તમારા માટે, તમારી સાથે, સતત…

ફોન પર ખુદ સત્યેન શાહ છે તે જાણી અટલ ચોંક્યો

સવારના છાપું હાથમાં લેતાં જ આરજેના હાંજા ગગડી ગયા.

0 222
  • સત્- અસત્  – નવલકથા – પ્રકરણઃ ૨૦

લે. – સંગીતા-સુધીર

લેખિકા રંજના સેનને મળવા માટે રિપોર્ટર જાગૃતિ જોશી તેના ફ્લેટ પર પહોંચે છે. રંજના તેને સત્યેન શાહના સંદર્ભમાં મળવા આવી છે કે કેમ તે વિશે પૃચ્છા કરે છે. જાગૃતિ જોશીને સામાન્ય જણાતા ફ્લેટના નિરીક્ષણ દરમિયાન લેખિકાનાં વળતાં પાણી થયાં હોવાનું જણાઈ આવે છે. રંજના સેને થોડાં વર્ષાે અગાઉ લખેલી નવલકથા લત્તાની મુખ્ય નાયિકા ઉપર થયેલા જાતીય શોષણનું વર્ણન તેમજ સત્યેન શાહે તેની પર કરેલા બળાત્કારના વર્ણનની સામ્યતા વિશે જાગૃતિ સવાલ કરે છે. જેથી રંજના આખી વાત સમજી જાય છે, છતાં અજાણ હોવાનો ડોળ કરે છે. બીજી તરફ રંજનાને મળવા તેના ફ્લેટ પર પહોંચેલી અચલાને તેના ગુસ્સાથી લાલઘૂમ થયેલા ચહેરા પરથી અંદાજ આવી જાય છે કે થોડા સમય પહેલાં કોઈક તેને મળીને ગયું છે. રંજના તેને મળવાનો ઇનકાર કરીને દરવાજો બંધ કરી દે છે. અચલાને અટલ અને જાગૃતિ પર શંકા જાય છે. થોડા સમય પહેલાં જાગૃતિના સવાલોથી અકળાઈને રંજનાએ તેને ફ્લેટની બહાર ધકેલી દીધી હતી તે વાતથી અચલા અજાણ હોય છે. આ તરફ અબ્રાહમનો ચપળ ડ્રાઇવર ગોળીઓની રમઝટ વચ્ચે કારને હોટેલની બહાર કાઢી કિંગ ડેવિડ સ્ટ્રીટ તરફ હંકારી મુકે છે. હુમલો પોતાની ઉપર થયો હોવાનું જણાવી અબ્રાહમ સત્યેન શાહની શંકા દૂર કરે છે. સત્યેન શાહને સલામત પરંતુ એક ખખડધજ બિલ્ડિંગના રૃમમાં ખસેડવામાં આવે છે. પચ્ચીસ હજાર કરોડનું કૌભાંડ બહાર ન પડે તે માટે દુબઈમાં બેઠેલો તૈમૂર અને આરજે કોઈ પણ હદે જઈ શકે તેવું અબ્રાહમ તેમને સમજાવે છે. પાંચ મહિલાઓ દ્વારા ખોટા આક્ષેપો કરાવાનો પેંતરો આરજે અને તૈમૂરે રચેલો અને તેમની આ ચાલ સમજી ગયેલા મિસ્ટર સિદ્ધાંતે દેખાવ પૂરતા સત્યેનને પાર્ટીમાંથી બરતરફ કર્યા હતા. જેની પાછળ તેમનો ઇરાદો આખું કૌભાંડ બહાર આવે તેવો હતો. આથી આરજે અને તૈમૂરને બેનકાબ કરવાનો અબ્રાહમ પ્લાન ઘડે છે. અબ્રાહમની યોજના મુજબ સત્યેન શાહ મુંબઈમાં રિપોર્ટર અટલને ફોન કરે છે. ઇઝરાયલથી ફોન કરનારી વ્યક્તિ સત્યેન શાહ છે તે જાણી અટલ ચોંકી જાય છે. સત્યેન શાહ અટલ પાસેથી બધી વાતો ગુપ્ત રાખવાની ખાતરી માગે છે, પરંતુ અટલને સત્યેન શાહની રાષ્ટ્રપ્રેમ-દેશહિતની વાતો જલદી સમજાતી નથી. સત્યેન શાહ પોતાની પાસે કોઈ કામ કરાવવા માગે છે તે સાંભળી અટલને નવાઈ લાગે છે. જોકે તે વાતની ગુપ્તતા જાળવવાનું તેમને વચન આપે છે. સત્યેન શાહ સાથે એકાદ કલાકની વાતચીત બાદ અટલ તૈયાર થાય છે. સત્યેન શાહ લંડનથી આવનારું કુરિયર પોતાના સૉલિસિટર મિસ્ટર જોશીને પહોંચાડવાનું કામ તેને સોંપે છે. કવરમાં આગળની સૂચનાઓ અને ખર્ચા માટેના પૈસા ઉપરાંત તેના મહેનતાણાની રકમ પછી અપાશે તેવું સત્યેન શાહ અટલને ફોન પર સમજાવે છે.

હવે આગળ વાંચો…

સૉલિસિટર જોશીએ જેવો અટલે એમને આપેલો લંડનથી કુરિયર દ્વારા આવેલો કાગળ વાંચ્યો કે એક મિનિટનો પણ વિલંબ ન કરતાં એની સ્ટેનોને બોલાવી અને એ કાગળમાં આપેલી માહિતી મુજબ પાંચ સ્ત્રીઓને આપવાની નોટિસ ડિક્ટેટ કરાવી. સ્ટેનોએ એ જેવી ટાઇપ કરીને આપી કે તુરંત જ એમણે અટલની હાજરીમાં જ એમના પ્યુનને જણાવ્યું કે એ પાંચેય નોટિસ તાબડતોબ હૅન્ડ ડિલિવરીથી એ પાંચેય સ્ત્રીઓને પહોંચાડી આવે. એ પાંચેય નોટિસ કુરિયર મારફતે મોકલવાની પણ એણે એની સેક્રેટરીને સૂચના આપી દીધી અને એ નોટિસોની કૉપી અટલને આપી. અટલે પણ એમની ઑફિસમાં બેઠાં બેઠાં જ જુદાં જુદાં અખબારો માટે એ નોટિસના આધારે રિપોર્ટ તૈયાર કર્યા અને જોશીની ઑફિસમાંથી જ મુંબઈનાં બધાં પ્રતિષ્ઠિત અખબારોને એ મોકલી આપ્યા.  અટલનો રિપોર્ટ અને એ પણ સત્યેન શાહને લગતો એટલે બધાં જ અખબારોએ બીજે દિવસે એમના પેપરના પ્રથમ પાને એ ચમકાવી દીધો.

* * *

‘હવે તમે જો જો.’ અબ્રાહમના હાથમાં આગલા દિવસના મુંબઈ શહેરનાં બધાં જ અખબારો હતાં. એ દેખાડીને એણે સત્યેનને જણાવ્યું, ‘તમારી સામે જે-જે સ્ત્રીઓએ જુઠ્ઠા આક્ષેપો કર્યા છે એ બધાંની બોલતી બંધ થઈ જશે.’

અબ્રાહમને એ વાતનો તો ખ્યાલ જ નહોતો કે સત્યેનના સૉલિસિટર જોશીએ મોકલાવેલ લિગલ નોટિસ અને એનો બધાં જ અખબારોએ કરેલા ઉલ્લેખના લીધે એ પાંચ સ્ત્રીઓની સાથે સાથે આરજેને કેટલી અકળામણ થઈ હતી.

* * *

સવારના છાપું હાથમાં લેતાં જ આરજેના હાંજા ગગડી ગયા.

આવી જ દશા સત્યેન શાહ સામે જાતીય શોષણના આક્ષેપો કરનાર પાંચ-પાંચ સ્ત્રીઓની પણ થઈ.

મુંબઈનાં બધાં જ છાપાંની હેડલાઈન્સ હતીઃ ‘સત્યેન શાહની રૃપિયા પાંચ કરોડની માગણી…’ અખબારમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રખ્યાત ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને જય જનતા પાર્ટીના માજી કોષાધ્યક્ષ સત્યેન શાહના સૉલિસિટર મિસ્ટર જોશીએ એમની સામે જાતીય શોષણના આક્ષેપ કરનારી પાંચેય સ્ત્રીઓને એક નોટિસ પાઠવી છે, જેમાં એમણે એ દરેક સ્ત્રી પાસેથી માનહાનિ પેટે રૃપિયા પાંચ કરોડની સાથે સાથે એમણે કરેલા આક્ષેપો પાછા ખેંચી લેવાની માગણી કરી છે અને બિનશરતી માફી માગવાનું જણાવ્યું છે. જો તેઓ પંદર દિવસની અંદર એમની આ માગણી કબૂલ ન રાખે તો એમની સામે બદનક્ષીના ફોજદારી અને માનહાનિની રકમ વસૂલ કરવા માટેની દીવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ એ પાંચેય સ્ત્રીઓએ શું શું આક્ષેપ કર્યા હતા, કયા કયા અખબારોએ એને લગતા ઇન્ટરવ્યૂ છાપ્યા હતા અને એને કારણે સત્યેન શાહની કેટલી માનહાનિ થઈ હતી, જય જનતા પાર્ટીએ એમને એમના ટ્રેઝરર પદેથી દૂર કર્યા હતા અને અંતે એમણે, અજ્ઞાતવાસમાં જવાની ફરજ પડી હતી એ સર્વે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે એ પાંચેય સ્ત્રીઓ જુઠ્ઠી છે અને સત્યેન શાહ આગળ એમને જુઠ્ઠી ઠરાવવા માટેના સંખ્યાબંધ પુરાવાઓ છે.

‘તૈમૂર, હવે શું થશે?’ છાપું વાંચતાં આરજે એ તુરંત જ દુબઈમાં બેઠેલા તૈમૂરનો સંપર્ક સાધ્યો.

‘અરે, આ બધી ખોટી ધમકીઓ છે. સત્યેન શાહ આગળ આ ચાર સ્ત્રીઓએ કરેલ આક્ષેપો ખોટા છે એવું પુરવાર કરવા માટેના કોઈ જ પુરાવાઓ નથી.’

‘ચાર સ્ત્રીઓ?’

‘અરે હા રે હા, મેં તને નહોતું કહ્યું કે અમે તો ચાર સ્ત્રીઓને જ સત્યેન શાહ વિરુદ્ધ આક્ષેપ કરવા જણાવ્યું હતું. આ પાંચમી ક્યાંથી ફૂટી નીકળી અને એ પાંચમાંથી પાંચમી, જેને આપણે ઊભી નથી કરી, એ કોણ છે એ ખબર નથી. સાલું, હવે એને શોધવાની એક વધુ ઉપાધિ આવી પડી. સત્યેનનો બચ્ચો ક્યાં ગુમ થઈ ગયો છે એ શોધવાની સાથે સાથે આ એક વધારાની ખોજ કરવી પડશે.’

‘પણ તૈમૂર, છાપાંમાં લખ્યું છે એ પ્રમાણે ખરેખર આ સ્ત્રીઓને સૉલિસિટરની નોટિસ આપવામાં આવી હશે તો એ કમબખ્ત બીકણ સ્ત્રીઓ જણાવી તો નહીં દે ને કે એમને કોઈએ લલચાવી, ફોસલાવી અને ધાકધમકી આપીને આવું કહેવાની ફરજ પાડી હતી.’

‘એ બધી જો એ બધું કબૂલશે તો એમનાં પાપે ભોગવશે.’

‘અરે પણ આપણે એમાં સંડોવાયેલા છીએ.’

‘ચૂપ. આજકાલ ટેલિફોન સૉરી, મોબાઇલ ઉપર વાત કરવી પણ સલામત નથી. તું આડુંઅવળું કંઈ બોલ જ નહીં.’

‘એમ કંઈ હું નાનો કીકલો નથી, તૈમૂર. મેં વીસ સિમ કાર્ડ્સ રાખેલાં છે. એક વાર તારી જોડે વાત કર્યા પછી એ સિમ કાર્ડ હું ફગાવી દઉં છું. સિમ કાર્ડ દ્વારા મને કોઈ પકડી શકે એમ નથી.’

‘અચ્છા… અચ્છા. તું બહુ હોશિયાર છે, પણ જરા સંભાળીને બોલ. બધું જ કંઈ આમ ખુલ્લેખુલ્લું કહેવાની જરૃર નથી. જો, હું ઇન્ડિયામાંના મારા માણસોને હમણા જ કામે લગાડી દઉં છું અને બધી વાતનો તાગ મેળવી લઉં છું.

‘યાર, તૈમૂર જોજે હં, હું ફસાઈ ન જાઉં. કહેતો હો તો સાયપ્રસ ચાલી જાઉં.’

‘શટ અપ… બાયલા, તને અમે અમસ્તી અમસ્તી મદદ નથી કરી રહ્યા. તારે હજુ અમારાં ઘણા કામ કરવાનાં છે. તું જો એમ સાયપ્રસ ભાગી જશે તો પેલા પાંચ હજાર કરોડ રૃપિયાનું શું થશે? અને હવે જે ઇલેક્શન આવી રહ્યું છે એનું શું થશે?’

તૈમૂર જોડે વાત કરતાં આરજેની બીક સાથે સાથે મૂંઝવણમાં પણ વધારો થયો. સત્યેન ગુમ થઈ ગયો છે તો પછી એનો સૉલિસિટર આવી નોટિસ કેવી રીતે આપી શકે? એ સ્ત્રીઓ તમારો ક્લાયન્ટ ક્યાં છે એવું પૂછી ન શકે? તમને તમારા ક્લાયન્ટે જ આવી નોટિસ આપવાનું જણાવ્યું છે એની ખાતરી શું? આવું પણ એ સ્ત્રીઓ પૂછી શકે? સત્યેનની ગેરહાજરીમાં ફોજદારી દાવો તો થઈ જ ન શકે. એણે એ માટે કોર્ટના કઠેડામાં જાતે આવીને ઊભા રહેવું પડે. હા, સિવિલ કેસ એના વતી કોઈ બીજી, એની પાવર ઑફ ઍટર્ની ધરાવતી વ્યક્તિ કરી શકે, પણ શું સત્યેન શાહની કંપની, એના ફૅમિલી મેમ્બરો ‘અમારી પણ આવા આક્ષેપોને કારણે બદનામી થઈ છે. માનહાનિ થઈ છે’ એવું જણાવીને ફોજદારી યા દીવાની કેસો કરી ન શકે? આવા આવા અનેક વિચારોએ આરજેની સવાર બગાડી નાખી.

* * *

‘મયૂરીબેન, તું બિલકુલ ચિંતા નહીં કરતી. તું સાચી છે એટલે તારો વાળ પણ કોઈ વાંકો કરી નહીં શકે. સત્યેન શાહનો એ સૉલિસિટર જોશી, એ જે કોઈ પણ હોય, આપણે મુંબઈની સૌથી મોટી લૉ ફર્મ અને સૌથી મોટા કાઉન્સિલને રોકશું.’

છાપું વાંચી રહ્યા બાદ મયૂરીના ભાઈ મયંકે એની બહેનને ફોન ઉપર ધરપત આપતાં કહ્યું. મયૂરીએ જેમ એના પતિ મહેશને જણાવ્યું નહોતું એ જ પ્રમાણે એણે એના ભાઈ મયંકને પણ કહ્યું નહોતું કે સત્યેન શાહે એનું જાતીય શોષણ કર્યું જ નહોતું. મિસિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટમાં વિજેતા બનવાની લ્હાયે અને એના પતિના ગોટાળાઓ ઢાંકવા માટે એણે સત્યેન શાહ સામે જાતીય શોષણના ખોટા આક્ષેપો કરવાનું કબૂલ્યું હતું. એને જે લખી આપવામાં આવી હતી એ બધી વિગતો એણે પત્રકારોને ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. એમાંની કોઈ પણ વિગત સત્ય નહોતી. આ વાત પણ મયૂરીએ મહેશ કે મયંક બંનેમાંથી કોઈને કરી નહોતી.

* * *

મહેક મોમિનની હાલત મયૂરી કરતાં ઊતરતી નહોતી.

એને પણ પ્રસિદ્ધ અખબારના પહેલા પાનાની હેડલાઇન વાંચતાં ભયંકર બીક લાગી. બીજા બધા તો ઠીક, પણ જો તેજાનીને જાણ થશે કે મેં સત્યેન શાહ સામે કરેલ આક્ષેપ ખોટો છે તો તેજાની એની શું વલે કરશે એ વિચારે એને કંપાવી મૂકી હતી. મહેક જાણતી હતી કે એણે સત્યેન શાહ સામે જે આક્ષેપ કર્યો છે એનો લાભ લઈને તેજાની સત્યેન શાહ પાસે એનું દેવું માફ કરાવવાની ઇચ્છા ધરાવતો હતો. જો તેજાનીને એ વાતની જાણ થશે કે કોઈકના કહેવાથી, આગલા વર્ષનો બેસ્ટ કૅરેક્ટર ઍક્ટરનો ઍવૉર્ડ આપવામાં આવશે એ લાલચથી અને રોકડા એક કરોડ રૃપિયા મળ્યા હતા એ માટે જુઠ્ઠું બોલી હતી તો તેજાની એની શું વલે કરશે એની એ કલ્પના કરી નહોતી શકતી. હવે મહેકને એણે કરેલ આવા જુઠ્ઠા આક્ષેપ માટે પસ્તાવો થવા લાગ્યો.

* * *

સુઝન સેલ્વમને બીક લાગી કે જો છાપાંમાં જણાવવામાં આવ્યું છે એ પ્રમાણે સત્યેન શાહ એની સામે કેસ કરશે તો આવતા વર્ષે ઇન્ડિયાની ઑલિમ્પિક્સ ટીમના સ્વિમરો જોડે કોચ તરીકે એનું જવાનું અટકી તો નહીં જાય ને?

* * *

રંજના સેન પણ જો મારી સામે છાપાંમાં લખ્યું છે એ મુજબ પંદર દિવસ પછી કોઈ કેસ કરવામાં આવે અને મારી ધરપકડનું વૉરન્ટ નીકળે તો બેલ ઉપર છૂટવા માટે વકીલને આપવાની પચ્ચીસ-પચાસ હજાર રૃપિયાની ફી હું ક્યાંથી લાવીશ અને મૅજિસ્ટ્રેટ મને બેલ આપે તો મારા ગૅરન્ટર તરીકે કોણ ઊભું રહેશે? એવું વિચારવા લાગી.

* * *

રમણીની પણ આવી જ દશા હતી. એણે તો હજુ છાપું પૂરેપૂરું વાંચ્યું નહોતું કે બીક લાગવા માંડી કે આ બધું વાંચીને એનો વર પાછો આપઘાતનો તો વિચાર નહીં કરે ને?

* * *

અખબારના એ સવારના ન્યૂઝે ફક્ત આરજેને જ નહીં, જે પાંચ સ્ત્રીઓએ સત્યેન શાહ સામે આક્ષેપ કર્યા હતા એ સર્વેને હચમચાવી મૂક્યાં હતાં.

* * *

‘મૅડમ, હું કોણ છું એ પૂછતાં નહીં અને એ જાણવાનો પ્રયત્ન પણ ન કરતાં. મારે તમને ફક્ત એટલું જ જણાવવાનું છે કે પેલી યુવતી ખરેખર દલિત અને નાબાલિગ છે. એનો રેપ કરવામાં આવ્યો છે. દસ લાખ રૃપિયા આપીને એનું મોઢું બંધ કરવામાં આવ્યું છે. એને ગોવામાં પંજીમમાં એક રૃમ અપાવી દેવામાં આવી છે. આવતા અઠવાડિયે ગોવામાં રહેતા એક યુવક જોડે એનાં લગ્ન પણ નક્કી કરાયાં છે.’

અચલા વધુ કંઈ પૂછે એ પહેલાં એ અજાણી વ્યક્તિએ ફોન કટ કર્યો. તપાસ કરતાં અચલાને જાણ થઈ કે નાનાચોકના એક કરિયાણાની દુકાનમાંથી એ ફોન કરવામાં આવ્યો હતો. અચલા તાબડતોબ ત્યાં પહોંચી ગઈ. દુકાનના માલિક નેણશી ગડાએ એમના ફોન ઉપરથી કલાક પહેલાં કોણે ફોન કર્યો હતો એ કહેવું મુશ્કેલ છે એવું જણાવીને અચલાને નિરાશ કરી. ગડાએ એની દુકાનના પાંચેપાંચ માણસોને અચલાની હાજરીમાં જ પૂછયું કે એમણે એ સવારથી કોઈને ફોન કર્યો હતો કે એમના કૅશ કાઉન્ટરની બાજુમાં મૂકેલ લૅન્ડલાઈન ફોન ઉપરથી કોઈ અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો? આ બધા જ સવાલોના નકારમાં જવાબ મળ્યા.

હવે અચલાનું મન સત્યેન ઉપરથી પેલી દલિત યુવતી પ્રત્યે ખેંચાયું. પેલી પાંચ સ્ત્રીઓ તો એમના ઉપર થયેલા અત્યાચારનો બદલો લેવા સક્ષમ છે. તેઓ સત્યેન શાહના સૉલિસિટરની નોટિસનો જવાબ આપવા અને કોર્ટ કેસોનો બચાવ કરવા શક્તિમાન છે, પણ આ ગભરુ બાલિકાને થયેલ અન્યાય આવી રીતે પૈસા આપીને દબાવી દેવામાં આવ્યો છે એ ચલાવી લેવો ન જોઈએ. એ ધનિક વ્યક્તિએ આવા કંઈકેટલાંય કુકર્મો કર્યાં હશે. કોઈએ એની વિરુદ્ધ ફરિયાદ કરવાની હિંમત કરી નહીં હોય. આ છોકરીએ હિંમત દાખવી તો એનું મોઢું પૈસાથી બંધ કરી દેવામાં આવ્યું. હવે એ નરાધમ બીજી યુવતીઓ પર પણ આવાં જ કુકર્મ આચરશે. એને પાઠ ભણાવવો જ જોઈએ. ઉઘાડો પાડવો જ જોઈએ. તો જ લોકો આવાં કુકર્મો કરતાં અટકશે. સાથે સાથે પોલીસોની આવી મિલીભગત પણ ખુલ્લી પાડવી જોઈએ. જેથી ભવિષ્યમાં તેઓ આ પ્રમાણે લાંચ લઈ પૈસાદાર વ્યક્તિઓનાં કુકર્મો ઉપર ઢાંકપિછોડો ન કરે.

અચલાએ મનોમન નિશ્ચય કર્યો, ‘એ વ્યક્તિને હું જરૃરથી ઉઘાડી પાડીશ.’

આવું વિચારવું સહેલું હતું, કરવું કઠણ હતું. કઠણ કાર્યો કરવા ટેવાયેલી અચલાએ વિચારવા માંડ્યું કે પેલી વ્યક્તિને ઉઘાડી પાડવા સૌપ્રથમ કયું પગલું ભરવું જોઈએ?

મને આપવામાં આવેલી માહિતી મુજબ એ છોકરી હવે અહીં મુંબઈમાં નથી. પંજીમ ગોવામાં છે, પણ પેલો પુરુષ જેણે એના ઉપર બળાત્કાર કર્યો હતો એ તો અહીં મુંબઈમાં જ છે. ચાલ, એને મળીને શોધખોળનો આરંભ કરું. પોલીસે મને એનું નામઠામ અને ઍડ્રેસ નોંધવાની તો છૂટ આપી હતી.

અચલા એ વ્યક્તિના ઘરે જઈ પહોંચી.

લેબરનમ રોડ ઉપર આવેલ સુંદર પુષ્પો વડે લચી પડતાં વર્ષો જૂનાં ઝાડોની વચ્ચે હવે ફક્ત એક જ બે મજલાનો બંગલો રહેવા પામ્યો હતો. એ રસ્તા ઉપરના બાકીના બધા જ બંગલાઓ તોડીને એની જગ્યાએ મલ્ટિસ્ટોરી બિલ્ડિંગો બંધાઈ ગયાં હતાં. એ બંગલાના માલિકને કદાચ પૈસાની તમા નહીં હોય, બંગલામાં રહેવાની ફાવટ આવી ગઈ હશે, બાપદાદાના બંગલા જોડે લાગણી બંધાઈ ગઈ હશે એટલે જ અન્ય બંગલાઓની જેમ એ તોડીને એણે મલ્ટિસ્ટોરી બિલ્ડિંગ બાંધ્યું નહોતું. અચલા જ્યારે એ બંગલાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ ત્યારે અંદરથી એને બે પુરુષોના ખડખડાટ હસવાના અવાજ સંભળાયા. બંગલાના ભોંયતળિયે બરાબર વચ્ચે મોટું દીવાનખાનું હતું. છ પગથિયાં ચઢીને એમાં અને એ દીવાનખાનામાંથી બંગલાની અંદર અને ઉપલા મજલે જવાય એમ હતું. દીવાનખાનાનો દરવાજો એ સમયે ખુલ્લો હતો. અચલાએ જોયું કે ત્યાં મૂકવામાં આવેલ સોફામાં સામસામે બેઠેલા બે આધેડ વયના પુરુષો જોરજોરથી હસતા હતા. આગળ ન વધતાં અચલા પગથિયાં પાસે ઊભી રહી ગઈ. ત્યાંથી દીવાનખાનાની અંદર બેઠેલી વ્યક્તિઓને એ જોઈ શકતી હતી. એ પુરુષો એવી રીતે બેઠા હતા કે તેઓ અચલાને જોઈ શકતા નહોતા. હાસ્ય પૂરું થતાં એક વ્યક્તિએ બીજીને કહ્યું ઃ

‘સાલા, આ મજા જરા મોંઘી પડી ગઈ. છોકરીને દસ આપવા પડ્યા. એની જોડે લગ્ન કરવા માટે છોકરાને તૈયાર કરાવવા બીજા પાંચ આપવા પડ્યા. એને જે રૃમ અપાવી એના ત્રણ આપવા પડ્યા.’

સામે બેઠેલી વ્યક્તિએ જવાબમાં કહ્યું ઃ ‘અને પેલો સાલો કાયદાનો ખાં બિપિન જાની એણે પણ તારી આગળથી બે ખંખેરી લીધા, નહીં?’

‘હા, યાર… સાલી, આ મજા વીસમાં પડી.’

‘પણ ગધેડા, તું બચી ગયો એ કેમ નથી કહેતો. પૈસાને શું કરવા છે. તને ખબર છે એ છોકરી તો મક્કમ હતી. તને જેલમાં જ મોકલવા માગતી હતી. એ તો મેં ફોન કરીને પેલા ઇન્સ્પેક્ટરને જણાવ્યું કે તું મારો દોસ્ત છે એટલે એણે પેલી છોકરીને સમજાવી, પટાવી, ધમકાવી ને ફરિયાદ પાછી ખેંચાવી.’

સવારનાં જ છાપાંની હેડલાઈન્સ વાંચી ગભરાઈ ગયેલા એ માણસને મનોમન એના દોસ્ત પ્રત્યે અદેખાઈ ઊપજી. આટલો ગંભીર ગુનો કર્યો છતાં એ છટકી ગયો હતો. પોતે કોઈ જ ગુનો નથી કર્યો તેમ છતાં સત્યેન શાહે જે સ્ત્રીઓને નોટિસ આપી એ સ્ત્રીઓ કંઈક ઊધુંચત્તું બાફી મારે તો એ ભયંકર મુશ્કેલીમાં આવી શકે એમ હતું.

‘હા, આરજે, તેં મને અણીના ટાઇમે મદદ કરી.’

* * *

મુંબઈના ફાઉન્ટન વિસ્તાર ઉપર હાઈ કોર્ટ અને એનાથી થોડા અંતરે સિટી સિવિલ ઍન્ડ સેશન્સ કોર્ટ આવેલી છે. આથી મોટા ભાગના સૉલિસિટરો અને ઍડ્વોકેટોની ઑફિસ એ બંને કોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલી છે. બિપિન જાનીની નામના મુંબઈના ટોચના ક્રિમિનલ લૉયરમાં થતી હતી. કાયદાના અગાધ જ્ઞાન અને અનુભવની સાથે સાથે એવું કહેવાતું હતું કે મુંબઈનાં બધાં પોલીસ સ્ટેશનોમાં એમની વગ હતી અને મૅજિસ્ટ્રેટો અને સેશન્સ કોર્ટના જજો જોડે એમની રોજની ઊઠકબેઠક હતી. ઍડ્વોકેટ બિપિન જાની જાય એટલે કોઈ પણ પોલીસ સ્ટેશન અટકમાં લીધેલી વ્યક્તિને છોડી દે અને તેઓ અરજી કરે એટલે મૅજિસ્ટ્રેટ આરોપીને જામીન આપે, આપે અને આપે જ. આજ સુધીમાં કોઈ પણ કેસ બિપિન જાની હાર્યા હોય એવું નહોતું.

એ સાંજના એક સ્મગલરની અપીલ ઉપર આખો દિવસ દલીલો કરીને સાડા પાંચ વાગે કાલાઘોડા ઉપર આવેલા બિલ્ડિંગમાં પહેલા માળે આવેલી એમની ઑફિસમાં બિપિન જાનીએ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એમણે જોયું કે એમના વેઇટિંગ રૃમમાં પાંચ સ્ત્રીઓ એમની વાટ જોઈને બેઠી હતી. દરેકના હાથમાં એ દિવસે સવારનાં જે જે અખબારોએ સત્યેન શાહની માગણી વિશે હેડલાઈન્સ બાંધીને અહેવાલ છાપ્યો હતો એ બધાં છાપાં હતાં. એમને જોતાં જ એ પાંચમાંની સૌથી યુવાન સ્ત્રી ઊભી થઈ અને બોલી ઃ

‘મિસ્ટર બિપિન જાની, મારું નામ

જાગૃતિ છે. હું એક ફ્રીલાન્સ રિપોર્ટર છું.’

‘હા… હા, તે દિવસે સવારના પહોરમાં મેં તમને ગામદેવી પોલીસ સ્ટેશનમાં જોયાં હતાં.’

‘આપની યાદશક્તિ બહુ સતેજ છે.’

‘હું અમસ્તો કંઈ ટોચનો ક્રિમિનલ લૉયર નથી બન્યો. બોલો… મારું શું કામ હતું? ગામદેવી પોલીસ સ્ટેશનમાં એ દિવસે જે બન્યું હતું એ બાબતમાં જો તમે મારી પાસે આવ્યાં હો તો આઈ ઍમ સૉરી. હું એ બનાવને લગતો કેસ લઈ ન શકું.’

Related Posts
1 of 34

‘નો… નો. એ કેસ તો એ દિવસે જ ક્લોઝ થઈ ગયો હતો. તમારા આવ્યા બાદ જ પેલી છોકરીએ આરોપી સામેના આક્ષેપ પાછા ખેંચી લીધા હતા.’ જાગૃતિ એ નામાંકિત ઍડ્વોકેટની ઑફિસમાં જ એની સામે કટાક્ષ કરવાનું ચૂકી નહીં.

‘તો પછી કયા કેસ માટે મારી પાસે આવ્યાં છો?’ જાગૃતિના કટાક્ષને અવગણીને પ્રોફેશનાલિઝમ દર્શાવતાં મુંબઈના ટોચના ક્રિમિનલ લૉયરે યુવાન રિપોર્ટર જાગૃતિને પ્રશ્ન કર્યો.

‘આ બાબતમાં.’ હાથમાંનાં અખબારો આગળ ધરીને જાગૃતિએ કહ્યું.

‘સૉરી… સત્યેન શાહે એમના ઉપર કરવામાં આવેલા જાતીય શોષણના આક્ષેપો બદલ જે નોટિસ પાઠવી છે, જેનો ઉલ્લેખ આ તમે દેખાડો છો એ અખબારોમાં મોટા મોટા અક્ષરોએ કરવામાં આવ્યો છે એ પાંચેય સ્ત્રીઓમાંથી કોઈનો પણ કેસ હું લઈ શકું એમ નથી.’

બિપિન જાનીનું આવું કહેવું સાંભળીને એમના ક્લાયન્ટો માટેના વેઇટિંગ રૃમમાં એક કલાકથી એમની વાટ જોઈને બેઠેલી બીજી ચારેય સ્ત્રીઓના હાથમાંનાં છાપાં નીચે પડી ગયાં. એની સાથે સાથે દરેકના હાથમાં સૉલિસિટર જોશીની જે નોટિસ હતી એ પણ નીચે પડી ગઈ.

* * *

‘તમે કોણ છો?’ અચાનક પગથિયાં ચઢીને બંગલાના પ્રવેશદ્વાર પાસે પહોંચેલી અચલા ઉપર ધ્યાન જતાં આરજેએ પૂછ્યું.

આરજેનો સવાલ સાંભળતાં એ બંગલાના માલિક જેણે પેલી સોળ વર્ષની યુવતી ઉપર બળાત્કાર આચર્યો હતો અને એનું એ દુષ્કૃત્ય એને કેટલામાં પડ્યું હતું એનો હિસાબ ગણતો હતો એ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હર્ષદ ગાંજાવાલાએ મોઢું ફેરવ્યું.

‘હું જો એમ કહું કે હું એક રિપોર્ટર છું અને આ મિસ્ટરે કરેલા કુકર્મનો તમે બંને જે હિસાબ ગણતા હતા એ મેં સાંભળ્યો છે અને તમને બંનેને પૂછું કે તમે કોણ છો તો તમે જવાબમાં તમારાં શું નામ આપશો?’

‘છુપાઈને અમારી વાતો સાંભળે છે અને અમને સવાલો કરે છે?’ ગાંજાવાલાએ આટલું બોલીને અચલાના ગાલ ઉપર જોરથી એક લાફો મારી દીધો. પછી એનો એક હાથ પકડીને એને ખેંચી અને આરજેને કહ્યું ઃ

‘ચાલ, આ સાલીને બળાત્કાર કોને કહેવાય એનો સાક્ષાત્કાર કરાવી આપીએ.’

‘સાલી, પૂછ્યાગાછ્યા વગર ઘરમાં ઘૂસી આવે છે. તું તો રેપ માટે જ લાયક છે.’ આરજેએ પણ હર્ષદનો સાથ આપતાં અચલાનો બીજો હાથ ખેંચ્યો.

સ્વબચાવમાં અચલાએ જોરથી આરજેને એના બે પગની વચ્ચે લાત મારી. આરજે આ હુમલાથી બેવડો વળીને બેસી ગયો. અચલાનો હાથ એનાથી આપોઆપ છૂટી ગયો. હર્ષદ આરજે ઉપર થયેલ હુમલો જોઈને અવાક્ થઈ ગયો. અચલાએ તુરંત જ ઝટકો મારીને હર્ષદે એનો પકડેલો હાથ છોડાવી દીધો. પછી બંને હાથ વડે એણે હર્ષદની છાતી ઉપર ધક્કો માર્યો અને એને નીચે પાડી દીધો. પોતે બંગલામાંથી દોડીને બહાર રસ્તા ઉપર પહોંચી ગઈ. હર્ષદ ઊભો થઈને એની પાછળ દોડ્યો. આરજેને હજુ કળ વળી નહોતી એટલે એ બેઠો રહ્યો.

લેબરનમ રોડ જેટલો સુંદર છે એટલો જ એ સૂમસામ પણ છે.

અચલા જ્યારે દોડીને રસ્તા ઉપર આવી ત્યારે ત્યાં કોઈ નહોતું. હર્ષદને પોતાની પાછળ દોડતો આવતો જોઈને એ જાંબાઝ રિપોર્ટર એકદમ ઊભી રહી ગઈ. પર્સ ખોલ્યું. અંદરથી સ્વરક્ષણ માટે રાખેલ પેપરસ્પ્રે કાઢ્યો. પકડવા આવતા હર્ષદના મોઢા ઉપર એ કાળા મરીનો સ્પ્રે એણે છાંટ્યો. હર્ષદ એ અચાનક થયેલા હુમલાને ખાળી ન શક્યો. એની આંખોમાં ભયંકર બળતરા થઈ અને ચક્કર ખાઈને એ રસ્તા ઉપર પડ્યો. ફૂટપાથના પથ્થર જોડે માથું ભટકાતાં લોહીલુહાણ થઈને એ બેભાન થઈ ગયો.

એ દુષ્ટ વ્યક્તિ તરફ એક ઘૃણાભરી નજર કરીને અચલાએ ત્યાંથી ચાલતી પકડી.

નાનાચોક ઉપર આવેલ નેણશી ગડાની દુકાનમાં અચલા ફરી પાછી ગઈ. એને કોણ જાણે પણ કેમ એવું લાગતું હતું કે એ દુકાનના પાંચ નોકરિયાતોમાંના એકે એને પેલી છોકરી બાબત બાતમી આપી હતી. અચલા જ્યારે ફરી પાછી ગડાની દુકાનમાં પહોંચી ત્યારે ગડા દુકાનમાં નહોતા. એને દુકાનનાં પગથિયાં ચઢતાં જોઈને એ પાંચમાંનો એક નોકર ઝડપથી એની પાસે આવ્યો અને ધીમેથી એના કાનમાં કહ્યું ઃ

‘સાંજના આરતીના સમયે બાબુલનાથના મંદિરમાં મળજો.’

* * *

‘કેમ? તમે પાંચમી સ્ત્રીની મેટર હાથમાં લીધી છે? એટલે આ ચાર સ્ત્રીઓની મેટર લેવાની ના પાડો છો? પણ ઍડ્વોકેટ સાહેબ, પાંચેય સ્ત્રીઓના આક્ષેપો એક જ વ્યક્તિ સામે છે અને પાંચેય સ્ત્રીઓને નોટિસ એક જ વ્યક્તિએ આપી છે. બધાની મેટર એકસરખી છે. એમાં કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ નથી. એટલે કે એક ક્લાયન્ટની વિરુદ્ધ તમારે બીજો ક્લાયન્ટ નથી લેવાનો.’

‘મૅડમ, તમે મને પ્રોફેશનલ નીતિમત્તાના સિદ્ધાંતો ન શીખવાડો. મને ખબર છે કે પાંચેય સ્ત્રીએ એક વ્યક્તિ સામે, સત્યેન શાહ સામે જાતીય શોષણના આક્ષેપો કર્યા છે. મને એ વાતની પણ જાણ છે કે સત્યેન શાહે એ પાંચેય સ્ત્રીઓને જુઠ્ઠી કહીને એમણે એમની સામે જે આક્ષેપો કર્યા છે એ બદલ માફી માગવાનું જણાવ્યું છે. આક્ષેપો પાછા ખેંચી લેવાનું કહ્યું છે. માનહાનિ પેટે પાંચ કરોડ રૃપિયાની માગણી કરી છે. આ બધાં છાપાં જે તમે મારી સામે ધર્યાં છે એ બધાં જ મેં ક્યારનાં વાંચ્યાં છે.’

‘જો તમે એ પાંચમી સ્ત્રીને ડિફેન્ડ કરાવાની હા પાડી ન હોય, જો તમને એ વાતની જાણ છે કે પાંચેય સ્ત્રીઓએ એક જ વ્યક્તિ સામે આક્ષેપો કર્યા છે અને એ એક વ્યક્તિએ પાંચેય સ્ત્રીઓને એકસરખી નોટિસ આપી છે, પાંચેપાંચ સ્ત્રીઓના કેસ લેવામાં કોઈ પણ જાતના વિરોધની સ્થિતિ નથી તો પછી આ ચાર સ્ત્રીઓના વકીલ બનવા માટે ના શું કામ પાડો છો? તમારી જે કંઈ પણ ફી હશે એ આપવા આ બધી જ સ્ત્રીઓ સક્ષમ છે અને તૈયાર પણ છે. તમને વાંધો શું છે?’

‘જુઓ મિસ, તમારું નામ શું છે?’

‘જાગૃતિ.’

‘હા, તો રિપોર્ટર મિસ જાગૃતિ, મને ખબર છે આ ચારેય સ્ત્રીઓ મારી ફી આપવા શક્તિશાળી છે, પણ મારે આમની મેટર નથી લેવી.’

જાગૃતિએ ત્યાં બેઠેલ ચાર સ્ત્રીઓમાંની સૌથી મોટી ઉંમરની દેખાતી, જાજરમાન સ્ત્રી પ્રત્યે એક અર્થસૂચક દૃષ્ટિ ફેંકી. એણે તુરંત જ ઊભા થઈ એનું પર્સ ખોલ્યું. એમાંથી એક પૅકેટ કાઢીને જાગૃતિના હાથમાં આપ્યું.

જાગૃતિએ એ પૅકેટ ઍડ્વોકેટ બિપિન જાની તરફ ધર્યું અને કહ્યું ઃ

‘મિસ્ટર જાની, આ ચાર સ્ત્રીઓ વતીથી તમને રોકવા માટેના આ રૃપિયા ચાલીસ લાખ છે. આ રકમ ફક્ત રિટેનરશિપ છે. તમારી જે નૉર્મલ ફી છે એનાથી બમણી ફી આ સ્ત્રીઓ તમને આપશે.’

બિપિન જાનીનો ‘આ સ્ત્રીઓનો કેસ હું નહીં લઉં’ એવું કહેવા પાછળનો ઉદ્દેશ આ જ હતો. જો એ સરળતાથી હા પાડી દે તો તો એમની રેગ્યુલર ફીઝ જ તેઓ એમને આપે. કદાચ એમાં પણ ‘અમે ચાર જણા છીએ, ચારેયના કેસ સરખા છે’ એવું જણાવીને તેઓ ફીમાં કન્સેશન પણ માગે, પણ કેસ લેવાની ના પાડે તો એમને મનાવવા વધુ રકમ ઑફર થાય. આ સ્ત્રીઓએ તો સામેથી એમણે ધારી નહોતી એટલી મોટી ફી ધરી દીધી. જો તેઓ સહેલાઈથી હા પાડી દે તો એમનો ના પાડવા પાછળનો ઉદ્દેશ ખુલ્લો પડી જાય.

‘એક કામ કરો, આમને જે નોટિસો મળી છે એ મને આપો. હું એનો અભ્યાસ કરીશ. પછી તમને જણાવીશ કે હું એમનો કેસ લઈશ કે નહીં.’

જાગૃતિએ હવે મયૂરીની બાજુમાં બેઠેલ મહેક મોમિન તરફ દૃષ્ટિ કરી. એણે પણ તુરંત જ પોતાનું પર્સ ખોલ્યું. અંદરથી એક એન્વલપ બહાર કાઢીને જાગૃતિને આપ્યું. ઍડ્વોકેટ બિપિન જાનીને એ બંને પૅકેટો આપતાં જાગૃતિએ કહ્યું ઃ

‘મિસ્ટર જાની, તમારો સમય ખૂબ જ કીમતી છે. આપણે આવી ક્ષુલ્લક વાતોમાં એ વેડફવો ન જોઈએ. આ જુઓ, બીજા દસ લાખ છે. તમે આ પચાસ લાખ ફક્ત રિટેનર તરીકે જ રાખો. આ ચારેય સ્ત્રીઓને જે નોટિસ મોકલવામાં આવી છે એની કૉપીઓ પણ તમે રાખો અને એનો અભ્યાસ કરો. અમે બધાં કાલે ફરી પાછાં આ જ ટાઇમે તમને મળવા આવશું. આ ચારેય આગળથી તમારે જે કંઈ પણ માહિતી જોઈતી હોય એ જાણી લેજો. પછી એ ઉપરથી આ નોટિસનો જવાબ તૈયાર કરી આપજો. આટલા કામની તમને જે રકમ આપી છે એ ફી. ત્યાર બાદ આગળ જે કંઈ પણ કામ કરવાનું હોય એની ફી આ લોકો તમને અલગથી આપશે.’

લક્ષ્મી જોઈને તો ભલભલા મુનિવર પણ ચળી જાય છે. બિપિન જાની તો એક લાલચુ ઍડ્વોકેટ હતો. આવું નાટક વધુ ફી મળે એ માટે જ એણે કર્યું હતું. હવે આવું નાટક મારે વધુ ચલાવવું ન જોઈએ, નહીં તો કદાચ હાથમાં આવેલી લક્ષ્મી સરી જશે. આવું વિચારીને બિપિન જાનીએ કહ્યું ઃ

‘ઓકે… ઓકે… મિસ જાગૃતિ, તમે ખૂબ આગ્રહ કરો છો એટલે હું આ મેટર સ્વીકારું છું, પણ કાલે નહીં, આપણે ચાર દિવસ પછી મળીશું. હમણા હું બહુ બિઝી છું. નોટિસનો જવાબ તો પંદર દિવસમાં આપવાનો છે.’

‘કંઈ વાંધો નહીં. તમે જ્યારે કહેશો ત્યારે અમે હાજર થઈશું.’

ચારેયમાંની એકેય સ્ત્રીને જાગૃતિએ બોલવાનો મોકો જ ન આપ્યો. એ ચારેય એમના ઉપર મોકલવામાં આવેલ નોટિસનો તાબડતોબ જવાબ આપવા ઇચ્છતી હતી, પણ આ ચાર દિવસનો સમય જાગૃતિ માટે ખૂબ ઉપયોગી નીવડવાનો હતો. આગળ ઉપર શું કરવું એનો વ્યૂહ રચવા માટે એની પાસે હવે વધુ ચાર દિવસ હતા. આ ચાર દિવસ દરમિયાન એના ઉપર ગુસ્સે થઈને એને ઘરની બહાર કાઢી મૂકનાર રંજના સેનને મળીને, મનાવીને, એને પણ આ ચારેય જોડે બિપિન જાનીની ક્લાયન્ટ બનાવવાનો એનો ઇરાદો હતો. રંજના સેન બિપિન જાનીની ફી આપી શકશે કે નહીં? એ એક સવાલ હતો, પણ એ કંઈ બહુ મોટી વાત નહોતી. આ ચારે સ્ત્રીઓ જે ફી ચૂકવવા તૈયાર હતી એમાં બિપિન જાની આ પાંચમી સ્ત્રીનો કેસ કંઈ પણ રકમ લીધા સિવાય તૈયાર થશે એની એને પાકા પાયે ખાતરી હતી.

* * *

‘આરજે, પેલી ચારેય સ્ત્રીઓએ મને એમના વકીલ તરીકે રોક્યો છે.’

‘ચાર? નોટિસ તો પાંચને આપવામાં આવી છે.’ અચલાએ મારેલી લાતને કારણે યોગ્ય જગ્યાએ મલમપટ્ટી કરીને કણસતાં કણસતાં ખાટલામાં સૂતાં સૂતાં આરજેએ બિપિન જાનીનો ફોન રિસીવ કર્યો.

‘હા, પણ મારી આગળ ચાર જ સ્ત્રીઓ આવી હતી.’

‘કોણ કોણ આવી હતી? નામ કહેને.’

‘સાલા, તારે એમનાં નામો જાણીને શું કામ છે? આમેય સત્યેન શાહ સામે જેમણે આક્ષેપો કર્યા છે એ સ્ત્રીઓનાં નામો તો હવે જગજાહેર છે.’

‘નહીં…. નહીં, હું જાણવા માગું છું કે જે નથી આવી એ પાંચમી સ્ત્રી કોણ છે? અને એ તારી પાસે નથી આવી તો કોની પાસે ગઈ છે?’

‘અચ્છા… કાલે ઑફિસમાં ફોન કરજે. મારી સેક્રેટરી તને એ ચારેય ક્લાયન્ટોનાં નામો આપશે. મને અત્યારે એ નામો યાદ નથી.’

* * *

શિવભક્તો માટે મુંબઈના ચોપાટીની નજીક અને હૅન્ગિંગ ગાર્ડનની ટેકરીઓને લાગીને આવેલ બાબુલનાથનું મંદિર એક તીર્થસ્થાન છે. સોમવારે સાંજના પાર્વતીના પતિ ભોલેનાથનાં દર્શન કરવા એમના ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં આ મંદિરમાં આવે છે. આરતીના સમયે તો ત્યાં ઊભા રહેવાની જગ્યા નથી રહેતી. શ્રાવણ મહિનામાં રંગબેરંગી લાઈટોથી શણગારાયેલ આ મંદિર દૂરથી લોકોનું ધ્યાન ખેંચે છે.

ખૂબ જ ધીમા સ્વરે, બીજું કોઈ ન સાંભળે એ રીતે અચલાને કહેવામાં આવેલ એ પ્રમાણે એ સાંજના આરતીના સમયે બાબુલનાથના મંદિરમાં પહોંચી. એને જોઈતી માહિતી મળતાં બીજા દિવસે જ સવારની ફ્લાઈટ પકડીને એ પંજીમ પહોંચી ગઈ. જાનકી, જે કિશોરી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો, એણે અચલા પાસે તુરંત જ એ વાતનો એકરાર કરી લીધો કે હર્ષદે એને દસ લાખ રૃપિયા એની ફરિયાદ પાછી ખેંચી લેવા માટે આપ્યા હતા.

‘મૅડમ, શું કરું? પેલા ઍડ્વોકેટે મને બધી વાતથી વાકેફ કરી દીધી. જો હું મારી ફરિયાદ પાછી ખેંચી ન લઉં અને કોર્ટમાં મારા ઉપર બળાત્કાર કરવામાં આવ્યો છે એ માટે હર્ષદ શેઠ ઉપર કેસ ચાલે તો એમણે તો કંઈ કરવાનું નથી હોતું. મારે જ બધું પુરવાર કરવું પડે. મૅડમ, એકાંતમાં જ્યાં કોઈ પણ નહોતું ત્યાં એમણે મારા ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. એ જોનાર કોણ હોય? હું વિટનેસ ક્યાંથી લાવું? મને એવું પણ એ ઍડ્વોકેટે કહ્યું કે મારી મેડિકલ એક્ઝામિનેશનના રિપોર્ટો હર્ષદ શેઠ સહેલાઈથી બદલાવી શકશે. જો કેસ ચાલશે તો મારી બદનામી થશે. પછી મારી જોડે પરણવા કોઈ તૈયાર નહીં થાય. હર્ષદ શેઠ મને નોકરીમાંથી કાઢી મૂકશે. મારે ભૂખે મરવું પડશે. મૅડમ, મારા ફૅમિલીમાં કોઈ નથી. હું એકલી છું. ભૂખે મરતી હતી એટલે તો ગામમાંથી શહેરમાં નોકરી કરવા આવી હતી.’

‘ઓહ, એટલે એ વકીલે તને આવું કહીને ડરાવી હતી.’

‘મૅડમ, એ વકીલે જ નહીં, મને ઇન્સ્પેક્ટરે પણ આ બધું સમજાવ્યું હતું. અરે, એમણે તો મને ધમકી આપી હતી કે હું જો સમજીને મારી ફરિયાદ પાછી ખેંચી નહીં લઉં તો તેઓ મને ચિલ્ડ્રન્સ હોમમાં મોકલી આપશે અને ત્યાંના ઇન્ચાર્જ તો રોજ મારા પર બળાત્કાર કરશે. એમણે મને એવી પણ ધમકી આપી કે મારા હર્ષદ શેઠ ઊલટાનો મારી ઉપર ખોટું બોલવા માટે, ખોટા આરોપ મૂકવા માટે કેસ કરશે અને મને જ જેલ થશે.’

‘અને તેં એ લોકોની વાત માની લીધી?’

‘મૅડમ, એમની વાત માની ન લઉં તો બીજું શું કરું? મારો કેસ લડવા માટે વકીલને આપવાના પૈસા પણ મારી પાસે ક્યાં હતા?’

‘હં…’

‘અને મૅડમ, સાચું કહું એમણે મને જે પૈસાની લાલચ આપી એનાથી પણ હું લોભાઈ ગઈ હતી. આખી જિંદગી વૈતરું કરું તો પણ હું દસ લાખ ભેગા કરી ન શકું. અને મૅડમ, તમને ખબર તો છે જ કે અમારા જેવી દલિત જાતિની, મા-બાપ વગરની છોકરી ઉપર બળાત્કાર તો છાશવારે થયા કરે છે. મારા ઉપર જુલમ ભલે થયો, પણ મને વળતર રૃપે આટલી મોટી રકમ પણ મળીને? અને તમે જુઓ છોને, મને આ રૃમ પણ અપાવી છે. આજે આવી સરસ રહેવા માટે રૃમ, મને ક્યાંથી મળે?’

‘અને હા, તને તો પાછો એમણે વર પણ શોધી આપ્યો છે.’ કટાક્ષ કરતાં અચલા બોલી.

‘મૅડમ, આ એક જ વાત મને ગમી નથી, પણ શું કરું? હર્ષદ શેઠે મારા માટે આટલું બધું કર્યું છે તો મારે એમની આ વાત તો માનવી જ પડે ને? મને પરેરા બિલકુલ ગમતો નથી. મારી જાતિનો નથી. ક્રિશ્ચિયન છે. મારા કરતાં બમણી ઉંમરનો છે. દારૃડિયો છે. પહેલી વાઈફને મારઝૂડ કરતો હતો એટલે એ ભાગી ગઈ છે. મેં તો નક્કી કર્યું છે કે હમણા ભલે એની જોડે લગ્ન કરવા પડે. છ મહિના-વર્ષ પછી હું એને મારી આ રૃમમાંથી કાઢી મુકીશ. ડિવૉર્સ લઈ લઈશ. પછી મારી જ કોમના કોઈ જુવાન છોકરા જોડે લગ્ન કરીશ. મારી પાસે દસ લાખ છે એટલે મારી કોમનો કોઈ પણ સારો છોકરો મારી જોડે લગ્ન કરવાની ના નહીં પાડે.’

‘જો, પરેરાથી હું તને હમણા જ, લગ્ન પહેલાં છુટકારો અપાવું તો?’

‘તમે મને પરેરાથી છુટકારો અપાવી શકો છો? હર્ષદ શેઠ પછી મને ગુસ્સો કરશે તો બચાવી શકશો?’

‘હા. હું તને પરેરાથી અને હર્ષદથી, બંનેથી છુટકારો અપાવી શકીશ. હર્ષદને સજા પણ અપાવી શકીશ. તારે આ રૃમ છોડવી નહીં પડે અને દસ લાખ પણ પાછા આપવા નહીં પડે.’

‘ખરેખર?’ આનંદમાં આવી જતાં જાનકીએ પૂછ્યું.

‘હા. ખરેખર. જો હું કહું એ પ્રમાણે કરવા તું તૈયાર થાય તો…’

(ક્રમશઃ)

—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »