તમારા માટે, તમારી સાથે, સતત…

ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોની ભીતરની વાત

ફિલ્મોને ટક્કર મારતાં રવિન્દ્ર-શિલ્પાનાં આંતરજ્ઞાતીય લગ્ન

0 246

કવર સ્ટોરી – નરેશ મકવાણા

ભારતમાં જાતીય વ્યવસ્થા અને તેની સાથે જોડાયેલી ખામીઓ કાયમ ચર્ચાનો વિષય રહી છે. એમાં પણ આંતરજ્ઞાતીય લગ્નો આજની તારીખે પણ લોકોમાં કુતૂહલ પેદા કરે છે. ખાસ કરીને યુવક જો કહેવાતી નીચી જાતિનો અને યુવતી ઊંચી જાતિની હોય અથવા તેનાથી વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે વાત વણસી જતી હોય છે. વેલેન્ટાઇન-ડેનાં લાલ ગુલાબ હજુ સુકાયા નથી ત્યારે અહીં કપરી એ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં કેટલાંક યુગલોના જાતઅનુભવોને આધારે સમગ્ર મામલાની ભીતરમાં જવા પ્રયત્ન કરાયો છે.

આ સ્ટોરી જ્યારે તમારા સુધી પહોંચશે ત્યારે વેલેન્ટાઇન-ડે પસાર થઈ ગયો હશે. આપણે ત્યાં છોકરી યુવાન થતાં જ સૌથી પહેલાં તેના પિતાના કપાળે ચિંતાની રેખાઓ ઉપસવા માંડતી હોય છે. લગ્ન માટે રૃપિયા ક્યાંથી આવશે, તેનાથી મોટી ચિંતા એ હોય છે કે પોતાની જ જ્ઞાતિમાં સારો છોકરો કેવી રીતે મળશે? તેનાથી વિરુદ્ધ જ્યારે બે અલગ-અલગ જાતિનાં છોકરા-છોકરીઓ વચ્ચે પ્રેમ થાય છે ત્યારે તેઓ વિચારતા હોય છે કે, ‘આપણા લગ્ન થઈ શકશે કે નહીં? મમ્મી-પપ્પા માનશે કે નહીં? કાકા-કાકી, મામા-માસી, દાદા-દાદી તો સૌથી વધુ વાંધો ઉઠાવશે, ત્યારે શું કરીશું? પોલીસ કેસ કરીને એકબીજાના પરિવારને ફસાવી દેશે તો? ક્યાંક કોઈ પરિવારજન પર હુમલો કરાવશે અથવા ઘેર આવીને મારામારી કરશે તો?’

અહીં જો તમે એમ વિચારી રહ્યા હો કે વેલેન્ટાઇન-ડે જેવા દિવસે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ઉઠાવવાની એવી શું જરૃરિયાત ઊભી થઈ? તો જાણી લો કે આજે પણ દેશમાં નાનાં-મોટાં શહેરોમાં અને ગામડાંઓમાં આંતરજ્ઞાતીય લગ્નોના કારણે ખૂન થઈ જવા સામાન્ય છે. લોકો જાહેરમાં ભલે ગમે તેટલા મોકળા મનના હોવાનો દાવો કરે, પણ આંતરજ્ઞાતીય લગ્નો સ્વીકારતા હજુયે ખચકાય છે. આખી બાબતને સમજવા પહેલાં ભારતમાં આંતરજ્ઞાતીય લગ્નોની સ્થિતિ વિશે કેટલીક સામાન્ય જાણકારી મેળવી લઈએ, જે અમેરિકાની પ્રિંસિન્ટન યુનિવર્સિટીએ ભારતનાં જુદાં-જુદાં રાજ્યોનાં  ૪૩, ૧૦૨ પરિણીત યુગલો પર હાથ ધરેલા અભ્યાસ પર આધારિત છે.

ભારતમાં ૧૦ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે
આ અભ્યાસમાં જે સૌથી મોટી વાત સામે આવી છે તે એ કે, ભારતમાં માત્ર ૧૦ ટકા લગ્નો જ આંતરજ્ઞાતીય હોય છે અને માત્ર ૨.૧ ટકા આંતરધર્મીય. ભારતનાં મોટાં શહેરોમાં સૌથી વધુ આંતરજ્ઞાતીય લગ્નો થાય છે, એ પછી બીજા નંબર પર ૩-ટીયર શહેરો આવે છે અને છેલ્લે કસ્બા અને ગામડાં. એવું માનવામાં આવે છે કે આંતરજ્ઞાતીય લગ્નોની શરૃઆત મુંબઈથી થઈ હતી. ૧૯૬૩માં ત્યાં સૌથી વધુ ૧૪૯ આંતરજ્ઞાતીય લગ્નો થયાં હતાં. આંતરજ્ઞાતીય લગ્નનો સીધો અર્થ પ્રેમલગ્ન થાય છે, જે સાચું પણ છે. કેમ કે દેશમાં થતાં કુલ આંતરજ્ઞાતીય લગ્નો પૈકી ૯૬.૫ ટકા પ્રેમલગ્ન હોય છે. હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન જેવાં અનેક રાજ્યોમાં ઓનર કિલિંગમાં સૌથી મોટું કારણ આંતરજ્ઞાતીય લગ્ન જ હોય છે અથવા તો એમ કહી શકાય કે બીજી જાતિમાં લગ્નને કારણે જ આવી ઘટનાઓ બને છે. આંતરજ્ઞાતીય લગ્નોમાં ૫.૫૮ ટકા મહિલાઓ પોતાનાથી નીચી જાતિના પુરુષ સાથે લગ્ન કરે છે, જ્યારે પુરુષોમાં આ ટકાવારી ૫.૩૮ હતી. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે શિક્ષિત અને ઉચ્ચ વર્ગમાં લગ્ન વખતે જાતિનું ફેક્ટર બહુ મહત્ત્વ નથી ધરાવતું, પણ એ વાત ખોટી છે. ભારતમાં સામાજિક અને આર્થિક રીતે વિકસિત રાજ્યોમાં દક્ષિણ ભારત ગણાય છે અને ત્યાં માત્ર ૯.૭૧ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થાય છે. આ મામલે ગોવા સૌથી આગળ છે, જ્યાં આ ટકાવારી ૨૦.૬૯ છે. સૌથી ઓછાં આંતરજ્ઞાતીય લગ્નો મેઘાલયમાં (૨.૦૪) થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ મામલે હિન્દુ મહિલાઓ કરતાં મુસ્લિમ મહિલાઓ આગળ છે. એમાં પણ અંદાજિત ૧૪ ટકા મુસ્લિમ મહિલાઓ એવી છે જેમણે નીચી કહેવાતી જાતિના પુરુષ સાથે લગ્ન કર્યાં હતાં. અભ્યાસ મુજબ પંજાબમાં ૧૫થી ૧૯ વર્ષની ઉંમરમાં સૌથી વધુ ૩૫ ટકા આંતરજ્ઞાતીય લગ્નો થયેલાં. જેમાં ૨૬ ટકા છોકરીઓ પોતાનાથી નીચી જાતિના છોકરાને પરણેલી. એ રીતે પંજાબી કુડીઓ ગમતો છોકરો પસંદ કરવામાં સૌથી અગ્રેસર છે. અહીં મજાની વાત એ હતી કે પુરુષ જેટલો વધુ ભણેલો હોય, એટલી તેના આંતરજ્ઞાતીય લગ્નની શક્યતાઓ ઓછી હોય છે. જેની સામે વધુ ભણેલી મહિલાઓ આંતરજ્ઞાતીય લગ્ન પસંદ કરતી હતી. આંકડાઓ પ્રમાણે વર્કિંગ વુમન, નોન વર્કિંગ વુમનની તુલનામાં આંતરજ્ઞાતીય લગ્ન માટે ૭૮ ટકા વધુ તત્પર હતી.

સ્ત્રી – પુરુષ બંનેએ ભોગવવા તૈયાર રહેવું પડે છે
આપણે ત્યાં મોટા ભાગની સમસ્યાઓની જેમ આંતરજ્ઞાતીય લગ્નમાં પણ સૌથી વધુ ભોગવવાનું સ્ત્રીએ આવે છે. જો કન્યા નીચી જાતિની હોય તો ઘરમાં તેને માનસન્માન મળતું નથી. પરિવારની અન્ય મહિલાઓ તેની સાથે પારકા જેવો વ્યવહાર કરે છે. ખાસ કરીને ધાર્મિક કે સામાજિક પ્રસંગે તેની સદંતર અવગણના કરવામાં આવે છે. આવી વહુઓને પરિવારના સભ્યોના દિલમાં જગ્યા બનાવવા ઘણો સંઘર્ષ કરવો પડે છે.

અનિતા(નામ બદલ્યું છે) ઉચ્ચ શિક્ષિત છે અને વ્યવસાયે શિક્ષિકા છે. તે સવર્ણ જાતિના એક યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્નના પોતાના નિર્ણયને દુઃસ્વપ્ન માનતાં કહે છે, ‘મારી જાતિને લઈને પરિવારના સભ્યો, સગાસંબંધીઓ સતત અપમાનજનક વ્યવહાર કરે છે. હું કમાતી હોવા છતાં મારાં સાસુ-સસરા, નણંદ બધાં જાતિસૂચક ટોણા મારતાં રહે છે.પોતાની વાત આગળ વધારતાં અનિતા કહે છે, ‘છોકરી જ્યારે અપર કાસ્ટમાંથી આવતી હોય છે ત્યારે તે સાસરિયાંમાં સન્માન મેળવતી હોય છે, કારણ કે તે ઉચ્ચ સમાજમાંથી નિમ્ન તરફ જાય છે. સામે દલિત કે આદિવાસી સમાજની દીકરી આ રીતે લગ્ન કરીને ઊંચી જાતિમાં જાય ત્યારે તેનો પતિ કે સાસરિયાં અન્યોને તેની જાતિને કારણે ઓળખાણ પણ કરાવતા નથી. બરાબર એવો જ અનુભવ નીચી જાતિના યુવકને તેનાં સાસરિયાંમાં જતી વખતે થતો હોય છે.

જમાઈપૂરતું તેઓ સાચવી લેતા હોય છે, બાકી બે વેવાઈ કે કુટુંબો વચ્ચે જે વ્યવહાર હોવો જોઈએ તેવો ક્યારેય બંધાતો નથી. જમાઈ-દીકરી સિવાય એકેય કુટુંબીજનને સારા કે માઠા પ્રસંગે બોલાવાતા નથી.

અમદાવાદની સુરભિ શર્મા કે જેણે ગૌરવ મહેરિયા સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં છે તે પોતાનો અનુભવ શેઅર કરતાં કહે છે, ‘છોકરો જો ઊંચી જાતિની કન્યા સાથે પરણવાનો હોય તો બહુ સમસ્યા નડતી નથી, પણ જો તેનાથી ઊંધું થાય તો સ્થિતિ વકરે છે. મારી મમ્મી શિક્ષિકા છે અને પિતા સરકારી કર્મચારી છે. જ્યારે ગૌરવની માતા માંડ ૬ ધોરણ ભણ્યાં છે. છતાં વાત જ્યારે આધુનિક વિચારસરણીની વાત આવે ત્યારે મારા સાસુ મને વધારે એડવાન્સ લાગ્યા છે. તેમણે ક્યારેય મારા પર કોઈ વાત થોપી નથી. મને દરેક પ્રકારની સ્વતંત્રતા આપી છે. જેની સામે મારો પરિવાર આટલું બધું ભણ્યા પછી પણ આ બાબતમાં સાવ પછાત વિચારસરણી ધરાવતો હતો.

Related Posts
1 of 258

સુરભિ અને ગૌરવની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. ગૌરવ દલિત સમાજમાંથી છે જ્યારે સુરભિ દિલ્હીની બ્રાહ્મણ કન્યા. પ્રેમમાં પડ્યા બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું કે તરત ગૌરવે સંભવિત તમામ જોખમોથી સુરભિને વાકેફ કરી દીધેલી. એ સમય યાદ કરતાં સુરભિ કહે છે, ‘એ વખતે મને જાતિની વાતો સમજાઈ નહોતી, કેમ કે મારે કદી તેનો સામનો કરવાનો આવ્યો નહોતો. તેમણે પહેલાં જ મને તેમની જાતિ ઘરબાર, રીતિરિવાજો વિશે સ્પષ્ટતા કરી દીધેલી. પોતાના ઘરમાં વહુએ સાડી પહેરવી, ઘરનું કામ કરવું ફરજિયાત હોય છે એ પણ કહ્યું. મને આ વાત સૌથી વધારે સ્પર્શી ગઈ કેમ કે, તેની જગ્યાએ બીજો કોઈ છોકરો હોત તો મને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરત, તેની જગ્યાએ આ માણસ ગંભીર વાતો કરી રહ્યો હતો. બીજી મહત્ત્વની વાત એ હતી કે બીજા છોકરાઓની જેમ તેઓ કદી મારી સાથે ફ્લર્ટ નહોતા કરતા. તેમની આ પ્રામાણિકતા મને ગમી ગયેલી. હકીકત જાણ્યા પછી મને ખબર પડી ગઈ કે મારા પપ્પા ક્યારેય અમારા લગ્ન માટે રાજી નહીં થાય. કેમ કે અમે વસિષ્ઠ બ્રાહ્મણ છીએ. નીચી જાતિના કોઈ મિત્ર સાથે મારી મિત્રતા પણ પરિવાર સાંખી ન લે. અગાઉ મારા ઘરની બાજુમાં એક દલિત શિક્ષિત પરિવારનું ઘર હતું તેની સામે પપ્પાએ દીવાલ ચણાવી લીધી હતી. એ સ્થિતિમાં મેં નક્કી કર્યું કે પહેલાં ગૌરવ સાથે પરિવારની મુલાકાત કરાવી દેવી પછી જાતિ વિશે વાત કરીશું. એટલે મેં ગૌરવ મનેરિયા બ્રાહ્મણ છે તેમ કહીને ઘેર બોલાવ્યા. તેમની જોબ, આવક, પરિવાર વિશે વાતો થયા પછી પપ્પાએ જાતિ વિશે સવાલ કર્યો. અમે પહેલેથી નક્કી કર્યંુ હતું કે પપ્પા પૂછશે પછી બધું જ સાચું કહી દઈશું, જેથી ખોટી ઇમેજ ઊભી ન થાય. તરત ગૌરવે પોતાની હકીકત વર્ણવી દીધી. એ જાણીને મમ્મીને આંચકો લાગ્યો, તે ઊઠીને ઘરમાં જતી રહી. પણ પપ્પાએ જવાબ આપ્યો કે અમને બીજો કોઈ વાંધો નથી, પણ મારી એક જ દીકરી છે અને મારે અમારી જાતિમાં જ તેનાં લગ્ન કરવા છે. એ પછી મારે ત્રણ છોકરા જોવાના થયા જે દરેકને મેં કોઈને કોઈ બહાનું કાઢીને નકારી કાઢ્યા એટલે પપ્પાને ખ્યાલ આવી ગયો કે હું ગૌરવના કારણે આવું કરી રહી છું. અમારે બોલાચાલી થઈ અને કોઈ પણ સંજોગોમાં ગૌરવ સાથે મારા લગ્ન નહીં થાય તેમ કહી દીધું. એ પછી અમારી વચ્ચે તિરાડ પડી ગઈ. ઘરમાં રહેતી હોવા છતાં કોઈ મારી સાથે વાત ન કરે. જમતી વખતે ટોણા મારવા શરૃ થયા એટલે મેં ઘેર જમવાનું પણ બંધ કરી દીધું અને નોકરી શરૃ કરી. આ બધાં ટેન્શનના કારણે હું ડિપ્રેશનમાં આવી ગયેલી. ઑફિસમાં પણ હું કશા જ કારણ વિના રડવા માંડતી. શરૃઆતમાં અમે નક્કી કર્યું હતું કે લગ્ન તો કરવા છે, પણ ભાગવું નથી, પણ લાંબો સમય વીત્યો છતાં કશો રસ્તો ન નીકળ્યો એટલે એક તબક્કે અમે ભાગી જવાનું નક્કી કર્યું, પણ એ જ દિવસે દિલ્હીમાં મારા દાદી ગુજરી ગયાં એટલે પ્લાન કેન્સલ થયો, પણ આનાથી સારી વાત એ બની કે મારા કાકાનો દીકરો અમદાવાદ આવ્યો. તેણે પોતે ઇન્ટરકાસ્ટ મેરેજ કર્યાં હતાં તેથી મેં ગૌરવ સાથે તેની મુલાકાત કરાવીને અને આખરે તેણે પપ્પાને કોર્ટ મેરેજ માટે મનાવી લીધાં. અમારાં લગ્નના દિવસે કોર્ટનું દ્રશ્ય જોરદાર હતું. એક તરફ મારો પરિવાર બીજી તરફ ગૌરવનો, પણ એકેય નજર ન મેળવે.

સુરભિના પતિ ગૌરવ મહેરિયા આંતરજ્ઞાતીય લગ્ન બાબતે કહે છે, ‘સમાજનો દ્રષ્ટિકોણ હજુ બદલાયો નથી. તેઓ આજે પણ આંતરજ્ઞાતીય લગ્નને ગુના તરીકે જ જુએ છે. લોકો સમજી શકતાં નથી કે બે અલગ જાતિનાં યુવક-યુવતી લગ્ન કરે તો શરૃઆતમાં સાંસ્કૃતિક સમસ્યા તો રહે જ, પણ તે સમય સાથે ઉકેલાઈ જતી હોય છે. આ સ્થિતિમાં સમાજની ફરજ એ હોવી જોઈએ કે આવા યુગલને સહકાર આપે, પણ તેની જગ્યાએ તેઓ સતત તેમની ખોદણી કર્યાં કરતાં હોય છે. અનુભવે મને લાગે છે કે, આંતરજ્ઞાતીય લગ્નોમાં ઊંચી જાતિની છોકરી નીચી જાતિના છોકરા સાથે લગ્ન કરે છે તેને છોકરીનો પરિવાર ગમે તેટલા આધુનિક હોય તો પણ સ્વીકારતો નથી. સમાજમાં એવી છાપ પડી ગઈ છે કે, અમુક જાતિના લોકો આવા જ હોય. આ માનસિકતા નજીકના ભવિષ્યમાં તો તૂટે એવી કોઈ શક્યતા મને દેખાતી નથી.

ફિલ્મોને ટક્કર મારતાં રવિન્દ્ર-શિલ્પાનાં આંતરજ્ઞાતીય લગ્ન
ઈન્ટર કાસ્ટ મૅરેજમાં યુગલે કઈ હદે સમાજ સામે સંઘર્ષ કરવો પડતો હોય છે તેનું સૌથી મોટું ઉદાહરણ સુરેન્દ્રનગરનાં રવીન્દ્ર અને મહુવાની શિલ્પાનું છે. તેમનાં લગ્ન કોઈ મસાલા ફિલ્મોને પણ ટક્કર મારે તેવાં છે. બંનેની મુલાકાત ફેસબુક પર એક તકરારથી થયેલી જે આગળ જતાં પ્રેમ અને હવે અનેક પડકારોનો સામનો કર્યા પછી લગ્નમાં પરિણમી છે. શિલ્પા ક્ષત્રિય જ્યારે રવિન્દ્ર દલિતોની ચમાર જ્ઞાતિમાંથી. એ દિવસો યાદ કરતાં શિલ્પા કહે છે, ‘મને તો એ વખતે દલિત કોને કહેવાય તે પણ ખબર નહીં. હું નાની હતી ત્યારે ફલાણાના છોકરાને અડાય નહીં, તેની સાથે રમાય નહીં તેવું સમજાવાતું, પણ તે જાતિવાદ કહેવાય એ રવિન્દ્ર સાથે પ્રેમ થયા બાદ સમજાયું. મિત્રતાના દોઢ વર્ષ પછી હું તેને મળી. રૃબરૃ મળ્યાને અંતે હું સ્પષ્ટ થઈ ગઈ કે, આ માણસ ગમે તેવી સ્થિતિમાં પણ મને સાચવી લેશે. પણ મને ચિંતા એ વાતની હતી કે હતી કે અપહરણના ખોટા કેસમાં રવિન્દ્ર ફસાઈ ન જાય. એટલે મેં લગ્ન કરીને તરત રજિસ્ટર્ડ એડીથી ઘેર જાણ કરી દીધેલી. મારા પપ્પાનું નામ બહુ મોટું છે. વળી તેઓ કાયદો જાણતા હોઈ તેમને ખ્યાલ આવી ગયેલો કે હવે કશું કરવામાં માલ નથી. જોકે કુટુંબના બીજા લોકો હજુ મને ધમકી આપ્યા કરે છે કે તું મળીશ ત્યારે મારી નાખીશું. અગાઉ કેટલાક ગુંડાઓ મારા ઘર સુધી આવી ગયેલા, પણ મેં રાડો પાડીને આસપાસની મહિલાઓને ભેગી કરી એટલે બધા ભાગી ગયેલા. તમે નહીં માનો આંતરજ્ઞાતીય લગ્નને કારણે અત્યાર સુધીમાં અમારે ૨૫ જેટલાં મકાનો બદલવા પડ્યાં છે. જોકે હવે અમે નક્કી કરી લીધું કે છુપાઈને રહેવું નથી. જેને જે કરવું હોય તે કરી લે. કમ સે કમ અમારી સાથે ખોટું થઈ રહ્યું છે તેનો લોકોને ખ્યાલ તો આવશે.’

રવિન્દ્ર કહે છે, ‘આપણે સમાજ કહીએ છીએ તેમાં હજુયે જ્ઞાતિ-જાતિવાદ એટલો કટ્ટર છે કે તેઓ અમારા લગ્નને પચાવી શકતા નથી. પ્રેમ લગ્નનો ટેગ લાગે એટલે ખરાબ જ હોય એ માનસિકતા હજુયે એવીને એવી જ છે. ફિલ્મોમાં બધું સારું લાગે બાકી વાસ્તવિકતા ભારે ગંદી છે. સભ્યતા અને સંસ્કૃતિના નામે મોકળા મનનાં યુવક યુવતીઓની બલિઓ ચડાવાય છે. સમાજનો ઈગો હર્ટ થઈ જાય છે કે, તમે અમારું નક્કી કરેલું કેમ ન તોડી શકો? આજે પણ હું વતનમાં જાઉં ત્યારે વિરોધીઓ જાહેરમાં કહે છે કે, આને મારી નાખો જેટલો ખર્ચ થશે તે હું આપીશ. આ આપણો સમાજ છે.

આ સમસ્યા સામે લડવા રવિન્દ્ર અને શિલ્પાએ એક સરસ કેમ્પેઇન શરૃ કર્યું છે. તેઓ માને છે કે દુનિયામાં ક્યાંય પણ જઈએ આપણી ઓળખ તો ભારતીય તરીકેની છે. તો શા માટે આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે નામની પાછળ અટકને બદલે ભારતીયન લગાવીએ? આમ વિચારીને તેમણે છેલ્લાં બે વર્ષથી પોતાની અટક ત્યજી દઈને નામ પાછળ ભારતીયલખવાનું શરૃ કર્યું છે. એ ટ્રેન્ડને હવે સોશિયલ મીડિયા પર હજારો લોકોએ અપનાવ્યો છે. આ વર્ષે તેમણે વેલેન્ટાઇન-ડે પર યુગલોને હેરાન કરતાં લોકોને ગુલાબનું ફૂલ આપીને દિલ જીતવાની ઝુંબેશ શરૃ કરી છે. જેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

એક ક્લાસ વન અધિકારીની પ્રેમ કહાની
અમદાવાદ ઓલ ઇન્ડિયા રેડિયોના ક્લાસ વન ઓફિસર ભરત દેવમણિનાં આંતરજ્ઞાતીય લગ્ન છેક ૧૯૯૧માં થયેલાં. જોકે આજે ૨૭ વર્ષ પછી પણ તેમને સ્થિતિ બહુ સુધરી હોય તેમ લાગતું નથી. એ દિવસો યાદ કરતાં ભરત દેવમણિ કહે છે, ‘હું રાજપુર-ગોમતીપુરની ચાલીમાં રહું. જ્યારે મારી પત્ની ભાવના ખાડિયાની ચુસ્ત વૈષ્ણવ. અમે કૉલેજ દરમિયાન પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે જ મેં તેને ભયસ્થાનો બતાવતાં કહેલું કે, જેવા તું મારી સાથે લગ્ન કરીશ કે તરત તારો સમાજ તને તરછોડી દેશે. કેમ કે મારી જાતિ, રીતિરિવાજો, સમાજ વ્યવસ્થા વગેરે તેનાથી તદ્દન સામા છેડાના છે, પણ પ્રેમ અકબંધ હતો એટલે કોર્ટ મૅરેજ કરી લીધેલાં. જેનાથી પિતાજી ભારે નારાજ થયા. તેમને ચિંતા એ હતી કે મેં ભાવનાને અમારી જાતિ વિશે નહીં જણાવ્યું હોય. એમના મનનું સમાધાન કરવા આખરે હું તેને અમારા ચાલીના ઘેર લઈ આવ્યો. જ્યાં પિતાજીએ તેને અસ્પૃશ્યતા, જાતિગત સમસ્યાઓ અને રીતિરિવાજોને લઈને ખૂબ ડરાવી, પણ ભાવનાએ પોતે બધું જાણતી હોવાનું કહ્યું ત્યારે તેમનો જીવ હેઠો બેઠો. અમે બંને અમદાવાદમાં ઉછરેલાં અને પ્રેમ લગ્ન કરેલાં એટલે એવું માનતાં હતાં કે સમાજ ઘણો ઉદાર છે, પણ ગામડાંના બે પ્રસંગોએ અમને વાસ્તવિકતાની ધરતી પર લાવી દીધેલાં. બનેલું એવું કે, અમારે લગ્ન પછી ગામડે જવાનું થયેલું. જ્યાં બકરીનાં દૂધની ચા, એ પણ ગોળ નાખીને બનાવે. તે ચા પીતી નહોતી. છતાં મેં તેને સમજાવ્યું કે, ‘જો તું આ ચા નહીં પીએ, તો આ બધાં એવું માની બેસશે કે તું એમનાથી અસ્પૃશ્યતા પાળે છે.આથી તેણે જેમ-તેમ કરીને પણ બધાં જ ઘેર જઈને ચા પીધી. ત્યારે જ કુટુંબીજનો તેને સ્વીકારતાં થયાં. એ દરમિયાન એક-બે નાની છોકરીઓ વારંવાર ભાવનાને અડકીને તરત ઘરમાં દોડી જતી હતી. મને નવાઈ લાગી એટલે હું તેમની પાછળ ગયો. ત્યાં જઈને જોયું તો બંને છોકરીઓ તેની માને કહી રહી હતી કે, ‘ભરત કાકાની વહુ તો આપણને અડવા પણ દે છે. એ બીજાં જેવા નથી હો!‘- ત્યારે મને સમજાયું કે હજુ સ્થિતિ ઠેરની ઠેર છે. નાના બાળકમાં અસ્પૃશ્યતાની જડ જ્યાં આટલી મજબૂત હોય ત્યાં બીજાની તો શું વાત કરવી.

ભરત દેવમણિનાં આંતરજ્ઞાતિય લગ્નને કારણે તેમનાં સાસરિયાંમાં સસરાની હાજરીમાં કોઈ તેમનાં પત્નીનું નામ પણ લઈ શકતું નહોતું. એક દિવસ અચાનક તેમના સસરાનું હાર્ટઍટેકથી મૃત્યુ થઈ ગયું એટલે બંનેને બોલાવાયા. તેમનાં પત્ની પરિવારને દસ વર્ષ પછી મળ્યાં. એ પછી તેમને પણ બોલાવાયા. એ વખતે તેમની નોકરી નોર્થઈસ્ટમાં હતી. તેઓ આવ્યા, મળ્યા અને પછી સંબંધો સુધરી ગયા. કહેવાનો મતલબ એટલો જ કે, અમુક સમાજ, તેના લોકો વિશે ધારી લીધેલી માન્યતાઓ તૂટી એટલે બંને પરિવારો નજીક આવી શક્યા.

પત્રકારત્વનું શિક્ષક યુગલ આંતરજ્ઞાતીય લગ્નની મિસાલ
આંતરજ્ઞાતીય લગ્નનું આવું જ એક મોટું ઉદાહરણ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ ડૉ. સોનલ પંડ્યા અને ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષક ડૉ. અશ્વિન ચૌહાણનું છે. આજે તેમના સફળ લગ્નજીવનને જોઈને તેમના અડધો ડઝન વિદ્યાર્થીઓ પણ આંતરજ્ઞાતીય લગ્ન કરીને સુખી જીવન જીવી રહ્યાં છે. સામાન્ય રીતે આમ લગ્ન કરવાનું પણ કોઈ વિચારતું નથી ત્યાં આ કેવી રીતે શક્ય બન્યું? તેનો જવાબ આપતાં ડૉ. સોનલ પંડ્યા કહે છે, ‘બાળકને પ્રેમ કરવો, તેની સ્વતંત્રતાનો આદર કરવો એ માટે હું મારાં માતાપિતાને આદર્શ માનું છું. બાળકને પ્રેમ તો દરેક પેરેન્ટ્સ કરતાં હોય છે, પણ તેની સ્વતંત્રતાનો આદર નથી કરતાં, મારા પેરેન્ટ્સે કર્યો એટલે હું અશ્વિન સાથે લગ્ન કરી શકી. મને લાગે છે માણસ સાથે તમને પ્રેમ હોય તો કોઈ સાંસ્કૃતિક વિરોધાભાસ નડતો નથી. એટલે આપણી લગ્ન સંસ્થાઓએ એ વહેમમાંથી બહાર નીકળવાની જરૃર છે કે જ્ઞાતિમાં લગ્ન થાય તો કલ્ચરલ ડિફરન્સીસનો સામનો ન કરવો પડે. એનો અર્થ એવો નથી કે મને કલ્ચરલ ડિફરન્સીસ જરાય નથી નડ્યા, પરંતુ આજે જુદી રીતે વિચારતી દ્રોપદીઓની જરૃર છે, જે લાયક હોવા છતાં કર્ણને સૂતપુત્ર કહીને સ્વયંવરમાં બેસાડી ન દે. અહીં માણસ હલકો ભારે હોઈ શકે, જ્ઞાતિ નહીં. સંસ્કારિતા અને સજ્જનતા પર કોઈ જ્ઞાતિનો ઇજારો નથી. સમજણ અને કેટલાંક મૂલ્યો સાથે પ્રેમમાં પડ્યા પછી જીવનમાં ઊભા થવાય એ જ સાચો પ્રેમ. અશ્વિન માટે હું એવું માનું છું કે, અઢળક પ્રેમ સાથે તેણે મને અનહદ સ્વતંત્રતા આપી છે. આ સમજ અને સંવેદનાને જ્ઞાતિગત ચશ્માથી મૂલવવી તે એક સામાજિક પછાતપણુ છે. અહીં શિક્ષણ કરતાં પણ તમારી સંવેદના વધારે મહત્ત્વની છે. આજની તારીખે પણ આંતરજ્ઞાતીય લગ્નોને લઈને પરિસ્થિતિ બહુ બદલાઈ નથી તેની પાછળનું કારણ દેશની શિક્ષિત પછાતોની એક મોટી જમાત છે. આ એવા લોકો છે જે ભણ્યા છે, પણ તેમની સમજણ-સંવેદનાનું વિશ્વ બહુ નાનું છે. એ સ્થિતિમાં ખુલ્લા મનથી વિચારી શકે એવી યુવાપેઢી તૈયાર કરવી એ જ સમસ્યાનો ઉકેલ છે.

