તમારા માટે, તમારી સાથે, સતત…

નમસ્તે ટ્રમ્પઃ પ્રમુખપદની ચૂંટણી ઝુંબેશ

અમેરિકામાં આગામી નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી છે

0 152
  • સાંપ્રત – તરુણ દત્તાણી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસની ભારતની મુલાકાત દરમિયાન ત્રણ અબજ ડૉલરના સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર થયા છે. એ સિવાય કોઈ મહત્ત્વના કરાર થયા નથી. કોઈ મોટા વ્યાપાર કરાર શક્ય બનવાના નથી એ પહેલેથી જ લગભગ નિશ્ચિત હતું. ભારત આવતા પહેલાં અને ભારતની મુલાકાત દરમિયાન એક સપ્તાહમાં ત્રણ-ચાર વખત ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે મોદી કડક વિષ્ટિકાર છે. પરસ્પર વેપારની બાબતમાં ભારત અમેરિકા સાથે સારો વ્યવહાર કરતું નથી. ખરેખર આવી ફરિયાદ ભારતે કરવી જોઈએ. કેમ કે ભારત આવતા પહેલાં ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારતને વિકાસશીલ દેશોની યાદીમાંથી બહાર કાઢીને વિકસિત દેશોની યાદીમાં મુકી દીધું. તેનો અસલી ઉદ્દેશ અન્ય દેશો સાથે ભારતને જીએસપી સિસ્ટમમાંથી બાકાત કરવાનો હતો. જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) અંતર્ગત ભારતને તેનાં ઉત્પાદનોની અમેરિકામાં નિકાસ માટે ટેક્સમાં મોટી રાહત મળતી હતી એ હવે બંધ થઈ જતાં ભારતીય ઉદ્યોગોને મોટું નુકસાન થશે. અમેરિકાએ એકાએક આવું પગલું કેમ લીધું એ કોઈ કહેતું નથી, પણ સામે પક્ષે ભારતે પણ અમેરિકાનાં ૨૮ ઉત્પાદનો પર ટેરિફ લાગુ કરી દીધી છે. અમેરિકા દ્વિપક્ષીય વેપારમાં પોતાના હિતોનો વિચાર કરે તેમ ભારત પણ પોતાના હિતોને પ્રાધાન્ય આપે એમાં કોઈ આશ્ચર્ય નથી. ડોનાલ્ડ ટ્રમ્પને જો મોદી બિઝનેસ ડીલમાં ટફ નેગોશિએટર જણાતા હોય તો એ ભારત માટે સારી બાબત છે. કોઈ ભારતીય વડાપ્રધાન માટે ‘કડક વાર્તાકાર’ની આટલી ફરિયાદ આ પહેલાં કોઈના દ્વારા થઈ નથી. હૈદરાબાદ હાઉસની વાતચીતમાં બંને નેતાઓએ મોટી ડીલ માટે ચર્ચા ચાલુ રાખવાની સંમતિ સાધી છે એ જ મોટી વાત છે. આ જે સૂચિત મોટી ડીલની ચર્ચા થઈ રહી છે તે દસ અબજ ડૉલરના વેપાર કરારની છે. એ જ્યારે પણ શક્ય બનશે ત્યારે તેને બંને દેશો વચ્ચે ફ્રી-ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ના પ્રારંભિક પગલાં તરીકે જોવામાં આવશે. આ સૂચિત સમજૂતી અંગે દાવોસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક દરમિયાન બંને દેશોના વ્યાપારી પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચા થઈ હતી.

Related Posts
1 of 142

સવાલ માત્ર એટલો જ છે કે અમેરિકામાં આગામી નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી છે, એ પહેલાં આ વેપાર સમજૂતી શક્ય બનશે કે કેમ? શક્યતા બહુ ઓછી છે એટલા માટે કે ડોનાલ્ડ ટ્રમ્પ સ્વયં આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશમાં વધુ ને વધુ વ્યસ્ત બનતા જશે, પરંતુ અધિકારી કક્ષાએ ચર્ચા આગળ વધે અને સમજૂતીમાં અવરોધક બાબતોના નિરાકરણ શક્ય બને તો ચૂંટણી પહેલાં પણ શક્ય બની શકે. ચૂંટણીના રાજકારણમાં પણ ટ્રમ્પને એ ઉપયોગી બની શકે તેનો ઇનકાર થઈ શકે તેમ નથી.

કોઈ મોટી સમજૂતીની સંભાવના વિના પણ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા એમાં ટ્રમ્પનો ચૂંટણી સ્વાર્થ મોટું કામ કરી ગયો છે. અમેરિકાના ‘હાઉડી  મોદી’ કાર્યક્રમના બીજા ભાગ જેવા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે ડોનાલ્ડ ટ્રમ્પનો અતિ ઉત્સાહ તેની ચાડી ખાતો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી મુદત માટે પ્રમુખપદની ચૂંટણી લડવા અને વિજયી બનવા સંકલ્પબદ્ધ છે. ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં તેમની છેક સુધીની હાજરી ત્યાંના ભારતીય મતદારોને આકર્ષવા અને પ્રભાવિત કરવા માટેની હતી. અમેરિકામાં વસતા ભારતીય મતદારોમાં ગુજરાતીઓનું પ્રમાણ ઘણુ મોટું છે. પ્રમુખપદની ગત ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીયોના પાંચ-છ ટકા મતો મળ્યા હતા. જ્યારે હિલેરી ક્લીન્ટનને સિત્તેર ટકાથી  વધુ ભારતીય મતો મળ્યા હતા. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને પોતાને માટે વટાવીને ભારતીયોની મતબેન્ક કબજે કરવાની વ્યૂહરચના પર ડોનાલ્ડ ટ્રમ્પ ચાલતા હોય એમ જણાય છે. અમેરિકાના ભારતીયો માત્ર મત જ ન આપતાં પ્રમુખપદના ઉમેદવારો માટે ચૂંટણી ફંડ એકત્ર કરી આપવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે ભારતીયોને આકર્ષવામાં બંને પ્રકારના ફાયદા જોવામાં આવે છે.

ટ્રમ્પ ક્યારેય પરિવાર સાથે લાંબી મુસાફરી કરતા નથી, પરંતુ તેઓ ભારત ઉત્સાહપૂર્વક આવ્યા. અમદાવાદના ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં તેમણે મોદીની ભારોભાર પ્રશંસા કરી. એ રીતે અમેરિકામાં વસતા ભારતીયોને પ્રભાવિત કરવાનો તેમનો ઉદ્દેશ પણ સમજી શકાતો હતો. તેમના સ્વાગત માટે સ્ટેડિયમમાં સવા લાખ લોકોને એકત્ર કરવાની મોદીની ક્ષમતાની નોંધ પણ તેમણે દિલ્હીમાં લીધી. મોદીની લોકપ્રિયતાએ તેમને વિસ્મિત કર્યા હોય એ સ્વાભાવિક છે. કોઈ દેશના વડા માટે આવા કાર્યક્રમનું આયોજન કરવા અંગે વડાપ્રધાનની ટીકા પણ થઈ છે. વિપક્ષ અને કેટલાક વિશ્લેષકોએ પણ આ સમગ્ર કવાયતને ડોનાલ્ડ ટ્રમ્પની પ્રચાર ઝુંબેશ ગણાવીને ટીકા પણ કરી છે. આવી ટીકાઓ સાવ અયોગ્ય છે એમ પણ નહીં કહી શકાય. સરકાર તેમાં સામેલ નથી એવું દર્શાવવા માટે છેલ્લી ઘડીએ તાબડતોબ નાગરિક અભિવાદન સમિતિની રચના કરવાનું પગલું લેવાયું. એક દેશ તરીકે ભારત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં કોઈનો તરફદાર બની શકે નહીં. ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના આવા સૂચિતાર્થો સ્પષ્ટ થવા લાગ્યા હતા. નાગરિક અભિવાદન સમિતિની રચના પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યેના ભારતના ઝુકાવને કેટલો આવૃત્ત કરી શકાશે એ સવાલ છે. ગુજરાતને આંગણે મોદીનું પણ એ મોટું શક્તિ પ્રદર્શન હતું અને ડોનાલ્ડ ટ્રમ્પને પ્રભાવિત કરવાનો ઉદ્દેશ પણ સ્પષ્ટ હતો. આ કાર્યક્રમ પાછળ એકસો કરોડ જેટલા ખર્ચનો અંદાજ છે. મોદીએ ગણતરીપૂર્વકનો જુગાર ખેલ્યો છે. તેમાં તત્કાલ કોઈ મોટા હિતો ભલે સિદ્ધ થતા દેખાતા ન હોય, પણ ડિપ્લોમસીની રીતે તેના દુરોગામી વૈશ્વિક પરિણામો અને અસરો અપેક્ષિત છે. ભારતે ડેમોક્રેટ પ્રમુખોનો અનુભવ કર્યો છે. એ બધા પાકિસ્તાનને વધુ પડતા પંપાળતા હતા. રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન તરફના ડૉલરના ઘોડાપૂરને અટકાવી દીધા છે. તેમાં ‘મોદી ઇફેક્ટ’ પણ છે. આ ઇફેક્ટ જળવાઈ રહે એ જરૃરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ગાઢ સંબંધો તેમના પ્રમુખપદની સંભવિત બીજી મુદત દરમિયાન વધુ ઉપયોગી બનવાની સંભાવના રહે છે. વિરોધના ગણગણાટ વચ્ચે મોદીએ મુત્સદ્દીગીરીમાં એક અનોખી જોખમી ચાલ ચાલી છે.
——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »