તમારા માટે, તમારી સાથે, સતત…

શિયાળાની આ કાતિલ ઠંડીમાં તું મારા બાહુપાશમાં નથી….

શિયાળામાં વિરહની આગ વધુ પ્રજ્વલિત હોય છે

0 236
  • હૃદયકુંજ – દિલીપ ભટ્ટ

શિયાળો અંતર પાડી દે છે. રસ્તાઓ પર બરફ પથરાઈ જાય છે.
એ બરફ ક્યારેક સંબંધો પર પણ ફરી વળે છે

આપણો શિયાળાનો અનુભવ, પશ્ચિમના દેશોની તુલનામાં બહુ આછો અને ઓછો છે. છતાં જરાક શિયાળો એના અસલ સ્વરૃપમાં પ્રગટ થાય કે તરત જ સમાજજીવનમાં સનસનાટી મચાવતી શીતકથાઓ અને વાર્તાલાપો શરૃ થઈ જાય… આજે તો બહુ ઠંડી છે નંઈ…? વહેલી સવારના અખબારમાં ઠંડી વધુ હોવાના સમાચાર વાંચીને કેટલાક વાચકોને ઠંડી હોય એથીય અધિક અનુભવવા મળે! પશ્ચિમના દેશોમાં સમર મહેમાન જેવી મોસમ છે, પરંતુ વિન્ટર તો છે, છે અને છે.

આપણે ત્યાં શિયાળો ઉત્તર ભારતમાં એના પૂર્ણ રૃપે અવતરે છે, પરંતુ એ સિવાયના ભારતને શિયાળાનો જે અનુભવ છે તે હળવો છે. હિમાલયની ગિરિમાળાઓની તળેટીમાં આવેલા પ્રદેશો નિરંતર શીતકાળનો અનુભવ કરે છે, કારણ કે હિમાલય દુનિયાનો ત્રીજો ધ્રુવ પ્રદેશ છે. શિયાળામાં સૌને ઓછુંવત્તુ એકાંત મળે છે. આ એકાંત મહદ્અંશે સ્વજનોના સહવાસની ઝંખનાવાળું હોય છે. નાના હોઈએ ત્યારે મા શિયાળામાં આપણને બહુ સાચવતી હોય એટલે શિયાળો આવે ત્યારે મા યાદ આવ્યા વગર ન રહે. વારંવાર ઓઢાડતી હોય પોઢાડતી હોય. બાળપણના મોટા ભાગનાં સ્મરણો ચોમાસાથી ભીંજાયેલા હોય છે, પરંતુ એના પછી તરત જ શિયાળાનાં સ્મરણો મનની સપાટી પર તરી આવે છે.

Related Posts
1 of 281

શિયાળામાં વિરહની આગ વધુ પ્રજ્વલિત હોય છે. આ સંસારમાં અનેક પ્રકારના વિયોગ છે. માતા-પિતા હયાત હોય તો પણ એનાથી દૂર રહેવાનો ઘરઝૂરાપો સંતાનોને લાગે છે. જેઓને જિંદગીમાં વિધવા કે વિધુર થવાનું આવે એમના માટે સ્વજનના મૃત્યુ પછીનો પહેલો શિયાળો બહુ આકરો હોય છે. સમય પણ ઠંડીમાં જાણે કે થીજી જાય છે. હિમશિલાઓ વચ્ચે અસ્તિત્વ ઊભેઊભું ચણાઈ જાય છે. યુરોપિયન દેશો શીતાગાર જેવા છે. શિયાળાનો એમનો અનુભવ જીવનના એક અવરોધક પરિબળ તરીકે છે. આપણે ત્યાં વસંતઋતુ પુરબહારમાં ખીલેલી હોય છે અને પ્રમાણમાં લાંબી ચાલે છે એટલે વાસંતી ગીતોનો મોટો ફાળો આવેલો છે, પરંતુ યુરોપિયન દેશોમાં અવારનવાર વિન્ટર સોન્ગ સાંભળવા મળે છે. ત્યાં વિન્ટર સોન્ગના અનેક રંગો છે, પરંતુ એમાં મુખ્ય સ્વર કરુણ છે.

શિયાળો અંતર પાડી દે છે. રસ્તાઓ પર બરફ પથરાઈ જાય છે. એ બરફ ક્યારેક સંબંધો પર પણ ફરી વળે છે. પ્રિયતમા એના પ્રિયતમને બારી પાસે ઊભા રહીને સાદ કરે છે અને કહે છે કે હે પ્રિય, તું મારા બાહુપાશમાં નથી, એ જ બતાવે છે કે ખરેખર શીતકાળ બહુ કાતિલ હોય છે. તારી પાંપણો પર એટલો બરફ જામી ગયો છે કે તું મારી પાસે આવવાના રસ્તાનેય નિરખી શકતો નથી? શું તારા હૃદય પર પણ બરફ છે જે એક સમયે મારે માટે ધબકતું હતું? કેટલોક બરફ એકવાર થર બાઝે પછી ક્યારેય પીગળતો નથી.

શિયાળો જ્યારે બે વ્યક્તિની વચ્ચે પ્રવેશે છે ત્યારે એ દીવાલ જેવો હોય છે. આ અર્થમાં ઠંડક બહુ સ્વીકારવા જેવી વસ્તુ નથી. સંસારનું અને સંબંધોનું ચાલકબળ ઉષ્મા છે. એક વખત ઉષ્મા ઘટે પછી એ ઘટતી જ રહે છે. બે સમાંતર રેખાઓને એક છેડેથી સહેજ જ અંતર વધારો પછી તો આગળ જતાં એ અંતર લાખો યોજનનું થઈ જાય છે. જેને ચાહતા હોઈએ એમાં ઉષ્મા ઘટવા ન દેવી એ મહાપુરુષોનું કામ છે. સંબંધોની પવિત્રતા એક જ એવો જાદુ છે જે ઉષ્માને ચિરંતન ટકાવે છે.

શિયાળો પાંદડાંઓને ખંખેરે છે, પણ થડને સ્પર્શ કરતો નથી, કારણ કે એના મૂળ ઊંડા છે. જેના મૂળ ઊંડા હોય એ જ આ વિયોગને પાર કરી શકે છે. જો એમ ન હોય તો ખરખર પાંદડે ખરી જવાનું. સંબંધો પાંગરતા રહે છે એમ ખરતા પણ રહે છે. એમાં જે અવિચળ રહે છે તે જ સંબંધ છે બાકી તો બધું જ હવાની અમથી લહેર. વિન્ટર સોન્ગમાં પ્રિયતમા કહે છે કે વણઝારાના પડાવની જેમ પાદરમાં વિન્ટરનો મુકામ છે. યૌવન વીતી રહ્યું છે ને મારી શ્વેત થતી જતી કેશલતા પર મારી સખીઓ હસી રહી છે.

રિમાર્ક – આંગળીના ટેરવે છે હિમછત્ર કેમ લખું તને પત્ર ?
એલેક્ઝાન્ડર સર્ગેવિચ પુશ્કિન
————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »