કન્ટેન્ટથી ફિલ્મ ચાલે છે, રિલેશનશિપથી નહીંઃ કાર્તિક
છેલ્લા થોડા સમયથી બોલિવૂડમાં લવ સ્ટોરી પર ઓછી ફિલ્મો બની રહી છે.
- મૂવીટીવી – હેતલ રાવ
લવ બડ્ર્સને ધ્યાનમાં રાખીને બનાવેલી ફિલ્મ લવ આજકલ વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ, પરંતુ અફસોસ કે ફિલ્મે ઝાઝું કાઠું કાઢ્યું નહીં. ઓલ્ડ લવ આજકલને નવા રૃપમાં પ્રસ્તુત કરવામાં નિર્દેશક ઇમ્તિયાઝ અલી ફેલ થયા છે. જોકે આપણે વાત કરીશું ફિલ્મના અભિનેતા કાર્તિક આર્યનની.
કાર્તિક આર્યનના સ્ટાર આજકાલ આભ આંબી રહ્યા છે. એક પછી એક તેની ફિલ્મને સફળતા મળી રહી છે. તો બીજી બાજુ અભિનેત્રીઓ સાથેના અફેરની ચર્ચામાં પણ કાર્તિક નંબર વન બની ગયો છે. પહેલા અનન્યા પાંડે અને હવે સારા અલી ખાન, સાથેના લિંકઅપ્સની ચર્ચાએ લવ આજ કલને રજૂઆત પહેલાં જ સફળ બનાવી હતી. એ વાત જુદી છે કે ફિલ્મની રજૂઆતે સારા-કાર્તિકના ચાહકોને નિરાશ કર્યા છે. ખેર જવા દો એ વાત. બૅક ટુ બૅક સફળ ફિલ્મ આપ્યા પછી લવ આજકલના સ્વાદની મજા વિશે વાત કરતા આર્યન કહે છે કે, ‘હું ઇચ્છુ છંુ કે આ સમય ક્યારેય પૂર્ણ ના થાય. તમારી ફિલ્મ સફળ થાય તેનો આનંદ જુદો જ હોય છે. લવ આજકલ ફિલ્મ મારી માટે ખાસ હતી. જેમાં જુદા પાત્ર નિભાવવાની તક મળી. ઇમ્તિયાઝ અલી જેવા સફળ નિર્દેશકના સાથે એક અલગ ઝોનમાં કામ કરવાનું મારી લાગણી સભર બની રહ્યું. વીર અને રઘુ જેવા પાત્રોને મેં ક્યારેય પ્લે નથી કર્યા. ફિલ્મમાં મારી પ્રતિભાને રજૂ કરવાનો મોકો મળ્યો. જોકે અભિનયને ઉમદા રીતે રજૂ કરવો મારી માટે પડકાર જરૃર હતો. હું લવ સ્ટોરીને જોઈને મોટો થયો છું અને છેલ્લા થોડા સમયથી બોલિવૂડમાં લવ સ્ટોરી પર ઓછી ફિલ્મો બની રહી છે. તેવા સમયે આ ફિલ્મ કરવી મારી માટે ઇન્ટરેસ્ટિન્ગ હતી.
ઓલ્ડ સ્કૂલ લવની મિસ્ટ્રીને યાદગાર માનતો કાર્તિક પોતાના જૂના પ્રેમને વાગોળે છે અને માને છે કે એ સમયના પ્રેમમાં ઘણુ ઊંડાણ હોય છે. ટીનએજ સમય હોય છે. છતાં પણ જુદી જ લાગણી હોય છે. આઈ લવ યુ કહેવામાં પણ ઘણો સમય નીકળી જાય છે અને સામેથી શું જવાબ આવશે તેની રાહમાં રાતોની રાત વીતી જાય છે. તે પ્રેમને રિલેટ કરી શકું છું, કારણ કે એ અનુભવમાંથી હું પસાર થયો છું. મારું દિલ પણ બ્રેક થયું હતું અને એમ પણ કહી શકું કે તે સમયના કારણે જ પરિપક્વ બની શક્યો. આજના પ્રેમમાં તમે સહેલાઈથી સામેની વ્યક્તિ માટે સ્પષ્ટ બની જાવ છો. અનન્યા અને સારા બંને સાથે અફેરની અને લિંકઅપ્સની ચર્ચાને ટાળતા કાર્તિક વ્યક્તિગત રીતે આ વિષય પર વાત કરવા નથી ઇચ્છતો છતાં તેને લાગે છે કે તેના રિએક્શન પરથી જ સ્ટોરી બની જાય છે. દરેક વ્યક્તિની પર્સનલ લાઇફ હોય છે. હું કોઈને મળું અથવા કોઈ મને મળે તે વાત કોઈનેે જણાવવી જરૃરી નથી. હું સમજું છું કે લોકોને તમારી પ્રોફેશનલ લાઇફની સાથે પર્સનલ લાઇફ વિશે જાણવાની ઉત્સુક્તા હોય છે, પરંતુ આવી વાતો પર હું કોઈ પણ પ્રકારની કોમેન્ટ નથી કરતો. તમે જ્યારે પર્સનલી વાત કરો તો તેમાં ંં પરિવાર પણ જોડાઈ જાય છે. કદાચ આ જ કારણથી મેં આજ સુધી કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી અને આ વિશે આપીશ પણ નહીં.’
સારા અને કાર્તિકના લિંકઅપ્સની ચર્ચાના કારણે જ લવ આજકલ રિલીઝ પહેલાં સફળ નિવડી તેવી વાતો વહેતી થઈ હતી, પરંતુ હકીકતમાં આ વિશે કાર્તિકનું માનવું છે કે જો રિલેશનશિપ સ્ટેટસથી ફિલ્મોને સફળતા મળતી હોત તો આ પહેલાં તેની એક પણ ફિલ્મે સફળતાનો સ્વાદ ચાખ્યો ના હોત. સોનુ કે ટીટૂ કી સ્વીટીએ તો ૧૦૦ કરોડના ક્લબમાં પણ એન્ટ્રી લીધી હતી. કન્ટેન્ટ પર ફિલ્મ ચાલે છે, સંબંધ પર નહીં. કાર્તિકનો સ્કૂલ બોયનો લુક બધાને પસંદ આવી રહ્યો છે. જ્યારે ફિલ્મનો ડાયલોગ આના હો તો પુરી તરહા આના, વરના મત આનાને ચાહકો અને ખાસ કરીને યંગસ્ટર્સ પસંદ કરી રહ્યા છે.
જ્યારે દેશમાં ચાલતી ઘટનાઓ પર પ્રતિક્રિયા આપવાની નીડરતા પણ તેનામાં જોવા મળે છે. એનઆરસી અને કેબ જેવા મુદ્દાને લઈને પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબમાં કાર્તિક માત્ર એટલું જ કહે છે કે, જે ખોટું છે તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ. તમારી આજુબાજુ ખોટું ચાલી રહ્યું હોય તો તેને સહન કરવાની કોઈ જરૃર નથી.
—————————-