તમારા માટે, તમારી સાથે, સતત…

મસૂદ વૈશ્વિક ત્રાસવાદી ભારતની ભાવિ વ્યૂહરચના

મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાની ઘટના એ ભારતની સિદ્ધિ અને ભારતની મુત્સદ્દીગીરીનો વિજય છે.

0 140

કવર સ્ટોરી – તરુણ દત્તાણી

ભારત માટે પહેલી મેના દિવસની પહેચાન આ વર્ષથી બદલાઈ ચૂકી છે. એ દિવસે મસૂદને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં એક ત્રાસવાદી તરીકે સામેલ કરવામાં આવ્યો. ૨૭ માર્ચે અમેરિકાએ અઝહર વિરુદ્ધ સુરક્ષા પરિષદમાં સીધો જ ઠરાવ રજૂ કરી દીધો. અગાઉ ચીનના વીટોથી ચર્ચા પહેલાં જ ઠરાવ ઉડી જતો હતો. આ વખતે એવું થયું નહીં.

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ દ્વારા પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવાની ઘટના એ ભારતની સિદ્ધિ અને ભારતની મુત્સદ્દીગીરીનો વિજય છે. એ વાતનો ઇનકાર કરનારા, તેને સામાન્ય ઘટના ગણાવનારા, આ ઘટનામાં છીદ્રો શોધનારા અને વૈશ્વિક ત્રાસવાદી જાહેર થવાથી ભારતને શું ફાયદો – એવો પ્રશ્ન કરનારા તમામ લોકો શાહમૃગવૃત્તિમાં જીવનારા લોકો છે. તેઓ રેતીમાં માથું ઘાલીને આવી રહેલી આંધીનો ઇનકાર કરનારી જમાતમાં બિરાજે છે. તેઓ આત્મવંચનામાં રાચનારા અને બીજા લોકોને પણ એ દિશામાં દોરી જવાનો પ્રયાસ કરનારા લોકો છે. તેમને મહાજ્ઞાની કે પૂર્ણ જ્ઞાની માનવાની ભૂલ કરવા જેવી નથી. તેઓ વિચિત્ર મનોગ્રંથિથી પીડાતા લોકો છે. તેઓ એવા કૂપમંડૂક છે જેમને કૂવામાંથી બહાર નીકળવું જ નથી. તેમના ચશ્માથી દેશ અને દુનિયાને જોવામાં આવે તો તેઓ બધી કાળી બાજુ જ દેખાડવાનો પ્રયાસ કરશે.

વાસ્તવમાં ભારત માટે પહેલી મેના દિવસની પહેચાન આ વર્ષથી બદલાઈ ચૂકી છે. એ દિવસે મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં એક ત્રાસવાદી તરીકે સામેલ કરવામાં આવ્યો. કહેવા ખાતર એવું કહેવામાં આવે છે કે મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવા માટે ભારતે સૌ પ્રથમ ૨૦૦૯માં મુંબઈના ત્રાસવાદી હુમલા પછી સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેને ચીને વીટો વાપરીને ઉડાવી દીધો હતો. એ પછી મનમોહનસિંહની સરકારના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન એ વિશે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ જ હિલચાલ કરવામાં આવી નહીં. કારણ? કારણ એ જ કે ચીનના અડગ વલણ અને આડોડાઈ સામે એ વખતની સરકારની ફરી દરખાસ્ત રજૂ કરવાની હિંમત જ ચાલી નહીં. ૨૦૧૬માં પઠાણકોટમાં ત્રાસવાદી હુમલા પછી ભારતે ફરી પ્રસ્તાવ આપ્યો – પણ ચીને જીદ છોડી નહીં. એ પછી ઉરી હુમલા પછી ૨૦૧૭માં ફરી એ પ્રસ્તાવ રજૂ કરાયો.

ચોથી વખત પુલવામા હુમલા પછી આવો ઠરાવ રજૂ કરાયો. દરેક વખતે ચીને વીટો પાવરનો ઉપયોગ કર્યો, પરંતુ દરેક વખતે વિશ્વ બિરાદરીની ટીકાનો ભોગ ચીન બનતું રહ્યું અને ચોથી વખત ઠરાવ ઉડી ગયા પછી તો સ્વયં અમેરિકાએ અને સાથોસાથ સંયુક્ત રાષ્ટ્રએ પણ ચેતવણી ઉચ્ચારી. આ બધા સમય દરમિયાન ચીન સહિતના દેશો સાથે ભારતની વાતચીત ચાલતી રહી હતી. છેલ્લે ૧૩મી માર્ચે ચીનના વીટો સાથે સુરક્ષા પરિષદમાં ઠરાવ પડી ગયો એ પછી સુરક્ષા પરિષદમાં વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતા રાજદ્વારીઓએ જે ઉગ્ર પ્રત્યાઘાત આપ્યા તેનો સંકેત એ હતો કે વિશ્વ જનમત ચીનની વિરુદ્ધ છે. એ પછીના થોડા જ દિવસોમાં ૨૭ માર્ચે અમેરિકાએ અઝહર વિરુદ્ધ સુરક્ષા પરિષદમાં સીધો જ ઠરાવ રજૂ કરી દીધો.

Related Posts
1 of 262

અગાઉ ચીનના વીટોથી ચર્ચા પહેલાં જ ઠરાવ ઉડી જતો હતો. આ વખતે એવું થયું નહીં. અમેરિકાના વિદેશ પ્રધાને ચીન પર આકરા પ્રહારો કર્યા. ચીને શરૃઆતમાં અમેરિકાનાં આવાં પગલાંનો વિરોધ કર્યો, પરંતુ પછી વિશ્વ બિરાદરીમાં એકલા પડી જવાનો પણ અહેસાસ થયો. યાદ રહે, પ્રતિબંધ સમિતિ જે ૧૨૬૭ સમિતિ તરીકે પણ ઓળખાય છે તેમાં ઠરાવ રજૂ થાય તેના દસ દિવસમાં સભ્ય દેશોએ પોતાની અસંમતિ દર્શાવતી પડે છે. તેમાં સર્વાસંમતિ જરૃરી છે. કોઈ એક દેશના વિરોધથી ઠરાવ રદ થાય છે. ૧૩ માર્ચનો ઠરાવ ચીનના વિરોધથી ઉડી ગયો હતો, પરંતુ અમેરિકાના ઠરાવમાં વિરોધ દર્શાવવા માટે કોઈ સમયાવધિની જોગવાઈ ન હતી, સભ્ય દેશો તેના પર ચર્ચા કરે અને એ પછી મતદાનની તારીખ અને સમય નક્કી થાય.

ચીને અમેરિકાના આ પ્રકારના ઠરાવને બળજબરી ગણાવી હતી. ચીન ગમે તે કહે, પરંતુ અમેરિકા ચીન સામે સંયુક્ત રાષ્ટ્રમાં આ રીતે બાથ ભિડવા તૈયાર થઈ ગયું. એ ભારતીય મુત્સદ્દીગીરીની સફળતા ન ગણાય? જે આતંકવાદી ભારત માટે વૉન્ટેડ છે તેને માટે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન આટલા આક્રમક કેવી રીતે બન્યા? અમેરિકાએ ચીનના વીટો પછી સુરક્ષા પરિષદના બીજા નિયમ અંતર્ગત સીધો ઠરાવ રજૂ કરવાનું અભૂતપૂર્વ પગલું શા માટે ઉઠાવ્યું? આ બાબતનો વિચાર કોઈ કરતું નથી. ભારતની વિદેશ નીતિ સામે પ્રશ્નો ખડા કરવા અને ભારતની મુત્સદ્દીગીરીની સફળતાને રાજકીય ચશ્માથી નિહાળવાનું માત્ર ભારતમાં જ શક્ય છે. ત્રાસવાદ પર અંકુશ માટેના ભારતના પ્રયાસોને અમેરિકા, ફ્રાન્સ, બ્રિટનનું ખુલ્લું સમર્થન મળેલું છે. પડદા પાછળની રાજદ્વારી હિલચાલથી ચીનને ખ્યાલ આાવી ગયો હતો કે હવે ચીનની વૈશ્વિક ઇમેજ ત્રાસવાદને સંરક્ષણ આપનાર વૈશ્વિક મહાશક્તિ તરીકેની બનવા જઈ રહી છે જે ચીનના ભાવિ માટે યોગ્ય નહીં હોય.

અને ચીને ઠરાવ સામેના તેના બધા વાંધાવિરોધ પડતા મુક્યા. ઠરાવની ભાષામાં ચીનના સંતોષ ખાતર શાબ્દિક ફેરફાર કરાયો  એ વાત મહત્ત્વની નથી. જેમના વિચારનો પનો ટૂંકો છે એ લોકો એવું પણ વિચારે છે કે મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરવામાં આવ્યો તેનાથી ભારતને શું ફરક પડવાનો? શું ભારતમાં ત્રાસવાદી હુમલા બંધ થવાના? એ વાતને ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કેમ કે ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદી હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતા હાફીઝ સઇદનું નામ વૈશ્વિક ત્રાસવાદીની યાદીમાં સામેલ હોવા છતાં પાકિસ્તાનમાં તેણે ખુલ્લેઆમ તેની પ્રવૃત્તિ ચાલુ રાખી છે. આ તથ્યને આપણે સ્વીકારવું જોઈએ, પરંતુ હાફીઝ સઇદ સાથે સંલગ્ન બીજી એક વાતની નોંધ લેવી જોઈએ.

મસૂદ અઝહર અને હાફીઝ સઇદ- આ બંને ઘટના વચ્ચે મોટો તફાવત એ છે કે હાફીઝ સઇદને કાશ્મીર સાથે કાંઈ લેવાદેવા ન હતી. જ્યારે મસૂદ અઝહર સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધ યાદીમાં પ્રથમ એવો ત્રાસવાદી છે જેની ઓળખ કાશ્મીરની ત્રાસવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. મતલબ, એ વાત હવે સ્પષ્ટ થઈ ચૂકી છે કે વિશ્વ ભારતની એ વાતને સ્વીકારે છે કે કાશ્મીર મુદ્દા સાથે ત્રાસવાદની સમસ્યા સંકળાયેલી છે, પરંતુ કેટલાક લોકો ધરાર એવું મનાવવા પ્રયત્ન કરે છે કે તેને કારણે કાશ્મીરનો મુદૃો આંતરરાષ્ટ્રીય બની ગયો અથવા બની જશે એવું નથી. કાશ્મીરમાં જે કાંઈ સમસ્યા છે એ પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદની છે એ જ ફલિત થયું છે. ભારતમાં અસંખ્ય ત્રાસવાદી હુમલાની ઘટનાઓમાં મસૂદના ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું નામ આવતું હતું. હવે તેના તમામ આર્થિક વ્યવહારો અને હિલચાલ પર નિયંત્રણો આવી જતાં ભારતમાં લાખો રૃપિયાના વિસ્ફોટક પદાર્થ આરડીએક્સને મોકલવાનું તેને માટે મુશ્કેલ બનવાનું છે. ભારતમાં શાંતિની ઝંખના રાખનારાઓ માટે એ મોટી વાત છે.

વાત ચીનની કરવામાં આવે તો ચીન આજની તારીખમાં ભારતનું સૌથી મોટું બિઝનેસ પાર્ટનર છે. ચીન માટે ભારતીય હિતોની લાંબા સમય સુધી ઉપેક્ષા કરવાનું શક્ય ન હતું. ચીન હવે થોડું દબાણ હેઠળ આવ્યું છે ત્યારે ભારતે શું કરવું જોઈએ એ વિશે રાજદ્વારી નિષ્ણાતો કેટલાંક સૂચનો કરે છે. ચીનની મહત્ત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (બીઆરઆઈ) છે. વિશ્વના અનેક દેશો આ યોજના સામે શંકાની નજરે જુએ છે. ચીન આ પ્રોજક્ટમાં ભારતનું સમર્થન ઇચ્છે છે, પણ ભારતે આજ સુધી તેની ઉપેક્ષા કરી છે અને તેની એક પણ બેઠકમાં ભારતે હાજરી આપી નથી. કેટલાક એવી શંકા વ્યક્ત કરે છે કે ભારત ચીનના આ પ્રોજક્ટમાં સામેલ થાય એવી શરતે મસૂદના મામલામાં ચીન બાંધછોડ કરવા તૈયાર થયું.

આવી કોઈ શરત હોય કે ના હોય, ચીન સાથેના સંબંધોને નવો આયામ બક્ષવાના પ્રયાસ રૃપે ભારતે રાષ્ટ્રીય હિતોને લક્ષમાં રાખીને બીઆરઆઈની જે યોજનામાં સામેલ થઈ શકાય તેમ હોય તેમાં આગળ વધવું જોઈએ. આગામી દિવસોમાં ભારતમાં વુહાનની બેઠક યોજાવાની છે. એ બેઠક સફળ બને એ જરૃરી છે. આ ઉપરાંત દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રિકામાં જે પ્રોજેક્ટમાં ચીનને સાથે લઈને આગળ વધી શકાય તેમ હોય તે બાબતમાં વિચારણા થવી જોઈએ. એ જ રીતે અમેરિકા વિશે પણ ભારતે નવી દૃષ્ટિએ વિચારવું પડે તેમ છે. એક વાત એવી છે કે ઈરાન પાસેથી ઓઇલ ન ખરીદવાની શરતે અમેરિકાએ ભારતને સમર્થન આપ્યું છે. જો આવું હોય તો ભારતે હવે આવા દબાણને દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સુધી ઈરાનના ભાવે ભારતને બીજેથી ઓઇલ ન મળે ત્યાં સુધી ભારત ઈરાન પાસેથી ખરીદી ચાલુ રાખે એ માટે અમેરિકાને સમજાવી શકાય. મસૂદ અઝહરના એક મામલા સાથે જોડાયેલા આવા પેચમાં ભારતે હવે વ્યૂહાત્મક રીતે આગળ વધવું પડશે એ નિશ્ચિત છે.
———————————

Leave A Reply

Your email address will not be published.

Translate »