તમારા માટે, તમારી સાથે, સતત…

વિમેન્સ વેલેન્ટાઇન-ડે મજા, મસ્તી અને આનંદ

પ્રેમનું વર્ણન કરતાં શબ્દો અંતે તો મૌન જ બની રહે છે

0 515

 – હેતલ રાવ

લો ફરી આવી ગયો પ્રેમને સાર્થક કરવાનો દિવસ, પરંતુ પ્રેમ એક અનુભૂતિ છે, તેને કોઈ પણ વ્યાખ્યામાં બાંધવો શક્ય નથી. પ્રેમનું વર્ણન કરતાં શબ્દો અંતે તો મૌન જ બની રહે છે. છતાંય તેને અભિવ્યક્ત કરવા સતત પ્રયત્ન થતા રહે છે. સમયની સાથે પ્રેમની અભિવ્યક્તિનું સ્વરૃપ અને વ્યાખ્યા બંને બદલાતાં રહે છે. બસ, નથી બદલાતી તો પ્રેમની લાગણી. દરેક વ્યક્તિ પાસે પ્રેમની અલગ જ ભાષા હોય છે અને તેને રજૂ કરવાની અલગ અદા. આપણે પણ આજે અહીં એવી જ મહિલાઓની વાત કરવાની છે જેમની પ્રેમની ભાષા પણ જુદી છે અને પ્રેમનો દિવસ એટલે કે વેલેન્ટાઇન-ડે મનાવવાની રીત પણ.

નિશા આજે સવારથી જ ખૂબ ખુશ હતી અને મનમાં ગીત પણ ગણગણાવતી હતી. પતિ રાજેશે પૂછ્યું, ‘કાં, આજે તો પ્રિયતમા ખૂબ જ ખુશ છે ને, વેલેન્ટાઇન-ડે તો જાણે તમારે જ આવ્યો છે.નિશાએ પણ મીઠો ઠપકો આપતાં કહ્યું, ‘સાચી વાત છે, અમારે જ વેલેન્ટાઇન છે. તમે તો ઑફિસમાંથી પરવારતા નથી, છોકરાઓ એમની રીતે એન્જોય કરે, ત્યારે અમે શું કામ પાછળ રહીએ. એવું જરૃરી તો નથી કે આ દિવસે પતિ ફિયાન્સ કે પછી બોયફ્રેન્ડ સાથે જ ફરવા જવું, કે પછી તેમની માટે જ મનપસંદ વસ્તુ લાવવી, આ તો પ્રેમનો દિવસ છે અને પ્રેમ તો કોઈને પણ કરી શકાય. પછી તે માતા-પિતા હોય, ભાઈ-બહેન હોય, કે સહેલીઓ, કેમ ખરુંને.આટલું સાંભળી રાજેશ બોલ્યો કે ગમે તે હોય, પણ સાચું કહું નિશા, આ તમારું વિમેન્સ ગ્રૂપ જે રીતે એન્જોય કરે છે અને વેલેન્ટાઇન-ડેની ઉજવણીની કરે છે તે જાણી ખરેખર ખૂબ જ સારું લાગે છે. તમે તો પ્રેમની સાચી વ્યાખ્યા જીવો છો. નફરત માટે તો બારે માસ છે, તો પછી પ્રેમ માટે તો એક દિવસ ફાળવવો જ જોઈએ ને. આવી જ વિચારધારા સાથે વુમન્સ ગ્રૂપ વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરે છે. માટે જ અભિયાનએ મહિલાઓના વેલેન્ટાઇન-ડે વિશે જાણવાનો પ્રયત્ન કર્યો.

અંકલેશ્વરમાં રહેતાં દીપ્તિ જોષી પોતાના વિમેન્સ ગ્રૂપ વિશે વાત કરતાં કહે છેે, ‘પ્રેમ એટલે દોસ્તી. લાઇફમાં ફ્રેન્ડ્સ તો જરૃરી છે. મિત્રતામાં જ્યારે એકબીજાને સમજવામાં આવે છે ત્યારે તે અદ્ભુત પ્રેમ બનીને આગળ આવે છે. જીવનમાં જ્યારે સાચા મિત્રોનો સાથ મળી રહે ત્યારે જીવન જાણે કે સંપૂર્ણ બની જાય છે. પ્રેમનો અહેસાસ એ સાચી દોસ્તી જ છે અને આ અહેસાસ જીવનનો સૌથી સુંદર અહેસાસ છે.

આજકાલ કિટી પાર્ટી, પિકનિક કે પછી મહિલાઓ સાથે મળીને ફરવા જાય તે વાત તો સાવ સામાન્ય બની ગઈ છે, પરંતુ અમારું ગ્રૂપ થોડું જુદું છે. છેલ્લાં ૧૫ વર્ષથી અમારી મિત્રતા છે. સામાન્ય રીતે એવંુ બનતું હોય છે કે જ્યારે વધુ મહિલાઓ હોય તો પારકી પંચાત પણ વધુ થાય, પણ અમારા ગ્રૂપમાં એવું નથી. અમારામાંથી કોઈ પણ સહેલી ક્યારેય અન્ય કોઈ સહેલીની નકારાત્મક વાત નથી કરતી. બસ, જ્યારે પણ મળીએ ત્યારે આનંદની આપ-લે કરીએ છીએ. કોઈ પણ મિત્રના ઘરે અમારે જવું હોય તો ફોન કરીને કે પછી વાત કરીને સમય લેવાની જરૃર નથી. કોઈ પણ સહેલી પોતાની મરજીથી ગમે ત્યારે ગમે તે સમયે એકબીજાના ઘરે જઈ શકે છે. અમારો વેલેન્ટાઇન-ડે તો રોઝ-ડેથી જ શરૃ થઈ જાય છે. સહેલીઓ સાથે મળીને દરેક દિવસે એન્જોય કરીએ છીએ અને છેલ્લા ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન-ડે ઉજવીએ છીએ. આ દિવસે અમે કોઈ એક મિત્રના ઘરે કે પછી કોઈ સારા સ્પોર્ટ્સ પર જઈને મજા માણીએ છીએ. અમારી સાથે અમારા બાળકો પણ હોય છે. ગ્રૂપમાં દરેક સહેલી પ્રેમ વિશે બોલે છે અને પોતાના પ્રેમ વિશે વાત પણ કરે છે. હવે એ સમય ગયો કે મહિલાઓને બહાર જવા માટે વિચારવંુ પડતું હતંુ. હવે તો પરિવાર સપોર્ટ કરે છે. સાચે જ આ દિવસ અમારા ગ્રૂપ માટે ખાસ બની રહે છે. આમ તો અમારા ગ્રૂપમાં બધા એકબીજા માટે બેસ્ટ જ છીએ. છતાં એન્જલ શાહ અને હું થોડા વધુ નજીક છીએ.દીપ્તિની વાત વચ્ચે જ કાપતાં એન્જલ કહે છે, ‘થોડા નહીં, ઘણા નજીક છીએ. અમારી દોસ્તી અનેરી છે અને એવું પણ કહી શકીએ કે અમે એકબીજા માટે બેસ્ટ વેલેન્ટાઇન છે. કોઈ પણ વાત હોય, અમે હંમેશાં એકબીજા સાથે શેઅર કરીએ છીએ. જેમાં ખોટું હોય તેને ખોટંુ અને સાચંુ હોય તેને સાચંુ કહેવાનું. મિત્રની પ્રથમ ફરજ છે, પોતાના મિત્રને સાચી રાહ બતાવે. અમે પણ એવંુ જ કરીએ છીએ. અમારા ગ્રૂપમાં પણ આ રીતે જ બધા એકબીજાને સાથ આપે છે.

જ્યારે આ ગ્રૂપનાં રીમા જૈન કહે છે, ‘દોસ્તી કી હૈ તો નિભાની તો પડેગી. આ ફિલ્મી ડાયલોગને અમારા ગ્રૂપે બરોબર રીતે જીવંત રાખ્યો છે. દોસ્તી થાય ત્યારે પ્રેમ થાય છે જ, જરૃરી નથી કે પતિ કે બોયફ્રેન્ડને જ પ્રેમ કરી શકાય. હકીકતમાં તો તમારા જીવનમાં જેટલા અહેમ સંબંધ છે એ બધાને તમે પ્રેમ કરતા હોવા જોઈએ. સાચો પ્રેમ સારી રીતે સંબંધ નિભાવવાની પ્રેરણા આપે છે. માટે વેલેન્ટાઇન-ડે પણ મિત્રોનો છે અને અમારા ગ્રૂપમાં તો એન્જોય કરવા માટે બહાનું જોઈએ, બધા સાથે મળીએ એટલે ખુશી..ખુશી.. અને બસ ખુશી.

