તમારા માટે, તમારી સાથે, સતત…

પૂર્વ ડીઆરડીઓ ચીફ જવાબ આપે છે…

ઉપગ્રહોને તોડી પાડતી ઍન્ટિ-સેટેલાઇટ ટૅક્નોલોજીનું ભારતે સફળ પરીક્ષણ કર્યું છે

0 182
  • કવર સ્ટોરી – હિંમત કાતરિયા

ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણની જાહેરાત વૈજ્ઞાનિકોએ નહીં, પણ ખુદ વડાપ્રધાને કેમ કરી? ચૂંટણીમાં લાભ ખાટવા પરીક્ષણ માટે અત્યારનો સમય પસંદ કર્યો? ૨૦૧૨માં ભારત આ પરીક્ષણ કરી શકે તેમ હતું તો તે કેમ ન થયું, ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલના પ્રોગ્રામમાં આગળ વધવામાં યુપીએ સરકારને શેની બીક હતી? એન્ટિ-સેટેલાઇટ મિસાઇલની ઉપલબ્ધિ વૈજ્ઞાનિક રીતે અને ટૅક્નોલોજીની રીતે મોટી ઉપલબ્ધિ કેમ ગણાય? સ્પેસ વૉરના અન્ય ત્રણ મહારથીઓ અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે આપણું સ્થાન ક્યાં છે? આ પ્રશ્નોના જવાબ મળે છે યુપીએ સરકારના વખતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ના વડા વી.કે. સારસ્વત પાસેથી.

નીચલી ભ્રમણકક્ષા એટલે કે લો-અર્થ ઓર્બિટ જેને ટૂંકમાં લિયો કહેવામાં આવે છે ત્યાં તરતા ઉપગ્રહોને તોડી પાડતી ઍન્ટિ-સેટેલાઇટ ટૅક્નોલોજીનું ભારતે સફળ પરીક્ષણ કર્યું છે એવી જાહેરાત ગત અઠવાડિયે ખુદ વડાપ્રધાને કરી હતી. આવી ઉપલબ્ધિઓની જાહેરાત નરેન્દ્ર મોદી સિવાયના કોઈ વડાપ્રધાને સ્વયં કરી નથી. શું આ ઉપલબ્ધિ એવડી મોટી ગણાય કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) કે ઇસરોના વડાને બદલે વડાપ્રધાને કરવી પડે? આ ટીકા વાજબી છે કે નહીં તે વિશે વાત કરતા ડીઆરડીઓના પૂર્વ વડા વિજય સારસ્વત કહે છે કે આ વાહિયાત ટીકા છે. આ મિશનને લાગેવળગે ત્યાં સુધી તે સ્પષ્ટપણે આપણા વડાપ્રધાનના વિઝન, ડાયનેમિઝનથી દોરવાયું છે. જો તેમની નિર્ણય લેવાની કે માર્ગદર્શનની પ્રક્રિયા ન થઈ હોત તો આ મિશન પૂર્ણ ન થયંુ હોત. ભારત પાસે ૨૦૧૨-૧૩માં ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કરવાની ક્ષમતા હતી, પરંતુ અમને રાજકીય મંજૂરી નહોતી મળી. યુપીએ સરકારે ડરની માનસિકતાને લીધે ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ પ્રોગ્રામમાં આગળ વધવાની અમને મંજૂરી નહોતી આપી. ચૂંટણીઓ નજીક આવી એટલે ઉપલબ્ધિને મતોમાં તબદીલ કરવા વડાપ્રધાને ડીઆરડીઓ પાસે આ પરીક્ષણ કરાવ્યું? પ્રશ્નના જવાબમાં ડૉ. સારસ્વતનું કહેવું છે કે કયા સમયે પરીક્ષણ કરવું તે વડાપ્રધાનના હાથમાં હોતું નથી, ડીઆરડીઓના વૈજ્ઞાનિકોના હાથમાં હોય છે. ડીઆરડીઓ કોઈ પણ પ્રોજેક્ટ ઉપર મિશન મોડમાં કામ કરતી સંસ્થા છે. તબક્કાવાર કામગીરીની ટાઇમલાઇન નક્કી થાય છે. પરીક્ષણોની સંખ્યા અને તેનો સમય નક્કી થાય છે અને જ્યારે અનુકૂળ સમય આવે ત્યારે આખરી પરીક્ષણ થાય છે. મેં આ જ રીતે ૩૦ વર્ષ કામ કર્યું. મેં ક્યારેય કોઈ પરીક્ષણ માટે વડાપ્રધાન કે સરકારમાં કોઈ અન્ય તરફથી તારીખની અપેક્ષા રાખી નથી. જ્યારે વૈજ્ઞાનિકો તૈયાર હોય ત્યારે માત્ર સરકારને જાણ કરવામાં આવે છે કે અમે લોન્ચ માટે તૈયાર છીએ અને લોન્ચિંગ કરી દેવામાં આવે છે. એટલે આ પરીક્ષણને ચૂંટણીની તારીખો સાથે સાંકળવું યોગ્ય નથી અને એ જ રીતે વડાપ્રધાન દ્વારા જાહેરાતને ચૂંટણીમાં લાભ લેવા સાથે જોડવી એ પણ યોગ્ય નથી.

યુપીએ સરકારે તમને એન્ટિ-સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ સાથે આગળ વધવાની મંજૂરી કેમ ન આપી? પ્રશ્નના જવાબમાં ડૉ.સારસ્વતનું કહેવું છે કે આપણે આવાં પરીક્ષણો કરીએ છીએ ત્યારે તેમ કરતાં પહેલાં તેની વૈશ્વિક અસરોનો અંદાજ મેળવવો પડે છે. કદાચ તે વખતે સરકાર તેની વૈશ્વિક અસરોને લઈને અસમંજસમાં હશે, કદાચ તેમના માનસમાં કોઈ ભય પ્રવર્તતો હશે એવું મારું માનવું છે. આમ ન પણ હોય, પરંતુ મારું આવું માનવું છે. એ સિવાયનું મંજૂરી નહીં આપવાનું કોઈ કારણ હોય એમ મને નથી લાગતું. ડૉ. સારસ્વત જે પરીક્ષણની વાત કરે છે તે ૨૦૧૨ના વર્ષના ચાર વર્ષ પહેલાં ચીને આવું પરીક્ષણ કર્યું હતું ત્યારે એ જરૃરી હતું કે આપણે પણ દુનિયાને બતાવીએ કે આપણી પાસે પણ આવી ક્ષમતા છે. જોકે તે સમયે આપણી પાસે અગ્નિ મિસાઇલ પણ નહોતી અને આપણી પાસે ઍન્ટિ-બેલેસ્ટિક મિસાઇલ ટૅક્નોલોજી પણ નહોતી. ડૉ. સારસ્વતના સમયગાળામાં આ બંને ઉપલબ્ધિઓ ભારતે મેળવી હતી એટલે ડૉ. સારસ્વત ઇચ્છતા હતા કે ભારત પોતાની ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલની ક્ષમતાનો પણ વિશ્વને પરિચય આપે. તે સમયે નેશનલ સિક્યૉરિટી ઍડવાઇઝર અને સંલગ્ન મંત્રાલય સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સ્પષ્ટ પ્રતિભાવ મળ્યો નહીં. વર્તમાન વડાપ્રધાન ડીઆરડીઓને મિશન સાથે આગળ વધવામાં ક્લિયરન્સ આપે છે તેવી હિંમતનો યુપીએ શાસનમાં અભાવ હતો એમ ડૉ. સારસ્વતનું કહેવું છે.

Related Posts
1 of 319

આ આપણી ક્ષમતા માટે મોટી ઉપલબ્ધિ વૈજ્ઞાનિક રીતે અને ટૅક્નોલોજીની રીતે મોટી ઉપલબ્ધિ કેમ ગણાય? સારસ્વત કહે છે કે, આ મોટી ઉપલબ્ધિ એટલા માટે ગણાય કેમ કે લો-અર્થ સેટેલાઇટ ૩૦૦ કિલોમીટરની ઊંચાઈએ પ્રતિ સેકન્ડ ૭૦૦૦-૮૦૦૦ મીટરની ઝડપે ફરે છે. આવા પદાર્થને જમીન પરથી ૧ મિલી સેકન્ડ કરતાં ઓછા સમયમાં આંતરવા એ ટૅક્નોલોજીની દૃષ્ટિએ બહુ મોટી ઉપલબ્ધિ છે અને આજે ભારતના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે આ ઉપલબ્ધિથી આપણી અવકાશી યુદ્ધમાં મારક ક્ષમતા ઘણી વધી ગઈ છે. ભારત અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગમાં જ માને છે, પરંતુ આપણી પાસેની આ સંહારક ક્ષમતા આપણા દુશ્મનોમાં ફડકો પેસાડશે અને તેમને સતત ભયના ઓથાર હેઠળ લાવશે. આ અવકાશી શક્તિના નિદર્શનથી આંતર-ખંડિય બેલેસ્ટિક મિસાઇલ તરફ ડગ ભરી શકાશે.

જ્યારે મેં આ પ્રસ્તાવ મુક્યો ત્યારે એવું કહેવાયું હતું કે આપણે એવી ક્ષમતાનું નિદર્શન કરવાની જરૃર નથી, તેના વૈશ્વિક પડઘાઓ ખરાબ પડશે. તમને મનમોહન સરકાર પાસેથી કયા સહકારની અપેક્ષા હતી જે તમને ન મળ્યો? પ્રશ્નના જવાબમાં ડૉ. સારસ્વત કહે છે કે અમે અગ્નિ-૫ મિસાઇલનું પરીક્ષણ કર્યું ત્યારે સરકાર તરફથી ક્લિયરન્સ મળ્યંુ હતું કે આપણી પાસે લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ હોવી જોઈએ. એ પરીક્ષણની સંભવિત અસરો ઉપર સરકારની નજર હતી અને સરકારે અમને ક્લિયરન્સ આપ્યું. ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલમાં પણ અમારે આવા ક્લિયરન્સની જરૃર પડે. અમે મંત્રી અને નેશનલ સિક્યૉરિટી ઍડવાઇઝર સામે પ્રેઝન્ટેશન આપ્યું અને માગણી મુકી કે અમને આ મિસાઇલના પરીક્ષણ માટે ક્લિયરન્સ આપવામાં આવે અને જરૃરી સંસાધનો પુરા પાડવામાં આવે. કમનસીબે યોગ્ય પ્રતિભાવ ન મળ્યો અને અમે આ પ્રોજેક્ટને આગળ ન વધારી શક્યા. આ પ્રકારના પરીક્ષણ માટે ભારે રાજકીય ઇચ્છાશક્તિની જરૃર પડે છે જેનો મનમોહન સરકારમાં અભાવ હતો. ૧૯૯૮માં ન્યુક્લિયર પ્રયોગ વખતે પણ રાજકીય દ્રઢતા જરૃરી હતી. વર્તમાન વડાપ્રધાન અને એનએસએ અજીત ડોવાલને આવી ક્ષમતા પ્રાપ્ત કરવાની આવશ્યકતા જણાઈ અને તેમણે ક્લિયરન્સ આપ્યું.

ચીને ૨૦૦૭-૦૮માં ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું ત્યારે વિશ્વભરમાંથી ચીનનાં આ પગલાંની ટીકા થઈ હતી. કારણ વગરના આ નિદર્શનથી ચીને અવકાશી ભંગારમાં વધારો કર્યો એવા પ્રતિભાવો આવ્યા હતા. આવી ટીકાઓ ભારત વિરોધીઓ તરફ ભારત સામે કરવામાં આવે એવો ભય નથી? પ્રશ્નના જવાબમાં ડૉ. સારસ્વતનું કહેવું છે કે અહીં સૌ પહેલાં એ સ્પષ્ટતા જરૃરી છે કે દર વર્ષે દુનિયાભરના દેશો દ્વારા અવકાશમાં સેંકડો ઉપગ્રહો છોડવામાં આવે છે. દરેક ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાના પ્રયાસમાં ઘણો અવકાશી ભંગાર સર્જાય છે. ઉપગ્રહને તરતો મૂકતા ઉપકરણની પેનલ, નટ્સ અને બોલ્ટ્સ વગેરે. અત્યારે અવકાશમાં ભંગારની બહુ મોટી સમસ્યા છે અને આ સમસ્યા વિશે અવકાશના ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌ કોઈ ચિંતિત છે, ચર્ચાઓ કરી રહ્યા છે. આપણા ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલના પરીક્ષણથી અવકાશી ભંગારમાં ૨૦-૩૦ વસ્તુઓનો વધારો થયો છે, જે સમુદ્રમાં ટીપું પડવા સમાન ગણાય. એટલે આવી પ્રવૃત્તિને લઈને કોઈ દેશ રોકકળ ન કરે.

આપણા મિસાઇલે ૩૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં તરતા ઉપગ્રહને તોડી પાડ્યો. ચીનની કેટી-૧ મિસાઇલે ૭૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષામાં તરતા ઉપગ્રહને તોડી પાડ્યો હતો. આપણી ક્ષમતા ચીન, રશિયા અને અમેરિકાની સરખામણીએ ક્યાં સ્થાન પામે છે? પ્રશ્નના જવાબમાં ડૉ. સારસ્વતનું કહેવું છે કે આપણે અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કર્યું ત્યારે તે અલ્ટિટ્યૂડ ૮૦૦ કિલોમીટરની ઊંચાઈએ પહોંચી હતી. અગ્નિ-૨નું પરીક્ષણ કર્યું ત્યારે તેણે અલ્ટિટ્યૂડ ૨૦૦૦ કિલોમીટરની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી. એવી રીતે અત્યારની આપણી ક્ષમતા પ્રમાણે વાત કરીએ તો અલ્ટિટ્યૂડ ૨૦૦૦ કિલોમીટરે અને ૫૦૦૦ કિલોમીટરની રેન્જ સુધી જઈ શકે છે. આપણી પાસે પૂરતી ક્ષમતા છે તેથી એવું માનવું અસ્થાને છે કે આપણે ૭૦૦-૮૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષાના ઉપગ્રહને નિશાન નથી બનાવી શકતા. આપણો નક્કામો બની ગયેલો ઉપગ્રહ લો-અર્થ ઓર્બિટમાં હતો તેથી પરીક્ષણને આપણે ૩૦૦ કિલોમીટરની ભ્રમણકક્ષા પૂરતંુ મર્યાદિત કર્યું.

હવે પછીનું આગળનું પગલું આપણું કેવું હશે? અવકાશમાં આપણે ૧ મિલી સેકન્ડની ચોક્સાઈ સાથે પ્રહાર કરવાનું સામર્થ્ય મેળવી લીધું છે. હવે પછી આપણી પાસે જિઓ-સ્ટેશનરી ઓર્બિટ પર પરીક્ષણ કરવાનું બચ્યંુ છે. જે લગભગ અશક્ય છે. કેમ કે તેના માટે ૩૬૦૦૦ કિલોમીટરની ઊંચાઈએ જઈને પ્રહાર કરવો પડે. એ શક્ય જણાતું નથી, પણ હા, નિઓ અને લિયો ભ્રમણકક્ષામાં ઉપગ્રહોને તોડી પાડવાની ક્ષમતા આપણે મેળવી લીધી છે. આ સાથે આપણે આપણી તરફ આવતા આઈસીબીએમને આંતરવાની ક્ષમતા પણ મેળવી લીધી છે. આ ક્ષમતા આપણા પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનને નહીં, પરંતુ ચીનને લક્ષમાં રાખીને વિકસાવવામાં આવી છે. ઍન્ટિ-બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ બે ફેઝમાં વહેંચવામાં આવ્યો હતો. ફેઝ-૧ પૂર્ણ થઈ ગયો છે. ફેઝ-૧ પ્રોગ્રામમાં આપણે ૧૫૦૦થી ૨૦૦૦ કિલોમીટરના અંતરના બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો છે. ૫૦૦૦થી વધુ અંતરના બેલેસ્ટિક મિસાઇલને ડિફેન્સ કરવાનો પ્રોગ્રામ ફેઝ-૨માં છે અને આ પરીક્ષણ એ મિશનના મૂલ્યમાં ઉમેરો કરે છે.
—————————–.

Leave A Reply

Your email address will not be published.

Translate »