તમારા માટે, તમારી સાથે, સતત…

સુરત ઍરપોર્ટને નડતરરૃપ ઇમારતો માટે જવાબદાર કોણ ?

આ ઇમારતો શું અચાનક રાતોરાત ઊભી થઈ ગઈ?

0 402
  • નગર સંસ્કૃતિ – હરિશ ગુર્જર

૧૯૭૦માં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા સુરત ઍરપોર્ટને ધમધમતું થતાં ૪૪ વર્ષનો સમય લાગ્યો છે. ઔદ્યોગિક શહેર સુરતના ઉદ્યોગકારો અને જનતાની વર્ષોની માગણી વર્ષ ૨૦૧૪ બાદ સંતોષાઈ અને આજે સુરત શહેર દેશનાં મુખ્ય શહેરો સાથે હવાઈ માર્ગે જોડાયું છે.

હાલમાં સુરત ઍરપોર્ટ પરથી દરરોજની ૨૩ ફ્લાઈટની અવર-જવર છે. ઍરપોર્ટ કાર્યરત થતાં સતત પ્રવાસીઓની સંખ્યાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે અને તેથી દેશની તમામ વિમાની કંપનીઓની નજર સુરત પર છે, પરંતુ સુરત ઍરપોર્ટને માથે લાગેલા ગ્રહણને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૃ કરવામાં અડચણો ઊભી થઈ રહી છે. ઍરપોર્ટના રન-વેના ઍર ફનલ વિસ્તારમાં બંધાયેલી ઇમારતો સુરત ઍરપોર્ટ માટે જોખમી બની છે.

સુરત ઍરપોર્ટ પર બનાવવામાં આવેલી ઍરસ્ટ્રિપની લંબાઈ ૨૯૦૫ મીટરની છે. તેની બંને તરફથી વિમાન ઉડાન ભરી શકે છે અને ઉતરાણ પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ સુરત શહેર તરફથી જ્યારે વિમાન ઍરપોર્ટ પર ઉતરાણ કરે ત્યારે તેને માત્ર ૨૨૯૦ મીટરનો જ રન-વે ઉપયોગ કરવાની છૂટ મળે છે અને ડુમસના દરિયા કિનારા તરફથી ઉતરાણ કરે તો તેને ૨૯૦૫ મીટરના પુરા રન-વેનો ઉપયોગ કરવાની છૂટ મળે છે. એક જ રન-વે પણ બંને તરફથી ઉપયોગમાં તફાવત કેમ એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે અને એ પ્રશ્નનો જવાબ જ સુરત ઍરપોર્ટ માટે હાલમાં માથાનો દુખાવો બન્યો છે.

વિમાન હવામાંથી જ્યારે ઍરસ્ટ્રીપ (રન-વે) પર ઊતરે ત્યારે પાઇલટને મળતી કમાન્ડને આધારે તે વિમાનને જમીનની નજીક લાવે છે અને તેની ગતિમાં ઘટાડો કરી આખરે રન-વે પર ઉતરાણ કરે છે. ઉતરાણ સમયે હવામાંથી રન-વે સુધીના વિમાનના પ્રવાસની ક્રિયા હવામાં જ્યાં બને છે, ત્યાંથી રન-વે સુધીની જગ્યાને ઍર ફનલ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઍર ફનલ એરિયા એટલે વિમાનના ઉતરાણ અને ઉડાણ માટેની ઍરસ્ટ્રિપથી આકાશ વચ્ચેની આપણા માટે આભાસી પણ પાઇલટ માટેની ગણતરી મુજબની જગ્યા એટલે ઍર ફનલ. સુરત ઍરપોર્ટ પર સુરત શહેરથી ઉતરાણ કરવામાં આવે ત્યારે આ ઍર ફનલ એરિયામાં ૪૮ એવી ઇમારતો બની છે, જે વિમાનને ઉતરાણ વખતે નડતરરૃપ સાબિત થઈ રહી છે અને ક્યારેક જોખમી પણ સાબિત થઈ શકે. પરિણામે સુરત ઍરપોર્ટ પર શહેરી વિસ્તાર તરફથી લેન્ડિંગ મોટા વિમાનો માટે જોખમી છે.

Related Posts
1 of 319

સુરત ઍરપોર્ટના વિકાસમાં રસ ધરાવતા અને અભ્યાસુ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ઍરપોર્ટ કમિટીના ચૅરમેન, મનોજ સીંગાપુરી સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, સુરત ઍરપોર્ટના રન-વે પર ભલે બંને તરફથી ઉતરાણની વ્યવસ્થા હોય, પણ વિમાન જ્યારે લેન્ડિંગ કરે ત્યારે તેના માટેના કેટલાક નિયમો છે, જેવી કે હવાની દિશા અને ઝડપ. આ બંને માપદંડો સુરત ઍરપોર્ટ પર લેન્ડિંગ વખતે દરિયાને બદલે શહેર તરફથી થતાં લેન્ડિંગમાં પાઇલટને અનુકૂળ આવે તેવા રહે છે. તેથી જ વિમાનને શહેર તરફથી ઉતારવું વધારે હિતાવહ છે, પણ જો તેના ઍર ફનલ એરિયામાં આવતી અડચણો દૂર કરવામાં આવે તો. કારણ કે, સુરત ઍરપોર્ટ પર શહેર તરફથી વિમાન જ્યારે લેન્ડ થતું હોય ત્યારે અડચણ રૃપ ઇમારતોને કારણે તેણે શરૃઆતના ૬૧૫ મીટરના રન-વેને છોડી ત્યાર પછીના રન-વે પર લેન્ડિંગ કરવું પડે છે. વિમાનમાં લેન્ડિંગ સમયે તેની નીચેના ભાગમાં કોઈ નડતર રૃપ વસ્તુઓ છે કે કેમ, એ જાણવા માટે નવા આધુનિક વિમાનોમાં પ્રોક્સિમિટી વૉર્નિંગ સિસ્ટમ લગાડવામાં આવે છે, પરંતુ ઍર ઇન્ડિયાના ૨૦-૨૨ વર્ષ જૂના ઍરક્રાફ્ટમાં તેમજ કેટલીક વિદેશી ઍરલાઇન્સનાં મોટાં વિમાનોમાં પણ આ સુવિધા નથી ત્યારે આવાં વિમાનો જો સુરત ઍરપોર્ટ પર ઉતરાણ કરે ત્યારે ઍર ફનલ એરિયામાં બનેલી ઇમારતો તેના માટે જોખમી બની શકે છે.

૨૦૧૪-૧૫માં સુરત ઍરપોર્ટ પર સ્પાઈસ જેટનું વિમાન જ્યારે ઉડાનભરી રહ્યું હતું ત્યારે રન-વે પર તે એક ભેંસ સાથે અથડાયું હતું, આ પ્રકારની ઘટના ભારતમાં જ નહીં, પણ વિશ્વમાં ઍરપોર્ટ પર બનેલી પહેલી ઘટના હતી. સદ્ભાગ્યે વિમાનમાં મુસાફરી કરતાં તમામ પ્રવાસીઓને કોઈ નુકસાન થયું ન હતું, પણ વિમાનના એન્જિનને મોટું નુકસાન થયું હતું. પરિણામે હવે જ્યારે સુરત શહેર ઍરપોર્ટમાં તમામ પ્રકારની માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યારે ઍર ફનલમાં આવેલી ૪૮ જોખમી ઇમારતો સુરત ઍરપોર્ટના ઇન્ટરનેશનલ ઍરપોર્ટ બનવાના સ્વપ્નને સાકાર થતું અટકાવી શકે છે.

ત્યારે સવાલ એ ઊભો થાય કે, આ ઇમારતો શું અચાનક રાતોરાત ઊભી થઈ ગઈ? કોઈએ આ ઇમારતો બનતી અટકાવી કેમ નહીં? શું આ ઇમારતો જોખમી છે એ આજે ખબર પડી? શું આ માટે કોઈ નીતિનિયમો છે કે નહીં? તો આપને જણાવી દઈએ કે ઍર ફનલ વિસ્તારમાં થતાં બાંધકામો માટે ચોક્કસ નિયમો ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગે (ડીજીસીએ) બનાવ્યા છે અને તેનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવાની જવાબદારી સ્થાનિક ઍરપોર્ટ ઑથોરિટીની છે. સુરત ઍરપોર્ટ માટે જોખમી સાબિત થયેલ આ ઇમારતો માટે સૌથી પહેલાં ૨૦૦૬થી ૨૦૧૭ દરમિયાન સુરત ઍરપોર્ટ પર ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓ જવાબદાર છે. ૨૦૦૬માં સુરત ઍરપોર્ટના રન-વેના ઍર ફનલ એરિયામાં આવતી અડચણો અંગે સરવે કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કેટલાંક વૃક્ષો અડચણ રૃપ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું, જેને બાદમાં કાપવામાં આવ્યાં હતાં. આ રિપોર્ટમાં ક્યાંય કોઈ ઇમારત કે નિર્માણાધીન મકાનનો પણ ઉલ્લેખ નથી. એનો સીધો અર્થ એ છે કે ૨૦૦૬ સુધી સુરત ઍરપોર્ટને અડચણ રૃપ એક પણ ઇમારતનું નિર્માણ થયું ન હતું. ડીજીસીએના નિયમો મુજબ સુરત ઍરપોર્ટ દ્વારા ૨૦૦૬ના સરવે બાદ દર બે વર્ષે ઓપસ્ટ્રક્શન સરવે કરવો ફરજિયાત છે, પણ ૨૦૦૬થી ૨૦૧૭ સુધી અધિકારીઓ સરવે કરાવાનું ભૂલી ગયા અને તે સમયગાળા દરિંમયાન સુરતના બિલ્ડરોએ ઍર ફનલ એરિયામાં ૪૮ ઇમારતો તાણી બાંધી. ૨૦૧૭માં જ્યારે ૧૧ વર્ષ બાદ સરવે કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, ૫૦થી વધુ ઇમારતો સુરત ઍરપોર્ટ માટે જોખમી છે. આમ અધિકારીઓની ૧૧ વર્ષે આંખો ખૂલી અને ત્યાં સુધીમાં જંગલમાં મંગલ થઈ ગયું હતું.

આ ભૂલ માત્ર સુરત ઍરપોર્ટના અધિકારીઓની છે એવું જ નથી, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પણ આ જોખમી ઇમારતોના નિર્માણમાં આંખ આડા કાન કરવા માટે જવાબદાર છે. આશ્ચર્યની વાત એ છે કે,  ઍર ફનલ એરિયામાં બાંધકામ કરવામાં આવેલી દરેક ઇમારતે ઍરપોર્ટ ઑથોરિટીએ એન.ઓ.સી. આપ્યું છે અને તેના આધારે સુરત મહાનગરપાલિકાએ આ ઇમારતો વસવાટ માટે યોગ્ય હોવાનું સર્ટિફિકેટ પણ આપ્યું છે. જો એન.ઓ.સી. આપતી વખતે પણ ઍરપોર્ટના અધિકારીએ અને બી.યુ.સી. (બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ) આપતી વખતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ ઝીણવટભરી તપાસ કરી હોત તો આજે આ દિવસો ન જ આવ્યા હોત. આ સમગ્ર ઘટનાક્રમનો વધુ મજેદાર કિસ્સો એ છે કે, ૨૦૧૭માં થયેલા સરવેને ઍરપોર્ટ ઑથોરિટીએ કર્યો હોવા છતાં, સુરત મહાનગરપાલિકા અને ઇમારતો બનાવનાર બિલ્ડરોએ માનવાનો જ ઇનકાર કરી દીધો. આખરે ડિજીસીએ મધ્યસ્થી કરીને જાન્યુઆરી ૨૦૧૮ અને જૂન ૨૦૧૮માં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને સાથે રાખી નાશિકની એજન્સી પાસે સરવે કરવામાં આવ્યો, તો તેના રિપોર્ટે સુરત મહાનગર પાલિકા અને ઍરપોર્ટ ઑથોરિટી તેમજ વિવાદિત ઇમારતો બનાવનાર બિલ્ડરોને ચોંકાવી દીધા હતા, કારણ કે આ રિપોર્ટમાં જોખમી સાબિત થયેલી ૪૮ ઇમારતોમાં એક ઇમારત ઍરસ્ટ્રિપથી માત્ર દોઢ જ કિલોમીટરના અંતરે બની હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ સુરતવાસીઓ, સુરતના વિવિધ વેપારી સંગઠનો અને પોલિટિકલ વિંગ સુરત ઍરપોર્ટને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળે અને સુરત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ બને તે માટે રજૂઆતો કરી રહ્યા છે ત્યારે સામે આવેલી આ વિગતોને કારણે, સુરત ઍરપોર્ટ ઑથોરિટીના આધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ ફરજમાં દાખવેલી બેદરાકારી સામે રોષ વ્યાપ્યો છે.

સુરત ઍરપોર્ટ કમિટીના ચૅરમેન અને સાંસદ સી.આર. પાટીલ સતત ઍરપોર્ટ માટે રજૂઆતો કરતા આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, બીજી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ મેં એક પત્ર લખીને સુરત જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મળતી સંકલન સમિતિની બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઍર ફનલ એરિયામાં આવતી ઇમારતોનું નડતર રૃપ બાંધકામ તોડી પાડવું જોઈએ. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસનનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાની આ સંદર્ભે કોઈ જવાબદારી બનતી નથી. ઍરપોર્ટ ઑથોરિટી બિલ્ડરોને બાંધકામ માટે એન.ઓ.સી. આપી દીધા પછી અમારે માત્ર તેના આધારે બાંધકામ કરવાની મંજૂરી આપવાની રહે છે અને ત્યાર બાદ રહેઠાણનું સર્ટિફિકેટ આપવાનું રહે છે. હવે જ્યારે સમગ્ર જવાબદારી ઍરપોર્ટ ઑથોરિટી પર આવી રહી છે, ત્યારે સુરત ઍરપોર્ટના ડાયરેક્ટર સંજય કુમાર પાણીગ્રહીએ જણાવ્યું હતું કે, આખરી સરવે બાદ સૌથી જોખમી ઇમારતોના ફ્લેટ હોલ્ડરોને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી ચૂકી છે, ત્યાર બાદ ડિજીસીએ સાથે બિલ્ડરોની બેઠક પણ એક વખત થઈ છે. હાલમાં અમારી જવાબદારી આ ઇમારતોના બિલ્ડર્સ અથવા સોસયટી દ્વારા રજૂ કરવામાં આવી રહેલા જવાબો ડિજીસીએને મોકલવાના છે, માટે ડિમોલેશનનો આખરી નિર્ણય ડિજીસીએ જ લેવાનો રહેશે. દરેક વિભાગ પોતાની જવાબદારી કાગળ પર પૂર્ણ કરી દોષનો ટોપલો બીજાના માથે નાંખવાની કામગીરી ચાલી રહી છે.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »