તમારા માટે, તમારી સાથે, સતત…

હવે જૈન બટાકાનો સ્વાદ માણો..!

કેશોદના આ ખેડૂતે જમીનની ઉપર બટાકાનો પાક લેવામાં સફળતા મેળવી

0 643
  • કૃષિ – દેવેન્દ્ર જાની

જૈન ભેળ, જૈન સબ્જી, જૈન ભાજી..કોઈ ખાણી-પીણીના માર્કેટમાં કે જમણવારમાં ટેબલ પર આવી વાનગીઓના બોર્ડ જોવા મળે છે, પણ હવે જૈન બટાકાનંુ શાક એવું વાંચવા કે સાંભળવા મળે તો ચોંકી ન જતા, કારણ કે હવે જૈન બટાકાનંુ ઉત્પાદન થઈ રહ્યું છે. કૃષિ ક્ષેત્રે થઈ રહેલા અવનવા પ્રયોગોમાં હવે જૈન બટાકાની ખેતી કરવામાં આવી રહી છેે. સૌરાષ્ટ્રના એક ખેડૂત વેલા પર બટાકાનો પાક લઈ રહ્યા છે.

બટાકા જમીનની અંદર પાકે છે એટલે તે કંદમૂળ કહેવાય છે. જૈન સમાજના સિદ્ધાંંતોમાં ચુસ્તપણે માનનારા લોકો કંદમૂળ ખાતા નથી એટલે તેમના માટે બટાકા વર્જિત હોય છે. કંદમૂળ ન ખાનારા લોકો માટે ખુશ ખબર એ છે કે તેઓ ખાઈ શકે તેવા બટાકા હવે માર્કેટમાં આવી ગયા છે. જમીનમાં નહીં, પણ વેલા પર હવે બટાકાનો પાક લેવામાં આવી રહ્યો છેે. કૃષિ ક્ષેત્રમાં સતત સંશોધનો થઈ રહ્યાં છે. તેમાં હવે વેલા પર બટાકાનો પાક લેવામાં કેટલાક ખેડૂતોને સફળતા મળી રહી છે.

કેશોદના ખેડૂત હરસુખભાઈ ડોબરિયા ૭ર વર્ષની ઉંમર હોવા છતાં ખેતી કરે છે. એટલું જ નહીં, તેઓ સતત ખેતીમાં અવનવા પ્રયોગો કરતા રહે છે. વેલા પર બટાકાનો પાક તેઓ લઈ રહ્યા છે. ડીસા અને અન્ય પંથકમાં બટાકાનો પાક જમીનની અંદર લેવામાં આવે છે, જ્યારે કેશોદના આ ખેડૂતે જમીનની ઉપર બટાકાનો પાક લેવામાં સફળતા મેળવી છે. તેઓ ‘અભિયાન’ને કહે છે, ‘આ રીતે બટાકાનો પાક લેવામાં ફાયદો એ છે કે જમીનમાં અન્ય પાકની સાથે આ પાક લઈ શકાય છે. ખેતરના શેઢા કે પાળા પર વેલા પર બટાકાની ખેતી આસાનીથી કરી શકાય છે. આ રીતે બટાકાના પાક લેવાનો બીજો એક ફાયદો એ છે કે ઓછા પાણીએ પાક લઈ શકાય છે. જમીનમાં જે બટાકા થાય છે તેના જેવા જ ગોળ અને રાખોડી કલરના આ બટાકા થાય છે. સ્વાદમાં થોડા મોળા હોય છે. બાફીને તેમાં નમક સાથે નાખીને શાક બનાવવામાં આવે તો ખૂબ સ્વાદિષ્ટ બને છે. એવંુ માનવામાં આવે છે કે વેલા પર ઊગતા આ બટાકા આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. આ બટાકા ખાવાથી શરીરનું ડાબંુ પડખું મજબૂત બને છે, એટલે ઝડપથી વૃદ્ધ થતા અટકાવે છે અને શરીર સ્ફૂર્તિવાળંુ રહે છે. હું ઘણા સમયથી આ પાક લઈ રહ્યો છું અને આ બટાકાનું શાક બનાવીને તે ખાઉં પણ છું.’

Related Posts
1 of 319

કેવી રીતે આ પ્રકારના બટાકાના પાકનું બીજ મળ્યું? તેનો રસપ્રદ જવાબ આપતા હરસુખભાઈ કહે છે, ‘હું ૧૪ વર્ષનો હતો ત્યારે જૂનાગઢ પરિક્રમા કરવા માટે ગયો હતો, ત્યારે અચાનક જંગલમાં ભૂલો પડી ગયો અને એક સાધુનો ભેટો થઈ ગયો. આ સાધુએ મને આયુષ કંદમૂળ છે તેમ કહીને એક નાનું બટાકુ વાવેતર કરવા આપ્યું હતંુ. આ બટાકાને મેં પછી મારા મામાના ખેતરે જઈને વાવ્યું હતંુ. થોડા મહિના પછી એક વેલો થયો અને તેના પર અનેક બટાકા ઊગ્યા. તે જોઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. ગુજરાતમાં કદાચ સૌથી પહેલાં મેં આ પ્રયોગ કર્યો હોવાનંુ હું માનંુ છું. આ પાકની કિંમત સારી આવે છે. વિદેશમાંથી પણ ઓર્ડર મળે છે.’

જમીન અને વેલા પર બટાકાની ખેતીમાં જમીન-આસમાન જેવો ફરક છે. ખેડૂતોના કહેવા મુજબ જમીન પર અન્ય પાકની સાથે શેઢા-પાળા પર વાવેતર કરીને દૂધી જેવા પાકની જેમ વેલા ચડે તે માટેનંુ માળખું ઊભું કરવું પડે છે.

આ પ્રકારના બટાકાની ખાસિયત એ છે કે એક જ વાર બીજનું વાવેતર કરવું પડે છે. શિયાળા અને ઉનાળામાં સુકાઈ ગયા બાદ ચોમાસામાં ફરી ઊગે છે. વર્ષો સુધી આ વેલા પર પાક લઈ શકાય છે. જમીનની બહાર બટાકાનું ઉત્પાદન થતું હોવાથી તેમાં સુગરની માત્રા ઓછી હોય છે, એટલે ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. એક છોડ હોય તો ૪૦ કિલોગ્રામથી વધુ ઉત્પાદન આપી શકે છે. સારી માવજત હોય તો વધારે ઉતારો આવી શકે છે. ત્રણથી ચાર વીઘાના ખેતરમાં પણ હવે ખેડૂતો આ પાક લઈ રહ્યા છે.

વેલા પર બટાકાના પાક લેવાનો પ્રયોગ કેશોદના ખેડૂતે સફળ રીતે કર્યા બાદ હવે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ આ પાક લેવા માટે આગળ આવી રહ્યા છે. રાજકોટની આસપાસ કેટલાક ખેડૂતોએ શરૃઆત કરી છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોને રસ પડતા તેઓ સૌરાષ્ટ્રના ખેડૂતો પાસેથી માહિતી લઈ રહ્યા છે. ઇડર તાલુકાના કાનપુર ગામના ખેડૂત દિનેશભાઈ પટેલે પણ આ નવતર બટાકાની ખેતીનો પ્રયોગ કર્યો અને તેને સફળતા મળી છે. જેમ-જેમ ગુજરાતના ખેડૂતો સુધી વેલા પર બટાકાની ખેતીની જાણકારી મળતી જાય છે તેમ-તેમ તેની ખેતી વધી રહી છે. જૈન સમાજના લોકો માટે તો આ બટાકા આશીર્વાદરૃપ છે, કારણ કે તે આ પાક કંદમૂળ નથી અને સ્વાદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ લાભકારી છે.

———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »