તમારા માટે, તમારી સાથે, સતત…

નર્મદાના પાણી-માફિયાઓ અને તેમના સાગરીતો કોણ છે?

નર્મદાનાં પાણીની ચોરીએ હવે ગેરકાયદે ધંધાનું સ્વરૃપ ધારણ કરી લીધું છે.

0 395
  • કવર સ્ટોરી – નરેશ મકવાણા

માન્યામાં ન આવે તેવી ચાલાકીથી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, દસાડા, લખતર, ધ્રાંગધ્રા અને લીંબડી આસપાસનાં ગામોમાં અસામાજિક તત્ત્વો નર્મદા નહેરમાંથી બારોબાર પાણી ચોરીને કરોડોની કાળી કમાણી કરી રહ્યા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે સ્થાનિક પોલીસ અને નર્મદા નિગમના અધિકારીઓની પણ તેમાં ભાગબટાઈ છે. આ ત્રિપુટીની ધાક એટલી છે કે, કોઈ ખેડૂત એકલપંડે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે તેમ નથી. એ સ્થિતિમાં અહીંના ભોળા ખેડૂતોએ ‘અભિયાન’ના માધ્યમથી આખો ભાંડો ફોડ્યો છે.

અમદાવાદ-ધ્રાંગધ્રાં હાઈવે પર માલવણ ચોકડીથી સુરેન્દ્રનગર તરફના રસ્તે આવતા ‘ખેરવા’ ગામેથી આપણી વાત શરૃ થાય છે. દુકાળિયા આ વરસમાં અહીંના ખેડૂતોનો એકમાત્ર આધાર નર્મદાનાં પાણી પર હતો. એટલે અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે રવી પાક માટે પાણી મળશે તેવી જાહેરાત કરી કે તરત અહીંના ખેડૂતોએ હોંશેહોંશે જીરુંનો પાક લેવાની તૈયારીઓ કરી નાખી. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલની ડી-૬ માઈનોરમાંથી ખેરવા ઉપરાંત અહીંના પેઢડા, અંકેવાળિયા, સોખડા અને સવલાણા સહિતનાં ગામોને નિયત કરેલા દિવસોમાં નર્મદાનું પાણી આપવાનું નક્કી થયું હતું. સરકારનાં વચન પર વિશ્વાસ રાખીને વાવણી તો કરી, પણ નિયત સમયે કેનાલમાં નર્મદાનાં નીર વહ્યાં નહીં. એટલે ખેડૂતોએ તપાસ આદરી. જેમાં ખ્યાલ આવ્યો કે ગામના જ એક માથાભારે શખ્સે કેનાલની વચ્ચેની પડતર જમીનનો ગેરકાયદે ઉપયોગ કરી, નર્મદા કેનાલ સાથે પાઇપો જોડીને પાણીનો વેપાર શરૃ કરી દીધો હતો. ખેડૂતોએ નર્મદા કેનાલના સુપરવાઇઝર, નાયબ ઇજનેર, ઇજનેર સહિતના અધિકારીઓને આ મામલાની જાણ કરી, પણ સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નહીં. આ બાજુ ખેતરોમાં વાવણી કરી દીધી હોવા છતાં પાણી ન મળવાથી જીરું અને ઘઉંનો પાક ઊગે એવી કોઈ શક્યતા નહોતી. આખરે ગામના પૂર્વ સરપંચે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને અરજી કરી, પણ પરિણામ શૂન્ય રહ્યું. ફરી ૫૦થી વધુ ખેડૂતોએ સહી કરીને કલેક્ટરને અરજી કરી. ફરી એ જ પરિણામ.

આટલી રજૂઆતો અને અરજીઓનું કોઈ સકારાત્મક પરિણામ તો ન આવ્યું, ઊલટાના એક ખરાબ સમાચાર આવ્યા. અરજીમાં સહી કરનારા ખેડૂતો પૈકી ૨૧ વર્ષનો મીત પટેલ પણ હતો. એક દિવસ તે એકલો તેના ખેતરે જઈ રહ્યો હતો ત્યાં પાણીચોરોએ તેને આંતર્યો. એ પછી જે બન્યું તે ઘાતકીપણાની ચરમસીમા હતી. માથાભારે તત્ત્વોએ નિર્દોષ મીતના હાથપગ ભાંગી નાખ્યા. ઘટનાની જાણ થતાં તેનો પરિવાર દોડી આવ્યો અને દવાખાને લઈ ગયો. જ્યાં ડૉક્ટરે તેનો જમણો પગ અને ડાબો હાથ તૂટી ગયાનું નિદાન કર્યું. ‘અભિયાન’ના પત્રકાર જ્યારે મીતના ઘેર પહોંચ્યા ત્યારે તે હાથેપગે પાટા બાંધેલી સ્થિતિમાં પથારીમાં કણસતો પડ્યો હતો. ડૉક્ટરે તેના ડાબા હાથની આંગળીઓમાં લોહી પહોંચતું નથી તેમ કહ્યું હતું. સાથે જ હાથપગમાં કાયમી ખોટ રહી જાય તેવી ભીતિ પણ વ્યક્ત કરી હોવાથી તેનો પરિવાર ભારે ચિંતામાં હતો. વાતવાતમાં જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં તેની સારવાર પાછળ રૃ. ૫ લાખ જેટલો ખર્ચ થઈ ચૂક્યો છે અને હજુયે સારવાર ચાલી રહી છે. આ ઘટના પછી માથાભારે તત્ત્વો સામે તેના પરિવારે કેસ કર્યો, પણ પોલીસ સાથેની કાયમી મિલીભગતનો ગુનેગારોને લાભ મળ્યો. પોલીસ સાથે રહીને તેઓ પણ કાયદાને રમાડતાં શીખી ગયા હતા. તેમની મોડસ ઓપરેન્ડી એક જ રહેતી, સામે પડનારને સાવ મારી નહીં નાખવાનો, માત્ર ગોઠણથી નીચેના પગ લોખંડના પાઈપો ફટકારી ભાંગી નાખવાના. જેથી મળતિયા પોલીસ અધિકારીઓ કલમ-૩૨૬ (ઇરાદાપૂર્વક કોઈને નુકસાન કરવું) લગાવે, ૩૦૭(હત્યાની કોશિશ) નહીં. અંતે એમ જ થયું. નિર્દોષ મીત પર જીવલેણ હુમલો કરીને હાથપગ ભાંગી નાખ્યા હોવા છતાં પોલીસે હળવી કલમો લગાવતા ગણતરીના દિવસોમાં જ અપરાધીઓ છૂટી ગયા. જેનો ખેરવાના ખેડૂતોમાં એ હદે નકારાત્મક સંદેશ ગયો કે ખેડૂતોએ માથાભારે તત્ત્વો સામે પડવાનું માંડી વાળ્યું.

છગનભાઈ પટેલ(નામ બદલ્યું છે)નામના ખેડૂતે તેની પાછળનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું, ‘અમે રહ્યા ખેડૂ માણહ. આવી બધી માથાકૂટમાં પડવાનું અમારું ગજું નહીં. એ લોકો તો માથાભારે છે. ગેરકાયદે કામો કરીને રૃપિયા રળવા એ જ તેમનો ધંધો છે. નઈ ને કાલ સવારે તેઓ મીતિયાની જેમ મારા પણ હાથપગ ભાંગી નાખે તો ક્યાં જવું! મારે બૈરાંછોકરાં છે સાહેબ, આખા ઘરનો આધાર હું છું. જો મને કંઈક થઈ જાય તો પરિવારનું કોણ? પોલીસ અને નર્મદાના અધિકારીઓને એ લોકો હપ્તા આપે છે. એવામાં અમે ફરિયાદ કરીએ તો પણ કોણ સાંભળે? એટલે બીકનો માર્યો એકેય ખેડૂત પાણીચોરો સામે નથી પડતો. સામે ચાલીને દુશ્મની કોણ વ્હોરે! હાથપગ ભંગાવીને સારવાર પાછળ રૃપિયા ખર્ચવા એનાં કરતાં પાણીનો હપ્તો આપીને સ્વાર્થ સાધી લેવામાં અમને અમારી ભલાઈ દેખાય છે. નર્મદાના અધિકારીઓને પાણીની ચોરી થાય તેમાં રસ છે કેમ કે તેમાં તેમને ભાગ મળે છે. તેમની આ કાળી કમાણીની લાલચે જ આસપાસનાં દરેક ગામમાં પાણીમાફિયાઓ પેદા કર્યાં છે. આખું નેટવર્ક એટલું જડબેસલાક ગોઠવાયેલું છે કે એકેય ખેડૂત હપ્તો આપ્યા વિના પાક ઉગાડી જ ન શકે. જેવું કેનાલોમાં પાણી છોડવામાં આવે કે તરત પાણીચોરો સરકારી તલાવડીઓ અથવા પોતાની માલિકીની ખેત તલાવડીઓમાં તે વાળી દે છે. છેવાડાનાં ગામો સુધી કદીયે પાણી પહોંચતું નથી. એટલે ખેડૂત બિચારો પાક બળતો હોવાથી હપ્તો આપવા મજબૂર બની જાય છે. પાણીમાફિયાઓ તેની પાસેથી દરેક પાણ વખતે વીઘા દીઠ રૃ. ૧થી ૨ હજાર સુધી વસૂલે છે. તેમની મરજી પ્રમાણે નર્મદાના અધિકારીઓ પાણી ચાલુ-બંધ કરે છે. તેમના જ કહેવાથી સમય થઈ ગયો હોય તો પણ અઠવાડિયું, પંદર દિવસ સુધી પાણી ન છોડીને કૃત્રિમ તંગી ઊભી કરવામાં આવે છે. જેથી હપ્તાની રકમ ડબલ કરી શકાય. કાળી આ કમાણી નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વહેંચીને ખાય છે.  મફત મળતું પાણી અમારે રૃપિયા દઈને ખરીદવું પડે છે એનાથી મોટી કરુણતા બીજી શું હોઈ શકે? એક તરફ ખેતીમાં પહેલા જેટલો નફો રહ્યો નથી. ઉપરથી આ પ્રકારની કનડગત અમને પડ્યા પર પાટું જેવી છે.’

વિચારો, એશિયાનું સૌથી મોટું ઢાંકી પમ્પિંગ સ્ટેશન જ્યાં આવેલું છે ત્યાંથી સાવ નજીક આવેલા ખેરવા ગામની જો આ સ્થિતિ હોય, તો બીજે કેવી હશે? ઝાલાવાડ સહિત આ વર્ષે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સરેરાશ કરતાં પણ ઓછો પડ્યો છે, ત્યારે સ્વાભાવિક છે કે ખેડૂતનો એકમાત્ર આધાર નર્મદાનાં નીર હોય, પણ પાણીમાફિયાઓ કેનાલોમાં ભંગાણ કરીને, કે સીધી પાઇપો જ કેનાલમાં ઉતારીને પાણી ચોરી લે છે. જેથી છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચતું નથી. આ પ્રકારની વ્યાપક ફરિયાદો ઊઠી હોવા છતાં માથાભારે તત્ત્વોની રંજાડ અને ધાકને કારણે ખેડૂતો સામે આવતાં ડરે છે.

માલવણના ખેડૂત લક્ષ્મણભાઈ પટેલ(નામ બદલ્યું છે) કહે છે, ‘અમારે ત્યાં નર્મદાનાં પાણીની ચોરીએ હવે ગેરકાયદે ધંધાનું સ્વરૃપ ધારણ કરી લીધું છે. કશું કામ કર્યા વિના કરોડો રૃપિયા મળતાં હોઈ સામે પડનાર ખેડૂતને સબક શીખવવાનું માથાભારે તત્ત્વો ચૂકતાં નથી. અગાઉ એક વ્યક્તિએ પાણીચોરોનાં નામ સાથે ફરિયાદ કરી, તો તેનાં બંને પગ ભાંગી નાખ્યાં હતા. એટલું જ નહીં, માર માર્યાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો, જે એટલો ઘાતકી હતો કે ગમે તેવા કઠણ કાળજાની વ્યક્તિ પણ તે જોયા બાદ માથું ઊંચકવાની હિંમત ન કરે. ગુનેગારો પોલીસની રહેમનજરના કારણે બે જ દિવસમાં છૂટી ગયા જ્યારે પેલો માણસ કાયમ માટે પગ ખોઈ બેઠો. તેઓ ફરિયાદીના ગોઠણથી નીચેના પગ ભાંગી નાખે છે જેથી કલમ-૩૦૭ને બદલે માત્ર કલમ-૩૨૬ લાગે અને ફટાફટ જામીન પણ મળી જાય. આ ચાલાકી તેમને સ્થાનિક પોલીસે જ શીખવાડી છે. હવે તો પોલીસવાળા અને પાણીચોરો રોજ સાંજે પોલીસચોકીમાં જ ભેગા બેસીને ચા-નાસ્તો કરતા હોય છે. હવે તમે જ કહો સાહેબ, અમે ક્યાં જઈએ?’

માલવણ અને ખેરવાના ખેડૂતોની વ્યથા સાંભળીને અમે વધુ જાણકારી માટે લખતર તાલુકાના અંતરિયાળ ગામ ‘સવલાણા’ તરફ વળ્યા. અહીં રસ્તાની બંને બાજુ ફેલાયેલા ખેતરોમાં ક્યારા કરીને જીરું વાવેલું જોઈ શકાતું હતું, પણ પાણીના અભાવે મોટા ભાગનાં ખેતરોમાં અંકુર પણ ફૂટ્યાં નહોતાં. રજકો ઊગ્યો ન હોઈ ઢોર રોડની બંને તરફ દેશી બોરડીના ઝુંડ નીચે પડેલા ચણીબોરમાં મોં નાખતાં હતાં. ચિત્ર કેટલું નિરાશાજનક હતું તેનો અંદાજ તમે એના પરથી પણ લગાવી શકો કે સાતેક કિલોમીટરના એ રસ્તે સમખાવા પૂરતો પણ કોઈ ખેડૂત અમને સામે નહોતો મળ્યો. સામાન્ય રીતે શિયાળામાં ખેતરો નાથાલાલ દવેની ‘મોસમ આવી મહેનતની…’ કવિતાની જેમ લીલાછમ પાકોથી હિલોળાં લેતા હોય. જ્યારે અહીં સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળતી હતી. ગામ આવ્યું તો પણ એ નિરાશાએ પીછો ન છોડ્યો. પાદર પણ દુકાળિયા વરસની ચાડી ખાતું હોય તેમ ભેંકાર ભાસતું હતું. અમે બસ સ્ટેન્ડે ઊતર્યા ત્યાં જ કેટલાક ખેડૂતો મળી ગયા. અમે તેમને જેવો પાણીને લઈને સવાલ કર્યો કે તરત નિરાશ વદને તેમણે આપવીતી કહેવા માંડી. જેનો સાર એવો હતો કે, ડી-૫ કેનાલમાંથી તેમને પાણીનું જોડાણ અપાયું તો છે, પણ આગળનાં ગામોમાં થતી પાણીચોરીના કારણે તેમના સુધી પાણી પહોંચતું જ નથી.

આ મામલે સવલાણાના ઉપસરપંચ ઘોઘુભા દરબારે કહ્યું, ‘જીરું અને ઘઉં એવા પાક છે જેને વાવણી પછી તરત એક મહિના સુધી સમયાંતરે પાણી મળતું રહેવું જોઈએ. જો આ સમયગાળામાં પાણીની તંગી સર્જાય તો તે ઊગી ન શકે. તંત્ર દ્વારા અમને એવું કહેવાયું હતું કે, વાવણીના બીજા દિવસથી તમને પાણી મળવું શરૃ થઈ જશે, પણ હજુયે અમે રાહ જોઈ રહ્યા છીએ. સામાન્ય રીતે રવીપાક એવા જીરુંને બે દિવસના અંતરે પાણી આપતાં રહેવું પડે. જો તેમાં ગેપ પડી જાય તો ઊગે નહીં. એટલે વાવણી પછી સતત ૨૦ દિવસ પાણી ચાલુ રાખવું પડે, પણ નર્મદાના અધિકારીઓ પાકની તાસીર સમજ્યા વિના આડેધડ પાણી છોડી દે છે. જેમ કે, સાત દિવસ ડી-૫ કેનાલમાં પાણી આપે અને તે દરમિયાન બાકીની કેનાલોમાં પાણી બંધ કરી દે. એટલે ફરતો ફરતો અમારો વારો આવે ત્યાં સુધીમાં મહિનો નીકળી ગયો હોય અને પાક સૂકાવા માંડ્યો હોય. માની લો કે અમારા ગામનો વારો આવી પણ ગયો, તો માથાભારે તત્ત્વો પાણી ચોરી જાય છે. એટલે અમારે મોં ફાડીને બેસી રહ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. નર્મદાના અધિકારીઓને પાણીચોરો હપ્તા પહોંચાડે છે. જેથી તેઓ આંખ આડા કાન કરી લે છે. અહીં કેનાલોમાં કામોમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર થયેલો છે. અનેક ઠેકાણે નબળા બાંધકામને કારણે કેનાલો તૂટી પડે છે. હાલ મારા જ ખેતર પાસે કેનાલ તૂટે એવી છે, જે હું સ્વખર્ચે રિપેર કરાવું છું જેથી પાણી આવે ત્યારે કશું નુકસાન ન થાય.’

તંત્રની લાલિયાવાડીની પોલ ખોલતાં સવલાણાના ખેડૂત આગેવાન મનસુખભાઈ પટેલ કહે છે, ‘એક ખેડૂતની જમીન સંપાદનનો વિવાદ હતો જેમાં સરકારે વળતર ચૂકવવામાં હાથ અદ્ધર કરી દીધા હતા. જ્યાં સુધી વિવાદ ન ઉકેલાય ત્યાં સુધી કેનાલનું કામ આગળ વધે નહીં અને અમારા ગામ સુધી પાણી પહોંચે નહીં. સરકારે વળતર ન ચૂકવ્યું એટલે અમે ખેડૂતોએ મળીને જમીન માલિકને રૃ. ૮૫ હજાર ચૂકવી દીધા હતા જેથી કામ અટકી ન પડે, પણ તે રૃપિયા આજદિન સુધી સરકારે અમને પરત કર્યા નથી. નવાઈની વાત એ છે કે આવી ઘણી કેનાલોનાં કામો અધૂરાં મૂકી દેવાયા છે, જે પુરાં કરવાને બદલે જેમનાં તેમ રાખીને જ આગળનું કામ ચાલુ કરી દેવાય છે. અમારું કહેવાનું છે કે ભલે થોડા વિસ્તારમાં કેનાલ નાખો, પણ કામ પૂરું કરો. અત્યારે ચારેબાજુ કેનાલોનાં કામો અધૂરાં પડ્યાં છે. અગાઉ આ મામલે અમે ખેડૂતોએ મળીને મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમારે માત્ર પાણીની સગવડ જોઈએ છે. એ સિવાયનું બધું તો અમે ફોડી લઈશું. આ વખતે ચોમાસું સાવ નબળું રહ્યું છે એટલે અમારો આધાર માત્ર રવીપાક પર છે. જો એ પણ નિષ્ફળ જાય તો પરિસ્થિતિ કફોડી બની જાય. સરકારે વાવણીની સિઝન પહેલાં સીમ તલાવડીઓ, ગામનાં તળાવો વગેરે ભરી દેવાની જરૃર હતી. જો એમ થયું હોત તો પાણીચોરો પેદા જ ન થાત. હાલ અડધી રાત્રે આગળનાં ગામોનાં ખેતરો પાણી પીને ધરાઈ રહે પછી વધ્યું ઘટ્યું પાણી અમારી કેનાલો તરફ વહે તેમાંથી અમારે પૂરું કરવાનું હોય છે. એમાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી પાણીચોરોએ ઉપાડો લીધો છે એટલે એ પણ બંધ થઈ ગયું. આમાં ખેડૂત જાય તો ક્યાં જાય?’

અહીં ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ખેડૂતોએ નામ ન છાપવાની શરતે ‘અભિયાન’ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, ધ્રાંગધ્રા નર્મદા કેનાલના ડેપ્યુટી એન્જિનિયર એ.એચ. જાની પાણીચોરો પાસેથી નિયમિત હપ્તા લે છે. હાલ દરેક ગામને સિંચાઈ માટે એક અઠવાડિયું પાણી આપવાનો નિયમ છે, પણ આ અધિકારી જે ગામમાંથી પાણીચોરો હપ્તો પહોંચાડે તેમની કેનાલોમાં સમયમર્યાદાની ઉપરવટ જઈને પણ પાણી આપતા રહે છે. જેથી તેઓ પોતાનાં ખાનગી તળાવો ભરીને ધંધો કરી શકે અને તેમને પણ તેમાંથી ભાગ મળે. ખેડૂતોએ કરેલા આ આક્ષેપોની ખરાઈ કરવા માટે ‘અભિયાન’ના પત્રકારે નર્મદા નિગમના ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એલ.એ. પરમારનો સંપર્ક કરતા તેઓ એક અઠવાડિયાથી રજા પર હોવાનું જણાવ્યું હતું. તેમની પાસેથી ડેપ્યુટી એન્જિનિયર એ.એચ. જાનીનો મોબાઇલ નંબર લઈને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પણ એટલીવારમાં બંને અધિકારીઓને વાતચીત કરવાનો મોકો મળી ગયો હશે. એટલે તેમણે ‘અભિયાન’ના પત્રકારનો નંબર બિઝી મોડ નાખી દીધો હતો.

આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સળંગ દસેક દિવસ નિયમિત તેમનો સંપર્ક સાધવાના પ્રયત્નો કર્યા છતાં અધિકારીએ અમારો નંબર ‘વ્યસ્ત મોડ’માંથી દૂર નહોતો કર્યો. તેમને કદાચ ખ્યાલ નહીં હોય કે આ ભાગેડુવૃત્તિનો સીધો અર્થ એ થાય કે ખેડૂતોના આક્ષેપોમાં દમ છે. જો ડેપ્યુટી એન્જિનિયર નિર્દોષ હોય તો શા માટે તેમણે પત્રકાર સાથે વાતચીત કરવાથી ભાગવું પડે? શા માટે તેઓ સામે ચાલીને ખુલાસા નથી કરતા? શું પાણીચોરો સાથેની તેમની મિલીભગત ખુલ્લી પડી ગઈ એટલે તેમણે આવું પગલું ભરવું પડ્યું? આવા અનેક સવાલોના જવાબ વગર કહ્યે પણ મળી રહ્યા. નવાઈની વાત એ રહી કે ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ પાસેથી નંબર લઈને દસ જ મિનિટમાં ડેપ્યુટી એન્જિનિયરને અમે ફોન કર્યો હતો, પણ એટલીવારમાં બંને અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ ગઈ હશે. જેથી તેમને ‘અભિયાન’ના પત્રકારનો મોબાઇલ નંબર વ્યસ્ત મોડ પર મૂકી દેવાનો સમય મળી ગયો.

પાણીચોરો સાથે આ અધિકારીની મિલીભગતથી કંટાળીને થોડા દિવસ પહેલા જ સવલાણા ગામના ખેડૂતોએ મામલતદાર સહિતના અધિકારીઓ સમક્ષ ઢોલ વગાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે અધિકારીઓ હપ્તા લઈને પાણીચોરોને પ્રોત્સાહન આપે છે. દરેક ગામમાં કેનાલ દીઠ માથાભારે તત્ત્વો અડિંગો જમાવીને બેસી ગયા છે જે આ ધંધો કરે છે. કહેવા માટે તો સવલાણાને ડી-૫ અને ડી-૬ ડિસ્ટ્રિબ્યુટરી કેનાલો મારફત સિંચાઈનું પાણી આપવામાં આવે છે, પણ ગામલોકોએ કદી તે જોયું નથી. આગળના ગામમાં માથાભારે તત્ત્વો તેમના ભાગનું પાણી ચોરીને પોતાની તલાવડીઓમાંથી વેચી દે છે. એક તબક્કે આ દૂષણ અટકાવવા માટે ખેડૂતોએ કેનાલોમાં પાણી છોડાય તે દરમિયાન પોલીસ પહેરો મૂકવાની પણ માગ કરી હતી, પણ તે ફગાવી દેવાઈ હતી.

Related Posts
1 of 262

થોડા દિવસ પહેલાં જ અહીંની નાના ગોરૈયા માઇનરો કમાલપુર સબ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં પડ્યાં હોવાથી પાણીચોરોને મોકળું મેદાન મળી ગયાની વ્યાપક ફરિયાદો ઊઠતાં ખુદ સ્થાનિક ધારાસભ્ય નૌશાદ સોલંકી જાતતપાસ માટે કેનાલોમાં ઊતર્યા હતા. જ્યાં તેમને અનેક ઠેકાણે કેનાલના બાંધકામમાં જ ગોઠવી દેવાયેલી પાઇપો, બકનળીઓ વગેરે મળી આવતાં હોબાળો મચી ગયો હતો. આસપાસનાં ગામોના ખેડૂતો આ દ્રશ્યો જોવા ઊમટી પડ્યા હતા. પછી તો ખેડૂતો અને ધારાસભ્યે મળીને બીજી પણ અનેક પાઇપો કેનાલોમાંથી પકડી પાડી હતી. જેનાથી બારોબાર નર્મદાનું પાણી ખાનગી તળાવોમાં વાળી લેવામાં આવતું હતું.

‘અભિયાન’એ આ મામલે નૌશાદ સોલંકીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, ‘નર્મદા નિગમના અધિકારીઓ છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડ્યાનું કહે છે, પણ અહીં વાસ્તવિકતા સાવ જુદી છે. આ વિસ્તારમાંથી માળિયા, ધ્રાંગધ્રા, ખારાગોઢા, ઝીંઝુવાડા, બોટાદ, વલભીપુર, લીંબડી અને સૌથી મોટી સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ પસાર થાય છે, પણ મોટા ભાગની કેનાલોની માઇનોર કેનાલોનું કોંક્રિટ એટલું નબળું છે કે સામાન્ય પગ મૂકીએ તો પણ તૂટી જાય. નબળી ગુણવત્તાની આ કેનાલોમાં પાણી છોડવામાં આવે તો તે તિરાડો વાટે નાળાં, વોંકળાઓમાં વહીને વેડફાઈ જાય છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, માઇનોર, સબ-માઇનોર કેનાલોની દીવાલોમાં જ ખાનગી લોકોએ ફિટ કરેલી પાઇપો પકડાઈ છે. આવું તો જ બની શકે જો અધિકારીઓ સાથે સાઠગાંઠ હોય.

તેનો સીધો અર્થ એવો પણ થાય કે નર્મદાના અધિકારીઓ બધું જાણે જ છે છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. સ્થાનિકો પાસેથી મારા સુધી વાત પહોંચી છે કે, કેટલાક અધિકારીઓ જ પાણીચોરીના કાળા કારોબારને પ્રોત્સાહન આપીને કમાણી કરે છે. આ બાબતે મેં નિગમનું પણ ધ્યાન દોર્યું છે. છતાં તેમણે ખુદને સવાલ કરવો જોઈએ કે, દરેક વિસ્તારોમાં જો પૂરતું પાણી છોડવાના તેઓ દાવા કરતા હોય તો કેમ છેવાડાના ગામનો ખેડૂત પાણીનો પોકાર કરી રહ્યો છે? હવે ‘અભિયાન’ જ્યારે આ સમસ્યાના જડ સુધી પહોંચ્યું છે ત્યારે આપના માધ્યમથી અમે ઇચ્છીએ છીએ કે, નર્મદા નિગમની કામગીરીમાં કેવી પોલંપોલ ચાલે છે તે સમગ્ર ગુજરાત સુધી પહોંચે. હાલ આ વિસ્તારમાં પાણીની તંગીના કારણે ખેતરોમાં જીરુંનો પાક સૂકાઈ રહ્યો છે. ઘાસચારાની ભારે અછત છે. અગાઉ કપાસ, રાયડાનો ખરીફ પાક નિષ્ફળ રહ્યો છે ત્યારે હવે જીરુંનો પાક પણ નિષ્ફળ જશે તો ખેડૂતોની દશા કફોડી થઈ જશે. એટલે માનવતાથી દ્રષ્ટિએ પણ નર્મદા નિગમ તંત્રે વહેલીતકે પાણીમાફિયાઓ સામે કડક હાથે કામ લેવું જોઈએ. જેની શરૃઆત પોતાના જ વિભાગમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે પગલાં લઈને કરવી રહી.’

ખેડૂત સમજાવે, અધિકારીઓ સાંભળે
આમ તો અહીં દરેક ગામના ખેડૂતોની આગવી સમસ્યાઓ છે. છતાં અમે કેટલીક કોમન સમસ્યાઓનો ઉકેલ શું હોઈ શકે તે તેમની પાસેથી જાણવા પ્રયાસ કર્યો. જેમાં ખેડૂતોએ અમારી ધારણાઓ કરતાં પણ ચડિયાતી કોઠાસૂઝ બતાવી. ગામડાનો અભણ માણસ ભલે ઈન્ટરનેટ નથી વાપરતો, પણ તેને પોતાને પડતી સમસ્યાઓના ઉકેલ શું હોઈ શકે તેની પાકી જાણકારી છે જ. જેમ કે,

(૧) કેનાલો ભલે ઓછી બનાવો, પણ મજબૂત અને ટકાઉ હોવી જોઈએ. જેથી પાણી છોડવામાં આવે ત્યારે તેમાં ભંગાણ ન સર્જાય. અત્યારે કેનાલો સાવ બોદી છે. વર્ષોથી તેમાં પાણી ન આવતું હોવાથી ઠેર-ઠેર ગાબડાં પડી ગયાં છે. નર્મદા નિગમના અધિકારીઓ આ બાબતે અત્યંત બેદરકારી સેવે છે જે ચલાવી લેવાય નહીં.

(૨) જે પણ સીમમાં પાણી આપો ત્યાં પૂરતું આપો, ભલે બાકીની સીમ કોરી પડી રહે. અત્યારે નર્મદા નિગમના અધિકારીઓ કેલેન્ડર બનાવ્યા વિના આડેધડ પાણી આપે છે. તેમની પાસે પાણીના મોનિટરિંગની કોઈ સિસ્ટમ પણ નથી. અમુક સમય બાદ પાણી છેવાડાના ગામમાં પહોંચી ગયું હશે એમ ધારી લેવાય છે. જ્યારે હકીકત સાવ જુદી છે. ઘઉં, જીરું જેવા પાકો ઊગે ત્યાં સુધી સળંગ ૨૦ દિવસ પાણી મળવું જોઈએ. એ પછી અઠવાડિયું પંદર દિવસ ખેંચાય તો વાંધો ન આવે, પણ અધિકારીઓ આ વાત સમજી શકતા નથી જેથી ખેતી બગડે છે. હાલ નર્મદા નિગમે ચારેય બાજુ કેનાલો ફેલાવી દીધી છે, પણ પાણી એકેય ફાંટામાં પહોંચતું નથી.

(૩) સિંચાઈ આધારિત ખેતીમાં વારા સિસ્ટમ ન ચાલે. એમાં તો એક વખત વાવી દીધું એટલે પછી તેને સમય આવ્યે પાણી આપવું જ પડે, નહીંતર પાક ખતમ થઈ જાય. અત્યારે જે ગામનો પાણીચોર નર્મદાના અધિકારીઓને હપ્તો પહોંચાડી દે, તે તરફની કેનાલમાં સતત પાણી ચાલુ રહે છે. બીજા ગામના ખેડૂતોનું પાણી પણ એ કેનાલમાં વાળી દેવામાં આવે છે અને તેમને ટૅક્નિકલ ખામીનું બહાનું કાઢીને સમજાવી દેવાય છે. આવું ન થાય તે માટે વારા સિસ્ટમ બંધ કરવી પડે. જે કેનાલમાં પાણી છોડાય ત્યાં છેવાડા સુધી ન પહોંચે ત્યાં સુધી ચાલુ રાખવું. એ પછી એ જ રીતે બીજી દિશામાં પણ પાણી આપવું જોઈએ.

(૪) હપ્તાખાઉ અધિકારીઓ અને પાણીચોરોની ગેંગને આકરી સજા થવી જોઈએ. ખેડૂતો માને છે કે આવા અધિકારીઓ અને પાણીમાફિયાઓને કાયદેસરની કાર્યવાહી કરી, જેલમાં ધકેલી દેવા જોઈએ. કેનાલોમાં પાણી ચાલુ હોય ત્યારે તેમાં તોડફોડ કરવાને ગંભીર ગુનો ગણાવીને ગુનેગારોને આકરી સજા કરવી જોઈએ.

(૫) સરકારે સરપંચ પાસેથી માહિતી મેળવી, તેમને સાથે રાખી વાવેતરના થોડા દિવસ પહેલાં જ ગામ તથા સીમનાં તળાવો ભરી દેવા જોઈએ. જરૃર પડ્યે તળાવો પર પોલીસ પહેરો પણ ગોઠવી શકાય. આનો ફાયદો એ થાય કે વાવણી પછી તળાવ નજીકના ખેડૂતો તેમાંથી પાણી લેશે અને બાકીના કેનાલોમાંથી.

(૬) પાણી આપવા માટેનું કેલેન્ડર તૈયાર થવું જોઈએ. અત્યારે સ્થિતિ એ છે કે, નર્મદા નિગમના કોઠાસૂઝ વગરના અધિકારીઓ આગોતરી જાણ કર્યા વિના આડેધડ પાણી છોડી દે છે. તેમની પાસે જે-તે પાકને કયા સમયે પાણીની જરૃર પડે તેની પણ પૂરતી માહિતી હોતી નથી. જો પાકની તાસીર પ્રમાણે દરેક ગામને પાણી આપવાનું એક કેલેન્ડર તૈયાર કરી તેનો અમલ કરવામાં આવે તો ખેડૂત નિશ્ચિંત થઈ જાય. આયોજનના અભાવે અત્યારે અડધી રાત્રે પાણી કેનાલોમાં છોડી દેવાય છે. હવે વિચારો, આવી હાડ થીજવી નાખતી ઠંડીમાં ખેતમજૂર કેવી રીતે કામ કરતો હશે?

(૭) અત્યારે કયા ખેડૂતે કેટલું પાણી વાપર્યું તેની કોઈ માહિતી નિગમ પાસે નથી. જો તે રાખવામાં આવે તો ઘણા બધા ખુલાસા થઈ શકે. સરકારે દરેક ખેડૂતને તેણે વાપરેલા પાણીની પહોંચ આપવી જોઈએ જેથી પાણીચોરો ખુલ્લા પડે.

(૮) હાલ નર્મદા નિગમમાં સ્ટાફની ભારે અછત છે તેની પૂર્તિ કરવી જોઈએ. જેથી વહીવટનું વિકેન્દ્રીકરણ થાય અને અધિકારીઓ લાંચ લેતાં ડરે.

(૯) સરકાર ગામેગામ નર્મદાના પાણીના સંચાલન માટે પાણીમંડળીઓ રચવાનું કહે છે, પણ તેનાથી ગામલોકોને અંદરોઅંદર વિવાદ થવાની ભીતિ છે. ખેડૂતોની કોઠાસૂઝ કહે છે કે, પાણીનો વહીવટ જેની પાસે આવે તે આગેવાનો મળતિયાઓને લાભ થાય તે રીતે પાણીની વહેંચણી કરે તેવી પુરી શક્યતા છે. એટલે જો ખરેખર સરકાર છેવાડાના ખેડૂતના ખેતર સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માંગતી હોય તો તેણે વહીવટ ક્યારેય પણ ખાનગી લોકોના હાથમાં આપવો જોઈએ નહીં.
————

Leave A Reply

Your email address will not be published.

Translate »