તમારા માટે, તમારી સાથે, સતત…

ડો. ગૂગલ પર ભરોસો કરતાં પહેલાં સો વખત વિચાર કરજો

ડૉ. ગૂગલ પર ભરોસો મુકીને તમારે આખી જિંદગી પેટ ભરીને પસ્તાવું પડે

0 310

હેલ્થ સ્પેશિયલ – સત્યજીત પટેલ

ઇન્ટરનેટના આ યુગમાં ગૂગલ બહેતરીન છે અને તેની પાસે આપણા બધા જ સવાલોના જવાબ છે, પરંતુ જરા થોભો. જો તમે ડૉ. ગૂગલ પર આંખ મીંચીને ભરોસો કરી રહ્યા છો તો તમે મોટી ભૂલ કરી રહ્યા છો. ડૉ. ગૂગલ પર ભરોસો મુકીને તમારે આખી જિંદગી પેટ ભરીને પસ્તાવું પડે તેવું બની શકે છે. આજે ઇન્ટરનેટ પર કૅન્સરને લગતી માહિતીની જે સુનામી જોવા મળે છે તેમાં માત્ર ને માત્ર અભિપ્રાયો, મંતવ્યો અને ઉત્પાદનો વેચવાના આર્થિક હિતોથી વિશેષ કશું જ હોતું નથી. તેમાં ગ્રાઉન્ડ લેવલે પ્રવર્તતી સામાન્ય વૈજ્ઞાનિક સમજનો પણ સદંતર અભાવ હોય છે અને આ હકીકત વિશ્વના ટોચના ડૉક્ટરોના અભ્યાસમાં બહાર આવી છે.

આજે સામાન્ય કફ કે ઉધરસ થઈ હોય તો પણ તેનાં લક્ષણોના આધારે દર્દીઓ ઇન્ટરનેટ પર સર્ચ કરવા લાગે છે. જ્યારે વેબમાં તેમને આ સંભવિત કૅન્સરનાં લક્ષણો છે તેવું રિઝલ્ટ મળે કે તેઓ ગભરાઈ જાય છે. ત્યાર પછી તો ‘મને ક્યાંક કૅન્સર તો નહીં હોય ને…’ તેવો ભય તેમના મનમાં ઘર કરી જાય છે.

પરંતુ જ્યારે ખરેખર સંભવિત કૅન્સરનું નિદાન થાય અથવા તો સાચે જ કૅન્સરનો સામનો કરવાનો આવ્યો હોય તેવા સમયે જ મોટા ભાગના લોકો નિષ્ણાત તબીબની સલાહ લેતા પહેલાં ડૉ. ગૂગલને કન્સલ્ટ કરવાનું વલણ ધરાવે છે, પરંતુ કમનસીબે જે-તે સ્ટેજ પર તમારા માટે ક્યો વિકલ્પ શ્રેષ્ઠ છે તેની ડૉ.ગૂગલને જાણ નથી હોતી.

એક પેઢી અગાઉનો સમય યાદ કરો જ્યારે દર્દીઓ મોટા ભાગે તેમના ફિઝિશિયન્સ પર નિર્ભર હતા અને કૅન્સર જેવી ગંભીર બીમારીઓમાં તેમની સલાહનું અક્ષરશઃ પાલન કરતા હતા, પરંતુ આજે સમય બદલાઈ ગયો છે. આજે ઇન્ટરનેટ પર તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી માહિતીની આભાસી સુનામી આવી છે. આ આભાસી સુનામી દેખીતી રીતે ઊંટવૈદું અથવા તો ઉત્પાદનો વેચતી કંપનીઓએ લોકો પાસેથી એકઠા કરેલા પુરાવા આધારિત તથ્યોથી વિશેષ હોતી નથી. આવી અસ્પષ્ટ અને સંદિગ્ધ માહિતીના કારણે ઘણીવાર જીવન અને મૃત્યુનો સવાલ આવીને ઊભો રહેતો હોય છે.

અમેરિકાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ખાતે મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતાં ડૉ.લિડિયા સ્કાપિરાના મતે આવી વેબસાઇટ્સ ખોટી માહિતીથી ભરેલી પડી છે અને દર્દીઓમાં તે અસમંજસની સ્થિતિ પેદા કરે છે. જે તેમને ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે અને અજાણતાં તેઓ ખુદને જ નુકસાન કરી બેસતા હોય છે. ડૉ.લિડિયા ુુુ.ષ્ઠટ્ઠહષ્ઠીિ.હીં નામની એક ખૂબ જ વિશ્વસનીય વેબસાઇટના એડિટર પણ છે. તેઓ આ વેબસાઇટ થકી કૅન્સર અને તેની સારવાર વિશે દર્દીઓ અને તેમનાં સગાં-સંબંધી, મિત્રોને ખૂબ જ સ્પષ્ટ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી માહિતી પૂરી પાડે છે.

એક બ્રેસ્ટ કૅન્સર નિષ્ણાત તરીકે તેમણે ઘણી મહિલાઓને ઑપરેશન બાદ ટેમોક્સીફેન તેમજ એરોમેટેઝ જેવી ડ્રગ સાથેની પોસ્ટઓપરેટિવ થેરપી આપી છે. આ મહિલાઓને વેબસાઇટ્સ પર એવી માહિતી મળી હતી કે આ પ્રકારની સારવાર શરીર માટે નુકસાનકારક હોય છે. ખૂબ સમજાવટના અંતે તેઓ આ થેરપી લેવા તૈયાર થઈ હતી. વિસ્તૃત મેડિકલ સ્ટડીઝમાં પુરવાર થયું છે કે બ્રેસ્ટ કૅન્સરમાં આ થેરપી ઘણી જ લાભકારક હોય છે. તાત્પર્ય એ છે કે, વેબસાઇટ્સ પર દર્દીઓને અસમંજસમાં નાખતી આવી ખોટી માહિતીની ભરમાર છે.

Related Posts
1 of 326

અમેરિકન કૅન્સર સોસાયટીએ તો દર્દીઓને ચેતવણી જારી કરતાં જણાવ્યું છે કે, કૅન્સર જેવી જટિલ બીમારીમાં ખોટી માહિતી દર્દીને મોટું નુકસાન પહોંચાડી શકે છે. વેબસાઇટ્સ પર કૅન્સર વિશે જે માહિતી ઉપલબ્ધ છે તે માત્ર ને માત્ર અભિપ્રાયોના આધારે તૈયાર થતી હોય છે. તેને અને વૈજ્ઞાનિક અભિગમને કોઈ જ લેવાદેવા હોતી નથી. કોઈ પણ વ્યક્તિ મનફાવે તેવી માહિતી કે પોસ્ટ ઓનલાઇન મૂકી દેતી હોય છે.

આવી માહિતી ખૂબ જ મર્યાદિત, અચોક્કસ અને મોટા ભાગે ખોટી જ હોય છે. કેટલાક લોકો તો તમને રીતસર છેતરવા માટે વેબ પર આવી ખોટી માહિતીની જાળ બિછાવતા હોય છે.

વેબસાઇટ્સ પર આવી ઘણી બધી ખોટી માહિતી ફરી રહી છે. જો તમે તમારા શરીરમાં ન સમજી શકાય તેવાં અસ્પષ્ટ લક્ષણોથી ચિંતિત છો તો ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ બે ડઝનથી વધુ ‘સિમ્પ્ટમ્સ ચેકર્સ’ તમને વધુ ડરાવવા તૈયાર જ છે. નવાઈની વાત એ છે કે દર્દીઓ આવી છેતરામણી સાઇટ્સ પર સર્ચ કરી લક્ષણોને વેબ રિઝલ્ટ્સ સાથે સરખાવે છે અને વેબ રિઝલ્ટ્સ આવાં લક્ષણો કૅન્સરના હોઈ શકે તેમ દર્શાવી તેમને વધારે ગભરાવી મૂકે છે. ઉદાહરણ તરીકે વેબ પર સર્ચ કરવાથી સતત કફ કે જૂની કબજિયાતના લીધે કૅન્સર થતું હોવાની માહિતી મળે છે, પરંતુ આની જગ્યાએ જો ક્વોલિફાઇડ ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે તો દર્દીનો અંગત અને ફેમિલી હિસ્ટ્રી જાણીને અને યોગ્ય તબીબી પરીક્ષણ દ્વારા તમને કૅન્સર છે કે નહીં તે સ્પષ્ટ રીતે જણાવે છે. બ્રિટનના માન્ચેસ્ટરસ્થિત ડૉ.ડેવિડ.ડબલ્યુ.વોલપાવ નામના એક ફેમિલી ફિઝિશિયન સમક્ષ આવો જ કેસ આવ્યો હતો. પચ્ચીસેક વર્ષનો યુવાન એક અઠવાડિયાથી ગળામાં દુખાવાના કારણે પરેશાન હતો. ઇન્ટરનેટ પર સર્ચ કરતાં તેને મોઢાના કૅન્સરનાં રિઝલ્ટ મળ્યાં. પછી તેણે માની લીધું કે તેને કૅન્સર થયું છે. ડૉ.ડેવિડે પરીક્ષણો દ્વારા નિદાન કર્યું કે તેને શરદીથી વિશેષ કંઈ જ થયું નથી.

ડૉ.ડેવિડ કહે છે – ‘વેબસાઇટ પર ભરોસો મૂકવો કે એક ક્વોલિફાઇડ ડૉક્ટર પર, તે હવે દર્ર્દીઓએ નક્કી કરવાનું છે. વર્ષાેનું શિક્ષણ અને અનુભવ મેળવીને તમારા રોગનું નિદાન કરતો એક ડૉક્ટર તમને સારી રીતે જાણતો હોય છે. તેને તમારા મેડિકલ હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી અને તમારા શરીરને નુક્સાનકારક પરિબળોની ઇન્ટરનેટ કરતાં વધારે સારી જાણકારી હોય છે. વેબસાઇટ્સ પર ઉપલબ્ધ વૈજ્ઞાનિક તથ્યો વિનાની માહિતી કેવી રીતે વિશ્વસનીય હોઈ શકે તે સમજવાની જરૃર છે.’

હાલમાં નેટ પર સ્નેક ઓઇલની માહિતી ધૂમ ફરતી થઈ છે. આવાં ઉત્પાદનો વેચવા માટે મસમોટા દાવા કરાય છે. ‘વિજ્ઞાનની મોટી સફળતા’, સિક્રેટ ઇન્ગ્ર્રેડિઅન્ટ, ચમત્કારિક ઉપચાર, પ્રાચીન સારવાર જેવા જાતભાતના શબ્દોની માયાજાળ રચવામાં આવે છે. એટલું જ નહીં, મની બૅક ગેરંટીનો દાવ પણ અજમાવાય છે. આવા શંકાસ્પદ ઉત્પાદનો ખરીદતા પહેલાં અમેરિકન કૅન્સર સોસાયટી દર્દીઓને સાવચેત રહેવા જણાવે છે.

ડૉ.લિડિયા સ્કાપિરા કહે છે, ‘કૅન્સરનો સામનો કરી રહેલા લોકોને ઘણીવાર ઇન્ટરનેટ પરથી કેટલીક મહત્ત્વની જાણકારી પણ મળી રહે છે તેની ના નથી. અલબત્ત, ઇન્ટરનેટ વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર થયેલી માહિતી સુધી પહોંચવાનું સાધન માત્ર છે. તે પેશન્ટને માનસિક રીતે સજ્જ થવા અને એક નિષ્ણાત સુધી પહોંચવાનો રસ્તો જરૃર બતાવી શકે છે. વ્યાવસાયિક હિતો ઉપર આધારિત ન હોય તેવા ફ્રી વેબ સ્ત્રોત પરથી દર્દીઓને સાચી સલાહ મળી શકે છે. ઘણીવાર મેડિકલ ઇન્સ્ટિટ્યૂશન્સ દ્વારા પોસ્ટ થતી સાઇટ્સની પાછળ સેલ્ફ-પ્રમોશનનો કીમિયો કામ કરતો હોય છે.  ુુુ.ષ્ઠટ્ઠહષ્ઠીિ.હીં  જેવી સાઇટ્સ અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીના મેમ્બર્સ દ્વારા તૈયાર કરાઈ છે. અમેરિકન કૅન્સર સોસાયટી (ુુુ.ષ્ઠટ્ઠહષ્ઠીિ.ર્ખ્તિ) તેમજ નેશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ (ુુુ.ષ્ઠટ્ઠહષ્ઠીિ.ર્ખ્તદૃ) પર ઉપલબ્ધ માહિતી પણ વિશ્વસનીય ગણાય છે.’

જો તમે કૅન્સરની સારવાર લઈ રહ્યા છો તો કોઈ પણ ખચકાટ વિના તમે તમારા ડૉક્ટર સાથે ચર્ચા કરો, પરંતુ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ અધકચરી, અધૂરી અને ગેરમાર્ગે દોરતી માહિતીના આધારે ક્યારેય કોઈ નિર્ણય ન લો. કેમ કે, એક ડૉક્ટર પ્રેક્ટિસ શરૃ કરતાં પહેલાં વર્ષાે સુધી તબીબી શિક્ષણ અને અનુભવોમાંથી પસાર થતો હોય છે. વેબસાઇટ્સ પર મળતી માહિતીને એક ક્વોલિફાઇડ ડૉક્ટરનો પર્યાય ક્યારેય ન બનાવો અને કૅન્સર જેવી જટિલ બીમારીમાં તો હરગિજ નહીં.
——————–

Leave A Reply

Your email address will not be published.

Translate »