મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા માટે કોણ જવાબદાર?
આજે નૈતિક અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ પરિસ્થિતિ સાવ રસાતાળ ગયેલી છે
- કવર સ્ટોરી – તરુણ દત્તાણી
ભાજપના સત્તાંધ મોવડીઓની મતી મૂંઝાઈ ગઈ હતી અને બુદ્ધિ બહેર મારી ગઈ હતી કે તેઓએ માત્ર અજિત પવારના જોરે એક રાતમાં રાષ્ટ્રપતિ શાસન ઉઠાવવા સરકાર રચવાના દાવા અને એનસીપીના કહેવાતા સમર્થન પત્રની રાજ્યપાલને સોંપણી સુધીની પ્રક્રિયાઓ અંધારાના આવરણ હેઠળ પૂર્ણ કરીને સવારે શપથવિધિ કરી દેવાઈ! બંધારણ નિષ્ણાતો કહે છે કે પ્રક્રિયા તો બધી વિધિવત કરવામાં આવી હતી. આમ છતાં એ કેટલી યોગ્ય હતી, એ પ્રશ્ન તો રહે જ છે અને આવી ઉતાવળ કર્યા પછી ભાજપના હાથમાં શું આવ્યું. માત્ર ત્રણ દિવસ કહેતાં લગભગ ૭૬ કલાકમાં જ ફડણવીસને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું. સત્તા કબજે કરવા માટેની આવી આંધળી દોડમાં ભાજપના મોવડીઓએ જે વિવેકભાન ગુમાવીને ભૂલો કરી તેને કારણે એક સમયે ભાજપ પ્રત્યે જનસમુદાયની જે સહાનુભૂતિ વહેતી હતી એ તત્કાલ ખતમ થઈ ગઈ અને લોકમુખે ટીકા-પ્રવાહ વહેવા લાગ્યો.
૨૬ નવેમ્બર, ૨૦૧૯ના રોજ દેશ ભારતીય બંધારણના અમલની ૭૦મી જયંતીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે દેશના જ એક રાજ્ય મહારાષ્ટ્રમાં રાજનીતિના અવનવા ખેલ ખેલાઈ રહ્યા હતા. ૨૩ નવેમ્બરની સવારે રાજ્યપાલે એકાએક ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના વિદ્રોહી નેતા અજિત પવારને અનુક્રમે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનપદના શપથ લેવડાવ્યા એ ક્ષણથી જ વિપક્ષ દ્વારા લોકતંત્રની હત્યા કરવાના પ્રલાપ થવા લાગ્યા હતા. ભારતમાં લોકતંત્રની સ્થાપનાથી આજ સુધીના સાત દાયકામાં ‘લોકતંત્રની હત્યા’નો શબ્દ પ્રયોગ જો સાચો હોય તો અનેકવાર અનેકોના હાથે આવી હત્યા થઈ ચૂકી છે. લોકતંત્રની આવી ‘હત્યા’માં ક્યારેક સંડોવાયેલા લોકો જ આવી વાત કરે ત્યારે એ હાસ્યસ્પદ હોય છે. ખરી વાત એ છે કે ખરેખર જો લોકતંત્રની આટલીવાર હત્યા થઈ હોય તો ભારતમાં આજે લોકશાહી જીવંત રહી ન હોત. આપણે એ શબ્દાવલીને સુધારીને એમ કહેવું જોઈએ કે આવી પ્રત્યેક ઘટના લોકતંત્ર પર કુઠારાઘાત સમાન બની રહે છે. આવા કુઠારાઘાત કરવામાંથી કોઈ બાકાત નથી. ૧૯૭૫માં કટોકટી લાદવામાં આવી હતી ત્યારે પણ એ લોકતંત્રની હત્યા ન હતી બલ્કે લગભગ દોઢ વર્ષ સુધી લોકતંત્રને મૂર્છિત કરી નાખવામાં આવ્યું હતું. એ વખતે ૧૯૭૭માં મરણાસન્ન સ્થિતિમાંથી લોકતંત્રને બેઠું કરવામાં સફળતા મળી હતી. મહારાષ્ટ્રમાં ૨૬ નવેમ્બરના દિવસે સર્વોચ્ચ અદાલતના નિર્ણયને પગલે લોકતંત્ર પરના કુઠારાઘાતનો ઉપચાર થયો છે. સવારે સુપ્રીમનો દિશા-નિર્દેશ અને સાંજ સુધીમાં મહારાષ્ટ્રના રાજકારણના ત્રણ દિવસથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ રાબેતા મુજબની બની ગઈ. પ્રથમ નાયબ મુખ્યપ્રધાન પછી મુખ્યપ્રધાનના રાજીનામા આવી ગયા.
વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતીના અભાવે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલા ભાજપને સરકાર રચવાની તક સ્વાભાવિક રીતે મળી હતી. મહારાષ્ટ્રમાં બે ગઠબંધન ચૂંટણી લડ્યા હતાં. તેમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનને જનાદેશ મળ્યો હતો, પરંતુ શિવસેનાની અમર્યાદ સત્તા લાલસાએ પરિસ્થિતિ બગાડી. ભાજપે સરકાર રચવાનું માંડી વાળ્યા પછી જે સ્થિતિ બની હતી તેમાં બાકીના ત્રણ પક્ષો શિવસેના-એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવા માટે મથામણ કરી રહ્યા હતા. એમના પ્રયાસને બહુ સમય લાગ્યો અને જ્યારે બધું બરાબર ગોઠવાઈ જવા આવ્યું હતું ત્યારે એનસીપીના વિદ્રોહી નેતા અજિત પવાર ભાજપની છાવણીમાં જઈ ચઢ્યા અને એ પછી એક રાત્રીમાં રાજકારણના ખેલ ખેલાયા અને સવારમાં તો સરકાર સત્તારૃઢ થઈ ગઈ. બહુમતી તો પછી પુરવાર કરવાની હતી. શિવસેનાની સત્તાલાલસાને બદલે અહીં અજિત પવારની મહત્ત્વાકાંક્ષા કામ કરી ગઈ. આ બન્યું ત્યારે કહે છે કે એનસીપીના વડા શરદ પવારે સેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને કહ્યું પણ ખરું કે મુખ્યપ્રધાનપદની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા માટે તમે સંમતિ ન આપી એથી જ આ થયું. વાત સાચી હતી. શુક્રવારની સાંજે પાંચ વર્ષ માટે મુખ્યપ્રધાનપદે ઉદ્ધવ ઠાકરેની જાહેરાતના પગલે અજિત પવારે ભાજપ ભણી દોટ મુકી હતી.
અહીં સુધીનો ઘટનાક્રમ તો સમજી શકાય તેવો છે, પરંતુ એ પછી ભાજપના સત્તાંધ મોવડીઓની મતી મૂંઝાઈ ગઈ હતી અને બુદ્ધિ બહેર મારી ગઈ હતી કે તેઓએ માત્ર અજિત પવારના જોરે એક રાતમાં રાષ્ટ્રપતિ શાસન ઉઠાવવા સરકાર રચવાના દાવા અને એનસીપીના કહેવાતા સમર્થન પત્રની રાજ્યપાલને સોંપણી સુધીની પ્રક્રિયાઓ અંધારાના આવરણ હેઠળ પૂર્ણ કરીને સવારે શપથવિધિ કરી દેવાઈ! બંધારણ નિષ્ણાતો કહે છે કે પ્રક્રિયા તો બધી વિધિવત કરવામાં આવી હતી. આમ છતાં એ કેટલી યોગ્ય હતી, એ પ્રશ્ન તો રહે જ છે.
અને આવી ઉતાવળ કર્યા પછી ભાજપના હાથમાં શું આવ્યું. માત્ર ત્રણ દિવસ કહેતાં લગભગ ૭૬ કલાકમાં જ ફડણવીસને મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડ્યું. સત્તા કબજે કરવા માટેની આવી આંધળી દોડમાં ભાજપના મોવડીઓએ જે વિવેકભાન ગુમાવીને ભૂલો કરી તેને કારણે એક સમયે ભાજપ પ્રત્યે જનસમુદાયની જે સહાનુભૂતિ વહેતી હતી એ તત્કાલ ખતમ થઈ ગઈ અને લોકમુખે ટીકા-પ્રવાહ વહેવા લાગ્યો. ૨૩મીને શનિવારની સવારે સરકાર રચવાની ક્ષણે ભલે થોડો સમય ઘણા બધાએ ‘મોટાભાઈ’ અમિત શાહની ચતુર ચાલની વાહવાહી કરી હોય, પરંતુ આજે હવે વ્યૂહાત્મક રીતે ભાજપની હિમાલય જેવી ગંભીર અને મોટી ભૂલ બદલ સમગ્ર નેતાગીરી ટીકાને પાત્ર બની છે.
આખરે અજિત પવારની કઈ ક્ષમતા પર વિશ્વાસ કરીને ભાજપના લોકોએ ફડણવીસની શપથવિધિ કરાવી હતી? શરદ પવારની તાકાત સામે અજિત પવારની શક્તિની મુલવણી કરવામાં ભાજપના નેતાઓ મૂરખ સાબિત થયા. હજુ થોડા દિવસ પૂર્વે તો વડાપ્રધાને શરદ પવારની પ્રશંસા કરી હતી. ભાજપે સામે ચાલીને મોટાભાઈની સામે શરદ પવારને સ્ટ્રેટેજીમાં સર્વોપરી સાબિત કરી દીધા.
માત્ર ભાજપ જ નહીં, દેશેનો સામાન્ય નાગરિક પણ સમજતો હતો કે શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની સરકાર લાંબી ચાલશે નહીં. માત્ર ને માત્ર કોરી અંગત મહત્ત્વાકાંક્ષા અને અહમ્ને સંતોષવા માટે શરૃ થયેલી આદર્શો-વિચારધારા અને સિદ્ધાંતો સાથેની બાંધછોડ જ નહીં તો તેને પડતા મૂકવા સાથેની સાઠગાંઠનું આયુષ્ય લાંબંુ હોઈ શકે નહીં. ભાજપના નેતાઓને ૧૯૭૭થી ૧૯૮૦ સુધીના ઘટનાક્રમનો અનુભવ છે. એ વખતનો જનાદેશ, આદર્શવાદ અને ગાંધી સમાધિ પરના શપથ માત્ર બે-અઢી વર્ષમાં ભુલાઈ ગયા હતા અને અંગત મહત્ત્વાકાંક્ષાએ બધું છિન્નભિન્ન કરી નાખ્યું હતું એ સમય કરતાં તો આજે નૈતિક અને સૈદ્ધાંતિક દૃષ્ટિએ પરિસ્થિતિ સાવ રસાતાળ ગયેલી છે. સ્થિતિમાં ત્રણ પક્ષોના ગઠબંધનની સરકાર પાસેથી લાંબી અપેક્ષા કે તેના દીર્ઘ આયુષ્યની કલ્પના થઈ શકે તેમ નથી, પરંતુ આ અનૈતિક ગઠબંધનના સંભવિત અલ્પ આયુષ્યને થોડું પણ વધારવામાં ભાજપના છબરડા, અવિચારી ઉતાવળ અને કોઈ પણ જાતના વ્યૂહ વિહીન દુઃસાહસનું પ્રદાન રહેવાનું. હવે વટને ખાતર આ નવું ગઠબંધન માત્ર ભાજપને બતાવી દેવા ખાતર થોડો વધુ સમય ટકી રહેશે, પરંતુ વ્યક્તિ કે સંગઠનની પ્રકૃતિને બદલી શકાતી નથી. હવે પછી તેના અવનવા રંગ જોવા થોડા સમયની રાહ જોવી પડશે.
એ સમય દરમિયાન ભાજપના નેતાઓની અસાધારણ ભૂલ માટે માત્ર ભાજપના કાર્યકરો જ નહીં તો ભાજપના શુભેચ્છકો અને મતદારો પણ પારાવાર અફસોસ કરતા રહેશે.
લાગે છે કે ભાજપને, તેના નેતાઓને પણ ક્યારેક કોઈ કહેનાર કે પૂછનાર હોવા જોઈએ. જરા કોઈ પૂછો તો ખરા કે ભાઈ, પેલું વડીલોનું માર્ગદર્શક મંડળ ક્યાં છે?
—————————-