- વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ
૧ ઑક્ટોબર, ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૭ના સમયગાળામાં સાત લાખ પરદેશીઓએ અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું. એમાં ફક્ત સાત ટકા જ ભારતીયો હતા. સંખ્યાબંધ ભારતીયો ગ્રીનકાર્ડ ઉપર અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. એમાંના મોટા ભાગના ‘નેચરલાઇઝેશન’ની અરજી કરીને અમેરિકાના નાગરિક બની શકે છે, પણ તેઓ એ અરજી કરતા નથી.
જો તમને અમેરિકાની સરકારે ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ’ પ્લાસ્ટિકના વિઝિટિંગ કાર્ડના કદનું ‘ગ્રીનકાર્ડ’ આપ્યું હોય તો એ મળેથી પાંચ વર્ષ બાદ તમે નેચરલાઇઝેશન દ્વારા અમેરિકન નાગરિક બનવાની અરજી કરી શકો છો. ગ્રીનકાર્ડ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરતાં પ્રાપ્ત થયું હોય તો એ મળેથી ત્રણ વર્ષ બાદ નેચરલાઇઝેશનની અરજી કરી શકો છો.
અમેરિકન સિટીઝન બનવાની આ જે છૂટ આપવામાં આવી છે એનો મોટા ભાગના ગ્રીનકાર્ડધારક ભારતીયો લાભ નથી લેતા. ભારતીય ગ્રીનકાર્ડધારકોને એમાં ભય જણાય છે. એમને ચિંતા હોય છે કે બકરી કાઢતાં ઊંટ પેસી જશે. અમેરિકન નાગરિક બનવાની અરજી કરતાં અમેરિકાની સરકાર ગ્રીનકાર્ડ પણ પાછું ખેંચી લેશે. એમની આ ભીતિ મોટે ભાગે સાચી હોય છે.
જેમનો ઇરાદો અમેરિકામાં કાયમ રહેવાનો હોય અને જેઓ અમેરિકાની સરકાર તેમ જ પ્રજાને ઉપયોગી બની શકે એમ હોય એમને જ અમેરિકા ગ્રીનકાર્ડ આપતું હોય છે. ગ્રીનકાર્ડધારક વ્યક્તિ જો અમેરિકાની સરકાર તેમ જ પ્રજા ઉપર બોજ બની જશે એવું જણાય તો એવી વ્યક્તિને ગ્રીનકાર્ડ નથી અપાતાં.
ગ્રીનકાર્ડ મળેથી પાંચ યા ત્રણ વર્ષ બાદ અમેરિકન નાગરિક બનવાની અરજી કરી શકાય છે. એ સમયે દેખાડી આપવાનું રહે છે કે પાછલાં પાંચ યા ત્રણ વર્ષના સમયગાળામાં એકેય વાર લાગલગાટ છ મહિનાથી વધુ એ અમેરિકાની બહાર નથી રહ્યો. એ પાંચ યા ત્રણ વર્ષના સમયગાળામાં અડધો સમય અમેરિકાની ધરતી ઉપર જ રહ્યો છે.
મોટા ભાગના ભારતીય ગ્રીનકાર્ડધારકો ગ્રીનકાર્ડનો અમેરિકા આવવા-જવા માટે એક રેલવે પાસની જેમ જ ઉપયોગ કરતા હોય છે. તેઓ ભારતનો વ્યવસાય યા નોકરી છોડી નથી દેતા. વર્ષમાં બે-ચાર અઠવાડિયાં જ અમેરિકામાં રહે છે. જો તેઓ અમેરિકન નાગરિક બનવાની અરજી કરે તો આ વાત અમેરિકન સરકારની જાણમાં આવે. ‘તમે અમેરિકામાં કાયમ રહેવા નથી ઇચ્છતા’ એવું જણાવીને તેઓ એમનું ગ્રીનકાર્ડ પાછું ખેંચી લે.
ગ્રીનકાર્ડધારકની વિશ્વમાં કશે પણ આવક હોય, ટેક્સ અમેરિકામાં જ ભરવાનો રહે છે. મોટા ભાગના ભારતીય ગ્રીનકાર્ડધારકો એમની ભારતની આવક ઉપર અમેરિકામાં ટેક્સ નથી ભરતા. અનેકો તો ભારતમાં પણ નથી ભરતા! ભારતમાં ખેતીવાડીની આવક ઉપર ટેક્સ ભરવાનો નથી હોતો, પણ અમેરિકામાં ખેતીવાડીની આવક ટેક્સેબલ છે. એટલે ભારતમાં જે ખેતીવાડીની આવક થતી હોય એના ઉપર ભારતીય ગ્રીનકાર્ડધારકે અમેરિકામાં ટેક્સ ભરવાનો હોય છે.
એમની આ ટેક્સ ચોરીની જાણ જો તેઓ અમેરિકન નાગરિક બનવાની અરજી કરે તો અમેરિકાની સરકારને થાય અને અમેરિકાની સરકાર એમનું ગ્રીનકાર્ડ પાછું ખેંચી લે. એમને ડિપોર્ટ કરે. જેટલાં વર્ષ અમેરિકામાં ગ્રીનકાર્ડ ઉપર રહ્યા હોય અને ટેક્સની ચોરી કરી હોય એ બધો ટેક્સ વ્યાજ અને પૅનલ્ટી સાથે વસૂલ કરે. ન આપો તો જેલમાં નાખે.
અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની અરજી કરનારે એ પણ દેખાડી આપવાનું રહે છે કે એમનું ચારિત્ર્ય સારું છે. એમણે કોઈ જાતનાં ગુનાહિત કૃત્યો નથી કર્યાં. ગ્રીનકાર્ડ મેળવવા માટે એમણે કોઈ પ્રકારનું છળકપટ નથી કર્યું. જૂઠાણાનો આશરો નથી લીધો. બાળકોના ભરણપોષણની જવાબદારી પાળી છે. અમેરિકાની કોર્ટે કોઈ આદેશ આપ્યો હોય એ પાળ્યો છે. ચરસ-ગાંજો, અફીણ કે એવા જ કોઈ ડ્રગ્સના બંધાણી નથી, દારૃડિયા પણ નથી. એકથી વધુ પત્ની ધરાવતા નથી. પારકી સ્ત્રી યા પારકાની પત્ની જોડે વ્યભિચાર કર્યો નથી. અમેરિકાની સિલેક્ટિવ સર્વિસ એટલે કે મિલિટરીમાં ભરતી થવા માટે યોગ્ય સમયે અરજી કરી છે.
જો નાગરિકત્વ મેળવવાની અરજી કરનારે ભૂતકાળમાં કંઈક ખોટું કર્યું હોય, કોઈ વ્યક્તિને અમેરિકામાં ઘૂસવા માટે યા અમેરિકામાં ગેરકાયદેસર રહેવા માટે અને કામ કરવા માટે સીધી યા આડકતરી રીતે મદદ કરી હોય, બી-૧/બી-૨ કે અન્ય કોઈ પ્રકારના નોન-ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે જુઠ્ઠું બોલ્યા હોય, એમના સગા અમેરિકામાં રહેતાં હોય અને એ વાત વિઝાની અરજી કરતા છુપાવી હોય તો નાગરિકત્વ આપવાની વાત તો બાજુએ રહી, આવી વ્યક્તિઓના ગ્રીનકાર્ડ પાછા ખેંચી લેવામાં આવે છે.
નાગરિકત્વની અરજી કરનાર ભારતીય ગ્રીનકાર્ડધારકે એને અંગ્રેજી લખતાં, વાંચતાં અને બોલતાં આવડે છે એ દેખાડી આપવા પરીક્ષા આપવાની રહે છે. અમેરિકાનું એને સામાન્ય જ્ઞાન છે એવું ખાસ પરીક્ષા આપીને પુરવાર કરવાનું રહે છે. આ બે પરીક્ષાના ભયના કારણે પણ અનેકો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાનું ટાળે છે.
ઘણા ગ્રીનકાર્ડધારક ભારતીયો અમેરિકાનું નાગરિકત્વ મેળવવાની અરજી એટલા માટે નથી કરતા, કારણ કે અમેરિકા અને ભારત આ બંને દેશ ‘ડ્યુઅલ સિટીઝનશિપ’ એટલે કે બે દેશનું નાગરિકત્વ માન્ય નથી રાખતા. ભારતે થોડા સમય પહેલાં દાખલ કરેલ ઓસીઆઈ કાર્ડને ઘણા ડ્યુઅલ સિટીઝનશિપ માને છે.
ભારતનું બંધારણ ડ્યુઅલ સિટીઝનશિપ માન્ય નથી રાખતું અને ઓસીઆઈ કાર્ડ ડ્યુઅલ સિટીઝનશિપ નથી. જેવા તમે અમેરિકન નાગરિક બનો કે આપોઆપ ભારતીય સિટીઝન મટી જાવ છો. વખત આવે તો તમારે તમને જન્મ આપનાર તમારી માતૃભૂમિ ભારત સામે લડવું પડે. તમે અમેરિકા સિવાય બીજા કોઈ પણ દેશને, ભારતને પણ, વફાદાર રહી ન શકો.
—————————