તમારા માટે, તમારી સાથે, સતત…

તહેવાર V/S તમાશો

"બખાન ક્યા કરુ મૈં રાખોકે ઢેર કા, ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા"

0 286
  • હસતાં રહેજો રાજ – જગદીશ ત્રિવેદી

પુરાણોમાં એવી ઘણી કથાઓ છે જેમાં દાનવોએ દેવો ઉપર ચડાઈ કરી હોય. તેમાં સૌથી વધુ આક્રમણો દેવરાજ ઇન્દ્ર ઉપર થયા છે, કારણ ઇન્દ્ર દેવોના રાજા વળી સૌથી વધુ અમીર દેવ ગણાય છે. જ્યાં સંપત્તિ અને સત્તા હોય ત્યાં સૌથી વધુ હુમલા થાય તે સ્વાભાવિક છે. આતંકવાદીઓ કળિયુગના દાનવો છે એ અમેરિકા, ભારત, ઇંગ્લેન્ડ અને યુરોપના દેશો ઉપર સૌથી વધુ હુમલા કરશે, કારણ ત્યાં સંપત્તિ  છે અને સત્તા છે. એ લોકો આફ્રિકાના ગરીબ દેશો ઉપર ક્યારેય હુમલો કરવાના નથી.

પુરાણોમાં કોઈએ કૈલાસ ઉપર ચડાઈ કરી એવો કોઈ ઉલ્લેખ નથી એનો અર્થ એવો કરી શકાય કે જ્યાં મહાદેવ ખુદ આખા શરીરે ભસ્મ લગાવીને બેઠા હોય અને જ્યાં ભૂત સિવાય કશું ન હોય ત્યાં ધાડપાડુ જઈને શું કરે? શંકર તો ઝેર પીને બેઠા હતા અને ગળામાં ધારણ કરીને નીલકંઠ કહેવાયા. બાકી લૂંટારા ત્યાં જાય તો એમને પણ ઝેર પીવાનો વારો આવે એટલે કોઈ મહાદેવની સામે ફરક્યું નથી.

મહાદેવ સ્મશાનમાં બેસે અને કોઈ ભૌતિક સુખ-સગવડ પોતાની પાસે ન રાખે એનો અર્થ એવો પણ નથી કે મહાદેવ પાસે કશું જ નથી. મહાદેવ તો દેવોના પણ દેવ છે. એ ભસ્મની ચપટી ભરીને કોઈને આપી દે તો કુબેરભંડારીને પણ એ વ્યક્તિના ઘેર વાસણ-કપડાં કે ઝાડું પોતાં કરવા પડે એવી ભસ્મની તાકાત છે.

“બખાન ક્યા કરુ મૈં રાખોકે ઢેર કા,
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા”

ચંદુભાની ચાની હોટલ ઉપર હું, ચંદુભા, પથુભા, ભોગીલાલ, ચુનીલાલ અને અવળચંડો અંબાલાલ બેઠા હતા. આજે ગ્રાહકો માટે ચા અને અમારા ગ્રૂપ માટે ભાંગનો કાર્યક્રમ હતો. ભગવાન મહાદેવનો તહેવાર એટલે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી એટલે ભાંગ-ઉત્સવ.

‘મહાદેવ ભાંગ કેમ પીતા હશે?’ અંબાલાલે પૂછ્યું

‘એ વખતે વાઇન, બીયર, વોડકા કે વ્હીસ્કી નહોતાં એટલે.’

ભોગીલાલે મૂર્ખામી પ્રગટ કરી.

‘અરે ગાંડા… એ વખતે સોમરસ હતો એ દેવોનું પ્રિય કેફી પીણું હતું. સોમરસ સિવાઝ રિગલનો બાપ હતો.’ પથુભા જાણે સોમરસ પીને આવ્યા હોય એ રીતે બોલ્યા.

‘ભગવાન શંકર સમાધિમાં વરસો સુધી રહેતા હતા. રામાયણમાં તો એક જગ્યાએ લખ્યું છે કે સતીના જુઠ્ઠું બોલવાથી નારાજ થઈને મહાદેવ ૮૭૦૦૦ વર્ષ સુધી સમાધિમાં બેસી રહ્યા હતા.’ મેં કહ્યું.

‘૮૭૦૦૦ વર્ષ?’ ચુનીયાને અચરજ થયું.

‘હા… જે લોકોને ઈશ્વર સાથે સંબંધ છે અથવા તો જે સમાધિમાં રહે છે એ દારૃ ન પીએ, પરંતુ ભાંગ, ગાંજો વગેરે પીતા હોય છે. જે પીવાથી ઈશ્વરના વિચાર આવે અને દારૃ પીવાથી તો ખરાબ વિચાર આવે’ મેં મારો અભિપ્રાય રજૂ કર્યો.

‘એક ભજનમાં એવું આવે છે કે ભાંગ કેરી રોટલીને ધતૂરાનું શાક, પીરસે મૈયા પાર્વતી ને જમે ભોળાનાથ.’ ભોગીલાલે પુરાવો રજૂ કર્યો.

‘ભજનમાં, ગીતોમાં લખ્યું હોય તે બધંુ સાચું જ હોય એવું માની લેવું નહીં. એ કોઈ કૈલાસમાં જોવા ગયા નથી. એ કવિઓ પોતાની કલ્પનાના ઘોડા ઉપર સવાર થઈને લખતાં હોય છે.’ મેં હકીકત રજૂ કરી.

‘અત્યારનો કોઈ છોકરો ભજન લખે તો એમ પણ લખે કે બટરવાળો નાન અને પાલકનું શાક, પીરસે મૈયા પાર્વતીને જમે ભોળાનાથ’ ભોગીલાલે મારી વાતને વધુ મજબૂત બનાવી દીધી.

‘લોકો પોતાની કલ્પનાના ભગવાન બનાવે, પોતાની કલ્પનાના વાઘા પહેરાવે, પોતાની કલ્પના પ્રમાણે ભોગ ધરાવે એનો મને કોઈ વાંધો નથી, પરંતુ ભગવાનને છેતરવાનું બંધ કરે તો બહુ સારું.’ મેં કહ્યું.

‘ભગવાનને છેતરવાનું?’ ચંદુભાએ મૌન તોડ્યું.

‘હા… શિવરાત્રીના દિવસે એક જાડા બહેન બે બગલ થેલા બંને ખભા ઉપર લટકાવી મહાદેવના મંદિર આવ્યાં. એમણે આવીને શિવલિંગ પાસે થેલા મુક્યાં. એક થેલામાંથી જીવતી બિલાડી કાઢી.’ મેં કહ્યું.

‘બિલાડી?’ અંબાલાલને આશ્ચર્ય થયું.

‘હા… બિલાડી.. વાઇફ ઓફ બિલાડો. મહાદેવના શિવલિંગને બિલાડી અડાડી અને પાછી થેલામાં મૂકી દીધી. બીજા થેલામાંથી આંતરદેશીય પત્ર, કવર, પોસ્ટકાર્ડ વગેરે કાઢ્યા. એ પણ કોરા નહીં, પરંતુ કોઈના આવેલાં હતાં.’

Related Posts
1 of 277

‘પછી?’

‘એ બધા પત્રો શિવલિંગને અડાડ્યા અને પત્રો થેલામાં મુકી બંને થેલા ખભે લટકાવી ચાલતાં થયાં.’

‘આવું કરવાનું કારણ શું હતું?’ ભોગીલાલ ઉવાચ.

‘મને પણ આ સવાલ થયો એટલે હું એ બહેનની પાછળ દોડ્યો. મેં બહેનને ઊભા રાખીને પૂછ્યું પણ ખરું કે બહેન…. તમે આવું શા માટે કર્યું ? પહેલાં શિવલિંગને બિલાડી અડાડી અને પછી પત્રો અડાડ્યા… આ સાંભળી બહેનજી બોલ્યાં કે, આજે મહાશિવરાત્રી છે અને મને બીલીપત્ર મળ્યા જ નહીં એટલે હું ‘બિલ્લી’ અને ‘પત્ર’ લઈને આવી હતી’ મેં વાત પુરી કરી.

‘મને આ જોઈને હસવું હજારોવાર આવે છે. પ્રભુ… તારા બનાવેલા તને આજે બનાવે છે.’ અંબાલાલે પ્રસંગને અનુરૃપ શાયરી રજૂ કરી માહોલ જમાવી દીધો.

ચંદુભાની હોટલમાં કામ કરતો છોકરો અમારા માટે સ્ટીલના ગ્લાસમાં ભાંગનું શરબત લઈ આવ્યો. હોટલના ગ્રાહકો ચા પીતા હતા અને અમે મિત્રો મહાશિવરાત્રી નિમિત્તે ભગવાન શિવનો પ્રસાદ ગ્રહણ કરતા હતા. ભાંગ અમને કોઈને તો ચડી નહીં, પરંતુ મને ખબર હતી કે ચુનીલાલને ચડી જશે.

‘તું ઇમરાન ખાનને ફોન લગાડ…’ ચુનીલાલે ભાંગના નશામાં ભોગીલાલને હુકમ કર્યો.

‘ફોન લગાડું?’

‘પાકિસ્તાનના વઝીરે-આઝમ ઇમરાન ખાનને ફોન લગાડ.’

‘એમનું તારે શું કામ છે?’ મેં પૂછ્યું

‘મારે ઇમરાન ખાનને કહેવું છે કે તું હિન્દુસ્તાન સાથે યુદ્ધ કરવાનો વિચાર પણ કરતો નહીં, કારણ પાકિસ્તાન જેટલું તેલ ખાવામાં વાપરે છે એટલું તો અમે દર શનિવારે હનુમાનજી ઉપર ચડાવી દઈએ છીએ. પાકિસ્તાન જે રકમ ભીખ માગવા માટે છાલિયું લઈને બીજા દેશોમાં ફરે છે એટલા રૃપિયા તો અમે કલાકાર ઉપર ઉડાડી દઈએ છીએ.’ ચુનીલાલને ભાંગ બરાબર ચડી હતી.

ચુનીલાલે ઇમરાન ખાનને ફોન લગાડવા માટે બહુ આગ્રહ કર્યો એટલે ભોગીલાલે ફોન લગાડવાની એક્શન કરીને કહ્યું કે બંધ આવે છે.

‘બંધ જ આવે ને… બિલ નહીં ભર્યું હોય એટલે કંપનીવાળાએ બંધ કરી દીધો હશે.’ ચુનીલાલ આટલંુ બોલી બેઠા-બેઠા ઊંઘી ગયો.

‘આપણે ધાર્મિક તહેવારો થોડા જુદી રીતે લઈ લીધા હોય એવું લાગે છે. ઉદાહરણ તરીકે જન્માષ્ટમી એટલે જુગાર રમવાનો તહેવાર, મહાશિવરાત્રી એટલે ભાંગ પીવાનો તહેવાર.’

‘૩૧ ડિસેમ્બર એટલે દારૃ પીવાનો તહેવાર…’

‘દારૃ તો હવે દરેક તહેવારમાં અને દરેક પ્રસંગમાં પીવાય છે. આપણા ગુજરાતમાં દારૃબંધી કેવળ નામની જ છે.’ પથુભા બોલ્યા.

‘અમે થોડા દિવસ પહેલાં મુંબઈ ગયા હતા તો ત્યાં ડ્રાય ડે હતો. ડ્રાય ડે હોય એટલે મહારાષ્ટ્રમાં ક્યાંય દારૃ ન મળે.’ ચંદુભા બોલ્યા.

‘એ વખતે મેં કહ્યું કે મહારાષ્ટ્ર કરતાં ગુજરાત નહીં સારું કે અહીંયાં ત્રણસો ને પાંસઠ દિવસ મળે. જે બ્રાન્ડ માગે તે મળે.’ પથુભાએ બળાપો ઠાલવ્યો.

‘મહાશિવરાત્રી હોય તો શિવમહાપુરાણનું પઠન કરીએ, મહાદેવની સાધના, આરાધના અને ઉપાસના કરીએ, એવું પણ ઘણા લોકો કરે છે, પરંતુ એમની સંખ્યા ઓછી છે.’ મેં વિચાર રજૂ કર્યો.

‘લેખકની વાત સાચી છે. આપણે ધાર્મિક તહેવારોને પણ મનોરંજન અને મોજમજાનું બહાનું બનાવી દીધા છે.’ ભોગીલાલે ટેકો કર્યો.

‘ચાલો, આપણે સૌ આજે રાત્રે શિવાલયમાં જઈશું અને મધરાતે બાર વાગે મહાઆરતી સુધી દેવોના દેવ મહાદેવનું નામ-સ્મરણ કરીશું.’

‘જરૃર કરીશું.’ સૌએ સમૂહમાં સંમતિ આપી અને અમે વિખેરાયા.
—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »