તમારા માટે, તમારી સાથે, સતત…

રૂપાણીએ ટ્રમ્પને આપ્યાં હોત શ્રીધરાણીનાં બે પુસ્તકો…

શ્રીધરાણી આંતરરાષ્ટ્રીય પત્રકાર હતા

0 94
  • પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા

ડોનાલ્ડ ટ્રમ્પનું વોશિંગ્ટન અને કૃષ્ણલાલ શ્રીધરાણીનું ઉમરાળા?

સરખામણી જરીક વિચિત્ર લાગે તેવી છે, પણ પાછલાં વર્ષો તરફ દૃષ્ટિ કરીએ તો મહત્ત્વની છે અને રસપ્રદ પણ છે.

અમેરિકામાં બૌદ્ધિક વર્ગ જ્યારે મહાત્મા ગાંધી અને તેમના ‘સત્યાગ્રહ’ને સમજવા ઇચ્છે ત્યારે ગ્રંથપાલ તેને એક નહીં, બે પુસ્તકો વાંચવાની સલાહ આપે છે. છેક બીજા વિશ્વયુદ્ધથી સત્યાગ્રહને સમજવા માટેનું બાઇબલ એટલે આ પુસ્તક.

‘વૉર વિધાઉટ વાયોલન્સ’ છપાયું તો હતું ૭૦-૮૦ વર્ષ પૂર્વે. પ્રકાશક વિદેશી પણ તેના લેખક?

Related Posts
1 of 142

હા, આપણા કૃષ્ણલાલ શ્રીધરાણી!

આપણી ખાસિયત એવી કે કોઈક વ્યક્તિવિશેષને ઓળખવા માટે એક પીંછું નક્કી કરી નાખવામાં આવે છે. શ્રીધરાણીનું પણ તેવું જ બન્યું. ઉમાશંકર જોશીએ તેમના કવિપણાને બિરદાવ્યું એટલે ગુજરાતી સાહિત્યમાં એ ‘કવિ’ બની રહ્યા. અધ્યાપકો ગુજરાતીના વિદ્યાર્થીને ભણાવે તો શરૃઆત આમ કરે ઃ ‘ગુજરાતના ઉત્તમ કવિઓમાં કૃષ્ણલાલ શ્રીધરાણી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમણે નાટકો પણ લખ્યાં છે… બસ, વાત પૂરી થઈ!

શ્રીધરાણી આંતરરાષ્ટ્રીય પત્રકાર હતા. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં સમાજવિદ્યા અંતર્ગત પત્રકારત્વ પર શોધકાર્ય કર્યું. ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં એમ.એ. થયા હતા. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના લોકપ્રિય કટારલેખક (કૉલમિસ્ટ) બન્યા. ‘કરન્ટ હિસ્ટ્રી’ ‘સેટર ડે રિવ્યૂ’ ‘ટોકિયો શિંબુના,’ ‘અમૃત બઝાર પત્રિકા’માં પુષ્કળ લખ્યું અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમને ‘ભારતના અવિધિસરના સાંસ્કૃતિક પ્રતિનિધિ’ ગણવામાં આવ્યા. ભારતના ‘બોમ્બે ક્રોનિકલ’ અને અમૃતલાલ શેઠના ‘ધ સન’માં તેઓ લખતા. તેમનો હેતુ હતો અમેરિકામાં ભારતના સ્વાતંત્ર્યની ઝંખનાથી પરિચિત કરવા અને બ્રિટિશ સામ્રાજ્યને બદલે અમેરિકા ભારતના આઝાદી જંગમાં સહયોગ કરે. લૂઇસ બ્રોમફિલ્ડ જેવા સાહિત્યકારે લખ્યું કે શ્રીધરાણી આપણને ‘સાચા ભારત’ની ઓળખ કરાવે છે. અહીં જ તેમણે ‘વોઇસ ઓફ ઇન્ડિયા’ અખબાર શરૃ કર્યું. એક બીજું ‘ઇન્ડિયા ટુડે’ પણ પ્રકાશિત કર્યું.

આ મહા-પ્રયાસમાં તેમની સાથે રહેલા ભારતીયોની વાત પણ રોચક છે. શ્રીધરાણી સા-વ તરુણવયે ૧૯૩૦ની દાંડીકૂચના સાક્ષી બનવા ગાંધીજીની સાથે જવા નીકળી પડ્યા હતા. ત્યાં અમેરિકાથી હરિદાસ મજમુદાર પણ આવ્યા હતા, તેમની સાથે દોસ્તી થઈ. અમેરિકામાં બૌદ્ધિક ચળવળ માટે મજમુદાર ઉપયોગી બન્યા. બીજો હતો સઈદ હુસેન. અનુપમસિંઘ અને જગજિતસિંઘ પણ ખરા.

આમાં સઈદ હુસેનનો પરિચય મેળવવા જેવો છે. તેણે અભ્યાસ લંડનમાં કર્યો પછી ભારતમાં પાછા ફર્ર્યાે. જવાહરલાલની નજરે આ તરવરિયો યુવાન પડ્યો તો અલ્હાબાદ લઈ ગયા અને ‘ઇન્ડિપેન્ડન્ટ’ અખબારમાં તેને સામેલ કર્યો. નહેરુ પરિવારમાં અંગત વ્યક્તિ બની રહ્યો અને આ ફાંકડા, હસમુખા સઈદથી વિજયાલક્ષ્મી પંડિત આકર્ષાયાં. પ્રેમ પાંગર્યો. બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. નહેરુ પરિવારમાં ખળભળાટ મચી ગયો. જવાહરલાલે ગાંધીજીની સલાહ માગી. તેમણે પણ આ લગ્નને સંમતિ આપી નહીં. ‘સેક્યુલર’ નહેરુ પરિવારને મુસ્લિમ પસંદ નહોતો! એટલે પ્રેમભગ્ન સઈદ અમેરિકા ચાલ્યો ગયો. ભારતમાં તેને ‘બોમ્બે ક્રોનિકલ’ જેવા અખબારમાં મહત્ત્વની કામગીરી કરી હતી. ‘આર્મ્સ કોન્ફરન્સ’માં પત્રકાર તરીકે સામેલ થયો. પછી હરિદાસ મજમુદારનો પરિચય થયો. હરિદાસે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં પીએચ.ડી. કર્યું હતું. ‘એક ગાઉ સુધી સંભળાય તેવું તેમનું હાસ્ય હતું!’ અધ્યાપક તરીકે ઈઓવાની કૉલેજમાં છેક ૧૯૬૦ સુધી સક્રિય હતા! ગાંધીજી વિશેનાં તેમનાં બે પુસ્તકો ‘ગાંધી-ધ એપોસ્ટલ’ અને ‘સર્મોન ઓન ધ સી’ જાણીતાં બન્યાં. અમેરિકામાં પહેલી વાર ગાંધીનું ‘હિન્દ સ્વરાજ’ તેમણે જ પ્રકાશિત કર્યું હતું. અમેરિકાના પ્રવાસે સરોજિની નાયડુ ગયા તો તેમને મળ્યા. પછી ગાંધીજીને પત્ર લખ્યો. ગાંધીજીએ સાબરમતી આશ્રમમાં થોડા દિવસો માટે આમંત્રિત કર્યા. લાહોર-અધિવેશનમાં ભાગ લીધો. દાંડીકૂચ દરમિયાન અધવચ્ચે ગાંધીજીએ સૂચવ્યું કે અમદાવાદ આશ્રમે જાઓ અને અહેવાલ લખો. ગાંધીજીની ધરપકડ થઈ તે પછી મુંબઈમાં જવાહરલાલને મળ્યા. મોતીલાલ અને જવાહરલાલે સલાહ આપી કે અમેરિકા પાછા જાઓ. એક વધુ ભારતીય જેલમાં સમય બરબાદ કરે તેની જરૃર નથી.

શ્રીધરાણી જન્મ્યા હતા ઉમરાળામાં. ભણ્યા દક્ષિણામૂર્તિ, ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં. ઘણા વર્ષો રહ્યા અમેરિકામાં. રાષ્ટ્રપ્રમુખ ડી.રુઝવેલ્ટ, પર્લબક, લૂઈફીશરના તેઓ મિત્ર હતા. ‘ધ નેશનલ કમિટી ફોર ઇન્ડિયા ફ્રિડમ’ સંસ્થા રચવામાં આવી. તેના નેજા હેઠળ વિજયાલક્ષ્મી પંડિતની અમેરિકા-મુલાકાત થઈ ત્યારે સ્વાગત કરવામાં પૂર્વ-પ્રેમી સઈદ પણ હતો! વિજયાલક્ષ્મીનાં તો ગુજરાતી રણજિત પંડિત સાથે લગ્ન થઈ ચૂક્યાં હતાં અને સઈદ પોતાની પ્રવૃત્તિમાં એવો ગળાડૂબ હતો કે લગ્ન સરખો વિચાર કર્યો નહીં અને આજીવન અપરિણીત રહ્યો! ૧૯૪૯માં તેમનું અવસાન થયું. શ્રીધરાણી છેલ્લાં વર્ષોમાં સ્વતંત્ર ભારતના સાક્ષી રહ્યા, દિલ્હી નિવાસી બન્યા. તેમનાં બે સંતાનોનાં નામ – અમર અને કવિતા – જવાહરલાલ તેમ જ ડૉ.રાધાકૃષ્ણને પાડ્યાં હતાં! તેમનાં બે મહત્ત્વનાં પુસ્તકો – ‘વૉર વિધાઉટ વાયોલન્સ’ અને ‘માય ઇન્ડિયા, માય અમેરિકા!’ છપાયાં તો સિત્તેર વર્ષ પૂર્વે પણ આજેય અમેરિકા – ભારતના સંબંધોનો અદ્ભુત સાહિત્યિક દસ્તાવેજ છે. અમદાવાદની મુલાકાતે આવેલા ડોનાલ્ડ ટ્રમ્પને આ બે પુસ્તકો – ગુજરાતના પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ – આપ્યાં હોત. ટ્રમ્પ મહારાજને એક ‘પત્રકાર ગુજરાતી’ના અનુભવ, દૃષ્ટિકોણ અને પ્રસ્તુતિનો અંદાજ મળ્યો હોત!
——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »