તમારા માટે, તમારી સાથે, સતત…

અયોધ્યાઃ સુપ્રીમ નિર્ણય – સર્વોચ્ચ અદાલતે આપ્યો દીર્ઘદ્રષ્ટિભર્યો ચુકાદો

અલ્હાબાદ હાઈકોર્ટે રામજન્મભૂમિના ત્રણ ભાગ પાડ્યા હતા તેને પણ સર્વોચ્ચ અદાલતે નકારીને આવનારી શતાબ્દીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તેનું ધ્યાન રાખ્યું છે

0 142
  • કવર સ્ટોરી – ડૉ. જયેશ શાહ

૧૭ નવેમ્બરે નિવૃત્ત થઈ રહેલા મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે સદીઓથી ચાલતા વિવાદ અને સંઘર્ષ પર કાયમી પૂર્ણવિરામ મૂકતો ચુકાદો આપી એક ઐતિહાસિક કાર્ય સંપન્ન કર્યું છે. ઘણા બધા વિદ્વાનોને જેનો સર્વસંમત નિર્ણય અસંભવ લાગતો હતો તેને સંભવિત કરી બતાવ્યું. એ અર્થમાં સર્વોચ્ચ અદાલતના આ ન્યાયાધીશોએ અસંભવની આરાધના સફળતાપૂર્વક પાર પાડી છે. એકંદરે દેશના મુસ્લિમ સમુદાયે અને દેશ-દુનિયાએ આ નિર્ણયને ઉત્સાહભેર આવકારી અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ ચુકાદાની ભારતના સાંસ્કૃતિક, સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રો પર તેમજ એકંદરે નાગરિક જીવન પર વ્યાપક દૂરગામી વિધાયક, સકારાત્મક અસરો થવાની છે, ત્યારે રાષ્ટ્ર જીવન સાથે અભિન્ન રીતે સંકળાયેલી આ ઘટનાનાં મહત્તમ પાસાંઓને આવરી લેતા આલેખ વાચકોને તેની અખિલાઈ કહેતાં સમગ્રતામાં સમજવામાં ઉપયોગી બનશે.

રામજન્મભૂમિ બાબરી મસ્જિદના શતાબ્દીઓથી ચાલતા વિવાદનો આખરે સુખદ અંત આવ્યો. ભારતની સર્વોચ્ચ અદાલતે દીર્ઘદ્રષ્ટિથી ભરપૂર ચુકાદો આપ્યો. સર્વોચ્ચ અદાલતે આવનારી સદીઓમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો ન થઈ શકે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો છે. બે મુખ્ય ધર્મો વચ્ચે ચાલતા વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે તટસ્થતા જાળવીને કેવી રીતે ન્યાય આપી શકાય તે અંગે આ ચુકાદાને સમગ્ર વિશ્વમાં એક ‘લેન્ડમાર્ક જજમેન્ટ’ તરીકેનું સ્થાન પ્રાપ્ત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ઐતિહાસિક તથ્યો તથા ધાર્મિક આસ્થાનો ભારતના બંધારણ અને દેશના કાયદા સાથે તુલનાત્મક અભ્યાસ કરીને તમામ પક્ષકારોને વિવાદમાં તેમનું સ્થાન ક્યાં છે તે અંગે દિશાસૂચન કરી દઈને ભારતની સર્વોચ્ચ અદાલતે દેશમાં સંવાદનું અને સૌહાર્દનું વાતાવરણ બની રહે તેનું વિશેષ ધ્યાન રાખ્યું છે.

વિશ્વ ધર્મ સંસદના એમ્બેસેડર તરીકે ચુકાદો જાહેર થયાના પ્રથમ કલાકમાં જ મારું નિવેદન આપતાં સૂચન કર્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા સૂચિત નવું ટ્રસ્ટ ભવ્ય રામમંદિરનું નિર્માણ કરે તેની સાથે-સાથે જે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવી છે તે જગ્યા ઉપર ભવ્ય મસ્જિદના નિર્માણમાં પણ મદદરૃપ થાય. જો આમ થશે તો સમગ્ર દુનિયામાં ભારત વિવિધતામાં ધાર્મિક સૌહાર્દતા અને સંવાદિતતા માટે એક ઉદાહરણરૃપ બની શકશે. દીર્ઘદ્રષ્ટિભર્યો ચુકાદો ઃ ચાર મુખ્ય મુદ્દા

*           હિન્દુ પરંપરામાં ભગવાનના સ્વરૃપને એવી રીતે જીવિત વ્યક્તિ તરીકે માન્યા છે કે જેમના અધિકાર અને જવાબદારી પણ હોય છે. ભગવાનનું સ્વરૃપ સંપત્તિનું માલિક પણ હોઈ શકે છે. ભગવાનનું સ્વરૃપ કોઈ પણ વ્યક્તિ ઉપર કે સંસ્થા ઉપર કેસ કરી શકે છે અથવા ભગવાનના સ્વરૃપ સામે કેસ નોંધાવી શકાય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં હિન્દુ પરંપરાનો ખ્યાલ રાખીને રામજન્મભૂમિનો માલિકી હક્ક ‘રામલલ્લા વિરાજમાન’ને (સ્વયં ભગવાન રામના સગીર સ્વરૃપ) આપ્યો છે. આમ કરીને ભારતની સર્વોચ્ચ અદાલતે આવનારી શતાબ્દીઓમાં હિન્દુ ધર્મના કોઈ ‘અખાડા’ કે કોઈ ‘પરિષદ’ કે કોઈ ‘મહંત’ કે કોઈ ‘મહા-મંડલેશ્વર’ કે તેવા ‘અન્ય કોઈ’ રામજન્મભૂમિ ઉપર સીધો અથવા આડકતરો માલિકી હક્ક માટેનો દાવો ન કરી શકે તેવી જોગવાઈ કરી દીધી છે. આ અંતર્ગત જ મંદિર ઉપર નિયંત્રણ અને સેવા કરવાના હક્કની નિર્મોહી અખાડાની અરજી ફગાવી દીધી છે અને શ્રીરામજન્મભૂમિ ન્યાસનું પત્તું પણ કાપી નાખ્યું છે.

*           રામલલ્લા વિરાજમાન’ (સ્વયં ભગવાન રામના સગીર સ્વરૃપ) માટે મંદિરના બાંધકામ, મૅનેજમૅન્ટ, વિકાસ અને દેખરેખ માટે એક ટ્રસ્ટ બનાવવાની જોગવાઈ ચુકાદામાં કરવામાં આવી છે. આ ટ્રસ્ટ કેન્દ્ર સરકાર ત્રણ મહિનાની અંદર બનાવશે અને તે અંગે એક ‘સ્કીમ’ પણ બનાવશે. આ સ્કીમ અંતર્ગત બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની સ્થાપના કરવામાં આવશે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ કરવાનો હુકમ ચુકાદામાં કરવામાં આવ્યો છે. શ્રીરામજન્મભૂમિ ન્યાસ કે જે છેલ્લાં ત્રીસ વર્ષથી ભવ્ય રામમંદિરના નિર્માણ માટે પથ્થરોની કોતરણીનું કામ કરી રહ્યું હતું તેને હવે કોઈ કાયદેસરનું સ્થાન મળ્યું નથી. શ્રીરામજન્મભૂમિ ન્યાસ હકીકતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કંટ્રોલમાં હતું. સર્વોચ્ચ અદાલતે આમ કરીને હિન્દુ સંગઠનોમાં રહેલા કટ્ટરવાદીઓને નકારી કાઢીને આડકતરી રીતે કટ્ટરવાદ તરફ લાલ આંખ બતાવી દીધી છે એમ આ ચુકાદા પછી કહી શકાય.

Related Posts
1 of 262

*           અલ્હાબાદ હાઈકોર્ટે રામજન્મભૂમિના ત્રણ ભાગ પાડ્યા હતા તેને પણ સર્વોચ્ચ અદાલતે નકારીને આવનારી શતાબ્દીમાં કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. સુન્ની વકફ બોર્ડ, શિયા વકફ બોર્ડ કે હિન્દુઓનાં અન્ય સંગઠનો જેવા કે શ્રીરામજન્મભૂમિ ન્યાસ, નિર્મોહી અખાડા કે હિન્દુ મહાસભાના સીધા કે આડકતરા દાવાને ફગાવીને સમગ્ર ભૂમિ ‘રામલલ્લા વિરાજમાન’ના નામે કરીને માલિકી હક્કોના વિવાદો ઉપર પડદો પાડી દીધો છે.

*           શિયા વકફ બોર્ડનો દાવો તો બિલકુલ ફગાવી દીધો, પરંતુ ભારતની સર્વોચ્ચ અદાલતે ભારતમાં રહેલા ૨૦ કરોડથી વધારે મુસ્લિમોની ભાવનાઓ અને લાગણીઓને ધ્યાનમાં રાખીને હાલની સમગ્ર ભૂમિ ‘રામલલ્લા વિરાજમાન’ના નામે કર્યા પછી પણ સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં જ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનો હુકમ કર્યો છે. આ હુકમ દેશમાં સૌહાર્દ અને સંવાદિતતાનું વાતાવરણ ઊભું કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું રાજકીય વિશ્લેષણ
૧૫૨૮માં અયોધ્યામાં રામજન્મ સ્થળે બાબરી મસ્જિદનું નિર્માણ થયું ત્યારથી જ વિવાદની શરૃઆત થઈ હતી. ૧૮૧૩માં હિન્દુ સંગઠનો દ્વારા વિવાદી જમીન ઉપર દાવો કર્યો હતો. ૧૮૫૯માં બ્રિટિશ સરકારે તારની વાડ બાંધીને વિવાદિત ભૂમિને બે ભાગમાં વહેંચીને અંદરના હિસ્સામાં ઇબાદત અને બહારના હિસ્સામાં પૂજા કરવાના અધિકાર આપ્યા હતા. ત્યાર બાદ ૧૮૮૫માં સૌથી પ્રથમ વખત બ્રિટિશ કોર્ટમાં મંદિર બનાવવા માટે મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. ૧૯૩૬માં શિયા અને સુન્ની વચ્ચે મસ્જિદના હક્ક અંગે વિવાદ ઊભો થયો હતો. ૧૯૪૯માં રામલલ્લાનું સ્વરૃપ મુકીને પૂજાની શરૃઆત કરતાં જ તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તે સ્વરૃપ હટાવી લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેને અમલી કરી શકાયો ન હતો. મુસ્લિમો નમાઝ પઢવાનું બંધ કરીને કોર્ટમાં ગયા હતા. ૧૮ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ કોર્ટે રામલલ્લાની પૂજાની મંજૂરી આપી હતી. ત્યાર બાદ ૧૯૬૧માં સુન્ની વકફ બોર્ડે મસ્જિદ માટે અને રામલલ્લાના સ્વરૃપને હટાવવા માટે કોર્ટમાં કેસ કર્યો. ત્યાર બાદ ફરી એક વખત ૧૯૮૬માં ફૈઝાબાદની કોર્ટે રામલલ્લાની પૂજાની મંજૂરી આપીને તાળાં ખોલવાનો આદેશ આપ્યો. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તાળાં ખોલવાની મંજૂરી આપી, પરંતુ આખરે બાબરી મસ્જિદ એક્શન કમિટીના દબાણને તાબે થઈને તાળાં પરત મારવા પડ્યાં.

આ વિવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ૧૯૮૫ પછી ખૂબ જ સક્રિયતાથી ઝુકાવ્યું. તેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષનો વ્યાપક ટેકો પ્રાપ્ત થયો. હિન્દુઓને વિભાજિત કરીને મુસ્લિમોનો સાથ લઈને એક તુષ્ટિકરણનું રાજકારણ કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત અનામત આંદોલન કરવામાં આવ્યું. તે સામે વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુઓને સંગઠિત કરવા માટે સૌથી પ્રથમ શ્રીરામશિલાપૂજનનો કાર્યક્રમ આપીને રામજન્મભૂમિ અંગે એક વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવ્યું. ૧૯૮૪માં ભાજપને માત્ર બે બેઠકો પ્રાપ્ત થતાં એક વ્યૂહરચના અંતર્ગત રામજન્મભૂમિમાં ભવ્ય મંદિર માટેનું અભિયાન શરૃ કરીને અનામતના’મંડલ’ વિરુદ્ધ હિન્દુઓને સંગઠિત કરવા માટે ‘કમંડલ’ની રાજનીતિની શરૃઆત થઈ. કોંગ્રેસ તથા અન્ય દળો દ્વારા અનામત આંદોલનમાં હવા ફૂંકીને હિન્દુઓને વિભાજિત કરવાની રમત રમવામાં આવી તેની સામે ભાજપે હિન્દુઓને સંગઠિત કરવા માટે રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદને હવા આપી. ૧૯૯૦ અને ૧૯૯૨ એમ બે વખત રામજન્મભૂમિ માટે સોમનાથથી અયોધ્યાની રથયાત્રા લાલકૃષ્ણ અડવાણી દ્વારા કાઢવામાં આવી. તેનાથી હિન્દુઓ સંગઠિત થતાં ભાજપને તેનો સીધોલાભ ચૂંટણીઓમાં પ્રાપ્ત થયો.

આઝાદી પછીના સિત્તેર વર્ષમાં આ મુદ્દાને કારણે હજારો લોકોનાં મોત થયાં તથા હિન્દુ અને મુસ્લિમો વચ્ચે બહુ મોટી ખાઈ પડી ગઈ. વારંવાર થતાં કોમી તોફાનોના કારણે અબજો રૃપિયાની સંપત્તિ સ્વાહા થઈ ગઈ. ૩૭૦મી કલમ અને અયોધ્યા – આ બે વિકટ પ્રશ્નોનું નિરાકરણ થઈ જતાં હવે હિન્દુઓ અને મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાની રાજનીતિના યુગનો અંત આવશે ‘ને હવે દેશમાં સૌહાર્દ અને સંવાદિતતાનો એક નવો યુગ શરૃ થઈ શકે છે.

અંતમાં…
અયોધ્યા જેવા વિકટ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે અને એક પણ જગ્યાએ કાંકરીચાળો થયા વગર સમગ્ર દેશે જે ઐતિહાસિક સૌહાર્દ અને સંવાદિતતા બતાવી છે તે કાબિલેતારીફ છે. સમગ્ર વિશ્વને ભારતના હિન્દુઓ અને મુસ્લિમોએ આવા સમયે એક રહીને દર્શાવી દીધું છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની તાકાત અમારામાં છે. અમને વિશ્વની કોઈ તાકાત જુદા પાડીને વિખવાદ કરાવી શકશે નહીં. હવે દેશના ૧૩૦ કરોડ નાગરિકોએ બતાવેલા સૌહાર્દને જાળવવાની જવાબદારી દેશના રાજકીય નેતાઓ, ધર્મગુરુઓ અને મૌલવીઓ ઉપર છે. આવનારા સમયમાં આમાંના કોઈએ પણ તેમની ‘લુઝ ટૉક’ દ્વારા વાતાવરણને ડહોળવાની કોશિશ ન કરવી જોઈએ. સૌએ પોતપોતાની આગવી ઓળખ જાળવીને દેશમાં સૌહાર્દ અને સંવાદિતતા જાળવવાના છે. આપણે સૌ ભારતીયો એક છીએ અને એક જ રહેવાના છીએ – આ સંદેશ સમગ્ર વિશ્વને આપવાનો છે. હવે બાકી રહેલા યુનિફોર્મ સિવિક કોડ જેવા વિવાદિત પ્રશ્નોના પણ આવનારા સમયમાં સૌહાર્દપૂર્ણ નિરાકરણ લાવીને દેશના ૧૩૦ કરોડ નાગરિકોએ એક નવા ભારતનું નિર્માણ કરવા માટે મચી પડવાનું છે અને ભારતને આર્થિક મહાસત્તા બનાવીને વિશ્વગુરુના સ્થાને પહોંચાડવામાં યોગદાન આપવાનું છે.
————————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »