તમારા માટે, તમારી સાથે, સતત…

‘તાન્યા, આપણો સંબંધ સામે દેખાતી ક્ષિતિજ જેવો છે. ધ્યાનથી જો…

ઓગણીસ વર્ષની તાન્યાની આંખમાં તોફાન ઊતરી આવ્યું

0 466

લઘુ નવલ – પ્રફુલ્લ કાનાબાર

ભ્રમણા

સોમનાથનો દરિયો ઊછળી રહ્યો હતો. ઓગણીસ વર્ષની તાન્યાની આંખમાં તોફાન ઊતરી આવ્યું હતું. તર્પણનો હાથ પકડીને તાન્યા તેને દરિયાના પાણીમાં ખેંચી રહી હતી. ‘બસ તાન્યા, હવે આગળ નથી વધવું.’ તર્પણે તાન્યાના હાથમાંથી પોતાનો હાથ છોડાવતાં કહ્યું. ત્યાં જ એક વિરાટ મોજું આવીને બંનેના માથા પરથી પસાર થઈ ગયું. તાન્યા તર્પણને વળગી પડી. તર્પણ પડતાં પડતાં રહી ગયો. બંનેના પગ નીચેથી દરિયાની રેતી ઝડપથી પાણી સાથે સરકી રહી હતી. બંને એકબીજાના સહારે થોડે દૂર કોરી રેતીમાં રાખેલા ચપ્પલ સુધી માંડ માંડ પહોંચ્યાં. તાન્યાએ તર્પણનો હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. તર્પણે પોતાનો હાથ તાન્યાના નાજુક હાથમાંથી છોડાવતાં કહ્યું. ‘બસ તાન્યા, હવે આગળ નથી વધવું.’

‘તર્પણ, હવે ક્યાં પાણી છે?’ તાન્યાએ હસતાં હસતાં કહ્યું.

ભીના થઈ ગયેલા વાળ અને ડ્રેસમાં તાન્યા અતિ સુન્દર દેખાતી હતી. ‘તાન્યા, હું દરિયાના પાણીની વાત નથી કરતો. હું આપણા સંબંધમાં હવે આગળ નથી વધવું તેમ કહી રહ્યો છું.’

તર્પણના અવાજમાં ગંભીરતા હતી. ‘તર્પણ, હું તો તને મનથી વરી જ ચૂકી છું.’

‘તાન્યા, તેટલા માટે જ હું આપણા સંબંધને બ્રેક લગાવવાનું કહું છું.’

‘તર્પણ, હું જાણું છું કે તું પણ મને જ પસંદ કરે છે.’

‘હા તાન્યા, પરંતુ અમારો રૃઢિચુસ્ત સમાજ મારા જેવા કર્મકાંડી બ્રાહ્મણના દીકરાની પત્ની તરીકે અન્ય જ્ઞાતિની છોકરીને ક્યારેય સ્વીકારશે નહીં.’

‘બસ, આ એક જ કારણ છે?’

‘તાન્યા બીજું કારણ તો તું જાણે જ છે.. છ મહિના પહેલાં પપ્પાનું અચાનક હાર્ટફેઇલ થઈ ગયું હતું. પપ્પાના યજમાનોની સહાનુભૂતિનું મોજું મારા પર ફરી વળ્યું….’

હજુ તર્પણ આગળ બોલે તે પહેલાં જ દરિયાનું મોટું મોજું આવીને બંનેના પગને પલાળીને જતું રહ્યું.

‘આવું મોજું?’ તાન્યા હજુ પણ મજાકના જ મૂડમાં હતી.

‘ના.. તાન્યા, સહાનુભૂતિનું મોજું…. જેને કારણે મેં કૉલેજ છોડીને પપ્પાનો કર્મકાંડનો વ્યવસાય ફુલટાઇમ અપનાવી લીધો છે. તું તો આવતાં વર્ષે ગ્રેજ્યુએટ થઈ જઈશ.. તને સારો મુરતિયો પણ મળી જશે.’

‘તર્પણ… તને સારી કન્યા મળી જશે.. બરોબરને?’ તાન્યાએ મોં ફુલાવીને કહ્યું હતું.

‘તાન્યા, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ….. મારા ખભે વિધવા માની સાથે બે નાની બહેનોની પણ જવાબદારી છે. તેમનાં લગ્ન કરાવ્યાં બાદ જ હું મારાં લગ્ન બાબતે વિચારી શકીશ.’

‘તર્પણ હું રાહ જોવા તૈયાર છું.’ તાન્યા નીચે બેસી ગઈ. તેણે તર્પણને પણ હાથ પકડીને નીચે બેસાડી દીધો.

‘ના…. તાન્યા. એ શક્ય નથી.’

‘કેમ?’

‘તાન્યા, આપણો સંબંધ સામે દેખાતી ક્ષિતિજ જેવો છે. ધ્યાનથી જો… સમુદ્ર અને આકાશનું મિલન થતું હોય તેવું દેખાય છે. જે આભાસી મિલન છે માત્ર ભ્રમણા છે.’

‘તર્પણ, તું મને સાથ આપતો હોય તો હું ભ્રમણામાં જીવવા પણ તૈયાર છું.’

‘તાન્યા, ભ્રમણામાં જીવવા કરતાં વાસ્તવિકતામાં જીવવું વધારે સારું.’

તાન્યાને લાગી રહ્યું હતું કે આખા સમુદ્રનું મીઠું ઓગળે તો પણ તર્પણનું દિલ નહીં પીગળે.

બંને છૂટા પડ્યાં ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો.

તાન્યાએ મનોમન નક્કી કરી લીધું હતું કે હવે જ્યાં સુધી તર્પણ સામેથી નહીં બોલાવે ત્યાં સુધી તે તેની સાથે વાત નહીં કરે. તાન્યા વેરાવળમાં રહેતી હતી જ્યારે તર્પણ પ્રભાસ પાટણમાં રહેતો હતો. બંને કૉલેજમાં સાથે હતાં. તાન્યા ખાધે પીધે સુખી પરિવારનું એક માત્ર સંતાન હતી. પપ્પાને જ્વેલરીનો બિઝનેસ હતો. સોહામણા અને સંસ્કારી તર્પણ પ્રત્યે તાન્યાને કૉલેજના પ્રથમ દિવસથી જ આકર્ષણ થયું હતું. બંને સાથે સમય વિતાવતાં પણ થયાં હતાં.

તાન્યાને તે દિવસ બરોબર યાદ હતો જ્યારે કૉલેજની પિકનિકમાં દીવ જવાનું હતું. તર્પણ પિકનિકમાં જવા માટે આનાકાની કરતો હતો. તર્પણને મનાવવા માટે તાન્યા તે દિવસે પણ દરિયાકિનારે તેને મળી હતી.

‘તર્પણ, તું પિકનિકમાં ન આવે તો મને મજા ન આવે.’

તાન્યાએ તેના દિલની વાત કરતાં કહ્યું હતું.

‘તાન્યા, તારી પેલી ચિબાવલી બહેનપણી સુમન તો આવવાની જ છે ને?’ કાયમ પેન્ટ શર્ટમાં દેખાતી બોબ્ડ હેરવાળી સુમનને હું તો પહેલાં છોકરો જ માનતો હતો.

‘ખબરદાર, મારી ખાસ ફ્રેન્ડને ચિબાવલી કહી છે તો.’ તાન્યાએ મોં ફુલાવીને કહ્યું હતું.

‘ચિબાવલી ન કહું તો બીજું શું કહું? કૉલેજમાં જ્યારે હું તારી સાથે વાત કરવાની કોશિશ કરું ત્યારે તે કાયમ વચ્ચે કૂદી પડે છે.’

તાન્યાએ તર્પણનું ટીશર્ટ ગળા પાસેથી પકડી નજીક આવીને કહ્યું હતું. ‘સુમન તો મને કાયમ એમ જ કહે છે કે જો તે છોકરો હોત તો તર્પણ, તને તો મારી પાસે ફરકવા પણ ના દેત.’

‘ઓહ, તો એમ કહે ને કે તે તને પ્રેમ કરે છે. મારી દ્રષ્ટિએ તો તેને છોકરો થવાની પણ ક્યાં જરૃર છે? હવે તો આપણા દેશમાં સજાતીય સંબંધો કાયદેસર થઈ ગયાં છે. હજુ પણ તમે બંને ઇચ્છો તો લગ્ન કરીને સાથે રહી શકો છો.’ તર્પણે આંખ મારીને કહ્યું હતું.

જવાબમાં તાન્યાએ તર્પણનું ટી શર્ટ એટલું જોરથી ખેંચ્યું કે જિન્સના પેન્ટમાં કરેલું તેનું ઈન ખેંચાઈને બહાર નીકળી ગયું હતું. દરિયાની રેતીમાં તર્પણ તાન્યા સાથે નીચે ગબડી પડ્યો હતો. ચત્તાપાટ પડેલા તર્પણની બરોબર ઉપર તાન્યા પડી હતી. અનાયાસે જ તર્પણના બંને હાથ તાન્યાના શરીરને લપેટાઈ ગયા હતા. તાન્યાનો ચહેરો તર્પણના ગળાની લગોલગ થઈ ગયો હતો. તર્પણના તેજ થઈ ગયેલા હૃદયના ધબકારા તાન્યાને સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. તર્પણે માંડ માંડ તાન્યાને અળગી કરીને કહ્યું હતું.

‘તાન્યા, હું એટલા માટે જ પિકનિકમાં આવવાની ના પાડંુ છું. ત્યાં આવું કાંઈક થઈ જાય તો?’

તાન્યા શરમાઈને નીચું જોઈ ગઈ હતી.

જોકે દીવની પિકનિકમાં તો તેઓ આખા ક્લાસ સાથે ગયાં જ હતાં. માત્ર એટલું જ નહીં, બલ્કે બંનેએ ખૂબ જ સંયમપૂર્વક એકબીજાનું સાંનિધ્ય પણ માણ્યું હતું.

કૉલેજના પ્રથમ દિવસથી જ બંનેનો પાંગરેલો પ્રેમ મેઘધનુષની જેમ સપ્તરંગી બનતો જતો હતો. ત્યાં જ બંનેના પ્રેમને ગ્રહણ લાગી ગયું હતું. તર્પણના પપ્પાના અવસાનનું ગ્રહણ. તર્પણને અડધેથી કૉલેજ છોડી દેવી પડી હતી.

આજે તર્પણને મળ્યા બાદ તાન્યા સાવ નિરાશ થઈ ગઈ હતી. સંજોગોએ એવી કરવટ બદલી હતી કે તર્પણ તાન્યાને અપનાવવા બિલકુલ તૈયાર ન્હોતો.

સમયનું ચક્ર ફરતું ગયું. તાન્યા સ્નાતક થઈ ગઈ હતી. તર્પણને છેલ્લે મળ્યાને પણ દોઢ વરસ થઈ ગયું હતું. તાન્યાના ઘરમાં આજે ચહલપહલ હતી. એનઆરઆઈ મુરતિયો સત્ત્વ શિકાગોથી તાન્યાને જોવા માટે આવ્યો હતો. રૃમમાં એકાન્ત હતું. ગોરો અને ગોળ ચહેરો, લાંબાવાળ, સપ્રમાણ શરીર સૌષ્ઠવ ધરાવતાં સત્ત્વની દરેક સ્ટાઈલમાં શાલીનતા હતી. વાત વાતમાં ખભા ઉલાળવાની તેની અમેરિકન સ્ટાઈલ મનમોહક હતી. તેણે પહેરેલા ડાર્ક ગ્રે કલરના ગોગલ્સ તેને ખૂબ જ શોભતા હતા.

‘તાન્યા, છેલ્લી પંદર મિનિટથી માત્ર હું જ બોલ્યો જઉં છું. તમે તો કાંઈ બોલતાં જ નથી. પ્રકાશ મને કાયમ કહે છે કે ઇન્ડિયન છોકરીઓને જીભ હોતી જ નથી. શું આ વાત સાચી છે?’

‘પ્રકાશ? એ કોણ?’ આખરે તાન્યાએ મૌન તોડ્યું હતું.

‘ઓહ.. થેન્ક ગોડ, હવે મને ખાતરી થઈ ગઈ કે તમે મૂંગા નથી.’

સત્ત્વ ખડખડાટ હસી પડ્યો હતો.

તાન્યા મંત્રમુગ્ધ બનીને સત્ત્વને તાકી રહી.

‘પ્રકાશ મારો જિગરજાન મિત્ર છે. મારી સાથે જ શિકાગોમાં હતો. હાલ લંડનમાં શિફ્ટ થયો છે. તે તો મને ત્યાં સુધી કહે છે કે સત્ત્વ, તને જે છોકરી પરણશે તેણે તો મહાદેવજીને પાંચે આંગળીએ પૂજ્યા હશે. વળી, તમારે તો સોમનાથ મહાદેવ નજીકમાં જ છે. તેથી તમારા પર તો મહાદેવજી વધારે પ્રસન્ન હોય, ખરું ને?’

Related Posts
1 of 255

તાન્યા સત્ત્વના નિરાભામિની વ્યક્તિત્વમાં ખરેખર ખોવાઈ ગઈ હતી.

‘તાન્યા, તમારે મને ખરેખર કાંઈ જ નથી પૂછવું?’ આખરે સત્ત્વએ એકદમ ગંભીર થઈને કહ્યું.

તાન્યા નીચું જોઈ ગઈ.

‘સી… તાન્યા, તમારા ઘરનાએ મારા વિશે જે કાંઈ કહ્યું હોય તે.. બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ સપ્રેસ. એનિથિંગ. હું કાંઈ જ છૂપાવવા નથી માગતો.’ એટલું બોલીને સોહામણા સત્ત્વએ તેણે પહેરેલા ડાર્ક ગ્રે ગોગલ્સ કાઢીને તાન્યાની આંખમાં જોયું.

તાન્યા થીજી ગઈ. સત્ત્વની એક આંખ કાચની હતી.

* * *

સત્ત્વના ગયા બાદ ચંદ્રિકાબહેન તાન્યાને સમજાવી રહ્યાં હતાં, ‘બેટા.. તાન્યા, જોઈ શકાય તેવી ખોડ સારી.’

‘એટલે?’ તાન્યાએ આશ્ચર્યથી પૂછ્યું હતું.

‘એટલે એમ કે બધી રીતે રાજાના કુંવર જેવો છોકરો હોય, પરંતુ મગજનો છટકેલ હોય તો શું કામનો? આ તો સત્ત્વના રિપોર્ટ ચારેબાજુથી ખૂબ જ સારા આવ્યા છે. વળી, તેણે ગોગલ્સ પહેર્યા હોય ત્યારે તો તેની એક આંખ કાચની છે તેનો ખ્યાલ પણ ક્યાં આવે છે? કેવો સરસ રૃડો રૃપાળો છોકરો છે. બિચારાની ભગવાને એક આંખ બાળપણમાં જ છીનવી લીધી હતી.’

‘મમ્મી એ વાત પર તો મને પણ સત્ત્વ પ્રત્યે સહાનુભૂતિ જ થાય છે. કેમ કરતાં તેને એવું થયું હશે?’

‘ક્રિકેટ રમતાં દડો વાગી ગયો હતો તેવું મોટી બહેન કહેતી હતી.’ ‘પેલા ક્રિકેટર પટૌડીની જેમ?’ તાન્યાથી પૂછાઈ ગયું.

‘તાન્યા, આપણે એ બધી વાતોનું શું કામ છે? આંખને બાદ કરતાં સત્ત્વમાં કાંઈ જ કહેવાપણુ નથી. વળી, સંસ્કારી પણ છે. તે જોયું નહીં? ઘરમાં પ્રવેશતાની સાથે જ દીવાલ પર લગાવેલા ગણપતિના ફોટાને તેણે નમન કર્યું હતું. જતી વખતે મને અને તારી મમ્મીને પણ પગે લાગ્યો હતો.’ કૈલાસરાયે સત્ત્વના જે જે ગુણ દેખાયા હતા તે બતાવતા કહ્યું.

‘પણ પપ્પા, તમને અને મમ્મીને ખબર હતી કે તેની એક આંખ ડિફેક્ટિવ છે તો પછી તમારે એટલિસ્ટ મને જાણ તો કરવી જોઈએ ને?’

કૈલાસરાયે દીકરીની આંખમાં જોઈને કહ્યું, ‘સાચું કહે તાન્યા, તને કહ્યું હોય તો તું તેને જોવાની હા પાડત? – વળી સાવ સાચું કહેજે તને છોકરો ગમ્યો છે કે નહીં?’ તાન્યા શરમાઈને નીચું જોઈ ગઈ.

‘પપ્પા, હજુ એકાદ વાર સત્ત્વ સાથે મુલાકાત ગોઠવી શકાય?’

‘જો બેટા, તારી હા હોય તો જ ગોઠવી શકાય, કારણ કે બીજી વાર મળ્યા પછી તું તેની આંખનું બહાનું કાઢીને તેને રીજેક્ટ કરે તો તેમાં આપણુ ખરાબ લાગે.’

‘જાણું છું પપ્પા, હું હજુ તેને એકવાર મળવા માગું છું.’ પપ્પાએ તરત સત્ત્વના સેલફોન પર ફોન લગાવ્યો. સત્ત્વ વેરાવળની જ એક હોટલમાં ઊતર્યો હતો.

‘સત્ત્વ, તાન્યાની ઇચ્છા તમને ફરીથી મળવાની છે.’

સામે છેડેથી સત્ત્વ બોલી રહ્યો હતો તે સ્પષ્ટ સંભળાતું હતું, કારણ કે કૈલાસરાયે તેમનો સેલફોન સ્પીકર મોડ પર મૂક્યો હતો.

‘શ્યોર અંકલ, પણ એક રીક્વેસ્ટ છે.’

‘બોલો.’

‘જો આપને વાંધો ન હોય તો સાંજે મારે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા જવાનું જ છે. જો તાન્યાની કંપની મળી જાય… તો,’ સત્ત્વએ વાક્ય અધૂરું મૂકી દીધું.

કૈલાસરાયે ઇશારાથી તાન્યાને પૂછીને તરત જ જવાબ આપી દીધો, ‘હા.. તાન્યા તમારી સાથે આવશે.’

‘ઓ.કે. અન્કલ થેન્ક્સ, સાંજે પાંચ વાગે હું ટેક્સી તમારે ત્યાં થઈને લેવડાવી લઈશ.’ સત્ત્વએ ફોન કટ કરી દીધો.

* * *

સાંજે ટેક્સીમાંથી ઊતરીને સત્ત્વ સાથે તાન્યા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે તેનું દિલ ધડકી રહ્યું હતું. રખે ને અહીં તર્પણનો ભેટો થઈ જશે તો? તાન્યાએ તેના મનને મનાવી લીધું કે હવે તર્પણ મળે તો તેને પણ કાયમ માટે ગુડબાય કહી દેવું છે તેને મારી નથી પડી તો હું શું કામ તેની ચિંતા કરું?

‘શું વિચારે છે તાન્યા?’ બાજુમાં જ ચાલી રહેલા સત્ત્વએ જાણે કે તાન્યાની કોઈ ચોરી પકડી હોય તેવી અદાથી પૂછ્યું.

‘ના, ના ખાસ કંઈ નહીં’ તાન્યા ખસિયાણી પડી ગઈ.

‘તાન્યા, ન કહેવું હોય તો કાંઈ નહીં, પણ મને તો ખબર પડી જ ગઈ છે કે તું શું વિચારે છે.’ પહેલી જ વાર સત્ત્વએ તાન્યાને તુંકારે બોલાવી હતી. તાન્યા ઊભી રહી ગઈ. સત્ત્વ પણ ઊભો રહી ગયો. તાન્યાએ સત્ત્વના ગોગલ્સની આરપાર તેની આંખમાં જોવાની કોશિશ કરી, પરંતુ ડાર્ક ગ્રે કલરના ગોગલ્સમાં સામે ઊભેલું સોમનાથનું ભવ્ય મંદિર દેખાતું હતું. સત્ત્વએ થોડું ઉપર જોયું કે તરત જ મંદિરની ધજા દેખાઈ.

તાન્યાના ચહેરા પર આછેરું સ્મિત આવી ગયું.

‘તાન્યા, થેન્ક્સ એ લોટ.’

‘ફોર વ્હોટ?’

‘તેં મને પસંદ કર્યો તે માટે.’

તાન્યા શરમાઈ ગઈ. ‘તમને કેવી રીતે ખબર પડી કે મેં તમને પસંદ કરી લીધા છે.’

‘તાન્યા, કોઈ પણ છોકરી એ છોકરા સાથે જ મંદિરમાં જવાનું પસંદ કરે છે જે છોકરો તેને પસંદ હોય.’

‘ઓહ… તમે આટલું લાંબું વિચારી લીધું.’

‘તાન્યા, આને લાંબું વિચાર્યું ન કહેવાય.’

‘તો લાંબું વિચાર્યું કોને કહેવાય?’ તાન્યાને પણ સત્ત્વ સાથે વાત કરવાની ખૂબ મજા આવતી હતી. તેને થતું હતું કે કાશ, સત્ત્વ બોલ્યા જ કરે અને તે સાંભળ્યા જ કરે.

‘તાન્યા, પહેલાં દર્શન કરી આવીએ પછી તારા સવાલનો જવાબ આપીશ.’

‘ઓ. કે.’ તાન્યાએ પવનથી કપાળ પર ઊડી રહેલી વાળની લટને સરખી કરતાં કહ્યું.

‘રહેવા દે એને… એ લટ તો તારી સુંદરતામાં વધારો કરે છે.’

સત્ત્વએ તાન્યાના કાનમાં ધીમેથી કહ્યું.

તાન્યા ફરીથી શરમાઈ ગઈ. સિક્યૉરિટી વાળાઓએ નિયમ મુજબ બંનેને ચેક કરીને મંદિરના પરિસરમાં જવા દીધા. તાન્યા અહીંની જાણકાર હતી તેથી બંનેના મોબાઇલ પહેલેથી જ મોબાઇલસ્ટેન્ડમાં મૂકાવી દીધા હતા. બંને દર્શન કરીને મંદિરના ડાબા હાથે આવેલા વિશાળ ઓટલા પાસે ઊભાં રહ્યાં. સામે દેખાતો ઘૂઘવતો સમુદ્ર અને મંદિરની અંદરનો પવિત્ર માહોલ ખરેખર મનભાવન હતો.

‘ચાલ તાન્યા, નીચે પાળી પર બેસીએ.’ બંને નીચે ઊતરીને થોડું ચાલીને પાળી પર બેઠાં.

‘શું માંગ્યું ભગવાન પાસે?’ સત્ત્વએ પવનથી ઊડતા તેના લાંબા વાળને સરખા કરતાં કહ્યું.

(ક્રમશઃ)
——————————-

‘અભિયાન’ નિયમિત રીતે વાંચવા લોગઇન થઓ. લવાજમ ભરવા માટે https://abhiyaanmagazine.com/subscribe/ 

Leave A Reply

Your email address will not be published.

Translate »