છેલ્લે સમાજશાસ્ત્રી ડૉ. ગૌરાંગ જાની પાસેથી આ સમસ્યા હજુયે ટકી રહેવા પાછળનાં કારણો અને આંતરજ્ઞાતીય લગ્નોના ભવિષ્ય વિશે જાણીને વાત પુરી કરીએ. તેમના મતે, ‘આંતરજ્ઞાતીય લગ્નોની સંખ્યા વધતી નથી તેનું મોટામાં મોટું કારણ હજુ પણ લોકોનું પોતાની જ્ઞાતિમાં લગ્ન કરવાનું વલણ અને મજબૂત વિચારધારા છે. આપણે ત્યાં રજપૂતોને બાદ કરતાં સદીઓથી મોટા ભાગની જ્ઞાતિઓનું લગ્નો કરવાનું ભૌગોલિક વર્તુળ નક્કી છે. દરેકનાં લગ્ન કરવાનાં, ક્યાં છોકરી અપાય અને લવાય તેના ગામ નક્કી છે. વળી, છેલ્લાં થોડાં વર્ષોમાં જીવનસાથી પસંદગી મેળા, સમૂહ લગ્નો વગેરેને લીધે જ્ઞાતિ પરિબળ વધુ મજબૂત થયું છે. આમ પણ લગ્ન આપણે ત્યાં એવી બાબત છે જે કદી જ્ઞાતિને તોડતી જ નથી. આ બધું તોડવાની જેમના માથે જવાબદારીઓ હતી તેવી શિક્ષણ જેવી સેક્યુલર સંસ્થાઓ તેમાં નિષ્ફળ ગઈ. અનેક યુવક-યુવતીઓ ૪-૫ વર્ષ સાથે ભણે છે છતાં લગ્નો તો છેલ્લે જ્ઞાતિમાં જ થાય છે જે તેની નિષ્ફળતા દર્શાવે છે. ધર્મ પણ આમાં મહત્ત્વનો છે. હું માનું છું કે બ્રાહ્મણ અને જૈન, પટેલ અને બ્રાહ્મણ વચ્ચેનાં લગ્ન પ્રેમ લગ્ન છે, આંતરજ્ઞાતીય લગ્ન નથી. પ્રેમ લગ્નો પણ ઉચ્ચવર્ણમાં જ થાય છે. એટલે જ્ઞાતિ ફેક્ટર પ્રેમને પણ નિયંત્રિત કરે છે. આ સમસ્યાનો ઉકેલ મને લાગે છે નવી પેઢી લાવશે. તે ધીમે-ધીમે અનેક પ્રકારનાં બંધનો ફગાવતી જાય છે. ફેમિલીની અસર તેના પરથી ધીમે-ધીમે ઘટવા માંડી છે. એ રીતે જ્ઞાતિની અસર પણ ઘટશે. જેમ-જેમ વિભક્ત કુટુંબો વધશે તેમ સિનિયર પેઢીનો કંટ્રોલ તેમના પરથી જતો રહેશે. એ રીતે વડીલોનું નિયંત્રણ ઘટશે એટલે જ્ઞાતિનું પણ ઘટશે. આમ હવે જે લોકો માબાપ બનશે એ જ્ઞાતિજાતિની ચુંગાલમાંથી બહાર નીકળશે. અર્થતંત્ર જેમ બદલાશે, સ્થળાંતર થશે, નવા લોકો સાથે હળવા-મળવાનું જેમ વધશે તેમ આંતરજ્ઞાતીય લગ્નોની હાલની પરિસ્થિતિમાં સુધારો થશે. એટલે નવી પેઢી પર જ બધો મદાર રહેલો છે.

—————–

Leave A Reply

Your email address will not be published.

Translate »