનિયામાં આ એક ટ્વિટને કારણે જે અનુમાનો થઈ રહ્યાં હતાં એ પણ એક અલાયદો વિષય બને એવાં છે. આ માધ્યમનાં તમામ પ્લેટફોર્મ પર વિશ્વભરમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર વ્યક્તિના એક અધૂરા સંકેતથી કેવા વિચાર-વમળો સર્જાય છે એ પણ સૌએ જોયું-અનુભવ્યું. મોદીએ પણ સંભવતઃ તેની મોજ માણ્યા પછી સ્પષ્ટતા કરવાનું મુનાસિબ માન્યું. તેમણે પણ એક કસોટી કરી લીધી!
———.

બિહારમાં નીતિશકુમાર સામે પ્રશાંત કિશોર
રાજકીય વ્યૂહરચનાકાર તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર પ્રશાંત કિશોરની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ હવે ઉછાળા મારી રહી છે. બીજાને માટે વ્યૂહરચના તૈયાર કરનાર પ્રશાંત કિશોર હવે પોતાને માટે રાજકીય નેતા તરીકે પ્રસ્થાપિત થવાની વ્યૂહરચનામાં વ્યસ્ત બન્યા હોવાની ચર્ચા છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ સ્વયં નીતિશકુમારના પ્રતિસ્પર્ધી તરીકે પોતાની જાતને ઉભારવા ઇચ્છે છે. તેઓ માને છે કે બિહારના રાજકારણમાં શૂન્યાવકાશ સર્જાયો છે અને તેને ભરવા માટે પોતે સક્ષમ છે. બિહાર પ્રશાંત કિશોરનું ગૃહ રાજ્ય છે. અત્યારે તેમનું સંપૂર્ણ ધ્યાન બિહાર પર કેન્દ્રિત થયેલું છે. તેઓ અવારનવાર નીતિશકુમારને પડકારતાં નિવેદનો કરે છે. નીતિશકુમાર વિરુદ્ધ લોકોમાં ઍન્ટિ- ઇન્કમબન્સી વૅવ હોવાનું તેઓ માને છે. નીતિશકુમારના જન્મદિવસે જનતા દળ (યુ)ના કાર્યકર સંમેલન અને રેલીના ફ્લોપ શૉ પછી પ્રશાંત કિશોરની આ ધારણામાં તથ્ય હોવાનું સૌને લાગે છે. લાલુપ્રસાદ હાલ જેલમાં છે અને તેમના પુત્ર તેજસ્વી યાદવ ખાસ કોઈ આગવી ઇમેજ ઊભી કરી શક્યા નથી. જ્યારે કોંગ્રેસ તો બિહારમાં ચિત્રમાં જ ન હોય એવી સ્થિતિ છે. એ સંજોગોમાં નીતિશકુમારને ટક્કર આપવા તેઓ સક્ષમ હોવાનું માને છે. નીતિશકુમારે પક્ષમાંથી હકાલપટ્ટી કર્યા પછી પ્રશાંત કિશોર તેમને પછાડવા ઝનૂની બન્યા હોય તેમ લાગે છે. આ કામમાં તેઓ કનૈયાકુમારને સાથે રાખે એવી શક્યતા છે. કનૈૈયા આજ કાલ બિહાર યાત્રા પર છે. તેની યાત્રામાં કોઈ પક્ષનું બેનર નથી. જોકે કનૈયા સીપીઆઇનો સભ્ય છે, પરંતુ કહે છે કે તેણે પક્ષથી દૂર જવાનું શરૃ કર્યું છે. એ પોતાને બિહારના યુવા નેતા તરીકે ઉભારવાનો પ્રયાસ કરે છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ચૂંટણી નજીક આવશે ત્યારે પ્રશાંત કિશોરને નીતિશકુમાર સામે ત્રીજા મોરચાના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. બિહારમાં બીજો મોરચો કોંગ્રેસ-આરજેડીનો હશે. તો પછી આ ત્રિપાંખિયો જંગ કોને ફાયદાકારક નિવડશે?
———.

મુલાયમ સામેના આવક કરતાં વધુ સંપત્તિના કેસનું શું થયું?
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસનો નિવેડો આવી ગયો છે કે પછી કેસ ચાલે છે? આ પ્રશ્ન ચર્ચાનો મુદ્દો છે. તેનું કારણ એ છે કે ૨૦૦૯માં સીબીઆઈના તત્કાલીન વડા રંજિતસિંહા દ્વારા એક ક્લોઝર રિપોર્ટ મીડિયાના ધ્યાનમાં આવ્યો હતો. જેમાં કહે છે કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે મુલાયમસિંહના કેસમાં કોઈ નક્કર પુરાવા મળ્યા ન હોવાથી આ ક્લોઝર રિપોર્ટ દાખલ કરાઈ રહ્યો છે. આ ક્લોઝર રિપોર્ટના સમાચાર અનેક ટીવી ચેનલોએ સમાચારોમાં અગ્રતાથી ચમકાવ્યા હતા. જોકે પાછળથી સીબીઆઈએ અધિકૃત રીતે જાહેર કર્યું હતું કે તેના દ્વારા આવો કોઈ ક્લોઝર રિપોર્ટ દાખલ કરાયો નથી. મતલબ કે ક્લોઝર રિપોર્ટ બનાવટી પુરવાર થયો ગણાય. ત્યારે એવું પણ કહેવાયું હતું કે એ બનાવટી ક્લોઝર રિપોર્ટ સીબીઆઈના લેટર પેડ પર બનાવટી રીતે તૈયાર કરાયો હતો અને તેના પર સીબીઆઈના જે અધિકારીના હસ્તાક્ષર હતા એ પણ બનાવટી હતા. રસપ્રદ વાત તો એ છે કે આ બનાવટી ક્લોઝર રિપોર્ટની નકલ લઈને મુલાયમસિંહે સર્વોચ્ચ અદાલતમાં આ મામલાનો નિકાલ લાવવાની અપીલ પણ ફાઇલ કરી હતી. આ પ્રકરણ વિવાદાસ્પદ બન્યું ત્યારે આ બનાવટી રિપોર્ટ અંગે સીબીઆઈએ વિધિવત એક એફઆઇઆર નોંધાવી અને કહેવાતા ક્લોઝર રિપોર્ટને તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો. આ વાતને આઠ વર્ષ પસાર થઈ ગયાં છે, પણ સીબીઆઈ કોઈ ને કોઈ બહાનું કાઢીને કોર્ટમાં હાજર થવાનું ટાળે છે. સીબીઆઈએ પણ કોર્ટમાં સીબીઆઈ વિરુદ્ધ અજ્ઞાત વ્યક્તિના નામે કેસ નોંધાવ્યો છે, પરંતુ હવે કેમ મૌન સેવાઈ રહ્યુું છે એ પ્રશ્ન છે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »