તમારા માટે, તમારી સાથે, સતત…

મુક્તિપર્વ…

'વસંતરાયની દયા આવે છે. આ ઉમરે પત્નીનો સાથ છૂટી ગયો.

0 331
  • નીલમ દોશી

વસંતરાય કોરી ધાકોર આંખે પત્નીની નનામી જતી જોઈ રહ્યા. કાન્ધ દેવા ગયા ત્યાં ચક્કર આવતાં લથડિયું ખાઈ ગયા.તેથી અંતિમ સહારો પણ ન આપી શક્યા. સૂઈ જવું પડ્યું.

‘આટલા વરસોનો સહવાસ! અસર તો થાય ને? વસંતરાય સાવ ભાંગી પડ્યા છે. આ ઉંમરે તો હૂંફની ખાસ જરૃર પડે. એકલતા કોને કહેવાય તે આ ઉંમરે જ સમજાય.’

‘બિચારા સાવ શૂન્ય જેવા..જડ જેવા થઈ ગયા છે. પત્નીને કાંધ સુધ્ધાં ન આપી શકયા.’

‘આપણે બધા તો ચાર દી’… પછી આ ઉંમરે તેઓ એકલા થઈ જશે.’

‘ઉમંગને સમજાવવો પડશે..સાસુ વહુને જે વાંધો હોય તે, પણ હવે વસંતરાય એકલા રહે અને દીકરો ગામમાં હોવા છતાં આમ જુદો રહે એ કંઈ સારું લાગે?..! વસંતરાયને ઘરનું માણસ હતું ત્યાં સુધી વાત અલગ હતી.’

‘ઘરનું માણસ..!’ વસંતરાયે રજાઈ માથા સુધી ખેંચી.

વસંતરાય આંખો બંધ કરી ગયા. તેની ચમકતી આંખોની લિપિ કોઈ ઉકેલી લે તો?  પડ્યાં પડ્યાં સગાં-સ્નેહીઓનાં મંતવ્ય મૌન બની સાંભળી રહ્યા. કશું બોલી શકાય તેવું હતું જ ક્યાં? મુઠ્ઠી બંધ રહે એમાં જ તેની શોભા…

ઘરમાં વિધિઓની પરંપરા ચાલી રહી હતી. ગીતાપાઠ..અને ગરુડપુરાણ વંચાતા હતા. ધૂપ, દીપ અને સુખડના હારથી વિલાસબહેન મહેકી રહ્યાં હતાં. મર્યાં પછી મહેકી શક્યા ખરાં..! વસંતરાયે જોશથી માથું ધૂણાવ્યું. મૃત વ્યક્તિ વિશે ખરાબ બોલાય નહીં.. ખરાબ વિચારાય નહીં..ગાંધીજીના પેલા ત્રણ વાંદરાની વાત બિલકુલ સાચી રીતે તો ફક્ત મૃત વ્યક્તિને જ લાગુ પડતી હશે.

વિચારોથી બચવા વસંતરાયે જોશથી પાંપણો ભીડી દીધી..પરંતુ…

‘વિલાસબહેન નસીબદાર ખરા હોં..! ચૂડી ચાંદલા સાથે જઈ શક્યા.’

કોઈના શબ્દો કાને અથડાયા…

હા, નસીબદાર તો ખરા જ…પોતાના જેવો ઝઘડાનો કાયર, એક રીતે કહીએ તો ભીરુ કહી શકાય તેવો પતિ મળ્યો હતો. તે નસીબદાર નહીં તો બીજું શું? પોતાની જગ્યાએ બીજો કોઈ હોત તો કદાચ વિલાસ આટલી હદે મનમાની કરી શકી હોત?

વસંતરાયના મનમાં વિચારોનો પ્રવાહ…

વસંતરાયને અચાનક આ પળે પત્તાં રમવાનું મન થઈ આવ્યું. પોતાના જીવનનો એક્માત્ર શોખ, પરંતુ વિલાસને પત્તાંની બહુ ચીડ..અને તેને ન ગમે તે કરવાની હિંમત પોતે ક્યારેય કેળવી શક્યા નહીં.  સાવ કાયર.. ભીરું માણસ. કજિયાનું મોં કાળું..એમ કહીને હંમેશાં…

હવે તો વિલાસ નથી. પત્તાં રમી શકાય? જે શોખ ક્યારેય પૂરો નથી થઈ  શક્યો તે હવે પૂરો કરી શકાય?  ના..ના, થોડો સમય તો સંયમ રાખવો પડશે. તેમણે ફરીથી આંખો જોશથી બંધ કરી. કોઈ જોઈ જાય તે સારું નહીં.

ત્યાં અચાનક આંખ ખૂલી ગઈ. પુત્રીનો વત્સલ હાથ તેમના માથા પર ફરી રહ્યો હતો. ‘પપ્પા, ગરમ ચા લઈ આવું? થોડી પી લો..સારું લાગશે.’

વસંતરાયને થયું..કહી દઉં..

‘સાથે બે ચાર ગાંઠિયા પણ…’ પરંતુ ટેવાયેલ ન હોવાથી શબ્દો બહાર ન નીકળી શક્યા.

પણ દીકરી સમજદાર હતી. ચા સાથે

ગાંઠિયા જાતે જ લઈ આવી.

‘પપ્પા, કશું બોલ્યા સિવાય ચૂપચાપ ખાઈ લેવાના છે.’

પુત્રીનો હુકમ વસંતરાય કેમ ટાળી શકે? તેમની પલકો ભીની બની. આંખમાં આભારની લાગણી છલકી રહી ગાંઠિયા તો બે જ ખાધા..પણ…પણ બહુ સારું લાગ્યું. અત્યારે આ કસમયે ચા અને ગાંઠિયા..  વાહ..!

તેણે પુત્રી તરફ જોયું. પુત્રીના ચહેરા પર વસંતરાય જ સમજી શકે તેવા અદ્રશ્ય હાસ્યની રેખા ફરકી. તેનું માથંુ હલ્યું. પોતે સમજી હોવાનો મૌન સ્વીકાર.

ત્યાં ફરી કોઈ અવાજ..

‘વસંતરાયની દયા આવે છે. આ ઉમરે પત્નીનો સાથ છૂટી ગયો..દીકરો વહુ તો પરણ્યાના એક મહિનામાં જુદો થઈ ગયા હતા. હવે વસંતરાયનું કોણ?’

નીચે સગાંઓ વચ્ચે ચાલતી ચર્ચાઓ…ટીકા..ટિપ્પણીઓ છેક ઉપર સુધી પડઘાતી રહી.

રાતોરાત વસંતરાય દયાપાત્ર બની ગયા..કેવું વિચિત્ર..! જ્યારે ખરેખર દયાપાત્ર હતા..ત્યારે…!

સગાંઓ દીકરાને કહેતા હતા..સમજાવતા હતા, ‘જો બેટા, તમારી મમ્મી હતી ત્યાં સુધી વાત અલગ હતી…હવે પપ્પાનું ધ્યાન તમારે જ રાખવાનું છે, હોં.’

‘હા, ત્યાં સુધી વાત અલગ જ હતી ને?’

‘પપ્પા, થોડીવાર ટીવી ચાલુ કરો..તમને ગમશે…સારું લાગશે. વિચારોમાંથી બહાર અવાશે…ખરું ને મામી?’

ઉપર આવેલ મામીને દીકરી કહી રહી.

દીકરી પોતાની ધારણા કરતાં પણ વધુ સમજદાર હતી.

‘હા, હા, હવે એવો શોક રાખવાનો હોય જ નહીં..ગયેલું માણસ થોડું પાછું આવી શકવાનું છે? અને ભાભી તો લીલીવાડી મૂકીને ગયાં છે. સૌભાગ્ય સાથે..કોઈ પીડા વગર..આવું મોત તો નસીબદારને મળે. હા, તમે એકલા થઈ ગયા…પણ બેટા, પ્રભુ ઇચ્છા પાસે કોનું ચાલ્યું છે?’

‘પ્રભુઇચ્છા થોડી વહેલી થઈ હોત તો?’

‘ના, ના..પાપ લાગે…આવું ન વિચારાય.’

લડ નહીં તો લડનારો દે..વિલાસના આ સ્વભાવના ભોગ… બાળકોને પણ ક્યાં નહોતું પડ્યું? દીકરી ઉપર તો સાવકી માની માફક સતત કચકચ ચાલુ રાખેલી.  સાસરે જઈશ ત્યારે આમ થશે ને તેમ ખબર પડશે, કહીને દીકરીને આખો દિવસ કામે જોતરી રાખતી મા માટે દીકરીના મનમાં કઈ લાગણી હશે? પોતાથી તો કશું બોલી શકાય તેમ જ ક્યાં હતું? વિલાસની વાણીનો સૌથી વધુ માર તો પોતાને જ ભાગે આવતો ને? મોટી થયા પછી દીકરી એ સમજતી. મમ્મી ન હોય ત્યારે છાનામાના પપ્પાનું ધ્યાન આ દીકરી જ રાખતી ને? પુત્રી સાસરે ગઈ ત્યારે થયું પોતે ભલે અનાથ થઈ ગયા, પણ પુત્રી તો છૂટી…

પુત્રનાં લગ્ન થયાં ત્યારે તો પોતે જ પુત્રને એકબાજુ બોલાવી કહી દીધું હતું,

‘બેટા, તારી મમ્મીનો સ્વભાવ તું ઓળખે છે. આપણે બધા તો ટેવાઈ ગયા છીએ..ને ચલાવી લીધું છે, પણ આવનારને એ શાંતિથી રહેવા નહીં દે એની આપણને જાણ છે જ. તારે પૈસાની કોઈ ચિંતા નથી. તું તારે સુખેથી જુદો થઈ જા અને જુદો રહીશ તો થોડી પણ માયા જળવાઈ રહેશે. સાથે રહીને રોજ ઝઘડા કરવા અને અંતે એકબીજા તરફ નફરત થઈ જાય તેના કરતાં દૂર રહેવાય તો કદાચ…’

‘પણ પપ્પા..પછી તમે…’

‘બેટા, જેવા મારા નસીબ..હવે આ જનમે તો મારે ભોગવવું જ રહ્યું.’

‘બધા ઋણાનુબંધ આ જનમે જ પૂરા થઈ જાય…’

‘પપ્પા…’

અવાજમાં શ્રાવણી ભીનાશ સાથે પુત્ર આગળ ન બોલી શક્યો.

નહીંતર તો પુત્ર જુદો ન થાત, પરંતુ એક જ મહિનામાં તેની પત્ની સાથે વિલાસે જે ઝઘડો શરૃ કર્યો તે પછી પપ્પાની સલાહ માનીને જુદા થવામાં જ સાર છે એમ માની તે જુદો રહેવા ગયો ત્યારે વિલાસે કરેલ તમાશો જોવાની પોતામાં હિંમત નહોતી. એટલે હંમેશની જેમ જ ચૂપચાપ માથે રજાઈ  ખેંચી લીધી હતી.

લગ્ન થાય…સાસુ વહુને ન બને….  વહુ, દીકરો અલગ થાય એમાં તો નવું શું હતું? બહુ સહજતાથી ગામે..સમાજે અને કુટુંબે સ્વીકારી લીધું હતું. વસંતરાય અને ઉમંગ બંને મૌન. બિચારો ઉમંગ..અને વગર વાંકે વગોવાયેલ વહુ…

હવે ઘરમાં રહ્યા એકલા વસંતરાય..જે ક્યાંય જઈ શકે તેમ નહોતા.

Related Posts
1 of 255

ક્યારેક છાનામાના ઉમંગને ઘેર જઈ આવતા. ભાવતી વસ્તુ ખાઈ આવતા. ધોમધખતા રણમાં મીઠી વીરડીનો અહેસાસ થોડી ક્ષણો જીવતરનો થાક ઉતારી દેતો. વિલાસ જે વસ્તુની મનાઈ કરતી તે વસ્તુ દીકરાને ઘેર મળી રહેતી. સદનસીબે વહુ ખૂબ સમજદાર મળી હતી. તેથી મનને સંતોષ હતો.

મનમાં વિચારોની આવનજાવન ચાલુ જ રહી.

ઓરડામાં રાત ઊતરી આવી. અંદર તો સવારનો ઉજાસ…

બધા થાકીને વહેલા સૂઈ ગયા હતા. વસંતરાયની આંખોમાં ઊંઘનું એકે કણસલું ફરકતું નહોતું.

પુત્રી નીચે નાનકડા દીકરાને સૂવડાવતી હતી.

ત્યાં દીકરો, વહુ ઉપર આવ્યાં.

‘પપ્પા, ઊંઘ આવે છે?’

વસંતરાયે ડોકું હલાવી ના પાડી.

વહુના હાથમાં પત્તાં હતાં.

‘પપ્પા, આપણે થોડીવાર પત્તાં રમીશું? મન હળવું થશે.’

વસંતરાય કશું બોલી શક્યા નહીં.

આવડું મોટું સુખ પોતાના નસીબમાં હતું? આંખમાં અનેક પ્રશ્નો.. આજે આ સમયે પત્તાં?

વહુને અત્યારે આ કેમ સૂઝયું?

પપ્પા, એક વાત કહું?

વગર કહ્યે સસરાની આંખનો પ્રશ્ન ઉકેલી તેણે હળવેથી કહ્યું.

ગયા અઠવાડિયે મમ્મી અમારે ઘેર આવેલ. ઘરમાં હું એકલી જ હતી. વસંતરાયે આંચકો અનુભવ્યો. મનમાં ફડકો પણ પેઠો.

નક્કી ત્યાં પહોંચીને ઉધામા કરી આવી હશે.

તેણે વહુ સામે નજર કરી.

‘પપ્પા, મા કહે…’

વહુ એક ક્ષણ થોભી.

‘મા!’

વસંતરાયને આશ્ચર્ય થયું, પરંતુ  કશું બોલ્યા નહીં.

મા કહે, ‘હું ન હોઉં ત્યારે તમે પપ્પાનું ધ્યાન રાખજો હોં. જોકે મને ખબર છે કે તમે અત્યારે પણ ધ્યાન રાખો જ છો. પપ્પા ક્યારેક અહીં આવે ત્યારે તેમને ભાવતી વસ્તુઓ ખવડાવો છો..એનો મને આનંદ છે.’

વસંતરાય આંચકા સાથે બેઠા થઈ ગયા.

પણ આંચકા પછીનો આફટરશોક હજુ પૂરો નહોતો થયો.

‘મારા ગયા પછી તમે ફરીથી એ ઘરમાં આવી જજો. પપ્પા તો મારી જેમ ઝઘડા કે કચકચ કરે તેમ નથી. એની તમને ખબર છે. એ ભલા માણસ મરતાને મર કહે તેમ નથી.’

‘વિલાસ આવું બોલી?’

‘ હા, પપ્પા,..મને કહે…’

‘મારો સ્વભાવ જ ન જાણે કેવો થઈ ગયો છે. લાખ નક્કી કરું તો પણ બોલાઈ જ જવાય છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એ કહેવત કદાચ સાચી જ હશે. નાનપણથી અપરમાના મેણા ટોણા સાંભળીને મોટી થઈ છું. ઘરમાં ઝઘડા સિવાય કશું જોવા જ નહોતી પામી. જબરાની પાંચશેરી ભારે એ એક વાત મગજમાં જડબેસલાક ફિટ થઈ ગઈ હતી.

પછી લગ્ન થયાં અને સદ્નસીબે કે કમનસીબે…એ તો ખબર નથી, પણ તારા પપ્પાનો સ્વભાવ સાવ રાંક…એટલે મારો રોફ તેમની પર ચાલ્યો. વરસો સુધી અપરમાની ગુલામી કરેલ અને અહીં મળ્યો છૂટો દોર…

અહીં બધું મારું જ ચાલે છે જાણે કોઈને એ બતાવી દેવું હોય તેમ મેં મૂરખીએ…

‘ખબર નહીં, મારું મન કેમ આવું થઈ ગયું હતું. ક્યારેક સુધરવાની કોશિશ પણ કરી જોઈ..પણ બે ચાર દિવસમાં પાછી એની એ જ…બેટા, તમે કેમ જુદા થયા એ બધી મને ખબર છે. એમાં તમારો કોઈ દોષ નથી.’

‘વિલાસ…વિલાસ આવું બધું બોલી? એ આવું બધું સમજી શકતી હતી?’

‘હા, પપ્પા. મને લાગે છે કે આપણે કોઈ જ તેને સમજી કે ઓળખી ન શક્યા. નાનપણથી તેનામાં કોઈએ વિશ્વાસ નહોતો રાખ્યો. સતત અવગણના, ઉપેક્ષા,  નફરત કડવા શબ્દો, અને લડાઈ, ઝઘડા વચ્ચે જ મા મોટા થયાં. સાસરે આવ્યાં બાદ સ્વતંત્રતા મળતાં જાણે બદલો લેવો હોય તેમ સૌ કોઈ ઉપર મંડી રહ્યાં. આપણે કોઈ પણ તેની એ ગ્રંથિ ઓળખી ન શક્યા અને તે ઝનૂનપૂર્વક…

દીકરા, વહુની આંખો ભીની ભીની…

વસંતરાય એકદમ બેઠા થઈ ગયા.

‘પછી? જાણે કોઈ વાર્તા સાંભળતા હોય તેમ નાના બાળકની માફક વિલાસરાય પૂછી રહ્યા.

અમારે ઘેર આવ્યા ત્યારે સતત તમારી જ ચિંતા કરતા હતા.

‘ખબર નહીં..પણ મને લાગે છે કે હવે હું વધારે કાઢવાની નથી.. તારા પપ્પાને મેં બહુ દૂભવ્યા છે. ભગવાન મને માફ નહીં કરે..એ ભલા જીવને મેં શાંતિ નથી આપી. હું જઈશ ત્યારે જ એ મારાથી છૂટી શકશે. મને ખબર છે હું જઈશ પછી તમે ઘેર આવી જ જશો. તેથી એમની એવી ચિંતા તો નથી.

અને હા, આવી કોઈ વાત પપ્પાને ન કરતા. નાહકના દુઃખી ન કરશો.. જીવતા તો એમને સુખ નથી આપી શકી. મરીને કદાચ ચપટી સુખ આપી શકું. મારા જવાથી એ રાહતનો શ્વાસ લેશે. મારે એ છીનવવો નથી અને લો, આ પત્તાં..મારા ગયા પછી તમે સાથે રહો ત્યારે રોજ એમની સાથે પત્તાં રમજો. મેં ક્યારેય એમને નિરાંતે રમવા નથી દીધા. મારી અપરમા પાનાં રમવાની ખૂબ શોખીન હતી…!

કહેતાં કહેતાં મા રડી પડ્યા હતાં.

મેં કહ્યું,

‘મા, અમે હમણા જ ભેગા આવી જઈએ. બધા સાથે મળીને કિલ્લોલ કરીશું.’

‘બેટા, હવે એ શક્ય નથી. આજે તને આ બધું કહું છું, પણ ઘેર જતાં જ મારો મૂળ સ્વભાવ પાછો આવી જ જવાનો. એના કરતાં આટલા વરસો ચાલ્યું છે તો થોડું વધારે. મને અંદરથી ઊગી ગયું છે, હવે હું થોડા સમયની જ મહેમાન છું. જતાં પહેલાં એકવાર કોઈ આગળ દિલની વાત કરવાનું મન હતું. દીકરી આઘી છે. તેથી તારી પાસે…

‘માએ તો મને આ બધું ન કહેવાના સમ આપ્યા હતાં, પરંતુ મા પ્રત્યેની નફરત તમારી આંખમાં હું ન જોઈ શકી. તેથી…’

‘આ પત્તાં પણ મા જ આપી ગયાં  હતાં’…કહેતાં વહુએ પત્તાં ચીપ્યાં.

વસંતરાયની કોરી ધાકોર આંખો હવે વરસી રહી..!

——————-

Leave A Reply

Your email address will not be published.

Translate »