તમારા માટે, તમારી સાથે, સતત…

મત્સ્યાવતાર ( નવલિકા )

'મુઝે તો  યે સપને જૈસા લગ રહા હે.

0 425
  • કેશુભાઈ દેસાઈ

રોશની તો એનું ઉપનામ છે.

તમારે મૂળ નામ જાણીને શું કામ પણ હોય? એ પોતે જ જ્યાં અસલી ઓળખ છુપાવવા માગતી હોય તો મારે પણ એની ‘પ્રાઇવસી’નો ખ્યાલ રાખવો જ જોઈએ. તમને થશેઃ જ્યારે એની વારતા માંડી બેઠા છો તો પડદો શું કામ રાખો છો વચ્ચે? તમારા આવા પ્રશ્નોના જવાબ આપવાની મને જરૃર લાગતી નથી. ભલા માણસ, આખરે એ બાઈ-માણસ છે, એટલું તો સમજો. આપણે એની આબરૃના લીરા ન ઉડાડી શકીએ. એવું કશું જ ન કરીએ જેથી એના કૂણા કાળજે ઉઝરડો પડે. મતલબ કે એની વારતા જરૃર માંડી શકીએ, પણ એવી સિફતથી કે એના અંગત જીવનમાં કાંકરીચાળો કરી રહ્યા છીએ એવું ન લાગે. એના મિસ્ટર કે બાળકો વાંચે તો પણ વારતાને વાર્તા જ ગણે. બહુ બહુ તો થોડું મળતાપણુ લાગે અને એવું મળતાપણુ તો ઊલટાનું આજકાલ બધાંને ગમતું હોય છે. બલકે નશીલી આંખો અને માદક સ્વર ધરાવતી રોશની જેવી યુવતી તો રાજીની રેડ જ થઈ જાય.

પ્રિય વાચક, આ રોશની સ્ત્રી હોવા કરતાં વિશેષ વ્હિસ્કીની બોટલ છે. એની વારતા માંડું છું ત્યારે તમારા કરતાં વધુ તો જાત સાથે વાત કરું છું. બહુ ઓછી સ્ત્રીઓ હશે જેમને મહિલામંડળ કે ક્લબ જેવા આનંદ પ્રમોદમાં સમય વેડફવા કરતાં પુસ્તકો વાંચવામાં અને કશુંક સ્વકીય સર્જન કરવામાં રુચિ હોય. આ રોશની એવી અપવાદરૃપ લઘુમતીમાં આવે છે. મૂળ વતન રાજસ્થાન અને પરંપરાગ્રસ્ત સમાજમાં ઉછેર. કુંઠા તો ગળથૂથીમાં જ મળી હોય એટલે એની સાથે વાત શરૃ કરતાં પણ સાવચેત રહેવું પડે. તમને મળવા આતુર છે, પણ એની શરતે. તમારી પાસે મસમોટો ખજાનો હોવાનું સાંભળ્યું છે ત્યારથી એ તમારી મુલાકાત સારું રીતસર તડપી રહી છે. કહી શકતી નથી કે મારે તમને ખાનગીમાં મળવું છે. ક્યારેક ફોન પર તમારી વાર્તા વાંચીને એની પ્રસન્નતા જરૃર વ્યક્ત કરી દે છે. બહુ અકળામણ અનુભવે છે ત્યારે ધીમે રહી આટલું પૂછી લે છેઃ સર, ફલાણા મૅગેઝિનમાં તમને માણ્યા, બહુ મજા આવી. આવી મર્મસ્પર્શી વાર્તા શી રીતે લખી શક્યા કહોને! તમે પુરુષ થઈને સ્ત્રીના અંતઃકરણનું આવું ચોટડૂક પૃથક્કરણ કઈ રીતે કરી શકો છો? મને લાગે છે. પૂર્વજન્મમાં તમે સ્ત્રી હશો!

-તમનેય પોરસ તો ચડે જ. આખરે ફોનના સામા છેડે એક મધુર સ્વર રણકતો હોય ત્યારે ન પીગળો તો પુરુષ શાના! પરંતુ સબૂર, કાયદા બહુ કડક બની ગયા છે હમણાથી. અજાણી સ્ત્રી સાથે મીઠી વાત કરવામાં પણ જોખમ છે, પરંતુ તમે સામાન્ય માણસ થોડા હતા કે ધ્રૂજવા લાગો! એક ફેન સાથે ખૂલીને વાત કરવાનો તમને અધિકાર પણ છે; અને ફરજ પણ ખરી સ્તો.

બનવાજોગ કે તમે એક ખીલું ખીલું થઈ રહેલી કળીને ફૂલ બનવામાં મદદરૃપ થઈ શકો. સુભાષિતકાર કહે છે એમ અહીં એક નમણી લતા તમારા જેવા ઘેઘૂર વૃક્ષનો આશ્રય વાંચ્છે છે. એને જાકોર આપો તો કુદરતના ગુનેગાર જ ઠરો. એટલે હિંમત કરીને એનું નામ પૂછી લો છો. એ બહુ સંકોચ સાથે એની દૂધભાષામાં કહે છેઃ મુઝે રોશની પુકારોગે તો ચલેગા. વૈસે યે મેરા ઉપનામ હી હૈ!

હવે તમારી કસોટી શરૃ થાય છે. રોશનીનો ફોન ક્યારે આવે એની તમે ઉત્સુકતાપૂર્વક રાહ જોયા કરો છો. આમ જુઓ તો આમાં કશું ખોટું પણ નથી, પરંતુ જડ પરંપરાની રૃએ આ પણ એક પ્રકારનો વ્યભિચાર જ છે- માનસિક વ્યભિચાર. તમે આવડી મોટી હસ્તી, દેશભરમાં મોટા લેખક તરીકે જાણીતા, પાછા જબરા ભાષણબાજ – એટલે આઠે પ્રહોર ફોન તો સતત રણકતો જ રહેતો હોય, પણ એમાં પેલા રણકતા નારીસ્વરની જ ઝંખના રહે તે કેવું! વળી નારી સ્વરો પૈકી તમારી વૃદ્ધ બહેનો, પ્રેમાળ પત્ની કે લાડેકોડે ઉછેરેલી દીકરીના ફોનની એવી ઝંખના નથી રહેતી. તમે એવી સ્ત્રીનો અવાજ સાંભળવા અધીરા બની જાઓ છો જેને તમે ક્યારેય પ્રત્યક્ષ જોઈ નથી. એ રૃપાળી જ હશે એનીય કોઈ ખાતરી નથી. ‘રોશની’ ઉપનામ રાખ્યું એટલે જરૃરી નહીં કે એની હાજરીથી ઝળાંહળાં થઈ જતું હશે બધું. છતાં એને નહીં જુઓ, એની સાથે એકાદ બેઠક નહીં યોજો – ત્યાં સુધી તમારો આફરો હેઠો નહીં બેસે એ નક્કી! બધા જાણીતા માણસો તમારા જેવા નથી હોતા એ પણ તમે  સમજો છો. તમારા બી-ઈંગમાં જ, તમારા અસ્તિત્વમાં જ કશીક જન્મજાત ડિફેક્ટ છે. એટલે લાલ લૂગડું ભાળતાંની સાથે પાણી પાણી થઈ જાઓ છો, એકાએક આવેશમાં આવી જાઓ છો. ઉંમરના અંતિમ અધ્યાયની શરૃઆત થઈ ગઈ હોવાં છતાં તમારાં આ લખ્ખણ છૂટ્યાં નથી. કદાચ પેલી કહેવતો તમારા જેવાને જોયા પછી જ પડી હશેઃ પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં… પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય! કે વાંદરો ઘરડો થાય તોય ફાળ તો ભરે, ભરે ને ભરે જ!

‘રોશની! જબરંુ તખ્ખલુસ રાખ્યું છે હોં કે મૅડમ! લેકિન આપ કા કોઈ નામ ભી તો હોગા!’ તમારી જીભ સુધી આવી ગયેલ સવાલ ગળી જતાં તકલીફ તો પડી હોય, પણ સ્ત્રી દાક્ષિણ્યના નામે તમે ગમ ખાઈ ગયેલા. બોલો, સાચું કે નહીં?

-પ્રિય વાચક, દોસ્ત! તારાથી શું છુપાવવાનું હોય? તું ભલે લખતો ન હોય, સમજે છે તો બધ્ધું જ. તું દૂર બેઠો બેઠો તારા પ્રિય લેખકના એકેએક ધબકારનો તાગ મેળવતો રહે છે. લેખક પણ છે તો માણસ જેવો માણસ. તુલસીદાસ જેવો મહાકવિનો જીવ સુધ્ધાં ‘અસ્થિચર્મમય દેહ’ની પ્રીતિમાં અટવાયો હોય તો હું વળી કઈ – વાડીનો મૂળો? તારી ઉત્કંઠાની કસોટી નહીં કરું. મેં એને વ્હિસ્કીની બોટલ કહી દીધી છે એટલે તારેય રોશની વિશેની ગલીપચી કરાવે એવી વારતા વાંચવી હશે. તુંય આખરે પંચેન્દ્રિય થકી સુસજ્જ માણસ છે. યસ, આઈ નો યૉર લિમિટેશન્સ! લેખકના બહાને તારે રોશનીનો સહવાસ માણવો હશે; પણ મિત્ર, એ મારવાડણ તું ધારે છે એટલી ભોળી નથી. એને પુરુષની સાઇકોલોજીનો પૂરેપૂરો બલકે બહુ જ ઊંડો અભ્યાસ લાગે છે. એ ડબલ ગ્રેજ્યુએટ મહિલા છે. હસબન્ડ ઓએનજીસીના ડીજીએમ જેવી ઊંચી પોસ્ટ પર હોવાને લીધે એને નોકરી કરવાની જરૃર જ ન રહે, પણ પોતે ક્યારેક દિગ્બોઈ તો ક્યારેક દહેરાદૂનના આંટાફેરા ખાતો રહ્યો એથી પરી જેવી પરણેતરને સાથે ને સાથે રઝળપાટ કરાવવામાં એને હીણપત લાગ્યા કરતી હતી. એથી જ્યારે દેશના સૌથી સલામત મહાનગર ઉર્ફે અમદાવાદમાં પોસ્ટિંગ મળ્યું ત્યારે એણે ચાંદખેડાના ન્યૂ સીજી રોડ પર જ મજાનો બંગલો ખરીદી લીધો. રોશની માટે એના દાંપત્યજીવનની  યાદગાર ઉપલબ્ધિ હતી. મરુ પ્રદેશની હરણીને સુરક્ષિત અભયારણ્ય મળી ગયું હતું, પરંતુ એ અભયારણ્યમાં એકલી પડી ગયેલી હરણીને કોઈ વાઘની તરસ હશે, એવી તો કલ્પના પણ ન હોય ને!

‘સર, આપને મળવું હોય તો-‘ એ થોથવાઈ ગઈ એટલે મેં અધવચ્ચે જ એનો હાથ પકડી લઈ એને પડતી-આખડતી બચાવી લેતો હોઉં એમ હૂંફાળો પ્રતિસાદ પાઠવી દીધોઃ ‘રોશની માટે કોઈ નીતિ નિયમ હોય ખરા? અભાગિયો હોય તે એને આવતી જોઈ બારીબારણા બંધ કરે! યુ આર વેલકમ એની ટાઈમ. બસ આવતાં પહેલાં એક મિસકોલ આપી દેશો-એટલું પૂરતું થઈ રહેશે. હું સામેથી વાત કરીશ!’

રોશનીનો ચહેરો અવાજમાં રૃપાંતરિત થઈને પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો. ‘હું કેટલી ભાગ્યશાળી છું સર!’ એ ગદ્ગદ થઈ ગઈ હતીઃ ‘મુઝે તો  યે સપને જૈસા લગ રહા હે. આવડી મોટી હસ્તી મને વાત કરતાંની સાથે મુલાકાત આપવા સહમત થઈ જશે, એવું તો વિચાર્યું જ ન હોય ને!’ એ ફોન પર ઓળઘોળ થતી રહી. મને એનો રાજીપો ઈશ્વરી અનુગ્રહ સમો લાગી રહ્યો. ઓચિંતો જ કુંડળીમાં ગોચરનો ગુરુ બદલાયો અને ભાગ્યસ્થાનને રળિયાત કરવા લાગ્યો કે શું?  નહીંતર આ ઉંમરે આવો યોગ, એ પણ એક મુફલિસ વાર્તાકારના જીવનમાં…! હું આનંદના અતિરેકને કારણે મોઢામાંથી ખસી ગયેલું ચોકઠું એડજસ્ટ કરવા લાગ્યો. ઊભો થઈને સીધો જ અરીસામાં ડોકાયો. કેવોક લાગું છું! પોતે જ પોતાના ચાળા પાડતો રહ્યો. ઉંમર બરફના ગોળાની જેમ ઓગળવા લાગી. હું એકાએક નખશિખ યુવાન બની ગયો. એક અજાણી સ્ત્રી આવો જુલમ કરી શકે ખરી? જલદી માન્યામાં ન આવે એવી વાત છે ને વહાલા વાચક મિત્ર? પણ સત્યને તમે નકારી પણ કઈ રીતે શકો? તમે લેખક હો – તે પણ બોચિયા પ્રોફેસરબ્રાન્ડ લેખક નહીં; મારા જેવા અલગારી, હરફન મૌલા-મસ્તફકીર લેખક; સંવેદનાની છોળો ઊડતી હોય રૃવાંડે રૃવાંડે -એવા સર્જક; તો તમને આવી ફિલિંગ થાય. આવી અનુભૂતિ કોક નરસૈંયા જેવા ભક્તજનને થાય કાં પછી મરા જેવા પ્રેમી જીવડાને થાય. બાકીના બધા માટે એે ઘટના ઘટી જ ન હોય એમ ઊંધું ઘાલીને ઘાંચીના બળદની જેમ લખચોરાશીની ફેર ફુદરડી ફરવા જેવું!

તમારી પ્રતીક્ષાનીય કોઈ લિમિટ તો હોય કે નહીં? એણે તો શાંત સરોવરમાં કાંકરીચાળો કરીને ફોન મૂકી દીધો, ‘સર-સર’ કહી આભલે ચડાવ્યા, પણ પછી મહિનાઓ સુધી સામે જોવાની તસદી જ કોને લેવી’તી? રોશની જેનું ઉપનામ. ધરાર ન લીધી. થાકીને આપણા રામે એનો ટેલિફોન નંબર જોડ્યો, તે પણ બીતાં બીતાં. પારકી સ્ત્રીને ફોન કરવામાં કેવાં જોખમ સમાયેલાં છે એ તો કોણ નથી જાણતું આ જમાનામાં? પણ હવે વધુ રાહ જોઈ શકાય એમ નહોતી. આમ ને આમ આખો મહિનો એની પાછળ ઝૂરતા રહ્યા અને હજી કોણ જાણે ક્યારે એનાં કંકુપગલાં થશે, એ તો અધ્યાહાર જ હતું. આવે તો સાંજ સુધીમાંય આવી જાય. ચાંદખેડાથી ગાંધીનગર આવતાં વાર કેટલી? ડીજીએમની વાઈફ છે, કોઈ હાલી મુવાલી તો છે નહીં. ફર્સ્ટ ક્લાસ મર્સિડિઝ કે એસયુવી ફેરવતી હશે. આપણી જેમ બસમાં થોડી આવશે? વટપૂર્વક શોફરચાલિત મોંઘીદાટ કાર લઈને પધારશે, રાજરાણીની જેમ. સામેની દુકાનોવાળા ઘડીક જોતા જ રહી જશે. અંદરોઅંદર કાનાફૂસી ચાલશેઃ છે ને બાકી! આનું નામ તે ગાડી! બાબુલાલ નાયી, મહેતાને ઠોંસો મારીને ભૂલ સુધારશેઃ ગાડી તો જોઈ હવે. ગાડીમાં અસવાર થઈને આવી છે એ લાડી સામી નજર કર ભૂંડા. ભવસાગર તરી જઈશ?!

નંબર જોડતાં જોડતાં એ હાજરા હજૂર આવી તો નથી ગઈ, એવી શંકા જતાં ફલેટનો દરવાજો ખોલી નાખ્યો. એમાં ને એમાં એકાદ આંકડો આઘોપાછો ડાયલ થઈ ગયો. કોઈ નરશાર્દૂલની  ડણક સંભળાઈ. મારા તો હાંજા ગગડી ગયા. મનમાં ને મનમાં હનુમાન ચાલીસાની ચોપાઈ ગણગણતાં પૂછ્યુંઃ જી, હું જરા રોશની મેડમ સાથે વાત કરવા માગું છું… એમને ફોન આપશો?!

‘રોશની-ફોશનીનો નંબર નથી આ.’ કહી અમે રોષપૂર્વક છાછિયું કર્યું. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ યાર. આપણે રહ્યા સાવ સુંવાળો જીવ. આવી તોછડી ભાષા સાંભળવા ટેવાયેલા જ નહીં, પણ ગ્રહો જ વંકાયા હોય – શનિ અને રાહુ બેઉ એકસાથે મળીને તમારી કસોટી કરવા મંડી પડ્યા હોય ત્યાં ફરિયાદ પણ કોના આગળ કરવી? પિસ્તાળીસ વર્ષથી તમને સહન કરનાર ઘરવાળીને થોડું કહેવાય આવું બધું? કહેવા જાવ તો ઊલટાની દાઝ્યા ઉપર ડામ ચોડે. ઘરડા થયા તોય વટકેલા ને છટકેલા રહો છો તે કોક તો માથાની મળે કે? ખરું થયું છે. કર્યાં કરમ ભોગવો હવે. માથે ઓઢીને રુવો એના નામનું. બહુ બહુ તો માંડ આટલું બોલતઃ

‘ચોરની મા કોઠીમાં માથું ઘાલીને રુએ એવી દશા થઈ છે તમારી.’ એ બિચારી આથી વધારે તો કહી કહીને કહે પણ શું? તમારી રગેરગને ઓળખતી હોય ત્યાં ખોટો બોબાટો કરીનેય શું ફીણવાનું હતું? પડ્યું પાનું નિભાવી લીધું છે બિચારીએ. હવે કાઢ્યાં તેટલાં થોડાં કાઢવાં છે? ઘરની વાત ઘરમાં રહે ત્યાં સુધી સારું, અંદરનો ઊભરો ઉલેચવા જઈએ એમાં બાંધી મૂઠી ઊઘડી ગયા વિના ના રહે. જાતે ને જાતે જાંઘ ઉધાડી કર્યાં જેવું થાય. વાડ સાંભળે, કાંટો સાંભળે. રાઈનો પર્વત થતાં વાર ન લાગે. દુનિયાને તો શું? વગર મફતનું જોણુ. પાડોશણો લળી લળીને તાળીઓ લે. એમના બાપનું શું જવાનું હતું? આબરૃ જશે તો તમારી જવાની છે.

તમે સંભવિત પ્રતિભાવોનો જવાબ શોધી રહ્યા હતા ત્યાં ઓચિંતી જ મોબાઇલની રિંગ વાગી. ઓહ, શું વાત છે! ઘડી પહેલાં  પોતે એનો નંબર ડાયલ કરવા ગયા ત્યારે કોઈ ભળતો જ નંબર લાગી ગયો હતો. તાબડતોબ જાણે એને તમારાં વાઇબ્રેશન્સ પહોંચી ગયાં હોય એમ આટલા દિવસ પછી ઓચિંતો જ એનો ફોન આવી ગયો. તમારો ચહેરો વૈશાખી ગુલમહોરની જેમ ખીલી ઊઠ્યો. રાજેન્દ્ર શાહનું પેલું જાણીતું કાવ્ય યાદ આવી ગયું –

ભાઈ રે, આપણા દુઃખનું કેટલું જોર,

આભ ઝરે છો આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમોર…

‘-અચ્છા, તો આખિર હમારે અચ્છે દિન આ હી ગયે! તમે એની મજાક કરી, એ એને ગમી, પણ સામે છેડેથી એણે તો દુખડાં જ રોવા માંડ્યાંઃ ‘આપ કે જરૃર આયે હોંગે, મૈં તો યહાં મર રહી હૂં. આપ કો ફોન કરનેકી ભી ફુરસત કહાં હૈ સર! બડે લોગ જો ઠહરે.’

…તમને એના શબ્દોમાં છુપાયેલી પીડાએ નખશિખ વલોવી નાખ્યા હતા, કબૂલ? એમ જ થાય ભઈલા, એમ જ થવું પણ જોઈએ. એક નહીં જોયેલી સ્ત્રીની પીડા તમે આત્મસાત્ કરી શકો છો એ જ તમારામાં જીવતા માણસનું વણલખ્યું પ્રમાણપત્ર છે. તમારે જાતે જ પોતાની પીઠ થાબડવી જોઈએ આવી અસાધારણ સિદ્ધિ માટે.

પ્રિય વાચક, જેમ તને કદી રૃબરૃ નથી મળ્યો એમ હું -તારો પ્રિય વાર્તાકાર- મારી આ વાર્તાનાયિકાને આજપર્યંત ક્યારેય મળ્યો નહોતો એટલું તો માનીશ ને? તારા જેટલા જ અંતરે હોવા છતાં એની ઝંખના એટલી પ્રબળ હતી કે મને આઠે પહોર એના જ વિચારો આવ્યા કરતા હતા. હવે એને – મળવું એ મારી ગરજ બની ગઈ હતી. એણે તો કિનારે બેઠાં બેઠાં હળવેકથી પારદર્શક જાળ ફેંકી દીધી છે. એ જાળમાં એના મધુર કંઠનો ગુંજારવ ટંકાયેલો છે એટલે હું ગમે તેટલો પ્રયાસ કરું છતાં એના ભણી ખેંચાયા વિના રહી શકવાનો નથી. હવે હું કસ્તુરી મૃગ છું અને એ શિકારી. મૃગજળ જેવી એની જાળમાં દોટ મૂકીને ફસાવા સિવાય વિકલ્પ જ ક્યાં બચ્યો છે મારી પાસે? જ્યાં સુધી એની જાળમાં ફસાઈશ નહીં ત્યાં સુધી એનો કોમળ અંગુલિસ્પર્શ પામવાની ઇચ્છા અધૂરી જ રહેશે. સમજાય છે મારી વાત? હું કંઈ મૂરખ નથી કે પરસ્ત્રી સાથે સંબંધ બાંધવાથી પ્રાપ્ત થનાર પરિણામ કલ્પી ન શકું, પરંતુ ફરી એક ગુજરાતી કવિને સંભારી લઉં. પ્રીતમદાસ કહે છેઃ ‘પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને!  માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને!’ મોહી પડ્યો છું એટલે ભલે એ ધગધગતી આગ જ કેમ ન હોય. હવે તો આંખો મીંચીને કૂદકો માર્યે જ છૂટકો.

તને પણ મજા પડી ગઈ, ખરું ને!  ‘મોહી’ પડ્યા હોય એ બધા ‘માંહીં’ પડ્યા વિના રહે જ નહીં. ભલેને પછી દાઝવાવારો જ કેમ ન આવે! આ સ્ત્રી નામની ચીજ છે જ દઝામણી.

– લજામણી પણ ખરી ને? સાચું કહેજે, કોઈની શેહશરમ રાખ્યા વગર. બલકે હું તો છાસઠમા વર્ષે એ નિષ્કર્ષ પર આવ્યો છું કે સ્ત્રી નામનું રમકડું રમતું મૂકી દઈ બ્રહ્માજીએ હાથ ધોઈ નાખ્યા લાગે છે.

સૃષ્ટિ પર જ તમને સ્વર્ગ અને નરક -બેઉં એક જ પડીકામાં બાંધીને આપી દીધાં છે. બેઉંનો વારાફરતી અનુભવ કરો. બસ, લખચોરાશીનો ફેરો સાર્થક. નથી કોઈ તપ, વ્રત કે અનુષ્ઠાનની જરૃર; કે નથી જરૃર બિહામણા તીરથ કરવાની. ઘરમાં જ મક્કા ને ઘરમાં જ કાશી. સ્ત્રી સિવાયની દુનિયા આખી વાસી.

…. તમને એના દુઃખમાં સહભાગી થવાનો ઉમળકો ઉપડ્યો હતો. ‘એવું ના કહો રોશની, હું તો તમને ક્ષણવાર પણ વીસર્યો નથી. એ સાચું કે હું સતત તમારા ઇજનની રાહ જોતો રહ્યો હતો, પરંતુ ક્ષોભ અનુભવતો હતો – મનની વાત હોઠ પર આણી નહોતો શકતો.’ તમે થોડું અટકીને હમણા થોડી જ વાર પહેલાં એને ફોન જોડેલો એની યાદ અપાવેલી. ‘માનશો? જલ્ચ બિફોર ફ્યુ મિનિટ્સ-ટુ બી વૅરી એક્ઝેક્ટ, બે મિનિટ પહેલાં જ તમારો નંબર લગાવેલો. ભૂલથી એકાદ આંકડો આઘોપાછો થઈ ગયો એમાં તો સામો માણસ કેવો ફરેરી ખાઈ ગયો! હવે ઉંમરલાયક માણસ ક્યારેક રોંગ નંબર પણ ડાયલ કરી નાખે તો આમ તપી થોડા જવાય?’ ‘મારે કારણે આપને તકલીફ પડી. આય’મ રિયલી સોરી. ઔર અબ એક ખુશખબરી સૂના દૂં તાકી આપકો મેરે નિમિત્ત સે જો ચોટ પહુંચી હૈ વો સહનેકા બલ મિલે! તમારા જેવા વરિષ્ઠ લેખકોની વાર્તાઓ વાંચતાં વાંચતાં મને પણ કશુંક લખી નાખવાનું મન થઈ આવ્યું એટલે મેં હમણા એક વાર્તા લખી છે.  તમે એને કઈ રીતે મૂલવશો એ તો હું નથી જાણતી, પણ મારે તમને એ સંભળાવવી જ છે; આપ બિઝી તો નથી ને? એવું હોય તો હું આપને ફરી ફોન કરીશ.’

તમે ગોળ ગોળ થઈ ગયા. ‘મીન્સ કે લેખક સાથે એક જ વાર ફોન પર વાત કરીને તમે વાચકમાંથી લેખિકા બની ગયાં!  આ તો ભારે થઈ કહેવાય મૅડમ.’

‘લેખક તો પારસમણિ છે સર. તમારી પ્રેરણા-‘ પૂરું બોલ એ પહેલાં એને અધવચ્ચે ટોક્યા વગર ન રહેવાયું તમારાથી.

Related Posts
1 of 255

‘ઇન્ફેકશન લગાડયું એમ જ કહોને! હવે તમે નહીં બચી શકો. આ ઇન્ફેક્શન મટાડે એવું એન્ટિબાયોટિક શોધાવું બાકી છે!’ -એણે હસીને વાર્તા વાંચવા માંડી. તમને એની વાર્તા કરતાં વધુ વાતોમાં રસ હતો, પણ નવી-નવી લેખિકા બનેલી માનુની તમારી ઇચ્છાને થોડી અનુસરવાની હતી? એણે સીધી જ વાર્તાની ભૂમિકા બાંધીઃ આ વાર્તા મને મરીનડ્રાઇવના દરિયા પાસેથી મળી છે. એણે વાર્તાનો પહેલો પરિચ્છેદ પૂરો કરતાં થોડો પોરો

ખાઈને પૂછ્યુંઃ ઉપાડ કેવો છે વાર્તાનો? જોકે તમારા જેવા સિનિયર લેખકની વાર્તામાં તો દરિયાની ભરતી જેવો જુવાળ હોય. હું રહી સાવ નવીનવેલી, કાચીકુમળી કળી. ખીલતાં વાર લાગશે હજી!

…પ્રિય વાચક, તું જ કહે, આવા મધમીઠા શબ્દો સાંભળ્યા પછી હું લેખક રહું કે પુરુષ? લોહી ઉછાળા મારવા માંડ્યું અને લાગણીના બંધ તૂટું તૂટું થઈ રહ્યા. કાચી કેરીનું કચુંબર કોને ન ગમે! પણ મૂઈ વાર્તા સંભળાવવાની હઠ લઈ બેઠી હતી. -વચ્ચે કોમેન્ટ કરું એ પણ એને અળખામણી જ લાગે.

‘મીન્સ કે બે પાત્રોની જ વાર્તા છે, હસબન્ડ વાઈફની. વાઈફ ગૃહિણી છે, ધાર્યું હોત તો નોકરી કરી શકી હોત, પણ અમારા રાજસ્થાની સમાજમાં તો-તમે જાણો જ છો ને, હજી સુધી સ્ત્રી એટલે રસોડાની રાણી. એ ઘર સંભાળે, છોકરાં જણે, એમને ઉછેરે, ટૂંકમાં ધણીનો વંશ આગળ વધારી આપવો એ જ એનું કામ. એને પોતાની કોઈ અલગ હેસિયત સ્થાપિત કરવાનો તો હક્ક જ નહીં, પણ હવે આ એકવીસમી સદીમાં એણે પેદા કરેલી – પ્રજા એને થોડી ગાંઠવાની છે?

એ મારી પ્રતિક્રિયાની રાહ જોય વગર જ વાર્તાનો બીજો ફકરો વાંચવા લાગી. પતિપત્ની મરીનડ્રાઇવનાં દરિયાનાં મોજાં ઉછળતાં જોઈ એમના દાંપત્યના ભૂતકાળમાં સરી પડે છે. મોજાં સાથે જ દરિયામાંથી ડબાકડોકિયાં કરતી એક ખાલી બાટલી તરતી તરતી બેઉ તરફ આવતી દેખાય છે. મોજાં એને આમથી તેમ ફંગોળતાં કિનારા પર ફેંકી પાછાં વળી જાય છે.

બાટલીને તમે પ્રતીક તરીકે લીધી છે, ખરું?

જી સર, આપ તો ઇશારામાં સમજી શકો. હું રહી સ્ત્રી. મેં એક દીકરીને પણ જન્મ આપ્યો છે, પણ હવે એ મારી સાથે નથી. જીવન સાગરનાં મોજાં પર સવાર થઈને એ દૂર નીકળી ગઈ છે. બાટલી તો ખેર, અથડાતી કુટાતી અમારી નજીક આવીને ભેખડો વચ્ચે ભરાઈ ગઈ, પણ મારા જ અસ્તિત્વમાંથી ચંદ્રની જેમ છૂટી પડેલી તીતી તો સાગરના સામા કિનારે જઈને ઠરી છે. હવે તો અમારે વૉટ્સઍપ પર એના ફોટા જોઈને મન વાળવાનું છે. એને એનાં મૉમ-ડૅડ વહાલાં નથી એવું થોડું હોય! આ કરિયર નામની બલાએ અમને અળગા કરી દીધા છે.

વાર્તા પૂરી કર્યા પછી એણે બીતાં બીતાં પૂછ્યુંઃ કેવી લાગી સર? કોઈ મૅગેઝિનમાં મોકલીએ તો છાપે ખરું?

તમે મૂંઝાઈ ગયા હતા. ‘વાર્તામાં જે સંદેશ હોય તે ગોપનીય રાખો તો એ કલાત્મક લાગે. તમે છેલ્લા ફકરામાં બધું ઉઘાડું કરી આપ્યું છે. બાટલીને તમે ‘ફોરેન બૉડી’ ગણાવી છે. માતાના ગર્ભમાંથી બહાર ફેંકાતા બાળકની જેમ દરિયાની કૂખમાંથી બાટલી કિનારે ફેંકાય છે. બરાબર?’

એણે મલકાટ ભર્યા સ્વરમાં કહ્યું, ‘બલકે એથી ઊલટું જ વધારે ઉચિત લાગશે જેમ દરિયો આવડો મોટો હોવા છતાં એક ટચૂકડી બોતલને એના અંગભૂત એકમ તરીકે સ્વીકારી શકતો નથી, એમ માતાની નાનકડી કૂખમાં રોપાયેલ પુરુષબીજથી ફણગેલું શિશુ પણ આખરે છે તો ફોરેન બૉડી જ. માતાની કૂખ એને સહી શકાય ત્યાં સુધી સહ્યા કરે છે. પછી તો શિશુ પોતે જ અકળાઈ ઊઠે છે – એને એ અંધારી, અવાવરું ગુફામાંથી બહાર નીકળવાની તાલાવેલી રહે છે. દરિયા જેવું પેટ ધરાવતી મા પણ હવે એને વધુ સમય સંઘરવા નથી માગતી. એને સ્વતંત્ર જિંદગી જીવવી હોય તો નાભિનાળ સાથે બાંધી રાખવાનો કોઈ અર્થ ખરો? આપ સમઝ રહે હો ન મેરી બાત! મેરી બચ્ચી કભી મેરે ભીતર ગર્ભ કે રૃપમેં કૈદ થી. પૈદા ક્યાં હુઈ – માનો, આઝાદ હો ગઈ. મૈંને – હમ દોનોંને ઉસે અપના હી અંશ સમઝકર પાલા-પોસા. ફિર ભી એક દિન…’

એના અવાજમાં ભીનાશ હતી. પ્રિય વાચક, હું એક વિખૂટી પડી ગયેલી દીકરી માટે ઝૂરતી માતાની આ અભિનવ પ્રસવપીડા જોઈ વ્યથિત થઈ ગયો, પરંતુ મારે તો એને ખુશ કરવી હતી ને! એટલે મેં એને તાબડતોબ સાંત્વન આપવા માંડ્યું. ભલે ને આજનો દિવસ કામ ન થાય! એક જીવતી વારતાને મળી શકાશે તો બનવાજોગ કે ભારતીય સાહિત્યને લાગણીઓથી ધબકતી લેખિકા સાંપડે… સાહિત્યને એક મહાદેવી કે મહાશ્વેતા મેળવી આપ્યાનો ધરવ લઈને મરીશ.

‘ઐસા કીજિયે, મૈં આપસે મિલને આતા હૂં.’ મેં ભારે ઉત્સુકતાપૂર્વક ઉમેર્યું, ‘કણનીકા અંત સાથમેં બેઠકર ડિસ્કસ કરેંગે.’ મને તો એમ કે મારી ઓફર સાંભળીને મરીનડ્રાઇના દરિયાની જેમ ઊછળી પડશે. મને તેડી જવા એની મર્સિડિઝ કે એસયુવી કાર મોકલી આપશે. ક્યાંક સારી હોટલમાં જમાડશે, પરંતુ એનો રિસ્પોન્સ મારી અપેક્ષાથી વિરુદ્ધ સાવ જ ઠંડો હતો.

‘સર, અભી વો આઉટ ઑફ સ્ટેશન હૈં- દેહરાદૂનમેં પોસ્ટિંગ હુઆ હૈ ન અભી… અને તમે તો સમજી શકો છો -એક રાજસ્થાની ફેમિલી કેવું ઑર્થોડોક્સ હોય -એનો અંદાજ આપ જેવા વડીલને ના હોય એમ બને ખરું?! નહીંતર આવો અવસર હું ઝૂંટવી જ લઉં ને! મારે મન તો આપ ભગવાન જેવા છો. મને મૈથિલીશરણ ગુપ્તજીની ‘યશોધરા’ની પંક્તિ યાદ આવી રહી છેઃ ભક્ત કહીં જાતે નહીં, આતે હૈં ભગવાન…’ થોડા ખચકાટ સાથે એણે ઉમેર્યુંઃ ‘બીજી એક મુસીબત પણ છેઃ હમણા થોડાક મહિનાથી મારાં સાસુમા અમારી સાથે રહેવા આવેલાં છે. એમને સ્ટ્રોક આવી ગયેલો… વૃદ્ધ જીવને ગામડે થોડા રાખી મુકાય?

ટૂંકમાં બધા દરવાજ બંધ! ‘ઓ.કે., ઓ.કે..’ તમે ફરી પાછો એને દિલાસો આપવા લાગ્યાઃ ‘આપણા વડીલોને આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવશે? રોશની, તમે ખૂબ જ વખાણવાલાયક નિર્ણય કર્યો છે. વૃદ્ધ સાસુમાની સેવા કરો. કોઈ પણ શ્રેષ્ઠ વાર્તા લખ્યા કરતાં એમના આશીર્વાદથી તમને વધારે યશ મળશે. બલકે એ તો તમારી ફરજ છે. બાય ધ વે, માતાજીનાં ચરણોમાં મારા પ્રણામ પાઠવજો. હવે તો ડીજીએમ સાહેબ આવે ત્યારે વાત. બરાબર?’ પરંતુ રોશની તો ભડકી ઊઠીઃ મારી વાર્તામાં એમની હાજરીની શી જરૃર છે? સર, એમને એમનું કામ કરવા દઈએ. વાર્તામાં એક કૅરેક્ટર તરીકે આવે ત્યાં સુધી ઠીક છે. અધરવાઈઝ ઈટ્સ માય ઓન ક્રિયેશન. એ કંઈ સહિયારા પરિશ્રમથી સરજાયેલું બાળક થોડું છે? પાર્વતીએ એના મેલમાંથી સર્જેલાં સંતાનો જેવી એ અયોનિજ પ્રોડકટ છે. મારે એને વહેલામાં વહેલી તકે પ્રિન્ટેડ ફોર્મમાં જોવી છે. સાચું કહું? પેલી ઑસ્ટ્રેલિયા ચાલી ગયેલી એકની એક દીકરી કરતાંય મને એ વધારે વહાલી છે… આપ એને ઘાટીલી બનાવવામાં, એને માર્કેટેબલ બનાવવામાં મદદરૃપ થશો તો આભારી થઈશ.

એનો ઊભરો હેઠો બેઠો એટલે મેં કહ્યુંઃ તમને વાંધો ન હોય તો વાર્તાનો અંત થોડો બદલવા જેવો ખરો.

‘તો કહોને, એમાં કોઈ ત્રીજા પાત્રની એન્ટ્રી કરાવવાથી એ વધુ રોમાંચક બનશે? એમ કરવું જરૃરી હોય તો -આઈ ડોન્ટ હૅવ એની ઑબ્જેક્શન સર. વાર્તા આખરે વાર્તા છે. એમાં હું કોઈ પણ પ્રકારની છૂટછાટ લઈ શકીશ. એ બેડરૃમ થોડી છે કે એમાં ત્રીજા પાત્રથી ડોકિયું જન કરાય!’

…વહાલા વાચક મિત્ર, મેં એને કેવો અંત સૂચવ્યો હશે – કલ્પી શકો છો? મેં ધરાર એમની પ્રાઈવસીમાં બાકોરું પાડી દીધું અને એ માનુનીએ હોંશભેર એને સ્વીકારી પણ લીધું. એથી વાર્તા પણ અલબત્ત વધુ સંતર્પક જ બની રહી; અધૂરી રહી તો મારી મુલાકાત!

‘એમ કરીએ.’ મેં અવાજમાં કામાવેગ ઉમેરીને, કાનમાં કહેતો હોઉં એમ કહ્યુંઃ તમારા સુખદ એકાંતમાં ખલેલ પહોંચાડવા હું જ ત્રીજા પાત્ર તરીકે પ્રવેશ કરું તો કેવું?

‘અલબત્ત, વાર્તાના પરિવેશમાં જ, સર.’ એ હસી પડી, ખિલખિલાટ. ‘બોલો, તમે કેવી રીતે ઍન્ટ્રી મારશો, એ પણ વાર્તા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી હોય ત્યારે?’

‘તમને સ્પર્શવા હું મત્સ્યાવતાર લેવા તૈયાર છું!’

‘કંઈ સમજી નહીં, સર.’ એની ઉત્કંઠા વધી ગઈ.

‘મનોમન મરીનડ્રાઈવ પહોંચી જઈ તમારી કુમળી હથેળીમાં થોડા પોપકોર્ન લો.’

‘લીધા.’ એ ફોર્મમાં આવી ગઈ. ‘હવે શું કરું એનું?’

‘દરિયામાં ફેંકવા લાગો. પછી જુઓ, કેવી રોમાંચક સ્થિતિ સરજાય છે તે!’ હું કશું બોલું, તે પહેલાં એ છળી પડી. ‘બાપ રે, મારા હાથમાંથી પોપકોર્ન પડાવી ગયું એક માછલું! હું તો ડરી જ ગઈ…’ એણે આબાદ અભિનય કર્યો. જાણે સાચેસાચ મરીનડ્રાઇવ પર માછલું આવીને એના ખોબામાંથી પોપકોર્ન ન પડાવી ગયું હોય એમ સ્તો.

‘હવે વાર્તા બરાબર લાગે છે?’

‘હજી એક પોઈન્ટ ઉમેરવો પડશે.’ મેં ધીમે રહીને એને ફોન પર જ ચૂમી લીધી; અને પછી ઉમેર્યુંઃ ‘માછલું એવું હેવાયું થઈ જાય કે એ તમારા ખોબામાં ભરેલા પોપકોર્નથી સંતોષ ન અનુભવે. છેલ્લે એ ઊછળીને તમારી છાતી સરસું બટકું ભરી લે; અને પછી એને જરૃર કમકમાં આવી ગયાં હશે.

‘ઓઈ મા!’ એનાથી રાડ નંખાઈ ગઈ. ખાસ્સી વાર સુધી ફોન ડૂસકાં ભરતો રહ્યો. એનાં ડૂસકાં શાંત પડ્યાં ત્યારે એ બોલીઃ ‘માછલાં આવાં હોય એવી ખબર નહોતી, સર! ઍની વે, ડ્રાઇવર એમને લેવા ઍરપોર્ટ ગયો હતો. હવે એ આવી ગયો છે. તમને લઈ આવવા માડી મોકલાવું છું. એમની હાજરીમાં જ ઍન્ડ ડિસ્કસ કરીએ તો કેવું?’ કહી એણે ફોન કટ કરી દીધો.

—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »