તમારા માટે, તમારી સાથે, સતત…

હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છુઃ નીના ગુપ્તા

નીના ગુપ્તા હાલમાં પોતાના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં છે.

0 290
  • મૂવીટીવી – હેતલ રાવ

બધાઈ હો ફિલ્મ દ્વારા સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચનારી નીના ગુપ્તા હવે શુભ મંગલ જ્યાદા સાવધાન, પંગા જેવી ફિલ્મો દ્વારા દર્શકોમાં લોકપ્રિય બની રહી છે. એક સમયે વ્યક્તિગત જીવનને લઈને વિવાદોમાં રહેનારી અભિનેત્રી નીના ગુપ્તા એનઆઇડીની વિદ્યાર્થિની રહી ચૂકી છે. સાંસ, લેડીઝ સ્પેશિયલ જેવી ધારાવાહિકોમાં એક્ટિંગ કરીને દર્શકોના હૃદયમાં તેણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નીનાએ ટીવી ઇન્ડસ્ટ્રી ઉપરાંત વો છોકરી, મંડી, સૂરજ કા સાંતવા ઘોડા જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનયની સાથે તેણે સૂરજ કી પહેલી કિરણ સે સૂરજ કી અંતિમ કિરણ નામની ધારાવાહિક પ્રોડ્યુસ કરી હતી અને તેમાં અભિનય પણ કર્યો હતો. ખેર, એ સમયે નીનાએ જેટલી લોકપ્રિયતા હાંસલ નહીં કરી હોય તેથી વધુ લોકપ્રિયતા આજે ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી મેળવી રહી છે.

એવરગ્રીન વિશેષણ જેના માટે વાપરવું પડે એવી દમદાર અભિનેત્રી નીના ગુપ્તા હાલમાં પોતાના લુક અને સ્ટાઇલને લઈને ચર્ચામાં છે. પોતાના સ્ટાઇલિશ લુક અને ફેશન વિશેની સમજને ઉજાગર કરતાં નીના કહે છે, હું હંમેશાંથી ફેશન કોન્શિયસ રહી છું. મારાં વસ્ત્રો-પહેરવેશને લઈને હંમેશાંથી સજાગ રહી છું. હું યુવાન હતી ત્યારે પણ સ્ટાઇલિશ હતી અને આવાં કપડાં પહેરતી હતી, પણ એ સમયે કોઈએ ધ્યાન નહોતું આપ્યું, કારણ કે એ સમયે સોશિયલ મીડિયા નહોતું અને હું પણ એ સમયે સોશિયલી બહુ એક્ટિવ નહોતી. હું હંમેશાંથી મારે શું પહેરવું એ વિચારવા પર બહુ સમય લઉં છું. મને કપડાંનો અને ઘરેણાનો ઘણો શોખ છે. મારી માતા ગાંધીવાદી હતી તો એ ખાદીનાં કપડાં પહેરતી હતી. એ સમયે તેઓ એમ કહેતાં કે મારું બાળક હૉસ્પિટલમાં બદલાઈ ગયું લાગે છે, કારણ કે હું બહુ ફેશનેબલ હતી. ં સોશિયલ મીડિયા પોતાના વિચારો વ્યક્તિ કરવાનું સબળ માધ્યમ છે. જોકે, થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ સાંડ કી આંખને લઈને નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી અને આ પોસ્ટને લઈને સારો એવો ઊહાપોહ પણ થયો હતો. આ વિવાદની સ્પષ્ટતા કરતા તેમજ સોશિયલ મીડિયા અંગેના પોતાના વિચારો વ્યક્ત કરતા કહે છે કે, જુઓ, સોશિયલ મીડિયા દ્વારા મને તો ફાયદો જ મળ્યો છે, કારણ કે મને કામ મળ્યું પણ સાથે સાથે મને એ વાતનો પણ અનુભવ થયો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ સાવચેતીપૂર્વક કરવો જોઈએ. સોશિયલ મીડિયા જોખમી પણ છે. તમે ક્યારેય લાગણીશીલ કે ભાવુક થઈને અથવા ગુસ્સામાં આવીને કોઈ પણ વસ્તુ કે લખાણ સોશિયલ મીડિયા પર ન મૂકો. તેના પ્રત્યાઘાત ખૂબ ખરાબ પડે છે. કેટલીકવાર પરિણામો પણ ખરાબ આવતાં હોય છે. તમે ભાવુક થઈને કે ગુસ્સામાં આવીને જે કંઈ પણ લખો છો તેનું લોકો પોતપોતાની રીતે અર્થઘટન કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, પણ સ્માર્ટલી ઉપયોગ કરો. લોકો સોશિયલ મીડિયા દ્વારા તમારો ઉપયોગ કરી જાય એવા કામ ન કરો. મેં સાંડ કી આંખ ફિલ્મ વખતે સોશિયલ મીડિયા પર પોતાના વિચારો રજૂ કર્યા અને વાતનું વતેસર થઈ ગયું. એ સમયે મને મારી ભૂલનો અહેસાસ થયો હતો. હવે હું ખૂબ કાળજીપૂર્વક સોશિયલ મીડિયા વાપરું છું.

Related Posts
1 of 14

ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી નીના ગુપ્તા હવે ‘મા’ની ભૂમિકામાં પણ સશક્ત અભિનય દ્વારા સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહી છે. બધાઈ હો ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ જીતનારી નીના ગુપ્તા કહે છે, ડિજિટલ પ્લેટફોર્મના કારણે હવે જુદી-જુદી ફિલ્મો હિટ જઈ રહી છે, તેના કારણે અમારી ઉંમરના લોકોને પણ સારું કામ મળી રહ્યું છે. મને એવું લાગે છે કે કામ તો મળી જ રહ્યું છે, પણ હજુ પણ વધારે સારું કામ મળશે. મેરિલ સ્ટ્રીપ જે કરે છે, એ અમે પણ કરી શકીએ છીએ, પણ આપણો સમાજ એવો નથી, તેથી પટકથાઓ પણ એ પ્રકારની નથી લખવામાં આવતી. જ્યારે આપણી મહિલાઓમાં બદલાવ આવશે ત્યારે આપણા સમાજમાં બદલાવ આવશે, ત્યારે એ પ્રકારની સ્ક્રિપ્ટ લખવામાં આવશે. વાત રહી પુસ્તક લખવાની તો વિચારી રહી છું, પણ કોઈ સહયોગી નથી મળી રહ્યો. હું વિચારી રહી છું કે કોઈ મારા જેવું મને મળે. હું દુઃખભરી કહાની લખવા નથી ઇચ્છતી. હું હસી-ખુશીવાળી વાત લખવા ઇચ્છું છું. આવું કોઈ મને હજુ સુધી મળ્યું નથી.

પોતાના અંગત જીવનમાં ઘણો સંઘર્ષ અને ઉતાર-ચડાવ જોનારી નીનાની છબી સ્ટ્રોન્ગ વુમન તરીકેની છે. જોકે, નીના કહે છે, ફેમિનિઝમ શું છે મને ખબર નથી. મહિલાઓની કોઈ ઇજ્જત તો કરતું નથી. ફેમિનિઝમ, ફેમિનિઝમનો સૂર આલાપ્યા કરે છે. જે લોકો બોલે છે, એ પોતાના ઘરમાં મહિલાઓને કેટલું માન આપે છે હું એ જાણવા માગું છું. ફેમિનિઝમ જેવું કશું હોતું નથી, બધું બકવાસ છે. હું સ્ટ્રોન્ગ છું એવું તમે કેવી રીતે કહી શકો. મેં પણ એ બધું સહન કર્યું છે. તમે તો ફક્ત મારી મીડિયા ઇમેજથી મને ઓળખો છો, પણ હકીકતમાં મને કોણ ઓળખે છે એ તો જ્યારે હું મારા જીવન પર પુસ્તક લખીશ ત્યારે લોકોને ખબર પડશે કે મેં કેટલું સહન કર્યું છે. કોને ખબર છે કે કોણે મને દગો આપ્યો છે. મારા બોયફ્રેન્ડે મને કેવી રીતે ટોર્ચર કરી હતી કોઈને ખબર છે, આ વાતની? હું પણ ઘરેલુ હિંસાનો શિકાર બની છું કોને ખબર છે એ વાત. કોઈને આ બધી વાતોની ખબર નથી. હું પણ સામાન્ય મહિલાઓ જેવી જ છું. ફરક એટલો જ છે કે મેં બધું સહન કર્યું છતાં પણ હું આગળ વધતી રહી છું. મારી સાથે ઘણી ખરાબ ઘટનાઓ ઘટી છતાં પણ હું શરાબ કે ડ્રગ્સના રવાડે નથી ચઢી કે મેં આવેશમાં આવીને કોઈની પણ સાથે લગ્ન નથી કરી લીધાં. મારી સાથે પણ જીવનમાં ઘણોબધો દુર્વ્યવહાર થયો છે અને હું પણ ઘણી હિંસાનો ભોગ બની છું. હું તમને એક ઉદાહરણ આપું. બહુ પહેલાંની વાત છે. એક માણસની એક ગર્લફ્રેન્ડ હતી જ પહેલાંથી, પણ તેને મારામાં પણ રસ પડ્યો. હું પણ તેને પ્રેમ કરવા લાગી. પ્રેમ કહો કે જે કહો તે એ સમયે. તેણે મને એમ કહ્યું કે જો ૧૬ તારીખ સુધી મારી ગર્લફ્રેન્ડના પિતા મને હા નહીં પાડે તો હું તારી સાથે લગ્ન કરી લઈશ. તેની આ શરત માની લઈ, તેના પર વિશ્વાસ કરીને હું તેની રાહ જોવા લાગી. હવે તમે જ કહો કે મારાથી વધારે મૂરખ મહિલા બીજી કોઈ હશે ખરી. તો હું મહિલાઓને જણાવવા માગું છું કે મહેરબાની કરીને મારા જેવા ન બનશો.
———.

ઓસ્કારમાં એક પણ મહિલા નિર્દેશક કેમ નહીઃ નતાલી
ઓસ્કાર ઍવૉર્ડ સેરેમની એવો સમારંભ છે જેના પર સમગ્ર વિશ્વની નજર હોય છે, પરંતુ આ વખતે ઓસ્કાર કાર્યક્રમને થોડી જુદી રીતે યાદ રાખવામાં આવ્યો છે. આ વખતે સતત બીજી વાર એવું બન્યું જ્યારે ઓસ્કારમાં કોઈ પણ મહિલા ડાયરેક્ટર્સનું નોમિનેશન નથી થયું. જેનો વિરોધ પણ થયો. પુરુષ નિર્દેશકની તુલનામાં તેમનું કામ પણ બેસ્ટ હોય છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોની જેમ જ આ વખતે પણ ઓસ્કાર ઍવૉર્ડ ફંક્શનમાં મહિલા નિર્દેશકનો સર્વશ્રેષ્ઠ નિર્દેશકની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. સેરેમનીમાં અભિનેત્રી નતાલી પોર્ટમેને બ્લેક અને ગોલ્ડ રંગનો આઉટફીટ અને વર્ક કરેલી કૅપ પહેલી હતી. આ કૅપ પર એ મહિલા નિર્દેશકનાં નામ લખવામાં આવ્યાં હતાં, જેમનાં નામ નોમિનેશન સુધી પણ પહોંચ્યાં નથી. પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર નતાલીએ પોતાના ફોટા સાથે એક પોસ્ટ લખી હતી જેમાં તેણે એ મહિલા નિર્દેશકોનાં નામ લખ્યાં હતાં જેમને ઓસ્કારમાં નોમિનેશન નથી મળ્યું. તેણે આ રીતે એ મહિલા નિર્દેશકોને સન્માન આપ્યું હતું. આ પ્રથમ ઘટના નથી જ્યારે નતાલીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હોય.  આ પહેલાં નતાલી નેતન્યાહૂ પૉલિસીના વિરુદ્ધમાં જ્યુઇશ નોબલ પ્રાઇસના ૧.૩ મિલિયન ડૉલરને ઠોકર મારી ચૂકી છે.
——————————

Leave A Reply

Your email address will not be published.

Translate »