તમારા માટે, તમારી સાથે, સતત…

કોરોનાનું કોગળિયું

ખેડૂત ખેડૂત કરીને સબસિડીઓ આપ્યા કરી લગભગ ઉદ્યોગકારને ચોર ચીતરીને મૂકી દીધો,

0 98
  • સોશિયલ મીડિયા –  શૈશવ વોરા

કોરોનાનું કોગળિયું હવે ધીમે-ધીમે પણ મક્કમ પગલે એની આડ અસરો દુનિયાને બતાડવા લાગ્યું છે, જેમ ભૂતકાળમાં કોલેરા ઉર્ફે કોગળિયું ભારત દેશને તબાહ કરી નાખતો હતો એમ આજે ચીન દેશનું એ તરફનું પહેલું પગલું ભરાઈ ચૂક્યું છે.!!

નહીં નહીં તો પણ આશરે ત્રીસેક દિવસ થઈ ચૂક્યા છે કોરોનાના કોગળિયાને ફાટી નીકળે, દુનિયાભરમાં દહેશતનો માહોલ છે. ચીન દેશ જતી મોટા ભાગની ઍરલાઈન્સે ઑપરેશન રદ્દ કરી નાખ્યા છે અને એની સીધી અસર એવી છે કે અમદાવાદથી શાંઘાઈ એક કિલો પાર્સલ જે સાઠ રૃપિયે લઈ જતાં (મિનિમમ એક ટનનો લોડ) એ ભાવ આજે ચારસો રૃપિયે ચાલી રહ્યો છે અને મોટા ભાગે માસ્ક જ જઈ રહ્યાં છે. એ પણ સીધા રસ્તે નહીં, વાયા થઈને, બીજું કશું લગભગ જતું નથી.!!

ચીન દેશમાં એક્સપોર્ટ કરતા મિત્રો જોડે વાત થઈ. ત્યાં પહોંચી ગયેલાં કન્ટેનર્સ ડોક યાર્ડમાં પડ્યાં છે, કોઈ છોડાવનાર નથી..!

કેટલાક ઇમ્પોર્ટર મિત્રો જોડે વાત કરી. ચીનાઓ એમની દુકાન લગભગ અડધા શટરે

ખોલીને બેઠા છે, માલ આપવા તૈયાર છે, પેમેન્ટ લેવા પણ તૈયાર છે, પણ ચીન દેશના કસ્ટમ્સ અને જહાજની અવેલિબિલિટી કેટલી એનો કોઈ જ અંદાજ મળતો નથી.!!

શાંઘાઈનું બારું ખૂલ્યું છે, શેનઝેન અને હોન્ગકોન્ગના બારા હજી ખૂલ્યા કે નહીં, એ માટે કોઈ સમાચાર મળતા નથી. એકવાર બારું ખૂલે પછી જહાજ લાંગરે અને માલ ચડે ને મધદરિયે તરતા થાય પછી દુનિયાના શ્વાસ હેઠા બેસે એવી પરિસ્થિતિ છે.!!

કોઈ જ સમાચાર આધિકારિક રીતે આવતા નથી એટલે બધું જો અને તો ઉપર છે, લોકમુખે ચાલતી વાતો સાંભળીને જ અંદાજો લગાડવાનો રહ્યો.!!

એક નાના કારખાનેદાર તરીકે વાત કરું તો કારખાનું જો ભૂલથી કે ઇમરજન્સીમાં પણ અઠવાડિયું પ્લાન કર્યા વિના કારખાનું બંધ રાખવાનું થાય તો એને ફરી ઉપાડતા બીજા બે અઠવાડિયા લાગે અને એમાં પણ સતત પ્રક્રિયા ઉર્ફે ચેઇન રીએક્શનવાળું કારખાનું હોય અને એને આનનફાનનમાં બંધ કર્યું હોય તો ફરી એ કારખાનું ફરી ચાલુ કરવું એટલે નવું જ કારખાનું ચાલુ કરવા જેટલી જહેમત ઉપાડવી પડે.

એટલે જેટલા દિવસ વધારે કારખાનાં બંધ રહેશે એટલી પાછળથી મુસીબત વધવાની..!

હવે જ્યારે ખબર પડી કે ફાર્મામાં બહુ મોટો પ્રોબ્લેમ છે, પણ ફાર્મા એક નહીં, લગભગ બધે જ પ્રોબ્લેમ છે.

આજે જેમના એક્સપોર્ટ યુરોપ છે કે અમેરિકા કે પશ્ચિમમાં છે એમને મહામુશ્કેલીએ કન્ટેનર ઉર્ફે ડબા મળે છે. ચીન દેશથી આપણે મોટા પાયે જે ઇમ્પોર્ટ કરતા હતા અને પછી જે ડબા ખાલી થતાં એ ડબા અહીંથી ભરાઈ ને આગળ જતાં હવે એ બધું અટક્યું એટલે અહીંનાં કારખાનાં પણ માલોથી ભરાવવાના ચાલુ થઈ ગયા છે, એક લેવલથી વધારાની ઇન્વેન્ટરી પણ કેટલી ઊભી કરાય?

એક સમયે અમને માર્કેટિંગમાં એવું શીખવાડતા કે લ્લવૉચ યોર કસ્ટમર્સ કસ્ટમરલ્લ, તમારા ઘરાકના ઘરાકનું ધ્યાન રાખો તો તમારા રૃપિયા ડૂબવાના ચાન્સ ઓછા છે,

આજે એ જ સિનારિયો ને ઊલટો લઈએ કે તમારા સપ્લાયરના સપ્લાયર ઉપર નજર રાખો એ ક્યાંક ચીન દેશથી માલ લાવી અને પ્રોસેસ કરીને તમને નથી ફટકારતો ને?

અને જો એવું છે તો પછી એની ઇન્વેન્ટરી કેટલી?

તમારી અને એની ઇન્વેન્ટરી ઉપર તમારા કારખાનાનું ભવિષ્ય નિર્ભર થઈ જશે..!!

Related Posts
1 of 37

ફરી એકવાર, કોઈ જ આધિકારિક ડેટા અવેલેબલ નથી કે મધદરિયે કેટલાં જહાજો રખડી રહ્યાં છે અને કેટલા માલો કે જે કોરોનાનું  કોગળિયું ફાટી નીકળ્યું એની પહેલાં નીકળ્યા છે અને એ જહાજો પોતાના ઠેકાણે પહોંચી ગયાં પછી કન્ટેનરના બારણા ખૂલ્યા કે નહીં ?

આપણુ મીડિયા અને સોશિયલ મીડિયા દીવાલ અને ઝૂંપડામાંથી ઊંચું નથી આવતું..!

ભાન જ નથી કે ભારત દેશની આ બદલાતી સિઝન છે, રોગચાળો ફેલાશે અને એવામાં દવાઓની શોર્ટેજ આવશે તો શું થશે..?

ખેડૂત ખેડૂત કરીને સબસિડીઓ આપ્યા કરી લગભગ ઉદ્યોગકારને ચોર ચીતરીને મૂકી દીધો, ઉદ્યોગકારની પાછળ ઇન્સ્પેક્ટરોની ફોજો છુટ્ટી મૂકી દીધી. પછી ભાન થયું કે આ તો ખોટું થાય છે અને ત્યારે બજેટના ભાષણમાં પહેલીવાર ઇન્સ્પેક્ટરરાજ શબ્દ આવ્યો અને હવે ઇઝ ઓફ બિઝનેસની વાત આવી, પણ જૂની કાયદાની જંજાળો હજી ઊભી જ છે.

ગમે તેટલા પ્રયત્નો કરો, પણ જ્યાં સુધી ભ્રષ્ટાચાર દૂર નહીં થાય ત્યાં સુધી ગ્રોથ નહીં જ મળે અને એના માટે પહેલા ઉદ્યોગકાર એ ચોર એ માઇન્ડ સેટ દૂર કરવું રહ્યું.

જે સમયે ચીન દેશની સામે ઉદ્યોગોએ રક્ષણ માગ્યા ત્યારે જે-તે વખતની સરકારો પાણીમાં બેસી ગઈ અને હવે સંકટ બારણે ટકોરા મારી રહ્યું છે, નામ નથી લખતો. પ્રોડક્ટ્સની પણ પરિસ્થિતિ એવી છે કે ભારત વીસ હજાર ટન માલ જે વાપરી રહ્યું છે એ માલ ભારતમાં ફક્ત બે હજાર ટન જ બની રહ્યો છે, એવામાં અઢાર હજાર ટન માલ ચીન દેશથી આવતો હતો.. હવે શું કરવાનું..?

અત્યારે એક ઓપોર્ચ્યુનિટી ઊભી થઈ છે ભારત માટે, એવું દુનિયાભરના લોકો કહી રહ્યા છે અને બહારનાં છાપાંઓ વાંચીએ તો એમ લાગે પણ ખરું કે બધી જ પ્રોડક્શન ફેસેલિટી એક જ જગ્યાએ ઊભી કરી અને દુનિયાએ ભૂલ તો નથી કરી ને?

ચીન દેશ એ અત્યારે દુનિયાનું પ્રોડક્શન હાઉસ થઈને ઊભું છે અને દુનિયા આખીનું કારખાનું પહેલા લ્યુનાર વર્ષનું વૅકેશન અને પછી કોરોનાના કોગળિયાનું વૅકેશન..

રજાઓ ઘણી થઈ ગઈ છે હવે દુનિયાનું આ કારખાનું ખૂલવું જોઈએ ઝટ..!!

કઈ વસ્તુ માટે શોર્ટેજ ઊભી થશે એ કળવું મુશ્કેલ છે, પણ ચીન દેશ જોડે જોડે દુનિયાના ઘણા દેશો મુશ્કેલીમાં હવે મુકાઈ જાય એવી હાલત દેખાઈ રહી છે..!!

ગામના રૃપિયે ધંધો કરતા ઉધારિયાઓને માટે વધારે કપરા દિવસો આવશે,

આલ્યો માલ નહિ આપે અને માલ્યો માલ માગશે, એટલે આલિયાની ટોપી માલિયાને પહેરાવનારા સાવધાન.

અને હા, જો આલિયો માલ આપશે તો મોંઘો આપશે અને માલિયો માલ માગશે એ પણ સસ્તો…!!

કોરોનાનું કોગળિયું લાંબું ચાલ્યું તો કૈક ટોપીઓ બજારમાં ઉછળવાની છે..

બેંકો હવે વધુ એનપીએ ભેગી કરવાના મૂડમાં નથી, હપ્તા ચૂક્યા તો જપ્તી પાક્કી.

જોઈએ હવે છેલ્લા ક્વાર્ટરના આંકડા કેવા આવે છે..!

કોઈ જંગલી રિલાયન્સના સિમ કાર્ડ પાછા આપવાનું કહે છે ત્યારે ભૂખડીબારશને ભાન નથી હોતું કે દેશ આખામાં સૌથી વધારે ટેક્સ રિલાયન્સ આપે છે ત્યારે તું મફતનું જે બધું પામે છે ને એ તને મળે છે..!
——————————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »