તમારા માટે, તમારી સાથે, સતત…

શું તમે ‘પબ્લિક ચાર્જ’ છો?

આ ત્રણ ચીજ પણ જો કરવામાં આવે તો પબ્લિક ચાર્જ બનતા તમે તમારી જાતને બચાવી શકશો.

0 175
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

યુનાઈટેડ સ્ટેટસ સિટીઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે ૧૪મી ઑગસ્ટ, ૨૦૧૯ના દિવસે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા ‘ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ’ની કલમ ૨૧૨ (અ) (૪) હેઠળ એક ‘પબ્લિક ચાર્જ’નો ૭૦૦ પાનાંનો નિયમ ઘડ્યો. હવેથી પબ્લિક ચાર્જનો નિયમ અમલમાં આવશે. અમેરિકાના ‘ઇમિગ્રન્ટ વિઝા’ મેળવવા માટે જે જે પરદેશીઓ અરજી કરશે એમને આ પબ્લિક ચાર્જનો નિયમ લાગુ પડશે. ‘નોન-ઇમિગ્રન્ટ વિઝા’ મેળવીને અમેરિકામાં જે જે પરદેશીઓ પ્રવેશ્યા હશે અને ત્યાં તેઓ એમનું નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ એડ્જસ્ટ કરીને ઇમિગ્રન્ટ સ્ટેટસ મેળવવા માટે ‘એડ્જસ્ટમૅન્ટ ઓફ સ્ટેટસ’ની અરજી કરતા હશે એમને પણ આ પબ્લિક ચાર્જનો નિયમ લાગુ પડશે. અમેરિકાનું એક જ સ્ટેટસ ‘ઇલોયોનોઇસ સ્ટેટ’ જેનું મુખ્ય શહેર ‘શિકાગો’ છે એને હાલ પૂરતો આ પબ્લિક ચાર્જનો નિયમ લાગુ નહીં પડે.

આ પબ્લિક ચાર્જ છે શું?
સાતસો પાનાં ધરાવતો આ પબ્લિક ચાર્જનો નિયમ ટૂંકામાં એટલું જણાવે છે કે જે કોઈ પરદેશી અમેરિકામાં કાયમ રહેવા આવવા ઇચ્છતો હોય, એ પરદેશી જો અમેરિકાની સરકારને માથે પડે એવો હોય, તો એને અમેરિકામાં કાયમ રહેવા આવવા માટેના ઇમિગ્રન્ટ વિઝા આપવા નહીં. આ નિયમ એવું પણ જણાવે છે કે જે કોઈ પણ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકે એના અંગત સગાના લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હોય, એ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકે, ભૂતકાળમાં જો અમેરિકાની સરકાર પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ મેળવી હોય, સોશિયલ સિક્યૉરિટીનો લાભ લીધો હોય, મેડિક્લેમની સુવિધા મેળવી હોય, તો એના પરદેશી અંગત સગાને ઇમિગ્રન્ટ વિઝા આપવા નહીં.

મોટા ભાગના ભારતીયો જેઓ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની અરજી કરતા હોય છે તેઓ સિનિયર સિટીઝન હોય છે. એમનું શિક્ષણ ઝાઝું નથી હોતું. એમને અંગ્રેજી ભાષા આવડતી નથી હોતી. એમની પાસે કોઈ ખાસ કામગીરીની આવડત નથી હોતી. એમની આર્થિક સ્થિતિ પણ બહુ સારી નથી હોતી. આવી વ્યક્તિઓને હવેથી પબ્લિક ચાર્જનો નિયમ લાગુ પડતા ઇમિગ્રન્ટ વિઝા આપવામાં નહીં આવે.

Related Posts
1 of 316

અમેરિકન સિટીઝનના નજીકના સગા જેમ કે પત્ની યા પતિ અને માતા યા પિતા જેઓની ગણના ઇમિજેટ રિલેટિવ કેટેગરીમાં થાય છે એમને માટે અમેરિકન સિટીઝન ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી શકે છે. આવી પિટિશનો વાર્ષિક કોટાના કોઈ પણ પ્રકારનાં બંધનોથી સીમિત નથી હોતી. છ-બાર મહિનામાં જ એ પિટિશનો પ્રોસેસ થઈને એપ્રુવ્ડ થઈ જતી હોય છે. જેમના લાભ માટે ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પિટિશનો દાખલ કરવામાં આવી હશે એવા પરદેશીઓને હવેથી પબ્લિક ચાર્જનો નિયમ લાગુ પડશે.

ચાર જુદી-જુદી ઍમ્પ્લોયમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ તેમ જ ચાર જુદી-જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ હેઠળ પણ અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારકો એમના નોકરિયાતો તેમ જ અંગત સગાંઓને અમેરિકા કાયમ માટે રહેવા આવવા, ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી શકે છે. હવેથી જેમના લાભ માટે આવી પિટિશનો દાખલ થઈ હશે, તેઓ જ્યારે ઇમિગ્રન્ટ વિઝા મેળવવા એમના દેશમાં આવેલ અમેરિકન કોન્સ્યુલેટ યા એમ્બેસીમાં અરજી કરશે ત્યારે કોન્સ્યુલર ઓફિસરો એ જાણવા ઇચ્છશે કે એ ઇમિગ્રન્ટ વિઝાનો અરજદાર પબ્લિક ચાર્જ તો નથી ને? અમેરિકામાં પ્રવેશીને એ અમેરિકાની સરકારને માથે તો નહીં પડે ને? અનેક પરદેશીઓ નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશતા હોય છે. પછી તેઓ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરતા અથવા તો એમના માલિકો એમના લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરતા ઇમિગ્રન્ટ વિઝા મેળવવાને લાયક બને છે. એ મેળવવા માટે એમણે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી કરવાની રહે છે. એમનું નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ ઇમિગ્રન્ટમાં ફેરવવાની એ અરજી હોય છે. આવા અરજદારોની એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસની અરજી ઉપર વિચારણા કરતા ઇમિગ્રેશન ઓફિસરો હવેથી એવું પણ વિચારશે કે આ વ્યક્તિ પબ્લિક ચાર્જ તો નથી ને? અમેરિકાની ઉપર એ બોજારૃપ તો નહીં બને ને?

પબ્લિક ચાર્જનો ૨૭મી જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસથી અમલમાં આવેલ ૭૦૦ પાનાંનો નિયમ ખૂબ જ અટપટો છે. આ નિયમને સંપૂર્ણપણે વાંચતા જ દિવસો લાગી શકે છે. સામાન્ય માનવીને એને સમજતા કદાચ મહિનાઓ તેમ જ વર્ષો લાગી શકે. આથી જે કોઈ પણ ભારતીય હવેથી ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરવાના હોય એમણે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના નિષ્ણાત ઍડ્વોકેટ પાસેથી પબ્લિક ચાર્જના નિયમ વિષે જાણકારી મેળવી લેવી જોઈએ. તેઓએ એમને લગતી તેમ જ જેમણે એમના લાભ માટે ઇમિગ્રન્ટ વિઝાની પિટિશન દાખલ કરી હોય એમને લગતી બધી જ વિગતો એ ઍડ્વોકેટને જણાવીને જાણી લેવું જોઈએ કે એમને પબ્લિક ચાર્જનો નિયમ લાગુ પડે છે કે નહીં. જો લાગુ પડતો હોય તો એમાંથી બચવા માટે એમણે શું શું કરવું જોઈએ.

સામાન્ય રીતે જેઓ ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની અરજી કરવાના હોય એમણે બનતી ત્વરાએ અંગ્રેજી ભાષા શીખી લેવી જોઈએ. ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ઇન્ટરવ્યૂમાં જાય એ પહેલાં જો શક્ય હોય તો એમનો અમેરિકામાં મેડિકલ ઇન્સ્યૉરન્સ કઢાવી લેવો જોઈએ. બેન્ક એકાઉન્ટમાં બને એટલા વધુ પૈસા જમા કરાવવા જોઈએ. આ ત્રણ ચીજ પણ જો કરવામાં આવે તો પબ્લિક ચાર્જ બનતા તમે તમારી જાતને બચાવી શકશો. આમ છતાં કાયદાકીય જાણકારી મેળવી લેવી ખૂબ જ, ખૂબ જ, ખૂબ જ અગત્યની છે. આપણામાં કહેવત છે ને કે ‘સમય વર્તે સાવધાન’ ઇમિગ્રન્ટ વિઝાના અરજદારો તમે કોન્સ્યુલેટમાં ઇમિગ્રન્ટ વિઝાની અરજી કરો એ પહેલાં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાના જાણકાર ઍડ્વોકેટ પાસેથી જાણી લો કે, ‘શું તમે ‘પબ્લિક ચાર્જ’ છો?’
———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »