તમારા માટે, તમારી સાથે, સતત…

ચૂંટણી અને દિવ્યાંગ મતદારોને જોડતી કડી બનતું અંધજન મંડળ

દિવ્યાંગ મતદારોની સમસ્યાઓ અને સમાધાન

0 61
  • ઈનોવેશન – નરેશ મકવાણા

વિકલાંગો, અંધજનો માટે દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કરીને આપણે જાતને ક્ષણિક સહાનુભૂતિ ભલે પુરી પાડીએ, પરંતુ તેનાથી આપણા રોજબરોજના જીવનમાં તેમના અસ્તિત્વના સ્વીકાર બાબતની માનસિકતામાં ભાગ્યે જ ફરક પડે છે. આ પરિસ્થિતિ દરેક મોરચે હોય ત્યાં ચૂંટણી જેવા પંચવર્ષીય પ્રસંગે અંધજનો, વિકલાંગોને કોણ યાદ કરે? પણ અમદાવાદના અંધજન મંડળે ચૂંટણીમાં દિવ્યાંગો માટે ઉમદા કામ કરીને રાષ્ટ્રપતિના હસ્તે ઍવૉર્ડ મેળવ્યો છે. શું છે આખો મામલો ચાલો જાણીએ.

કેટલીક કડવી વાસ્તવિકતા સાથે આખા મામલાની શરૃઆત કરીએ જેથી આપણે અહીં જેની ચર્ચા કરવાના છીએ તે મુદ્દો કેટલો અગત્યનો છે તે સમજાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ દુનિયામાં અંદાજિત ૩.૯ કરોડ દ્રષ્ટિહીન લોકો પૈકી સૌથી વધુ ભારતમાં છે. આપણે ત્યાં તેમની સંખ્યા લગભગ ૧.૫ કરોડ થવા જાય છે. સામાન્ય રીતે જાહેર ચર્ચામાં આપણે એ વાતે પોરસાતા હોઈએ છીએ કે ભારત એક લોકશાહી દેશ છે જ્યાં સરકાર રચવામાં છેવાડાનો માણસ પણ મતદાન થકી પોતાનું યોગદાન આપે છે, પણ ખરેખર તેમાં કેટલું તથ્ય રહેલું છે તેની જો તપાસ કરવામાં આવે તો તે આ દાવાઓ પોકળ સાબિત થાય તેમ છે. કેમ કે આજેય આપણે ત્યાં ચૂંટણીઓમાં દિવ્યાંગોનું એક મતદાર તરીકે અસ્તિત્વ શોધવું પડે તેવી સ્થિતિ છે.

માત્ર મતદાન જ શું કામ? એવી બીજી પણ અનેક બાબતો છે જેમાં આ વર્ગની સતત અવગણના થતી આવી છે. તમે પોતે જ વિચારો, આપણા જાહેર માર્ગો, જાહેર સ્થળો કે જાહેર પરિવહન સેવાઓ પૈકી કેટલામાં દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થા હોય છે? કેટલી શાળાઓ, કૉલેજો કે યુનિવર્સિટીઓમાં તેમના માટે અલગ સગવડો ઊભી કરાયેલી હોય છે? મલ્ટિપ્લેક્સ, થિયેટર, મૉલ, માર્કેટ સહિત એકેય સ્થળ એવું નથી હોતું જ્યાં આ વર્ગ માટે જરૃરી તમામ સવલતો ઉપલબ્ધ હોય. હવે સવાલ એ થાય કે, રોજબરોજના જીવનમાં જ તેમની આ હદે અવગણના થતી હોય તો ચૂંટણી જેવા પાંચ વર્ષે એકવાર આવતા પ્રસંગે તેમને કોણ યાદ કરે? મર્યાદિત તેમની મતસંખ્યાને કારણે તકસાધુ નેતાઓ પણ તેમને ગણકારતા નથી. કદાચ તેઓ પણ એમ માનીને ચાલી રહ્યા છે કે દિવ્યાંગો તેમને મત આપે, કે ન આપે, તેમની હારજીતમાં કોઈ ફરક પડતો નથી. આ જ માનસિકતા સામાન્ય લોકો અને સરકારી અધિકારીઓમાં પણ પ્રવર્તતી હોઈ ચૂંટણી જેવા લોકશાહીના પર્વમાં પણ દિવ્યાંગોએ અવગણનાનો સામનો કરવો પડે છે. જો કોઈ ઉત્સાહી દિવ્યાંગ મત આપવા પહોંચી પણ જાય, તો ત્યાં પડતી અગવડતાઓ તેને ફરી મત આપવા જતાં રોકે તેટલી આકરી હોય છે. કરુણતા એ છે કે કોઈ રડ્યોખડ્યો અંધજન મતદાન કરવા પહોંચી જાય તો મીડિયામાં તે ‘તંદુરસ્ત લોકશાહીની નિશાની’ તરીકે  પ્રથમ પાનાના સમાચાર બની જાય છે, પણ ધરાતલના સત્ય તરફ આપણુ ધ્યાન જતું જ નથી. આટલી કડવી વાસ્તવિકતા વચ્ચે રાજી થવા જેવી એક ઘટના હાલમાં જ બની છે જેની અહીં વાત માંડી છે.

દિવ્યાંગ મતદારોની સમસ્યાઓ અને સમાધાન
કેન્દ્રીય ચૂંટણી પંચે ગત વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી દરમિયાન અલગ-અલગ પ્રકારની વિકલાંગતા ધરાવતાં લોકોને મત આપવા જવામાં કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેને લઈને એક સર્વે હાથ ધર્યો હતો. જેની પાછળનો હેતુ મહત્તમ દિવ્યાંગો ચૂંટણી દરમિયાન મત આપી શકે તે માટે તેમને પડતી સમસ્યાઓને સમજીને તેનું કેવી રીતે નિવારણ લાવી શકાય તે તરફનો હતો. સર્વેમાં એવી અનેક સમસ્યાઓ સામે આવી જે દિવ્યાંગોને મતદાન મથક સુધી પહોંચવામાં આડે આવતી હતી. જેમ કે ઉમેદવારો, તેમનો પક્ષ, સામાજિક છબિ વગેરે જાણકારીનો અભાવ, બેલેટ પેપર તેમની શારીરિક મર્યાદાઓને અનુકૂળ ન હોવું, મતદાન મથક સુધી જવા-આવવામાં અગવડ પડવી, ત્યાં પહોંચ્યા પછી શારીરિક મર્યાદા છતાં લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે, સરકારી સ્ટાફનું લાગણીહીન વર્તન, ઈવીએમમાં મતદાન માટે લેવી પડતી અન્યોની મદદ વગેરે.

Related Posts
1 of 301

આ તમામ બાબતો ધ્યાને આવ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચે દિવ્યાંગોને મતદાનમાં મદદરૃપ થઈ શકાય તે માટે જરૃરી સાધનસામગ્રી તૈયાર કરવાની જવાબદારી અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અંધજન મંડળને સોંપી હતી. જેણે બહુ ટૂંકા ગાળામાં દિવ્યાંગોને મતદાનમાં પડતી અગવડોને ઓળખી કાઢીને એક આખી સિસ્ટમ ઊભી કરીને તમામ ૨૬ બેઠકો પર લાગુ કરી આપી હતી. મંડળની એ પદ્ધતિસરની કામગીરીને કારણે ગુજરાતમાં પહેલીવાર ૩૦ હજાર જેટલા દિવ્યાંગ મતદારો લોકસભા ચૂંટણીમાં મત આપી શક્યા હતા. અંધજન મંડળની આ ઉમદા કામીગીરીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી પંચે ‘રાષ્ટ્રીય મતદાર દિવસ’ના રોજ યોજાતા તેના વાર્ષિક કાર્યક્રમમાં તેનું ઍવૉર્ડ આપીને સન્માન કર્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદ અને કેન્દ્રીય ચૂંટણી કમિશનર ડૉ. સુનિલ અરોરાના હસ્તે અંધજન મંડળના કાર્યકારી સચિવ ડૉ. ભૂષણ પુનાણીએ ઍવૉર્ડ સ્વીકાર્યો હતો.

ચૂંટણી પંચનો લક્ષ્યાંક, અંધજન મંડળની મહેનત
ઉલ્લેખનીય છે કે ૨૫ જાન્યુઆરીનો કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ છે. વર્ષ ૧૯૫૦માં એ દિવસે તેની સ્થાપના થઈ હતી. વર્ષ ૨૦૧૧માં પહેલીવાર ૨૫ જાન્યુઆરીના રોજ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા ‘નેશનલ વૉટર ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી હવે દર વર્ષે આ દિવસ એ જ નામથી ઊજવાય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થાય છે જેમાં ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ, અનેક સામાજિક સંસ્થાઓ ઉપરાંત વિવિધ દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે છે. ગત વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ, મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન, કઝાકિસ્તાન, માલદીવ, રશિયા અને શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે ચૂંટણી પંચ દ્વારા મતદાન અંગે લોકજાગૃતિ માટે એક ચોક્કસ થીમ કે વિષય નક્કી કરવામાં આવતો હોય છે. જેમ કે ૨૦૧૯ની ચૂંટણીની થીમ હતી ‘નો વૉટર ટુ બી લેફ્ટ બિહાઇન્ડ’ અર્થાત એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જવો જોઈએ. ૨૦૧૮ના વર્ષની થીમ હતી, ‘એક્સેસિબલ ઇલેક્શન’ એટલે કે ચૂંટણી પ્રક્રિયાને મતદારો માટે હજુ વધુ સુલભ બનાવવી. તો આ વર્ષની થીમ હતી ‘ઇલેક્ટ્રોરલ લિટરેસી ફોર અ સ્ટ્રોન્ગ ડૅમોક્રેસી’ એટલે કે મજબૂત લોકતંત્ર માટે મતદારોમાં ચૂંટણીલક્ષી સાક્ષરતા વધારવી. અંધજન મંડળે અગાઉના બે વર્ષની થીમ અનુક્રમે સુલભ ચૂંટણી પ્રક્રિયા અને એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તેને નજર સામે રાખીને કામ કર્યું હતું. જેને કારણે પહેલીવાર ગુજરાતમાં ત્રણ લાખ પૈકી ૩૦ હજારથી વધુ દિવ્યાંગ મતદારો મતદાન કરી શક્યા હતા.

અંધજન મંડળના કાર્યકારી સચિવ ડૉ. ભૂષણ પુનાણી કેવી રીતે આ કામગીરી સંસ્થા પાસે આવી તેની વાત કરતાં કહે છે, ‘અમે દિવ્યાંગોનું જીવન કેવી રીતે વધારે સરળ બનાવી શકાય તે માટે વર્ષોથી કામ કરતા આવ્યા છીએ. એ અનુભવના આધારે કેન્દ્રીય ચૂંટણી પંચની ડ્રાફ્ટિંગ કમિટીમાં પણ મંડળનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હતી અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કેન્દ્રીય મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા પણ માનતા હતા કે કોઈ પણ મતદાર તેની શારીરિક મર્યાદાને કારણે મતદાનથી વંચિત ન રહી જવો જોઈએ. આથી અમારા અનુભવને આધારે તેમણે દિવ્યાંગોની વિવિધ શારીરિક વિકલાંગતાને ઓળખવી, તેમની સમસ્યાઓને જાણવી અને કેવી રીતે તેનો ઉકેલ લાવવો તેનું કામ અમને સોંપ્યું. અમે વર્ષોથી દિવ્યાંગો સાથે કામ કરતા હોઈ મતદાન દરમિયાન તેમને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે તે નજીકથી જોયું હતું. અમે જાણતા હતા કે પ્રત્યાયનમાં સૌથી વધારે સમસ્યા બહેરા અને અંધ મતદારોને પડતી હોય છે. આથી અમે તેમના પર ફોકસ કર્યું. જેમાં બહેરાશ ધરાવતાં મતદારો માટે ઇશારાની ભાષામાં મતદાનની આખી પ્રક્રિયા દર્શાવતો વીડિયો બનાવ્યો. જ્યારે અંધજનો માટે બ્રેઈલ લિપિમાં મતદાનની જાણકારી આપતી પત્રિકાઓ તૈયાર કરી. અહીં એક સમસ્યા એ સામે આવી કે બધાં અંધજનો બ્રેઈલ જાણતાં નહોતાં. એટલે અમે તેમના માટે એક ઓડિયો ફોર્મેટ તૈયાર કર્યું. જે ચૂંટણી પંચની મોબાઇલ ઍપ્લિકેશન પર નોંધાયેલા તમામ અંધ મતદારોના મોબાઇલ નંબર મેળવીને તેમના સુધી પહોંચાડ્યું. આ પ્રયોગ વધારે અસરકારક સાબિત થયો અને અંધજનો સિવાયના લોકોએ પણ તેનો મોટી સંખ્યામાં ઉપયોગ કર્યો. આગળ જતાં બૅલેટ પેપર અને ઇવીએમ અંગેની જાણકારી પણ ઑડિયો ફોર્મેટમાં તૈયાર કરી. છેલ્લે આ બધી જ બાબતોની જાણકારી આપતો વર્કશોપ રાજ્ય ચૂંટણી પંચે યોજ્યો. જેમાં ચૂંટણી સાથે જોડાયેલા તમામ અધિકારીઓએ હાજરી આપી હતી. ત્યાં તેમને દિવ્યાંગ મતદારો સાથે કેવી રીતે વર્તવુંથી લઈને અમે તૈયાર કરેલાં સાધનો થકી કેવી રીતે તેમને મદદ કરી શકાય તેની તાલીમ અપાઈ. આ તમામ પ્રયત્નોનું ફળ ત્યારે મળ્યું જ્યારે ૩૦ હજાર જેટલા દિવ્યાંગોએ મતદાન કર્યું.’

અંધજન મંડળના કો-ઓર્ડિનેટર દિનેશભાઈ બહલ કહે છે, ‘અંધજન મંડળ વર્ષોથી દિવ્યાંગો સાથે જોડાયેલું હોઈ તેનો અનુભવ ચૂંટણી પંચે ઉપયોગમાં લીધો તે અમારા માટે ગૌરવની વાત છે. અહીં તાલીમ પામેલા શિક્ષકો પૈકી ઘણા દિવ્યાંગો છે, જે પોતાની શારીરિક મર્યાદાઓને ઓળંગી જઈને સરસ કામ કરી રહ્યા છે. આવા કેટલાંય દિવ્યાંગોએ આ પ્રોજેક્ટમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. ચૂંટણી પંચની સૂચના મુજબ અમે બ્રેઇલ અને ઓડિયો બૅલેટ પેપર તૈયાર કર્યાં હતાં. જેવી ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર થઈ કે તરત ચૂંટણી પંચે અમને તે મોકલી આપી હતી. અમે બે જ દિવસમાં તમામ ૨૬ લોકસભા બેઠકોના ઉમેદવારોની જાણકારી આપતાં બૅલેટ પેપર તૈયાર કરીને દિવ્યાંગ મતદારો સુધી પહોંચતાં કરી દીધા હતા. દરેક બેઠકના મતદાન કેન્દ્રોની સામગ્રી જ્યાંથી વહેંચવામાં આવતી તે સેન્ટર પર સમયસર બધું પહોંચાડી દીધું જેના કારણે કોઈ સમસ્યા ઊભી ન થઈ. હાલ અમને જે ઍવૉર્ડ મળ્યો છે તે આગામી ચૂંટણીઓમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા પુરી પાડશે.’

તમને એ જાણીને નવાઈ લાગશે કે આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન કરનાર વ્યક્તિ પોતે અંધ છે! તેમનું નામ રણછોડભાઈ સોની. વર્ષોથી તેઓ અંધજન મંડળમાં ટૅક્નિકલ વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ભલભલો સ્વસ્થ માણસ પણ તેમને કામ કરતા જોઈને લઘુતાગ્રંથિ અનુભવવા માંડે એવું તેમનું વ્યક્તિત્વ છે. કેવી રીતે આ કાર્ય પાર પડ્યું તેની વાત કરતા રણછોડભાઈ સોની કહે છે, ‘સૌ પ્રથમ તો દિવ્યાંગોની જરૃરિયાતોને લઈને અમદાવાદ કલેક્ટર સાથે અમે મીટિંગ કરી હતી. એ પછી મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવવાનું નક્કી કર્યું. જેમાં દરેક જિલ્લામાં દિવ્યાંગ બ્રાન્ડ એમ્બેસેડર નીમીને ઝુંબેશ ચલાવી. સરકારે એક મોબાઇલ ઍપ્લિકેશન તૈયાર કરી હતી જેમાં કોઈ મતદાર પોતાને દિવ્યાંગ તરીકે રજિસ્ટર કરાવે એટલે મતદાન મથક પર તેની તમામ જરૃરિયાતોનું ધ્યાન રખાય તેવું નક્કી થયેલું તે પણ કામમાં આવી. ‘મત મારો અધિકાર છે’ એ પ્રકારનું એક ગીત જાણીતા લોકોના અવાજમાં રેકોર્ડિંગ કરીને વૉટ્સએપ ગ્રૂપમાં ફરતું કર્યું હતું. આ સિવાય યુ-ટ્યૂબ, એફ.એમ. રેડિયો, ટીવી ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા, જાણીતી વેબસાઈટો પર પણ પ્રચાર કરેલો. આ બધાંના કારણે દિવ્યાંગ મતદારો સુધી અમારી વાત પહોંચી શકી. ટૂંકમાં, આ વખતની લોકસભા ચૂંટણીમાં જે આદર સાથે અમને મતદાન માટે આવકારવામાં આવ્યા તેનાથી અંગત રીતે હું બહુ ખુશ છું.’

જોકે રણછોડભાઈ ભારતીય લોકતંત્રમાં દિવ્યાંગોના અપૂરતા નેતૃત્વને લઈને ચિંતિત જણાયા. તેમણે કહ્યું, ‘આપણે ત્યાં રાજકારણમાં દિવ્યાંગોનું મજબૂત નેતૃત્વ નથી. એટલે ઘણીવાર અમારી વાજબી માગણીઓ પણ તંત્ર સ્વીકારતું નથી. રાજકીય પક્ષો પણ એક દિવ્યાંગ વ્યક્તિ મજબૂત નેતા બની શકે તે દિશામાં વિચારતા નથી. તેમને ખ્યાલ નથી કે અમારી અસાધારણ શક્તિઓને અવગણીને તેઓ પોતે પણ ખોટ ખાઈ રહ્યા છે, પણ આ જ રીતે દિવ્યાંગોના મતદાનની ટકાવારી વધતી જશે તો ચોક્કસ રાજકીય પક્ષો એ દિશામાં વિચારશે.’
———————-

Leave A Reply

Your email address will not be published.

Translate »