તમારા માટે, તમારી સાથે, સતત…

સોમે ૧૦૦૦ વર્ષ તપ કર્યું. શ્રાપમુક્ત થયો.

0 142

વિષ્ણુ પંડ્યા

સોમનાથઃ કાલાય તસ્મૈ નમઃ

ખળભળ વહે છે આ હિન્દ મહાસાગર. દૂર સુધીનો તેનો ઘૂઘવાટ સમયદેવતાની જ ગર્જના છે જાણે! ઇતિહાસે જેવાં – જેટલાં પડખાં ફેરવ્યાં તે સમુદ્રના ખોળેથી ધરતી સુધી પહોંચ્યાં છે.  એટલે તો સોમનાથ માત્ર દેવાલય નથી, માત્ર પ્રભાસ પાટણ નથી, માત્ર સમુદ્ર કિનારો નથી, માત્ર આરાધ્ય દેવની પ્રાર્થના નથી. ‘પ્રભાસ ક્ષેત્ર’ છે.

સ્કંદપુરાણનો પ્રભાસ ખંડ કહે છે ઃ પૃથ્વી છે જમ્બુદ્વીપ, તે નવ ભાગોમાં ફેલાયેલો છે અને તેનો એક ભાગ તે ભારતવર્ષ. ભારતનો નવમો ભાગ સૌરાષ્ટ્ર અને તેનો નવમો ભાગ એ પ્રભાસ. તુલસીશ્યામ, માધવપુર, સમુદ્ર અને ભાદર નદી સુધી ફેલાયેલી આ તપોભૂમિ. વેદ-પુરાણમાં પ્રભાસ સર્વત્ર છે; પ્રભાસ ખંડ તેનું કેન્દ્રસ્થાન છે. વામનપુરાણ – ગરુડપુરાણ-કૂર્મ પુરાણ – જ્ઞાન સંહિતામાં સોમનાથનું માહાત્મ્ય છે.

કેવું હશે આ પ્રાચીન નગર?

‘મિનુર’ તેની ઓળખ. પછી મીનનગર, હરનગર, શિવનગર, સુરપતન, સોમનાથપુર, પટ્ટણદેવ, દેવપટ્ટણ, ચન્દ્રપ્રભાસ, હિરણ્યરસ, પાલટેન.. આવાં નામાન્તર થતાં રહ્યાં. પ્રાચીન અનુશ્રુતિ અને પુરાતત્ત્વીય ઃ બંને રીતે આ સ્થળવિશેષનો અભ્યાસ થયો છે.

માછલીઓના (ર્ંઅજંીહ્વિીઙ્ઘ) અશ્મિભૂત થરની વય ૨૧૦૦૦ વર્ષ જૂની છે, એટલે સિન્ધુ સંસ્કૃતિ સાથેનો તેનો નાતો જાણવાની કોશિશ થઈ. જેવું દ્વારિકા, ધોળાવીરા, લોથલ અને રંગપુરનું સંશોધન રહ્યું, સોમનાથ પ્રભાસ તેમાં સક્રિય રહ્યું છે. ઈ.સ. પૂર્વે ૨૦૦૦થી ૧૮૦૦ના અવશેષો અહીંથી પ્રાપ્ત થયા. ચપ્પુનું પાનું, માટીનાં ઠીકરાં, વાડકા, માદળિયું,….જાણે આપણો પ્રાકૃતજન કેટલો મોટો સુસંસ્કૃત – આધુનિક હશે! અને પછીનો આક્રમણોનો અંધારયુગ. જમીનનો દરેક ભાગ રક્તરંજિત અને કેમ ના થાય? જગતમાં સામ્રાજ્ય વિસ્તાર, આસ્થાભંજન અને લૂટફાટ માટે થતાં આક્રમણોનો ભોગ દરેક દિવ્યભવ્ય સ્થાનની નિયતિ છે તેવું સોમનાથ અને પ્રભાસ-પાટણનું થયું, ‘અકલ્પનીય ધનવાન’ (અલબિરુની) અતિ સમૃદ્ધ (માર્કો પોલો) સોમનાથ દેવાલય, ૧૦૦૦૦ ગામો, હીરા-રત્નજડિત મૂર્તિઓ, ૧૦૦૦ પૂજારીઓ, ૨૦૦ મણનો સ્વર્ણિમ ઘંટ, હીરાજડિત ઝુમ્મરો… એટલે લૂટારુ ધર્માંધ આક્રમકો ધસી આવ્યા. ૧૦૨૬માં મહમ્મદ ગઝનવી, પછી અલાઉદ્દીન ખીલજીનો સેનાપતિ અલફ ખાન (૧૩૦૦), મોહમ્મદ તઘલખ (૧૩૯૫) મુજફ્ફરશાહ (૧૪૯૦), મોહમ્મદ બેગડો, મુઘલ શહેનશાહ ઔરંગઝેબ, દીવનો પોર્ટુગીઝ દ કાસ્ટ્રો… એક પછી એક આવ્યા, દૂરસુદૂરથી. એવું નથી કે તેમની સામે કોઈ લડ્યા જ નહીં, પણ તાકાત અને ઝનૂન પેલી તરફ હતાં. ૬ જાન્યુઆરી, ૧૦૨૬ ગઝની આવ્યો ત્યારે તેની સાથે ૩૦,૦૦૦ની અશ્વસેના,  ૫૦,૦૦૦ ઊંટ-સેના, ૮૪,૦૦૦ પાયદળનું મોટું સૈન્ય હતું. સોમનાથને બચાવી લેવા માટે ૫૦,૦૦૦ સોમભક્તોએ લડતાં લડતાં બલિદાન આપ્યાં. મહમ્મદ બેગડાના આક્રમણ સમયે લાઠીના રાજવી પુત્ર હમીરજી, વેગડાભીલની સાથે નીકળ્યો હતો. શૂરવીરતાના સન્માનની લાગણી અભિવ્યક્ત કરવા ભીલ-કન્યાએ યુદ્ધે ચડેલા હમીરજીની સાથે લગ્ન પણ કર્યાં. હમીરજી અને વેગડો બંનેએ આહુતિ આપી. હમીરની પ્રતિમા અને સમાધિ સોમનાથ દેવાલયના પ્રવેશ પરિસરમાં ઊભી છે. અરે, મુજફ્ફરશાહ લડવા આવ્યો તો તેની સામે સોમનાથની સુરક્ષા માટે લડનારાઓમાં મુસ્લિમો પણ હતા!

અને મહમદશાહે અમદાવાદથી આક્રમણ કર્યું ત્યારે ઠાકર બ્રાહ્મણ પરિવારોના પાંચે- વીરજી ઠાકર, નથુ ઠાકર, કરસન ઠાકર, વાલજી ઠાકર, દેવજી ઠાકર. આ બધાએ બહાદુરીપૂર્વક સામનો કર્યો. તેની સમાધિ મંદિરથી થોડેક દૂર છે, ‘પંચ વીર’નું ‘પંચ પીર’ નામાન્તર થઈ ગયું છે!

પણ કથાસાગર તો સમગ્ર પ્રભાસક્ષેત્રનો છે. સોમનાથથી આરંભ કરીએ તો સ્કંદપુરાણ તેના પ્રાદુર્ભાવનું સાક્ષી છે. વડવાનલ જેવી તપ્ત અગ્નિશિખા સાથે પિતા બ્રહ્માની પુત્રી સરસ્વતી અહીં આવી તો ચાર તપસ્વીઓએ સ્વાગત કર્યું; હિરણ્ય, વજ્ર, યંકુ અને કપિલ. સરસ્વતી અહીં પાંચ ધારામાં વહેતી થઈ, વડવાનલને સમુદ્રે હૃદયસ્થ કર્યો. પછી ઋષિવર અત્રિ અને દેવી અનસૂયાનો પુત્ર સોમા શિવઅર્ચના માટે કૈલાસ પહોંચ્યો. ભગવાન શિવે કારણ પૂછ્યું તો કહેઃ દક્ષ પ્રજાપતિએ મને અભિશાપ આપ્યો છે, ક્ષયગ્રસ્ત રહેવાનો.

કારણ?

‘રોહિણીને અધિક વહાલ કરતો હતો એટલે બીજી પત્નીઓએ ફરિયાદ કરી. દક્ષ ક્રોધિત થયા.

મહાદેવે હસીને કહ્યુંઃ આ અભિશાપ નથી, વરદાન છે, વત્સ! જા, કૃતસ્મર પર્વતની નજીક એક તીર્થ છે, ત્યાં તપસ્યા કરજે.

સોમે ૧૦૦૦ વર્ષ તપ કર્યું. શ્રાપમુક્ત થયો. પુનઃ ‘પ્રભા’ મેળવી એટલે આ સ્થાનને નામ મળ્યું ‘પ્રભાસ’. આ કંઈ એકલી તીર્થભૂમિ નથી. માત્ર ત્રિવેણી સંગમ પણ નહીં. આ તો ભારતીય પ્રજાની વિશેષતાનું પ્રતીક છે. જીવન અને જીવનદર્શન (ફિલસૂફી). જીવ અને શિવ. હર અને હરિ. અન્ધકારથી પ્રકાશ તરફની ગતિ. મનુષ્ય બ્રહ્મસત્તાનો જ એક અંશ છે, ‘અમૃતસ્ય પુત્ર’ છે, વિનાશથી નિર્માણની તેની મહાયાત્રા છે. સંકલ્પ છે, શક્તિ છે, સિદ્ધિ છે. વસુધૈવ કુટુમ્બકમ તેનો આત્મ-સ્વર છે.

૭, ૯૯, ૨૫, ૧૧૫ વર્ષોથી અધિક, વૈવસ્વત મન્વંતરના ત્રેતા યુગમાં, શ્રાવણ શુક્લ પક્ષે આ ભવ્ય સોમનાથ દેવાલય રચાયું. તે દેશનાં બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. એક કથા એવી પણ છે કે ત્રેતા યુગમાં શિવભક્ત રાક્ષસ રાવણે અહીં ચાંદી અને બહુમૂલ્ય રત્નોથી સુસજ્જિત મંદિરની રચના કરી હતી. ક્યાં શ્રીલંકા ને ક્યાં સોમનાથ! પણ ગુજરાતમાં તો આ પરંપરા રહી. ‘લંકાની લાડી ‘ને ઘોઘાનો વર પરણ્યો જ હતો ને?

Related Posts
1 of 281

સોમનાથથી વિશેષ ‘કાલાય તસ્મૈ નમઃ’ કહેવાનું અધિકારી કોણ હોઈ શકે? મહાભારત કાલીન શ્રીકૃષ્ણનું દ્વારિકામાં મહા-સામ્રાજ્ય અને અહીં હિરણ્ય નદીના કિનારે, જરા પારધીના બાણથી તે વીંધાયા. બાણ તો નિમિત્ત હતું. કૃષ્ણ તો મૃત્યુંજય છે, તેમનો જીવન સંદેશ માતા યશોદાને બાળવયમાં મોં ખોલીને સમગ્ર બ્રહ્માંડ દર્શન કરાવ્યું તેમાં છે. અર્જુનને તેણે યુદ્ધભૂમિમાં જીવનદર્શન સમજાવ્યું.ં આત્મા અજેય, અમર અને અવિનાશી. બંસીનો મોહક સ્વર, સ્નેહસમર્પિત રાધાનો અદ્વૈતભાવ, સુદર્શન ચક્રથી લઈને કુરુક્ષેત્રમાં પ્રબોધન, ભક્તિ-શક્તિ-સત્યની શાશ્વતીની આરાધના એટલે શ્રીકૃષ્ણ. અહીં તે વિરામ પામ્યા ચૈત્રી શુક્લ પ્રતિપદા, મધ્યાહ્નના બે વાગે સતાવીસ મિનિટે.

સમયનો પ્રવાહ ધસમસતો રહ્યો. સ્કંદ પુરાણ અનુસાર બીજી શતાબ્દીના પૂર્વાર્ધમાં શિવભક્ત પાશુપત બ્રાહ્મણો અહીં સ્થાયી થયા. ૩૪૯ ઈસવીસનમાં પ્રભાસ ક્ષેત્ર સમૃદ્ધ બંદરગાહ હતું. ભારત હીરા-મોતી-જરઝવેરાત-આભૂષણો કલાકૃતિના ઉપહાર વિશ્વને આપી રહ્યું હતું. ‘ને દુનિયાથી અહીં સુવર્ણ-ચાંદી આવતાં. શ્રી, જ્ઞાન અને સંસ્કૃતિનો સંગમ આ સ્થાન બની રહ્યું.

આઠમી સદીમાં ચાલુક્ય સામ્રાજ્ય અને પ્રતિહાર સામ્રાજ્ય બંનેએ સાથે મળીને સોમનાથનું ત્રીજીવારનું નિર્માણ કરાવ્યું. અત્યાર સુધી માત્ર નવનિર્માણ હતું, કોઈનું આક્રમણ નહોતું. કહે છે કે શિવલિંગ જમીન પર નહીં, હવામાં વિરાજિત રહેતું, ભૂતળના કોઈ આધાર વિના.

ગુર્જર પ્રતિહાર રાજવી નાગ ભટ્ટે આ દેવાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, ત્યાં ગઝનવી આવ્યો. એક નૃત્યાંગના ચૌલા આક્રમણના વાવાઝોડાની વચ્ચે શિવોપાસના સાથેના સંકલ્પમાં શ્રેષ્ઠ પ્રમાણિત થઈ. દંતકથા એવી પણ છે ચૌલાના આદેશાનુસાર કેટલાક પૂજારી લૂંટફાટ કરીને પાછા ફરતા ગઝનવીની સાથે ગયા, વિશ્વાસુ હોવાનું છળ કરીને, ગઝનવી જવાના ઊંધા રસ્તે ચડાવી દીધો, જ્યાં તેની સેના રાનપાન થઈ, બીમાર પડી, અનેકો નષ્ટ થયા.

આદિ શંકરાચાર્યથી સ્વામી વિવેકાનંદ આ ઐતિહાસિક ભૂમિ પર આવ્યા. સ્વામીએ તો ૧૮૯૨માં અહીં ભગ્ન ખંડિયેર જેવા દેવાલયની પાસેની ભેખડ પર બેસીને ધ્યાન ધર્યું હતું. નજર સમક્ષ હતો ગરજતો સમુદ્ર. શું તેમને ભારતમાતાનું પુણ્યપાવન દ્રશ્ય અંતઃ.ચક્ષુ સામે દેખાયું હશે, જેવું પછીના વર્ષે કન્યાકુમારીના ખડક પરથી અનુભવ્યું હતું? ભારતમાતાનો એ ભવ્ય સાક્ષાત્કાર વિશે ઇતિહાસ ચૂપ છે.

સ્વતંત્રતાના સૂર્યોદય સાથે જ સોમનાથનો પુનઃ પ્રતિષ્ઠિત સંકલ્પ આકાશમાં વિસ્તર્યો. ૧૯૪૭માં જૂનાગઢ-મુક્તિ પછી દીપોત્સવીના દિવસે ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા, બહાઉદ્દીન કૉલેજના મેદાનમાં સભા થઈ. અને બીજા દિવસે વલ્લભભાઈ વેરાવળ-સોમનાથ આવ્યા, જામનગરના રાજવી દિગ્વિજયસિંહ સાથે હતા. નૂતન વર્ષનો સંકલ્પ ઘોષિત થયોઃ નવીન પર્વ કે લિયે નવીન પ્રાણ ચાહિયે. ભગવાન સોમનાથના ભગ્ન દેવાલયનો જીર્ણોદ્ધાર, પરંતુ કેન્દ્ર સરકારને ‘બિન સાંપ્રદાયિકતા’નું ગ્રહણ લાગ્યું એટલે ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક નિધિ એકત્રિત કરાયો. મે, ૧૯૫૬ના તો મંદિર તૈયાર થઈ ગયું. રાષ્ટ્રપતિ -જવાહરલાલની નારાજગી છતાં – આવ્યા, જ્યોતિર્લિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી. ૩૧ ઑક્ટો. ૨૦૦૯ના સ્વર્ણજયંતી ઉજવવામાં આવી. તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ જનસભા સમક્ષ કહ્યું ઃ સોમનાથ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાને ૫૦ વર્ષ થઈ ગયાં. આજે સરદારની જન્મજયંતી પણ છે. ૧૨૫ વર્ષ તેને થયાં. આ મણિકાંચનનો સંયોગ છે. સરદાર ન હોત તો સોમનાથ મંદિર આ સ્વરૃપે જોવા ન મળ્યું હોત. તેનું ખંડન કરનારા પરાસ્ત થયા, દેવાલય પુનર્જીવિત બન્યું. સોમનાથ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે, શાશ્વત ધર્મનું પ્રતીક છે. ચિરંજીવ સંસ્કૃતિનું પ્રતિનિધિ છે.

સોમનાથના વારંવાર જીર્ણોદ્ધારની સઘળી નહીં તો, કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે તે પ્રમાણે…

*           પહેલી સદીથી પાશુપત બ્રાહ્મણોનું આ મુખ્ય મથક હતું. નાશિકના ઉસવદત્ત રાજાનો શિલાલેખ પ્રભાસને ‘પુણ્ય ભૂમિ’ કહે છે.

*           બીજું મંદિર વલભી સામ્રાજ્ય દરમિયાન ઈ.સ. ૫૦૦થી ૭૦૦ની વચ્ચે બંધાયું.

*           ત્રીજું ગુર્જર પ્રતિહારોએ બાંધ્યું. (ઈ.સ. ૮૦૦થી ૯૫૦ દરમિયાન)

*           પાશુપતાચાર્ય ગંડ શ્રીમદ ભાવ

બૃહસ્પતિના પ્રશસ્તિ લેખમાં ઉલ્લેખ પ્રમાણે, ‘ચાર યુગમાં ચાર જુદાં જુદાં દ્રવ્યોથી સોમનાથ નિર્માણ થયું, સત્યયુગમાં સોમરાજે સોનાનું, ત્રેતા યુગમાં રાવણે રૃપાનું, દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે લાકડાનું અને કળિયુગમાં સોલંકી રાજા ભીમદેવે પથ્થરોનું મંદિર નિર્મિત કર્યું.’ પરંતુ એક કથા એવી છે કે હેમચંદ્રાચાર્ય અને બૃહસ્પતિ (જૈન અને શૈવ)એ સાથે મળીને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્રીજાના અવશેષ પર ભીમદેવ સોલંકીએ અને ચોથો જીર્ણોદ્ધાર અને ૧૧૬૯માં કુમારપાળે પાંચમું ત્યાં જ બંધાવ્યું. ૧૪મી સદીમાં ચુડાસમા રાજવી મહીપાલે અને ૧૭૮૩માં મહારાણી આહિલ્યાબાઈ હોલકરે નિર્માણ કર્યું, તે ભૂમિગત હતું જેથી આક્રમણથી સુરક્ષિત રહે. સંવત ૧૪૫૪માં સરસ્વતીની યે પ્રતિષ્ઠા કરવામાં આવી.

પ્રભાસક્ષેત્રમાં રુદ્રેશ્વર, વેણેશ્વર, સૂર્ય મંદિર, અવધૂતેશ્વર, શશિભૂષણ, બાણગંગા, ત્રિવેણી સંગમ, ત્રિવેણીનું સૂર્ય મંદિર, ગીતા મંદિર, કેટલાંક પ્રાચીન જૈન દેરાસરો, (ચંદ્રપ્રભસ્વામી, નેમિનાથ, શાંતિનાથ, મલ્લિનાથ, અજિતનાથ વગેરે) નગરનો ટીંબો, પ્રાચીન ગુફાઓ (અવધૂતેશ્વર), નરસિંહ ઘાટ, પાશુપતિ મઠ, બ્રહ્મકુંડ, જલપ્રન્નાસ કુંડ, શંખેશ્વરની વાવ, માત્રીવાવ, તળાવોમાં સૌમ્ય સરોવર, પ્રભાસનો કિલ્લો, પ્રાચીન હવેલીઓ (રામ રાખ ચોકમાં) જેવાં પ્રાચીન, અર્ધપ્રાચીન સ્થાનો પણ છે. સર્વત્ર કાન માંડો તો સંભળાય છે ઃ જય સોમનાથ!

—————————

Leave A Reply

Your email address will not be published.

Translate »