તમારા માટે, તમારી સાથે, સતત…

સ્વાસ્થ્ય માટે બેસ્ટ શિયાળાના વસાણા

તંદુરસ્તીની દ્રષ્ટિએ શિયાળો સ્વાસ્થ્ય માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે

0 813
  • હેલ્થ સ્પેશિયલ – હેતલ રાવ

શિયાળાની ઠંડી દસ્તક મારે એટલે સહજ રીતે જ ખાણીપીણીની રીતમાં બદલાવ આવી જતા હોય છે. સવારે ગરમાગરમ આદુ-ફુદીનાની ચાની ચુસ્કી, સાથે સ્વાસ્થ્યવર્ધક વસાણા એટલે કે પાક ખાવાની જુદી જ મજા હોય છે.

‘મને આજે પણ યાદ છે, શિયાળો શરૃ થતા જ દાદીમા, કાકીમા અને મમ્મી જુદા-જુદા વસાણા બનાવતા. રોજ સવારે વાટકીમાં કોપરાને ગોળની સાથે અલગ-અલગ પાકના પણ ટુકડા ખાવા મળતા. તેમાં સૂંઠથી બનેલા લાડુ તો મને સહેજ પણ ભાવતા નહીં છતાં દાદીમાં માથે ઊભા રહીને ખવડાવતાં. આજે વર્ષો પછી ખબર પડે છે કે ખરેખર શિયાળાના વસાણાનું આપણા જીવનમાં કેટલંુ મહત્ત્વ રહેલું છે.’ તંદુરસ્તીની દ્રષ્ટિએ શિયાળો સ્વાસ્થ્ય માટે સૌથી સારી ઋતુ માનવામાં આવે છે. સ્વાસ્થ સારું બનાવવા જુદા-જુદા ઉપાયો પણ લોકો કરતા હોય છે. જેમાં વસાણા ઉત્તમ ગણવામાં આવે છે. શિયાળામાં ખાવામાં આવતી જુદી જુદી વસ્તુઓ એટલે શિયાળુ પાક. જેમાં મેથી પાક, સાલમ પાક, અડદિયા પાક, ખજૂર પાક, ગુંદર પાક, અખરોટ પાક, આદુ પાક, અંજીર પાક, ગોળના લાડુ, મિક્સ ડ્રાયફૂટ પાક, સૂંઠ પાક, સિંગ પાક, કાળા અને સફેદ તલના લાડુ જેવા અનેક પાક હોય છે. આ દરેક વસ્તુઓમાં આયુર્વેદિક જડીબુટ્ટીઓ નાંખવામાં આવતી હોવાથી શરીર માટે સારી ગણવામાં આવે છે.

Related Posts
1 of 55

વસાણા ખાવાની પરંપરા તો દાયકાઓથી ચાલી આવે છે. તેમ કહેતા શિયાળામાં ખાસ પાક તૈયાર કરતા જીતેન્દ્ર પરિજિત કહે છે, ‘શિયાળાની ઋતુમાં શરીરનું તાપમાન જળવાઈ રહે અને ઠંડીના કારણે થતા રોગો સામે બચવામાં વસાણા ફાયદાકારક રહે છે. આપણા બાપ-દાદા અને પરદાદાઓએ વસાણા ખાવાની શરૃઆત કરી હતી જે પ્રથા આજે પણ યથાવત્ છે. મારા ત્યાં દરેક પ્રકારના પાક મળી રહે છે, પરંતુ ખાસ કરીને સાલમ પાકમાં અમારી વિશેષતા છે. ખજૂર પાક, મેથી પાક, ગુંદર પાક, અખરોટ પાક, આદુ પાક સિવાય હવે ટ્રાયફૂટના લાડુનું ચલણ પણ આજકાલ વધી ગયંુ છે. હવે તો કલાકોની મહેનત કરીને ઘરે કોઈ પાક બનાવતું નથી. મોટા ભાગના લોકો માર્કેટમાંથી તૈયાર જ ખરીદે છે.’

આ વર્ષે સાલમ પાકના ભાવમાં ૪૫થી ૫૦ રૃપિયા જેટલો વધારો થયો છે, કારણ કે દૂધ, ખાંડ, ઘી વગેરેના ભાવ વધ્યા છે. સાલમ પાકની વિશેષતા જણાવતાં કૈલાસબહેન પરીખ કહે છે, ‘સાલમ પાકનો એક પીસ રોજ ખાવાથી શરીરનું તાપમાન યોગ્ય રહે છે અને ઠંડીમાં થતી બીમારીઓ પણ થતી નથી. આ પાકમાં વાપરવામાં આવતા મસાલા આયુર્વેદિક હોય છે, જે બહારનાં રાજ્યોમાંથી લાવવામાં આવે છે. હિમાલયની ટેકરીઓમાંથી આવે છે. સફેદ સૂંઠ, કેસર, સફેદ મરી, ગંઠોડા વિવિધ પ્રકારના તેજાનાનો સમાવેશ થાય છે. સાલમ પાકની જેમ જ અડદિયા પાક પણ સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે.’

બાળકો આવા પાક ખાવા તૈયાર નથી થતાં. માટે તેમની માટે ખાસ ડ્રાયફૂટના લાડુ બનાવવામાં આવે છે. ઉપરાંત તલ, ખજૂર જેવી વસ્તુઓ મિક્સ કરીને પણ જુદા-જુદા આકારમાં તેમને પાક બનાવી આપવામાં આવે તો તે સહેલાઈથી ખાઈ લે છે. ઉપરાંત આમળાનો ચ્યવનપ્રાસ પણ બાળકો માટે ઉત્તમ છે.
——————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »