તમારા માટે, તમારી સાથે, સતત…

રાજકારણનું શુદ્ધીકરણ શક્ય બનશે ખરું?

દિલ્હીની ચૂંટણી પછી કેજરીવાલ બદલાઈ ગયા છે?

0 116
  • રાજકાજ – ચાણક્ય

રાજકારણનું શુદ્ધીકરણ શક્ય બનશે ખરું?
ભારતીય રાજકારણને અપરાધીઓથી મુક્ત કરવાના ચૂંટણી પંચના અત્યાર સુધીના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષોને એવો નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ પક્ષ જ્યારે કોઈ દાગી અથવા જેમની સામે આપરાધિક કેસો નોંધાયેલા હોય એવા વ્યક્તિને ચૂંટણીમાં ઉમેદવાર બનાવે ત્યારે તેમણે અડતાલીસ કલાકમાં જાહેરમાં લોકોને તેના કારણની જાણ કરવી પડશે. આવો નિયમ ચૂંટણી પંચે પણ બનાવ્યો હતો અને રાજકીય પક્ષો ઉમેદવારી પત્ર સાથે જ ઉમેદવારના આપરાધિક રેકર્ડની વિગતો સામેલ કરતા હતા. સાથોસાથ ઉમેદવારી માટેના કારણમાં ‘જીતી શકે તેવા છે માટે-‘ એવું સર્વસામાન્ય કારણ આપી દેવાતું હતું. હવે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જીતી શકે તેવો છે એવું કારણ નહીં ચાલે. રાજકીય પક્ષોએ હવે નક્કર કારણ આપવું પડશે. ઉમેદવારી પત્ર ભરવાના ચોવીસ કલાકમાં પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ રિપોર્ટ પ્રસ્તુત કરવો પડશે અને આમ નહીં કરવાની બાબતને અદાલતની અવમાનના ગણવામાં આવશે. અદાલતની આ સખ્તાઈની સર્વત્ર પ્રશંસા થઈ છે અને તેને આવકાર મળ્યો છે. રાજકીય પક્ષોએ પણ અદાલતના નિર્ણયને આવકાર આપ્યો છે, પરંતુ એ પછી પણ દાગી અને બાહુબલીઓને રાજકારણમાં આવતા કે ચૂંટણી લડતા કેટલા પ્રમાણમાં અટકાવી શકાશે એ પ્રશ્ન તો રહ્યો જ છે.

અદાલતની સખ્તાઈથી થોડું નિયંત્રણ આવશે એવી માન્યતા છે, પરંતુ એ પણ સરવાળે શૂન્ય બની રહે એવી શક્યતા છે. ચૂંટણી વિશ્લેષણ સંસ્થા એડીઆરના સંસ્થાપક જગદીપ છોકરના કહેવા પ્રમાણે ઉમેદવારોના આપરાધિક રેકોર્ડ છેલ્લાં અઢાર વર્ષથી જાહેર કરવામાં આવે છે. ૨૦૧૮માં અદાલતે આદેશ આપ્યો હતો કે ઉમેદવારના આપરાધિક રેકોર્ડનું વિવરણ અખબારો અને વેબસાઈટ પર પક્ષોએ જાહેર કરવું. આ આદેશ પછી પણ થયું શું? ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં આપરાધિક રેકોર્ડ ધરાવતા સાંસદોની સંખ્યામાં વધારો થયો છે અને આ બાબતમાં બધા પક્ષો એક સમાન છે. રાજકીય પંડિતો કહે છે કે રાજકીય પક્ષોએ તો માત્ર આપરાધિક રેકોર્ડ ધરાવતા ઉમેદવારની પસંદગીનું કારણ જ ચૂંટણી પંચને આપવાનું છે. એ સિવાય કશું નહીં. તો કારણ તો આપી શકાશે. રાજકીય પક્ષો બીજા નક્કર કારણો શોધી કાઢશે અને કાનૂની નિષ્ણાતો એ કામમાં તેમને મદદ કરશે. પ્રત્યેક રાષ્ટ્રીય રાજકીય પક્ષ પાસે દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ છે. ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવામાં નિષ્ફળ નિવડનાર ઉમેદવાર કે રાજકીય પક્ષને દંડિત કરવાની સત્તા પણ ચૂંટણી પંચ પાસે નથી અને આવી જોગવાઈના અભાવે ચૂંટણી પંચ ઉમેદવારોને દંડિત કરવા સંમત નથી. આમ સર્વોચ્ચ અદાલતના નિર્ણય પછી પણ રાજકીય પક્ષો પાસે ઘણા દાવપેચ રહે છે અને સૌથી મોટી દલીલ તો એવી છે જ કે નોંધાયેલા કેસોમાં અપરાધી ઠર્યા ન હોય ત્યાં સુધી તે નિર્દોષ જ ગણાય. એટલે માત્ર ઉમેદવાર સામે કેસો કે એફઆઈઆર થયેલા હોય એ પર્યાપ્ત ગણાશે નહીં.

Related Posts
1 of 269

મહત્ત્વની વાત એ છે કે જ્યાં સુધી તમામ રાજકીય પક્ષો આ બાબતમાં ગંભીર બનીને સર્વ સંમતિ સાધે નહીં ત્યાં સુધી રાજકારણમાં શુદ્ધીકરણની આશા રાખવી વ્યર્થ છે. ૨૬ વર્ષ પહેલાં આ વિષયની વિચારણા કરી ભલામણો કરવા માટે એન.એ. વોરા સમિતિએ રિપોર્ટ આપ્યો હતો. એકસો પાનાંના આ રિપોર્ટનાં માત્ર બાર પાનાં જાહેર કરાયાં. સમગ્ર રિપોર્ટ આજ સુધી જાહેર કરાયો નથી. આપણા રાજકીય પક્ષો આ બાબતમાં કેટલા ગંભીર છે તે આ બાબતથી સ્પષ્ટ થઈ જાય છે. રાજકારણને અપરાધીઓથી મુક્ત કરવાનું કામ હજુ બહુ દૂરની વાત જ લાગે છે.
——.

દિલ્હીની ચૂંટણી પછી કેજરીવાલ બદલાઈ ગયા છે?
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક ‘વિકાસ પુરુષ’ બનવા માગે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલનું સમર્થન કરનાર વિરોધ પક્ષોને આઘાત અને આંચકો આપતાં કેજરીવાલે તેમના શપથગ્રહણ સમારોહમાં મોદીના આશીર્વાદની માગણી કરતાં કહ્યું કે તેઓ કેન્દ્રના સહયોગથી દિલ્હીને વિશ્વકક્ષાનું શહેર બનાવવા ઇચ્છે છે. તમામ વિપક્ષો અત્યારે મોદીના વિરોધમાં અને તેમની સાથે તમામ મુદ્દે અસહયોગનું વલણ અપનાવીને બેઠા છે ત્યારે કેજરીવાલનું વલણ સૌને માટે આશ્ચર્યજનક બન્યું છે. કેટલાકને તો એવું લાગ્યું છે કે ચૂંટણી પછી કેજરીવાલ બદલાઈ ગયા છે. ચૂંટણી પૂર્વે લઘુમતી મતોના ધ્રુવીકરણ માટેના ભરપૂર પ્રયાસો બાદ શપથગ્રહણ સમારોહમાં નેતાઓ અને કાર્યકરો કપાળે તિલક-ચાંદલો કરીને આવ્યા એ બીજું આશ્ચર્ય હતું. સમારોહમાં પક્ષની ટોપી ગાયબ જણાઈ એટલે આયોજન વિચારપૂર્વકનું હોય એવી છાપ ઉપસી.

શપથગ્રહણ સમારોહ અને બદલાયેલા કેજરીવાલનું આ જ એકમાત્ર આશ્ચર્ય નથી. કેજરીવાલને ચૂંટણીમાં સમર્થન માટેના વિવિધ વિપક્ષો અને પ્રાદેશિક નેતાઓનાં નિવેદનો કરાવનાર પ્રશાંત કિશોર કેજરીવાલના શપથવિધિ સમારોહને ભવ્ય બનાવવા અને તેમાં એ બધાને આમંત્રિત કરીને કેજરીવાલની રાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા વધારવા અને તેમને વિપક્ષી એકતાના ચહેરા તરીકે આગળ કરવાની યોજના હતી, પરંતુ કેજરીવાલે માત્ર સમારોહને જાહેર સ્થળે યોજી ભવ્ય બનાવવાનો વિચાર અપનાવ્યો. વિપક્ષી નેતાઓના કોઈ ચહેરા દેખાયા નહીં એટલે આમંત્રિત કર્યા હશે કે કેમ એ સવાલ છે અથવા વડાપ્રધાનને પણ આમંત્રિત કરવાને કારણે બીજા બધાએ નારાજી વ્યક્ત કરવા સમારોહથી દૂર રહેવાનું પસંદ કર્યું હશે. મુદ્દે વાત એટલી છે કે મોદી સામે વિપક્ષોના સક્ષમ વૈકલ્પિક ચહેરા તરીકે કેજરીવાલને પ્રસ્તુત કરવાની પ્રશાંત કિશોરની યોજના પણ કેજરીવાલે કમ સે કમ હાલ પૂરતી સ્વીકારી હોય એવું જણાતું નથી. મોદી વિરોધી મમતા બેનરજીએ કેજરીવાલ પાસેથી ઘણુ શીખવાનું છે એ નક્કી!
——.

કોંગ્રેસના ક્રીમી લેયર નેતાઓની રાજ્યસભામાં પહોંચવાની ખ્વાહિશ
કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે તેના નેતાઓમાં એક ક્રીમી લેયર છે જે કોઈ પણ ભોગે ‘સત્તા’માં ટકી રહેવા ઇચ્છે છે. તેમને કારણે જ પક્ષમાં સેકન્ડ લાઈન એટલે કે બીજી હરોળની નેતાગીરી તૈયાર થઈ શકી નથી. આમ તો પક્ષના મોટા ભાગના ટોચના નેતાઓ ચૂંટણી લડતા નથી. જુદાં-જુદાં રાજ્યોમાંથી રાજ્યસભામાં દાખલ થઈ જાય છે. જે ચૂંટણી લડે છે એ પણ છેલ્લી બે ચૂંટણીથી હારી જાય છે અને સંસદથી અલિપ્તતા તેમને બેચેન કરતી રહે છે. હવે આ વર્ષે રાજ્યસભાની ચૂંટણીઓ છે. જુદાં-જુદાં રાજ્યોની ૭૩ બેઠકોની ચૂંટણી થશે, તેમાં જે રાજ્યોમાં કોંગ્રેસની સત્તામાં વાપસી થઈ છે એ રાજ્યો પણ સામેલ છે. આવા રાજ્યોમાંથી રાજ્યસભામાં જવાની અનુકૂળતા વધી છે. તો દાવેદારો પણ વધ્યા છે. જે લોકો પહેલેથી જ રાજ્યસભામાં છે તેઓ પોતાની બેઠક બચાવવાના પ્રયાસમાં તો છે જ, પરંતુ જે લોકો સતત પરાજયને કારણે સંસદમાં પહોંચતા નથી તેમને માટે આ ચૂંટણીઓ નવી આશા સમાન છે. પી.એલ. પુનિયા ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. લોકસભાની બે ચૂંટણી હારી ગયા છે. હવે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભામાં પહોંચવાની કોઈ શક્યતા નથી. એ કારણે તેઓ છત્તીસગઢમાંથી રાજ્યસભામાં જવા ઇચ્છે છે. આરપીએન સિંહ ઝારખંડના પ્રભારી છે. તેઓ પણ લોકસભાની ચૂંટણી હારી ગયા છે. તેમના ભરપૂર પ્રયાસ એવા છે કે પાર્ટી તેમને ઝારખંડમાંથી રાજ્યસભામાં મોકલે કેમ કે ત્યાં પક્ષ પાસે પૂરતું સંખ્યાબળ છે. રણદીપ સુરજેવાલા હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે, પરંતુ રાજ્યસભામાં જવાની ઝંખના ધરાવે છે. પ્રમોદ તિવારી પણ રાજ્યસભામાં પહોંચવા ઇચ્છે છે. દિગ્વિજય સિંહ અને મોતીલાલ વોરા જેવા વરિષ્ઠ નેતાઓ સમક્ષ પોતાની બેઠક બચાવવાનું સંકટ છે.
———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »