અભિજિતનું નોબેલ સન્માન, જેએનયુ અને ગુજરાત
આ 'નવું સંશોધન' એશિયા-આફ્રિકામાં ગરીબીને દૂર કરવામાં સફળ નીવડ્યું છે એવું નોબેલ એકેડેમીએ પણ નોંધ્યું છે.
- પૂર્વાપર – વિષ્ણુ પંડ્યા
અભિજિત બેનરજી અને એસ્થર ડફલોને આ વર્ષનું નોબેલ પારિતોષિક મળ્યું તેને લીધે આપણી ખુશી વ્યક્ત થઈ તે સાવ સ્વાભાવિક છે. આમેય ભારતના નસીબે આવાં આંતરરાષ્ટ્રીય સમ્માન ઓછાં હોવાની લાગણી પ્રવર્તે છે (જોકે હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભારતમાં સમાજસેવા, અર્થકારણ, વિજ્ઞાન અને ટૅક્નોલોજી, ખેત-વિષયક સંશોધનોમાં જે યશસ્વી કામ થઈ રહ્યું છે તેના તરફ વિશ્વની નજર રહે છે. હા, સાહિત્ય અને પત્રકારત્વમાં તેવું પ્રમાણ ઓછું છે. રવીશકુમાર મેગેસેસ જીતી લાવ્યા ત્યારે આપણી ‘લિબરલ’ છાવણી ખુશખુશાલ થઈ હતી, પણ સામા પક્ષે ઘણા મહત્ત્વના સવાલો ઉઠાવ્યા યે ખરા.)
આવા સંજોગોમાં સાહિત્યનું તો કેવુંક સ્મરણ થાય? એવું નથી કે દેશની જુદી જુદી ભાષાઓમાં ઉત્તમ સાહિત્ય રચાતું જ નથી. તેના અનુવાદો નોબેલ-સમિતિ સુધી પહોંચવા જોઈએ, તેની આપણે ત્યાં ખોટ છે. નિર્મલ વર્મા નોબેલ માટે ભારતમાંથી એકવાર મનોનિત થયા હતા, તે પછી એવું કંઈ જાણવા મળ્યું નથી. હા, સંશોધન-ખોજી પત્રકારત્વમાં – અરુણ શૌરિને અગાઉ મેગેસેસ પ્રાપ્ત થયો હતો અને ગુજરાતમાં તેવી ઉપલબ્ધિ માટે ‘સેવા’ધારી ઇલાબહેન ભટ્ટનું નામ ઉમેરાયું તે સમાજસેવા માટે. પ્રચાર તો એવો થાય છે કે આ નોબેલમાં ગરીબ-તરફી અર્થશાસ્ત્રને વધુ મહત્ત્વ અપાય છે. અભિજિતે પણ આરસીટી (રેન્ડોમાઇઝડ કન્ટ્રોલ ટ્રાયલ) હેઠળ કેટલાક દેશોની ગરીબી નાબૂદ કરવાના પ્રયોગો કર્યા તેને કારણે – પત્નીની સાથે નોબેલ વિજેતા થવાનું નસીબ ફળ્યું.
ભારત-કેન્દ્રી દૃષ્ટિકોણ ધરાવતો એક વર્ગ માને છે કે મોટા ભાગે દેશની બહાર ભણેલા-ભણાવતા-વ્યવસાય કરતા ‘નિષ્ણાતો’ ભારતના અર્થકારણમાં માત્ર આલોચનાના અહમનું જ પ્રદાન કરતા રહ્યા છે. અહીં રિઝર્વ બેન્ક, આયોજન પંચ, નીતિ આયોગ કે યુનિવર્સિટીઓમાં મોટો હોદ્દો ભોગવે અને પછી બધી પ્રતિષ્ઠા – પગાર મેળવી લીધા પછી બીજા છેડે બેસી જાય – ભારતની આલોચના, ભારતના શાસનની ટીકા અને વિદેશે પાછા ચાલ્યા જવું ઃ આ પરંપરા ચાલુ રહી છે. તેવું છેલ્લું ઉદાહરણ એન. રઘુરામનનું છે.
અભિજિતને નોબેલ મળતાવેંત મીડિયામાં અહેવાલો આવવા લાગ્યા કે તેમને હાલની ભારતીય અર્થનીતિ પસંદ નથી. અભિજિત અને તેમનાં પત્ની ભારતનાં કોઈ અવિકસિત ગામમાં કે રાજધાની દિલ્હી યા મુંબઈમાં રહેતાં નથી. બોસ્ટનમાં તેમનું ઘર છે. મેસેચ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૅક્નોલોજીના અર્થશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક છે. ખાધે-પીધે સુધી છે. અભિજિતનો જન્મ મુંબઈમાં; પછી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને સીધા હાર્વર્ડ યુનિવર્સિટી પહોંચ્યા, ત્યાં પીએચ.ડી.ની પદવી મેળવી. પત્નીએ એમઆઈટીમાંથી ડૉક્ટરેટ ડિગ્રી મેળવી. ‘અબ્દુલ લતીફ જમીલ પોવર્ટી એક્શન લેબ’માં બંને જોડાયાં. આ ‘નવું સંશોધન’ એશિયા-આફ્રિકામાં ગરીબીને દૂર કરવામાં સફળ નીવડ્યું છે એવું નોબેલ એકેડેમીએ પણ નોંધ્યું છે. ૨૦૧૯ની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની ‘ન્યાય’ યોજના માટે પણ તે સલાહકાર રહ્યા. ભારતની એનજીઓ સાથે તેમનો ગાઢ સંપર્ક રહ્યો છે. ૨૦૦૧માં સ્વૈચ્છિક સંગઠન ‘પ્રથમ’ સાથે વડોદરા અને બીજે ‘બાલ સખી’ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. પર્યાવરણ ક્ષેત્રે પણ ગુજરાતમાં આ નોબેલ વિજેતાએ કાર્ય કર્યું છે તે અહેવાલો હવે બહાર આવ્યા છે. તેના પરથી એટલું ઉદાહરણ તો આ બેલડી પૂરૂં પાડે છે કે ભારતમાં કોઈ પણ ક્ષેત્રે કામ માટે આ જમીનનાં મૂળિયાં સુધી જવું પડે, અન્યથા પશ્ચિમી વિદ્વાનોના ચશ્મા પહેરીને કરવામાં આવતી ટીકાટિપ્પણી પૂરતું કામ મર્યાદિત બની જાય. અમર્ત્ય સેન જેવા મોટા ગજાના વિદ્વાન જ્યારે એમ કહે કે, ‘અમે તો દુર્ગામાં માનીએ, રામ અમારે ત્યાં નથી’ ત્યારે અંદાજ આવે કે ઐતિહાસિક ભૂલોમાં વિદ્વાનો પણ કેવા સપડાઈ જાય છે! શું રામ – દુર્ગા – શિવ – કૃષ્ણ કોઈ એકાદ પ્રદેશ પૂરતા સીમિત છે? અરે, બંગાળનાં ‘કાલી’ ગુજરાતમાં આવતાં સુધીમાં ‘ભદ્રકાલી’ બની જાય છે! ‘ડૉક્ટર’ અમર્ત્યને તેની જાણ નહીં હોય?
અભિજિત જે.એન.યુ.માં ભણ્યા તે એક રસપ્રદ નિરીક્ષણ તરફ દોરે છે. જેએનયુ કેટલાંક વર્ષોથી અલગ રીતે ચમક્યું છે. કાશ્મીરની ‘આઝાદી’ની માગ, અલગાવવાદી અફઝલની ફાંસીનો વિરોધ, મહિષાસુરની ઉજવણી, કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ… આ બધું જેએનયુ પરિસરમાં રોજનું થઈ પડ્યું ત્યારે લોકોને થયું કે આ યુનિવર્સિટીમાં આવો અભ્યાસ થઈ રહ્યો છે? હૈદરાબાદની ડૉ.અંશુ જોશી આ પરિસરમાં ભણી અને હવે ઇન્ટરનેશનલ સ્ટડીનાં અધ્યાપક તરીકે કામ કરી રહી છે. તેણે હિન્દીમાં એક નવલકથા લખી – ‘જેએનયુમેં એક લડકી રહતી થી’. આ નવલકથામાં જેએનયુના કથિત ‘ક્રાંતિકારો’ ‘ઉદમવાદીઓ’ ‘ડાબેરીઓ’નો એક વર્ગ વિદ્યાર્થીઓનું બ્રેઇન વૉશિંગ કરતા હોવાનું તાદૃશ વર્ણન છે, તમને તેમાં જેએનયુનો નેતા -જે સીપીએમની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યો ને હાર્યો -તે કન્હૈયાકુમાર દરેક પાને મળી આવે! જેએનયુ, જાદવપુર યુનિ. વગેરેમાં ડાબેરી વિચારની પ્રયોગશાળા ચાલે છે. એકદમ ઓછી ફી, સાવ સસ્તું ભોજન અને નિવાસ વગેરેનો ફાયદો ઉઠાવવામાં આવે અને આવી અલગાવવાદી નેતાગીરી તેનો ફાયદો ઉઠાવે! આનું વર્ણન કરતી અંશુની નવલકથા ગુજરાતીમાં અનુવાદિત થઈ છે.
જેએનયુનું આ એક ચિત્ર છે, પણ તેનું બીજું ચિત્ર એવું નથી. ઘણા ઉત્તમ વિદ્યાર્થીઓ તેમાંથી દેશને મળ્યા છે. ઉદાહરણ તરીકે અરુણ જેટલી, નિર્મલા સીતારામન છે. આપણા મુખ્ય સચિવ ડૉ. જે.કે. સિંઘ પણ જેએનયુમાં ભણ્યા છે અને હવે અભિજિતનું નામ તેમાં ઉમેરાય છે. આપણે ઇચ્છીએ કે દૂ..ર બેસીને કેવળ આલોચનાને બદલે બૌદ્ધિક અહમનું પોટલું ખભેથી ઉતારીને તે ભારતની સમસ્યા -સમાધાન માટે આત્મીય બને!
——————-