તમારા માટે, તમારી સાથે, સતત…

ઇબી-૫ ઇન્ટરવ્યૂના થોડા વધુ સવાલો

પૈસા ક્યાંથી આવ્યાથી માંડીને તમને લગતા અંગત સવાલો પણ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવી શકે છે.

0 104
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

ઇબી-૫ પ્રોગ્રામ હેઠળ રોકાણ કર્યા બાદ તમારું પિટિશન એપ્રૂવ્ડ થાય ત્યાર બાદ તમારે ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે ઇન્ટરવ્યૂમાં જવાનું રહે છે. એ સમયે તમારે એવું માની લેવું ન જોઈએ કે તમારી પિટિશન એપ્રૂવ્ડ થઈ છે એટલે તમને વિઝા આપવામાં આવશે જ.

ઇન્ટરવ્યૂમાં તમને અહીં નીચે આપેલા દસ સવાલોમાંના કોઈ પણ સવાલો અથવા એના જેવા જ અન્ય સવાલો, તમારા પોતાના બૅકગ્રાઉન્ડને લગતા સવાલો પૂછવામાં આવી શકે છે. જો યોગ્ય ઉત્તર આપવામાં નહીં આવે તો તમને ઇમિગ્રન્ટ વિઝા આપવામાં નહીં આવે. તમારી એપ્રૂવ્ડ થયેલું પિટિશન અમેરિકા પાછી એપ્રૂવલ કેન્સલ કરવા માટે મોકલી આપવામાં આવશે અથવા તો એને ઍડ્મિનિસ્ટ્રેટિવ પ્રોસેસમાં મૂકવામાં આવશે. આથી ઇમિગ્રન્ટ વિઝાના ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં એમાં કેવા કેવા સવાલો પૂછવામાં આવી શકે એ જાણી લેવું જરૃરી છે.

તમારા લાભ માટે દાખલ કરાયેલ પિટિશન અને એની જોડે રજૂ કરેલા બધા જ દસ્તાવેજો ધ્યાનપૂર્વક વાંચી અને સમજી લો. જ્યારે પાંચ લાખ ડૉલર અને તમારા અમેરિકન સ્વપ્નાનો સવાલ હોય ત્યારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ. ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં કાયદાકીય સલાહ અવશ્યથી મેળવી લો.

ગયા અઠવાડિયે જણાવેલ પાંચ ઉપરાંત, નીચેના સવાલો પણ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવી શકે છે.

૦૧.) તમે જે રોકાણ કર્યું છે એ પૈસા ક્યાંથી આવ્યા?

જો એ તમારા જાત કમાઈના પૈસા હોય અથવા તમને વારસામાં મળેલી મિલકતના એ પૈસા હોય યા તમે તમારી કોઈ પ્રોપર્ટી વેચીને એ મેળવ્યા હોય, કોઈએ તમને લોન આપી હોય યા ગિફ્ટ આપી હોય તો નીચેના સવાલો પૂછવામાં આવી શકે છે.

૦૨.) તમે બિઝનેસ કરો છો યા નોકરી?

Related Posts
1 of 319

૦૩.) જો નોકરી કરતા હો તો તમારા માલિકનું નામ જણાવો? તમારો હાલમાં પગાર કેટલો છે? તમે શું કામ કરો છો? કેટલા વર્ષથી આ જગાએ નોકરી કરો છો? આ સર્વે બાબતોને લગતા દસ્તાવેજો રજૂ કરો. તમારા છેલ્લાં પાંચ વર્ષના આઈટી રિટર્ન્સ અને બેન્ક સ્ટેટમેન્ટો રજૂ કરો. જો બિઝનેસ કરતા હો તો કયો બિઝનેસ કરો છો? વાર્ષિક ટર્નઓવર કેટલું છે? નેટ પ્રોફિટ કેટલો છે? કેટલા વર્ષથી આ બિઝનેસ કરો છો? કેટલા લોકોને નોકરીમાં રાખો છો? આ સર્વે સવાલોના જવાબો પુરાવાઓ સહિત આપો. તમારા છેલ્લાં પાંચ વર્ષના આઈટી રિટર્ન્સ અને બેન્ક સ્ટેટમેન્ટો રજૂ કરો.

૦૪.) જો વડીલો પાસેથી વારસામાં મિલકત મળી હોય તો એ વડીલો વિશે, એમના નોકરીધંધા વિશે જાણકારી માગવામાં આવશે. મિલકતની વિગતો તેમ જ વડીલોએ એ મેળવી/ખરીદી, એને લગતા દસ્તાવેજો રજૂ કરો. વડીલોની મિલકત વિલ દ્વારા મળી હોય તો એ વિલનું પ્રોબેટ મેળવ્યું છે? એ રજૂ કરો. એ મિલકત જો જમીન, જાયદાદ યા દરદાગીના હોય અને એ વેચીને તમે રોકાણ કર્યું હોય તો એ વેચાણના દસ્તાવેજો યા રસીદો રજૂ કરો. જે કિંમતે વેચાણ કર્યું છે એ કિંમત યોગ્ય માર્કેટ વેલ્યૂ છે એ દર્શાવતા પુરાવાઓ રજૂ કરો.

૦૫.) જો તમને કોઈએ લોન આપી હોય તો એ વ્યક્તિ કોણ છે, એણે તમને કઈ સિક્યૉરિટીના બદલામાં લોન આપી છે? વ્યાજનો દર કેટલો છે? લોન પાછી ક્યારે કરવાની છે? તમે એ લોન પાછી કરવા માટે પૈસા ક્યાંથી લાવશો? લોન આપનાર વ્યક્તિ શું કરે છે? ક્યાં રહે છે? એની પાસે તમને લોન આપવાના પૈસા ક્યાંથી આવ્યા? એના છેલ્લાં પાંચ વર્ષના આઇટી રિટર્ન્સ, બેન્ક સ્ટટમેન્ટ રજૂ કરો.

૦૬.) જો તમને કોઈએ ગિફ્ટ આપી હોય તો એ વ્યક્તિ અને તમારો શું સંબંધ છે? એણે તમને ગિફ્ટ શા માટે આપી? એ વ્યક્તિ આગળ ગિફ્ટ આપવાના પૈસા ક્યાંથી આવ્યા? એના છેલ્લાં પાંચ વર્ષના આઇટી રિટર્ન્સ અને બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરો. ગિફ્ટ ટેક્સ ભર્યો છે? પુરાવાઓ દેખાડો.

૦૭.) તમારું પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, તમારી જોડે જે લોકો ડિપેન્ડન્ટ વિઝાની અરજી કરે છે એમના પેન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, તમારા બધાના જ બર્થ સર્ટિફિકેટ, મેરેજ સર્ટિફિકેટ, ડિગ્રી-ડિપ્લોમા સર્ટિફિકેટ, છેલ્લાં પાંચ વર્ષના આઇટી રિટર્ન્સ અને બેન્ક સ્ટેટમેન્ટ, દરેક વ્યક્તિનો વ્યવસાય, આ સર્વે દર્શાવતા પુરાવાઓ રજૂ કરો.

૦૮.) તમે અમેરિકા જઈ શું કરશો? ક્યાં રહેશો? ત્યાં તમારું કોઈ અંગત સગું રહે છે?

૦૯.) અમેરિકા જશો તો ઇન્ડિયામાં તમારું જે રહેઠાણ છે, બિઝનેસ છે, જે પ્રોપર્ટી છે એ સર્વેનું શું કરશો?

૧૦.) સાથે કેટલા પૈસા લઈ જશો? તમારો અને તમારી જોડે ડિપેન્ડન્ટ વિઝાની અરજી કરનારાઓનો લાઈફ અને મેડિકલ ઇન્સ્યોરન્સ છે? અમેરિકામાં જો માંદા પડશો તો મેડિકેરની મદદ લેશો?

આવા આવા રોકાણના પૈસા ક્યાંથી આવ્યાથી માંડીને તમને લગતા અંગત સવાલો પણ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવી શકે છે. હવેથી તેઓ તમારા ઈ-મેઇલ અને વૉટ્સઍપ તેમ જ ફેસબુક ઉપર મૂકેલ મેસેજ પણ ચેક કરે છે. તમે ભલે પાંચ લાખ ડૉલરનું રોકાણ કર્યું હોય પણ એ પૈસા પાછા મળે કે ન પણ મળે અને મળે તો એ મળતાં સહેજેે પાંચ-સાત વર્ષ લાગે, ત્યાં સુધીમાં તમે અમેરિકાને માથે ન પડો, પબ્લિક ચાર્જ ન બનો એ વાતની ખાતરી ઇન્ટરવ્યૂમાં કોન્સ્યુલર ઓફિસરો કરશે. જો તમે પૂરતી તૈયારી સાથે ઇન્ટરવ્યૂમાં જશો અને આત્મવિશ્વાસપૂર્વક ઓફિસરના સવાલોના જવાબો આપશો તો કદાચ પાંચ-સાત સવાલો પૂછીને જ તમને વિઝા આપી દેવામાં આવશે. અન્યથા તમારો ઇન્ટરવ્યૂ ખૂબ લાંબો પણ ચાલે. આથી પૂરતી તૈયારી કરીને ઇન્ટરવ્યૂમાં જજો.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »