તમારા માટે, તમારી સાથે, સતત…

આટલી બધી આત્મહત્યાઓ શા માટે ?

૨૦૧૮નું વીતેલું વર્ષ આત્મહત્યાઓનું રહ્યું એમ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી.

0 398

કવર સ્ટોરી – વિનોદ પંડ્યા

૨૦૧૮નું વીતેલું વર્ષ આત્મહત્યાઓનું રહ્યું એમ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. કેમ કે, દુનિયાની કુલ આત્મહત્યાઓમાં ભારતનો ફાળો વધ્યો છે એવું આંકડાઓ કહે છે. પૈસાની તંગી, બેરોજગારી, દેવું, દહેજ, પ્રેમમાં નિષ્ફળતા, શારીરિક પીડા, અસાધ્ય બીમારી અને ડિપ્રેશન સહિતનાં કારણો તેના માટે જવાબદાર ઠર્યાં છે. આપણા માટે આ બાબત ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે, વિશ્વભરનો આત્મહત્યાનો દર ઘટ્યો છે, પરંતુ ભારતમાં તેનું પ્રમાણ ટકાવારીની દ્રષ્ટિએ ઘટવા છતાં સંખ્યાની રીતે ઓછું નથી. એ સ્થિતિમાં આત્મહત્યાનો મુદ્દો સ્વાભાવિક રીતે જ મહામંથન માંગી લે છે…

સુરતમાં દોઢ-બે વરસ પૂર્વે એક ડૉક્ટર કન્યાએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલાં એણે એક ચિઠ્ઠી લખી હતી. તેમાં એણે એની ગ્રામીણ ખેડૂત માતાને સંબોધીને લખ્યું હતું કે, ‘તમારી ઇચ્છા મુજબ મારે જે ધ્યેય હાંસલ કરવાનો હતો તે મેં કરી લીધો છે. જીવવાની મને કોઈ ઇચ્છા રહી નથી. મને બીજી કોઈ તકલીફ નથી અને હવે વધુ જીવવું જરૃરી જણાતું નથી.

ખેડૂત કુટુંબની આ કન્યા મેડિસિનનો અભ્યાસ કરીને થોડા દિવસ પહેલાં જ સુરતની એક હૉસ્પિટલમાં તબીબ તરીકે જોડાઈ હતી. જીવનમાં કોઈ ઇચ્છા ના રહે તેને એક અર્થમાં સંતત્વ કહી શકાય. વિરક્તિબોધ કહી શકાય, પણ આજનું તબીબી વિજ્ઞાન તેને ડિપ્રેશન કહે છે. ડિપ્રેશન એક ખૂબ મોટો પટલ છે અને તેમાં અનેક આકૃતિઓ અને છાયાઓ છે, પરંતુ જે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તે મરતાં અગાઉ ડિપ્રેશનમાં મુકાઈ હોય છે. તે માટેનાં કારણો અલગ-અલગ છતાં સામાન્ય હોય છે. એક, પૈસાની તંગી, બેરોજગારી, કરજ, દહેજ વગેરે તેમાં આવી જાય છે. બે, પ્રેમમાં નિષ્ફળતા. ત્રણ, શારીરિક પીડા અને અસાધ્ય બીમારી અને ચાર, શુદ્ધ માનસિક ડિપ્રેશન. સુરતની ડૉક્ટર કન્યાનો સમાવેશ આ ચોથા પ્રકારમાં થઈ શકે.

ભારતમાં ખેડૂતો સાથે આત્મહત્યા શબ્દ જોડાઈ ગયો છે. ઘણા વેપારીઓ પોતે આત્મહત્યા કરે અને કુટુંબ આખાને કાં મારી નાખે અથવા આત્મહત્યા કરવા મજબૂર કરે. સુરતનાં અખબારોમાં રોજની બેથી ત્રણ આત્મહત્યાઓ નોંધાય છે. નાની બાળાઓ પરીક્ષામાં પેપર નબળું જવાની કે ઓછા માર્ક્સ મળવાથી આત્મહત્યાઓ કરવા માંડી છે. કિશોરો પણ. જોકે ઘણી વખત રિપોર્ટ થયેલાં કારણો સાચાં કારણો હોતાં નથી. છતાં અખબારો વાંચીને એ સમજાય છે કે, આર્થિક કારણો પ્રથમ અને પ્રેમનાં કારણો બીજા ક્રમે જવાબદાર હોય છે. લોકોને આર્થિક સલામતી પ્રાપ્ત થાય તો મોટી સંખ્યામાં કસમયનાં મરણ અટકાવી શકાય. લોકોની જીવન પ્રત્યેની માનસિકતા અને અભિગમ બદલવાથી પણ આત્મહત્યાઓ રોકી શકાય. વિશ્વભરનો આત્મહત્યાનો દર અથવા પ્રમાણ ઘટ્યા છે, પરંતુ ભારતમાં તેનું પ્રમાણ ટકાવારીની દૃષ્ટિએ કદાચ ઘટ્યું હશે, પરંતુ સંખ્યાની દૃષ્ટિએ (વસતિ વધારાને કારણે) નાનું સૂનું નથી. અગાઉનાં વરસોમાં પરીક્ષા, પ્રેમ, કૃષિ ઉપજ વગેરે કારણો મહત્ત્વનાં ન હતાં. સાસરિયાંમાં ત્રાસને કારણે વહુઓ કૂવો પૂરતી હતી અને લગ્ન અગાઉ ગર્ભ રહી જવાથી કોઈ કન્યા ગળાફાંસો ખાતી હતી, પણ એવા કિસ્સાઓ જૂજ હતા. આજે નાની-નાની બાબતમાં લોકો જાતને મારી નાખે છે. ભારતમાં સાચા આંકડાઓ પ્રગટ થતા નથી, કારણ કે સાચા રેકોર્ડ રાખવાની ઉપયોગિતા આપણને સમજાતી નથી.

સરકારો પણ ઇચ્છતી હોય છે કે નાલેશી દર્શાવે તેવા ફિગર વધુ પ્રગટ ના થાય તો સરકાર માટે સારું છે. છતાં જે આંકડાઓ વિશ્વ સંસ્થાઓએ પ્રગટ કર્યા છે તે મુજબ દુનિયાની કુલ વસતિમાં ભારતનું પ્રમાણ ૧૭.૮ (લગભગ ૧૮ ટકા) છે. લગભગ પોણા સાત અબજ લોકોમાં ભારતમાં ૧૩૦ કરોડ છે. ર૦૧૬ના આંકડાઓ મુજબ દુનિયામાં આત્મહત્યા કરતી સ્ત્રીઓમાં ભારતની મહિલાઓનું પ્રમાણ ૩૬.૬ (લગભગ ૩૭ ટકા) જેટલું ખાસ્સું ઊંચું છે. દુનિયાના આપઘાત કરતા કુલ પુરુષોમાં ભારતનું પ્રમાણ ર૪.૩ (લગભગ ર૪ ટકા) છે. પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે તે ભારતમાં સ્ત્રીઓની દયનીય સ્થિતિનો નિર્દેશ કરે છે. વૉટ્સઍપ પર ભારતના પ્રેમાળ કુટુંબજીવનની સતત મેથી મારતા પુરુષોએ સ્ત્રીઓની આત્મહત્યાઓ વિશે આત્મનિરીક્ષણ કરવાની અને જૂઠી આત્મશ્લાઘામાંથી બહાર આવવાની જરૃર છે.

વરસ ર૦૧૬માં દુનિયાની કુલ બે લાખ પ૭ હજાર ૬ર૪ (ર,પ૭,૬ર૪) મહિલાઓએ આપઘાત કર્યો હતો. તેમાંની ૯૪ હજાર ૩૮૦ (૯૪,૩૮૦) મહિલાઓ ભારતની હતી. મતલબ કે દુનિયાની દસ મહિલાઓમાં ચાર ભારતની હોય છે. વળી, તેઓ યુવાન વયે જ, મતલબ કે ચાલીસ વરસની થાય તે અગાઉ જ આ ફાની દુનિયા છોડી જાય છે. જીવન ટૂંકાવનાર ભારતની મહિલાઓમાંથી ૭૧ ટકા જેટલી ૧પથી ૩૯ વરસની હોય છે. કહે છે કે, આત્મહત્યાના આ આંકડા અગાઉના પ્રમાણમાં ઘટ્યા છે. ૧૯૯૦થી ર૦૧૬ સુધીનાં રપ વરસમાં મહિલાઓના આપઘાતના પ્રમાણમાં ર૭ ટકાનો ઘટાડો થયો છે. નવો જમાનો નવા પ્રશ્નો અને સમસ્યાઓ લઈને આવ્યો છે. થોડા દાયકા પૂર્વે મરવા માટેનાં જે ગંભીર કારણો હતાં તે આજે ગંભીર રહ્યાં નથી. દુનિયાના આંકડા જોઈએ તો આત્મહત્યાઓનું પ્રમાણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે, પરંતુ ભારતમાં તે પ્રમાણ હજી પણ ચોંકાવનારું છે. દુનિયા અને સમાજ નક્કી કરે તો તે પ્રમાણમાં ચોક્કસ ઘટાડો કરી શકાય.

બે મહિના અગાઉ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં પ્રસિદ્ધ થયેલાં છેલ્લાં રપ વરસના ફિગર મુજબ ૧૯૯૦માં ભારતની પ્રત્યેક એક લાખ સ્ત્રીઓમાંથી ર૦ સ્ત્રીઓ આત્મહત્યા કરતી હતી. ર૦૧૬માં આ પ્રમાણ ઘટીને ૧૪.૭ (લગભગ ૧૫) સ્ત્રીઓનું થયું છે. જોકે દુનિયાની કુલ આત્મહત્યાઓમાં ભારતનો ફાળો વધ્યો છે. ૧૯૯૦માં તે પ્રમાણ રપ.૩ ટકાનું હતું તે ર૦૧૬માં વધીને લગભગ ૩૭ ટકા થયું છે. ૧૯૯૦માં દુનિયાની કુલ વસતિમાં ભારતની વસતીનું પ્રમાણ ૧૬.૪ ટકા હતું જે આજે ૧૭.૮ ટકા છે. લાન્સેટનો અભ્યાસ ભારતને ચેતવે છે કે યુવાનોમાં આત્મહત્યાઓનું પ્રમાણ ભારતમાં ભયજનક રીતે વધી રહ્યું છે. ૧પથી ર૯ અને રપથી ૩૯ એમ બંને વયજૂથમાં તે પ્રમાણ વધી રહ્યું છે. આ સ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કે ૧પ-ર૯ વય જૂથના યુવાનોના પ્રમાણ બાબતમાં ભારત દુનિયામાં બીજા ક્રમાંકે છે અને ૧પ-૩૯ વયજૂથના યુવાનો બાબતે ત્રીજા ક્રમે છે. ર૦૧૬માં ભારતના ૧પથી ૩૯ વયના ૧,૪પ,પ૬૭ યુવાનોએ જીવન ટૂંકાવી નાખ્યું. મતલબ કે વલસાડ કે નવસારી જેવડા યુવાનોનાં શહેર તબાહ થઈ ગયાં. એ જ વરસમાં માર્ગ અકસ્માતમાં ભારતના ૧,૧પ,૭૧૪ યુવાનો (રિપીટ યુવાનો) માર્યા ગયા હતા અને ૮પ,૭૩૩ યુવાનો હૃદયરોગથી તેમજ ટીબીને કારણે ૭૯,૮૪પ યુવાનો માર્યા ગયા હતા. તેનો અર્થ એ કે કોઈ પણ બીમારી કરતાં પણ વધુ અને માર્ગ અકસ્માતથી પણ વધુ યુવાનો આત્મહત્યામાં ખતમ થઈ જાય છે.

લાન્સેટના અભ્યાસના મુખ્ય લેખિકા પ્રોફેસર રાખી દંડોનાના કહેવા મુજબ યુવાનો લગ્ન અને કુટુંબજીવનના પ્રશ્નો તેમજ આર્થિક ભીંસનો વધુ ભોગ બને છે. ભારતમાં સૌથી વધુ પરણેલી મહિલાઓ આપઘાત કરે છે. પ્રોફેસર રાખીના અભ્યાસ પ્રમાણે લગ્નજીવન સ્ત્રીઓને સુરક્ષા પૂરી પાડતું નથી. અગાઉનાં વરસોમાં આત્મહત્યાઓનો પ્રયત્ન એક કાનૂની અપરાધ ગણાતો હતો. ભારતમાં સ્ત્રીઓ સળગીને આત્મહત્યા કરે છે. જો એ થોડા દિવસો માટે હૉસ્પિટલના બિછાના પર બચી જાય તો તે ઘટનાને અકસ્માત ગણાવવામાં આવતી હતી. આવાં કારણોસર અગાઉ આત્મહત્યાના આંકડા નીચા ગણાવાતા હતા. આ સ્થિતિ આજે પણ વત્તા-ઓછા અંશે યથાવત્ છે. પોતાની આત્મહત્યા માટે પતિને કે સાસરિયાંને દોષિત ગણવામાં ના આવે જેથી તેઓ સ્ત્રીનાં બાળકોનું ધ્યાન રાખે એ ઇરાદાથી પણ સળગી ગયેલી સ્ત્રી ઘટનાને અકસ્માત ગણાવે છે. ભૂલથી દવાના બદલે ઝેરની ટીકડીઓ ખવાઈ ગઈ તેમ પોલીસને જણાવે છે. વાસ્તવમાં ભારતમાં ૧૯૯૦માં આત્મહત્યાથી કુલ ૧ લાખ ૬૪ હજારનાં મરણ થયાં હતાં જ્યારે ર૦૧૬માં તે વધીને ર લાખ ત્રીસ હજાર થયા છે, જે ૪૦.૧ ટકાનો વધારો થયો છે.

ભારતમાં કર્ણાટકમાં એક લાખમાં ૩૦ જણ, તામિલનાડુમાં ર૯.૮ જણ અને આંધ્રમાં રપ જણ આત્મહત્યા કરે છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, દિલ્હી, પંજાબ, ઝારખંડ અને બિહારમાં એક લાખની વસતિએ દસ કે તેથી ઓછી વ્યક્તિઓ વરસદહાડે આત્મહત્યા કરે છે. ગુજરાતમાં પ્રત્યેક લાખમાંથી ૧૧.૬  વ્યક્તિ આપઘાત કરે છે. દારૃની લતનું પ્રમાણ, ગરીબી, કુ-રિવાજો, રોજગારીની શક્યતાઓ વગેરે કારણોથી રાજ્યો પ્રમાણે આત્મહત્યાનું પ્રમાણ બદલાતું રહે છે. બિહારમાં આત્મહત્યાનું પ્રમાણ ભયજનક જણાતું ના હોય તો તેનું એક કારણ એ છે કે, આ રાજ્યની અમલદારશાહી અને રેકોર્ડ રાખવાની અને લખવાની વ્યવસ્થા જ કંગાળ છે. દરેક મૃત્યુને અકસ્માતમાં ખપાવી દેવાતાં હોય છે. છતાં ભારતમાં આત્મહત્યાઓ ભયજનક રીતે વધી છે તે નિર્વિવાદ છે. જે સત્તાવાર નોંધાઈ છે તે આંકડા પણ ચિંતાકારક છે તો બધી આત્મહત્યાઓ તરીકે નોંધાઈ હોય તો આંકડો ખૂબ જ ઊંચો હોઈ શકે. ચીન અને શ્રીલંકા જેવા દેશો સરકારની નીતિઓ અને તેના અમલ દ્વારા આત્મહત્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડી શક્યા છે. ભારતમાં હજી કોઈ ખાસ ચિંતા જણાતી નથી.

એક સંતાનની આત્મહત્યા મા-બાપ માટે જીવનભર માટે સૌથી ગમખ્વાર ઘટના બની રહે છે. જીવન અતિશય દોહ્યલું બની જાય. મુંબઈના પેડર રોડ જેવા સમૃદ્ધોના વિસ્તારમાં પુત્ર અને પુત્રવધૂના ત્રાસદાયક વર્તનથી કંટાળીને ગુજરાતી માતાપિતા બંનેએ મકાનના ૮મા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. અખબારોમાં એ ઘટનાની ખૂબ ટીકા થઈ. લગભગ ૧૮ વરસ પૂર્વેની આ ઘટના છે. માબાપની આત્મહત્યાને અનુસંધાને સમાજમાં પુત્ર અને પુત્રવધૂએ નાલેશી સહન કરવી પડી અને પશ્ચાતાપનો પરિતાપ સહન કરવો પડ્યો. પરિણામે એકાદ વરસ પછી પુત્ર, પુત્રવધૂ એક માત્ર પુત્રીને સાથે લઈને એ જ મકાનમાં એ જ માળેથી કૂદી પડ્યાં હતાં. વિદેશોમાં પ્રમાણમાં આવી ઘટનાઓ ખૂબ ઓછી ઘટે છે. છતાં થોડાં વરસો પહેલાં અમેરિકામાં એક યુવાને ઘરના તમામ સભ્યોને મારી નાખીને આત્મહત્યા કરી. અખબારોમાં વિગતો જોઈ તો જાણવા મળ્યું કે તે મૂળ ભારતનો આંધ્રનો યુવાન હતો. ર૦૦૯ની આર્થિક મંદીથી ડરી ગયો હતો. અમેરિકા-યુરોપનાં અખબારો આવી ઘટનાઓને આખા સમાજની નિષ્ફળતા ગણાવે છે. ધ ઇકોનોમિસ્ટે લખ્યું હતું કે, જો સમાજજીવન આટલી હદે દુષ્કર અને દર્દનાક હોય તો આપણે બધા જ કોઈક ને કોઈક રીતે જવાબદાર છીએ, ગુનેગાર છીએ.

આધુનિક જીવનશૈલી અને સાધનોએ મોટી સ્પર્ધા ઊભી કરી છે. તેનાં પરિણામો અમેરિકામાં પણ જોવા મળે છે. વર્ષ ર૦૦૦ પછી અમેરિકામાં આત્મહત્યાનું પ્રમાણ ૧૮ ટકા વધ્યું છે. ખાસ કરીને મોટી ઉંમરના, ગોરા (વ્હાઈટ) અને ઓછું ભણેલા લોકો, જેઓ પ્રમાણમાં ઓછી તકો ધરાવતા વિસ્તારમાં વસતા હોય છે તેઓની આત્મહત્યાઓનું પ્રમાણ વધ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેઓના માટે આશાનું કિરણ બનીને આવ્યા હતા. લાગે છે કે પ્રમુખ ટ્રમ્પ પર્યાવરણને નેવે મૂકીને થોડા ઘણા જૂના ઉદ્યોગો શરૃ કરાવી શક્યા છે, પરંતુ તે પૂરતાં પગલાં નથી. ઓવરઓલ, દુનિયામાં દરેક જગ્યાએ નિરાશા અને આર્થિક ગમગીનીનો માહોલ છે, છતાં સાવ નિરાશ થવા જેવું પણ નથી. વરસ ર૦૦૦ પછી દુનિયામાં આત્મહત્યાઓનું કુલ પ્રમાણ ર૯ ટકા જેટલું ઘટ્યું છે. આ વરસોમાં ર૮ લાખ લોકોનાં જીવન બચ્યાં છે.

Related Posts
1 of 262

જે બચ્યાં છે તેનાં ત્રણ ગણા તો યુદ્ધોમાં માર્યા ગયા છે. આત્મહત્યાઓ માટે અનેક કારણો હોય છે. સ્થળ, સંજોગો અને લોકો પ્રમાણે તે કારણો બદલાતાં રહે છે. છતાં ભારત અને ચીનની યુવાન મહિલાઓમાં તે પ્રમાણ ઘટ્યું છે. ભારત અને ચીનને બાદ કરતાં બાકીની દુનિયામાં મોટી ઉંમરના પ્રૌઢ અને વયસ્કો વધુ સંખ્યામાં આપઘાત કરે છે, પરંતુ ભારત અને ચીનમાં વધુ તરુણીઓ અને યુવતીઓ જીવન ટૂંકાવે છે તે પ્રમાણ હવે ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. સોવિયેત સંઘ વિખેરાઈ ગયો. રશિયાના પ્રૌઢ પુરુષોમાં દારૃનું સેવન અને આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધ્યું હતું તે હવે ઘટી રહ્યું છે. દુનિયાની કુલ આત્મહત્યાઓમાં આધેડ અને વૃદ્ધોનું પ્રમાણ સૌથી વધુ હોય છે, પરંતુ વરસ ર૦૦૦ પછી તેમાં ઝડપથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. રશિયામાં આજકાલ યુવાનોમાં અને મિડલ એજ ગ્રૂપમાં કસરતની ફેશન છે. દારૃને તેઓ ધિક્કારવા માંડ્યા છે તેથી આ વયજૂથમાં આપઘાતોનું પ્રમાણ ઘટ્યું છે. આત્મહત્યાઓનું પ્રમાણ કોઈ વરસે વધી જાય તો કોઈ વરસે ઘટી જાય તે માટે સંજોગો જવાબદાર હોય છે. ૧૯૩૪માં આર્થિક મહામારીના વખતમાં બ્રિટનમાં, પ્રત્યેક એક લાખ જણમાંથી ૩૦ જણ આત્મહત્યા કરતા હતા. તે અગાઉ ૧૯૦પમાં બ્રિટને આવી સ્થિતિ જોઈ હતી. ૧૯૬૪માં બ્રિટનમાં એક લાખે ૧ર સ્ત્રીઓ આત્મહત્યા કરતી હતી તે પ્રમાણ છેલ્લાં વીસ વરસથી સતત ઘટી રહ્યું છે. નેવુના દાયકા પછી ચીનમાં તે પ્રમાણ ઘટી રહ્યું છે. રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને ભારતમાં પ્રમાણ ઘટી રહ્યા હોવા છતાં જે પ્રમાણ છે તે દુનિયાની સરખામણીમાં ખૂબ ઊંચા છે.

આત્મહત્યાઓનું પ્રમાણ કોઈ પણ સમાજની સુખાકારીનું દ્યોતક હોય છે. એ રીતે અમેરિકા કરતાં ચીનનો સમાજ વધુ સુખી છે. ચીનનો દર હાલમાં સાતનો છે તે સામેના અમેરિકાનો ૧ર.૮ (લગભગ તેર)નો દર છે. આ આંકડાઓમાં એક શરત એ છે કે ચીનના સામ્યવાદી શાસનમાં આત્મહત્યાઓના આંકડા ઢાંકી દેવાય છે. સામ્યવાદને સમાજ વ્યવસ્થાનો આદર્શ વિકલ્પ પુરવાર કરવા માટે આત્મહત્યાઓની સંખ્યા ખૂબ ઓછી દર્શાવાય છે. જ્યારે અમેરિકામાં આંકડાઓની નોંધણી ખૂબ વ્યવસ્થિત અને પારદર્શક હોય છે. અમેરિકા કરતાં ચીનના લોકો સુખી છે તે વાત બીજા માનકો વડે પણ ખોટી જણાય છે. ઈરાનમાં આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓનો એક અભ્યાસ તાજેતરમાં હાથ ધરાયો હતો. તે મુજબ સરકારી ચોપડે જેટલી ઘટનાઓ નોંધાઈ હતી તેના કરતાં દસ ગણા વધારે આપઘાતના પ્રયાસો થયા હતા. અગાઉનાં વરસોમાં દુનિયાના લગભગ મોટા ભાગના દેશોમાં આપઘાતની બધી ઘટનાઓ નોંધાતી ન હતી. આજે લગભગ બધી જ નોંધાય છે, છતાં આંકડાઓ ઘટી રહ્યા હોય તો સમજવું જે સ્થિતિ વધારે સુધરી રહી છે.

ભારત અને એશિયાની સ્ત્રીઓની સ્થિતિ સુધરી રહી છે. કુલ દુનિયામાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ આત્મહત્યા કરતા હોય છે અને યુવાનો કરતાં બુઢ્ઢા વધુ કરતા હોય છે, પરંતુ ચીન અને ભારતમાં યુવાન અને પરણેલી સ્ત્રીઓ વધુ મરે છે, પરંતુ આ સ્થિતિ હવે સામાજિક સ્વતંત્રતાને કારણે સુધરી રહી છે. બીઈજિંગની ચીંગુઆ યુનિવર્સિટીના પ્રોફેસર જીંગ જુન કહે છે કે, મહિલાઓની સ્વતંત્રતા વધી તેમ-તેમ સંખ્યાબંધ મહિલાઓનાં જીવન બચી ગયાં છે. ર૦૦રમાં ચીનમાં આત્મહત્યાના પ્રયાસ બાદ બચી ગયેલી મહિલાઓમાંથી ૬૬ ટકા સ્ત્રીઓએ લગ્નજીવનથી કંટાળીને આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યો હતો. ચાલીસ ટકા સ્ત્રીઓના પતિ મારઝૂડ કરતા હતા. ત્રીજા ભાગની સ્ત્રીઓને સાસુ-સસરા સાથે ફાવતું નહોતું.

ભારતમાં સ્ત્રીઓની દશા ચીન કરતાં પણ ખરાબ છે. સ્ત્રી-પુરુષના ભેદભાવ ભારતમાં વધુ છે. તેથી સ્ત્રીઓને ઘણુ સહન કરવું પડે છે. ખાસ કરીને યુવાન સ્ત્રીઓએ લિંગભેદના પડકારો સામે લડવાનું હોય છે.તેમ હાવર્ડ યુનિવર્સિટીની મેડિકલ સ્કૂલના વિક્રમ પટેલનું કહેવું છે. જો માબાપને દીકરીના કોઈ યુવાન સાથે સંબંધ કે લગ્ન નામંજૂર હોય તો તેઓ પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરશે કે તેઓની દીકરીનું અપહરણ થયું છે. પરિણામે પોલીસ એ સ્ત્રીને ઉઠાવી લેવી મા-બાપને ત્યાં અથવા સામાજિક સંસ્થામાં મૂકી આવશે. પરિણામે ઘણી સ્ત્રીઓ આત્મહત્યા કરે છે.આ તારણ ડૉ.વિક્રમ પટેલનું છે. આમ છતાં સામાજિક સ્વતંત્રતાનું પ્રમાણ વધતું જશે તેમ આત્મહત્યાનું પ્રમાણ ઘટશે. તેમ ડૉ. પટેલનું માનવું છે. ભારત અને ચીનમાં શહેરીકરણને કારણે આત્મહત્યાઓનું પ્રમાણ ઘટ્યું છે. શહેરીકરણને કારણે ગ્રામીણ સમાજ વ્યવસ્થા અને આપસી હૂંફનું વાતાવરણ તૂટી પડે છે છતાં દુનિયાભરમાં ગામડાના લોકો શહેરના લોકો કરતાં વધુ આત્મહત્યા કરે છે. શહેરમાં કુટુંબથી અલગ રહી સાસુના જોરજુલમથી છટકવાનું સહેલું છે. અભ્યાસ મુજબ શહેરો કરતાં ગામડાંમાં આત્મહત્યા માટેનાં સાધનો અને વિકલ્પો વધુ મોજૂદ હોય છે. જોકે આજકાલ પંખાઓ દરેક ઘરમાં હોય જ છે.

શહેરોમાં કમાણીનાં સાધનો અને ગામડાંના લોકોની ખટપટોથી દૂર રહી શકાય છે. જોકે શહેરોમાંના જ્ઞાતિ મંડળો ઓછાં પંચાતિયાં હોતાં નથી. છતાં માણસ ધ્યાન આપીને કામ કરે તો સ્વમાનથી જીવી શકે. આજે દુનિયાભરમાં સૌથી વધુ ગ્રામીણ લોકો આત્મહત્યા કરે છે. સૌથી મોટું કારણ અહીં આર્થિક છે. દુનિયાના અર્થતંત્રનું વૈશ્વિકરણ, મશીનીકરણ વગેરેનાં કારણોસર અમેરિકન પ્રજા અને ખાસ કરીને ગોરી પ્રજાએ વધુ સહન કરવું પડ્યું હતું તેથી પ્રૌઢ લોકોમાં આત્મહત્યાનું પ્રમાણ વધેલું જોવા મળ્યું. ર૦૦૭ પછી અમેરિકા અને તેના પગલે જગતમાં મંદી ફેલાઈ તેથી વરસ ર૦૦૭થી ર૦૧૦ વચ્ચે સામાન્ય કરતાં વધુ દસ હજાર યુરોપિયન, કેનેડિયન અને અમેરિકનોએ આત્મહત્યા કરી હતી. પુરુષોની આત્મહત્યાઓ પાછળ મુખ્યત્વે આર્થિક કારણો હોય છે. ૧૯૯૭-૯૮માં એશિયામાં મંદી ફેલાઈ હતી ત્યારે દક્ષિણ કોરિયામાં પુરુષોની આત્મહત્યાઓ વધી ગઈ હતી. જો સરકારો પોતાની નીતિઓ સમાજ માટે સાનુકૂળ બનાવે તો આપઘાતોનું પ્રમાણ ઘટાડી શકાય. ૧૯૯૧-૯ર કે ર૦૦૭-૦૮થી અમેરિકન-યુરોપીય મંદીની યુરોપના સ્વીડનના લોકો પર કોઈ અસર પડી ન હતી, કારણ કે સ્વીડનના લોકોને ખાતરી હતી કે ગમે તેવી વિષમ સ્થિતિમાં એમને સરકાર તરફથી મળતી મફત આરોગ્ય સેવા, વીમા યોજના તેમજ બીજી સવલતો ચાલુ રહેશે. સ્વીડનમાં કોઈ આત્મહત્યા નોંધાઈ ન હતી, પરંતુ અમેરિકામાં આરોગ્ય વીમો નોકરી સાથે સીધો સંકળાયેલો હોય છે. વીમાના પ્રિમિયમો પણ ખૂબ ઊંચાં. મતલબ, નોકરી નથી તો વીમો નથી. અમેરિકામાં ઘણા મોર્ટગેઝ થયેલાં મકાનો પણ બેન્કોએ લિલામીમાં વેચી નાંખ્યા અને મકાનમાલિકોએ તંબુમાં રહેવા જવું પડ્યું હતું. પરિણામે અમેરિકામાં વધુ આત્મહત્યાઓ નોંધાઈ.

દારૃના સેવનની આદતને અથવા સંસ્કૃતિને પણ આત્મહત્યાઓ સાથે સીધો સંબંધ છે. આર્થિક અને સામાજિક તકલીફોના સમયમાં લોકો વધુ દારૃ પીવે છે અને દારૃનું વધુ પડતું સેવત ડિપ્રેશનને વકરાવે છે. આથી ડિપ્રેશનના સમયમાં તબીબો દારૃ કે આલ્કોહોલથી દૂર રહેવાની સલાહ આપે છે. રશિયા, પૂર્વ યુરોપના અને સ્કેન્ડિનેવિયાના દેશોના લોકો બેહોશ થવા માટે શરાબ ઢીંચતા હોય છે. દક્ષિણ ગુજરાતના નબળા વર્ગોમાં પણ આ સંસ્કૃતિ જોવા મળે છે. સુરત અને વલસાડ જિલ્લામાં કોઈ વ્યક્તિ ગળે ફાંસો ખાય ત્યારે ઘણીવાર દારૃ પીને ખાય છે. દારૃ પીવાથી ક્ષણિક હિંમત આવી જાય છે. એના રૃમમાં ખાલી પડેલી દારૃની બોટલ જોવા મળે. રશિયા, પૂર્વ યુરોપ અને સ્કેન્ડિનેવિયાના દેશોની સરખામણીમાં દક્ષિણ અને મધ્ય યુરોપના દેશોના લોકો સાંજે હળવા થવા, સંયમિત માત્રામાં ડિનર વખતે સાથે બેસીને પીએ છે. રશિયામાં જોવા મળ્યું કે જેમ વધુ શરાબ પીવાય તેમ વધુ લોકો આત્મહત્યા કરે છે. ૧૯૮પમાં ગોર્બાચોવે દારૃના ઉત્પાદન અને વિતરણ પર પ્રતિબંધો લાદ્યાં હતાં. વૉડકાનું વેચાણ અરધું થયું હતું અને તે સમયગાળામાં પુરુષોની આત્મહત્યાઓના પ્રમાણમાં ૪૧ ટકાનો અને સ્ત્રીઓની આત્મહત્યાઓમાં ર૪ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે સોવિયેત સંઘ વિખેરાઈ ગયો અને દારૃના ઉત્પાદન કે વેચાણ પર કોઈ અંકુશો ન રહ્યા ત્યાં સંઘના સભ્ય દેશોમાં દારૃનું વેચાણ ખૂબ વધ્યું અને એટલી જ માત્રામાં આત્મહત્યાઓ પણ વધી. એ પણ જોવા મળ્યું કે જ્યાં સંયમિત માત્રામાં દારૃ પીવાય તે યુરોપના દેશોમાં આત્મહત્યાનું પ્રમાણ દારૃ ઢીંચતા રશિયા અને પૂર્વ યુરોપના દેશો કરતાં ઘણુ નીચું છે. રશિયાની વર્તમાન સરકારી નીતિના પ્રતાપે રશિયામાં શરાબની કિંમતો ખૂબ ઊંચી છે. પરિણામે પુરુષોની આત્મહત્યામાં નવ ટકા ઘટાડો થયો છે. અને દર વરસે ચાર હજાર જીવ બચે છે. સ્લોવેનિયામાં આવી જ નીતિ દાખલ કરવાથી આત્મહત્યાઓમાં દસ ટકા ઘટાડો નોંધાયો છે.

વૃદ્ધોના જીવનનિર્વાહની વ્યવસ્થા તેમજ તબીબી સવલતોમાં વધારો થયો હોવાથી પણ આત્મહત્યાઓના પ્રમાણમાં દુનિયામાં ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર સુસાઇડ પ્રિવેન્શન એન્ડ રિસર્ચના પૂર્વ વડા ડીએગો ડી લીઓ અનુસાર વિશ્વભરમાં વૃદ્ધો અને વડીલોની ગરીબીના દરમાં બીજા વયજૂથોની સરખામણીમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે. લાંબો સમય ચાલતી માંદગી પણ આત્મહત્યા માટેનું પ્રમુખ કારણોમાંનું એક છે. દર્દશામક દવાઓ અને બીજી તબીબી પ્રગતિને કારણે બીમાર વૃદ્ધોનું જીવન સહ્ય બન્યું છે. બ્રિટનમાં વૃદ્ધોને અપાતી સારવારો અને સવલતો દુનિયામાં શ્રેષ્ઠ ગણાય છે તેથી ત્યાં વૃદ્ધોની આત્મહત્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇટાલીમાં દીકરા-દીકરીઓ વૃદ્ધ માતા-પિતાને ઘરડાઘરમાં પણ મોકલતાં નથી અને જાતે મા-બાપની સંભાળ રાખી શકતાં નથી. પરિણામે ઇટાલી બહારથી મોટા પાયે નર્સો આવી (આવ્યાં) છે જે વડીલોની સારસંભાળ લે છે. પુત્રોને આ પણ પસંદ નથી, આ કારણે વૃદ્ધો કિંમતી ચીજો અને અસ્કયામતો સંભાળ લેનાર માઈગ્રન્ટને આપી દે છે, પરંતુ આ વ્યવસ્થાથી આત્મહત્યાઓ નોંધપાત્ર ઘટી છે. આત્મહત્યા ઇચ્છતી વ્યક્તિને રોકવાનું ઘણા કિસ્સામાં આસપાસની વ્યક્તિ માટે પણ આસાન હોય છે. આશા ભોંસલેના ઘરમાં પિસ્તોલ ના હોત તો પુત્રી વર્ષા ભોંસલે માટે આત્મહત્યા નિવારી શકાઈ હોત. એમ કહેવાય છે કે જેને મરવું હોય એ કોઈ પણ રીતે મરીને જ શાંતિ લે છે. કિસીકો ખુદકુશી કા શોખ હો તો કયા કરે કોઈ? અમુક કેસમાં આ સાચું હશે, પણ દરેક કિસ્સામાં સાચું નથી. આત્મહત્યા એ ક્ષણિક આવેગ, ગુસ્સો, નિરાશાનું ચરમબિન્દુ હોય છે.

એ પળ માટે વ્યક્તિને રોકી લેવામાં આવે તો તેઓ જિંદગીભર જીવી જાય છે. તે દરમિયાન તેને પિસ્તોલ, રસ્સી કે ઝેર ના મળે તો પણ જીવી જાય. યુવાન વયે તો આત્મહત્યાનો વિચાર માત્ર આવેગ હોય છે. ર૦૦રના એક અભ્યાસ મુજબ જે ચીની મહિલાઓએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો તેમાંથી સાઠ ટકા સ્ત્રીઓ બે કલાક કે તેથી ઓછા સમયથી આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી અને બાકીની ૪૦ ટકાએ તો માત્ર દસ મિનિટ પહેલાં વિચાર્યું હતું અને થોડીવારમાં વિચારને અમલમાં મૂક્યો હતો. તેમાં પણ દસમાંની એક સ્ત્રીએ માત્ર એક મિનિટમાં વિચારને અમલમાં મૂક્યો હતો. આમાંની ૮૮ ટકા સ્ત્રીઓએ ઉંદર મારવાની અથવા ખેતીવાડીની ઝેરી દવાઓનો ઉપયોગ કર્યો હતો. જો આ સ્ત્રીઓને ઝેરી દેવાઓ ઉપલબ્ધ થઈ ના હોત અને ઊંઘવાની ગોળીઓ લીધી હોત તો તેમાંથી ઘણી બચી ગઈ હોત. ખેતીવાડીની ઝેરી દવા ખાઈને ભાગ્યે જ કોઈ બચે છે, પણ ઊંઘની ગોળીઓ લઈને આત્મહત્યા કરનારા ઘણા બધી જાય છે. ચીનમાં પુરુષો કરતાં આત્મહત્યા કરીને મરતી સ્ત્રીઓની સંખ્યા ઘટી રહી છે. કારણ કે પુરુષો ઊંચી બિલ્ડિંગ પરથી કૂદી પડવાનું કે ગળાફાંસો ખાવાની રીત વધુ અપનાવે છે, જ્યારે મહિલાઓ ઘેનની ગોળીઓ ખાઈ જાય છે, જેને હૉસ્પિટલમાં બચાવી લેવાય છે. ગામડાંની સરખામણીમાં શહેરની સ્ત્રીઓ  ઘેનની ગોળીઓ પસંદ કરે છે તેથી વધુ બચી જાય છે.

હાવર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસમાં ચોત્રીસ ટકા લોકોએ મંતવ્ય આપ્યું હતું કે, ગોલ્ડન ગેટ બ્રિજ (કેલિફોર્નિયા) પર આડશ (અંતરાય) બાંધી દેવાઈ હોત તો પણ આત્મહત્યા કરનારાઓએ બ્રિજના બદલે બીજે ક્યાંયથી પડતું મૂકીને આત્મહત્યા કરી હોત અથવા કોઈ બીજો રસ્તો અપનાવ્યો હોત, પરંતુ ૧૯૩૭થી ૧૯૭૧ દરમિયાન જે લોકોએ આત્મહત્યા કરવા ધારી હતી અને બચી ગયા હતા તેઓનો અભ્યાસ ૧૯૭૮માં હાથ ધરાયો હતો. તેમાં જણાયું કે બચી ગયેલા ૫૧૫ જણમાંથી ૯૪ ટકા લોકો ૧૯૭૮માં પણ જીવતાં હતાં. આ દર્શાવે છે કે, આત્મહત્યા એ ક્ષણિક આવેગનું પગલું હોય છે અને કોઈ કાયમી કે સ્થિર વિચારનું પરિણામ નથી. બ્રિટનમાં ૧૯૬૦ના દાયકા સુધી રસોડામાં કોલસાનો ગેસ વપરાતો હતો. ત્યાર બાદ નોર્થ સી વિસ્તારમાં કુદરતી ગેસ મળી આવ્યો તે વપરાતો થયો. કોલસાના ગેસ વડે સળગી મરવાનું આસન હતું તેથી બ્રિટનમાં સ્ત્રીઓમાં એ રસ્તે જ આત્મહત્યા કરવાનો રિવાજ થઈ ગયો હતો.

કુદરતી ગેસ આવ્યા પછી મરવાનું આસાન રહ્યું નહીં અને મહિલાઓની આત્મહત્યાઓમાં મોટો ઘટાડો નોંધાયો, પરંતુ એ જ સમયગાળામાં પુરુષોની આત્મહત્યાઓનું પ્રમાણ વધી રહ્યું હતું. આ દર્શાવે છે કે મરવાનાં સાધનો આસાનીથી ઉપલબ્ધ ન હોય તો આત્મહત્યાઓ ઘટે છે. શ્રીલંકામાં ખેતીવાડીમાં વપરાતી પારાક્વેટ નિંદામણનાશક દવા ખાઈને લોકો ખૂબ આત્મહત્યાઓ કરવા લાગ્યા. ૧૯૯૦ના દાયકામાં આત્મહત્યાઓનું પ્રમાણ ૪૫ હતું, પરંતુ આ દવા પર પ્રતિબંધ મૂકવાથી ૨૦૦૮થી ૧૧નાં વરસો દરમિયાન પ્રમાણ ખાસ્સું ઘટીને ૨૦નું થયું. દક્ષિણ કોરિયામાં પણ આ દવા પર પ્રતિબંધ મૂકવાથી માત્ર બે વરસમાં આત્મહત્યાનો દર અરધો થઈ ગયો. પશ્ચિમ યુરોપના દેશોમાં ખેતીવાડીની ઝેરી દવાઓ કોઈ ખતરો નથી. ત્યાં તેના વિતરણ અને વેચાણ પર પ્રતિબંધો છે, પરંતુ લોકો એસ્પિરિન અને પેરાસિટામોલ જેવી નિર્દોષ જણાતી પેઈનકિલર ગોળીઓનો ઓવરડોઝ લઈ મરવાની કોશિશ કરે છે. બ્રિટનમાં ગ્રાહકને વેચાતી એસ્પિરિન અને પેરાસિટામોલની ગોળીઓ પર નિયંત્રણ મુકાયા પછી આ દવાઓ લઈને થતી આત્મહત્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે અમેરિકા જેવા દેશમાં અને ભારતમાં પણ આવી ગોળીઓના ડબ્બા કે પેકેટો ગ્રાહકો ખરીદી શકે છે. અમેરિકામાં લગભગ દરેક પાસે રિવોલ્વરો અને બંદૂકોની ગોળીઓ છે તો પછી એસ્પિરિનની શી જરૃર છે!

ઘેન કે દવાની ગોળીઓ કરતાં બંદૂકની ગોળી ખૂબ અસરકારક નીવડે છે. અમેરિકામાં થતી આત્મહત્યાઓમાં અરધોઅરધ રિવોલ્વરની ગોળીથી થાય છે અને રિવોલ્વરથી થાય છે તેથી અમેરિકામાં આત્મહત્યાનું પ્રમાણ ઊંચું છે. મતલબ કે ક્ષણિક આવેગોમાં પણ એક અમેરિકન લમણે રિવોલ્વર ફોડે તો એ નક્કી મરવાનો જ છે એટલે આપઘાતનો મરણઆંક જરૃર ઉપર જવાનો. દવા કે ઘેનની ગોળીથી એ બચી પણ જાય. અમેરિકામાં જે રાજ્યોમાં બંદૂક, રિવોલ્વર ધરાવવાના કાયદા ખૂબ કડક છે તેમ આત્મહત્યાનો આંક બદલાય છે. જેમ કે વૉશિંગ્ટન ડીસીમાં પાંચનો છે તો ઢીલા કાયદા ધરાવતા મોન્ટાનોમાં એક લાખે ૨૬ આત્મહત્યાનો આંક છે.

ભારતના તામિલનાડુમાં એમજીઆર જેવા નેતા- અભિનેતાના પ્રસંગ બાદ એમના ચાહકો આત્મહત્યાઓ કરી નાંખે છે, પરંતુ માત્ર ભારતમાં આવું થતું નથી. પ્રસિદ્ધ જર્મન લેખક વુલ્ફગેંગ વોન ગોથની એક નવલકથા નામે ધ સોરોઝ ઓફ યંગ વર્થર૧૭૭૪માં પ્રસિદ્ધ થઈ હતી અને વાર્તાનો નાયક વર્થર આત્મહત્યા કરે છે. આ નવલકથા પ્રસિદ્ધ થઈ પછી અનેક લોકોએ નાયકની આત્મહત્યાથી દુઃખી થઈને આત્મહત્યાઓ કરી હતી. ત્યાર બાદ ચાહકોની આ વૃત્તિ વર્થર ઇફેક્ટતરીકેે દુનિયામાં જાણીતી બની છે. એશિયાના દેશોમાં અને તામિલનાડુમાં તેનું પ્રમાણ વધારે છે. ત્રણ વરસ અગાઉ અમેરિકન પ્રસિદ્ધ કોમેડિયન રોબીન વિલિયમ્સે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. પછીના ચાર મહિનામાં ૧૮૪૧ એટલે કે નોર્મલ કરતાં દસ ટકા વધુ આપઘાતો નોંધાયા હતા. ખુદકુશી કરનારાઓને લાગ્યું કે રોબીન વિલિયમ્સને આપઘાત કરવો પડ્યો તો આપણને શા માટે વાંધો હોવો જોઈએ? મિડલ એજ્ડ લોકોને ગળાફાંસો ખાવાની પ્રેરણા મળી હતી. અમેરિકાના કેટલાક આપઘાત નિષ્ણાતોએ રોબીન વિલિયમ્સના વતન મરીન કાઉન્ટીના શેરીફની ટીકા કરી, કારણ કે શેરીફે એ જાહેર કરી દીધું હતું કે, રોબીન વિલિયમ્સે ગળાફાંસો ખાધો હતો. મૃત્યુનું કારણ જાહેર કરવાની જરૃર ન હતી. લોકોને એ જાણીને ચાનક ચડી. હોંગકોંગમાં એક સ્ત્રીએ રૃમને સીલબંધ કરી કાર્બન મોનોક્સાઈડ ગેસથી ગૂંગળાઈને આપઘાત કર્યો. ત્યાં સુધી આ રીતે કોઈ આત્મહત્યા થઈ ન હતી, પણ મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ રીતે થતી આત્મહત્યાઓમાં દસ ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાના એક અભિનેતાએ ૨૦૦૮માં પોતાની મોટરકારમાં આ રીતે ચારકોલ બર્નર વડે આપઘાત કર્યો પછી આ રસ્તે થતી આપઘાતનું પ્રમાણ એક ટકા પરથી વધીને આઠ ટકા થઈ ગયું.

ઘણા દેશોમાં મીડિયા પર આત્મહત્યાની રીત અને સ્થળ વિષે લખવાની મનાઈ છે, જેથી લોકો તેનું અનુસરણ ના કરે, કોઈ આત્મહત્યાને બહાદુરીનું કામ કે કદમ ગણાવવું નહીં. તેવી ગાઇડલાઇન્સ અપાયેલી છે. તેનાં સારાં પરિણામો સ્પષ્ટ રીતે મળ્યાં છે. ઘણા દેશોમાં ગાઇડલાઇન્સ અપાયેલી છે કે કોઈ નેતા કે અભિનેતાની આત્મહત્યાના સમાચાર પ્રથમ પાનાને બદલે અંદરના પાના પર છાપવા. આ પ્રકારના ઉપાયો ઉપરાંત લોકોની મદદ કરવાથી, સાંત્વના અને સધિયારો આપવાથી આત્મહત્યાઓ નિવારી શકાય છે. સ્ત્રીઓને વધુ સ્વતંત્રતા અને માનસન્માન આપવાથી, વડીલોની સંભાળ લેવાથી તેમજ જવાબદાર પત્રકારત્વથી ઘણો ફરક પડે છે, પણ જો માનવીના જીવની કોઈ કિંમત ના કરીએ તો કશો ફરક ના પડે, કોઈને ખુદકશીનો શોખ હોતો નથી. માત્ર એમની સમજણ બહેર મારી ગઈ હોય છે.
————-

Leave A Reply

Your email address will not be published.

Translate »