તમારા માટે, તમારી સાથે, સતત…

સત્યેન શાહની ડાયરી મેળવવામાં સફળતા મેળવતો અટલ

પહેરેલું સ્કર્ટ ઉતારી નાખ્યું. એ ટી-શર્ટ ઉતારવા જતી હતી. મેં એનો હાથ પકડ્યો

0 403

સત્ – અસત્ નવલકથા – પ્રકરણઃ 13

લે. સંગીતા-સુધીર

અટલ સાવિત્રીને મનાવવાનો પ્રયત્ન કરે છે કે તે સત્યેન શાહની ડાયરી તેને વાંચવા આપે. જોકે, સાવિત્રીને અટલની વાત પર વિશ્વાસ નથી બેસતો. અટલ સાવિત્રીને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરે છે કે તે સત્યેન શાહનો હિતેેચ્છુ છે અને સત્યેન શાહ સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે ખોટા છેે એમ સાબિત કરવા માગે છે. સાવિત્રીને સત્યેન શાહની વાત યાદ આવે છે કે અટલ વિશ્વસનીય પત્રકાર છે અને તે ક્યારેય જુઠ્ઠાણાનો સહારો નથી લેતો. આ વાત યાદ આવતાં સાવિત્રી અટલને સત્યેનની ડાયરી વાચવા આપવાની મંજૂરી આપે છે. જોકે, સામે પક્ષે તે શરત મૂકે છે કે અટલે એ ડાયરી સત્યેન શાહના લાઇબ્રેરી કમ સ્ટડી રૃમમાં બેસીને વાંચવી પડશેે અને એ ડાયરી વાંચતી વખતે અટલ તેમાં કોઈ પણ પ્રકારના ચેડાં નહીં કરે તેમજ સત્યેનનો જે કોઈ પણ રિપોર્ટ તૈયાર કરે તે પ્રકાશિત કરતાં પહેલાં સાવિત્રીને બતાવીને મંજૂરી લેશે. અટલ સાવિત્રીની શરતો સ્વીકારે છે. સાવિત્રી અટલને સત્યેન શાહની ડાયરી વાંચવા આપે છે.

અટલ ડાયરી વાંચવાની શરૃઆત કરે છે અને જેમ-જેમ એ પાનાં ઉથલાવતો જાય છે તેમ-તેમ નવા-નવા અને આશ્ચર્ય સાથે આઘાત પમાડે તેવાં તથ્યો તેની આંખ સામે ખૂલતાં જાય છે. અટલ આખો દિવસ લાઇબ્રેરીમાં બેસીને સત્યેન શાહની આખી ડાયરી વાંચી નાંખે છે, જે પાનાં જરૃરી જણાય તેના ફોટા પાડી લે છે. હવે આગળ અટલ શું કાર્યવાહી કરશે એવો પ્રશ્ન સાવિત્રી પૂછે છે, ત્યારે અટલ જવાબ આપે છે કે ડાયરીના આધારે હવે તે ઇન્વેસ્ટિગેશન શરૃ કરશે. સત્યેન શાહે જે વાતો લખી છે તે સાચી છે કે નહીં તે જાણવાનો પ્રયત્ન કરશે અને તેને આધારે એક રિપોર્ટ તૈયાર કરીને પ્રકાશિત કરશે. સાવિત્રીએ મૂકેલી શરત પ્રમાણે અટલ સાવિત્રીને રિપોર્ટ તૈયાર કર્યા બાદ તેને બતાવવાનું અને પછી પ્રકાશિત કરવાની વાતનો ઉલ્લેખ કરે છે. બીજી તરફ બરાબર આઠના ટકોરે પત્રકાર અચલા મધુરિમા બંગલામાં સાવિત્રીનો ઇન્ટરવ્યૂ લેવા પહોંચે છે. તે જ્યારે બંગલામાં પ્રવેશતી હોય છે, ત્યારે અટલ બંગલાની બહાર નીકળતો હોય છે. અટલને જોઈને અચલાને ઈર્ષ્યા થઈ આવે છે અને વિચારે છે કે તેની પહેલાં અટલે સાવિત્રીનો ઇન્ટરવ્યૂ કરી લીધો. અચલા અટલને રોકીને સાવિત્રીને મળવાનું કારણ અને અન્ય માહિતી કઢાવવાનો પ્રયત્ન કરે છે. જોકે, અટલ અચલાના પ્રશ્નોનો જવાબ આપ્યા વિના બંગલામાંથી રવાના થઈ જાય છે. અટલ જાગૃતિ જોષીને ફોન કરીને સત્યેન શાહ કેસમાં મદદ કરવા બોલાવે છે.

જાગૃતિ અટલનો ફોન આવવાથી ખુશ થઈ જાય છે અને પોતે જે ઇચ્છતી હતી એ સપનું સાકાર થયાની ખુશી ઉજવતા ઉજવતા ઊંઘી જાય છે. મધ્ય રાત્રિએ જાગૃતિને તેના એડિટરનો ફોન આવે છે. એક સગીરા પર આધેડ ઉદ્યોગપતિ દ્વારા બળાત્કાર થયાની ઘટનાનું રિપોર્ટિંગ કરવા પોલીસ સ્ટેશન જવાનો આદેશ આપવામાં આવે છે. શું બધા જ ઉદ્યોગપતિઓ જાતીય શોષણ કરતા હશે એવા વિચાર સાથે માહિતી મેળવવા જાગૃતિ પોલીસ સ્ટેશન પહોંચે છે.                

હવે આગળ વાંચો…

બુધવાર, તાઃ ૨૪ જૂન, ૧૯૭૦

‘આજે પ્રિન્સિપાલ વ્યાસે એસેમ્બ્લીમાં અમને બધાને અમે રોજેરોજ શું કરીએ છીએ એ એક ડાયરીમાં લખવાનું જણાવ્યું. મહાત્મા ગાંધી પણ રોજનીશી લખતા હતા. બાપુએ એમના જીવનમાં જે જે બન્યું એ બધું જ સાચેસાચું એમની ડાયરીમાં રોજેરોજ લખ્યું હતું. પછી ‘સત્યના પ્રયોગો’ એ શીર્ષક હેઠળ એમણે એમની ડાયરીની મદદ વડે આત્મકથા લખી. પ્રિન્સિપાલ વ્યાસે અમને બધાને રોજેરોજ બાપુની જેમ જ અમારા જીવનની વિગતો લખવાનું જણાવ્યું છે. આ વિચાર મને ખૂબ જ ગમ્યો છે. મેં નક્કી કર્યું છે કે આજથી હું રોજ આખા દિવસ દરમિયાન જે કંઈ પણ બન્યું હોય એ આ ડાયરીમાં ટપકાવીશ.

‘સાચેસાચું લખવું હોય તો સૌપ્રથમ શરૃઆત મારે મારાં ભાઈ અને બહેનોની નિંદાથી જ કરવી પડશે. એ ત્રણેય ભણતાં જ નથી. આખો દિવસ તોફાન, તોફાન અને બસ, તોફાન જ. મોટા ભાઈ તો પપ્પાના પાકીટમાંથી પૈસા પણ ચોરે છે. થોડા દિવસ પહેલાં મેં એને સિગારેટ પીતા પણ જોયો હતો. બાપ રે! એ સળગતી લાકડી મોઢામાં કેમ કરીને નખાય? અને ભાનુમતી ને જ્યોત્સ્ના બંને જુઠ્ઠું બોલવામાં એક્સ્પર્ટ છે. આજે બપોરના જીતેન્દ્રની નવી ફિલ્મ ‘હમજોલી’ જોવા ગયાં હતાં. પપ્પાને જુઠ્ઠું કહ્યું કે તેઓ એમની બહેનપણીના ઘરે જાય છે.

‘આમ જુઓ તો પપ્પા પણ ઘણીવાર જુઠ્ઠું બોલે છે. કોઈનો ફોન આવ્યો હોય તો મને કહે છે કે ‘કહી દે, હું ઘરમાં નથી.’ લોકો જુઠ્ઠું શા માટે બોલતાં હશે? મારા ક્લાસની પેલી લતાડી, એ પણ કેટલી જુઠ્ઠી છે! હોમવર્ક કર્યું ન હોય તોયે કર્યું છે એવું કહે છે. ટીચર જોવા માગે તો હોમવર્કની ચોપડી ઘરે ભૂલી ગઈ છું એવું જુઠ્ઠું બોલે છે. અમારો ડ્રાઇવર પણ જૂઠાબોલો જ છે. જ્યારે પણ એ ડ્યૂટી ઉપર મોડો આવે છે કે પપ્પાને ‘મારી વાઇફને સારું નહોતું’ એવું ખોટેખોટું કહે છે. અમારો મહારાજ શાકભાજી લેવા જાય છે ત્યારે પૈસાની ખૂબ જ તફડંચી કરે છે. સ્કૂલમાંથી અમને થોડા દિવસ પહેલાં ગ્રાન્ટ રોડ ઉપર આવેલ શાકભાજીની માર્કેટમાં લઈ ગયા હતા. સોશિયલ સાયન્સના વિષયમાં અમારે શાકભાજીની માર્કેટ ઉપર જાણકારી આપવાની હતી. ત્યારે મને ખબર પડી કે એક કિલો બટાટાનો ભાવ ચાર રૃપિયા છે, જ્યારે મહારાજ તો હિસાબમાં છ રૃપિયા લખે છે. બદમાશ છે. મહારાજ ચોરીલબાડી કરે છે…’

સત્યેન શાહ જ્યારે આઠમા ધોરણમાં હતા ત્યારથી એમણે રોજનીશી લખવાની શરૃઆત કરી હતી. એમની એ ડાયરીઓમાંની સૌપ્રથમ ડાયરીનું પહેલું પ્રકરણ જે અટલે એના મોબાઇલમાં ક્લિક કરી લીધું હતું એ જાગૃતિની વાટ જોતાં-જોતાં અટલે ફરી પાછું વાંચ્યું. બાર-તેર વર્ષની ઉંમરે સત્યેન શાહના વિચારો સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત થયા હતા. આટલું એક પાનું વાંચતાં જ એવું જણાઈ આવતું હતું કે લખનાર વ્યક્તિ સત્યવક્તા હતી અને એ જે જોતી હતી, અનુભવતી હતી, એને જે વિચારો આવતા હતા એ જ એ નિષ્ઠાપૂર્વક લખતી હતી. સત્યેનની અન્ય ડાયરીઓનાં પૃષ્ઠો વાંચતાં પણ અટલના મનમાં આવા જ પ્રત્યાઘાત પડ્યા હતા.

શનિવાર, તાઃ ૧૬ જાન્યુઆરી, ૧૯૯૩
મારે આ ડાયરી લખવાનું બંધ કરવું જોઈએ.

કાં તો એમાં જુઠાણાં લખવાં જોઈએ કાં તો સત્ય હકીકત લખવી ન જોઈએ.

આખી દુનિયા જુઠ્ઠી છે. તમે જો સત્યવાન હો, તમારે સત્ય જ આચરવું હોય તો પણ લોકો તમને સાચું કરવા નહીં દે.

કંપની સામે કરવામાં આવેલો દાવો સાવ ખોટો છે. તેમ છતાં કંપનીના સૉલિસિટર જોશીએ બચાવમાં મારી જે ઍફિડેવિટ ડ્રાફ્ટ કરી છે એમાં એમણે પણ જુઠાણાનો આશરો લીધો છે. એક સાવ ખોટેખોટી ઊપજાવી કાઢેલી વાત એમણે મારી ઍફિડેવિટમાં સામેલ કરી છે. મેં જ્યારે પ્રશ્ન કર્યો કે ‘આપણે આવું ખોટું શા માટે લખવું જોઈએ? શા માટે મારે સોગંદ ઉપર જુઠ્ઠું બોલવું જોઈએ?’

ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું, ‘મિસ્ટર સત્યેન શાહ, તમે આટલું મોટું એમ્પાયર કેમ ચલાવો છો એની જ મને સમજ નથી પડતી. સત્યવાદી બનો તો સફળ બિઝનેસમેન થઈ ન શકો. આ વાદીએ તમારી કંપની સામે કેટલા બધા ખોટા આક્ષેપો કર્યા છે. હવે તમે સીધેસીધા એ નકારો તો કોર્ટ એ માનશે નહીં. તમારી કંપની સામે કરવામાં આવેલા આક્ષેપો ખોટા પુરવાર કરવા માટે તમારે પણ જુઠ્ઠાણાનો આશ્રય લેવો પડશે, નહીં તો કેસ હારી જશો.’

બોલો, સત્ય પુરવાર કરવા માટે પણ અસત્યનો સહારો લેવાનો, પણ હું એ ખોટી ઍફિડેવિટ ઉપર સહી નહીં કરું. જોશીને કહી દઈશ કે કોઈ જુદો રસ્તો કાઢો, પણ મારી પાસે જુઠ્ઠું ન બોલાવો.

કાલે મારા જીવનમાં એક ખૂબ જ ઉલ્કાપાત મચી જાય એવી ઘટના બની છે.

મેં તો ખૂબ જ ના પાડી હતી આમ છતાં મને ‘મિસ ઇન્ડિયા સ્પર્ધા’ના નિર્ણાયકોની કમિટીમાં લેવામાં આવ્યો. એનું મુખ્ય કારણ તો મારી કંપનીએ એ સ્પર્ધાની સ્થાપના અને આયોજન માટે જે લખલૂટ ડોનેશન આપ્યું હતું એ જ છે. બાકી મને સ્ત્રીઓની સુંદરતા પારખતાં ક્યાં આવડે છે. એ જો આવડતી હોત તો લગ્નની પહેલી રાત્રિના હું સાવિત્રીની સુંદરતાનાં વખાણ ન કરત? આવી બાબતોમાં હું સાવ ડોબો જ છું. આમ છતાં મારા પૈસાનું જોર હતું એટલે મને મિસ ઇન્ડિયા બ્યુટી કૉન્ટેસ્ટની નિર્ણાયક કમિટીમાં સામેલ કરવામાં આવ્યો. એટલું જ નહીં, એ કમિટીના ચૅરમેન તરીકે પણ મારી નિમણૂક કરી.

આજે ગોવામાં એ સ્પર્ધાની ફાઇનલ હતી. ગઈકાલે સાંજના ડિનર સમયે સ્પર્ધામાં ભાગ લેનાર એક યુવતી મારી પાસે આવી અને ધીમેથી કોઈ સાંભળે નહીં એમ એણે મને કહ્યું ઃ

‘મિસ્ટર શાહ, મારે તમને એકાંતમાં મળવું છે.’

‘વ્હાય? શા માટે? જુઓ બહેન, હું સ્પર્ધાની કોઈ પણ યુવતીને આમ મળી ન શકું.’

મેં આવું જણાવ્યું. આમ છતાં ડિનર બાદ એ યુવતી મારા સ્યૂટમાં આવી પહોંચી. જોગાનુજોગ સ્યૂટનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. એ અંદર ક્યારે પ્રવેશી, પ્રવેશ્યા બાદ એણે મુખ્ય દરવાજો ક્યારે બંધ કર્યો એની મને ખબર જ ન પડી. મિસ ઇન્ડિયા થનાર યુવતીને હું જે મુગટ પહેરાવવાનો હતો એ લાલ માણેક અને બીજા રંગબેરંગી ચળકતા પથ્થરો અને બનાવટી હીરાઓ વડે જડેલ મુગટ સ્યૂટની વચ્ચે મૂકવામાં આવેલ ટેબલ ઉપર હતો. એ યુવતી જે આજે ફાઇનલમાં બીજી સાત સ્પર્ધકોની સાથે ચૂંટાઈ આવી છે એણે એ મુગટ પોતાના હાથે પહેરી લીધો અને પછી મને એકદમ ભેટી પડી. શું બન્યું એનો મને ખ્યાલ આવે એ પહેલાં તો એણે મને ચુંબનોથી નવડાવી દીધો. સાવિત્રી કોઈ દિવસ મને આવી રીતે ચુંબનોથી નવડાવતી નથી. એ જો મને આ રીતે ચુંબનો કરે તો મને એ ખૂબ ગમશે, પણ સ્પર્ધાની આ યુવતીએ મને આવી રીતે સ્પર્શ કરીને અસ્પૃશ્ય બનાવ્યો એ મને બિલકુલ ગમ્યું નહીં. જોર કરી મેં એને મારાથી અળગી કરી. મારું મગજ એની આવી હરકતના લીધે ગુસ્સાથી ફાટફાટ થતું હતું. મેં એ યુવતીને જણાવ્યું,

‘આ શું માંડ્યું છે? ઉતારો આ મુગટ. વિજેતા બનો પછી પહેરજો. આવી હરકત કરતાં તમને શરમ નથી આવતી? તમે સાવ નિર્લજ્જ અને નફ્ફટ છો.’

‘હું તો… હું તો તમને રાજી કરવા આવી છું.’

‘આવી રીતે? તમે સ્પર્ધા આવી રીતે જીતવા ઇચ્છો છો? તમે તો મારાં દીકરી જેવા છો. મારી જોડે સ્પર્ધા જીતવા માટે આવા ચેડાં કરો છો? શરમ નથી આવતી? હમણા ને હમણા મારા સ્યૂટમાંથી બહાર નીકળી જા.’

આમ કહીને મેં એ યુવતીને ધક્કો મારીને મારા સ્યૂટમાંથી બહાર કાઢી. જતાં-જતાં એ નફ્ફટ યુવતી ધમકી આપતી ગઈઃ

‘મિસ્ટર શાહ, હું તો તમને વળગવા આવી હતી. તમે તો મને તરછોડી. આ સારું નથી કર્યું. હું ક્યારે ને ક્યારે આનો બદલો જરૃર લઈશ.’

બોલો, વર્તણૂક ખરાબ એની હતી અને મેં સારું નથી કર્યું એવી ધમકી એ મને આપી ગઈ, પણ મને નવાઈ એ લાગે છે કે એ યુવતીને આવું કરવાની જરૃર શું હતી? એ દેખાવડી હતી. સ્પર્ધાની બીજી યુવતીઓ  કરતાં વધુ સુંદર હતી. નિર્ણાયકોના આજે પૂછવામાં આવેલા બધા સવાલોના એણે સ્વસ્થતાપૂર્વક યોગ્ય જવાબો આપ્યા હતા. એટલે એ હોશિયાર અને બુદ્ધિમાન પણ હતી. કમિટીના બધા જ નિર્ણાયકોએ એને એના આ ગુણોને કારણે મિસ ઇન્ડિયા તરીકે ચૂંટી. હું જ એક ફક્ત એવો હતો, જે એના ગઈકાલના વર્તનને કારણે એને મિસ ઇન્ડિયાનું બિરુદ આપવા ઇચ્છતો ન હતો, પણ મારી કમિટીના બીજા બધા એની તરફેણમાં હતા એટલે મેં એનો વિરોધ ન કર્યો. આ કારણથી મિસ મયૂરી માણેકલાલ ભટ્ટને આજે મિસ ઇન્ડિયાનો ખિતાબ આપવામાં આવ્યો.

‘પુરુષો અમારી ઉપર જોરજુલમ કરે છે. અમારું જાતીય શોષણ કરે છે’ એવા આક્ષેપો સ્ત્રીઓ ખોટેખોટા કરે છે. મિસ મયૂરી માણેકલાલ ભટ્ટ જેવી યુવતીઓ મિસ ઇન્ડિયા બનવા ગમે તે કરવા તૈયાર હોય છે.

આ વાત મેં મારા મનમાં જ સંઘરી રાખી છે. ફક્ત આ ડાયરીમાં લખી છે. અન્યોને હું આ વાત નહીં કરું. સાવિત્રીને પણ નહીં. નહીં તો એ જુવાન છોકરીનું ભવિષ્ય બગડી જશે. એનો મિસ ઇન્ડિયાનો ખિતાબ પાછો લઈ લેવામાં આવશે. લોકો એના ઉપર થૂંકશે અને થૂ… થૂ કરશે. કોઈ એને પરણવા તૈયાર નહીં થાય. હું તો ફક્ત પ્રભુ આગળ એટલી જ પ્રાર્થના કરું છું કે મિસ મયૂરી માણેકલાલ ભટ્ટ અને એના જેવી અન્ય યુવતીઓ, જેઓ જીવનમાં ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા માટે જાત સોંપવા પણ તૈયાર થઈ જાય છે એમને સદ્બુદ્ધિ આપે.

સત્યેન શાહની ડાયરીનું આ પાનું વાંચતાં અટલને મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાનો ‘ગજગામિની’એ પ્રગટ કરેલ ઇન્ટરવ્યૂ આંખ સામેથી પસાર થઈ ગયો.

સત્યેન શાહની ડાયરીનું લખાણ અને મિસિસ મયૂરી મહેશકુમાર મહેતાનો ઇન્ટરવ્યૂ, બંને એકદમ વિરોધાભાસી ચિત્ર રજૂ કરતા હતા. સાચું કોણ? સત્યેન શાહ કે મિસિસ મયૂરી મહેશકુમાર મહેતા?

Related Posts
1 of 34

* * *

શનિવાર તાઃ ૧૮ એપ્રિલ, ૧૯૯૮
પપ્પાએ મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોથી દૂર રહેવાનું જ જણાવ્યું હતું. આમ છતાં તેઓ પોતે ચલચિત્રના પ્રોડ્યુસરો માસિક ૨થી ૪ ટકા એટલે કે વાર્ષિક ૨૪થી ૪૮ ટકા જેટલું વ્યાજ ચૂકવતા હતા એટલે એમને ફાઇનાન્સ કરતા હતા. વધુ વ્યાજની લાલચે હું પણ ફિલ્મ પ્રોડ્યુસરોને નાણા ધીરતો હતો. એક પછી બીજો અને એના પછી ત્રીજો, આમ મારી ફિલ્મલાઇનમાં ફાઇનાન્સર તરીકે શાખ જામી ગઈ. પ્રોડ્યુસરોની સાથે-સાથે ઇન્ડસ્ટ્રીના અન્યો જોડે પણ ગાઢ ઓળખાણ થઈ. આમાં પણ ફાઇનાન્સ મેળવવા માટે પ્રોડ્યુસરો એમની ફિલ્મની અભિનેત્રીઓને મારી આગળ મોકલતા. જાણે કે સુંદર સ્ત્રી ઉપર મોહાંધ બનીને હું એમને ફાઇનાન્સ કરીશ! હું તો પિક્ચર કોણ ડિરેક્ટ કરે છે, એની સ્ટોરી કોણે લખી છે, સંગીત કોણ પીરસવાનું છે, કોણ કામ કરવાનું છે, આ બધું જોઈ-જાણીને પછી પ્રોડ્યુસરોને ફાઇનાન્સ કરું છું.

દેવદત્ત અને મારા સંબંધો ખૂબ જ સારા છે. આજના એ ટોચના ડિરેક્ટર ગણાય છે. એમની ફિલ્મ માટે એમના પ્રોડ્યુસરોને મેં અવારનવાર ફાઇનાન્સ કર્યું છે, પણ દેવદત્તની નવી ફિલ્મ ‘અભી તો મૈં જવાન હૂં’ની સ્ટોરી મને પસંદ નથી. એ ફિલ્મ માટે તેઓ બધા જ નવા કલાકારોને લેવા માગે છે. હીરો-હીરોઇન નવાં, મ્યુઝિક ડિરેક્ટર નવો, સિંગરો પણ નવા, સ્ટોરી રાઇટર નવો. ફિલ્મ બોક્સ-ઑફિસ ઉપર સફળ નીવડશે એવું મને જણાતું નથી. મેં દેવદત્તને એ ફિલ્મના ફાઇનાન્સ માટે ના પાડી છે. દેવદત્તે મારી ઉપર જુદી-જુદી રીતે ફાઇનાન્સ મેળવવા પ્રેશર આણ્યુંં છે. અંતે એણે એ ફિલ્મની નવોદિત અભિનેત્રી મહેકને મને રિઝવવા મોકલી. મહેક એક-બે વાર મને મળી ગઈ. થોડાં નખરાં કર્યાં, પણ મેં એને સાફસાફ જણાવી દીધું કે હું દેવદત્તની નવી ફિલ્મ જેમાં એ અભિનેત્રી છે એને ફાઇનાન્સ નહીં કરું.

આજે એ મહેકે બધી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું.
શનિવાર હતો એટલે મારી ઑફિસનો બધો સ્ટાફ ચાર વાગે ઑફિસમાંથી નીકળી ગયો હતો. ફક્ત હું મારી કૅબિનમાં બેસીને મારું કામ કરી રહ્યો હતો. મારો ડ્રાઇવર યાકુબ મારી વાટ જોતો બહાર બેઠો હતો. મારો જૂનો પ્યુન મહાદેવ, જે ઑફિસમાં જ સૂઈ રહે છે, એ હું જાઉં એની વાટ જોતો બેઠો હતો. અચાનક મહેક કંઈ પણ કહ્યા-કારવ્યા વગર મારી રૃમમાં ધસી આવી. હું મારી રિવૉલ્વિંગ ખુરસીમાં બેઠો હતો. મારી ખુરસીને એણે ફેરવી. પછી એ એકદમ મારા ખોળામાં બેસી ગઈ. હું હજુ કંઈ પણ કરું કે બોલું એ પહેલાં તો એણે એના બંને હાથ મારા ગળામાં નાખ્યા અને મને એક ચુંબન આપ્યું. મેં ઝડપથી એને મારાથી અળગી કરી. અને કહ્યું ઃ

‘શરમ નથી આવતી? હું તારા બાપની ઉંમરનો છું. તું શુંં માને છે? તું આવા ચાળા કરશેે એટલે હું દેવદત્તને ફાઇનાન્સ આપીશ?’

‘સર, તમે માગો એ આપવા હું તૈયાર છું. હું અનટચ છું. મારું શિયળ અખંડિત છે. તમે એ ખંડિત કરી શકો છો, પણ દેવદત્તને ફાઇનાન્સ કરો. આ મારી પહેલી ફિલ્મ છે. નહીં તો દેવદત્ત મારી ફિલ્મ બનાવશે નહીં અને હું રઝળી પડીશ.’

‘જો છોકરી, હું કંઈ વિશ્વામિત્ર નથી અને તું કંઈ મેનકા નથી. આવા ચેનચાળા કરતાં હું દેવદત્તને ફાઇનાન્સ કરીશ એવું તું માનતી હોય તો ખાંડ ખાય છે. ગુપચુપ અહીંથી ચાલતી પકડ.’

હવે મહેક વધુ નિર્લજ્જ બની.

એણે પહેરેલું સ્કર્ટ ઉતારી નાખ્યું. એ ટી-શર્ટ ઉતારવા જતી હતી. મેં એનો હાથ પકડ્યો અને પછી એના ગાલ ઉપર ધડાધડ બે-ચાર તમાચા ચોડી દીધા.

‘નાલાયક, નિર્લજ્જ, કરિયરની શરૃઆત જો આવી રીતે કરશે તો આગળ જતાં તું પ્રોસ્ટિટ્યુટ જ બની જશે. ડિરેક્ટર કહે એમ ઍક્ટિંગ કરવાની હોય, આવા ચાળા કરવાના ના હોય. દેવદત્ત તો તારી આગળ આવું કરાવીને એનો ફાયદો કરાવી લેશે, પણ તું તારી આબરૃ ખોઈ બેસશે. પછી આખી જિંદગી ડિરેક્ટરો અને પ્રોડ્યુસરો તારી આગળ આવા કામ કરાવ્યા કરશે.’

મહેક હવે એકદમ પડી ભાંગી.

એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી. મને એની દયા આવી. એવો પણ વિચાર આવ્યો કે હું જો એની ફિલ્મને ફાઇનાન્સ નહીં કરું તો દેવદત્ત એને લઈને ફિલ્મ નહીં બનાવે. આ છોકરીને જે ચાન્સ મળ્યો છે એ નહીં મળે. મેં વિચાર્યું કે દેવદત્ત આગળથી હું ઘણુ વ્યાજ કમાયો છું. પાંચ-દસ લાખ રૃપિયા જો મારા જાય તો કોઈ વાંધો નથી, પણ આ છોકરીનું કરિયર બનશે. મારા મંથન જેટલી જ એ છોકરીની ઉંમર છે. મેં એને કહ્યું, ‘જા, હું દેવદત્તને તારી ફિલ્મ માટે ફાઇનાન્સ કરીશ.’ મહેક એકદમ ખુશ થઈ ગઈ. એણે રડવાનું બંધ કર્યું અને ફરી પાછી મારા ગળે વળગી. મેં એને અળગી કરતાં કહ્યું કે, ‘આવા ચેનચાળા બંધ કર. ઍક્ટિંગ કર.’

‘હું તમને નથી ગમતી?’

‘તું ગમે છે. મારી દીકરી હોય એવું લાગે છે. એટલે હું તારી આ ભૂલ માફ કરીને દેવદત્તને ફાઇનાન્સ કરીશ.’

આ વાત હું દેવદત્તને નથી કહેવાનો, કોઈને નથી કહેવાનો. આ છોકરી માટે જો આવું હું કોઈને કહીશ તો ઇન્ડસ્ટ્રીમાં એની ખરાબ છાપ પડી જશે. શરૃઆતથી લોકો એનો ગેરલાભ લેતા થશે. મારે એની જિંદગી બગાડવી નથી, બનાવવી છે. જોખમ હોવા છતાં મેં દેવદત્તને ‘અભી તો મૈં જવાન હૂં’ માટે ફાઇનાન્સ કરવાની હા પાડી છે. સાવિત્રીને હું આ વાત નહીં જણાવું. એ છોકરી વિશે એના મનમાં ખરાબ વિચારો આવશે. એની મજબૂરી સાવિત્રી સમજી નહીં શકે.

પેલી મયૂરી કરતાં મહેક સારી છે. મયૂરીને બ્યુટી કૉન્ટેસ્ટના વિજેતા બનવું હતું. એને લોભ હતો, જ્યારે મહેકની મજબૂરી છે. જો મેં મયૂરીનો લાભ નથી લીધો તો મહેકનો શા માટે લઉં? અને આ બંને વાત હું મારી ડાયરીમાં સમાવી લઉં છું. આવી કંઈકેટલીય સ્ત્રીઓ હશે, જે એમની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા અથવા તો મજબૂરી ટાળવા જાત સમર્પણ કરતી હશે. ભગવાને મને સદ્બુદ્ધિ આપી છે. મેં આવી સ્ત્રીઓનો ગેરલાભ નથી લીધો. મને ખાતરી છે કે મારા આ સતકાર્ય બદલ પ્રભુ મને યોગ્ય બદલો આપશે જ. મહેક માટે પણ હું સારું ભવિષ્ય ઇચ્છું છું.

સત્યેન શાહની ડાયરીનું બીજું પાનું વાંચતાં અટલ ફરી પાછો ચકરાવે ચડ્યો.

જાગૃતિ જોશીએ કરેલ અભિનેત્રી મહેક મોમિનનો ઇન્ટરવ્યૂ સત્યેન શાહે એની ડાયરીમાં જણાવેલ વાત કરતાં સાવ વિપરીત હતો.

સાચું કોણ?

મહેક મોમિને જાગૃતિ જોશીને હમણાં કહેલી વાત કે સત્યેન શાહે વર્ષો પહેલાં એમની ડાયરીમાં લખેલી વાત?

સત્-અસત્નાં પારખાં કેમ કરવાં? દેવદત્ત હજુ જીવે છે. એમને મળું? ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય લોકો જેમને સત્યેન શાહે ફાઇનાન્સ કર્યું હતું અને કરવાની ના પાડી હતી એમની આગળથી મહેક મોમિનના પ્રકરણ ઉપર કંઈ હકીકત જાણી શકાય? સત્યેન શાહનો ડ્રાઇવર યાકુબ હજુ પણ એમની નોકરીમાં છે? એમનો પ્યુન મહાદેવ હજુ પણ એમને ત્યાં કામ કરે છે? તેઓ એ દિવસના બનાવ ઉપર કોઈ પ્રકાશ પાથરી શકે એમ છે?

જ્યારથી સત્યેન શાહની ડાયરીનાં અગત્યનાં પાનાં અટલે વાંચ્યાં હતાં ત્યારથી એના મનમાં વિચારોના વંટોળો ચકરાવો લેતા થયા હતા. સત્યેન શાહ જો મળી જાય તો લાઈવ ડિટેક્ટર ઉપર એમનું પરીક્ષણ કરતાં સાચી બીના જાણી શકાશે.

સચ્ચાઈ જાણવા શું કરવું, શું નહીં, કોને મળવું, કોને નહીં, અટલ એ વિચારો કરતો હતો કે એના મોબાઇલની ઘંટડી વાગી.

‘હલ્લો…’

‘સૉરી સર, તમે કહ્યું એટલા વાગે હું આવી શકી નથી.’ સામે છેડેથી જાગૃતિ જોશીનો માફીદર્શક અવાજ આવ્યો.

‘હા, પણ હવે તો આવો.’ અટલે કટાક્ષમાં જાગૃતિને માનાર્થે આવકારી.

‘સર, અત્યારે હું આવી શકું એમ નથી. બનશે તો સાંજના તમને મળવાનો પ્રયત્ન કરીશ.’

‘કેમ? સત્યેન શાહના પ્રકરણથી વિશેષ એવું શું અર્જન્ટ આવી પડ્યું છે કે તમે મને હમણા મળી શકો એમ નથી?’

‘એક બીજા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટે પછાત વર્ગની સગીર બાળાનું કરેલું જાતીય શોષણ…’

* * *

‘જ્યારે ને ત્યારે, હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં-ત્યાં અટલ અચૂક પહોંચી જાય છે. મિસ્ટર સત્યેન શાહની બાબતમાં તો એ બબ્બે વાર મારાથી પહેલાં પહોંચી ગયો હતો. આજે એ સત્યેન શાહની વાઇફને મળી શક્યો હશે? એમનો ઇન્ટરવ્યૂ કર્યો હશે? જો ઇન્ટરવ્યૂ કર્યો હશે તો તો કાલના અખબારમાં જ એ પ્રસિદ્ધ થશે. હું હવે સાવિત્રીનો જે ઇન્ટરવ્યૂ કરીશ એની કંઈ વૅલ્યૂ નહીં રહે. સત્યેન શાહની વાઇફનો ઇન્ટરવ્યૂ અને એ પણ અટલે કર્યો હશે એટલે કોઈ પણ અખબાર એ છાપશે. એ મેળવવા માટે અખબારો પડાપડી કરશે. મોંમાગ્યા દામ આપશે. મને આ લોકોએ મળવા માટે વહેલી બોલાવવી જોઈતી હતી.’

આવો બળાપો કરતાં-કરતાં અચલા મધુરિમા બંગલામાં પ્રવેશી. સાવિત્રી જોડે ડિનર લેવાની એણે ના પાડી હતી, પણ એમની સાથે કૉફી પીવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી. સાવિત્રીની જોડે નહીં, પણ એમના ડ્રોઇંગ રૃમમાં બેસીને એકલા એકલા અચલાને કૉફી પીવી પડી. એ જ્યારે બંગલામાં પ્રવેશી ત્યારે જ સત્યેન શાહનું ફૅમિલી ડિનર લેવા બેઠું. એમણે અચલાએ ના પાડી હોવા છતાં વિવેક ખાતર ડિનર માટે આમંત્રી, પણ અચલાએ એનો અસ્વીકાર કર્યો. સાવિત્રીની વાટ જોતી એ એમના ડ્રોઇંગ રૃમમાં બેઠી હતી ત્યારે નોકર એમને કૉફી આપી ગયો.

ડિનર બાદ સાવિત્રીની સાથે-સાથે મંથન અને કાન્તિલાલ પણ અચલા બેઠી હતી ત્યાં ડ્રોઇંગ રૃમમાં આવી પહોંચ્યા. અચલાને અડધો કલાકથી વધુ સમય એમની વાટ જોવી પડી. એ દરમિયાન એણે સત્યેન શાહના ડ્રોઇંગ રૃમનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. એ બાહોશ રિપોર્ટરને એટલું સમજતાં વાર ન લાગી કે ડ્રોઇંગ રૃમની સજાવટ સત્યેન શાહ અથવા સાવિત્રી, કાં તો એ બંનેએ સાથે મળીને કરી હશે. કોઈ ઇન્ટીરિયર ડિઝાઇનરે એમને સુઝાડ્યું નહીં હોય કે દીવાલ ઉપર ફલાણા પેઇન્ટરનું ચિત્ર ટીંગાડો અને શૉ-કેસમાં અમુક ખાસ રંગના વાઝ મૂકો. ડ્રોઇંગ રૃમની સજાવટ કોઈને પણ આંજી નાખવા માટે પૂરતી હતી. ત્યાં મૂકવામાં આવેલ કળાકૃતિઓ એટલી સુંદર રીતે અને યોગ્ય જગ્યાએ ગોઠવવામાં આવી હતી કે જોનારની આંખ ત્યાં જ ઠરી જાય અને ગોઠવણી આકર્ષક તેમ જ ભવ્ય લાગે. અચલાએ મનોમન ગણતરી કરી અને ડ્રોઇંગ રૃમમાં મૂકવામાં આવેલી કળાકૃતિઓની કિંમતનો અડસટ્ટો બાંધ્યો. પેઇન્ટિંગ્સમાંનાં બધાં નહીં, પણ અડધાં ઉપરાંત ઓરિજિનલ હતાં. આબેહૂબ નકલની પણ કિંમત ખૂબ જ હોય છે. અચલા એ બરાબર જાણતી હતી. ડ્રોઇંગ રૃમનું રાચરચીલું, દીવાલો ઉપર ટાંગેલાં પેઇન્ટિંગ્સ અને ત્યાં મૂકવામાં આવેલ ચીજવસ્તુઓની કિંમત નાખી દેતાં બે-ચાર કરોડની થાય. હાલમાં જ લંડનમાં આવેલ બ્રિટિશ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂકેલ અચલાએ અનુમાન કર્યું.

(ક્રમશઃ)
—————-

Leave A Reply

Your email address will not be published.

Translate »