તમારા માટે, તમારી સાથે, સતત…

મેં નાટક દ્વારા મળતા રૃપિયા દાનમાં જ વાપર્યા છેઃ યઝદી કરંજિયા

પારસીઓ જન્મજાત હસમુખા હોય છે. કહેવાય છે કે પારસી પયગંબર અશો જરથુષ્ટ્રનો જન્મ થયો ત્યારે તેઓ હસતાં હતા.

0 435
  • રૃબરૃ – સંધ્યા ભટ્ટ

૩ માર્ચ, ૧૯૩૭ના રોજ વલસાડમાં જન્મ. નામ, યઝદી કરંજિયા. ગત પેઢીએ જોયેલા પારસી થિયેટરના આ શ્રેષ્ઠ રંગકર્મી અત્યારે પણ ૮૨ વર્ષની ઉંમરે થિયેટરમાં સક્રિય છે. તળ સુરતના ભાવનગરી સ્ટ્રીટ, વાંકી બોરડી, શાહપોરના ત્રણ માળના આવાસમાં તેમના દીવાનખંડમાં રેડિશ બ્રાઉન કલરના શર્ટ અને કૉફી કલરના પેન્ટમાં શર્ટ-ઇન સાથે સજ્જ યઝદીને જોતા કોઈ ન કહે કે આ કલાકાર ૮૦ વર્ષ વટાવી ગયા હશે. તમે જ્યારે પણ યઝદીને જુઓ ત્યારે તે હંમેશાં તમને વૅલડ્રેસ્ડ જોવા મળશે. યઝદી અને તેમના ભાઈ મહેરનોશનો સંયુક્ત પરિવાર આ બંગલામાં રહે છે. તેમના પરિવારના મોટા ભાગના સભ્યો થિયેટર સાથે સંકળાયેલા છે. આજે પણ યઝદી મહિનામાં થિયેટર માટે મહિનામાં ત્રણવાર બહારગામનો પ્રવાસ કરે છે. નખશિખ રંગકર્મી અને છતાંય નાટકમાંથી એક રૃપિયો પણ પોતાના માટે નહીં વાપરવાનો આવું એમને વ્રત છે.

નાટકમાં યઝદીનો પ્રવેશ પણ નાટકીય ઢબે થયો હતો. યઝદીના પિતા નૌશિર ટ્યૂશન ચલાવતાં, તેનું વાર્ષિક સંમેલન થતું ત્યારે ગરબા, ગીત, નાટક વગેરે થતાં. સર જે. જે. હાઈસ્કૂલની ઉજવણી થતી ત્યારે પણ નૌશિર નાટક કરાવતા. અલબત્ત, તેમાં યઝદીનેે એકેય પાત્ર અપાતું નહીં. યઝદીએ આ ફરિયાદ ખંભાત રહેતાં તેમના દાદાને પત્ર લખીને કરી. એ પછી પણ યઝદીને માત્ર પ્રાર્થનાગીત અપાયું. એકવાર બન્યું એવું કે જે. જે. હાઈસ્કૂલની સુવર્ણ જયંતીની ઉજવણીના પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી નાટક ભજવવાનું હતું. આ એ સમયની વાત છે કે જે વખતે નાટકમાં છોકરીઓ ભાગ નહોતી લેતી. સ્ત્રીપાત્રો પણ છોકરાઓએ જ ભજવવાનાં રહેતાં. નાટકના મંચનના આગલા દિવસે સ્ત્રીપાત્ર ભજવનાર છોકરો આવ્યો નહીં. કેટલાંકે નાટક રદ કરવાનું સૂચન કર્યું, પણ યઝદીના પિતાએ કહ્યું કે નાટક કાર્યક્રમનો આત્મા કહેવાય, તેને રદ ન કરાય. તેમણે યઝદીને પૂછ્યું, ‘તું આ પાત્ર ભજવીશ?’ બંદા તો તૈયાર જ હતા. યઝદી કહે છે, ‘આમ પહેલીવાર રંગભૂમિ પર મારો પ્રવેશ થયો, પણ પ્રેક્ટિસ દરમિયાન ઘણી વખત મારાથી ‘આવી’ને બદલે ‘આવ્યો’ બોલાઈ જતું. જે થોડી ધોલધપાટ થયા પછી સરખું થયું હતું. એ સ્ત્રીપ્રધાન કૉમૅડી નાટક હતું, જેમાં બધાંને બહુ મજા પડેલી.’

ભૂતકાળમાં સરી પડતા યઝદી એ નાટક સાથે જોડાયેલી સ્મૃતિને ઢંઢોળે છે. યઝદી કહે છે, ‘નાટક પૂરું થયા પછી કોઈ મને ઊંચકી લેતું, કોઈ ચૂમી લેતું. એક પ્રૌઢાએ તો મને ધન્યવાદ આપતાં કહ્યંુ કે, ‘મારા પતિ આ જ શાળાના વિદ્યાર્થી હતા. તે આ કાર્યક્રમમાં આવવાના હતા, બધા માટે તેમણે ગિફ્ટ પણ ખરીદી રાખેલી, પણ અચાનક તેમનું અવસાન થઈ ગયું. મને થયું કે તેમણે ખરીદેલી ગિફ્ટ બધાંને આપી આવું અને એમની આખરી ઇચ્છા પુરી કરું. એટલે હું અહીં આવી. અભિનય વડે તેં મને ખૂબ આનંદ કરાવ્યો છે, આ જ રીતે હસતો અને હસાવતો રહેજે.’ – બસ, આ ઘટના પછી મેં નક્કી કર્યું કે જો મને ભવિષ્યમાં નાટક ભજવવાની તક મળશે તો માત્ર કૉમૅડી નાટકો જ ભજવીશ. પાંચસો-છસો પ્રેક્ષકોમાંથી કોઈ દુઃખીને હસાવી શકું તો પણ મારું નાટક સફળ!’

પારસીઓ જન્મજાત હસમુખા હોય છે. કહેવાય છે કે પારસી પયગંબર અશો જરથુષ્ટ્રનો જન્મ થયો ત્યારે તેઓ હસતાં હતા. ત્યારથી હસવું અને હસાવવું પારસીનો જન્મસિદ્ધ અધિકાર બની ગયો છે. હાસ્ય પારસીઓના લોહીમાં હોય છે, માટે જ સ્ટેજ પર તેને પેદા કરવા માટે તેમને કદી પ્રયત્ન નથી કરવો પડ્યો.

યઝદીએ અનેક પડકારજનક ભૂમિકાઓ કરી, પડકારજનક નાટકો કર્યા. એક પ્રસંગ લઈએ. સુરતમાં કે.પી. કોમર્સ કૉલેજમાં ભણતા યઝદીને ત્યારે રાષ્ટ્રીય કક્ષાના યૂથ ફેસ્ટિવલમાં કૉલેજ તરફથી ચં.ચી. મહેતાનું નાટક ભજવવા કહ્યું જેમાં ૪૦ પાત્રો હતાં. આટલાં પાત્રો લાવવા ક્યાંથી? આથી યઝદીએ પ્રોફેસરને કહ્યા વિના જ બીજું નાટક તૈયાર કરી નાંખ્યું. પહેલાં તો તેઓ ખિજાયા, પણ પછી યઝદીનુંં કામ જોયું અને ખુશ થયા. યઝદી કહે છે, ‘સ્પર્ધામાં નાટક વિજેતા બન્યું એટલે ત્યાંથી અમદાવાદમાં યુનિવર્સિટીના ઓપન થિયેટરમાં ભજવાયું. જેમાં જયશંકર સુંદરી જજ હતા. ફાઇનલ બાદ નિર્ણાયક તરીકે તેમણે અમારું નાટક શ્રેષ્ઠ હોવાની જાહેરાત કરી એટલે મેં ખુશ થઈને તેમના ગાલે ચુંબન કરી લીધું! તેમણે પૂછ્યું, ‘આ વહાલ જજના નિર્ણયને હતું કે સુંદરીને?’ મેં તરત તેમના બીજા ગાલે ચુંબન કરીને કહ્યું, ‘પેલું જજને હતું, આ સુંદરીને..’ એ પછી અમે દિલ્હી ગયાં, જ્યાં નાટકને ત્રીજું ઇનામ મળ્યું અને મને “બેસ્ટ ઍક્ટર”નું ઇનામ. ત્યાર બાદ પાછું વળીને જોયું નથી.’ યઝદીના પિતાએ કહેલું કે નાટક કાર્યક્રમનો આત્મા કહેવાય અને સાથે યઝદીને આ જ સંદર્ભમાં એક મૂલ્યવાન શીખ આપી હતી. મનોમસ્તિષ્ક પર કાયમ તાજી રહેતી એ શીખ વિશે યઝદી કહે છે,  ‘મારા પિતાએ મને કહેલું કે નાટકના પૈસા કદી લઈશ નહીં, તેને કદી ધંધો ન બનાવીશ. માટે આજ દિન પર્યંત મેં નાટક દ્વારા મળતાં રૃપિયા દાનમાં જ વાપર્યા છે.’

Related Posts
1 of 319

યઝદીએ અદી મર્ઝબાનના ‘બહેરામ’ સિરીઝનાં નાટકો કર્યા હતા અને તે બહુરાજ્યો અને બહુરાષ્ટ્રોમાં ભજવાયાં અને ભારે પ્રશંસા પામ્યા હતા. ‘બહેરામ’ સિરીઝનું પહેલું નાટક પણ યઝદીને નાટકીય ઢબે મળ્યું હતું. બન્યું એમ કે યઝદી મર્ઝબાન પાસે મુંબઈ એક નાટકની સ્ક્રિપ્ટ લેવા ગયા. મર્ઝબાને યઝદી પાસે રૉયલ્ટીના ૨૫ રૃપિયા માંગ્યા. યઝદી કહે છે, ‘ત્યારે મારા ગજવામાં માત્ર ૧૮ રૃપિયા હતા. મેં હકીકત કહી તો અદી મર્ઝબાન કહે, “ચાલ કંઈ નહીં. તારી પાસેથી પૈસા નથી લેતો.” એ સ્ક્રીપ્ટ ‘વાહ રે બહેરામ’ નાટકની હતી. એ મુલાકાત પછી અમે બહેરામ નાટકોની સિરીઝ કરી. જે ગુજરાત ઉપરાંત દિલ્હી, કલકાતા, મુંબઈ, મદ્રાસમાં પણ ભજવાઈ હતી. પછી તો વિદેશોમાં સિંગાપૉર, પાકિસ્તાન, અમેરિકા પણ ગયાં.’

યઝદીના સેંકડો નાટકો લોકોને ‘બહેરામની સાસુ’ અને ‘કૂતરાની પૂંછડી વાંકી’ વધારે ગમે છે. યઝદીને તેમના નાટક ‘રૃસ્તમજી ઘોડે ચડ્યા’ પર મને ઘણી અપેક્ષાઓ હતી, પણ તે બહુ ન ચાલ્યું. યઝદી કહે છે, ‘નાટકમાંથી ઘણુ શીખવા મળતું હોય છે. મારા નાટકોમાં હું દિગ્દર્શક હોવા છતાં સહકલાકારોને તેમનો મત રજૂ કરવા કહું છું. ઓડિયન્સમાંથી પણ ઘણુ શીખવા મળે છે.’

ખ્યાતનામ નાટ્યકાર ચં.ચી. મહેતા સાથે યઝદીએ ૩૦૦થી વધુ રેડિયો નાટિકાઓ કરેલી. ચં.ચી. સાથેની સ્મૃતિ વાગોળતા યઝદી કહે છે, ‘ચં.ચી. જ્યારે પણ વડોદરાથી મુંબઈ જવાના હોય ત્યારે અગાઉથી મને પોસ્ટકાર્ડ લખીને જાણ કરતા. પોસ્ટકાર્ડમાં તેમની ગાડી, ડબ્બો અને સીટ નંબર લખેલો હોય. હું અને વીરા (યઝદીનાં પત્ની) સુરત સ્ટેશને તેમના માટે ચા અને જાતભાતનું ખાવાનું લઈને મળવા જતા. તેમને ખાવાનો જબરો શોખ હતો.’

વીરાની વાત નીકળી તો યઝદીનાં લગ્ન વિશે પણ વાત કરી લઈએ. વીરા યઝદીના કાકાની દીકરી થાય. યઝદી કહે છે, ‘તે ખૂબ સુંદર હતી, જ્યારે આપણે તો આવા જ. તે અંગ્રેજી માધ્યમમાં કોન્વેટમાં ભણેલી, જ્યારે હું શુદ્ધ ગુજરાતી માધ્યમમાં. મને તે પહેલેથી ગમતી, પણ કશું કહેવાની હિંમત ચાલતી નહોતી. મારા કાકા ઈગતપુરી (કલ્યાણ અને નાસિક વચ્ચે- હાલ વિપશ્યના કેન્દ્ર તરીકે વિશ્વવિખ્યાત)માં અમારા પારસી મંદિરના પૂજારી હતા. એકવાર મારાં દાદીને ટી.બી. થયો એટલે હવાફેર માટે અમારે ઈગતપુરી જવાનું થયું. ત્યાં દાદીએ કાકાને કહ્યું કે, વીરાને યઝદી સાથે જ પરણાવીએ, તેને આપણા ઘરમાં જ રાખવી છે. આમ દાદીની ઇચ્છાથી મારી ઇચ્છા પણ પુરી થઈ ગઈ અને ૨૨ મે, ૧૯૬૧ના રોજ અમારા લગ્ન થઈ ગયાં.’ (આ સાથે જ આસમાની રંગના ડ્રેસમાં સજ્જ વીરાના ચહેરા પર એક અલગ પ્રકારની સુર્ખી ઉપસી આવે છે.)

અનેક ઍવૉર્ડથી વિભૂષિત યઝદીને જોતા લાગે છે કે જેમ તેમનું સન્માન થતું ગયંુ તેમ તેઓ વધુ નમ્ર થતા ગયા છે. યઝદી કહે છે, ‘કોઈ સન્માન કરે તે ગમે પણ એ સાથોસાથ અમારી જવાબદારી પણ વધી જાય છે. એમ થાય કે હવે અમારે વધારે સારું કામ કરી બતાવવાનું છે. આ અનુભવ મજાનો હોય છે.’

યઝદી કલાકારોની વર્તમાન પેઢી પ્રત્યે પણ ભારોભાર આદર ધરાવે છે. તે કહે છે કે તેઓ અમારા કરતાં શ્રેષ્ઠ છે. ટૅક્નિકમાં પણ પાવરફુલ છે. સમયની સાથે જેમ માણસ, તેનો પહેરવેશ વગેરે બદલાય છે, તેમ આજે કલાકારો પણ પરિવર્તન પામ્યા છે. યુવા પેઢીના કલાકારો ઘણા પ્રતિભાશાળી છે. તેમને સ્ટેજ મળવું જ જોઈએ.

નાટ્ય અભિનેતાની દીર્ઘ અને યશસ્વી કારકિર્દી પાછળ કયું તત્ત્વ કામ કરી ગયું છે? આ આખરી પ્રશ્નના જવાબમાં યઝદી ભાવુક થતા અત્યંત નરમાશથી કહે છે, ‘અભિનેતાએ ક્યારેય પણ પ્રેક્ષકનું અપમાન ન કરવું. તમે કલાકાર છો અને સામે બેઠેલું ઓડિયન્સ ભગવાન. તમારે તેમને અભિનયની પ્રસાદી આપવાની છે જેનાથી તે પ્રસન્ન થાય. મારા અભિનયની આ જ ફિલોસોફી છે.’
——————————————

Leave A Reply

Your email address will not be published.

Translate »