તમારા માટે, તમારી સાથે, સતત…

રામજન્મભૂમિ આંદોલનમાં આરએસએસની ભૂમિકા

અયોધ્યામાં રામજન્મભૂમિને પાછી મેળવવા માટે ઈ.સ. ૧૫૨૮થી જ સતત સંઘર્ષ ચાલી રહ્યો હતો.

0 91
  • કવર સ્ટોરી – ચંપતરાય

અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર વિવાદનો ચુકાદો આવી ગયા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પત્રકાર પરિષદમાં જે નિવેદન કર્યું અને પ્રશ્નોત્તરી દરમિયાન જે જવાબ આપ્યા તેમાં એક મહત્ત્વની વાત એ હતી સંઘ આ પ્રકરણમાં અપવાદ રૃપ રીતે પ્રત્યક્ષ રીતે મંદિર આંદોલનમાં સક્રિય રહ્યો. તેનું એક કારણ એ રહ્યું કે ભાગવતના પુરોગામી સરસંઘચાલકના સમયમાં સંઘ તેમાં સામેલ થયો હતો એટલે આખર સુધી રહ્યો. હવે પછી સંઘ પ્રત્યક્ષ રીતે આવા કોઈ આંદોલનમાં સામેલ નહીં થાય અને વ્યક્તિ નિર્માણના તેના કાર્યમાં લાગી જશે. ભાગવતનું નિવેદન મથુરા અને કાશી વિશ્વનાથ મંદિરના સંદર્ભમાં હતું, અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર આંદોલનમાં સંઘ કઈ રીતે સામેલ થયો અને તેની શું ભૂમિકા રહી એ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ચંપતરાયનો આલેખ…

અયોધ્યામાં રામજન્મભૂમિને પાછી મેળવવા માટે ઈ.સ. ૧૫૨૮થી જ સતત સંઘર્ષ ચાલી રહ્યો હતો. ઇતિહાસનાં પુસ્તકોમાં ૭૫ લડાઈનાં વર્ણનો છે. ૧૯૩૪ની લડાઈ તો આધુનિક કાળની છે એથી સૌ જાણે છે. ૧૯૪૯માં અયોધ્યાના નવયુવાનો દ્વારા એ સ્થાન કબજે કરી લેવાની વાત તો ગઈકાલની ઘટના જેવી છે. તેમાંના કેટલાક આજે પણ જીવિત છે. આમ છતાં સંસાર એવું માને છે કે વિશ્વ હિન્દુ પરિષદે રામજન્મભૂમિની લડાઈ લડી અને તેનું નેતૃત્વ દિવંગત અશોક સિંઘલે કર્યું પરંતુ અશોક સિંઘલ શું કહેતા હતા? વાત જૂની છે. અશોકજીએ કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ એકલું કશું નથી. આરએસએસની શક્તિ જ પરિષદની શક્તિ છે. જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તેમાંથી બાદબાકી કરવામાં આવે તો શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી જે સ્થિતિ થાય એવી અવસ્થા અમારી થઈ જાય. સંઘનું કાર્ય તો વ્યક્તિ નિર્માણનું કાર્ય છે. સંઘના સ્વયંસેવકો સમાજ જીવનમાં આવાં કાર્યો કરે છે. રામજન્મભૂમિ આંદોલનમાં સ્વયંસેવકોની આવી ભૂમિકા, આ જ આહુતિ રહી છે.

Related Posts
1 of 70

મેં વાંચ્યું છે કે જાન્યુઆરી ૧૯૮૩માં અલ્હાબાદમાં (હવે પ્રયાગરાજ) સંઘનો એક શીત શિબિર યોજાયો હતો. એ શિબિરમાં તત્કાલીન સરસંઘચાલક બાળાસાહેબ દેવરસ આવ્યા હતા. શિબિર સમાપ્તિ પછી કેટલાક પ્રચારકો બેઠા હતા, વાતચીત ચાલતી હતી, બાળાસાહેબે પૂછ્યું કે, ‘સાંભળ્યું છે કે અયોધ્યામાં રામજન્મભૂમિ પર તાળાં લાગ્યાં છે?’ એ વિસ્તારના પ્રચારકે ઊભા થઈને કહ્યું કે, ‘હા, એ વાત સાચી છે.’ બાળાસાહેબે કહ્યું કે, ‘ક્યાં સુધી તાળાં રહેશે?’ અને એ વાત ત્યાં જ પૂરી થઈ ગઈ હતી.

વિશ્વ હિન્દુ પરિષદે રામજન્મભૂમિ મુક્તિનું કામ પોતાના હાથમાં લીધું તેનું આ બીજારોપણ હતું. અયોધ્યામાં ભગવાનની જન્મભૂમિ પર તાળાં લાગ્યાં છે એ મેસેજ ગામે ગામ પહોંચાડવો જોઈએ, જનતાને જણાવવું જોઈએ, એ માટે એક રથયાત્રા શરૃ કરવાનો નિર્ણય થયો, પરંતુ એ કોણ શરૃ કરે? કોણ વ્યવસ્થા કરશે? લોકોને કોણ બોલાવશે? કાર્યક્રમ કોણ કરશે? આ કામ સંઘના સ્વયંસેવકોએ કર્યું, પહેલાં એક રથ ચાલ્યો, પછી છ રથ ચાલ્યા. ઉત્તર પ્રદેશમાં વ્યાપક જનજાગરણ થયું. પરિણામે તાળાં ખૂલી ગયાં.

મને એ પણ યાદ  છે કે સંઘના પ્રાંતોના અગ્રણી પ્રચારકગણ અને અખિલ ભારતીય અધિકારીઓ બેઠા હતા. રામજન્મભૂમિની ચર્ચા ચાલી રહી હતી. બધા પોતપોતાની વાત કરતા હતા. મેં સાંભળ્યું છે તે મુજબ એ વખતે બાળાસાહેબ દેવરસે કહ્યું હતું કે સારી રીતે વિચારી લો. જો આ અભિયાનને હાથમાં લેશો તો પછી પાછા ફરવાનો રસ્તો નથી. પછી તો સફળતા મળવી જ જોઈએ. હિન્દુ સમાજનું સમ્માન ઊંચે ઊઠવું જોઈએ અને ગહન વિચાર વિમર્શ પછી સમગ્ર દેશના કાર્યકર્તાઓએ સામૂહિક સંમતિ વ્યક્ત કરી હતી. સંભવતઃ આ ઘટના રાજસ્થાનના કોઈ શહેરની છે જ્યાં એ સમયે સંઘની બેઠક ચાલતી હતી. અશોકજી એ બેઠકનો માત્ર એક હિસ્સો હતા. આ રીતે રામજન્મભૂમિ આંદોલન સંઘના સ્વયંસેવકોનું, સ્વાભિમાની હિન્દુઓનું અને હિન્દુઓના પ્રતીક રૃપ આરએસએસની શક્તિ અથવા એક સંસ્થા તરીકે સંઘનું કાર્ય બન્યું.

(લેખક વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી છે)
———————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »