તમારા માટે, તમારી સાથે, સતત…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અહીં દરેક માટે કંઈક છે!

દુબઈની તર્જ પર હવે અમદાવાદમાં પણ ૧૭થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

0 587

અવસર – નરેશ મકવાણા

દુબઈની તર્જ પર હવે અમદાવાદમાં પણ ૧૭થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ ખરીદોત્સવ કેવી રીતે અનોખો છે તેની વાત કરીએ…

આ લખાઈ રહ્યું છે ત્યારે ૨૦૧૯નું વર્ષ બારણે ટકોરા દઈ રહ્યું છે. સૌ કોઈ તેને આવકારવા આતુર છે અને બરાબર ત્યારે જ અમદાવાદમાં એક મસ્ત મજાનું આયોજન હાથ ધરાઈ રહ્યા વિશે હું લખી રહ્યો છું. દુનિયાભરમાં લોકો નવા વર્ષને આવકારવા ધૂમ ખરીદી કરતાં હોય છે. જેને ધ્યાનમાં રાખીને યુરોપના દેશોમાં તો આ સમયગાળામાં શોપિંગ મૉલ્સ અને ઓનલાઈન રિટેઈલ માર્કેટમાં મસમોટાં ડિસ્કાઉન્ટ અપાય છે. ઘણી દુકાનોમાં તો ડિસ્કાઉન્ટનો લાભ લેવા માટે થઈને લોકો મધરાતથી જ દુકાનો સામે લાઈનો લગાવી દે છે. હાલમાં જ ક્રિસમસ દરમિયાન લંડન અને અમેરિકામાં લોકોએ ગણતરીના કલાકોમાં જ અબજો ડૉલરની ખરીદી કર્યાના સમાચાર ભારતનાં સમચાર માધ્યમોમાં પણ ચમક્યા હતા. સીધી વાત છે, મસમોટું ડિસ્કાઉન્ટ મળતું હોય તો કોને ન ગમે! આપણે ત્યાં આવી ખરીદી માટે દુબઈ શોપિંગ ફેસ્ટિવલ વિખ્યાત છે. જેની ૨૩મી એડિશન  હાલમાં જ ૨૬ ડિસેમ્બરે શરૃ થઈ છે જે આગામી ૨૭ જાન્યુઆરી સુધી ચાલશે. અહીં હજારો રિટેઈલ આઉટલેટ્સમાં તમને ૨૫ ટકાથી લઈને ૭૫ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી જાય છે. મોટી મોટી બ્રાન્ડ, મોટાં ડિસ્કાઉન્ટ જોઈને તમને એવું લાગે જાણે તમે એક બાળક છો જેને કુલ્ફીની દુકાનમાં છૂટું મૂકી દેવાયું છે અને તે નક્કી નથી કરી શકતું કે શું ખરીદવું અને શું નહીં. ત્યાં તમે જેટલી વધારે ખરીદી કરો એટલા જ તમારા કેશ અને ગિફ્ટ મેળવવાના ચાન્સ વધી જાય છે. દુબઈનો એ શોપિંગ ફેસ્ટિવલ માત્ર મૉલ સુધી જ સીમિત નથી, પણ શહેરના ખૂણેખૂણે આવેલી દુકાનો સુધી ફેલાયેલો હોય છે. જ્યાં ખરીદીની સાથે જ લાઈવ પરફોર્મન્સ, ડીજે, યોગા ક્લાસીસ ને ફિલ્મોનું સ્ક્રીનિંગ થાય છે.

હવે વિચારો, દુબઈ શોપિંગ ફેસ્ટિવલ જેવું આયોજન આપણે ત્યાં પણ થાય તો ગમે કે નહીં? જો તમારો જવાબ હા છે, તો સમજી લો તમારી આશા ફળી રહી છે. કેમ કે નવા વર્ષની શરૃઆતમાં જ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટની સમાંતરે સ્થાનિક વેપારીઓ અને ખરીદીનું માત્ર બહાનું શોધતાં ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં  મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન હાથ ધરાયું છે. આ શોપિંગ ફેસ્ટિવલમાં એ બધું હશે જે તમે ઇચ્છો છો. અત્યાર સુધી વાયબ્રન્ટ ગુજરાતમાં સરકારી અધિકારીઓ, મોટા ઉદ્યોગપતિઓ સિવાય બહુ-બહુ તો પતંગરસિયાઓને રસ પડતો. એ સિવાયના લોકો માટે જાણે આખા પ્રસંગનું કોઈ મહત્ત્વ જ નહોતું. એમાં પણ અમદાવાદી વેપારી અને નાગરિકોને સતત એવું લાગ્યા કરતું હતું કે, આટલાં મોટાં આયોજનનો તેમને કોઈ ફાયદો નથી થઈ રહ્યો, પણ હવે લાગે છે કે વાયબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ આ માન્યતા તોડશે. કેમ કે તેના કેન્દ્રમાં સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકો છે. ૧૭થી ૨૮ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન આયોજિત આ ખરીદોત્સવમાં અમદાવાદીઓ રિટેલર દ્વારા આપવામાં આવતી ડિસ્કાઉન્ટ ઑફરો ઉપરાંત ફૂડ ફેસ્ટિવલ અને અનેકવિધ મનોરંજનના કાર્યક્રમોની મજા પણ માણી શકશે.

Related Posts
1 of 142

કાર્યક્રમની જાણકારી આપતાં અમદાવાદનાં મેયર બીજલ પટેલ કહે છે, ‘દર વર્ષે દુબઈમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની તર્જ પર આ આયોજન કરાયું છે. શોપિંગ, પ્રવાસન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષવાનો અમારો ઉદ્દેશ છે. આ કાર્યક્રમને સફળતા મળશે તો અમે દર વર્ષે તેનું આયોજન કરવા વિચારીએ છીએ. આ ફેસ્ટમાં વિવિધ ક્ષેત્રનાં ૮૦ જેટલાં સંગઠનો ભાગ લઈ રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટે ખાસ વ્યવસ્થા કરી છે. મને વિશ્વાસ છે કે, ઉત્સવપ્રેમી અમદાવાદીઓને આ નવું નજરાણું જરૃર ગમશે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા શોપિંગ ફેસ્ટિવલની રૃપરેખા અને રજિસ્ટ્રેશનની પદ્ધતિ વિશે વાત કરતાં કહે છે, ‘સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોને ફાયદો થાય તે હેતુ સમગ્ર શહેરમાં આ શોપિંગ ફેસ્ટિવલ ઉજવાશે. તેમાં ભાગ લેવા માટે વેપારીએ નવરંગપુરા સ્થિત ઑફિસમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ત્યાર બાદ તેમને શોપિંગ ફેસ્ટિવલની કિટ આપવામાં આવે છે, જેમાં ફેસ્ટિવલના પ્રચારને લગતી વસ્તુઓ હોય છે. ગયા વર્ષે મુંબઈમાં આ પ્રકારનું આયોજન હાથ ધરાયું હતું, પણ ધારી સફળતા નહોતી મળી. એટલે અમે તેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરીને આગળ વધી રહ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ શોપિંગ ફેસ્ટિવલને ગુજરાતીઓનો બહોળો પ્રતિસાદ મળશે. અહીં ગ્રાહકો માટે જંગી ડિસ્કાઉન્ટ, ઑફરો અને દર કલાકે તગડાં ઇનામ જીતવાની પણ તકો છે. ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન દ્વારા કેટલીક જગ્યાઓએ રાત્રે પણ બજારો ખુલ્લાં રખાશે જ્યાંથી ગ્રાહક ખરીદી કરી શકશે. સમગ્ર ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રયોગ છે. આ સિવાય ફેસ્ટિવલમાં હેરિટેજ વૉક, ખાણીપીણી બજાર, આર્ટ એન્ડ ક્રાફ્ટ, નાટકો, ફિલ્મોત્સવ, સેમિનાર અને કલાકારોનાં લાઈવ પરફોર્મન્સ સહિતનાં આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે. ગ્રાહકને તેની નજીકની દુકાનની માહિતી મળે રહે તે માટે મોબાઇલ ઍપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જે ડાઉનલોડ કરીને ગ્રાહક શોપિંગ ફેસ્ટિવલને લગતી માહિતી મેળવી શકશે. ટૂંકમાં, ગુજરાત સહિત દેશવિદેશમાં વસતાં લોકો માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એક યાદગાર અનુભવ બની રહેશે.

સમગ્ર આયોજનની જવાબદારી રાજ્ય સરકારે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનને સોંપેલી છે. જેમણે સરકારના કહેવાથી વાયબ્રન્ટ ગુજરાત શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝેશન ફેડરેશન નામનું ટ્રસ્ટ રચીને જવાબદારીઓ ઉપાડી લીધી છે. સંસ્થાના પ્રમુખ જયેન્દ્ર તન્ના આયોજનની વિગતો વર્ણવતાં કહે છે, ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ અનેક રીતે ખાસ છે. એક તો વર્ષો પછી સરકારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે હાથ મિલાવ્યો છે. છેલ્લે કસ્તુરભાઈ લાલભાઈએ ચેમ્બર સાથે મળીને કામ કરેલું. અમે ઇચ્છતા હતા કે વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવતાં લોકોનો સ્થાનિક વેપારીઓને પણ લાભ મળે.

આથી દુબઈની તર્જ પર આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. ફેસ્ટિવલમાં પૂર્વ અમદાવાદના નિકોલથી પશ્ચિમ અમદાવાદના છેક બોપલ સુધીના બંને તરફના પટ્ટાને આવરી લેવાયો છે. ૨૦ હજાર  વેપારીઓ અને નાના-મોટા ૩ લાખ દુકાનદારો તેમાં ભાગ લેવાના છે. ઑટોમોબાઇલ, હાર્ડવેર, પેપર, ઑઇલ, ગારમેન્ટ્સ, ફૂટવેર સહિત ૮૦ પ્રકારનાં સંગઠનો અમારી સાથે જોડાયેલાં છે. તો મહિલાઓને પ્રોત્સાહન આપવા રિવરફ્રન્ટ ખાતે ખાસ બજાર ઊભું કરવામાં આવશે. શહેરના મ્યુનિસિપલ માર્કેટ, ઢાલગરવાડ, રતનપોળ, માણેકચોક સહિતનાં જાણીતાં માર્કેટને સજાવવામાં આવશે. ગ્રાહક માટે વેપારીઓ ડિસ્કાઉન્ટ ઑફરો પુરી પાડશે. દરેક રૃ. ૫૦૦ની ખરીદી પર તેઓ ગ્રાહકને એક ઇનામી કૂપન આપશે. જેનો દરરોજ ડ્રો યોજાશે અને વિજેતા ગ્રાહકોને ઇનામ આપવામાં આવશે. આ રીતે દરરોજ ૧૩૯૨ ઇનામોનું વિતરણ કરવામાં આવશે. ફેસ્ટિવલ દરમિયાન શહેરની જાણીતી રેસ્ટોરાંઓ વાયબ્રન્ટ થાળી પીરસવાની છે જેમાં અનેક સ્પેશિયલ વાનગીઓ હશે. આ સિવાય રોજ સવારે શહેરના ૪૦ પસંદગીના બગીચાઓમાં યોગા, જુમ્બા, ધ્યાન અને ફ્રી આરોગ્ય ચકાસણીના કાર્યક્રમો યોજાશે. રંગભૂમિના રસિયાઓ માટે કોર્પોરેશનનાં ઑડિટોરિયમોમાં સેલિબ્રિટી નાટકોના શૉ યોજાવાના છે, તોે સિટી ગોલ્ડ સિનેમા ખાતે જાણીતી ગુજરાતી ફિલ્મોનું ફ્રી સ્ક્રીનિંગ પણ થશે.

ફેસ્ટિવલ વિશે લોકોને જાણકારી મળે તે માટે ૨૭ જેટલાં સ્થળો પર કલાકારો પરફોર્મન્સ કરીને પ્રચાર કરતાં રહેશે.  છેલ્લે, ૧૮ જાન્યુઆરીએ નિકોલમાં બેટી બચાવો ગ્રાઉન્ડ પર ભવ્ય લોકડાયરો, ૨૦ જાન્યુઆરીએ કાંકરિયા ટ્રાન્સટેડિયામાં મ્યુઝિક કોન્સર્ટ અને ૨૯ જાન્યુઆરીએ સમાપન સમારંભમાં મેગા લકી ડ્રો તથા બોલિવૂડ કોન્સર્ટ યોજાશે.ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી માસમાં વિશ્વના ઘણા દેશોમાં ઠંડીનું પ્રમાણ વધતાં એનઆરઆઈ પરિવારો વૅકેશન કે લગ્નો માટે ગુજરાત આવતાં હોય છે, ત્યારે તેમને એક જ જગ્યાએ બધી વસ્તુઓ મળે તે માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ એક મંચ પુરો પાડશે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે જોવાનું એ રહેશે કે  વાયબ્રન્ટ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ  લોકોને કેટલા આકર્ષી શકે છે.
————-

Leave A Reply

Your email address will not be published.

Translate »