તમારા માટે, તમારી સાથે, સતત…

એક આંદોલન જે ૨૪મેથી દુનિયામાં શરૂ

સ્વીડનની ૧૬ વર્ષીય ગ્રેટા થનબર્ગ નામની કિશોરીએ પર્યાવરણના પ્રશ્ને જગાવેલી આહ્લેક

0 207

મુકામ મુંબઈ – લતિકા સુમન

સ્વીડનની ૧૬ વર્ષીય ગ્રેટા થનબર્ગ નામની કિશોરીએ પર્યાવરણના પ્રશ્ને જગાવેલી આહ્લેક આજે દુનિયાભરમાં પ્રસરી રહી છે. આપણા ત્યાં મુંબઈના પર્યાવરણવિદ્ ગિરીશ રાઉત પણ આ જ પ્રશ્ને લોકોને જાગૃત કરી રહ્યા છે. ૨૪મી મેથી દુનિયાભરમાં શરૃ થઈ રહેલા આંદોલન પ્રત્યે ગંભીરતાથી વિચારવા લોકો મજબૂર બનશે.

શું આજનું વિજ્ઞાન વૃક્ષોનાં પાંદડાં બનાવી શકે છે? શું તમે એક મુઠ્ઠી માટી બનાવી શકો છો જેમાં હજારો જીવાણુ હોય છે. નહીં ને? તો પછી એવા જ્ઞાનની શું જરૃર છે? જો વૈજ્ઞાનિકોના જ્ઞાનને અને વિકાસના સંદર્ભમાં બની રહેલા પ્રોજેક્ટ્સને અત્યારથી અટકાવવામાં નહીં આવે તો આવનારાં થોડાં જ વર્ષાેમાં આપણા બધાંનાં મૃત્યુ નિશ્ચિત છે. કેમ કે, આપણને જીવતાં રહેવા માટે અન્ન, પાણી અને હવા પૂરતાં છે, જે હજારો વર્ષાેથી પૃથ્વી આપણને આપી જ રહી છે. હવે વધુ વિકાસ કરવાની આપણને કોઈ જ જરૃર નથી. આપણે વિકાસ કર્યા વિના પણ પહેલાં જીવતાં હતાં તેમ ખૂબ જ શાંતિથી જીવતા રહી શકીએ છીએ. પૃથ્વીનો થઈ રહેલો વિનાશ અટકાવવા ઘણા વર્ષાેથી પોતાનો અવાજ બુલંદ કરતા આવેલા પર્યાવરણવિદ્ ગિરીશ રાઉતનું કંઈક આવું જ કહેવું છે, પરંતુ તેમની વાતને ગંભીરતાપૂર્વક સાંભળવાવાળા લોકો ખૂબ જ ઓછા છે. ૨૪ મેથી દુનિયાભરમાં એક એવા આંદોલનની શરૃઆત થઈ રહી છે, જેની તરફ ગંભીરતાથી વિચારવા લોકો મજબૂર બની જવાના છે.

આ આંદોલનને દુનિયાભરના પર્યાવરણવિદો સપોર્ટ કરી રહ્યા છે. મજાની વાત એ છે કે, આ આંદોલનની શરૃઆત માત્ર ૧૬ વર્ષની ગ્રેટા થનબર્ગ નામની છોકરીએ થોડા સમય અગાઉ માધ્યમો સાથે વાતચીત દરમિયાન કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ સંદેશો આપવામાં આવ્યો છે કે, પર્યાવરણને થઈ રહેલા નુકસાનને અત્યારથી અટકાવવું પડશે અને આ મામલાને ગંભીરતાથી લેવો પડશે. જો તમે આ વિષયને ગંભીરતાથી નહીં લો તો ભવિષ્યમાં લોકો પણ તમને ગંભીરતાથી નહીં લે. સ્વીડન દેશની નિવાસી ગ્રેટાએ આ પ્રશ્નને ત્યારે ગંભીરતાથી લીધો જ્યારે તેણે જોયું કે સૂરજ પોતાની આગમાં ત્યાંનાં જંગલોને ભસ્મીભૂત કરી રહ્યો છે. પાછલા વર્ષે ગરમી એટલી વધી ગઈ હતી કે, લોકો હેરાન-પરેશાન થઈ ઊઠ્યા હતા. ૧૫ વર્ષની ગ્રેટા ત્યારે સ્કૂલમાં ભણતી હતી. તેણે જોયું કે પોતાની આસપાસ કાંઈક અજૂગતું બની રહ્યું છે.

તેણે સ્કૂલમાં પ્લાસ્ટિકથી પર્યાવરણને થતી હાનિ વિશેની કેટલીક ડોક્યુમેન્ટરી ફિલ્મો જોઈ હતી. વૃક્ષોને કાપવાથી સૃષ્ટિનું સંતુલન બગડી જાય છે તે જોઈને તે બેચેન થઈ જતી હતી. તેના મિત્રો ફિલ્મ જોઈને ભૂલી જતાં હતાં, પરંતુ ગ્રેટા તેના વિશે વિચારતી રહેતી હતી. આપણે આ સંકટ સામે કેવી રીતે લડી શકીએ છીએ? બસ, આ જ સવાલ તેને સતાવતો હતો. ગ્રેટા એક સંપન્ન પરિવારમાંથી આવે છે. તેના પિતા સ્વીડનના જાણીતા અભિનેતા છે, જ્યારે માતા ખ્યાતનામ નૃત્યાંગના છે. તેણે પોતાનાં માતા-પિતા સાથે આ વિષયે વાતચીત કરવાનું શરૃ કર્યું. વિવિધ પ્રકારની માહિતી મેળવીને તેમને સમજાવવા લાગી. શરૃમાં તો તેનાં માતા-પિતાએ તેની વાતો તરફ ધ્યાન ન આપ્યું, પરંતુ પછી તેઓ તેની વાતો સાંભળવા લાગ્યાં. પર્યાવરણને હાનિ પહોંચતી હોય તેવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવાનું તેમણે બંધ કર્યું. આમ છતાં ગ્રેટાને એવું લાગતું હતું કે, આપણે એકલાં કેટલું કરી શકીશું? જો આપણે બધાંએ અત્યારથી આ બધી બાબતોને ગંભીરતાપૂર્વક ન લીધી તો હવામાનમાં થઈ રહેલા ફેરફારોના કારણે એક દિવસ આખી પૃથ્વી નષ્ટ થઈ જશે. આપણા એક પણ નેતા આ વિષયને ગંભીરતાથી કેમ નથી લેતા? ગ્રેટાએ આ વિશે નક્કર પગલાં ભરવાનો નિશ્ચય કર્યાે.

Related Posts
1 of 319

એક દિવસ ૧૫ વર્ષની આ છોકરીએ ‘પર્યાવરણ માટે સ્કૂલનું આંદોલન’ એવું બેનર બનાવ્યું અને  બેનર લઈને તે સીધી જ સ્વીડનના સંસદભવનની સામે જઈને બેસી ગઈ. ગ્રેટા ત્યાં એકલી જ બેસી હતી. ત્યાં અવર-જવર કરતા લોકો ગ્રેટાને અને તેના બેનરને જોતાં અને ત્યાંથી પસાર થઈ જતા હતા, પરંતુ કોઈ તેના આંદોલનમાં જોડાતું ન હતું. તે રોજ સવારે ઊઠતી અને સંસદભવન સામે જઈને બેસી જતી હતી. તેણે સ્કૂલમાં જવાનું પણ બંધ કરી દીધું હતું. તેની આ હરકતના કારણે તેનાં માતા-પિતા તેનાથી નારાજ થઈ ગયાં, પરંતુ ગ્રેટાએ તેમની એક પણ વાત ન સાંભળી. ધીરે-ધીરે લોકો તેના આંદોલનમાં જોડાવા લાગ્યાં. સવારે ૬ વાગ્યે ગ્રેટા સંસદભવન સામે બેસતી અને બપોરે ૩ વાગ્યે ઘરે પરત ફરતી હતી. ૨૦ ઑગસ્ટ, ૨૦૧૮થી ગ્રેટાનો આ સિલસિલો શરૃ થયો હતો. તે દરમિયાન સ્વીડનમાં ચૂંટણી ચાલી રહી હતી.

સંસદભવન સામે ગ્રેટાનું આંદોલન જોર પકડવા લાગ્યું હતું અને તેને પ્રસિદ્ધિ મળવા લાગી હતી. લોકો તેની સામે એકઠાં થતાં અને ગ્રેટા તેમને કહેતી કે, તમને બધાંને પહેલેથી જ આ વિષયની જાણકારી છે, પરંતુ આ આંદોલનના કારણે તેની ગંભીરતા તમને સમજાવા લાગી છે. આપણે ઘણા વિષયો ઉપર વાતો કરતાં હોઈએ છીએ, પરંતુ પર્યાવરણ જેવા ગંભીર પ્રશ્ન સામે આંખ આડા કાન કરીએ છીએ. આપણા નેતાઓ હવે આ પ્રશ્નને ગંભીરતાથી લે તે જરૃરી છે. આજે દુનિયાભરના લોકો ગ્રેટા સાથે છે. તેને અનેક પુરસ્કાર મળ્યા છે. તે વિમાનમાં મુસાફરી નથી કરતી, કારણ કે તેના બળતણથી પર્યાવરણને હાનિ પહોંચતી હોય છે. જેથી તેનાં માતા-પિતાએ તેને ઇલેક્ટ્રિક કાર લાવી આપી છે. તેનું આંદોલન આજે પણ ચાલુ છે. તડકો-છાંયડો, વરસાદ કે પછી  ઠંડી-ગરમી હોય, ગ્રેટા હવે દર શુક્રવારે સંસદભવન સામે પોતાનું બેનર લઈને બેસે છે, જેથી કરીને આ પ્રશ્ને લોકો ગંભીરતાથી વિચાર કરે.

ગ્રેટાનું આંદોલન ઑગસ્ટ-૨૦૧૮માં શરૃ થયું હતું. આજે તેને દુનિયાભરમાંથી પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ છેલ્લાં ૩૦-૩૫ વર્ષાેથી મુંબઈના માહિમ વિસ્તારમાં રહેતા ગિરીશ રાઉત આ જ વાત બૂમો પાડી પાડીને કહી રહ્યા છે, છતાં અહીંના રાજકારણીઓએ તેમને ગંભીરતાથી નથી લીધા. જ્યારે પ્લાસ્ટિકથી થતી અસરો વિશે તેમણે શિવસેનાના પર્યાવરણ મંત્રી રામદાસ કદમનું ધ્યાન દોર્યું ત્યારે થોડા દિવસો માટે મુંબઈમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધની ઝુંબેશ ચાલી હતી, પરંતુ લોકો આજે પણ આ પ્રશ્નને લઈને ગંભીર નથી. ‘અભિયાન’ સાથેની વાતચીતમાં ગિરીશ રાઉતે જણાવ્યું કે, આપણે કઈ-કઈ વસ્તુઓ ઉપર પ્રતિબંધ લગાવીશું? અને આ બધું ક્યાં સુધી ચાલશે? આપણે તો ડગલે ને પગલે ખોટું જ કરીએ છીએ. આપણે જે સિમેન્ટના મકાનોમાં રહીએ છીએ તે પણ ખોટું છે. ગાડીઓ ચલાવીએ છીએ તે પણ ખોટું છે. આખો દિવસ એસીની ઠંડી હવા ખાઈએ છીએ તેય ખોટું છે. જરૃરિયાત કરતાં વધારે વીજળી વાપરીએ છીએ તે ખોટું છે અને નવા-નવા પ્રોજેક્ટ લાવીને પોતાના જ્ઞાનનો ખોટો ઉપયોગ કરીએ છીએ તે પણ ખોટું જ છે. આપણે કેટ-કેટલી ચીજ-વસ્તુઓને અટકાવીશું. માત્ર પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવાથી શું થવાનું છે? હવે તો આપણે બધું જ બંધ કરવું પડશે.

આ કેવી રીતે શક્ય છે અને પછી આપણા વિકાસનું શું થશે? આની સામે વળતો સવાલ કરતાં તેમણે કહ્યું કે કેવો વિકાસ? જો થોડાં વર્ષાે બાદ તમે જ નહીં રહો તો તમારા વિકાસનું શું થશે? તે મોટી-મોટી ઇમારતોનું શું થશે? જ્યારે તમારે એક-એક બુંદ પાણી માટે અહીંતહીં ભટકવું પડશે ત્યારે તમે શું કરશો? આપણુ શરીર હવા, પાણી અને અનાજ ઉપર નિર્ભર છે, પરંતુ આજે આ ત્રણેય પ્રદૂષિત થઈ ચૂક્યાં છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઊભા કરવામાં આવેલાં રાસાયણિક કારખાનાઓને કેવી રીતે આગળ ચલાવી શકાય તે માટે નાઇટ્રોજન, પોટેશિયમ તેમજ ફોસ્ફરસનો જમીનમાં ખેતી માટે ઉપયોગ કરવામાં આવ્યો, ખરેખર તેની જરૃર જ ન હતી. શું તે પહેલાં જમીન ફળદ્રુપ ન હતી? આપણી ભૂમિને રસાયણોની ક્યારેય જરૃર જ ન હતી. ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપવા માટે લાવવામાં આવેલી શિક્ષણવ્યવસ્થા અને યુનિવર્સિટીઓ પણ તેના માટે જ કામ કરવા લાગી હતી. કેમ કે, જે લોકો આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યા હતા તેમણે ક્યારેય ખેતી નથી કરી કે ક્યારેય માટીમાં હાથ પણ નથી અડાડ્યો અને ન તો તેમણે ક્યારેય એક વૃક્ષ વાવ્યું છે. કરોડો વર્ષાેથી જે વાતોની આપણને જરૃરિયાત જ ન હતી તેવી વસ્તુઓનું કારખાનાઓમાં મશીનો અને રાસાયણિક પ્રક્રિયાના માધ્યમથી ઉત્પાદન કરવામાં આવ્યું છે. તેને પ્રગતિ અને વિકાસનું નામ આપવામાં આવ્યું અને આવી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરનારા લોકોને મૉડર્ન કહેવામાં આવ્યા. શહેરોમાં રહેનારા લોકો એક જીવનશૈલી સાથે જીવે છે, પરંતુ જીવન નથી જીવતા. કેમ કે, આપણને જીવતા રાખે છે માટી. તેમાં ઊગતું અનાજ, પાણી અને હવા આપણને જીવતા રાખે છે. માટે જ હું કહું છું કે, હવે વધારે આધુનિકીકરણની કોઈ જ જરૃર નથી. આપણી પાસે જે જ્ઞાન છે તે પૂરતું છે.

આટલા જ્ઞાન સાથે આપણે અમુક વર્ષાે જીવી શકીએ છીએ. હવે જો તેને વધુ પ્રોત્સાહન આપીશું તો આપણા બધાંનો નાશ થઈ જશે. આજે હું દાવા સાથે કહું છું કે, આના પછી હવે જેટલી પણ ચૂંટણીઓ થશે એ દરેક ચૂંટણી નેતાઓ પાણીના મુદ્દે જ લડશે એટલી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે. આથી જ હું બૂમો પાડી-પાડીને કહું છું કે હવે જ્ઞાનનો અંત લાવો. કોપરનિક્સ બ્રુનો અને ગેલેલિઓ જેવા વિજ્ઞાનીઓની આજે જરૃર છે. આજના વિજ્ઞાનીઓ પૃથ્વીના વિનાશનું નિમિત્ત બની રહ્યા છે. તેઓ જ્યારે એક પ્રોજેક્ટ લાવે છે ત્યારે આપણે બધાંએ આપણી સંપૂર્ણ તાકાત લગાવીને તેનો વિરોધ કરતાં કહેવું પડે છે કે આ ખોટું છે. જેમ કે, કોંકણમાં જૈતાપુર-માડબનના નાણાર રિફાઇનરી પ્રોજેક્ટને હટાવવા માટે અમારે ખૂબ તાકાત લગાવવી પડી હતી. ૩ મે, ૨૦૧૯ના રોજ ઇંગ્લેન્ડની સંસદે પર્યાવરણ કટોકટી જાહેર કરવી પડી, કારણ કે પાછલા વર્ષે ગરમીમાં રેકોર્ડબ્રેક મહત્તમ તાપમાન ૪૫થી ૪૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. ત્યાંના બધા વિદ્યાર્થીઓએ આ વાતને લઈને પોતાની નારાજગી દર્શાવી, પરંતુ આપણા દેશના વિદ્યાર્થીઓને વિકાસના નામે એક રીતે મૂંગા બનાવી દેવામાં આવ્યા છે. તેઓ નરી આંખે પણ પરિસ્થિતિઓને સમજવામાં હજુ પણ અસમર્થ છે.
———————

Leave A Reply

Your email address will not be published.

Translate »