તમારા માટે, તમારી સાથે, સતત…

વિઝાના ક્વૉટામાં  વધારો થશે?

ગ્રીનકાર્ડ મેળવવાના જુદા જુદા દસ રસ્તામાંનો એક રસ્તો છે કૌટુંબિક સંબંધો

0 137
  • વિઝા વિમર્શ – ડૉ.સુધીર શાહ

અમેરિકામાં સ્થળાંતર કરવું હોય, ત્યાં કાયમ રહેવા જવું હોય, તો સૌપ્રથમ ત્યાંના ઈમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૃરિયાત રહે છે. એ વિઝા મળેથી અમેરિકામાં પ્રવેશતા ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ’ જેને આપણે ‘ગ્રીનકાર્ડ’ના હુલામણા નામથી ઓળખીએ છીએ એ આપવામાં આવે છે. ગ્રીનકાર્ડ મળેથી અમેરિકામાં કાયમ રહી શકાય છે. પાંચ વર્ષ પછી અને જો ગ્રીનકાર્ડ લગ્નસંબંધના આધારે મળ્યું હોય તો ત્રણ વર્ષ પછી, અમેરિકન સિટીઝન બનવાની અરજી કરી શકાય છે. આ માટે અરજદારે દેખાડી આપવાનું રહે છે કે એ એક સારો નાગરિક છે. એની અમેરિકાની તેમ જ વિશ્વમાં અન્ય કશે પણ થયેલી આવક ઉપર એણે અમેરિકામાં ટેક્સ ભર્યો છે. ગ્રીનકાર્ડ મળેથી ક્યારે પણ એ લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યો નથી. જો લગ્નસંબંધના આધારે ગ્રીનકાર્ડ મળ્યું હોય તો એ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછો દોઢ વર્ષ અમેરિકામાં રહ્યો છે. જો અન્ય રીતે ગ્રીનકાર્ડ મળ્યું હોય તો પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એ ઓછામાં ઓછો અઢી વર્ષ અમેરિકામાં રહ્યો છે.

અનેક ભારતીયો, જેમણે ગ્રીનકાર્ડ મેળવ્યા હોય છે તેઓ આ બધી શરત પૂરી કરી શકે એવી સ્થિતિમાં નથી હોતા એટલે અમેરિકન સિટીઝન બનવાની અરજી નથી કરતા.

ગ્રીનકાર્ડ મેળવવાના જુદા જુદા દસ રસ્તામાંનો એક રસ્તો છે કૌટુંબિક સંબંધો. અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ની કલમ ૨૦૧ ફેમિલી સ્પોન્સર ચાર જુદી જુદી પ્રેફરન્સ કેટેગરીઓ હેઠળ દર વર્ષે કુલ ૨,૨૬,૦૦૦ ઈમિગ્રન્ટ વિઝા આપવા એવું જણાવે છે. ‘ઍમ્પ્લોઇમૅન્ટ પ્રેફરન્સ કેટેગરી’ હેઠળ જે જુદી જુદી પાંચ કેટેગરીઓ છે એની હેઠળ આ કલમ એક વર્ષમાં ૧,૪૦,૦૦૦ ગ્રીનકાર્ડ આપવા એવું જણાવે છે.

કલમ ૨૦૨ એવું ફરમાવે છે કે ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે ૨,૨૬,૦૦૦ ગ્રીનકાર્ડ આપી શકાય એ સંખ્યા વિશ્વના દરેક દેશને સરખે ભાગે વહેંચી દેવી જોઈએ. આથી દરેક દેશના ભાગે સાત ટકા આવે છે. ભારતીયોને આથી એક વર્ષમાં ફેમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ૧૫,૮૨૦ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. ઍમ્પ્લોઇમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ કોઈ પણ એક દેશને એક વર્ષમાં ૨૫,૬૨૦થી વધુ ગ્રીનકાર્ડ આપવામાં નથી આવતા.

Related Posts
1 of 319

જે પ્રમાણે ફેમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ યા ઍમ્પ્લોઇમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ ગ્રીનકાર્ડનું પિટિશન દાખલ કરવામાં આવે છે એ મુજબ જ જે-જે પિટિશનો પ્રોસેસ થઈને એપ્રૂવ્ડ થાય છે એમને ક્રમબદ્ધ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે. એટલે કે વર્ષની શરૃઆતમાં જેના લાભ માટે સૌપ્રથમ પિટિશન દાખલ થઈ હોય એ વ્યક્તિનું પિટિશન એપ્રૂવ્ડ થતાં એને સૌથી પહેલા વિઝા આપવામાં આવે છે. પછી જેના જેના લાભ માટે પિટિશનો દાખલ થતી રહે છે તેમ-તેમ એમને ક્રમવાર નંબર આપવામાં આવે છે અને જેના જેના પિટિશનો એપ્રૂવ્ડ થાય એમને લાઈનબંધ વિઝા આપવામાં આવે છે.

ભારતીયોની અમેરિકાની સંખ્યામાં દિનબદિન વધારો થતો રહ્યો છે. આથી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડ મેળવવા માટેની લાઈન ખૂબ જ લાંબી થઈ ગઈ છે. એ મેળવવા માટે વર્ષોની વાટ જોવી પડે છે. ભારતમાંથી અમેરિકામાં ‘એચ-૧બી’ વિઝા ઉપર છેલ્લાં થોડાં વર્ષોથી હજારોની સંખ્યામાં ભારતીય કમ્પ્યુટર પ્રોફેશનલો કામ કરવા જાય છે. આંતર કંપની ટ્રાન્સફરી ‘એલ-૧’ વિઝા ઉપર પણ અનેક ભારતીય અમેરિકામાં કામ કરવા જાય છે. એ સર્વે તેમ જ અન્ય પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશતા ભારતીયોના લાભ માટે પણ ઍમ્પ્લોઇમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડના પિટિશન દાખલ થાય છે. આથી નોકરીના આધારે આપવામાં આવતા ગ્રીનકાર્ડ મેળવવા માટેની લાઈન પણ ખૂબ જ લાંબી થઈ ગઈ છે.

હાલમાં અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવે એક ખરડો પસાર કર્યો છે. એની હેઠળ ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ અપાતા ગ્રીનકાર્ડના દરેક દેશના વાર્ષિક ક્વૉટા સાત ટકાને બદલે વધારીને પંદર ટકા કરવામાં આવ્યા છે. એ કાયદો જો અમલમાં આવશે તો ભારતીયોને દર વર્ષે ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કૅટેગરી હેઠળ જે ફક્ત ૧૫,૮૨૦ ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એના બદલે ૩૩,૯૦૦ ગ્રીનકાર્ડ આપવામાં આવશે. આ કાયદાએ એક બીજો પણ ધરખમ ફેરફાર આણ્યો છે.

ઍમ્પ્લોઇમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ અપાતાં ગ્રીનકાર્ડ માટે દરેક દેશના ક્વૉટાની જે લિમિટ છે એ દૂર કરીને બધા જ પિટિશનો જે પ્રમાણે ફાઇલ કરવામાં આવ્યા હોય એ પ્રમાણે ક્રમબદ્ધ લાઈનમાં એક પછી એક એપ્રૂવ્ડ થયેલી પિટિશનોને ગ્રીનકાર્ડ આપવા. આથી જે વાર્ષિક ૧,૪૦,૦૦૦ ગ્રીનકાર્ડ આપવાની મર્યાદા છે એ મુજબ ધારો કે વર્ષની શરૃઆતમાં જ ૧,૪૦,૦૦૦ ભારતીયોના લાભ માટે પિટિશન દાખલ કર્યા હોય તો ત્યાર બાદ બીજા કોઈ પણ દેશના નાગરિકના લાભ માટે પિટિશન દાખલ થાય એમને એ વર્ષમાં ગ્રીનકાર્ડ આપવામાં નહીં આવે. આમ આ નવા કાયદાથી ભારતીયોને ગ્રીનકાર્ડ મેળવવા માટે ખૂબ જ ફાયદો થવાની શક્યતા છે.

‘ધ ફેરનેસ ફૉર હાઈ-સ્કિલ્ડ ઈમિગ્રન્ટ ઍક્ટ, ૨૦૧૯’નું શીર્ષક ધરાવતો આ એચઆર ૧૦૪૪ ખરડાને અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવે ૧૦ જુલાઈ, ૨૦૧૯ના દિવસે ૩૬૫ વિરુદ્ધ ફક્ત ૬૫ના માર્જિનથી પસાર કર્યો છે. હવે અમેરિકાની સેનેટે એને મંજૂર કરવું પડશે. ત્યાર બાદ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એના ઉપર સહી કરવી પડશે. ત્યાર બાદ એ કાયદા તરીકે અમલમાં આવશે.

———————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »