તમારા માટે, તમારી સાથે, સતત…

અમેરિકાના પ્રેસિડન્ટને રોક્યા ત્રણ જજોએ

આ નવો પબ્લિક ચાર્જ રૃલ ૧૫મી ઑક્ટોબર, ૨૦૧૯ના દિવસથી અમલમાં આવનાર હતો. એનો સખત વિરોધ થયો

0 182
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

૧૫મી ઑક્ટોબર, ૨૦૧૯થી અમલમાં આવનાર અમેરિકાના હાલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો ‘પબ્લિક ચાર્જ રૃલ’ અમેરિકાની જુદી જુદી ત્રણ ફેડરલ કોર્ટના જજોએ અમલમાં આવતો અટકાવ્યો છે.

હજારો ભારતીયો જેઓ એક અમેરિકન સપનું સેવી રહ્યાં છે અને વર્ષોથી એમના અમેરિકન સિટીઝન બનેલાં ભાઈ-બહેન યા માતા-પિતા અથવા પતિ-પત્નીએ એમના લાભ માટે જે ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી હોય એ કરન્ટ થવાની રાહ જોતા હોય જેથી ઇમિગ્રન્ટ વિઝા મેળવી અમેરિકામાં પ્રવેશી ત્યાં ગ્રીનકાર્ડ મેળવી કાયમ રહી એમનું અમેરિકન સપનું સાકાર કરવા ઇચ્છતા હોય એ સપનું પ્રેસિડન્ટ ટ્રમ્પે પબ્લિક ચાર્જની વ્યાખ્યા વિસ્તૃત કરતા અને એક નવો પબ્લિક ચાર્જ રૃલ ઘડતા ચકનાચૂર થવાની સંભાવના હતી.

આ નવો પબ્લિક ચાર્જ રૃલ ૧૫મી ઑક્ટોબર, ૨૦૧૯ના દિવસથી અમલમાં આવનાર હતો. એનો સખત વિરોધ થયો અને અમેરિકાની ત્રણ જુદી જુદી ફેડરલ કોર્ટમાં આ પબ્લિક ચાર્જ રૃલ અમેરિકન સપનાની વિરુદ્ધ છે એવું જણાવીને એને અમલમાં આવવા દેવો ન જોઈએ એવી માગણી કરવામાં આવી છે.

અમેરિકા જે વર્ષોથી દુનિયાના થાકેલા, હારેલા, નિરાશ્રિતોને પોતાને ત્યાં આવકારે છે એ આવકાર આ પબ્લિક ચાર્જ રૃલથી અટકી જવાનો હતો. અમેરિકાની ત્રણ ત્રણ કોર્ટે એક મનાઈહુકમ ફરમાવીને આ પબ્લિક ચાર્જ રૃલને અમલમાં આવતો હમણા તો અટકાવી દીધો છે. હવે શું થાય છે એ જોવાનું છે. નિષ્ણાતોનું એવું માનવું છે કે, આ ટેમ્પરરી મનાઈહુકમ જો કાયમનો કરવામાં આવશે તો પ્રેસિડન્ટ ટ્રમ્પ એને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પડકારશે. જો કોર્ટ એણે આપેલ મનાઈહુકમ ઉઠાવી લેશે તો અમેરિકાની પબ્લિક એની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. ટૂંકમાં, આ પબ્લિક ચાર્જ રૃલ અમલમાં લાવવો કે નહીં એનો નિર્ણય આખરે અમેરિકાની સુપ્રીમ કોર્ટ લેશે.

Related Posts
1 of 316

પ્રેસિડન્ટ ટ્રમ્પે જે પબ્લિક ચાર્જ રૃલ આણ્યો છે એનાથી મોટા ભાગે એશિયાના લોકો અને ખાસ કરીને ભારતના લોકોને અમેરિકામાં પ્રવેશવાનું મુશ્કેલ થઈ જશે. મુશ્કેલી જ નહીં, લગભગ અશક્ય થઈ જશે. લોકોનું એવું માનવું છે કે, પ્રેસિડન્ટ ટ્રમ્પ ગોરા સિવાય અન્યોને અમેરિકામાં આવકારવા ઇચ્છતા નથી. રંગભેદની નીતિ જે એક સમયે અમેરિકામાં હતી એ પ્રેસિડન્ટ ટ્રમ્પ ફરી પાછી લાવવા ઇચ્છે છે.

જે અમેરિકન વ્યક્તિએ છેલ્લા થોડા સમયમાં અમેરિકાની સરકારની કોઈ પણ રીતે મદદ લીધી હોય, મફતમાં મળતી મેડિકૅરનો ફાયદો લીધો હોય, સસ્તા ભાડાનાં મકાનો ગવર્મેન્ટ આગળથી લીધેલા હોય, ફૂડ સ્ટેમ્પ મેળવ્યા હોય, કોઈ પણ પ્રકારની આર્થિક સહાય અમેરિકાની સરકાર આગળથી મેળવી હોય એ લોકો જો એમનાં સગાંઓને અમેરિકામાં કાયમ રહેવા માટે આમંત્રે તો એમને આ

પબ્લિક ચાર્જ રૃલ હેઠળ અમેરિકામાં પ્રવેશવાના વિઝા ન આપવા. જે પરદેશી અમેરિકામાં ટૂંકા સમય માટે યા કાયમ રહેવા ઇચ્છતો હોય એ જો વયોવૃદ્ધ હોય, સિનિયર સિટીઝન હોય, એની તંદુરસ્તી બરાબર ન હોય, એ કોઈ રોગથી પીડાતો હોય, ભણેલોગણેલો ન હોય, એની પાસે કોઈ ખાસ આવડત ન હોય, એને અંગ્રેજી બોલતાં આવડતું ન હોય, કંઈ કામધંધો કરતો ન હોય, એની પાસે કોઈ ખાસ મૂડી ન હોય તો એવા લોકોને પણ અમેરિકામાં પ્રવેશ આપવો નહીં. આવા લોકો અમેરિકામાં આવી અમેરિકાની સરકારને માથે પડશે એ કારણસર એમને અમેરિકામાં પ્રવેશવા ન દેવા.

આવાં-આવાં કારણોસર પરદેશીઓને અને ખાસ કરીને એશિયાના લોકોને અમેરિકામાં આવતા અટકાવવા આ નવો રૃલ ઘડાયો છે. અમેરિકાની બહાર તો શું પણ ખુદ અમેરિકામાં રહેતા લોકોને પણ આ નિયમ

પસંદ નથી પડ્યો. એમણે અમેરિકાની કોર્ટમાં આ રૃલ અમલમાં આવવો ન જોઈએ એવો હુકમ માગ્યો છે. જો આ રૃલ અમલમાં આવશે તો સેંકડો ભારતીયો અમેરિકા જઈ નહીં શકે. એમનું અમેરિકન સપનું રગદોળાઈ જશે.

હાલ પૂરતો તો આ પબ્લિક ચાર્જ રૃલને અમલમાં આવતો મનાઈહુકમ દ્વારા અટકાવવામાં આવ્યો છે. હવે પછી આ રૃલનું શું થાય છે એનો આધાર અમેરિકાની કોર્ટ ઉપર રહેલો છે. અસંખ્ય ભારતીયો તેમ જ વિશ્વના સેંકડો લોકો અધ્ધર શ્વાસે નવા પબ્લિક ચાર્જ રૃલ ઉપર અમેરિકાની કોર્ટ શું રૃલિંગ આપે છે એની વાટ જુએ છે.
—————

Leave A Reply

Your email address will not be published.

Translate »