તમારા માટે, તમારી સાથે, સતત…

હવે તુવેરમાં તરકટ…!

હલકી ગુણવત્તાના માલની મિલાવટ

0 187
  • સાંપ્રત – દેવેન્દ્ર જાની

સોૈરાષ્ટ્રમાં મગફળી કોૈભાંડના પડઘા હજુ શમ્યા નથી ત્યાં તુવેર ખરીદીનું એક નવું તરકટ બહાર આવ્યું છે. કેશોદ માર્કેટ યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે થયેલી ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનંુ સામે આવ્યું, તે જ બતાવે છે કે મગફળી કાંડ બાદ પણ સરકારે કોઈ બોધપાઠ લીધો નથી.

રાજકીય આગેવાનો અને અધિકારીઓ હજુ તો ચૂંટણી પૂરી થઈ તેનો હાશકારો અનુભવે ત્યાં તો સૌરાષ્ટ્રમાં તુવેર કાંડનો એક નવો મુદ્દો ચર્ચામાં આવી ગયો. તુવેર કૌભાંડ પણ મગફળી કૌભાંડ જેવી જ મોડસ ઓપરેન્ડીથી ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. ચૂંટણીનો થાક ઊતરે તે પહેલાં તો જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ આ મામલે દોડતા થઈ ગયા છે. આ કૌભાંડથી સરકાર ટેકાના ભાવે જે ખેડૂતોની જણસ ખરીદે છે તે સિસ્ટમ સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

લોકસભાની ચૂંટણી પૂરી થઈ તેના બીજા જ દિવસે તા. ર૪ એપ્રિલે કેશોદ યાર્ડમાં ખેડૂત હિત રક્ષક સમિતિ અને કિસાન સેલની એક ટીમે કેશોદ માર્કેટ યાર્ડમાં પહોંચીને જનતા રેડ કરી હતી. આ ટીમે તુવેરની ટેકાના ભાવે ખરીદ કરેલો જે માલનો જથ્થો હતો તેનું ચેકિંગ કરતા આ માલમાં હલકી ગુણવત્તાના માલની મિલાવટ થયાનું જણાયંુ હતું. મગફળીની જેમ તુવેરના માલમાં ગોલમાલ થઈ હોવાનંુ પુરવઠા નિગમના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સુધી આ મામલે રજૂઆતો કરતા આ તુવેર કાંડનો મામલો બહાર આવ્યો હતો. ખેડૂત હિત રક્ષક સમિતિના અગ્રણી પાલભાઈ આંબલિયા, ભરતભાઈ લાડાણી સહિતના કાર્યકરોની ટીમે જાતે કેશોદ યાર્ડમાં જઈને ચેકિંગ કર્યું ત્યારે ૩ર૪૧ કટ્ટા (ગૂણી) તુવેરનો જથ્થો પડ્યો હતો. આ જથ્થામાંથી મોટા ભાગના માલમાં મિલાવટ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રના કૃષિ વિભાગ દ્વારા દરેક કૃષિ જણસના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા હોય છે અને તેના માટે એક નિષ્ણાતોની ટીમ હોય છે. જ્યારે દેશના કોઈ ભાગમાં ટેકાના ભાવ કરતાં કોઈ જણસના ભાવ નીચા જાય તો કેન્દ્ર સરકાર નાફેડના માધ્યમથી ખરીદી કરાવીને ખેડૂતોને ભાવ ફેરમાં જે નુકસાન જાય તે અટકાવવા કોશિશ કરે છે. હવે નાફેડ જે-તે રાજ્યમાંથી ખરીદી કરવાની હોય તે રાજ્યની સરકાર સાથે આ મુદ્દે પરામર્શ કરે છે અને રાજ્ય સરકાર જે સૂચવે તે એજન્સીને નોડલ એજન્સી તરીકે નક્કી કરીને ટેકાના ભાવની ખરીદી શરૃ કરાવે છે. નાફેડ રાજ્ય સરકારના સહયોગથી દેશભરમાંથી ટેકાના ભાવે ખરીદી કરાવે છે. ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા નિગમ મારફત ટેકાના ભાવે ખરીદી થાય છે. આ નિગમ એક નોડલ એજન્સી તરીકે કામ કરે છે. માલ ખરીદ કરીને તેને ગોડાઉન ભાડે રાખીને માલને સાચવવા સહિતની કામગીરીની જવાબદારી નિગમની હોય છે.

સરકાર કઈ જણસની ટેકાના ભાવની ખરીદી ક્યારે શરૃ કરવામાં આવશે અને તેના કેટલા અને કયાં કયાં કેન્દ્રો છે તેની માહિતી ખેડૂતોને જાહેર માધ્યમો દ્વારા આપતી હોય છે. ગુજરાતમાં મોટા ભાગે માર્કેટ યાર્ડોમાં ખરીદ કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. ખેડૂતોને ટેકાના ભાવે માલ વેચવા માટેની સિસ્ટમ એવી છે કે આધાર કાર્ડ, સાત બાર – આઠ બારના ઉતારાની નકલો, બેન્ક પાસબુક જેવા ડોક્યુમેન્ટ કેન્દ્રોમાં અધિકારીઓને બતાવીને નામ નોંધણી કરાવવાની હોય છે. જ્યારે આ ખેડૂતનો માલ વેચવાનો વારો આવવાનો હોય ત્યારે અધિકારીઓ તે ખેડૂતને ફોન કે મેસેજ કરીને જાણ કરે છે. જેથી યાર્ડમાં લાંબો સમય ખેડૂતોને રોકાવું ન પડે. ગુણવત્તાની ચકાસણી કરીને ખેડૂતનો માલ સ્વીકારવામાં આવે એટલે ખેડૂતનંુ કામ પૂરું થઈ જાય છે. તેને બેન્ક ખાતામાં સીધી રકમ જમા થઈ જાય છે. એક વાર ખરીદી થઈ ગયા બાદ માલની જવાબદારી નિગમની થઈ જાય છે.

Related Posts
1 of 319

હવે કેવી રીતે ગેરરીતિ આચરવામાં આવી રહી છે તેની વાત કરીએ તો યાર્ડમાં ખરીદી કેન્દ્ર પર માલ ખરીદ થઈ જાય પછી જ્યાં આ જથ્થો રાખવામાં આવે છે ત્યાં ગૂણીઓના સીલ તોડીને નબળો માલ તેમાં ભેળસેળ કરી દેવામાં આવે છે અને ફરી ગૂણીઓ સીલ કરીને ગોડાઉનમાં મોકલી આપવામાં આવે છે. કેશોદ યાર્ડમાં જે કૌભાંડ બહાર આવ્યંુ તેમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી હોવાનું બહાર આવ્યું છે. તુવેરના કટ્ટામાં કસ્તર જેવો હલકી તુવેરનો ભુક્કો ભેળવી દેવાયો હોવાની આશંકા છે. ખુલ્લામાં એક મણ તુવેરનો ભાવ રૃ. ૯૦૦ની આસપાસ છે, જ્યારે ટેકાના ભાવ રૃ. ૧ હજારની આસપાસના છે. કેશોદ યાર્ડમાં ૧૪ એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી કરવામાં આવી હતી, પણ માલની ગૂણીઓ યાર્ડમાં થપ્પો કરીને રાખી દેવામાં આવી હતી. ખેડૂત હિત રક્ષક સમિતિનો આરોપ એવો છે કે કેશોદ યાર્ડમાંથી ૧૯ જેટલી ગાડીઓ માલ ભરીને ગોડાઉનમાં જતો રહ્યો, પણ છેલ્લે ત્રણેક ગાડી માલ રિજેક્ટ થયો ત્યારે ખબર પડી કે તુવેરની ખરીદીમાં ક્યાંક ગોલમાલ થઈ છે.

ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન અને કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલિયા કહે છે, ‘અમે કેશોદ માર્કેટમાં પહોંચીને નિગમના એમ.ડી. મનીષ ભારદ્વાજ સહિતના અધિકારીઓને આ હલકી ગુણવત્તાનો માલ બતાવીને કેવી રીતે ગેરરીતિ આચરાઈ છે તેની રજૂઆતો કરી હતી. અમારા મુખ્ય બે સવાલો છે કે તુવેરની ખરીદી પૂરી થઈ તેને ૧૧ દિવસ થઈ ગયા છતાં ૩ હજાર જેટલા કટ્ટાનો માલ ભેગો થઈ ગયો છતાં તેને ગોડાઉનમાં કેમ ન લઈ જવાયો? બીજું, એક વાર ખેડૂત પાસેથી માલ ખરીદી થયા બાદ ક્લિનિંગના નામે બે વખત સીલ તોડવાની મંજૂરી કોણે આપી? અમારી ઉગ્ર રજૂઆત બાદ નિગમે કારકુન કક્ષાના સાત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે, પણ ખરા કૌભાંડીઓ પકડાશે કે નહીં ?’

ગેરરીતિ આચરાઈ હોવાના એક મજબૂત પુરાવા રૃપ એક ઘટના એ બહાર આવી કે જેની સામે ગુનો નોંધાયો છે તે ભરત વઘાસિયાની વાડીમાંથી ૭૦૦ ગૂણી જેટલો માલ હલકી ગુણવત્તાનો ખેડૂત હિત રક્ષક સમિતિની ટીમે ઝડપી પાડ્યો હતો. આ જથ્થાની સાથે સીલ મારવામાં ઉપયોગમાં લેવાતા ટેગ મળી આવ્યા હતા. આ નબળો માલ અન્ય પ્રાંતમાંથી આવ્યો હોવાની શંકા છે. આવો માલ ૧પ૦ – ર૦૦નો મણ વેચાતો હોય છે. આવી મહત્ત્વની ચીજો કોઈની વાડીમાંથી ઝડપાય તે જ સરકારની કેવી લાપરવાહી છે તેની ચાડી ખાય છે. મગફળીનું કૌભાંડ બહાર આવ્યા બાદ સરકારે દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક વિજિલન્સની ટીમ બનાવી છે. આ ટીમની બેદરકારી પણ આ કિસ્સામાં બહાર આવી છે.

કેશોદ તુવેર કાંડના તાર વિસાવદર યાર્ડ સુધી પહોંચ્યા હતા. વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કેશોદ યાર્ડની જેમ વિસાવદર યાર્ડમાં જે તુવેરનો જથ્થો રાખવામાં આવ્યો છે તેમાં પણ ગેરરીતિ થઈ હોવાનો તેમણે આક્ષેપ કરી કલેક્ટરને રજૂઆત કરી હતી. તંત્રએ કેશોદની જેમ વિસાવદર યાર્ડના શંકાસ્પદ તુવેરના માલમાં ભેળસેળના મુદ્દે કોઈ કડક કાર્યવાહી ન કરતા રીબડિયા કાર્યકરો સાથે ધરણા પર બેસી ગયા હતા. ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ કલેક્ટરને એક પત્ર લખીને એવી રજૂઆત કરી હતી કે વિસાવદર યાર્ડમાં અમે જાતે અધિકારીઓને તુવેરના કટ્ટામાં કસ્તર અને ફોતરીની મિલાવટ બતાવી હતી છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી. જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં હજુ નથી આવ્યો, અધિકારીઓ કોના આદેશની રાહ જુએ છે? કોને છાવરાવામાં આવી રહ્યા છે? તેવા સવાલો કરાયા હતા.

કેશોદ યાર્ડમાં તુવેર કૌભાંડ બહાર આવ્યંુ તેના બીજા જ દિવસે રાજ્યના પુરવઠા પ્રધાન જયેશભાઈ રાદડિયાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેઓએ એમ કહ્યું હતું કે કેશોદ યાર્ડમાં જે તુવેરનો જથ્થો છે તે તમામ જથ્થામાં ભેળસેળ નથી થઈ. અમુક માલમાં શંકા છે તે જથ્થાને નિગમની ટીમ ચકાસણી કરશે. આ મામલાને સરકાર ગંભીરતાથી લઈ રહી છે જે કોઈ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે, કોઈને પણ છોડાશે નહીં. નિગમના એમ.ડી. કક્ષાના અધિકારી બીજા જ દિવસે કેશોદ યાર્ડની સ્થળ તપાસ માટે પહોંચી ગયા હતા.

આ આખું કૌભાંડ જે સમયે અને જે રીતે બહાર આવ્યું તેમાં કડક પગલાં લેવામાં સરકારને વિલંબ પોષાય તેમ ન હતો. ગુજરાત રાજ્ય અન્ન અને પુરવઠા નિગમના એમ.ડી. મનીષ ભારદ્વાજ તુવેર કૌભાંડ બહાર આવ્યા બાદ કેશોદ યાર્ડ ખાતે ધસી ગયા હતા. સ્થાનિક તંત્રના અધિકારીઓ, નિગમના સ્ટાફ, સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનો પાસેથી વિગતો મેળવી હતી. તેમને તુવેરમાં કંઈક કાળંુ થયાની આશંકા જતા ખરીદીની સાથે સંકળાયેલા હોય તેવા ગ્રેડર, કારકુન સહિત સાત લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા હતા અને તુવેરનો જે જથ્થો પડ્યો હતો તે સીલ કરી દીધો હતો. મનીષ ભારદ્વાજે ખેડૂત આગેવાનોને એવી હૈયાધારણ આપી હતી કે આ પ્રકરણમાં જનરલ મેનેજર અને ક્વૉલિટી કંટ્રોલ વિભાગના અધિકારીઓ તમામ પાસાંઓની તપાસ કરીને અહેવાલ આપશે તેના આધારે કડક પગલાં લેવાશે.
—————————-

Leave A Reply

Your email address will not be published.

Translate »