તમારા માટે, તમારી સાથે, સતત…

ટૅક્નોલોજીના રાક્ષસને નાથવાનો બેજોડ કીમિયો

૨૧મી સદીના આવનાર વર્ષોનો એકમાત્ર મોટો પડકાર હોવાનો છે તેની કલ્પનાતીત ગતિ. પ્રતિદિન એ ગતિમાં થતો વધારો. તેના થકી મનુષ્યજાતના મનમાં જન્મતો ભય. આવા પડકારને કેમ પહોંચી વળાશે?

0 116
  • ડૉ. રંજના હરીશ

‘થોભો. વિચારો. મનુષ્ય થઈને મશીન બનતા અટકો.’ આ છે ઉપરોક્ત પુસ્તકનો મુખ્ય સ્વર.

સમયબદ્ધતા માટે જાણીતા, ઘડિયાળને કાંટે જીવતા, પશ્ચિમી દેશોના ૨૧મી સદીના ક્લાસિક તરીકે પોંખાઈ રહેલ Thank You for Being Late ૨૦૧૭માં પ્રકાશિત થયેલ અત્યંત ચર્ચિત પુસ્તક છે. પોતાના પ્રદાન માટે ત્રણ-ત્રણ વાર પુલિત્ઝર પ્રાઈઝથી સન્માનિત આ પુસ્તકના લેખક થોમસ એલ ફ્રિડમેન (જ. ૧૯૫૩) ‘ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ’ના ખ્યાતિપ્રાપ્ત કોલમિસ્ટ છે, તેમજ અમેરિકાના નામાંકિત જર્નાલિસ્ટ છે. તેમના ત્રણ વર્ષના પરિશ્રમનું પરિણામ અને જીવન આખાનો નિચોડ એટલે આ પુસ્તક. જેનું સબ ટાઇટલ છે ‘એન ઓપ્ટિમિસ્ટિક ગાઇડ ટુ થ્રાઇવિંગ ઇન ધ એજ ઓફ એક્સિલરેશન’ (તીવ્ર ગતિપૂર્ણ યુગમાં ઉમળકાભેર જીવવા માટેની આશાભરી માર્ગદર્શિકા) આ સબ ટાઇટલ પુસ્તકના મુખ્ય કથ્યને સુપેરે વાચા આપે છે. ૨૧મી સદીના આવનાર વર્ષોનો એકમાત્ર મોટો પડકાર હોવાનો છે તેની કલ્પનાતીત ગતિ. પ્રતિદિન એ ગતિમાં થતો વધારો. તેના થકી મનુષ્યજાતના મનમાં જન્મતો ભય. આવા પડકારને કેમ પહોંચી વળાશે? પળે પળે બદલાતા વિશ્વ સાથે કદમ કેમ મિલાવાશે? આ બધા પ્રશ્નો માટે ફ્રિડમેનનો જવાબ છેઃ અલબત્ત, તીવ્રતમ ગતિથી દુનિયા તો બદલતી રહેશે, પરંતુ આવી ગતિથી ગભરાઈ જવાને બદલે તેને બરાબર સમજી લેવાની જરૃર છે. સહેજ થોભીને, જે બીક પમાડે છે તે સત્યોને તપાસીને, સમજીને, આત્મસાત કરવાની જરૃર છે. જેના માટે શ્વાસ લેવા જેટલો સમય પણ જરૃરી છે. દોડાદોડની જિંદગીમાં લોકો સમય સાચવવા માટે ઘણુબધું ભુલાવી દેતા હોય છે. લેખકના ભાષણ માટે મોડા પડનાર શ્રોતાઓના ‘સોરી’નો જવાબ આપતા લેખક કહે છેઃ ‘થેન્ક્સ ફોર બિઈંગ લેટ.’ આવા પ્રતિભાવથી ન ટેવાયેલ આજનો મનુષ્ય તેમના આ શબ્દોમાં કટાક્ષ શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ના. આમાં કોઈ કટાક્ષ નથી. વક્તા તેમને કહે છે કે, ‘તમે મોડા આવીને સારું કર્યું કે જેથી તીવ્ર ગતિભર્યાં જીવનની દોડાદોડમાં મને વિચારવાનો, આસપાસ જોવાનો થોડો વખત મળી ગયો.’

આવા, આજની પાશ્ચાત્ય જીવનશૈલીથી તદ્દન વિપરીત, તેવા શીર્ષકની સાર્થકતા આ પુસ્તકમાં સતત અનુભવાય છે. મનુષ્ય જીવન પર હાવી થઈ રહેલ સમયબદ્ધતામાં ક્યાંક ઢીલ મળે તો ૨૧મી સદીના મનુષ્યને પોતાના વિશે વિચારવાનો સમય મળે.

થોમસ એલ ફ્રિડમેન પોતાને ‘એક્સપ્લેનેટરી જર્નાલિસ્ટ’ (સમજાવવા માટે પ્રતિબદ્ધ એવા પત્રકાર) તરીકે ઓળખાવે છે. તેઓ કહે છે, ‘મારું કામ અંગ્રેજીથી અંગ્રેજીમાં અનુવાદનું છે.’ એટલે શું? અનુવાદક તો એક ભાષામાંથી બીજી ભાષામાં વિચાર લઈ જાય! આ બાબતનું સ્પષ્ટિકરણ કરતાં તેઓ કહે છે, ‘ક્લિષ્ટ અને ગૂંચવાડાભર્યું અંગ્રેજીમાં હું જે વાંચું, સાંભળું, જોઉં અને વિચારું તે સઘળું પચાવીને, તેનું પૃથક્કરણ કરીને, અર્થઘટન કરીને હું સરળ અંગ્રેજીમાં તેને લોકો સુધી પહોંચાડવાનું કામ કરું છું. આ છે મારું અનુવાદકાર્ય- અઘરા વિચારો અને તેથીય અઘરી અને ક્લિષ્ટ ભાષામાં અભિવ્યક્ત થતાં જ્ઞાનને સુપાચ્ય અને સરળ બનાવીને લોકો સુધી પહોંચાડવું એ છે મારું અંગ્રેજીથી અંગ્રેજીમાં અનુવાદકાર્ય.’

આ પુસ્તકનાં બે મુખ્ય લક્ષ્ય છે, ૧. આજે જે વિશ્વ છે તે જેવું છે તેવું કેમ છે? વિશ્વ ‘આઉટ ઓફ કન્ટ્રોલ’ કેમ લાગે છે? ૨. અને આવા વિશ્વમાં ટકી રહેવા અને વિકસવા માટે મનુષ્યજાતે શું કરવું પડે?

Related Posts
1 of 319

૨૧મી સદીનું વિશ્વ ભયપ્રેરક છે. તેની ગતિ સાથે કદમ મિલાવવા લગભગ અશક્ય લાગે છે. આજના ૨૧મી સદીના વિશ્વને સમજવા માટે લેખકની દ્રષ્ટિએ ત્રણ પરિબળોને સમજવા પડેઃ ટૅક્નોલોજી, માર્કેટ અને કુદરત (ક્લાઇમેટ ચેન્જ) આ ત્રણેય પરિબળો અચાનક અકલ્પનીય ગતિથી મનુષ્ય જીવન પર ત્રાટક્યા છે. આ ત્રણ પરિબળોએ મનુષ્ય જીવનના પાંચ મુખ્ય ઘટકો પર અસર કરી છે. એ પાંચ ઘટકો છેઃ ૧. વર્કપ્લેસ, ૨. પોલિટિક્સ, ૩. જીઓ પોલિટિક્સ, ૪. એથિક્સ, ૫. કોમ્યુનિટી. મનુષ્ય જીવનના આ પાંચ અતિ મહત્ત્વપૂર્ણ ઘટકો ૨૧મી સદીના અકલ્પનીય તીવ્ર ગતિથી આપણા જીવન પર અસર કરતી ટૅક્નોલોજી, માર્કેટ અને ક્લાઈમેટ ચેન્જથી પ્રેરિત છે. દર પાંચ વર્ષે સમૂળગી બદલાઈ જતી ટૅક્નોલોજી સાથે કદમ મિલાવવામાં, ઓપન માર્કેટની સતત બદલાતી આંટીઘૂંટી સમજીને તેમાં સ્થિર રહેવામાં, કે પ્રદૂષણ પ્રેરિત ક્લાઈમેટ ચેન્જના મારને સહી જવામાં, વ્યસ્ત મનુષ્ય માટે દર પગલે પડકાર છે, પરંતુ આ પડકારોને પહોંચી વળવા સમય ક્યાં છે? શક્તિ ક્યાં છે? આવડત ક્યાં છે? અને તેથી મનુષ્ય જાત ભયભીત છે.

આ જ લેખકે ૨૦૦૫માં પ્રકાશિત કરેલ ‘વર્લ્ડ ઈઝ ફ્લેટ’ નામક બેસ્ટ સેલરમાં તેમણે ટૅક્નોલોજી ડ્રીવન વર્લ્ડની ફ્લેટનેસનો મહિમા કર્યો હતો, તેને બિરદાવી હતી. એટલું જ નહીં, તે પુસ્તકમાં ચર્ચાયેલ નવા વિશ્વની ફ્લેટનેસ માટે તેમણે ૧૦ મુખ્ય પરિબળોને યશ આપ્યો હતો. જેમાંનાં બે પરિબળો હતાં ટૅક્નોલોજી તથા અંગ્રેજી ભાષા. ત્યારે તેમણે લખેલું, ‘વેન ધ વોલ્સ વેન્ટ ડાઉન ધ વિન્ડોઝ કેમ ઍપ’ (અહીં સંદર્ભ છે જર્મનીને બે ભાગમાં વહેંચતી બર્લિનની દીવાલનો અને કમ્પ્યૂટરની વિન્ડોઝનો). તે વખતે આ બાબતોને લેખકે વિશ્વ આખાને કાસ્ટ, ક્લાસ, કલર કે ક્રીડને અવગણીને લોકશાહી ઢબનું સ્વાતંત્ર્ય અપાવનાર પરિબળો તરીકે આલેખ્યા હતા. અલબત્ત, તેમના આ વિચારમાં વજૂદ હતું. ઇન્ટરનેટે સમગ્ર વિશ્વને નજીક લાવી દીધું છે. તેમજ જ્ઞાનને ડેમોક્રેટિક બનાવી દીધું છે, પરંતુ ‘થેન્ક્સ ફોર બિઈંગ લેટ’માં એ જ બધા પરિબળોને લેખક વિકરાળ રાક્ષસરૃપે જુએ છે. ટૅક્નોલોજી એક એવો જીન છે જેને મનુષ્ય નામના માલિકે વશ કરવાની છે. જો તેમ ન થઈ શકે તો ટૅક્નોલોજી મનુષ્યને ક્યાંયનો નહીં રહેવા દે. એવી સઘન ચર્ચા પ્રસ્તુત પુસ્તક કરે છે.

૨૧મી સદીના ગતિપૂર્ણ જીવનમાં મનુષ્યને શ્વાસ લેવાની ફુરસદ નથી. તેને પોતાના વિશે વિચારવાનો પણ સમય નથી. તે અધીર છે અને પોતાની લાગણી પ્રત્યે બધિર પણ. વિકાસને નામે અતિ તીવ્ર ગતિથી ચકરાવે ચઢેલ વિશ્વ તેને હર પળ હંફાવે છે. સવારના પહોરની પ્રોફેશનલ મિટિંગમાં સહેજ મોડું થાય તો તેણે ક્ષોભ સાથે ‘સોરી’ કહેવું પડે છે! પરંતુ ના. જરા થોભો. મોડા પડ્યા? વાંધો નહીં. તમે મોડા પડ્યા તો મને બે ઘડી વિચારવાનો, જાત સાથે રહેવાનો, સમય મળી ગયો. થેન્ક્સ ફોર બિઈંગ લેટ. આવો મનુષ્ય સહજ મોકળો અભિગમ જીવનમાં કંઈક જંપ લાવશે. બંનેય પક્ષે સહેજ હાશ અનુભવાશે એવું લેખકનું માનવું છે.

પોતાની આ માન્યતાના સમર્થનમાં લેખક પોતાના બાળપણના દિવસો યાદ કરે છે. અમેરિકાના મિનેસોટા રાજ્યમાં વીતેલ તેમનો બાલ્યકાળ આવો ધમાલિયો નહોતો. તે સરસ હતો. સુંદર હતો. કેમ કે તેમાં નિરાંત હતી. લોકો પાસે સમય હતો. જીવન મૂલ્યો વિશે વિચારવાની તથા તે પ્રમાણે બાળઉછેરની શક્યતાઓ હતી. ભલે કદાચ એ જમાનામાં વડીલોનું ટૅક્નોલોજીનું જ્ઞાન ઘણું સીમિત હતું પરંતુ જીવન જીવવાના સિદ્ધાંતોનું જ્ઞાન પૂરેપૂરું હતું. કોમ્યુનિટી-સમાજમાં પ્રત્યેકને એકબીજાની ચિંતા હતી અને ખાલીપો ક્યાંય નહોતો. જૂની પેઢીના એ લોકોમાં ધીરજ હતી જે હવે શોધી જડતી નથી. અને તેથી એવું લાગે છે કે નવી પેઢી પાસે જ્ઞાન છે, પણ તે જ્ઞાન વાપરવા માટે, તે જ્ઞાનને સમજવા માટે, સમય નથી, ધીરજ નથી. લેખક લખે છે, ‘ઉપયોગ વગરના એવા જ્ઞાનનો શો અર્થ?’ પ્રમાણમાં અઘરા લાગતા આ પુસ્તકનું સમાપન લેખક સરળ નુસખાથી કરે છે. જીવનની અતિ તીવ્ર ગતિથી જન્મેલ સ્ટ્રેસમાંથી છૂટવા મનુષ્યે ધીરજના પાઠ ભણવા પડશે. એણે સ્પીડ ઓછી કરતાં શીખવું પડશે. એણે મોડા પડવાની હિંમત કેળવવી પડશે અને વળી, નવી ટૅક્નોલોજીથી ગભરાવાને બદલે કે તેના પ્રત્યે દુર્લક્ષ સેવવાને બદલે, નવી વસ્તુ શીખવા તત્પર બનવું પડશે. ‘બી અ લર્નર ઓલવેઝ.’ તો વળી સમય કાઢીને આપણી નોકરીના સ્થળ, રાજકારણ તથા સમાજની યોગ્ય પુનઃરચના પણ કરવી પડશે.

ઑક્ટોબર ૨૦૧૭માં પ્રકાશિત આ પુસ્તકને ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે. પુસ્તકને વધાવતા એક વિવેચક લખે છે, ‘આ પુસ્તક ઝંઝાવાતોની વચ્ચે ખુશખુશાલ થઈને નાચવા માટે જન્મેલી આજની નવી પેઢી માટે “મસ્ટ રીડ” (અનિવાર્ય વાંચન) છે.’ અન્ય એક વિવેચક લખે છે, ‘આ પુસ્તકનો સાર એ કે ટૅક્નોલોજીગ્રસ્ત વિશ્વમાં મનુષ્યજાતે ટકી રહેવું હોય તો મૂલ્યનિષ્ઠા અને ધૈર્ય કેળવવા અનિવાર્ય છે.’

ઉપરોક્ત પુસ્તકના લેખક થોમસ એલ ફ્રિડમેન ૨૦૧૭ના નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ટાટા લિટફેસ્ટમાં હાજરી આપવા ભારત આવ્યા હતા. ૨૧મી નવેમ્બરે બોમ્બે ખાતે સમારોહના ઉદ્દઘાટનમાં તેમણે પોતાના ઉપરોક્ત લેટેસ્ટ પુસ્તકના અંશોનું પઠન પણ કર્યું હતું, જેનાથી ઓડિયન્સમાં બેઠેલા મહમદ યુનુસ, માર્ગરેટ ડ્રેબલ, વિક્રમ શેઠ, નયનતારા સહગલ, નીલ એષ્લી, શબાના આઝમી જેવાં વિચારવંત શ્રોતાઓ અત્યંત પ્રભાવિત થયાં હતાં.
—————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »