તમારા માટે, તમારી સાથે, સતત…

રિસર્ચઃ વર્કિંગ વુમન માટે સંતાનોનો ઉછેર પ્રથમ પ્રાથમિકતા

વર્કિંગ વુમન વધુ સારી રીતે સંતાનોને સાચવી શકે છે.

0 236
  • ફેમિલી ઝોન – હેતલ રાવ

એક માતા પોતાનાં સંતાનોના ઉછેરમાં મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે અથવા એમ પણ કહી શકાય કે માતા જ બાળકોમાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરી શકે છે, પરંતુ જો માતા ગૃહિણી ન હોય અને વર્કિંગ વુમન હોય તો..? તો..તો પત્યું. કામકાજી મહિલાઓ ક્યાંથી બાળકોને સમય આપે? પરંતુ એક રિસર્ચમાં સાબિત થયું છે કે વર્કિંગ વુમન વધુ સારી રીતે સંતાનોને સાચવી શકે છે.

‘આદિત્ય, મારે તને નથી કહેવું છતાં આજે કંટાળીને વાત કરવી પડે છે. પૂર્વા હવે એક બાળકની માતા છે, હું કહી કહીને થાકી, હવે તું જ તેને સમજાવ કે તેના કામ સાથે થોડો સમય દીકરા પ્રિયાંકને પણ આપે.’ પૂર્વાનાં સાસુએ દીકરા આદિત્યને સળી કરતાં કહી દીધું. જોકે આ પ્રથમ વારનું નથી. પ્રિયાંકના જન્મ પછી સાત મહિને પૂર્વાએ જોબ શરૃ કરવાનું નક્કી કર્યું ત્યારથી જ આ રામાયણ તેના ઘરમાં ચાલી રહી છે. સાસુને લાગે છે ગૃહિણી બનીને રહે તો પુત્રનો યોગ્ય સંસ્કાર સાથે ઉછેર કરી શકે. તેમને ક્યાં ખબર છે કે આ આલીશાન ફ્લેટના હપ્તા, કાર, આવનારા સમયમાં બાળકને સારી શાળામાં ભણાવવાનો સામાજિક ખર્ચ, મેડિકલ ઇસ્યુ આ બધું આદિત્ય એકલો ક્યાંથી પહોંચી વળે. પાછી પૂર્વાની નોકરી સારા હોદ્દા પર, ઉચ્ચ પગાર છે. ક્યારેક ને ક્યારેક તો જોબ શરૃ કરવાની જ હતી. તો પછી સમયસર કરે તો વધારે સારું રહે, તેમ વિચારીને પૂર્વાએ નોકરી શરૃ કરી, પરંતુ પોતે ના કહી છતાં નોકરી શરૃ કરી તેવા ખોટા અહમના કારણે સાસુ વિમલાબહેન આદિત્ય અને પૂર્વાને સંભળાવતાં રહે છે. હકીકતમાં તો આદિત્ય કરતાં પૂર્વા વધારે યોગ્ય રીતે બાળકને સાચવે છે. ઘર-પરિવાર બધી જ જવાબદારીમાં તે હંમેશાં પ્રથમ હોય છે. જ્યારે પણ સમય સાથે કોમ્પ્રોમાઇઝ કરવાનું હોય તો તે આદિત્યને કહે છે, તમે ચિંતા ના કરશો, હું સંભાળી લઈશ. છતાં સાસુને તેનાથી સંતોષ નથી. માત્ર એટલા માટે કે તે વર્કિંગ વુમન છે, ગૃહિણી નથી. આ માત્ર એક વિમળાબહેનનો પ્રશ્ન નથી. મહિલા હોવા છતાં અન્ય મહિલાની સફળતા આંખમાં ડંખતી હોય તેવી સ્ત્રીઓની આપણા ત્યાં કોઈ જ કમી નથી. વર્કિંગ વુમન બાળકોનું પાલનપોષણ વધુ સારી રીતે કરી શકે છે. આ વાત એક રિસર્ચ દ્વારા જાણવા મળી.

મહિલાઓની મુખ્ય બ્રાન્ડ તરીકે ફેમિનાનું નામ વિશ્વભરમાં જાણીતું છે. ફેમિનાએ ભારતીય મહિલાઓ પર ઓલ એબાઉટ વીમન ટેગ લાઇન હેઠળ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કામકાજી મહિલાઓ માટે બાળકો તેમની પ્રથમ પ્રાથમિકતા છે. પોતાના અતિવ્યસ્ત શિડ્યુલમાં પણ સતત બાળકોની જાણકારી મળી રહે તે રીતે કોઈ ને કોઈ વ્યક્તિને તેમની સાથે રાખે છે. રિપોર્ટમાં આધુનિક નોકરિયાત માતાઓના જીવનના અનેક પહેલુની ઓળખ કરવામાં આવી. જેમાં રોજ-બરોજની વ્યક્તિઓ સાથેનો વ્યવહાર, જીવનશૈલી, આદતો, નવો સામાન ખરીદવાની શક્તિ, અંગત સંબંધો સહિત અનેક ભાગને પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આ રિસર્ચ દેશનાં દસ મોટાં અને નાનાં શહેરોમાં રહેનારી ૧૫૦૦થી પણ વધુ શહેરી મહિલાઓ પર કરવામાં આવ્યો હતો.

Related Posts
1 of 55

અન્ય મહિલાઓની સરખામણીમાં વર્કિંગ વુમન પોતાની લાઇફસ્ટાઇલને લઈને પણ સતર્ક રહે છે. એટલું જ નહીં, બાળકો અને પરિવારના સ્વાસ્થ્યને લઈને હંમેશાં ચીવટપૂર્વક ધ્યાન આપે છે. ઓછો સમય, બિઝી શિડ્યુલ અને વ્યસ્તતાવાળા ડેઇલી રૃટિન સામે પણ વર્કિંગ વુમન પોતાના બાળકો માટે કોઈ પણ પ્રકારનું સેક્રીફાઇઝ નથી કરતી. ઑફિસનો સમય, વ્યક્તિગત જીવનમાં તાલમેલ બેસાડીને ચાલે છે. જોકે રિસર્ચ દરમિયાન મહિલાઓએ એ પણ કબૂલ્યું હતું કે પરિવાર, ઑફિસમાં સાથે કામ કરતા સહયોગીની સક્રિય મદદથી નોકરી ‘ને અંગત જીવનમાં સારી રીતે સંતુલન બનાવી શકાય છે.

મહિલાઓની મનોવ્યથા વિશે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ગુંજલ જાની કહે છે, ‘મહિલાઓ પાસે એક જુદો જ પાવર હોય છે જેનો ઉપયોગ દરેક મહિલા નથી કરી શકતી. ઘણી મહિલાઓને માત્ર ઘર પરિવાર અને બાળકોને સાચવીને આનંદ મળે છે, જ્યારે ઘણી મહિલાઓને લાગે છે કે પોતે યોગ્ય છે તો બાળકોના ઉછેર સાથે પરિવારને આર્થિક મદદ પણ કરવી જોઈએ. અંતે જે પણ આવક થશે તેમાં પાછળથી બાળકોનું ઊજળું ભવિષ્ય બનશે. ખાસ કરીને વર્કિંગ વુમને પોતાના માઇન્ડને બંને રીતે સેટ કર્યું હોય છે. જ્યારે ઘરે હોય ત્યારે ગૃહિણી અને ઑફિસ અવરમાં વર્કિંગ વુમન તરીકે ફરજ નિભાવે છે અને એ વાતમાં જરાય બે મત નથી કે આજની વર્કિંગ વુમન પોતાનાં બાળકોના ઉછેરમાં સવિશેષ ધ્યાન રાખે છે.’

નોકરી અને પરિવાર સાથે તાલમેલ બાંધીને ચાલતી સંધ્યા કશ્યપ માલપાણી કહે છે, ‘બંને જવાબદારી નિભાવવી થોડી અઘરી તો છે, પરંતુ જ્યારે તમારી સામે અનેક પડકારો હોય ત્યારે તેનો સામનો કર્યા વિના છૂટકો જ નથી. વર્કિંગ વુમન એટલે આપણા ત્યાં ઘરકામ કરતી બહેનો પણ છે અને કોઈ કંપનીના ઉચ્ચ હોદ્દા પર બિરાજેલા સીઈઓ પણ છે. જે ઘર બહાર જઈને કામ કરે છે તે દરેક વર્કિંગ વુમન છે. બસ, દરેકની જરૃરિયાત, પદ અને પગારધોરણ જુદાં-જુદાં છે. મોટા ભાગે સમસ્યા તો એક જ હોય છે. જે મહિલા પરિવાર માટે બાળકો માટે કામ કરે છે તે માત્ર વર્કિંગ વુમન નહીં, પરંતુ ગૃહિણી પ્લસ વર્કિંગ વુમન છે. ઘરના કામકાજ પૂર્ણ કરી તેને બહારની જવાબદારી નિભાવવાની છે. આવા સમયે પોતાનાં બાળકો માટે તેનાથી બેસ્ટ કોઈ જ ના વિચારી શકે, કેમ કે જ્યારે પોતાના બાળકને કોઈ અન્ય વ્યક્તિના સહારે છોડીને જવાનું હોય ત્યારે તે માતાને જ ખબર પડે છે કે તેની વેદના કેવી હોય છે. સંતાનોના સારા ભવિષ્યના ઘડતર માટે માતા કામ કરે તો તેના ઉછેરમાં ક્યાંથી તે પાછળ રહી શકે.’

ઘર, પરિવાર, બાળકો, સામાજિક કામ અને દરેક વ્યવહાર-તહેવારોને પરફેક્ટ બનાવવા પોતાની ફરજ પૂર્ણ કરવા હંમેશાં અથાગ પ્રયત્નોમાં રહેતી મહિલાઓને તે તો વર્કિંગ વુમન છે, સંતાનોના ઉછેરની તેને શું ખબર કે પછી તેને શું, હમણા સમય થશે એટલે મેડમ ઑફિસ નીકળી જશે, કે પછી તેને તો બાળકોની પડી જ નથી, આવા શબ્દો બોલતાં પહેલાં એકવાર જરૃર વિચારો. જોકે વર્કિંગ વુમન ગૃહિણી બનીને બેવડી ભૂમિકા નિભાવે છે.
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »