તમારા માટે, તમારી સાથે, સતત…

બી-૧ વિઝાના અરજદારોના ઉત્તરો

અંગ્રેજી આવડતું હોવા છતાં ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવાની ભૂલ નહીં કરતા.

0 266
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

બિઝનેસ વિઝાના અરજદારોએ ઇન્ટરવ્યૂ અંગ્રેજી ભાષામાં જ આપવો જોઈએ. જો તેઓ ઇન્ટરવ્યૂ અંગ્રેજી સિવાય ગુજરાતી, હિન્દી યા અન્ય પ્રાદેશિક ભાષામાં આપશે તો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગશે કે જે વ્યક્તિને અંગ્રેજી ભાષા બોલતા આવડતી નથી એ વ્યક્તિ અમેરિકા જ્યાં બધો જ વ્યવહાર અંગ્રેજીમાં થાય છે ત્યાં જઈને બિઝનેસને લગતી વાતચીત કેવી રીતે કરી શકશે? જોકે અનેક બિઝનેસમેનો જેમને અંગ્રેજીની એ,બી,સી,ડી પણ નથી આવડતી તેઓ સફળ બિઝનેસમેનો હોય છે અને દુભાષિયા રાખીને એમનું કામ ચલાવતા હોય છે. ચાઇનીઝ, જાપાનીઝ, કોરિયન, રશિયન, આ સર્વે દેશોના ખૂબ જ આગળ પડતા બિઝનેસમેનો અંગ્રેજી ભાષા બોલી તેમ જ સમજી નથી શકતા. આમ છતાં તેઓ અમેરિકા જોડે ખૂબ જ મોટો વ્યાપાર કરતા હોય છે, પણ જો તમે બિઝનેસ વિઝા મેળવવા જાવ અને ઇન્ટરવ્યૂ અંગ્રેજીમાં નહીં આપો તો વિઝા મેળવવાના તમારા ચાન્સીસ ખૂબ જ ઘટી જશે. આથી ઇન્ટરવ્યૂ બને ત્યાં સુધી અંગે્રેજીમાં જ આપજો. કોન્સ્યુલર ઓફિસરોના અંગ્રેજી ઉચ્ચાર સમજવામાં નહીં આવે એવું માની લઈને અંગ્રેજી આવડતું હોવા છતાં ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપવાની ભૂલ નહીં કરતા.

બી-૧ વિઝાનો ઇન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે એ વાતનો ખ્યાલ રાખજો કે તમે એક બિઝનેસમેન છો આથી તમારો પોશાક જોઈને કોન્સ્યુલર ઓફિસરને એવું લાગવું જોઈએ કે તમે ખરેખર બિઝનેસમેન છો. સૂટ-બૂટ ભલે ન પહેરો પણ ઇન્ટરવ્યૂમાં બને ત્યાં સુધી સફેદ લાંબી બાંયનું શર્ટ અને બ્લેક યા ડાર્ક રંગનું પેન્ટ (જિન્સ નહીંં) તેમ જ રેગ્યુલર દોરીવાળા બૂટ (સ્કેચરના કે રિબોકના બૂટ ભૂલેચૂકે પણ ન પહેરતા) પહેરીને જવું સલાહભર્યું છે. ખમીસના ઉપલા બટનો ખુલ્લા ન હોય એની તકેદારી રાખજો. પુરુષોએ બને ત્યાં સુધી ગળામાં સોનાની ચેઇન ઇન્ટરવ્યૂ વખતે પહેરવાનું ટાળવું જોઈએ. આ મુજબ ધ્યાન ખેંચે એવી જાડી, જાતજાતના હીરા-માણેક મણકા, તેમ જ પથરાવાળી વીંટીઓ પણ પહેરવાનું ટાળવું જોઈએ. આ સર્વે પહેરવાથી કોન્સ્લુયર ઓફિસરનું ધ્યાન તમારે બદલે તમારા આભૂષણો તરફ દોરાય છે. જો દાઢી રાખતો હો તો એને સરખી ટ્રિમ કરાવીને જજો. નહીં તો ક્લીન સેવ કરાવી જજો. અનેક બિઝનેસમેનો ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે કપાળે ટીલો અને ચાંદલા કરીને નીકળે છે, અનેક ઇન્ટરવ્યૂના દિવસે મંદિર યા દેરાસરમાં સૌપ્રથમ જતા હોય છે અને ત્યાં પૂજારીના હાથે કપાળે ટીકો યા ટપકા ગુડલક માટે કરાવતા હોય છે. બને ત્યાં સુધી આવા ધાર્મિક સંકેતો આપતા ટીલા યા ટપકા કરવાનું ટાળજો. તમારો ઇન્ટરવ્યૂ લેનાર કોન્સ્યુલર ઓફિસર કદાચ જ્યુ હોય, ક્રિશ્ચિયન હોય, ઇસ્લામ ધર્મ પાળતો હોય, એ નાસ્તિક પણ હોઈ શકે અને બધા જ લોકો કંઈ સર્વ ધર્મ સમભાવની દૃષ્ટિ નથી ધરાવતા.

Related Posts
1 of 319

સ્ત્રી અરજદારો, જેઓ પણ બી-૧ બિઝનેસ વિઝાની અરજી કરતા હોય એમને પણ આ સઘળી વાતો લાગુ પડે છે. એમણે એક બિઝનેસવુમન તરીકે ડ્રેસઅપ થવું જોઈએ. લો કટ બ્લાઉઝ કે ચુસ્ત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. દાગીનાનો ઠઠારો કરવો ન જોઈએ. વધુ પડતો મેકઅપ પણ ન કરવામાં આવે તો એ સલાહભર્યું છે.

ઇન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે મુખ ઉપર ચિંતા હોવી ન જોઈએ અને સ્મિત હંમેશાં ફરકતું હોવું જોઈએ. જ્યાં સુધી તમારા મુખ ઉપર સ્મિત નથી હોતું ત્યાં સુધી તમે પૂરેપૂરા તૈયાર થયા નથી હોતા. ઇન્ટરવ્યૂમાં તમારું નામ યા નંબર બોલાય એટલે ઓફિસરની પાસે પહોંચતાં સૌપ્રથમ એમને એક સ્મિત આપી ગુડ મોર્નિંગ યા ગુડ આફ્ટરનૂન કહીને એમનું અભિવાદન કરવું જોઈએ. પછી તેઓ જે પ્રશ્નો પૂછે એ બરાબર સમજીને સ્પષ્ટ શબ્દોમાં પ્રશ્નોના પૂરેપૂરા ઉત્તરો ઓફિસરની આંખમાં આંખ પરોવીને આપવા જોઈએ. સાથે લઈ ગયેલા દસ્તાવેજો દર્શાવવાની તત્પરતા બિલકુલ દેખાડવી ન જોઈએ. દસ્તાવેજો ઓફિસર જ્યારે જોવા માગે ત્યારે જ દેખાડવા જોઈએ.

બિઝનેસ વિઝાના અરજદારોએ તેઓ અમેરિકા શા માટે જવા ઇચ્છે છે એ પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપવો જોઈએ. મોટા ભાગના આ પ્રશ્નનો ફક્ત ‘બિઝનેસ માટે’ એવો ઉત્તર આપતા હોય છે. આ ઉત્તર સાચો હોવા છતાં સંપૂર્ણ નથી. તમારે ઓફિસરને જણાવવું જોઈએ કે તમે અમેરિકા ત્યાંના બિઝનેસમેનને મળવા જાવ છો અથવા તો કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા જાવ છો કે પ્રદર્શિનીમાં જાવ છો, જો કોઈને મળવા જવાના હો તો એ વ્યક્તિના નામ, એમનો હોદ્દો, તેઓ કઈ કંપનીમાં કામ કરે છે એ કંપનીનું નામ અને મુલાકાતમાં કયા વિષય ઉપર ચર્ચા-વિચારણા કરવાના છો એ સર્વે જણાવવું જોઈએ. એ વાટાઘાટો પ્રત્યક્ષ થઈ શકે, ઈ-મેઇલ કે વૉટ્સઍપ દ્વારા શા માટે નહીં એ પણ એમણે ઓફિસરને જણાવવું જોઈએ. જો કોન્ફરન્સમાં જવાના હો તો એ કોન્ફરન્સની વિગતો અને એની અગત્યતાની જાણ હોવી જોઈએ અને ભૂતકાળમાં એમણે દેશ યા પરદેશમાં એવી જ કોઈ કોન્ફરન્સમાં હાજરી આપી હોય તો એને લગતી વિગતો પણ સાથે લઈ જવી જોઈએ. જો કોન્ફરન્સમાં તેઓ વક્તવ્ય આપવાના હોય તો કયા વિષય ઉપર બોલવાના છે એ જણાવવું જરૃરી થઈ પડશે. જો વક્તવ્ય લેખિત તૈયાર કર્યું હોય તો એની એક કોપી સાથે લઈ જવી ફાયદાકારક નીવડશે.

ટૂંકમાં અરજદાર પોતે એક ખરા અર્થમાં બિઝનેસમેન છે અથવા બિઝનેસ કરતી કંપનીમાં કામ કરે છે, અમેરિકામાં જવાની શુંં જરૃર છે, એને જ શા માટે જવાની જરૃર છે, ત્યાં શું કરવાનો છે આ સઘળું જ દર્શાવવાનું રહે છે. જો બિઝનેસ વિઝાનો અરજદાર અમેરિકા જતાં અમેરિકાને ફાયદો થશે એવું ઓફિસરને જણાય, એ અરજદાર અમેરિકામાં કાયમ રહી ન જાય, અમેરિકાને હાનિ ન પહોંચાડે એની ઓફિસરને ખાતરી થશે તો તેઓ અરજદારને જરૃરથી અમેરિકામાં બિઝનેસના કાર્ય અર્થે જવા માટેના વિઝા આપશે. આવતા અઠવાડિયે આપણે બી-૨ એટલે કે વિઝિટર્સ વિઝાના પ્રશ્નોત્તર વિશે જાણકારી મેળવશું.
———————–

Leave A Reply

Your email address will not be published.

Translate »