Related Posts
1 of 289

આ ઉપરાંત પણ અંકલેશ્વરના વુમન ગ્રુપમાં રીના, પ્રીતિ, ક્રિષ્ના, તો મ્યુઝિકલ ગ્રૂપમાં છાયા પાટકર, શ્યામા શાહ, અલકા બુચ, પ્રતિમા શાહ અને કાશ્મીરાબહેન બધાં સાથે મળી વેલેન્ટાઇન-ડેને ખાસ બનાવે છે. સાચે જ આ ગ્રૂપને જોઈને એવંુ ચોક્કસથી થાય કે લગ્ન પછી, બાળકોના જન્મ પછી અને જીવનના અનેક પડાવ પાર કર્યા પછી જિંદગીને રોક નથી લાગતી, તે તો નિરંતર ચાલ્યા જ કરે છે. ગ્રૂપની વુમન્સનું માનવું છે કે, આનંદ તમારી આજુબાજુ છે. બસ, તમને માણતા આવડવું જોઈએ. સુખ અને દુઃખથી કોઈ બચી નથી શકતંુ. બસ, એ કપરા સમયને ધીરજથી પાર કરવો તે જ સમજણ છે. જીવનને એન્જોય કરો, રડીને બરબાદ નહીં.

સુરતમાં રહેતાં મનીષા બ્રહ્મભટ્ટનું વુમન્સ ગ્રૂપ થોડું જુદું છે. પોતાની સહેલીઓ વિશે વાત કરતાં મનીષા કહે છે, ‘જોબ કરતાં કરતાં ક્યારે અમે સહેલીઓ બની ગયાં અને ક્યારે ગ્રૂપ બની ગયંુ તેની ખબર જ ન રહી. સાતથી આઠ સહેલીઓનું અમારું ગ્રૂપ એકદમ નોખંુ છે. ઘરની, બાળકોની, પરિવારની જવાબદારી નિભાવવાની સાથે ગ્રૂપ પ્રત્યેની જવાબદારી પણ નિભાવીએ છીએ. નાની અમથી ખુશી પણ શેઅર કરીને દરેકના ચહેરા પર હાસ્ય લાવવાનો પ્રયત્ન અમારા ગ્રૂપમાં સતત થતો રહે છે. સમય અંતરાલે પિકનિક, મૂવી તો ક્યારેક કારણ વિના જ બહાર લટાર મારવા નીકળી જઈએ છીએ, પરંતુ વેલેન્ટાઇન-ડે અમારા ગ્રૂપ માટે ખાસ હોય છે. આ દિવસે અમે બધી જ સહેલીઓ સાથે મળીને એન્જોય કરીએ છીએ. પ્રેમના પ્રતીક સમા દિવસે પ્રેમને ભરપૂર જીવીએ છીએ. જીવન છે માટે દરેક દિવસ સરખા નથી હોતા, ક્યારેક ખુશી તો ક્યારેક ગમ હોય છે, પણ આ દિવસે અમે બધંુ ભૂલીને મસ્ત બનીને જીવીએ છીએ. મારી એક મિત્ર મને હંમેશાં કહેતી હતી કે, જ્યારે આપણે દુનિયામાં જન્મ લઈએ છીએ ત્યારે દરેક સગાઈથી બંધાયેલા હોઈએ છીએ અને જ્યારે દુનિયામાંથી જઈએ છીએ ત્યારે પણ દરેક સગાઈને અહીં મુકીને જઈએ છીએ. એક દોસ્તીનો સંબંધ જ એવો છે જે આપણે જાતે પસંદ કરીએ છીએ અને તે મૃત્યુ પછી પણ એવોને એવો જ રહે છે. માટે જો અમારા વેલેન્ટાઇનની વાત કરું તો અમે સહેલીઓ જ એકબીજા માટે સાચી વેલેન્ટાઇન છે. જે ગમે તેવી પરિસ્થિતિમાં હર હંમેશાં સાથે રહે છે.

અમારા ગ્રૂપને તમે પાણીપૂરી ગ્રૂપ, કીટલી ગ્રૂપ કે પછી મોજીલું ગ્રૂપ કહી શકો છોએમ કહેતાં અમદાવાદનાં જ્યોતિ મારૃ કહે છે, ‘મહિલાઓની લાઇફ અનેક પ્રશ્નોથી ઘેરાયેલી હોય છે. તેમને પણ પોતાના માટે સમયની જરૃર હોય છે, પણ એ સમય તેમને મળતો નથી. નાના હોઈએ ત્યારે માતા-પિતાના ઘરે અને પરણીને સાસરીમાં બધાના સમય પ્રમાણે જીવનને સેટ કરવું પડે છે, પરંતુ અમારા ગ્રૂપમાં એવું નથી. અમે વીકમાં એક વાર તો ભેગા થઈએ જ છીએ. કશું ના હોય તો પાણીપૂરી ખાવાની મજા માણી લઈએ, તો ક્યારેક રિવરફન્ટ પર જઈને સાબરમતીના પાણીની ઠંડી લહેરને જીવી લઈએ. અમે સહેલીઓ જ્યારે પણ સાથે હોઈએ ત્યારે એ સમય માત્ર ને માત્ર અમારો હોય છે. તેમાં અમારી વાતો, અમારી ખુશી અને અમારી જ જિંદગી હોય છે. વેલેન્ટાઇન- ડેને પણ અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ, પરંતુ અન્ય દિવસની સરખામણીમાં આ દિવસ અમારી માટે ખાસ બની રહે છે.

આ ગ્રૂપનાં પારૃલ પ્રજાપતિ કહે છે, ‘પ્રેમની પરિભાષાને જીવંત કરવાનો દિવસ એટલે વેલેન્ટાઇન-ડે. પરણિત મહિલાઓ આ દિવસે પોતાના પતિ સાથે બહાર જવાનું પસંદ કરે છે, પરંતુ અમારા ગ્રૂપમાં એવંુ નથી. અમે તો સહેલીઓ સાથે મળી બાળકોને સાથે લઈને એન્જોય કરવા નીકળી પડીએ છીએ. ક્યારેક પિઝા પાર્ટી તો ક્યારેક ચાની ચૂસકી અને સાથે ઘણી બધી ગૉસિપ. હા, ગોસિપ, પણ આ ગોસિપમાં માત્ર ને માત્ર હાસ્ય જ હોય છે. કોઈને હેરાન કરવાની ભાવના નથી હોતી. અમે સહેલીઓ એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખીએ છીએ. માટે કોઈએ પોતાની સમસ્યાને ક્યારેય કહેવાની જરૃર નથી પડતી. અમે સમજી લઈએ છીએ અને એકબીજાને મદદ પણ કરીએ છીએ. જ્યારે જરૃર પડે એકબીજાની મદદ કરવી, કોઈની તકલીફમાં દોડીને ઊભા રહેવું, એકબીજા પર અનહદ ભરોસો આ જ તો પ્રેમ છે. માટે અમારો વેલેન્ટાઇન-ડે તો અમારા વુમન્સ ગ્રૂપને જ સમર્પિત.

આ તો વેસ્ટર્ન કલ્ચર છે. આપણે તો કંઈ આવા દિવસ ઊજવાતા હોય, આ તો સંસ્કાર બગાડવાની વાત છે. સમાજ આવી ઘણી બધી ચર્ચાઓ કરતો હોય છે અને ઘણીવાર તો આ દિવસ માત્ર પ્રેમી યુગલો માટે જ હોય તેવી ધારણા પણ બંધાઈ જતી હોય છે, પરંતુ આ બધી માન્યતાઓને દૂર કરવાની જરૃર છે, કારણ કે ભારતની

સંસ્કૃતિ-સંસ્કારોનો વારસો એટલે મજબૂત છે કે તેને કોઈ તોડી શકે તેમ નથી. આવા લાગણીના દિવસો માત્ર ને માત્ર આનંદ માટે ઉજવાતા હોય છે. જેમાં પ્રેમી યુગલ પોતાની રીતે વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરે છે અને મહિલાઓ પોતાની રીતે. વેલેન્ટાઇન-ડેની ઉજવણીની રીત ભલે જુદી-જુદી હોય, પરંતુ અંતે ભાવના તો પ્રેમની જ છે. 

————————–

Leave A Reply

Your email address will not be published.

Translate »