તમારા માટે, તમારી સાથે, સતત…

સ્મરણાંજલિઃ માતૃભક્તિ, તેમના જીવનનો એક મહત્ત્વનો અંશ-હિસ્સો રહી

ભૂપતભાઈનો શ્રદ્ધાદીપ તો હતો 'બાના આશીર્વાદ!'

0 171

સ્મરણાંજલિ – શ્રદ્ધાનું તીર્થ

૧૯ ફેબ્રુઆરી સમભાવ મીડિયા ગ્રૂપના સંસ્થાપક દિવંગત ભૂપત વડોદરિયાના જન્મદિન નિમિત્તે તેમના જ પરમ મિત્ર અને સહયોગી રહેલા આર્ટિસ્ટ અને લેખક દિવંગત રજની વ્યાસ દ્વારા આલેખાયેલ સ્મરણયાત્રા.

પત્રકાર જગતમાં ભૂપતભાઈ જેવી બહુશ્રુત વ્યક્તિઓ ખૂબ ઓછી છે. જે આદરભર્યું સ્થાન એમનું પત્રકારજગતમાં રહ્યું તેવું જ આદરભર્યું સ્થાન તેમનું સાહિત્યજગતમાં રહ્યું. સાહિત્યના અનેક પ્રકારો તેમણે ખેડ્યા છે. તેમનાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે.

વાતો કરવાની પણ એક કળા છે. ભૂપતભાઈ સરસ વાતો કરે. જ્યારે તેઓ અન્ય વર્તમાનપત્રોમાં કામ કરતા હતા ત્યારે તેના માલિક-તંત્રીઓને ભૂપતભાઈની વાતો સાંભળતા પ્રત્યક્ષ જોયા છે. જે એકચિત્તે–મુગ્ધભાવે તેઓ ભૂપતભાઈની વાતો સાંભળતા તે જોઈને આનંદ અને રમૂજ થતી હતી. ‘સમભાવ’ શરૃ થયા પછી એમની ચેમ્બરમાં લેખકમિત્રોનો ઘણીવાર મેળો જામતો ત્યારે એ બરાબર ખીલતા. મોહમ્મદ માંકડ, ચંદ્રકાન્ત બક્ષી, પ્રિયકાન્ત પરીખ વગેરે અનેક મિત્રો વચ્ચે એ કેન્દ્ર બની જતા. ક્યારેક દોસ્તોયેવ્સ્કી ટૉલ્સ્ટૉય અને બાલ્ઝાક જેવા સાહિત્યસ્વામીઓના સર્જનની વાતો કરતા, તો ક્યારેક રાજકારણની ચર્ચાઓ પણ કરતા. એમની વાતોની વિશિષ્ટતા એ કે વાત ગમે તેવી ગંભીર હોય, પણ બધી વાતોમાં એમની રમૂજી વૃત્તિ ડોકાયા જ કરે. એમના દરબારમાં સદા હાસ્યની છોળો ઊડતી જ હોય! અને એ હાસ્યછોળોમાં ક્યારેક ધારદાર-મર્મવેધી કટાક્ષ પણ ડોકાઈ જાય.

Related Posts
1 of 319

વિશ્વસાહિત્યનો એમનો ઊંડો અભ્યાસ. અભ્યાસ કરતાંય તેમાં એમનો ઊંડો પ્રેમ. તેમાંય જીવનચરિત્રો, નિબંધો અને નવલકથાના ખાસ ચાહક. અંગત લાઇબ્રેરી ઘણી સમૃદ્ધ. મોંઘાં પુસ્તકો ખરીદવા અને વાંચવા એ તેમનું વળગણ! કોઈકને વાંચવા હોય તો વાંચવા આપે, ભેટ આપે-એવું ઔદાર્ય. કોઈક પરદેશ જતું-આવતું હોય તો પુસ્તકો જ મંગાવે. સ્મરણશક્તિ પણ તીવ્ર. વાત કરતાં કરતાં, પ્રવચન આપવાના પ્રસંગે સહજ રીતે બધું યાદ આવી જાય. શ્રોતાને રસતરબોળ કરી દે તેવી શૈલીમાં પ્રવચન કરતા સાંભળવા તે પણ એક લહાવો હતો.

ભૂપતભાઈને સૌ ઓળખે તેમની ‘ઘરે બાહિરે’ કોલમથી અને વધારામાં પંચામૃત કોલમથી પણ. કોઈ દેખાડા વિનાની તેમની માતૃભક્તિ, તેમના જીવનનો એક મહત્ત્વનો અંશ-હિસ્સો રહી. દૈનિકપત્ર શરૃ કરવું અને તેને ચલાવવું એ કેટલું કપરું છે તે ચલાવનાર અને ન ચલાવનાર પણ જાણે. વ્યવહારકુશળો તેને ‘દુઃસાહસ’ જ કહે – જે સામાન્ય મૂડી ધરાવનારા માટે સંપૂર્ણ સત્ય છે. તો પછી ભૂપતભાઈ જેવા ડાહ્યા માણસે, ‘ઘરે બાહિરે’માં લોકોને અનેક શિખામણ અને સલાહ આપનારા માણસે-આવું આંધળુંકિયું પગલું કેમ ભર્યું ?

ભૂપતભાઈનો જીવ સર્જકનો અને સાથે પત્રકારનો પણ એટલો જ. કોઈ પણ પત્રકારનું છેલ્લું સ્વપ્ન પોતાનું વર્તમાનપત્ર કાઢવાનું તો હોય જ. ‘સમભાવ’ પ્રગટ કરવાનાં મૂળ હું જાણતો નથી, પરંતુ ભૂપતભાઈએ મને કહેલી એક વાત જાણું છું – ‘સમભાવ’ શરૃ કરવાની વાત કરી તેમણે બાના આશીર્વાદ માંગેલા. બાએ ઠરેલી આંતરડી સાથે દીકરાને આશીર્વાદ આપેલા. ‘બેટા, તારું છાપું ચાલશે જ – ચિંતા ન કરતો.’ ભૂપતભાઈએ આ શબ્દો ઈશ્વરી શબ્દોની જેમ અંતરમાં સમાવેલા.

કપરા સંજોગોમાં ભૂપતભાઈનો શ્રદ્ધાદીપ તો હતો ‘બાના આશીર્વાદ!’ પહાડ જેવી મુશ્કેલીઓ વચ્ચે છાપું ચલાવવાનું બળ, અમોઘ શક્તિ-એ ભૂપતભાઈ માટે માત્ર બાના આશીર્વાદ જ હતા. તેમાં – સામાન્ય વ્યવહારુ માનવીને ન સમજાય એવી તેમની શ્રદ્ધા હતી. ઈશ્વરે એમની એ શ્રદ્ધાને ટકાવી રાખી. સહૃદયતા અને કરુણા જેવા સદ્ગુણોને અકબંધ રાખ્યા. એમના સ્નેહીઓ, સ્વજનો અને કુટુંબીજનો માટે આ મૂલ્યો શ્રદ્ધાનું તીર્થ બની રહેશે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »