તમારા માટે, તમારી સાથે, સતત…

દિલ્હીનાં તોફાનોનું નિર્ભીક પોસ્ટમોર્ટમ

જે કાનૂન સંસદનાં બંને ગૃહો દ્વારા બહુમતીથી પસાર થયો હોય તેનો વિરોધ જ ગેરકાનૂની ગણાય.

0 496
  • સાંપ્રત – વિનોદ પંડ્યા

ભારતના મુસ્લિમો અને હિન્દુઓમાં ધર્મઝનૂન ખૂબ ઘૂસી ગયું છે. કુપ્રચાર, અફવાઓનો મારો ચાલે છે. દાવાઓ, પ્રતિદાવાઓ, આક્ષેપો, બહિષ્કારોની વાતો બેફામ ચાલે છે. ધર્મના નામે લડાવીને સત્તા ભોગવતા નેતાઓ આમસાધારણ લોકો માટે આદર્શ ના બની શકે, કારણ કે આપણને સત્તા નથી જોઈતી. સાધારણ જીવન જોઈએ છે, જે સાધારણ માણસો પાસેથી જ મળશે. નેતાઓ તમને ગરીબી, મોત, હિજરત અને પાયમાલી આપશે. તેઓ સમગ્ર કોમના ધરાર પ્રતિનિધિ બને છે, જે હકીકતમાં હોતા નથી.

દિલ્હીમાં તાજેતરમાં થયેલા ભયંકર તોફાનો બાદ કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી જાહેરમાં આવ્યાં. પત્રકાર પરિષદ યોજી. એમની ફરિયાદનો સૂર એ હતો કે કેન્દ્ર સરકારે પરિસ્થિતિને હેન્ડલ કરવામાં ખૂબ મોડું કરી દીધું. એમનો ઇશારો હતો કે જે લોકોએ તોફાની અથવા ભડકાઉં ભાષણો કર્યાં હતાં તેમના પર પોલીસ કાર્યવાહી સમયસર થઈ નહીં. ભાજપના એક નેતા કપિલ મિશ્રા તરફ એમનો ઇશારો હતો.

વાત તો સાચી છે કે ભાજપની કેન્દ્ર સરકારે તમામને છૂટો દૌર આપ્યો હતો, અન્યથા સૌપ્રથમ ધરપકડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જ કરવી પડે. કપિલ મિશ્રા છેલ્લે બોલ્યો હતો એટલે એને શૂળીએ ચડાવવો જોઈએ એવું કોરસ ચાલ્યું. કપિલ મિશ્રા શું બોલ્યો હતો? તોફાનો શરૃ થયાં તેના બે દિવસ અગાઉ સિલમપુર વિસ્તારમાં એક સભા યોજી એણે પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું કે, ‘સીએએના વિરોધમાં વિપક્ષો અને મુસ્લિમો રસ્તા રોકીને આંદોલન કરી રહ્યાં છે તેને ત્રણ દિવસમાં હટાવવામાં આવે. નહીંતર અમે રસ્તા પર આવી જઈશું.’

આ નિવેદન એવું કોઈ ખતરનાક નિવેદન નથી. બબ્બે મહિનાઓથી રસ્તાઓ જામ કરી દેવાતા હોય ત્યારે નેતા કે પ્રજા આ પ્રકારની માગણી કરે તેમાં ખોટું શું છે? મિશ્રા બોલ્યા ન હતા કે અમે લોકોને મારી નાખીશું. એ સ્વબચાવમાં કહે છે કે, ‘મારા કહેવાનો ઉદ્દેશ્ય એ હતો કે અમે પણ આંદોલન શરૃ કરીશું.’

કહે છે કે મુસ્લિમો એ નિવેદનથી ડરી ગયા અને તોફાનો શરૃ થઈ ગયાં. પણ તેઓ તોફાનો કરે તે માટેની હવા કોણ પુરી પાડી રહ્યું હતું? કોંગ્રેસ અને વિપક્ષોએ સીએએ, કપોળકલ્પિત એનઆરસી વગેરેનો વિરોધ કરવા દિલ્હીના રામલીલા મેદાન પર રેલીનું આયોજન ૧૪ ડિસેમ્બરના રોજ કર્યું હતું. ત્યારે અધ્યક્ષ સોનિયાએ સીએએનો વિરોધ કરી રહેલા લોકોને વધારે શૂરાતન ચડાવ્યું હતું. તેઓની પ્રશંસા કરીને કહ્યું કે હવે પછીની લડાઈ આરપારની હશે. કાં આ પાર, કાં પેલે પાર. લોકોને સરકારથી નહીં ડરવાની સલાહ આપી. રાહુલ ગાંધીએ એ જ સભામાં મેસેજ આપ્યો કે લોકો (એટલે કે વિરોધી લોકો) બહાર આવે. કોંગ્રેસ તેઓની સાથે છે.

દર વખતે રાહુલ ગાંધી અણીના સમયે દેશ બહાર ગાયબ થઈ જાય છે તેમ આ વખતે પણ થઈ ગયા. કપિલ મિશ્રાના નિવેદનથી વાતાવરણમાં ગરમી પેદા થઈ હશે તો એ ગરમી માટે બે મહિના તૈયારીઓ કરવાની ચેતના સોનિયા અને સંતાનોએ જ પુરી પાડી છે. ઉત્તર પ્રદેશમાં આકાશકુસુમવત એનઆરસી અને સીએએના વિરોધમાં લોહિયાળ તોફાનો થઈ ચૂક્યાં હતાં. ઉત્તર પ્રદેશની પોલીસને ધન્યવાદ એટલા માટે આપવા પડે કે માત્ર દોઢ ફૂટના દંડૂકા વડે તેઓ સામેથી આવતા આગના ગોળા, બંદૂકની ગોળીઓ સામે લડ્યા. તોફાનીઓની તો સોનિયાએ ભૂરી ભૂરી પ્રશંસા કરી. એ બધા અંદરોઅંદરના ઝઘડામાં અને આગ લગાડવા ગયા હતા ત્યારે ઘવાયા કે મરી ગયા હતા. એવા ત્રીસથી ચાલીસ તોફાનીઓને ‘શહીદ’નો દરજ્જો આપવાની કોંગ્રેસના રાશીદ અલવીએ જાહેરમાં માગણી કરી. નફ્ફટાઈની પણ કોઈ ચરમસીમા હોય છે, તેનું ભાન સત્તા વગર બાવરી બનેલી કોંગ્રેસને રહ્યું નથી. સોનિયા તેઓનાં વડાં છે. કપિલ મિશ્રાનું નિવેદન એક ફૂલઝરી હતી તો સોનિયાનાં વાણી અને વર્તન એક પેટ્રોલ બોમ્બ હતાં. શુભ પ્રસંગમાં પ્રથમ ગણપતિને પાય લાગવામાં આવે છે તેમ આ અશુભ પ્રસંગમાં પ્રથમ ધરપકડ સોનિયા ગાંધી ને કોંગ્રેસીઓની કરવી પડે. શાહીનબાગના આંદોલનમાં જઈને પ્રિયંકાએ લોકોને ઉશ્કેર્યા છે.

પણ હવે તેનાથી વધુ અગત્યની વાત. સોનિયા, રાહુલ, મિશ્રા, અનુરાગ ઠાકુર વગેરે ભલે કંઈ પણ બોલ્યાં, પરંતુ સરકારે ઢીલું શા માટે મૂક્યું? દિલ્હી પોલીસ ચપરાશી શા માટે બની ગઈ? પોલીસે જો પોલીસ બનીને કામ લીધું હોત તો દરેકનાં તથાકથિત વિસ્ફોટક નિવેદનો હવાઈ ગયાં હોત. લોકો રસ્તાઓ પર આંદોલનો યોજીને માર્ગ અવરોધતા રહે, અને બહુમતી જનતાનું સતત અપમાન કરતા રહે અને પોલીસ રૃસણે ગયેલી નારીની જેમ વર્તન કરે તો એક દિવસ પ્રજા કંટાળવાની જ છે. નરેન્દ્ર મોદી વરસોથી જાહેરસભાઓમાં કહેતા આવ્યા છે તેમ સ્વબચાવમાં લોકો કાયદો હાથમાં લેવાના જ છે. આ સ્થિતિમાં સારી વાત એ થઈ હોત કે મોદી સરકારની પોલીસ પ્રજાની સાથે રહી હોત તેમ થયું નથી. ટાંકણે નિવૃત્ત થયેલા દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાઈક પર ફોજદારી ગુનો ચલાવવો જોઈએ. એક જવાબદાર અધિકારી જવાબદારી ના નિભાવે તો રાક્ષસી ગુંડાઓ ચાર ડઝન નિર્દોષ માણસો અને અબજોના અબજો રૃપિયાની પ્રોપર્ટી રાખ કરી નાખે છે. આ જવાબદારી કોની? સચિન તેંડુલકરની? દિશા પટણીની? ના, સોએ સો ટકા અમૂલ્ય પટનાઈકની જ. ભલે એમને રોકવા ભગવાન આકાશમાંથી આવે. એમની પ્રથમ જવાબદારી એમની ફરજ નિભાવવાની હતી. દિલ્હીના ઇતિહાસમાં સૌથી કાયર ગણાયેલો આ અધિકારી હવે મસમોટું પેન્શન મેળવશે. લોકોને મારી નાખવા દીધા તે માટેના સ્તુતિપત્રો મેળવશે.

હમણાની ઘટનાઓના સંદર્ભમાં કોઈ જવાબદાર રહ્યું નથી. કોઈ સરકારી વ્યવસ્થાની પ્રશંસા થઈ શકે તેમ નથી. કેન્દ્ર સરકાર, તેના ગૃહમંત્રી અને બીજા અધિકારીઓ, દિલ્હી પોલીસ, દિલ્હીના મુખ્યમંત્રી અને શાસક આમ આદમી પક્ષ, કોંગ્રેસ અને તેની ગાંધારી, મુસ્લિમ લીડરશિપ, સર્વોચ્ચ અદાલત અને ન્યાયતંત્ર ઠામુકા નિષ્ફળ ગયા છે. તેઓને સબ ઝીરો માક્ર્સ પણ ના મળે. શતોમુખ વિનિપાત! આટ આટલું અધઃપતન જેમાં પૂર્વમાં તોફાન થાય તો પોલીસ પશ્ચિમ તરફ ભાગે! કોઈના પર ભરોસો કરવા જેવા રહ્યા નથી. સવાલ એ થાય કે તેઓને જોઈએ છે શું? શું ભારત એક વીડિયો ગેમ છે જે નેતાઓ રમી રહ્યા છે? એવી ગેમ જેમાં લોકોને, માણસોને મારીને પોઈન્ટ સ્કોર કરવાના હોય અને તે રમીને તેઓ પિશાચી આનંદ લૂંટી રહ્યા છે શું? આ પ્રકારના અસ્પષ્ટ ગોંધળમાંથી તેઓને જોઈએ છે શું? હમણાની બે મહિનાની ઘટનાઓનો નિષ્કર્ષ એ કહે છે કે કોઈ નેતાગીરીને, પક્ષને કોઈ ફાયદો નથી થયો. ઊલટાના પ્રજાની નજરમાં તેઓ વધુ હીન, વામણા, નિષ્ઠુર, નીચ અને મહાસ્વાર્થી સાબિત થયા છે.

કોનો ભરોસો કરવો? અગાઉ કોઈ તંત્ર પોતાની ફરજ અદા કરવામાં નિષ્ફળ જાય તો છેલ્લો અને ખાતરીપૂર્વકનો આધાર સુપ્રીમ કોર્ટ હતી. આજે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતામાં ન્યાયતંત્ર દિશાહીન બની ગયું છે. શાહીનબાગ જેવા મુદ્દા પરની તારીખ દોઢ દોઢ મહિના પછી અપાય અને દેશવિરોધીઓ માટે રાતોરાત અદાલતો ખોલે. એક ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડ ગાંધીનગર ખાતે કહે કે પ્રજા વિરોધ કરે તે લોકશાહીનો આત્મા છે, પણ જાહેર રસ્તાઓ મહિનાઓ સુધી રોકી રખાય તેના પર કશું બોલતા નથી!  શું સર્વોચ્ચ અદાલત પાસે તે માટેના સ્પષ્ટ કાનૂનો નથી? છે જ કે જાહેર માર્ગો પર અવરોધ પેદા ના કરાય. તો પછી આવી પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે તેવાં નિવેદનો ન્યાયમૂર્તિઓ જાહેરમાં શા માટે આપે છે! શક્ય છે કે મીડિયાએ એમનાં પ્રવચનોમાંથી સિલેક્ટિવ રિપોર્ટિંગ કર્યું હોય, પરંતુ અદાલતોના અધિકારીઓ રાજનેતાઓ નથી એ વિવેકભાન તેઓએ ભૂલવું જોઈએ નહીં અને શાહીનબાગ પ્રદર્શનો બાબતમાં સુપ્રીમ કોર્ટનાં વલણ અને વર્તન પણ શંકા પેદા કરે છે. જો જાહેર માર્ગ પરનો અવરોધ ગેરકાનૂની હોય તો તેને તાબડતોબ હટાવવાનો આદેશ આપવા સિવાય સર્વોચ્ચ અદાલત પાસે બીજો વિકલ્પ નથી. તેના બદલે સરકારને જણાવવામાં આવે કે તમે તમારા પ્રતિનિધિઓને સમજાવવા મોકલો. તેઓની સાથે વાતચીત કરી સમાધાન લાવો. શું સુપ્રીમ કોર્ટનો મુકામ આકાશમાં છે? ધરાતળની વાસ્તવિકતા સાથે તેણે સંપર્ક ગુમાવ્યો છે કે પછી નાટકો કરે છે? જે કાનૂન સંસદનાં બંને ગૃહો દ્વારા બહુમતીથી પસાર થયો હોય તેનો વિરોધ જ ગેરકાનૂની ગણાય. ચાલો, તો પણ વિરોધીઓ સાથે ચર્ચા કરીએ, પણ જેની પાસે વિરોધનો કોઈ મુદ્દો ન હતો અને માત્ર સ્વરા ભાસ્કરની માફક વિરોધ કરવા ખાતર જ વિરોધ કરવો હતો તેઓની સાથે ચર્ચા કેવી રીતે થઈ શકે? સ્વરાને એ તો ખબર હશે કે એકલા એકલા પોતાની રીતે, જાણ્યા કારવ્યા વગર ચીપિયો પછાડવો તે પ્રવૃત્તિને પણ અંગ્રેજીમાં માસ્ટરબેશન કહે છે. એબીપી ન્યૂઝની રૃબિકા લિયાકતે સ્વરાને એટલી હદે ભોંઠી પાડી કે જેને શરમ હોય એ રડી પડે. કયો કાનૂન કેવા રંગોમાં આવી રહ્યો છે તેનું જ્ઞાન નથી છતાં તે કાનૂનને જાહેરમાં દૈત્ય ચિતરવો, એ પણ ત્યારે કે કાનૂન આવવાનો છે કે નહીં તે પણ નક્કી નથી, ત્યારે લોકોને ઉશ્કેરવાની આ પ્રવૃત્તિ એક અફવા જ ગણી શકાય અને સ્વરા ભાસ્કર પર વધુ એક કેસ માંડવાનો અવકાશ છે, પણ આ મહત્ત્વનો મુદ્દો નથી. મુદ્દો એ છે કે સરકારે, સુપ્રીમ કોર્ટે આવી પ્રજાને લાંબું દોરડું આપ્યું છે. સુપ્રીમ કોર્ટે પોતાની ફરજનું અને બીજાની ફરજોનું ચોક્કસ ભાન કેળવ્યું હોત અને ત્વરિત ઘટતા ચુકાદા આપ્યા હોત તો સ્થિતિ આટલી વણસી ના હોત! બોબડે સાહેબ મૂંગા છે. કશું બોલતા નથી. શું એ એક વધુ ગવર્નર બનવા માગે છે? એ ખુલાસો એમણે જ કરવો જોઈએ.

દિલ્હીની પ્રજાએ માર એટલા માટે સહન કરવો પડ્યો કે વિધાનસભાની ચૂંટણીઓ હતી. શાહીનબાગ પ્રકરણ ચાલુ રાખીને ભાજપને ફાયદો લેવો હતો. શાહીનબાગના લોકોને નાજાયજપણે ઉશ્કેરીને આમ આદમી અને કોંગ્રેસને ફાયદો લેવો હતો. કોંગ્રેસ સાઇડરિધમ વગાડતી હતી, પણ કેજરીવાલને સમજાયું કે શાહીનબાગને સપોર્ટ આપવાની વાત જનસાધારણને પસંદ નથી ત્યારે તેઓને ભગાડી મૂકો તેવાં નિવેદનો કરવા માંડ્યાં. ક્યારેક શાહીનના પ્રદર્શનકારીઓને ટેકો આપે. અંગ્રેજીમાં આ રીતને બ્લો હોટ, બ્લો કૉલ્ડ કહે છે. કેજરીવાલે ગરમ અને ઠંડી ફૂંકો માર્યા કરી. ભાજપને તો એ પણ હજી સમજાયું નથી કે શાહીનબાગનો વિષય દિલ્હીની તો ઠીક, રાષ્ટ્રીય પ્રજાની પણ પસંદ નથી. તેને ભાજપની નિષ્ફળતા તરીકે જોવાઈ રહ્યો છે અને જો ભાજપને પ્રજાના વિચારોની જાણ હતી અને છતાં વિષય ખેંચાઈ રહ્યો છે તેથી સમજવું પડે કે મુદ્દો સળગતો રહે તેવી ખુદ ભાજપની જ ઇચ્છા છે. ભાજપને હશે કે શાહીનબાગની તથાકથિત ફૂલાયેલી સમસ્યા લોકોને રાષ્ટ્રવાદની યાદ અપાવશે અને ભાજપને મત અપાવશે તો તે સ્થિતિને ફૂલ્સ પેરેડાઈઝ કહે છે. મૂર્ખાઓ જાતે સ્વર્ગ રચે, મનમાં પરણે અને મનમાં રાંડે. હકીકતમાં કશું થાય નહીં.

ભાજપના વિચારોમાં એકસૂત્રતા, સાતત્ય જણાતાં નથી. જરૃરી સાવધાનીઓ પણ જણાતી નથી. ભૂતકાળ યાદ રાખે છે, ભવિષ્યકાળની વ્યવસ્થા કે ચિંતા નથી. નોટબંધી લાગુ પડે પણ અમલમાં સુરસુરિયું થાય. જીએસટીનું પણ તેમ જ થયું. મહારાષ્ટ્રમાં ચૂંટણી જીત્યો પછી પણ સરકાર અમલમાં મુકી ન શક્યો. સીએએ લઈ આવ્યા, પણ કડક હાથે કામ લઈ ના શક્યો અને ફોડી ખંજવાળી ખંજવાળીને મોટુું ઘારું પાડી દીધું. માત્ર ૩૭૦ની કલમ રદ કર્યા પછી કાશ્મીરને બરોબર હેન્ડલ કરી શક્યો. ટેલિકોમ કંપનીઓની હાલત એવી બનાવી દીધી કે હવે પુસલી જવાની અણી પર છે. રિઝર્વ બેન્ક, નીતિ આયોગના અધિકારીઓ ખૂબ બદલાયા, પણ સ્થિતિ સુધરતી નથી. આમ કેમ? ભાજપની પ્રસિદ્ધ થિંક ટેન્ક છે ક્યાં?

ડોનાલ્ડ ટ્રમ્પનો ઐતિહાસિક મેળાવડો સોમવારે અમદાવાદમાં ચાલી રહ્યો હતો ત્યારે દિલ્હીમાં તાહિર હુસૈન નામના આમ આદમીના કોર્પોરેટરે હિન્દુઓને ધાણીની માફક ફૂંકવાની યંત્રણા ઊભી કરી લીધી હતી. મંગળવારે ટ્રમ્પ સાથે વાટાઘાટો દ્વારા સરકાર નવી દિલ્હીમાં ટ્રમ્પેટ વગાડી રહી હતી ત્યારે ચાંદ બાગમાં હિન્દુઓની કત્લેઆમ ચાલી રહી હતી. પડોશના વિસ્તારોમાં મુસ્લિમો મરી રહ્યા હતા. તાહિર હુસૈને પોતાની ગ્રાઉન્ડ પ્લસ થ્રી મંજિલની ઇમારતની ટૅરેસમાં ઈંટોડા, મોટા પથ્થરો, પેટ્રોલ બોમ્બ અથવા મોલોટોવ કૉકટૅલ, માચીસના જથ્થાબંધ બોક્સ, તેજાબની થેલીઓ, પેટ્રોલની પ્લાસ્ટિકની થેલીઓ, રિવોલ્વરો, પિસ્તોલો, પથ્થરો અને બોટલો લોન્ચ કરવા માટે ખાસ વેલ્ડિંગથી બનાવેલી ગિલોલ અથવા ગોફણો ગોઠવી દીધી હતી તે જોઈને જરૃર લાગે કે આ એક બે કલાકની નહીં, પણ મહિનાઓથી તૈયારીઓ છે. ખાનગી ગોળીબારમાં ૧૮ જેટલા જણ માર્યા ગયા છે, તેમાંથી મોટા ભાગની બુલેટો આ છત પરથી છોડાઈ હતી. પડોશના મકાનમાં હિન્દુઓનાં લગ્ન ચાલી રહ્યાં હતાં. ત્યાં બધું સળગાવી મૂકાયું. રાંધ્યાં ધાન રઝળી ગયાં. એ વિસ્તારોમાં ઇન્ટેલિજન્સ બ્યુરોના યુવાન અધિકારી અંકિત શર્મા સહિત ચાર યુવાનોને તાહિરના માણસોએ પકડીને મારી નાખ્યા. અંકિતના શરીર પર ચાર કલાકમાં ચારસો વખત ચપ્પુ ઘૂસાડવામાં આવ્યા. તેઓને તાહિરના મકાન નજીકના નાળામાં ફેંકી દેવામાં આવ્યા. આ બધી ઘૃણાસ્પદ વિગતો ખૂબ પ્રસારિત થઈ છે, પણ સવાલ એ છે કે શું દિલ્હી પોલીસની આ જ ઝંખના હતી? આ ઘડીની તેણે તૈયારી રાખી હતી? ટ્રમ્પના આગમન પૂર્વે ક્ષિતિજ પર આ શક્યતાઓ ડોકાઈ રહી હતી ત્યારે દિલ્હી પોલીસે પ્રિએમ્પટિવ અને પ્રોએક્ટિવ પગલાં ભરવા જોઈએ તેના બદલે બે દિવસ સુધી નદારદ રહી. મંગળવારે બપોરના એક વાગ્યાથી તાહિરના મકાન પરથી ભારત ભૂમિ પર આક્રમણ શરૃ થયું તે રાત્રિના આઠ વાગ્યા સુધી અવિરત ચાલ્યું.

આવડી મોટી સાજિશ રચનાર માણસને તુરંત ઝબ્બે કરવા સારુ પોલીસનાં ધાડાં રવાના થઈ જાય અને રવાના થવા જોઈતાં હતાં, પણ તેને બદલે થયું શું? તાહિર હુસૈન બે દિવસ સુધી મીડિયાને કોઈ અજ્ઞાત સ્થળે મળતો રહ્યો. પોતાની નિર્દોષતાનો જાપ થતો રહ્યો. ગુસ્સો જેના નાક પર કાયમી ટકેલો છે તે આપના નેતા સંજય સિંહ તાહિરનો બચાવ કરતો રહ્યો. કેજરીવાલે પણ ઘણી કોશિશો કરી. બનાવટી ડિગ્રીવાળા જીતેન્દ્ર સિંહ તોમરનો તેઓએ આ રીતે મહિનાઓ સુધી બચાવ કર્યો હતો, પણ અહીં રાત પડી ત્યાં સુધીમાં બુદ્ધિ આવી અને તાહિરને પક્ષમાંથી પડતો મૂકવો પડ્યો. એ તાહિર ગાયબ છે અને પોલીસે એને પકડવા માટે લગીરેય મહેનત કરી નથી? તો શું એ કોઈ સત્તાધારી પક્ષનો કે પોલીસનો એજન્ટ હતો? ટ્રમ્પના અમેરિકામાં આવા ગુંડાને પકડવા માટે હેલિકોપ્ટરો અને આધુનિક હથિયારો સાથે તુરંત પોલીસ નીકળી જાય. ભારતમાં નીકળવું હોય તો પોલીસ પાસે દોઢ ફૂટનો દંડૂકો અને ખાતરી વગરની હેલમેટ હોય. તમે જુઓ કે તોફાનોમાં પ્રથમ પોલીસ શહીદ થાય. એ કોઈનું ઢીમ ઢાળે કે ના ઢાળે તે પછીની વાત. દિલ્હીમાં આ શાહરુખે કોન્સ્ટેબલ રતનલાલને ગોળીથી વીંધી નાખ્યા. તે અગાઉ કોન્સ્ટેબલ દીપકકુમાર દહિયા સાથે નિર્જન રસ્તા પર શાહરુખની આમનેસામને થઈ હતી. દીપક કુમારની બહાદુરીની અવશ્ય નોંધ લેવી જોઈએ, પણ એની પાસે હથિયારમાં શું હતું? માત્ર દંડૂકો. શાહરુખે થોડે દૂર જઈને ગોળી પણ છોડી જે દહિયાને વાગી નહીં. આ ઘટનાની વાહ વાહી થઈ રહી છે, પરંતુ ગંભીર નોંધ એ લેવાની છે કે એ શાહરુખને પકડી પાડવાના પ્રયત્નો તત્કાળ શરૃ કરવા પડે. તેના બદલે ચાર દિવસ પછી પોલીસ એના ઘરે ગઈ તો આખા કુટુંબ સાથે એ ગાયબ થઈ ગયો છે અને પોલીસ કશું કરી શકી નથી. સોમવારે અને મંગળવારે ચાંદ બાગમાં તાહિરના માણસોનો કાળો કેર ચાલી રહ્યો હતો ત્યારે પોલીસની હેલ્પલાઈનો ઠપ હતી. કોઈ ફોન ઉઠાવતું ન હતું. હજારો લોકોએ ફોન કર્યા. તેનાથી શું થાય ખબર છે? લોકોને એમ લાગવા માંડે કે આખી દિલ્હીમાં સર્વત્ર તોફાનો ફાટી નીકળ્યાં છે અને સમગ્ર તંત્ર એટલું બિઝી બની ગયું છે કે ટેલિફોન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

પોલીસ સ્થળ પર અગાઉથી હાજર હોવી જોઈએ. એટલું જ નહીં, પરંતુ અસરકારક હથિયારો સાથે હોવી જોઈએ. જે ભ્રષ્ટ સરકારો પોલીસને પૂરાં પાડી શકી નથી. પોલીસ કરતાં ડોન માફિયા સારા જે એમના ફૂટ સોલ્જરો અથવા ગુંડાઓને અત્યાધુનિક રાઇફલો પૂરી પાડે છે. મુંબઈના પૂર્વ કમિશનર રાકેશ મારિયાએ હમણા પોતાની કારકિર્દીને લગતું પુસ્તક લખ્યું છે. ૨૬-૧૧ના ત્રાસવાદી હુમલામાં મુંબઈ પોલીસના છ ટોચના  અધિકારીઓ માર્યા ગયા તેનું એક કારણ એ પણ હતું કે તેઓ પાસેની એક રાઇફલ જેમ (અટકી) થઈ ગઈ હતી. તેઓનાં બુલેટપ્રૂફ જાકીટ કોઈ કામનાં પુરવાર થયાં નહીં. હમણા અમદાવાદના શાહીબાગમાં ત્રણ દંડૂકાધારી પોલીસમેનને તોફાનીઓએ એક સાંકડા ખૂણામાં ઘેરી લીધા. સેંકડો પથ્થરોની વચ્ચે તેઓ જાળી વડે બચાવ કરતા રહ્યા. જો બે ચાર જણ સજ્જન ના હોત તો એ કોન્સ્ટેબલોનાં જીવન પૂરાં થઈ જવાનાં હતાં અને વિજયભાઈ રૃપાણીએ શોકસભામાં અમુક લાખની રાહત આપીને હાથ ખંખેરી લીધા હોત અને સાંજે સુંદર બંડી ઝભ્ભામાં કોઈ સમારંભના યજમાન તરીકે હાજર રહ્યા હોત. આવી રીતે પહેલેથી જ હાથમાં જાળી લઈને જાય તે માર ખાવાની પૂરી ભાવના સાથે જાય એ પોલીસ જનતાનું શું રક્ષણ કરવાની?

Related Posts
1 of 262

એને ચોર, બદમાશો અને ગુંડાઓથી પણ સારી ક્ષમતાનાં શસ્ત્રો અને વાહનો પૂરાં પાડવાં જોઈએ. સોસાયટીના ગાર્ડ્સની જેમ તેઓને અત્યાધુનિક ગુંડાઓ સાથે લડવા મોકલો તો પોલીસ અને પ્રજા બંનેનો મોરલ તૂટી જાય. પોલીસને ચપરાશી બનાવી દીધી છે. ટ્રમ્પના અમેરિકામાં લોકશાહી છે, પણ પોલીસ સામે લડવાની કોઈની હિંમત થતી નથી. અહીં આપણે એવી પોલીસ તૈયાર કરી છે જે બદમાશોની જીહજૂરી કરે છે જેથી બદમાશો તેમને મારી ના નાખે, તેમની બદલી ના કરાવી નાખે! પ્રમોશન અટકાવી ના દે! શા માટે પોલીસ જનતાનું રક્ષણ કરે? તેમાં તેને શું મળવાનું છે? તેઓને સારી ટ્રેનિંગ અને સારા શસ્ત્રો આપવા માટે કઈ અધધ ખર્ચ કરવો પડતો નથી. એમ માનવું કે એક વધુ વિજય માલ્યા કે નીરવ મોદી ભાગી ગયો હતો. લોકો મત આપે છે. એમને રક્ષણ આપો. વધુ રક્ષણ આપશો તો વધુ મત આપશે. મતો માટે લલિતા પવાર, પ્રેમ ચોપડા જેવી સ્ટ્રીટ સ્માર્ટ, ગલીચ્ચ રાજનીતિ કરવાની જરૃર નહીં પડે! કોઈ પોલીસ અધિકારી તોફાનોમાં મરણ પામે ત્યારે જરૃર દુઃખ થાય અને રતનલાલની બિનજરૃરી શહીદી પર ભાજપે અને આમ આદમી પક્ષે મળીને લગભગ બે કરોડ રૃપિયા અને બીજી સહાય કરી. આ તેઓએ નિષ્કાળજી અને અવગણના દાખવવાની કિંમત ચૂકવી છે. છતાં મુંબઈના આમ આદમી પક્ષના એક કાર્યકર મયંકે રતનલાલની શહીદી પર ટ્વિટ કરીને લખ્યું કે, એક ‘ઠોલા (ઠુલ્લા અથવા પોલીસવાળા)ના મોતનો મને કોઈ અફસોસ નથી!’ કેટલી નિર્દયતા અને બેશરમી આ વાક્યમાં છલકે છે. રતનલાલને મરવાનો કોઈ શોખ ન હતો, પણ સમાજ અને નેતાઓએ સ્થિતિ જ એવી બનાવી છે જેમાં મજબૂર લોકો જ મરે છે. સમગ્ર દેશની પોલીસે ચિંતન કરવાની જરૃર છે કે તેઓની કોઈ ઇજ્જત કેમ નથી? તેઓને લોકો ‘ઠોલા’ શા માટે કહી જાય છે? દાયકાઓથી ફિલ્મોમાં પોલીસ દર્શાવાય છે તેવું વર્તન આજે પણ કરે છે. ઉત્તર પ્રદેશના પૂર્વ આઈજી વિક્રમ સિંહ એક સ્પષ્ટવક્તા પોલીસ અધિકારી હતા અને છે. એમણે દિલ્હી પોલીસને ‘રેઇનબો’ એટલે કે ‘મેઘધનુષ્ય’ પોલીસ ગણાવી છે જે હંમેશાં વરસાદ પડતો બંધ થાય પછી આવે છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન એક હમણાથી જાણીતા બનેલા ન્યૂઝપોર્ટલે દિલ્હીના એક નાગરિકનો ઇન્ટરવ્યૂ બતાવ્યો હતો. જેમાં એક નાગરિક કહે છે કે એ ગૃહમંત્રી અમિત શાહના ભાજપને મત નહીં આપે, કારણ કે જે ગૃહમંત્રી દિલ્હીને શાહીનબાગનાં પ્રદર્શનોમાંથી મુક્તિ અપાવી શકતાં નથી તે દેશની રક્ષા કેવી રીતે કરશે? આ પોર્ટલના પત્રકારો કેજરીવાલ તરફ સહાનુભૂતિ રાખતા હતા તેથી કદાચ એ વીડિયો સહજ નહીં હોય, પણ મેન્યુફેક્ચર્ડ હોઈ શકે છે. છતાં તેમાં ગૃહમંત્રી પાસે જે અપેક્ષા રાખવામાં આવી હતી તે વાજબી છે. અનેક લોકો કહેતા હતા કે મનમોહન સિંહનો સીનો ૫૬ ઈંચનો ન હતો. છતાં એમના સમયમાં બાબ રામદેવને રામલીલા મેદાનમાંથી હજારોની મેદની સાથે મારીને, સ્ત્રીઓનાં સલવાર કુરતા પહેરાવીને ભગાડી દેવામાં આવ્યા હતા. તો પછી શાહીનબાગની ખિદમત શા માટે લાંબી ચાલી? રામદેવ ત્યારે ખૂબ લોકપ્રિય હતા, કારણ કે ત્યારે એ હજુ ઢોંગી પુરવાર થયા ન હતા. છતાં પત્રકારો સમક્ષ રડતા થઈ ગયા. યોગ દ્વારા જે માનસિક શક્તિઓ કેળવી હતી તેના આસમાની દાવાઓ સલવારમાં હવાઈ ગયા. જ્યારે અહીં શાહીનબાગમાં સાવ નાજાયજ વિરોધ થઈ રહ્યો હતો જેમાં બહુમતી પ્રજા તે આંદોલનોની વિરુદ્ધ હતી અને છે. આવું થવા પાછળ કયા હેતુઓ હશે તેના તર્ક વિતર્કો ચાલી રહ્યા છે, પણ અંતતોગત્વા પ્રજાનો આત્મવિશ્વાસ ખૂબ નીચે ગયો છે. ના માયા મીલી, ના રામ!

ડેરા જુઠ્ઠા સૌદાના ‘લવ ચાર્જર’ બાબા રામ રહીમના પાગલ શિષ્યોએ હરિયાણામાં આતંક મચાવ્યો તો ભાજપ સરકારે અનેકને ગોળીઓથી વિંધી નાખ્યા હતા. કુલ ૪૧થી વધુનાં મોત થયાં હતાં. ૧૯૮૯માં સલમાન રૃશ્દીના પુસ્તક ‘સેતાનિક વર્સિસ’ સામે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મુસ્લિમોએ તોફાનો કર્યા તો માત્ર થોડી મિનિટોમાં શરદ પવારની પોલીસે ૧૪ યુવાનોને વિંધી નાખ્યા હતા. પોલીસ લૉ એન્ડ ઓર્ડર જાળવવા માટે હોય છે. દિલ્હીમાં નવા પોલીસ કમિશનર નીમવામાં આવ્યા છે; એસ. એન. શ્રીવાસ્તવ. તોફાનો પત્યાના ત્રીજા દિવસે એ તોફાન ગ્રસ્ત વિસ્તારોમાં ગયા. પગપાળા ચાલ્યા અને લોકોને પૂછવા લાગ્યા કે તમારા મતે હવે શું કરવું જોઈએ? શું તમારે લોકો પાસેથી ટ્રેનિંગ લેવાની હજી બાકી છે?

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ બીજા દિવસે ગ્રસ્ત વિસ્તારોમાં ગયા અને બોલ્યા કે, જે થઈ ગયું તે થઈ ગયું. મને ભૂતકાળમાં રસ નથી. હું શાંતિ સ્થાપવા આવ્યો છું. ઈન્શાઅલ્લાહ! ઈન્શાઅલ્લાહ! ડોભાલે વારંવાર આ શબ્દો વાપર્યા, તે ઘણા સૂચક છે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે જો પ્રભુની ઇચ્છા હશે તો શાંતિ સ્થપાશે. મતલબ કે બધંુ ભગવાન ભરોસે છે, પણ તોફાનો શરૃ થયાં અગાઉ જ પોલીસનું આવું જ ઈન્સાઅલ્લાહ વાળું વર્તન હતું. તેથી માણસો મરી ગયા. શું પોલીસે આવો આધાર રાખવો જોઈએ? જો એ જ આધાર હોય તો પોલીસ તંત્રની જરૃર પણ શી છે? અને આ ઈન્શાઅલ્લાહ કોને ખુશ કરવા બોલાઈ રહ્યું હતું? વળી, ગઈકાલે થયેલાં રમણખાણો ભૂલવાનું પોલીસને પાલવે? તો પછી દેશની તમામ હત્યાઓ, ચોરી, લૂંટફાટ ગઈકાલે અને ભૂતકાળમાં જ થયેલાં હોય છે. આ વલણ અપનાવવું હોય તો સામ પિત્રોડાને ‘હુઆ સો હુઆ’ તેમ કહેવા બદલ સવાલ પૂછવાનો રહેતો જ નથી!

અહીં અજિત ડોભાલ વિષય નથી. કાશ્મીરની બાબતમાં એમનું પ્રદાન સુવર્ણ અક્ષરે લખાશે. રાષ્ટ્રીય સુરક્ષા બાબતમાં એમણે સંનિષ્ઠ સેવા બજાવી છે, પણ બીજા અધિકારીઓ ફરજ બજાવવામાં નિષ્ફળ જાય ત્યારે ડોભાલ જેવા અધિકારીઓ પણ તેઓનો યોગ્ય બચાવ કરી શકતા નથી અને થોથવાઈ જાય છે તેનું આ ઉદાહરણ છે. રાષ્ટ્રને મહાન બનાવવા માટે દરેક જણ પોતાની ફરજો બજાવે એ જરૃરી છે. એક માત્ર ડોભાલ સાહેબથી ઘણુ થઈ શકે, પણ બધું જ થઈ ના શકે.

કોંગ્રેસના વખતથી જ પોલીસમાં દૂષણો પેઠા છે. બે દાયકા દરમિયાન (૨૦૦૮ સુધી) મુંબઈમાં ત્રાસવાદી હુમલાઓમાં હજારથી વધુ લોકો માર્યા ગયા તો પણ સરકારો માટે પ્રથમ ચિંતા તે ઘટના પરથી ફિલ્મો ઉતારવાની હતી. મોહમ્મદ શાહબુદ્દીન, રાજા ભૈયા, મુખ્તાર અને ફૈઝલ અન્સારી, કરીમ લાલા, પપ્પુ યાદવ, દાઉદ ઇબ્રાહીમ, છોટા રાજન, ગવળી વગેરેને કોંગ્રેસની સિસ્ટમે જ પ્રખર માફિયા બનાવ્યા હતા. પોલીસ તો જવાબદારી ઠાલવવાનું પગલૂછણિયું બની ગઈ હતી. હમણા કર્મઠ યોગીએ ઉત્તર પ્રદેશની ધુરા સંભાળી ત્યાં સુધી યુપીના હવાલદારો અને ઇન્સ્પેક્ટરોને બંદૂકો, રાઇફલો વિશે કશી ગતાગમ ન હતી. ઘણાએ તો એ શસ્ત્રો ક્યારેય જોયા પણ ન હતાં. હાઈવે પર બળાત્કારો, લૂંટ સામાન્ય બન્યાં હતાં. જ્યારે પોલીસને મોટા માફિયાની સેવામાં તહેનાત રખાય ત્યારે આવાં જ પરિણામો આવે.

અને હવે રાબેતામુજબનું પ્રહસન(કોમેડી) જુઓ. દિલ્હી પોલીસ માટે કહેવાય છે કે, ‘સબ કુછ લૂટા કે હોશ મેં આયે તો ક્યાં હુઆ?’ સાપના લિસોટા પર લાઠીચાર્જ કરવા આવી. દેશના ટોચના પોલીસ અધિકારીઓ એ બાબતમાં એક મત છે કે તોફાનોમાં પોલીસ મૂક પ્રેક્ષક બનીને રહી ગઈ. પ્રહસન એ કે દિલ્હીના પોલીસ કમિશનર પટનાઈક નિવૃત્ત થયા ત્યારે એમના માટે વિદાય સમારંભ યોજાયો. વિદાય સમારંભ વખતે નબળા અધિકારીઓની પણ કોઈક ‘અજાણી’ બાબત રજૂ કરીને પ્રશંસા થતી હોય છે; જેમ દરેક મરનાર બાબતે સ્મશાનમાં થતી હોય છે, પણ અમૂલ્ય પટનાઈક બરાબર એ જ વખતે નિવૃત્ત થયા જ્યારે સમારંભમાં હાજર કે ગેરહાજર લોકોએ તેમના પર ફિટકાર વરસાવ્યો.

પૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમાર પાંડેએ રાજકારણીઓ અને ગુંડાઓની સાઠગાંઠ વિષે ઘણુ લખ્યું છે. એમનું કહેવું છે કે, ‘તમામ પ્રકારનાં હથિયારો એકઠાં કરાયેલાં હતાં તે જોઈને લાગે છે કે તોફાનો પૂર્વ આયોજિત હતાં, પણ પોલીસ પાસે તમામ પ્રકારનાં સાધનો હોવા છતાં તોફાનીઓ સામે કામ ન લીધું. આ દિલ્હી પોલીસની નાલાયકી છે.’

સોનિયા ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહનું રાજીનામું માગ્યું છે. યોગેન્દ્ર યાદવ કહે છે કે, કાં અમિત શાહનું પોલીસ પર ચાલતું નથી અને કાં અમિત શાહે પોલીસને કામ કરવા દીધું ન હતું. આ બંને સ્થિતિમાં ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. સામે ભાજપનો બચાવ એ છે કે ગૃહમંત્રી પ્રમુખ ટ્રમ્પ સાથે વ્યસ્ત હતા. જ્યારે ટ્રમ્પના પ્રથમ આગમનનો પ્રસંગ ભારત અને ભાજપના આંગણે હતો ત્યારે તોફાનીઓને છૂટો દૌર અપાવીને ભાજપ શા માટે પોતાનું નાક જ કપાવે?

કંઈક મોટી ગરબડ જરૃર છે. નિષ્પક્ષ તપાસ થાય તો જ તેનો તાગ મળશે, પણ તોફાનો બાદની પોલીસની પ્રવૃત્તિઓ શંકાસ્પદ છે. જેમ કે તાહિર હુસૈનના મકાનને તાબડતોબ સીલ કરી કબજે લેવું જોઈએ તેના બદલે તપાશબીનો માટે શનિવાર સુધી પર્યટનનું સ્થળ બની ગયું.

ખરી વાત એ છે કે ન્યૂઝ ચેનલોએ મહિનાઓથી આગને હવા આપવામાં કશું બાકી નથી રાખ્યું. જેઓને પોતાને હરસ શા માટે થયું છે તેની ખબર પડતી નથી તેવા મુલ્લા મૌલવીઓ, બાવા સાધુઓને ધર્મના સ્કોલરનું બિરુદ આપી રસ્તા પરથી ઉઠાવી લાવે છે. તેઓ મહિનાઓથી એલફેલ બોલતા હતા.

અનુરાગ ઠાકુરના ગદ્દારોને ગોળી મારો વાળા સૂત્રોની વાત કરીએ તો ઘણાએ તેને મુદ્દો બનાવ્યો છે. હવે કાઉન્ટર સવાલ એ કે તો શું ગદ્દારોને ખોળે બેસાડવા જોઈએ? મોહમ્મદ રફીએ ગાયેલું ફિલ્મ લીડરનું ગીત ‘અપની આઝાદી કો હમ હરગીઝ મિટા સકતે નહીં.’ દરેકે સાંભળ્યું છે. તેની એક કડીનું અહીં પુનરાવર્તન કરવા જેવું છે. રફી ગાય છે; ‘ગર વતન મેં ભી મિલેગા કોઈ ગદ્દારે વતન, અપની તાકાત સે હમ ઉસ કા સર કુચલતે જાયેંગે! એક ધોખા ખા ચૂકે હૈ, ઔર ખા સકતે નહીં.’ ગીત શકિલ બદાયુનીએ લખ્યું છે. અનુરાગ ઠાકુરના નિવેદનમાં અને આ ગીતના શબ્દોમાં કોઈ ફરક નથી. તો વાંધો શેનો છે? કહો કે સમય ઉચિત નથી. શું ગદ્દારો માટે ઉચિત સમયે જ બોલવું જોઈએ? એને ગદ્દાર કહેવામાં આવે છે ત્યારે કોઈ કોમનું નામ લેવાતું નથી. તો પછી એક કોમે શા માટે પાઘડી પહેરી લેવી જોઈએ? સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશનાં તોફાનો બાદ પણ લોકોને સંયમ જાળવવાની અપીલ ના કરે, (જે ઈમરાન ખાને પણ પાકિસ્તાની મુસ્લિમોને અપીલ કરી હતી) અને લોકોને વધુ બહાર આવવાની પ્રેરણા આપે ત્યારે અનુરાગના શબ્દો ભલે કડક છે, પણ સોનિયાની સ્ટાઈલ વધુ ખતરનાક છે. એ સ્ટાઈલમાં હિન્દુઓ પણ ડરી જાય છે, સાવધ થાય છે. ગુસ્સે ભરાય છે. દેશના વડાપ્રધાન જ્યારે વારંવાર મોટેથી કહેતા હોય કે સીએએ કોઈની નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી, પણ નાગરિકતા આપવાનો કાનૂન છે તો કોઈને વાંધો શા માટે હોવો જોઈએ? શા માટે પાકિસ્તાન ઝીંદાબાદના સૂત્રો પોકારવા જોઈએ?

સુપ્રીમ કોર્ટ પાસે એવી કઈ બ્રીફ હતી જેના આધારે એ વચેટિયા વાર્તાકારો નીમી શકે? સરકારને કહેવામાં આવ્યું કે જાવ જઈને લોકોને સમજાવો. આ લોજિકને જરા લંબાવીએ તો દુનિયાના ચોર, બદમાશો, ખૂની વગેરે કોઈ હાઈ-વે જામ કરી દે અને કાનૂનો પોતાની ફેવરમાં કરવાની માગણી કરે તો શું એમની સાથે વાટાઘાટો કરવી? અદાલત એ અદાલત છે, ધર્મગુરુઓ નથી. જજ મુરલીધરની બદલી થઈ અને હવે ડાબેરીઓ, કોંગ્રેસીઓ અને મીડિયા એમને મહાનાયક તરીકે રજૂ કરશે, પરંતુ શું ઉશ્કેરણીજનક ભાષણો માત્ર ભાજપના નેતાઓએ જ કર્યા હતા કે જેમને મુરલીધરે ટાર્ગેટ કર્યા હતા? ત્રણ ત્રણ મહિનાઓથી અગ્નિ ભારેલો જ હતો. વારીસ પઠાન, અકબરૃદ્દીન ઓવૈસી, અસીમ વકાર, સમાજવાદી પક્ષના એસ.ટી. હસન, પ્રિયંકા ગાંધી અને બીજા તથાકથિત ગાંધીઓને પસંદ કરીને અલગ શા માટે રખાયા? પ્રિયંકા સભામાં બોલી હતી, એ પણ ઉત્તર પ્રદેશનાં વ્યાપક રમખાણો, ઝામિયા મિલિયાનાં તોફાનો બાદ કે ચૂપ રહેશો તો સંવિધાન ખતરામાં છે. કાનૂન સંવિધાન પ્રમાણે જ ઘડાયો છે. તો સંવિધાન ખતરામાં શાથી? બીજું આટઆટલાં તોફાનો બાદ પ્રિયંકાને લાગતું હતું કે લોકો હજુ ચૂપ છે તો એ વિશેષમાં શું કરાવવા માગતાં હતાં? હકીકત એ છે કે ભાઈ ઢગો થયો અને હાથમાંથી સત્તા જતી રહી છે. સંવિધાન સામે નહીં, ગાંધી કુટુંબ સામે સંકટ પેદા થયું છે. દિલ્હી તોફાનોમાં પોલીસ સાવ ચૂપ બેઠી હતી તે આક્ષેપો પણ સાવ સાચા નથી. એક હવાલદાર માર્યા ગયા અને એક ડીસીપી કક્ષાના પોલીસ અધિકારી ગંભીર રીતે ઘવાયા છે. એ ખરું કે ચાંદબાગમાં તાહિર હુસૈન જીવલેણ નીકળ્યો, પણ એક રાષ્ટ્રીય સાપ્તાહિકના મતે જાનમાલની વધુ નુકસાની મુસ્લિમોએ સહન કરવી પડી છે. યમુનાને પેલે પાર મૌજપુર, કરવાલનગર, બાબરપુર, ચાંદબાગ, મુસ્તુફાબાદ, ખજૂરી ખાસ વગેરે વિસ્તારોમાં નીચલા મધ્યમ વર્ગના અને ગરીબ મુસ્લિમોની બહુમતી છે. મોટા ભાગના બિહાર, ઉત્તર પ્રદેશથી આવ્યા છે અને કેટલાંક બાંગલાદેશીઓ છે જે અત્યંત સંકડાશમાં જીવે છે. સૂવા માટે પૂરતી જગ્યા હોતી નથી. આ વિસ્તારોમાં કેટલાક બહારના લોકો આવીને તોફાનો મચાવી ગયા.

આજકાલનાં યુદ્ધોમાં સંખ્યાનું મહત્ત્વ રહ્યું નથી. તલવારોના જમાના ગયા. આતંકવાદથી પણ કશું સિદ્ધ થવાનું નથી. માત્ર કુલ ૮૮ લાખની (ગ્રેટર મુંબઈ કરતાં ત્રીજા ભાગની) વસતિ ધરાવતું ઇઝરાયલ દુનિયામાં એક અબજ ૮૦ કરોડની વસતિ ધરાવતા મુસ્લિમ જગતને દાયકાઓથી હંફાવે છે. જે પાન-મુસ્લિમ વર્લ્ડ કહેવાય છે તેનું જીવવાનું દુષ્કર બનાવી દીધું છે, ત્યારે વારિસ જેવા સિંહોએ ભાયખલાના ફ્લેટમાં શા માટે બેસી રહેવું જોઈએ? માત્ર ૮૮ લાખ સામે ૧૮ હજાર લાખ લોકો છે. ફીગર ફરીવાર વાંચો. આવું બોલીને નાનાં શહેરો અને ગામડાંમાં રહેતાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એ દીવાલ ચણે છે. તેઓ આપસમાં મિત્ર હોય છે છતાં શંકાથી જુએ છે. નિયતિ પણ હોય છે. કુદરતનું જ ધાર્યું થયું છે અને થશે. હમણાના દાયકાઓમાં મુસ્લિમો લડ્યાં તે કયાં યુદ્ધો તેઓ જીત્યા છે? તે બતાવો તો ખરા? ઇઝરાયલ, રશિયા, બોસ્નીઆ, ભારત, ચીન, અફઘાનિસ્તાન, કુવૈત, મ્યાનમાર, ઈરાક, સિરિયા, યમન, પાકિસ્તાન વગેરે તમામ દેશોમાં મુસ્લિમોના હાથ હેઠા પડે છે. મૌલવીઓ કહે છે કે, દુનિયા પર ઇસ્લામનું રાજ હશે તેવી પરવરદીગારની ઇચ્છા છે. તો ઈરાક, સિરિયા, યમન ઇજિપ્ત, પેલેસ્ટાઇન, અફઘાનિસ્તાન વગેરેમાં તો મુસ્લિમો મુસ્લિમોના હાથે જ મરે છે. આ ખારા રણમાં વીરડી સમાન એક મુસ્લિમ કન્યાના યુ-ટ્યૂબ પરના સંદેશાઓ છે. યુ-ટ્યૂબ પર વાયએચકેના નામથી આ દીકરી શાલીનતાથી જે સાચી વાતો કહે છે તે તમામ હિન્દુ-મુસ્લિમોએ સાંભળવા જેવી અને અનુસરવા જેવી છે.

સારા સમાચાર એ છે કે સોમવારે રાહુલ ગાંધી ભારતમાં પાછા આવી ગયા છે. તેનો અર્થ એ કે દેશમાં શાંતિ સ્થપાઈ છે. અન્યથા એ પાછા ન ફરે! આગ સળગાવીને જાય તે હોલવાય ત્યારે આવે. પુનરાવર્તન કરવા.
———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »